Kahi aag n lag jaaye - 19 books and stories free download online pdf in Gujarati

કહીં આગ ન લગ જાએ - 19

પ્રકરણ- ઓગણીસમું/૧૯

‘સોરી.. સોરી..સો પ્લીઝ. છેલ્લી એક વાત..’ મીરાં બોલી
મેં હમણાં જે શરત કહી કે... ‘આપણે બંને એકબીજાથી પરિચિત છીએ એ વાતની ફક્ત આપણા સિવાય કોઈને જાણ ન થાય. તમે તેનું કારણ કેમ ન પૂછ્યું ?

‘હા, મને પણ નવાઈ તો લાગી જ...પણ કારણ જાણી શકું ?

‘બીકોઝ... આઈ એમ મિસિસ મધુકર વિરાણી... અબ, સમજે મિસ્ટર કબીર ?’

આ વાક્ય સાંભળીને મીરાંએ શેકહેન્ડ માટે લંબાવેલો હાથ પકડ્યા પછી કબીર છોડી ન શક્યો. ઘડીના છટ્ઠા ભાગમાં એક લીસોટાની માફક જેમ એક વીજળીનો ચમકરો પસાર થઇ જાય એ રીતે પઝલ જેવા કૈક વણ ઉકેલ્યા સવાલોના સંપુટનો ઉત્તર કબીરને મળી ગયો.

‘હેય..મિસ્ટર કબીર, ક્યાં જતાં રહ્યાં ? વ્હોટ ડુ યુ થીન્ક ? મીરાંએ સસ્મિત પૂછ્યું

‘એક સવાલ સ્પાર્ક થયો છે. તેના વિષે વિચારું છું કે પૂછી શકાય કે નહીં ? મીરાંની સામે જોઈને કબીરે પૂછ્યું

‘કેમ ?
‘બીકોઝ રાઈટ નાઉ યુ આર માય બોસ.’ કબીરે રીપ્લાય આપ્યો

‘અરે.. થોડીવાર માટે ભૂલી જાઓ કે, હું તમારી બોસ છું. માની લો કે અત્યારે આપણે બન્ને એ સ્ટીફન કોલેજના સ્ટુડન્ટ છીએ.’
મીરાં તેનો મોબાઈલ હાથમાં લેતાં બોલી,

‘પણ, આ સવાલ તમારાં માટે નથી.’ કબીર બોલ્યો
‘તો ?’

‘બીગ બોસ, મધુકર સર માટેનો છે. એન્ડ લીટલ બીટ પર્સનલ ઓલ્સો.’ કબીરે કહ્યું
‘તો મને કહી દો, હું તેને પૂછી લઈશ.’ બોલતા મીરાં હસવાં લાગી.
‘એટલે જોબ જોઈન કર્યા પહેલાં જ ટર્મિનેટ એમ કરી દેવાના છો એમ ?’
કબીરે પણ હસતાં હસતાં જવાબ આપતાં આગળ બોલ્યો.

‘જેમ મેં તમને પૂછ્યું કે, ‘આપ અહીં આ ડેજીગ્નેશન પર કઈ રીતે... આઈ મીન કે શું શું પ્રીપેરેશન કરી હતી ? એ સવાલ હું મધુકર સર પૂછું કે, મીરાં રાજપૂતને લાઈફ પાર્ટનર બનાવવા માટે શું શું પ્રીપેરેશન કરી હતી એમ.’
આટલું બોલતાં કબીરને થોડો શ્રોભ થયો.

કબીરના સંકોચ સાથેની શકલ અને વિનોદસભર સંવાદથી મીરાં હસતાં હસતાં બોલી,
‘સહી પકડે. હાઉ ડીડ યુ નો ? મીરાંએ પૂછ્યું

‘તેના જવાબ માટે થોડો સમય જોઈશે.’
પુર્વાનુંબંધની અગમદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને કબીરે સંતુલિત પ્રત્યુતર આપ્યો.

થોડીવાર કબીરની સામે જોઈ રહીને મીરાં બોલી,

‘કબીર,આઈ એમ સો હેપ્પી, એન્ડ સો ગ્લેડ ટુ મીટ યુ. એન્ડ ધ મોસ્ટ ઇક્સાઈટીંગ થિંગ વી આર વર્કિંગ ટુગેધર. યુ સ્ટાર્ટ યોર જોબ ફ્રોમ ટુમોરો એઝ એ પર્સનલ આસીસ્ટન ઓફ ચેરમેન ઓફ ધ વિરાણી ઇન્ડસ્ટ્રીઝ મી. મધુકર વિરાણી.’

