Highway books and stories free download online pdf in Gujarati

રાજમાર્ગ

વંદન પરીખ એકદમ સીધો સાદો માણસ ! અઠ્ઠાવીસ વરસની ઉંમર. હંમેશા પોતાની દુનિયામાં જ જીવનારો જીવ ! એ ભલો અને એનું કામ ભલું. ભાવનગરની સ્ટેટ બેન્કમાંથી અમદાવાદ નવરંગપુરા ની એક મોટી બ્રાંચમાં એની બદલી થઈ .

વતનમાં બદલી થઈ એટલે પરિવાર જેટલો ખુશ થયો એટલી ખુશી વંદનને ના થઇ ! બેંકની આ બ્રાન્ચમાં કામ નો લોડ વધારે પડતો હતો. અને એ આખો દિવસ ટેન્શનમાં રહેતો. એક પણ વાઉચર જો આઘુપાછું થાય તો આવી જ બને !! જાતજાતના કસ્ટમર્સ આવતા એમને પણ સંભાળવાના !!

અને આ બધું તો ઠીક પણ પગાર ખૂબ જ ઓછો પડતો હતો. હજુ બે વર્ષથી જ નોકરીએ લાગેલો એટલે ફીક્સ પગાર મળતો. પોતે એકનો એક દીકરો હતો. મા બાપ પણ હવે સાથે રહેતા હતા. પત્ની હતી અને બે નાના બાળકો હતા. આટલા પગારમાં ગમે એટલી કરકસર કરો તો પણ પૂરું થતું નહોતું.

' સાઈડમાં કંઈક તો કરવું જ પડશે' - એવું એ વિચારતો. બેંકનો કેટલોક સ્ટાફ રોજ શેરબજારની જ વાતો કરતો અને રોકાણ પણ કરતો. પણ વંદનને શેરબજારમાં કંઈ ગતાગમ પડતી નહીં. બીજાની સલાહ થી એ કોઈ રોકાણ કરે અને બજાર તૂટી જાય તો ? એની હિંમત ચાલતી નહોતી.

બે-ત્રણ મહિના આ બ્રાંચમાં નોકરી કર્યા પછી એણે જોયું કે ઈનસ્યોરન્સ વિભાગમાં નોકરી કરતો મેકવાન નામનો એક ક્લાર્ક ખૂબ જ જલ્સા કરતો હતો. આખા ય સ્ટાફ માં પાણી ની જેમ પૈસા વાપરતો. કેન્ટીનમાંથી રોજ એકવાર ચા એના તરફથી જ આવતી. સ્ટાફના કેટલાક નાના કર્મચારી એની પાસેથી વ્યાજે પૈસા પણ લેતા અને હપ્તા ચૂકવતા.

એ આટલા બધા પૈસા કઈ રીતે કમાતો એ વંદન માટે કુતૂહલનો વિષય હતો. એ પણ બેંકમાં જ નોકરી કરતો હતો ને ? તો આટલી બધી વધારાની આવક એની પાસે કઈ રીતે આવતી ? - વંદન ઘણી વાર વિચારતો.

ઘણા દિવસ ના મનોમંથન પછી એણે એક વાર મેકવાનને મળવાનું નક્કી કર્યું. થોડા દિવસ એણે મેકવાન ને હાય હલો કરવાનું ચાલુ કર્યું અને પછી એક દિવસ રિસેસના સમયે એ મેકવાન પાસે પહોંચી ગયો !

" કેમ છો મેકવાન ભાઈ ? તમે તો બેન્કમાં જલસા કરો છો સાહેબ !! આખી બેન્ક તમને સલામ કરે છે. અમને પણ આવો પૈસા કમાવાનો કોઈ રસ્તો બતાવો !! " વંદને ધીમે રહીને કહ્યું.

" શું નામ તમારું ? " મેકવાને કહ્યું.

