Ek bhool - 12 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 12

બીજે દિવસે સવારે,

"મીરા એ મીરા.. જાગ.. જો અહીં કોણ છે તે..." મિહિર મીરાને જગાડતાં બોલ્યો.

"શું છે તારે સવાર સવારમાં.." કહીને આંખો ચોળતી ચોળતી તે ઊભી થઈ.

સામે જોયું તો મિહિર ઊભો હતો. મિહિરે મોબાઇલ સ્ક્રીન મીરા તરફ રાખી. મીરાને તેની મમ્મીનો ચહેરો દેખાયો. ઘડીકવાર તો તે કઈ બોલી શકી નહીં. બે વર્ષ પછી પોતાની મા ને જોઈ નહોતી. બે વર્ષથી એકવાર પણ તેની સાથે વાત કરી નહોતી. અને આજે.. આજે તે મીરાની સામે હતા.

બંને દીકરીના જવાથી તેને કેટલી પીડા થઈ હશે તે મીરા જોઈ શકતી હતી. આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયાં હતાં. કેટલીય રાતો રડી રડીને વિતાવી હશે તેનો મીરાને અંદાજો આવી ગયો.

"મીરા.. મારી મીરા, તું ઠીક તો છે ને? તું ક્યાં વય ગઈ હતી અમને છોડીને? તને ખબર છે અહીં તમારી બંને બહેનની ગેરહાજરીમાં એક એક દિવસ, એક એક યુગ જેવો લાગ્યો છે. રાધિકા તો જતી રહી પણ તું ય જતી રહી. કોઈને કશું કહ્યાં વિનાં. બેટા તારી બહું ચિંતા થાય છે. તું મજામાં તો છો ને?" સુમિત્રાબહેનને આજે ઘણાં સમય બાદ પોતાની દિકરીને જોઈ જાણે રણમાં ભટકી રહેલાં મુસાફરને પાણી મળી ગયું હોય તેવું લાગી રહ્યું હતું.

"હા મમ્મી હું ઠીક છું. મારી ચિંતા નહીં કર. મને માફ કરી દે મમ્મી, હું કોઈને કહ્યાં વગર ત્યાંથી જતી રહી. મારે તે નહોતું કરવું જોઈતું. મને માફ કરી દે." આટલું કહીને મીરા રડી પડી. મનમાં જે બોજ લઈને જીવતી હતી તે આજે તેની મા જોડે વાત કરીને ક્યાંક ને ક્યાંક હળવો થઈ રહ્યો હતો.

"ના ના.. તું કેમ માફી માગે છો. તારી ક્યાં કોઈ ભૂલ છે જ. ભૂલ તો અમારી હતી. એ સમયે કંઈ સુજતું જ નહોતું. સાચા ખોટાની ભાન જ નહોતી. એક દીકરીનાં વિરહમાં બીજી દીકરી સાથે અન્યાય કરી બેઠાં. અમને માફ કરી દે જે, મીરા." સુમિત્રાબહેનને ખુબ દુઃખ થઈ રહ્યું હતું.

"ના મમ્મી.. તું માફી નહીં માગ. કોઈનો વાંક હતો નહીં. પરિસ્થિતિ જ એવી હતી કે કોઈ કોઈની વાત સમજી શક્યું નહીં. જે થવાનું હતું તે થઈ ગયું." મીરાએ કહ્યું.

"મારી દીકરી આટલી બધી સમજદાર થઈ ગઈ.." સુમિત્રાબહેનના ચહેરા પર હળવી મુસ્કાન આવી.

તેને હસતાં જોઈને મીરાને આનંદ થયો અને તેને કહ્યું, "મમ્મી, તું ચિંતા નહીં કર.. બહુજ જલ્દી રાધિકા આપણી સાથે હશે. થોડા જ દિવસોમાં આપણે ફરીથી પહેલાની જેમ સાથે હોઈશું. આ મારું પ્રોમીસ છે તને. અને મમ્મી, પપ્પા ક્યાં? એ કેમ દેખાતાં નથી?"

"અ.. મીરા એ કાંઈક જરૂરી કામથી બહાર ગયાં છે. હજી આવ્યાં નથી." સુમિત્રાબહેન કાંઈક છુપાવવાની કોશિશ કરી રહ્યાં હતાં.

"હમમ.. કંઈ વાંધો નહીં. હું પછી ક્યારેક તેની સાથે વાત કરી લઈશ." મીરા સુમિત્રાબહેનનો ચહેરો જોઈને જાણી ગઈ હતી કે તેનાં પપ્પાએ હજું તેને માફ કરી નથી. તે હજી પણ ગુસ્સે છે તેનાથી.

"મીરા, મિહિર ક્યાં ગયો? મારે એનું કામ છે." સુમિત્રાબહેને વાત આડી નાખતા કહ્યું.

"આયા જ છું હું માસી.. બોલો ને શું કામ હતું." પોતાનું નામ સાંભળીને મિહિર મીરાની બાજુમાં આવીને બેસી ગયો.