‘થેન્ક્સ, થેન્ક યુ સો મચ. આઈ એમ ઓલ્સો ટુ મચ હેપ્પી ટુ મીટ યુ. ઇટ્સ માય ગ્રેટ પ્લેઝર. વન્સ અગેઇન થેન્ક યુ. અને મજાકમાં કંઈ બોલાઈ કે બફાઈ ગયું હોય તો રીયલી સોરી.’
પારદર્શકતા સાથેની વિનમ્રતા અને વિવેક કબીરના શબ્દોમાં સ્પષ્ટ દેખાઈ આવતો હતો
‘જસ્ટ એ મિનીટ, કબીર. હું બોસ સાથે તારી મુલાકાત કરાવી દઉં.’ મીરાં બોલી
મધુકર સાથે લાઈન જોડતાં મીરાં બોલી.
‘હેલ્લો..આઈ એમ કમીંગ,’
‘કમ વિથ મી.’ ઊભા થતાં મીરાં બોલી
મીરાં અને કબીર બંને એન્ટર થયાં, મધુકરની ચેમ્બરમાં. કબીરની સાથે મીરાંને જોતાં મધુકરને નવાઈ લાગી. પણ તે સવાલને તે સ્કીપ કરી ગયા.

મધુકરનો પરિચય કરાવતાં મીરાંએ કબીરને કહ્યું,
‘સર’

એટલે કબીરએ તેનો હાથ મધુકર તરફ લંબાવતા સ્હેજ ઝૂકીને બોલ્યો,
‘સર, આઈ એમ કબીર. કબીર કામદાર.’
‘હેલ્લો.’ મધુકર માત્ર આટલું જ બોલ્યો.
મીરાંની સામે જોઈને મધુકર બોલ્યા,
‘ઓ.કે. વી ટોક લેટર.’

એટલે મીરાં કબીરને લઈને ફરી તેની ચેમ્બરમાં આવી. સમથીંગ હેપન્ડ રોંગ એવું કબીર કરતાં મીરાને વધુ લાગ્યું. પણ બંને ચુપ રહ્યા. ત્યાર પછીની દસેક મિનીટ બાદ કબીર રવાના થઇ ગયો.

ઉમંગરંગમાં ભંગ પડ્યો હોય એવી લાગણી મીરાને થઇ. પણ બીજી જ પળે નકારાત્મક વિચારને ખંખેરતા, મીરાં વળી... કબીરના વિરલ વ્યક્તિત્વના વિચારોની કેડી તરફ. અને પહોંચી ગઈ સ્ટીફન કોલેજના અતીતના પટાંગણમાં. અને.. શરુ કરી સ્વના સુમધુર સ્મૃતિસફરની

કબીર.

‘તમે મને ગમો છો.’

એ એક એવું સર્વસામાન્ય સહજ વાક્ય છે કે, જેની પરિભાષાની સમજણ આપતાં એવું કહી શકાય કે કોઈ સરિતાના શાંત જળમાં એક કાંકરી ચાળો કર્યા પછી કેટલાં, કેવાં અને ક્યાં સુધીના વલયો વિસ્તરે ? તેના પ્રત્યુતરને કોઈ એક પરિઘમાં બાંધી ન શકાય.
બસ, આવું જ કૈક હતું.. મીરાં અને કબીર વચ્ચે. મીરાંને કબીર ગમતો પણ એ ગમવાની કોઈ એક ચોક્કસ પરિભાષા નહતી.

અને આ ગતજન્મના ગતાંક જેવા ગમતીલાં અને આકસ્મિક રીતે જોડાયેલા અનુસંધાનથી મીરાંના એ ગમવાની પરિભાષાના પરિઘનો વ્યાપ બદલાયેલા દ્રષ્ટિકોણ સાથે વધી ગયો.

મનગમતું કામ અને એ પણ મનગમતી વ્યક્તિ સાથે તે વાતની ખુશીથી મીરાં રોમાંચિત હતી.

અને કૈક આવા જ સકારાત્મક પ્રતિઘાત કબીરના પણ હતા.

એ તો મીરાં રાજપુતના નામથી અજાણ હતો. પણ આજે તે લીટરલી મીરાંના દમદાર વ્યક્તિત્વ અને લાવણ્યમય દેહ લાલિત્યથી અંજાઈ ગયો હતો. અને કબીર માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ હતો કે...દોડવું હતું અને ઢાળ મળી ગયો. પણ.. એક બાબતમાં તે મીરાંથી એક કદમ આગળ હતો.. મીરાંએ જે અંતિમ વાક્ય કહ્યું કે..

