Operation Chakravyuh - 1 - 22 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 22

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-22

અમદાવાદ, ગુજરાત

અકબર પાશાના ભાઈ અફઝલ પાશાને મુસ્લિમ બહુમતી ધરાવતા અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાંથી પકડવાના અભિયાનમાં એક મહિલા પોલીસ અધિકારીની જરૂર હોવાનું રૉનાં ચીફ રાજવીર શેખાવત દ્વારા જણાવતા જ અમદાવાદ જિલ્લા પોલીસ કમિશનર શક્તિસિંહ વણઝારા અને ડીઆઈજી રુદ્ર પ્રતાપ શર્માના મુખે આવેલું રાજલ દેસાઈનું નામ સાંભળી શેખાવતે પ્રશ્નસૂચક નજરે એમની તરફ જોતા કહ્યું.

"રાજલ દેસાઈ!, તમને વિશ્વાસ છે કે તમે જે નામ સૂચન કરી રહ્યાં છો એ મહિલા ઓફિસર આ કાર્ય માટે યોગ્ય છે."

"હા સર, રાજલ ઈઝ વન ઓફ બેસ્ટ પોલીસ ઓફિસર ઈન અહમેદાબાદ." આત્મવિશ્વાસથી છલોછલ અવાજમાં શર્માએ કહ્યું. "આઈ થીંક, રાજલથી ઉત્તમ મહિલા ઓફિસર મળવી અશક્ય છે, જે રીતે એને હિંમત અને બુદ્ધિથી રિવરફ્રન્ટ સિરિયલ કિલરનો આતંક મિટાવી શહેરને પુનઃ સુરક્ષિત કર્યું હતું એ પરથી તો રાજલ કરતા વધુ સારી વ્યક્તિનું નામ સૂચન કરવું અયોગ્ય જ ગણાશે."

"ઓહ આઈ સી!, તો રાજલ એ જ પોલીસ ઓફિસર છે જેને આદિત્ય રાણા નામક રિવરફ્રન્ટ સિરિયલ કિલરને પકડ્યો હતો." શર્માની વાત સાંભળી શેખાવતે કહ્યું. "તો પછી રાજલને ફટાફટ અહીં આવવા જણાવી દો, કેવિન પણ થોડી વારમાં આવતો જ હશે."

શેખાવતના આમ બોલતા જ વણઝારાએ પોતાના ફોનમાંથી રાજલનો નંબર ડાયલ કર્યો, રાજલને શક્ય એટલી વહેલી ઝડપે કમિશનર કચેરી આવવાનો આદેશ આપી વણઝારાએ રાજલ સાથેનો સંપર્ક વિચ્છેદ કરી દીધો. કેવિન અને રાજલ આવી ના જાય ત્યાં સુધી સમય પસાર કરવા માટે વણઝારાએ ગરમાગરમ ચા અને મેથીનાં ગોટાનો ઓર્ડર આપી દીધો.

(એસીપી રાજલ દેસાઈની હિંમત અને બુદ્ધિશક્તિને દર્શાવતી નવલકથા મર્ડર એટ રિવરફ્રન્ટ માતૃભારતી પર ઉપલબ્ધ છે. નવલકથાની લિંક માટે તમે મારી માતૃભારતી પ્રોફાઈલ ચેક કરી શકો છો અથવા તો મને 8733097096 પર whatsup કરી શકો છો. આ ઉપરાંત આ સુપર સસ્પેન્સ થ્રિલર તમે નવયુગ પ્રકાશન થકી હાર્ડકોપી સ્વરૂપે પણ મેળવી શકો છો. )

વણઝારા, શર્મા અને શેખાવતે ચા નાસ્તાને ન્યાય આપ્યો ત્યાં સુધીમાં રૉનો અંડર કવર એજન્ટ કેવિન જોસેફ ત્યાં આવી પહોંચ્યો હતો. કેવિન અત્યારે લાઈટ બ્લુ શર્ટ અને બ્લેક કોટન પેન્ટમાં સજ્જ હતો, ગળે લગાવેલી ટાઈ, પાર્ટીશૂઝ અને ખભે લટકતી લેઘર બેગ કેવિનને એક સેલ્સમેનનો લૂક આપી રહી હતી. કેવિન એક સેલ્સમેનનો વેશ ધરી અમદાવાદમાં પોતાનું કામ કરી રહ્યો હોવાનું વણઝારા અને શર્માને જોતા જ સમજાઈ ગયું.