" હું વંદન પરીખ... અઢી મહિના પહેલા ભાવનગર થી મારી અહીંયા બદલી થઇ છે ત્યાં સામે લોનનું ટેબલ સંભાળું છું. "

" હા એ મને ખબર છે પણ મારી પાસે પૈસા કમાવાનો એવો કોઈ શોર્ટ કટ નથી પરીખભાઈ .... સોરી ! પહેલેથી હું સુખી ઘરનો છું. શોખથી બેંકની નોકરી કરું છું અને દિલથી પૈસા વાપરું છું." મેકવાને. વંદનની સામે જોઈને કહ્યું.

" સારુ કહેવાય.. . બધાને તમારો લાભ મળે છે. નાના નાના કર્મચારીઓને તમે હેલ્પ પણ સારી કરો છો " વંદને થોડો મસ્કો લગાવીને વાતની પૂર્ણાહુતિ કરી.

વંદન ત્યાંથી તો ઉભો થઇ ગયો પણ એને મેકવાનની વાતથી સંતોષ થયો નહીં. નવો પરિચય હતો એટલે સાવ નવા માણસને એ ભલે અમુક વાતો ન કરે પણ નક્કી આ માણસ સાઈડમાં કંઇક તો કરે જ છે. વંદને એ પણ નોંધ લીધી કે મેકવાન રોજ સાંજે ૪ થી ૫ એક કલાક માટે મોટાભાગે ઓફિસની બહાર જ હોય છે.

આમને આમ ત્રણેક મહિના નીકળી ગયા પૈસાની ઘરમાં બહુ જ ખેંચ પડતી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે પણ રાત્રે ઘણી ચર્ચા થતી રહેતી.

" તમે કહેતા હો તો હું સિલાઈ નું કામ ચાલુ કરું ? ઘરે આમ પણ નવરી જ બેઠી હોઉં છું. આપણી સોસાયટીમાં એક બેન ને સિલાઈ મશીન વેચી દેવાનું છે તો થોડું સસ્તામાં પડશે."

" તારે કંઈ કરવું નથી માધવી. હું કંઈક વિચારી રહ્યો છું. સાઈડમાં પાર્ટ ટાઈમ કોઈ નોકરી મળી જાય તો સાંજના સમયે ત્રણ ચાર કલાક ખેંચી લઉં. એકાઉન્ટસ નું કામ તો મને આવડે છે પણ એમાં કેટલાક લોકો જામેલા છે એટલે આપણા સુધી કામ નથી આવતું. આમાં ઓળખાણ કામ કરી જાય છે "

" હું સમજુ છું પણ હવે ખરેખર બહુ જ ખર્ચા વધી રહ્યા છે. આ વખતે કરિયાણું પણ ઉધાર લાવવું પડ્યું. કરિયાણા વાળો પણ પહેલા તો ઉધાર આપવાની ના જ પાડતો હતો. પણ તમે બેન્કમાં છો એમ કહ્યું ત્યારે માની ગયો. પણ દર પહેલી તારીખે પૈસા ચૂકવી દેવા પડશે એ શરતે એ માન્યો. "

" બા-બાપુજીના દવાઓના ખર્ચ પણ વધતા જાય છે. રોહનને પણ હવે ટ્યુશન ગોઠવવું પડશે તેમ લાગે છે. એનું રિઝલ્ટ નબળું આવ્યું છે. બાળકો નાના હતા ત્યાં સુધી હું ભણાવી લેતી પણ હવે એ લોકોના વિષયોમાં મને તો કંઈ ખબર જ નથી પડતી. અને ઇંગ્લીશ મીડીયમ છે એટલે ગણિત પણ સમજાતું નથી"

" હું બધું જ સમજુ છું માધવી. મોંઘવારી પણ એટલી બધી છે અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલો ના ખર્ચા પણ !! મારે હવે કંઈક કરવું જ પડશે." વંદને પત્નીને સાંત્વના આપી.