‘બીકોઝ... આઈ એમ મિસિસ મધુકર વિરાણી... અબ, સમજે મિસ્ટર કબીર ?’

આ એક રેડ સિગ્નલ જેવા સેન્ટેન્સનું અર્થઘટન કબીર એ રીતે કર્યું કે, બે બિલાડી વચ્ચે તે વાંદરાની અદાકારી કેટલી સારી રીતે નિસંદેહ ભજવી શકે તેમ છે.’

ખુબ દુર સુધી કબીરે વિચારતાં તેને સમજાયું કે, ભવિષ્યમાં ગમે ત્યારે પણ વિરાણી ઇન્ડસ્ટ્રીઝ માટે મીરાં રાજપૂત ગેમ ચેન્જર સાબિત થઈ શકે તમે છે. અને કબીરને અત્યારથી જ મીરાં અને મધુકર વચ્ચે તેની ભૂમિકાની અગત્યતા, સલામતી અને સફળતાની ટોચનો શોર્ટકટ સમજાઈ ગયો હતો.

રાત્રે ડીનર કરતાં કરતાં મધુકરનું ઉતરી ગયેલી કઢી જેવું મોઢું જોઇને મીરાંને થયું કે હવે ડોયો હલાવવો જ પડશે એટલે બોલી,

‘મધુ, વ્હોટ હેપન્ડ ? એનીથિંગ રોંગ ?
ન્યુન્ય્તમ સપાટીની નારાજગી સાથે મીરાં સામે જોઈને મધુકર બોલ્યા,
‘મીરાં, નાઉ યુ આર નોટ એ એપ્લોયી ઓફ વિરાણી ઇન્ડસ્ટ્રીઝ. યુ નો ધેટ ?’
‘ઓફકોર્ષ મધુ, આઈ અબ્સોલ્યુટલી રીમેમ્બર ઈટ. બટ વ્હટ્સ માય મિસ્ટેક ?

‘યુ હેવ ક્રોસ ધ લાઈન ઓફ પ્રોટોકોલ એન્ડ પર્સનલ લાઈફ ઓલ્સો.’
ખફાની દફા દર્શાવતાં મધુકર બોલ્યા.

મધુકરના આ વાક્યથી મીરાં વિમાસણમાં પડી ગઈ કે, મારાથી એવી તે કંઈ ભૂલ થઇ ગઈ ? રંગબેરંગી તુક્કા ગોઠવ્યા તો પણ પઝલ સોલ્વ ન થતાં મધુકરને પૂછ્યું,

‘પ્લીઝ ટેલ મી ક્લીયરલી મધુ, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ વોન્ટ ટુ સે એકઝેટલી.’
ગંભીર થતાં મીરાંએ પૂછ્યું

અધ્ધવચ્ચેથી ડીનર ખત્મ કરતાં સ્હેજ તામસી ટોનમાં મધુકર બોલ્યા.

‘મીરાં, યુ આર એ વાઈફ ઓફ ચેરમેન ઓફ ધ વિરાણી ઇન્ડસ્ટ્રીઝ. વ્હાય યુ યોરસેલ્ફ કમ વિથ કબીર ? એ કામ તારી ડ્યુટીના ક્રાઈટ એરિયામાં નથી આવતું, તે વાતથી તું સારી રીતે વાકેફ અને સભાન હોવી જોઈએ. તને તારી પોઝીશનનો કંઈ ખ્યાલ છે ? અને મને સૌથી વધુ નવાઈ એ વાતની લાગી કે આવી મામુલી ભૂલ તું આટલા વર્ષો પછી કરી રહી છે. આઈ હોપ કે આવી ચાઈલ્ડીશ મિસ્ટેક નેક્સ્ટ ટાઈમ નહીં જ થાય.’

આટલું બોલીને મધુકર ગાર્ડન તરફ વોક માટે નીકળી ગયાં.

મધુકરની લોજીક સાથેની આકરાં પગલા જેવી આર્ગ્યુમેન્ટ સાથે મહદ્દઅંશે મીરાં સહમત હતી પણ.. વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનનું બિહેવિયર જોઇને મનોમન હસતાં મીરાંને એવું લાગ્યું જાણે કે....કોઈ અંતરિયાળ ગામડેથી આવેલી નવીનવેલી ઘરની સૌથી નાની વહુના ભાણામાં તેના સાસુ ભૂલથી ખીચડીમાં ઘી નાખતાં ભૂલી ગયા હોય અને પછી પેલી ભાણું હડસેલી, બંને હાથે સાડી ઊંચકી, થોબડું ચડાવીને કોપભવનમાં જતી રહે એવું દ્રશ્ય દ્રષ્ટિમાના થતાં મીરાં હસતી રહી.