"આ છે અમદાવાદ પોલીસ કમિશનર શક્તિસિંહ વણઝારા અને આ છે ડીઆઈજી રુદ્ર પ્રતાપ શર્મા." કેવિન જોસેફ અને વણઝારા તથા શર્માનો એકબીજા સાથે પરિચય કરાવતા રાજવીર શેખાવતે કહ્યું. "અને આ છે કેવિન જોસેફ, અમદાવાદમાં રૉનો અંડર કવર એજન્ટ!"

કેવિન જોસેફ સાથે હસ્તધૂનન કરી વણઝારા અને શર્માએ એને ઉષ્માભર્યો આવકાર આપ્યો અને પોતાની સાથે સ્થાન ગ્રહણ કરવા આગ્રહ કર્યો.

"સર, મને અચાનક અહીં બોલાવવાનું કારણ?" કોનફરન્સ હોલમાં મૂકેલી ખુરશી પર બેસતા શેખાવતને ઉદ્દેશીને કેવિને પૂછ્યું. "અને તમે કોઈ જાણકારી વિના અચાનક અમદાવાદમાં!, કોઈ ગરબડ તો નથી ને?"

"કેવિન હું તને વિગતે બધું જણાવું છું.." શેખાવતે જવાબ આપતા કહ્યું. "પણ એક ઓફિસર આવી જાય પછી."

મને કમને કેવિને હકારમાં પોતાની ગરદન ધુણાવી અને પોતાને ત્યાં બોલાવવાના કારણ વિશે વિચારતો-વિચારતો છત પર લગાવેલા પંખાને જોવા લાગ્યો.

દસ મિનિટ આમ ને આમ વીતી ગઈ, કેવિન ખરેખરનો અકળાઈ ચૂક્યો હતો, આખરે શું થવાનું છે? એ અંગે વિચારતા એનું મગજ ચકરાવે ચડી ચૂક્યું હતું.

કેવિનના ત્યાં આવ્યાની પંદર મિનિટ બાદ પોલીસ યુનિફોર્મમાં સજ્જ એક ત્રીસેક વર્ષની મહિલા ઓફિસર કોનફરન્સ હોલમાં પ્રવેશવાની અનુમતિ માંગતા બોલી.

"કમ ઈન સર?"

"યસ, કમ ઈન!" રાજલને જોતા જ વણઝારાએ કહ્યું.

રાજલ જેવી અંદર આવી એવી એની નજર વણઝારા અને શર્મા સાથે બેસેલા કેવિન અને શેખાવત પર પડી. શેખાવતને જોતા જ રાજલને ભારે આંચકો લાગ્યો કે આખરે ભારતીય ગુપ્તચર સંસ્થા રૉનાં ચીફ રાજવીર શેખાવતની અહીં સદૈહ હાજરીનો આખરે અર્થ શું હતો?

"આ છે એસીપી રાજલ દેસાઈ." રાજલની સાથે કેવિન અને શેખાવતનો પરિચય કરાવતા વણઝારાએ કહ્યું. "અને રાજલ આ છે રૉનાં અંડર કવર એજન્ટ કેવિન જોસેફ, તથા આ છે.."

"રૉનાં ચીફ રાજવીર શેખાવત સર..મારા અહોભાગ્ય કે એમને આ રીતે રૂબરૂ મળવાનું થયું." રાજલના સ્વરમાં આનંદ ભળી ચૂક્યો હતો.

"હેલ્લો ઓફિસર રાજલ દેસાઈ..!" રાજલને આવકારતા શેખાવતે સ્મિતપૂર્વક કહ્યું. "મને પણ આનંદ થયો તમારા જેવી બાહોશ મહિલા પોલીસ ઓફિસરને મળીને.

"થેન્ક્સ અ લોટ સર!" રાજલે અભિવાદન સ્વીકારતા કહ્યું.

