Madhurajni - 18 books and stories free download online pdf in Gujarati

મધુરજની - 18

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૧૮

નીનીની વાતોએ શ્વેતાને રસ તરબોળ કરી મૂકી. આવી વાતો તે વળી કોણે કહે ? અંગત સખી પાસે જ થાયને ?

એ સમયે તો શ્વેતા પણ એ વાતોમાં ભીંજાઈ ગઈ. નીની શું કહેતી હતી ? તેનો ચહેરો પ્રસન્નતાથી ભરપૂર હતો.

‘શ્વેતાડી....શું કહું તને ? આ અનુભવો તો.....’

શ્વેતા પણ ધબકવા લાગી હતી.

ફોટાઓ જોયા. વિકાસ પણ સરસ લાગ્યો. અનાયસે.......નીનીના ચહેરા સાથે માનસીના ચહેરાની તુલના થઈ ગઈ. અને મેધ પણ ઊભો રહી ગયો, સાવ અડોઅડ- આ મસ્ત પુરુષ સાથે. કશું હતું જ એ લોકોને ? શ્વેતા નિષ્કર્ષ પર આવી હતી. પોતાનો વિચાર પણ આવ્યો જ હતો. તે પણ યૌવનમાં પ્રવેશેલી-સ્ત્રી જ હતીને ?

તેણે પણ આવાં જ અનુભવોમાંથી ગુજરવું પડશે ને ? બીજી જ પળે વિચાર આવ્યો હતો કે આ કાંઇ એક ને એક, બે જેવો નિયમ થોડા હતી. કશું પણ બની શકે. માનસીનું દ્રષ્ટાંત સામે જ હતું. સુખાનુભાવો તો સાંભળ્યા પરંતુ માનસીભાભીની વાતોનું શું ?

સાંજે તે પાછી ફરી ત્યારે ઘરમાં ઉત્સવનું વાતાવરણ હતું. લત્તાબેન પૂરણપોળી માટેનો માવો તૈયાર કરતાં હતાં. માનસી મદદ કરતી હતી. નરેન્દ્રભાઈ પણ સામેજ બેઠા હતા, કોઈ પુસ્તક લઈને.

‘સોડમ સરસ આવે છે પછી પુસ્તકમાં જીવ ક્યાંથી રહે, તું જ કહે, માનસી ?’ તેઓ હળવાશથી કહી રહ્યા હતા, લત્તાબેન મલકી રહ્યાં હતાં.

‘સાચી વાત, પપ્પા.’ માનસીએ સસ્મિત ઉત્તર આપ્યો હતો. પપ્પા શબ્દ સાથે તેને સુમંતભાઈની યાદ આવી હતી. ક્યાં હશે ?

કુશળ તો હશેને ? તે ક્યારેય સુમંતભાઈથી અળગી થઈજ નહોતી. માં તો છૂટી ગઈ હતી, વર્ષોથી. અને એ સહુમાં ભળી ગઈ શ્વેતા. ‘મેધભાઈ નથી આવ્યા હજી ?’ તેણેમનમાં રમતો પ્રશ્ન પૂછી નાખ્યો. લત્તાબેનની નજર ભીંત-ઘડિયાળ પર ગઈ. ‘હવે આવવો જ જોઈએ. બસ, તે આવે પછીજ પૂરણ પોળી ઉતારવા માંડુ- ગરમ ગરમ.’

પણ મેધ ન આવ્યો. વાતાવરણમાં ચિંતા, ઉચાટ ભળ્યાં. પેલી મીઠી સોડમ ક્યાંય ઓગળી ગઈ.

છેક મોડેથી......મેધનો ફોન આવ્યો. ‘ખૂબ મોડું થયું છે. હજી કામ પત્યાં નથી. હવે કાલે જ આવીશ.’ નરેન્દ્રભાઈએ કશું વિશેષ પૂછ્યું નહીં. લત્તાબેને તો પૂછપરછ માંડી હોત. શું થયું ? ક્યુ કામ ના પત્યું ? જમ્યો કે નહીં ? અને સવારે.....? પછી તું રાતે રહીશ ક્યાં ? આપું માનસીને, લે કર વાત.’

પણ એ કશું ના બન્યું. માનસીનો ચહેરો પડી ગયો. તેના મનમાં પણ પ્રશ્નો તો હતાં જ. મેધે, જતા પહેલાં, તેને ક્યાં કશું જણાવ્યું હતું કે તે શહેરમાં જઈ રહ્યો હતો ?