પણ વંદન ને વધુ દિવસ રાહ જોવી પડી નહીં. ચાર વાગે બધું કામ પતી ગયા પછી એ એના કોમ્પ્યુટર માં કેટલીક એન્ટ્રીઓ કરી રહ્યો હતો ત્યારે મેકવાન એની પાસે આવ્યો.

" બેંક બંધ થઈ જાય એટલે ગિરીશ કોલ્ડ ડ્રીંકસ ઉપર આવી જાઓ. તમારી રાહ જોઉં છું. " મેકવાન ધીરેથી બોલ્યો ને જતો રહ્યો.

છ વાગ્યે વંદન ગિરીશ કોલ્ડ્રિંક્સ ઉપર પહોંચી ગયો ત્યારે મેકવાન ત્યાં જ ઉભો હતો. મેંગો જ્યૂસ ઓર્ડર કરીને મેકવાને વાત ચાલુ કરી. "સાઈડ ઇન્કમ કરવી હોય તો એક તક મારી પાસે આવી છે. મને તો એમાં ઇન્ટરેસ્ટ નથી પણ તમે તે દિવસે મને વાત કરેલી એટલે મેં તમને અહીં બોલાવ્યાં. "

" થેન્ક્યુ મેકવાન ભાઈ . તમે મારી વાત યાદ રાખી. પાર્ટ ટાઈમ નોકરી કરવામાં મને કોઇ જ વાંધો નથી. બે પૈસા કમાઈશ તો ઘરનો ખર્ચો પૂરો કરવામાં વાંધો નહીં આવે. ક્યાં નોકરી કરવાની છે ? હું તૈયાર છું. "

" પરીખભાઈ આ કોઈ નોકરી નથી. પૈસા કમાવાની આ એક તક છે. બે નંબર નું કામ છે. થોડો રસ લેવાનો છે બસ. મહિને વીસ પચીસ હજાર આરામથી મળી જશે. દસ વાર વિચાર કરીને જવાબ આપજો કોઈ ઉતાવળ નથી. "

ત્યાં સુધીમાં મેંગો જ્યૂસ આવી ગયા. જ્યૂસ પીને મેકવાને બિલ ચૂકવી દીધું અને નીકળી ગયો.

વંદન ક્યાંય સુધી બેસી રહ્યો. બે નંબરનો ધંધો હતો. આવક ઘણી સારી હતી. હા પાડવી કે ના પાડવી ? મેકવાને વિગતવાર વાત નહોતી કરી. ઈશારો કર્યો હતો કે બે નંબરના ધંધો છે. શું સમજવું ?

ઘરે જઈને પણ આખી રાત મનોમંથન કરતો રહ્યો. શું કામ કરવાનું છે એ તો એકવાર જાણવું જ પડશે મેકવાન પાસેથી. હા કે ના નો નિર્ણય તો એ પછી જ લઈ શકાય ને ?

બે દિવસ પછી એણે મેકવાનને કહ્યું " મારે તમને મળવું છે "

અને એ જ સાંજે ફરી એ જ જગ્યાએ વંદન મેકવાન ને મળ્યો.

" મેકવાનભાઈ તમારી વાત ઉપર મેં ઘણો વિચાર કર્યો છે પણ કામનો પ્રકાર જાણ્યા વગર તો હું હા કે ના કઈ રીતે કહી શકું ? બે નંબરના કામ અનેક હોઈ શકે. મારે શું કરવાનું છે એની જરા સ્પષ્ટતા કરો તો હું કોઈ નિર્ણય લઈ શકું."