"ઓફિસર, તમે અહીં બેસો..તમારી સાથે અમુક અગત્યની ચર્ચાઓ કરવાની છે." શેખાવતના આમ કહેતા જ રાજલ પોતાના બંને સિનિયર વણઝારા અને શર્મા તરફ નજર કરી; એમને ઈશારાથી સહમતી આપતા રાજલે કેવિનની બાજુની ખુરશીમાં સ્થાન લીધું.

"આવતીકાલે તમારે બંનેએ એક ખૂબ જ અગત્યના કામ માટે જુહાપુરા જવાનું છે." રાજલ અને કેવિનને ઉદ્દેશી શેખાવતે કહ્યું. આટલું કહી શેખાવતે એ બંનેને ઑપરેશન ચક્રવ્યૂહની સમગ્ર વિગત ટૂંકમાં જણાવી આપી. ત્યારબાદ અર્જુને આપેલી માહિતિ પરથી પોતાને અફઝલ પાશા અંગે જે માહિતી પ્રાપ્ત થઈ હતી એ પણ શેખાવતે રાજલ અને કેવિનને કહી સંભળાવી.

"સર, અકબર પાશા જો એના ભાઈને કોઈ આતંકવાદી હુમલાની આગેવાની સોંપતો હોય તો એનો અર્થ એ થયો કે ગુજરાત જોખમમાં છે." શેખાવતની વાત સાંભળી કેવિન ચિંતિત સ્વરે બોલ્યો. "આપણે આ હુમલાને અટકાવવા વહેલી તકે અફઝલને પકડવો જોઈએ."

"એટલે જ તો તમને બોલાવ્યા છે." આટલું કહી શેખાવતે વણઝારા અને શર્માની હાજરીમાં રાજલ અને કેવિનને અફઝલને પકડવાની યોજનાની રૂપરેખા આપવાનું શરૂ કર્યું.

શેખાવતના દરેક શબ્દને રાજલ અને કેવિન બંને ધ્યાન દઈને સાંભળતા રહ્યાં, સાથે-સાથે એ બંને આ યોજનાનો મનમાં ને મનમાં એક એક્શન પ્લાન પણ બનાવતા રહ્યાં. અફઝલ પાશાને પકડવાની પોતાની પૂરી યોજના જણાવી લીધા બાદ શેખાવતે કહ્યું.

"આમ જોઈએ તો મેં કહેલી યોજના એકદમ સીધી અને સરળ છે. અફઝલ પાશા એના બેંક એકાઉન્ટ ડિટેઇલમાં આવેલા એડ્રેસ પર મોજુદ છે કે નહીં એની જાણકારી મેળવવી, જો એ ત્યાં હોય તો બંને અધિકારીઓનું છૂપા વેશે ત્યાં પહોંચવું, એકદમ તીવ્રતાથી અફઝલ અને એના માણસો પર એને હુમલો કરી ચોંકાવી મૂકવા અને ગમે તે કરી અફઝલને બેહોશ કરીને જુહાપુરાથી લઈને અહીં આવવું."

"આ કામ એસીપી રાજલ તમારે અને કેવિન તારે એમ બે લોકોએ જ કરવાનું છે. કેમકે, વધુ વ્યક્તિની ત્યાં હાજરી અફઝલના મનમાં શંકા ઉપજાવી શકે છે અને એ ત્યાંથી ફરાર થઈ શકે છે. તમારા માટે એક બેકઅપ ટીમ અવશ્ય હશે પણ એ ત્યારે જ તમારી મદદે આવશે જ્યારે મને યોગ્ય લાગશે. આ મિશન આતંકવાદી હુમલાને વિફળ બનાવવા સૌથી વધુ અગત્યનું હોવાની સાથે જીવલેણ પણ છે; આથી હું તમને બંનેને, ખાસ તો રાજલ આપને આ મિશનમાં જોડાવવું કે ના જોડાવવું એની છૂટ આપું છું."

"સર, હું આ મિશનમાં અવશ્ય સામેલ થવા માંગુ છું..તમે મને આ માટે કાબીલ સમજી એ જ મારે ઘણું છે." રાજલે શેખાવતની વાતની પ્રતિક્રિયા આપતા કહ્યું.