આ તો તેની સરાસરની અવગણના જ હતી. અને હવે તો, શ્વેતા પણ એ વાત જાણી ચૂકી હતી. એક પણ દિવસ એવો નહોતો ઉગતો કે જેમાં તેને ચિંતા ના હોય. તે આમ તો રડી જ પડત, પણ સહુની હાજરીમાં રડાય ? ‘કેવી ઢીલી પડી ગઈ માનસી ?’ લત્તાબેન વિચારતાં હતાં. બસ......આ જ દાંપત્ય. માત્ર થોડાં દિવસોનો સંબંધ અને કેટલી લાગણી જન્મતી હોય.

લત્તાબેન તેમના અતીતમાં પડી ગયા. શ્વેતા માનસીને પાસે આવી હતી, પાસે બેસી ગઈ હતી. ‘માનસીભાભી....અકળાશો નહીં. બધાં સરાં વાનાં થશે. મને શ્રદ્ધા છે. અને ન્યાય મેળવવાની હામ પણ....’ તેણે માનસીના ખભા પર હાથ મૂક્યો. તેના શબ્દોમાં સહાનુભૂતિ જ નહોતી, એક આગ પણ હતી.

બરાબર એ સમયે મેધ સોનલદેની સામે બેઠો હતો. મેધ સોનલદેના ડ્રોઈંગરૂમમાં હતો. બંને ગંભીર મુખમુદ્રામાં હતા. ‘મેધભાઈ.....તમે કહો છો એટલે સત્ય જ હોય પરંતુ અન્ય કોઈએ આમ કહ્યું હોત તો હું માનત જ નહીં. તે સરળ છે, ભાવુક છે. સાવ સીધી લીટીની છોકરી છે. તે આવું શા માટે કરે ? તે આવી ગહન અને જટિલ ક્યારેય નહોતી. હું ઓળખું છું એ માનસી આ નથી. સોનલદેએ સખી વિશેની તેની વાત સ્પષ્ટ કરી હતી. ‘ પણ....સોનલદે, મેં કહી એ વાત પણ....સત્ય જ છે. એમ તો મારે પરિચય હતો જ ને. છેલ્લાં છ માલથી, તેને લગભગ ડર સાંજે મળતો હતો.

પણ....તેના મનની જટિલતા, વિચિત્રતા ક્યાંથી જાણી શકાય ?’ મેધ તેની વાત કહી રહ્યો હતો. લજ્જા છોડીને પણ તેણે થોડી વાત સોનલદેને કહી હતી.

ખુદ સોનલદેએ જ આગ્રહ કર્યો હતો. ‘મેધભાઈ.....તમારે મને તો બધી વાતો કહેવી જ પડશે. આ સંસારમાં માનસીની નિકટ આપણે બે જ છીએ.’

અને એ પછી મેધે સંકોચ સાથે......પોતાની વાત કહી હતી. તે પોતાની વાત ક્યાંક ઠાલવવા ઈચ્છતો હતો. ક્યાંય ખાલી થઈ જવું હતું. આટલો બોજો વેંઢારીને થાક અનુભવી રહ્યો હતો. લાગતું હતું કે તેની સાથે કોઈ રમત રમાઈ રહી હતી. કોણ રમી રહ્યું હતું ? સુમંતભાઈ તો આવું કરે ખરાં ? અરે, માનસી પણ એવી ક્યાં હતી ? સમય સમય પર સાવ સરળ બની જાતિ હતી, પ્રેમાળ બની જતી હતી. જાણે જુદી જ વ્યક્તિ ના હોય ! બેય માનસી હતી, અલગ અલગ. જાણે જેકીલ અને હાઇડ !

સોનલદેને પણ એ જ તર્ક આવ્યો હતો. તે બોલી હતી. ‘ મેધભાઈ......એક માનસીની વાત નથી. આ તો બે રૂપ છે માનસીના.’ ‘ હા, એમ જ. પણ સોનલદે એ બેય રૂપ મારે ભાગે આવ્યા ? અરે, ખબર છે સોનલદે, આત્મહત્યાના પ્રયાસ પછી......તેણે શું કર્યું હતું ? એ કરતાં પહેલાં જ તેણે એક ચિઠ્ઠી લખીને મૂકી હતી, તને સંબોધીને....?’

‘માય ગોડ !’ સોનલદેનો મુખ વિસ્મયથી પહોળું થઈ ગયું.

‘શું લખ્યું હતું.....?’ તેણે પૂછી નાખ્યું.

‘જવા દે ને.....એ વાત......’ મેધ સંકોચ અનુભવવા લાગ્યો. તેને થયું કે તેણે આ વાત કહેવી જ પડશે.....’ તે દુરાગ્રહી બની ગઈ. તાલાવેલીમાં મેધ માટેનું સંબોધન પણ બદલાઈ ગયું.