" જુઓ પરીખભાઈ, કેટલાક ધંધા એવા હોય છે જેની જાહેર માં ચર્ચા ન હોય. અને એકવાર તમે એ ધંધામાં ઘૂસ્યા એટલે તમે ક્યારેય પણ પાછા નહીં વળી શકો. તમે ધારો તો આ કામમાં માલામાલ પણ થઈ શકો પણ એ તમારી હિંમત ઉપર આધાર છે. તમે સો ટકા તૈયાર હો તો જ આગળ વાત કરાય નહીં તો આપણે છુટા પડીએ. તમને પંદર દિવસનો ટાઈમ આપું છું."

મંથન હવે ખરેખર મૂંઝાઈ ગયો હતો. એ સીધો સાદો માણસ હતો. ફેમિલી વાળો હતો. આવા બે નંબરના ધંધા માં કાલ ઊઠીને કંઈક થઈ જાય અને પોતે ફસાઈ જાય તો બિચારું મારૂ ફેમીલી બરબાદ થઈ જાય ! ના ના મારે આમાં પડવા જેવું નથી !!

માનવી જન્મથી ખરાબ નથી હોતો પણ ક્યારેક સંજોગો એને કંઈક ખોટું કરવા પ્રેરતા હોય છે. વંદન ના પપ્પા ને બે દિવસ પછી અચાનક પેશાબ બંધ થઈ ગયો. તાત્કાલિક બાજુની હોસ્પિટલમાં એડમીટ કર્યા. પ્રોસ્ટેટનું કેન્સર નીકળ્યું. એમને તત્કાલ ઓપરેશન કરાવવું પડ્યું. પોતાની થોડી ઘણી બચત હતી તે પણ ખર્ચાઈ ગઈ અને થોડા પૈસા મિત્રો પાસેથી ઉછીના લેવા પડ્યા. વંદન હવે ખરેખર ખૂબ ટેન્શનમાં આવી ગયો. પંદર દિવસ પૂરા થઈ ગયા હતા.

હવે તો કંઈક કરવું જ પડશે. બે નંબર તો બે નંબર. જોયું જશે. બેંક બેલેન્સ પણ ખલાસ થઇ ગયું છે. આમને આમ મરી મરી ને જીન્દગી નહિ જીવાય. આજે જ મેકવાનને મળી લઉં.

" મેકવાનભાઈ મેં નિર્ણય લઈ લીધો છે. આજે આપણે મળીએ છીએ. " વંદને મેકવાન ના ટેબલ પાસે જઈને ધીમેથી વાત કરી અને પોતાના કાઉન્ટર પર જતો રહ્યો.

સાંજે છ વાગે ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ ઉપર ફરી પાછા બંને ભેગા થયા. સૌથી પહેલા જ્યુસ પી લીધો.

" મારે શું કરવાનું છે એ મને કહો અને મને દર મહિને કેટલી રકમ મળશે એ પણ ખુલાસો કરો."

" જુઓ પરીખભાઈ તમે એકવાર હા પાડશો એટલે હું તમારી મુલાકાત પાર્ટી સાથે કરાવી દઈશ. પણ પછી તમે ના નહીં પાડી શકો !! બે નંબરના ધંધા નો આ નિયમ છે. આ ધંધામાં પોલીસનું પણ જોખમ રહે છે. ના થાય તો વર્ષો સુધી કંઈ પણ ન થાય. કિસ્મત સાથ ના આપે તો પકડાઈ જવાય. તમે સારા માણસ લાગો છો એટલે આટલી વાત કરું છું. "

" મેં હવે નક્કી કરી જ લીધું છે મેકવાનભાઈ. આ પાર કે પેલે પાર... હવે વધારાની કમાણી વગર ચાલે તેમ નથી. ગમે તેવું રિસ્ક હશે તો પણ હું તૈયાર છું. "

" ઠીક છે. ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવાની છે. તમારે રોજ તમારા એકટીવા ઉપર ચોક્કસ જગ્યાએ માલ પહોંચાડી દેવાનો. બસ રોજ માત્ર એક જ ટ્રીપ કરવાની રહેશે. મહિને વીસેક હજાર તો મળી જ જશે. તમે જેટલું વધુ કામ હાથમાં લો એટલા તમને વધારે પૈસા મળે. બોલો આ કામ ફાવશે ? "