"તો પછી આપણે આ મિશનને આગળ ધપાવવા સૌથી પહેલા જે જાણકારી મેળવવાની છે, એ મેળવવાની કોશિશમાં અત્યારે જ લાગી જવું જોઈએ; જે છે અફઝલ પાશા નક્કી સરનામે હાજર છે કે નથી?" શેખાવતે કહ્યું.

"આ કામ હું કરી દઈશ." આત્મવિશ્વાસથી ભરેલી રાજલે કહ્યું. "કાલે બપોર સુધીમાં હું આ જાણકારી આપને સોંપી દઈશ કે અફઝલ બેંક ડિટેઇલમાં આપેલા એડ્રેસ પર મોજુદ છે કે નથી.!"

"ખૂબ સરસ." પ્રસંશાભરી નજરે રાજલ ભણી જોતા શેખાવત બોલ્યા. "તો પછી અફઝલની હાજરીની ઠોસ માહિતી મળે એ સાથે જ એને જીવિત પકડવાની મુહિમ આરંભી દઈશું."

"તો સર પછી હું અત્યારે નીકળું." રાજલ પોતાની જગ્યાએથી ઊભા થતાં બોલી. "મારે અત્યારે જ કામે લાગી જવું પડશે."

"સ્યોર, યુ કેન ગો.!" રાજલને એક ચબરખી પકડાવતા શેખાવત એને જવાની રજા આપતા બોલ્યાં. "મને સવારે આઠ વાગે અંદર લખેલા નંબર પર કોલ કરજો."

"ઓકે સર, હું નીકળું ત્યારે..જય હિંદ!" અદબભેર આટલું કહી રાજલ બહાર નીકળવા અગ્રેસર થઈ.

"શી ઈઝ સો એનર્જેટિક એન્ડ સો કોન્ફિડન્ટ.!" રાજલના વખાણ કરતા કેવિન બોલ્યો.

"હા એ આવી જ છે." વણઝારાએ કેવિનની વાતનો પ્રતિભાવ આપતા કહ્યું. "અમારા માટે ગર્વની વાત છે કે રાજલ જેવી બાહોશ ઓફિસર અમદાવાદ શહેરની સુરક્ષામાં છે."

"કેવિન કાલે તારે શું કરવાનું છે એ માટેની તૈયારી માટે તું પણ ઘરે જઈ શકે છે." કેવિનને ઉદ્દેશી શેખાવતે કહ્યું. "હું આવતીકાલે સવારે ફીટ સાડા આઠે ઇસ્કોન મંદિર પહોંચી જઈશ, તું પણ ત્યાં સાડા આઠ વાગે આવી જજે."

"ઓકે સર, જય હિંદ." કેવિન પણ આ સાથે ત્યાંથી ચાલતો થયો.

"સારું, તો ઓફિસર.." પોતાના સ્થાનેથી ઊભા થતા શેખાવતે શર્મા અને વણઝારાને ઉદ્દેશીને કહ્યું. "હું પણ હવે નીકળું. તમારા મદદ માટે ખૂબ જ આભારી છું."

"એમાં આભાર શેનો..દેશનાં દરેક નાગરિકની સુરક્ષાની જેટલી ચિંતા તમોને છે એટલી અમોને પણ છે. તો અમે જે કરીએ એ અમારી ફરજ છે..એમાં આભાર માનવાનો ના હોય." શર્માએ કહ્યું.

"સારું..હવે નહીં માનું..!" શેખાવતે હસીને કહ્યું.

થોડીવારમાં શેખાવત પોતે જ્યાં રોકાવાના હતાં એ હોટલ તરફ ગાડીમાં બેસી નીકળી પડ્યા. રસ્તામાં સતત એમને એક જ વાતની ચિંતા સતાવી રહી હતી કે અફઝલ બેંક ડિટેઇલમાં આપેલા એડ્રેસ પર મળશે કે નહીં? કેમકે, એમને બનાવેલી સઘળી યોજનાનો મદાર એ વાત પર ટક્યો હતો કે અફઝલ જુહાપુરામાં જ મળી આવે.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)