મેધે કહ્યું, સસંકોચ- ‘સોનલદે, માનસીએ મારી સોંપણી તને કરી હતી.’

સોનલદે હસી પડી- ‘આ તો માનસીએ વરદાન કર્યું !’ અલબત ભીતર ઝણઝણી ઊઠી. થયું – મેધની સોંપણી મને ? ‘મેધભાઈ.....આ જ દેખાડે છે કે તે સરળ છે. પણ પાછી વિચિત્ર કેમ બનો જાય છ ?’ તે બોલી.

મેધે કશો જ પ્રત્યાઘાત ન આપ્યો. તે સોનલદે વિશે વિચારવા લાગ્યો.

સોનલદે સરસ છોકરી હતી. તેની વાતોમાં બુદ્ધિના ચમકારાં હતાં. સોનલદે જ મળી હોત તો, જીવન-સાથી તરીકે ?

બીજી જ પળે, તેને કોઈએ રોક્યો- ભીતરથી. ‘મેધ......ભૂલ ના કર. સ્ત્રીને આ રીતે ઓળખી શકાય ખરી ? આ તો સપાટી પરનાં છબછહિયાં જ છે. સોનલદે પ્રતિનો રાગ, માનસીના અભાવમાંથી જન્મ્યો છે.

અચાનક સોનલદે બોલી- ‘મને ઉકેલ મળ્યો. આપણે પ્રોફેસર કે ટી ને મળવું જોઈએ. માનસશાસ્ત્રના પ્રોફેસર છે. આવાં ઘણાં પ્રશ્નો તેમની પાસે આવે છે. શહેરમાં એમનું નામ છે. ખૂબ જ મળતાવડાં છે. અને પાછા મારા પરિચિત પણ છે.....’

રણમાં અટવાઈ ગયા હો ને અચાનક....કેડી મળે, એવું થયું સોનલદેને. તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.

‘પ્રોફેસર.....કે ટી ?’ મેધ આટલું જ પકડી શક્યો.

‘મેધભાઈ, આપણું કામ થઈ જશે. કાલે જ મળી લઈએ.....તેમને.’ તે ઊભી થઈ. તેની આંગળીઓ ફોનની કઈ પર ફરવા લાગી. થોડી ઔપચારિક વાતો પછી સોનલદે મૂળ વાત પર આવી..

‘સાહેબ, આ પ્રશ્ન આવ્યો ને મને તમે જ યાદ આવ્યા.’

‘એ છોકરી ક્યાં છે?’ કે ટીએ પૂછ્યું.

‘એમનો પતિ મારા કબ્જામાં છે, શાહસાહેબ. માનસી તો તેના ઘરે છે.’

‘અચ્છા, કાલે મળી જા મને. ક્યારે આવીશ...? બસ-નવની આસપાસ આવી જા. શું કહ્યું મેધ? આ એ પણ..તારા આંટી તો આરામ ફરમાવે છે. ઓ કે. બાર!’

તે પુનઃ સ્મિત ફરકાવતી મેધ સામે બેસી ગઈ. ‘મેધભાઈ, મળી લઈએ કાલે, કે ટીને. બહુ મજાના માણસ છે. સાચી સલાહ આપશે. અને મેધ મારી પાસે તો અમુક વાતો છૂપાવી ન હશે પરંતુ કે ટી ને તો બધી વાત કહી દેજો. મને શ્રદ્ધા છે કે એ જરૂર માનસીના વિચિત્ર વર્તનનો તાગ મેળવી શકશે.

અને હા, તમે સૂવાનું ક્યાં રાખશો? ભાઈ-ભાભી મોડી રાતે આવવાનાં છે. એમ કરો તમે મારા ખંડમાં સૂઈ જાવ. પલંગનો ઓછાડ બદલી આપીશ. અને હું મારી વ્યવસ્થા કરી જ લઈશ. આખરે આ મારું ઘર છે, શું સમજ્યા, મેધભાઈ!’

રાત એટલી વીતી ગઈ હતી એટલે સોનલદેની વાત માનવા સિવાય બીજો માર્ગ જ નહોતો.

‘સોનલદે, મારા ખાતર તમે શા માટે...અગવડ વેઠો? હું ચાલ્યો જઈશ...’ તેણે વિવેક કર્યો પણ તેનું કશું ચાલ્યું નહીં. આ સ્ત્રીની આંખોમાં જ એવું કશું હતું કે તેની વાત સ્વીકારવી જ પડે.