" મેકવાનભાઈ મારી પાસે કોઈ ચોઈસ નથી. હું તૈયાર જ છું. બોલો હવે કેવી રીતે કરીશું ? "

" ઠીક છે પરમ દિવસ રવિવાર છે તમે દસ વાગે આ જગ્યાએ જ આવી જજો. હું તમને મુન્નાભાઈ પાસે લઈ જઈશ. "

વંદન સમય પ્રમાણે રવિવારે એકટીવા લઈને પહોંચી ગયો. મેકવાન એને અમરાઈવાડીના અડ્ડા ઉપર લઈ ગયો. મુન્નાભાઈ ને જોઈને બે મીનીટ તો વંદન ને પાછા વળી જવાનું મન થયું. એને લાગ્યું કે એ જાણે અંડરવર્લ્ડમાં આવી ગયો !!

" અરે મેકવાન... યે કિસ કો ઉઠા કે લાયા ? યે તો પઢા લિખા લગતા હૈ ! યે સાલા કેરિયર કા કામ ક્યા કરેગા ? "

" મેરા ભરોસા કરો મુન્નાભાઈ. ઉસકો પૈસો કી જરૂરત હૈ ઓર એકદમ નેક આદમી હૈ . મેં ભી તો પઢા લીખા હી હું ના !! વો માલ પહુચા દેગા ભાઈ ! મેં ઉસકો બબલુ સે ઔર ઉસ્માનભાઈ સે ભી મિલવા દુંગા "

" ઠીક હે રખ લેતા હું" કહીને મુન્નાભાઈ એ મારી સામે જોયું " રોજ શામ કો સાત બજે યહાં આ જાને કા ! યહા મેકવાન તુમ કો મિલેગા ! તુમકો માલ ઓર એડ્રેસ દે દેગા . તુમ ડિલિવરી કર દેના. બાકી બાતે મેકવાન તુમ કો સમજા દેગા ! "

વંદન વાતચીત કરીને ત્યાંથી ભાગી નીકળ્યો. હવે વંદન ને ખ્યાલ આવી ગયો કે મેકવાન પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવતા હતા !! અડ્ડા માં ગયા પછી એ ખરેખર ટેન્શનમાં આવી ગયો હતો. એનો અંતરાત્મા એને સતત ડંખતો હતો !

વંદન ને ભાવનગર નો સત્સંગ યાદ આવી ગયો. એ જ્યારે ભાવનગરમાં હતો ત્યારે દર શનિવારે સાંજે એક સત્સંગ માં જતો. ત્યાં આશ્રમમાં એક સંત પુરુષ એક કલાક પ્રવચન કરતા. પોતાના વ્યાખ્યાનમાં અનેકવાર એ કહેતા કે -

" જીવનમાં ગમે તેવી તકલીફો આવે પણ હંમેશા રાજમાર્ગ પકડવો. કદી પણ શોર્ટ કટ શોધવાનો પ્રયત્ન ન કરવો. ટૂંકો માર્ગ શોધવામાં ખોટા માર્ગે ચડી જવાનો ભય હોય છે. રસ્તો ભલે લાંબો હોય ધીરજથી પસાર કરવો. લાંબા રસ્તે કોઈને કોઈ માર્ગદર્શક મળી જ જાય છે. ટૂંકા રસ્તે નહીં. "

એ આખી રાત તેને ઊંઘ ન આવી. મુન્નાભાઈ બબલુ ઉસ્માનભાઈ .... હે ભગવાન... હું કયા રસ્તે ચડી ગયો !!! વંદન આખી રાત મંથન કરતો રહ્યો. દારૂની હેરાફેરી કરવાનું આ કામ એના સ્વભાવને બિલકુલ અનુકુળ નહોતું. સવારે ઉઠીને એણે માધવી ને કહ્યું.