"મિહિર, તારો ખૂબ ખૂબ આભાર. તારાં લીધે આજે હું મીરા સાથે વાત કરી શકી. તું એનું ધ્યાન રાખજે હો." સુમિત્રાબહેને કહ્યું.

"અરે માસી, એમાં આભાર શું. અને એમ પણ એનું ધ્યાન રાખવાની જરૂર નથી. જરૂર તો મારું ધ્યાન રાખવાની છે. તમને ખબર છે.. આખો દિવસ મને કેટલો હેરાન કરે છે તમારી છોકરી." મિહિર વાતાવરણ હળવું કરવા મજાક કરી રહ્યો હતો.

મીરાએ તરત જ મિહિરને માર્યું.

"જોવો જોવો. છે ને તમારી નજર સામે. બસ આમ જ કરતી હોય આખો દિવસ. શાંતિ જ નથી લેવાં દેતી." મિહિરે સુમિત્રાબહેનને ફરિયાદ કરતાં કહ્યું.

"હું શાંતિ નથી લેવાં દેતી એમ.. તું મારું માથું પકવે છો એનું કંઈ નહીં." મીરા બોલી.

મીરા અને મિહિરને જોઈને સુમિત્રાબહેનને એક વાતની નિરાંત થઈ ગઈ કે તેની દીકરી સુરક્ષિત છે અને કોઈ મુશ્કેલી આવશે મિહિર હંમેશાં તેનો સાથ આપશે.

"સારું ચાલો હવે, ઝઘડવાનું બંધ કરો. હું હવે રાખું છું. પછી વાત કરશું. મીરા, તું હવે જલ્દીથી હવે ઘરે આવી જા.. હું બસ એ રાહમાં જ છું. તમે બંને એકબીજાનું ધ્યાન રાખજો અને ઝઘડતા નહીં હો ને.. જય શ્રી કૃષ્ણ.." સુમિત્રાબહેને કહ્યું.

મીરા અને મિહિરે પણ જય શ્રી કૃષ્ણ કહીને કૉલ કટ કર્યો. મીરાના ચહેરા પર એક અજીબ પ્રકારની શાંતિ દેખાતી હતી. તે ખુશ હતી તેની મમ્મી સાથે વાત કરીને.

"મિહિર, તે કેમ આજે અચાનક મમ્મીને કૉલ કર્યો?" મીરાનાં મનમાં સવાલ ઉઠયો.

"મને ખબર છે કાલે તને ઘરની અને તારાં મમ્મી-પપ્પાની યાદ આવતી હતી. રાતે એમપણ લેટ થઈ ગયું હતું એટલે મેં પછી અત્યારે કૉલ કર્યો. હવે મન હળવું થઈ ગયું ને તારું. હું તો આપણે દહેરાદુનમાં હતાં ત્યારે જ તને કે'તો હતો પણ તું જ વાતને ટાળતી રહી." મિહિરે કહ્યું.

"થેન્ક યુ સો મચ મિહિર. તારાં લીધે આજે હું વાત કરી શકી નહીંતર કદાચ મારાથી હિંમત થાત જ નહીં કોઈ દિવસ." મીરાએ આભાર વ્યક્ત કર્યો.

"બેય મા-દીકરી સરખી જ છે. થેન્ક યુ સિવાય બીજું કાંઈ આવડે છે કે નહીં તને." મિહિર બોલ્યો.

"હાસ્તો, ઘણું બધું." મીરા બોલી.

"તો પછી એ બોલ ને.." મિહિર મીરાની થોડો નજીક આવી ગયો.

"તારે શું સાંભળવું છે એ કે ને.." મીરા મિહિરની આંખમાં જોઈને બોલી.

"બસ એ જ.. જે તારે કહેવું છે.." મિહિર પોતાનો ચહેરો મીરાનાં ચહેરાની સાવ નજીક લાવીને બોલ્યો.

"આર યુ સ્યોર?" મીરાએ મજાક ભર્યા અંદાજે પૂછ્યું.

"સ્યોર વાળી ન થા.. જલ્દી બોલ તું હવે." મિહિર બોલ્યો.

"બસ એ જ કે હવે મને ભૂખ લાગી છે અને હજુ બ્રશ પણ બાકી છે તો હું જાવ છું." એક કહીને મીરા જલ્દીથી બાથરૂમમાં જતી રહી.

"એ મીરા, આ તો ચીટિંગ કે'વાય હો. એમ ના ચાલે." મિહિર જોરથી બોલ્યો.

"ચાલે શું નહીં.. દોડશે. તું જોયે રાખ." મીરા બાથરૂમમાંથી બોલી.

"હા ભલે, તું બહાર આવ. પછી જો તું. કોણ કોની પાછળ દોડે એ." મિહિર બોલ્યો.

તેની વાત સાંભળી મીરા હસવા લાગી.