સોનલદે પલંગ તૈયાર કર્યો, થોડી સૂચનાઓ પણ આપી. ‘ફાવશે ને, મેધભાઈ!’ એમ કહેતી, હસતી હસતી ચાલી ગઈ. થોડી ચહલપહલ થઈ, સોનલદેની, જે મેધ સાંભળતો રહ્યો. જગ્યા નવી હતી, વાતાવરણ નવું હતું.

છેલ્લા થોડા દિવસોથી આમ જ થયું હતું. નવાં નવાં સ્થળો, નવી નવી રાતો, કેટકેટલી જગ્યાઓ, કેટકેટલાં વાતાવરણ. હા, આ એક રાત એવી હતી જેમાં માનસી તેની પાસે નહોતી. પછી તેને માનસીના વિચારોએ ઘેરી લીધો. એ જરૂર દુઃખી થઈ હશે. તેણે આ કાર્યક્રમ વિશે તેને ક્યાં કશું કહ્યું હતું. સહેજ લાગણીથી, આ વાત કરી હોત તો? કેટલી રાજી થાત? આવી વાતમાં, લાગણી દુભાવવી કાંઈ યોગ્ય તો ના જ ગણાય.

તે સવારે જ...ફોન કરી નાખશે, ખાસ માનસીને જ. કહેશે કે માનસીને આપો. લત્તાબેન શું માનશે? એમ જ કે તે, એક રાત પણ એ સ્ત્રી વિના રહી ના શક્યો!

તે સતત વિચાર કરતો રહ્યો, માનસીના, લત્તાબેનના, અને સોનલદેના પણ!

બત્તી ક્યારનીય બુઝાઈ ગઈ હતી. સુનકાર હતો કણકણમાં. સોનલદે જાગતી હશે? શક્ય છે કે તે નિંદરમાં હોય, ભરનિંદરમાં હોય. સ્વપ્નો પણ જોતી હોય!

ક્યાં સૂતી હશે- ડ્રોઈંગરૂમમાં? સોફા પર...? કુતૂહલ થયું પણ તે ઊભો ના થયો. આ જાણવું શું એટલું બધું જરૂરી હતું- તેણે તેની જાતને પૂછ્યું. આવાં વિચારો શા માટે આવતા હતા? કદાચ આ તેની તરસ પણ હોય! તરસ માનસી માટેની, સ્ત્રી માટેની!

તેણે બળપૂર્વક આંખો મીંચી દીધી પણ એથી મન થોડું વસાવાનું હતું? સમય સરતો ગયો, મન વલોવાતું ગયું. કેમ ના આવ્યા, સોનલદેના ભાઈ-ભાભી? મધરાતે આવવાનાં હતા ને? ખંડનું બારણું અધખુલ્લું હતું. અવાજ તો આવે જ ને?

સવાર પડી ગયું. ‘સુપ્રભાતમ’ કરતી સોનલદે એ દ્વાર જરા ખોલ્યું ને પ્રકાશ ફેલાઈ ગયો ખંડમાં. સોનલદેનું સ્મિત ફરી વળ્યું વાતાવરણમાં. ‘ચાલો, ઠીક થયું કે રાત પૂરી થઈ! મેધ વિચારતો હતો. આખી રાત દરમિયાન તેણે કેવી કેવી કલ્પનાઓ કરી? તે સંકોચ અનુભવવા લાગ્યો, તેની અસભ્યતા બદલ.

‘મેધભાઈ, રાતે કોને યાદ કરતા હતા? માનસી કે પછી કોઈ બીજી માનસીને?’ તે વ્યંગમાં બોલી ને મેધ સડક થઈ ગયો. ઓહ! આ સ્ત્રી તો તેને બરાબર જાણતી હતી! ‘ભાઈ-ભાભી ન આવ્યા?’ તેણે પૂછી નાખ્યું. અને સોનલદે મુક્ત રીતે હસી પડી, પણ ઉત્તર ના વાળ્યો.

તે ઝટપટ તૈયાર થયો. આખી રાત તે બંને એક બંધ ઘરમાં રહ્યો, એકલાં જ! ચક્તિ થઈ ગયો મેધ.

સોનલદેવિચારતી હતી. આવાં પુરુષ સાથે તો જીવી શકાય! માનસીને નિષ્ફળ જવાનું કોઈ કારણ નહોતું.

તે બંને ઓટોરિક્ષામાં બેસીને કે ટી ના ઘરે પહોંચ્યા ત્યારે ઘડિયાળમાં નવ વાગી રહ્યા હતા.

‘મેધભાઈ, બધું જ કહેજો પ્રોફેસરને. સંકોચ ન રાખતા, મારી પાસે રાખતા હતા એવો!’ સોનલદે મેધના કાનમાં ટહુકી હતી.