" પેલા બેન સિલાઈ મશીન સસ્તા ભાવે વેચવાના હોય તો લઈ લે . ધીમે ધીમે સિલાઈ નું કામ ચાલુ કરી દે. અને આમ પણ તને સિલાઈ તો આવડે જ છે. હું પણ નાનું મોટું કામ શોધી રહ્યો છું. "

વંદન સવારે રોજ કરતા જરા વહેલો ઓફિસ પહોંચી ગયો. જેવો મેકવાન દેખાયો કે તરત એને બે મિનિટ માટે બહાર લઈ ગયો.

" મેકવાનભાઈ મને માફ કરી દેજો. આખી રાત હું સૂતો નથી.... આ કામ મારું નથી.... ભૂખે મરી જાઉં પણ આવું કામ હું ના કરી શકું !... અને તમે ચિંતા ના કરો.... હું તમારા વિશે કંઈ જ જાણતો નથી..... તમે શું કરો છો શું નહીં મને કોઈ મતલબ નથી.... અને હું કોઈને કહેવાનો પણ નથી... ગોડ પ્રોમિસ !! " વંદન બે હાથ જોડીને બોલ્યો. .

" ઓકે પરિખભાઈ..... પણ આ વાત ભૂલેચૂકે પણ બહાર આવવી ના જોઈએ... નહીં તો મુન્નાભાઈ કેવા માણસ છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી !! " અને મેકવાન જતો રહ્યો.

સારી નીતિ અને સારા વિચારોનુ ક્યારેક તો પરિણામ મળતું જ હોય છે. માધવીનું સિલાઈ કામ ખૂબ જ સારું ચાલવા માંડ્યું. આખી સોસાયટીની સ્ત્રીઓ એની પાસે બ્લાઉઝ અને ડ્રેસ સીવડાવવા આવતી.

એટલું જ નહીં એક કસ્ટમરની લોન પાસ કરાવવામાં વંદને અંગત રસ લીધો એટલે એના રેફરન્સથી સુરત જઈ હોલસેલમાં કેટલાક સસ્તા ડ્રેસ, સાડીઓ અને ડ્રેસ મટીરીયલ પણ વંદન ઉધાર લઈ આવ્યો. અને સારા એવા માર્જીનથી આ બધું વેચાવા લાગ્યું. ધંધો જામતો ગયો.

છ મહિનામાં તો મહિનાની આવક ચાલીસ થી પચાસ હજાર સુધી પહોંચી ગઈ. હવે વંદન નું ટેન્શન ઘણું ઓછું થઈ ગયું. ધંધો જામી ગયો હતો. માધવી બિઝનેસમાં વ્યસ્ત રહેતી એટલે એક કામવાળી બાઈ પણ રાખી હતી.

પરંતુ મેકવાન ની હાલત સૌથી ખરાબ હતી. એ જે અડ્ડા ઉપર બેસતો એ મુન્નાભાઇ ના અડ્ડા ઉપર પોલીસની રેડ પડી હતી અને મેકવાન ઇંગ્લીશ દારૂની બોટલો સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો. છ મહિનાની એને જેલ થઈ હતી જેના કારણે એની બેંકની નોકરી ચાલી ગઇ હતી. છાપામાં નામ આવી ગયું હતું એ વધારાનું !!

વંદન ની નોકરી બેંકમાં ચાલુ જ હતી. એ જ્યારે પણ મેકવાનના ટેબલ ઉપર નજર નાખતો ત્યારે એ મનોમન ઇશ્વરનો આભાર માનતો કે...

" હે પ્રભુ તારી લીલા અપાર છે. તેં જ મને બચાવી લીધો !! તારી કૃપાથી જ હું રાજમાર્ગ ને વળગી રહ્યો "

અશ્વિન રાવલ (અમદાવાદ)