***

રાધિકા તેનાં રૂમમાં હતી. એકચ્યુલી તેનો તો નહીં પણ અમિત તેને લઈ આવ્યો ત્યારથી તે બસ એ રૂમમાં જ રહી છે. ઘણીવાર તે જ્યારે હાજરમાં ન હોય ત્યારે રૂમની બહાર તો નીકળતી પણ તે ઘરની બહાર નીકળી શકી નથી. છેલ્લાં બે વર્ષથી આ ચાર દિવાલ જ તેની જીંદગી બની ગઈ છે. અમિત હંમેશાં તેને ટોર્ચર કર્યા કરતો. છતાં રાધિકાએ એની હિંમત ખોઈ નહોતી. તેને વિશ્વાસ હતો કે તેની બહેન એક દિવસ જરૂર આવશે અને મને આ નર્કમાંથી બહાર કાઢશે અને અમિતને એનાં ગુનાની સજા આપશે.

રાધિકા બારી પાસે ઊભી ઊભી વિચારી રહી હતી ત્યાં દરવાજો ખોલીને અમિત અંદર આવ્યો અને બોલ્યો.

"રાધિકા.. જો તારા માટે મારી પાસે એક ગુડન્યૂઝ છે. સાંભળવી છે?"

"મને સહેજ પણ ઈચ્છા નથી તારી બકવાસ વાતું સાંભળવાની." રાધિકા તેની તરફ જોયાં વિનાં જ બોલી.

"અરે એમ કેમ ઈચ્છા નથી. વાત તારી બહેન વિશે છે. હવે બોલ.. ઈચ્છા થઈ કે નહીં?" અમિત બોલ્યો.

"શું વાત છે? ક્યાં છે મીરા દી? તેં કાંઈ કર્યું તો નથી ને એને?" રાધિકા ચિંતામાં આવી ગઈ.

"અરે ધીરજ તો રાખ. તે મુંબઈમાં આવી ગઈ છે, તને શોધતાં શોધતાં. અને હજુ સુધી તો મેં કંઈ કર્યું નથી. બસ તેનું મારી તરફનું એક કદમ ઉઠાવે તેની રાહમાં છું. પછી હું મારી ચાલ ચલીશ. તમને બરબાદ કરીને જ રહીશ. અને તું પણ ખોટી ચાલાકી કરતી નહીં નહીંતર તને ખબર જ છે કે તારી ઈજ્જત મારી હાથમાં જ છ. અને તું તો જાણે જ છે, આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. તને ફેમસ કરતાં વાર નહીં લાગે સમજી. તારા પરિવારની આબરૂ તારે બચાવવી છે કે નહીં એ તારી મરજી." અમિત ધમકી આપીને જતો રહ્યો.

રાધિકાને તેની જાત પર ગુસ્સો આવતો હતો. એક ખોટું પગલું આજે તેને અહીં સુધી લાવ્યું હતું. તે લાચાર હતી. તેનાં પરિવારની ઈજ્જત દાવ પર લાગી હતી. અને હવે વધુ ચિંતા એ વાતની હતી કે તેની બહેન અહીં સુધી પહોંચી ગઈ છે અને તે બધી વાતથી અજાણ છે. રાધિકાને ખ્યાલ હતો કે અમિત કેટલી હદ સુધી જઈ શકે એમ છે. તે બસ એક જ પ્રાર્થના કરી રહી હતી કે મારા લીધે મારા મમ્મી-પપ્પા અને મારી બહેન પર કોઈ મુસીબત ન આવે.

***

મિહિર અને મીરા નાસ્તો કરીને બેઠાં હતાં ત્યાં જ મીત આવ્યો.

"એલા કેટલી વાર હોય પછી.. હું હમણાં તને કૉલ કરવાંનો જ હતો." મિહિરે મીતને કહ્યું.

"અરે પણ ટ્રાફિક હતો યાર. એમાં લેટ થઈ ગયું. હજી તો આવ્યો છું. શું ભડકે છો." મીત આવીને બેઠો અને બોલ્યો.

"ચાલ એ તો કે.. ક્યારે તારી ગર્લફ્રેંડને મળાવીશ હવે." મીરાએ પૂછ્યું.

"લે.. હવે આવીશ ત્યારે એનેય લઈ આવીશ. એમાં શું.." મીતે કહ્યું.

"હા સ્યોર.. અને એક સારા સમાચાર છે.. અમિતની મને ખબર પડી ગઈ છે. હા, એ નથી જાણતી કે તે અત્યારે ક્યાં છે પણ તેનું આવું કરવાં પાછળનું કારણ મને ખબર છે.." મીરા બોલી.

"અરે વાહ, જલ્દી બોલ.." મીત બોલ્યો.

મીરા તેને અમિત અને તેની બહેન અક્ષિતાની બધી વાત કરે છે. મીરાની વાત સાંભળીને મીત બોલ્યો,

"આ અમિત એટલે અમિત શાહ. એમ આઈ રાઈટ?"

"તને કેમ ખબર પડી? તું ઓળખે છે તેને?" મીરાને આશ્ચર્ય થયું અને સાથે સાથે આશા પણ જાગી કે મીત તેનાં વિશે જાણતો હશે તો તેને શોધવો સરળ રહેશે.



***

વધું આવતાં ભાગમાં..

તમારાં અમૂલ્ય પ્રતિભાવ આપતાં રહેજો.. 😊

જય શ્રી કૃષ્ણ..