એક રંજ સાથે મધુકરની વાતને ગાંઠે બાંધ્યા પછી ખુદને ખખડાવતાં બોલી,
‘એલી.. કેમ ભૂલી ગઈ ? હવે મધુકર માત્ર વિરાણી સામ્રાજ્ય જ નહીં આફ્ટર ઓલ તારો પણ માલિક છે. મેન આર ઓલવેય્ઝ મેન.’

પડખું ફરીને ઊંઘવાનો અભિનય કરતાં મધુકરને જોઇને મીરાંને હસવું આવતું હતું.
હળવેકથી મધુકરને તેની બાહુપાશમાં જકડીને અત્યંત માદક સ્વરમાં તેના કાનમાં મીરાં બોલી.

‘અહીં તારો કોઈ પ્રોટોકોલ નહીં ચાલે માય ડાર્લિંગ,’

ધીમે ધીમે મીરાંની રતિક્રીડાનો વ્યાપ વધતો ગયો...

પણ....

મધુકરની બંધ અને મંદ પડેલી સુષુપ્ત અવસ્થાની સંચારવૃતિમાં કોઈ આવેગ કે ઉત્થાનના ઉદ્દગારોની સંજ્ઞાનો સંકેત ન મળતાં છેવટે મીરાંએ સમાગમ સમરાંગણમાં શરણાગતિના સિમ્બોલ રૂપે સફેદ ચાદર ઓઢી રક્ત પિપાસુ શસ્ત્રોને સંદૂકમાં ઢબૂરી દીધા.

હવે મીરાંએ બ્રોડ માઇન્ડેડ ચેરમેન અને નેરો માઇન્ડેડ પતિ એવાં બે મધુકર વચ્ચે પસર્નલ અને પબ્લિક લાઈફ વચ્ચે સંતુલન કરીને દામ્પત્યજીવનમાં આગળ વધવાનું હતું. જે પરિસ્થિતિ તેની પ્રકૃતિની વિરુદ્ધ પણ હતી તેવું જાણવા છતાં પણ મીરાંએ તે વાત તેના દિમાગમાં એક ટેટુની માફક અંકિત કરી લીધી હતી.

મીરાંએ વિરાણી હાઉસમાં ચેરમેનની પત્ની તરીકેના દરજ્જા મુજબની તેની સપૂર્ણ જવાબદારી નક્કી કરેલી લક્ષ્મણ રેખામાં રહીને એટલી સહજ રીતે નીભાવી કે.. મધુકરને સ્હેજ પણ કોઈ ફરિયાદ માટે અવકાશ નહતો આપ્યો. અને એ રીતે કબીર પણ પોતાની ફરજ પ્રત્યેની ગંભીરતા માટે સતર્ક રહેતો. કબીરની કાર્ય પદ્ધતિ, ચુસ્ત સમયપાલન અને દરેક કામના એડવાન્સ પ્લાનિંગની આવડતથી મધુકર કબીરથી પ્રસન્ન અને પ્રભાવિત પણ હતો.

આ રીતે પસાર થઇ ગયેલા બે વર્ષના સમયગાળામાં મીરાં અને કબીર દરમિયાન બન્નેના સાનુકુળ સમય, સંજોગના સથવારે તેમની વચ્ચે એક અનન્ય પ્રતીતિપુરકના અનુબંધના અંકુર ફૂંટવા લાગ્યા. મીરાં હંમેશા કબીરના સત્સંગમાં પોતાની જાતને ફુલ્લી કમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી. કોર્પોરેટ વર્લ્ડ સિવાયની વાત પર કોઈપણ હદની કોમેન્ટ, મજાક, મસ્તીનો દોર મીરાંને તેની જુના મિત્રો સાથેની અડ્ડા પાર્ટીની યાદ અપાવી દેતી. વાક્ચાતુર્યમાં પારંગત અને એક અલગ જ પ્રકારની સેન્સ ઓફ હ્યુમરથી મીરાંને કબીરની સંગત ગમતી.
ધીમે ધીમે મીરાં માટે કબીર એક સેઈફ સોફ્ટ કોર્નરનો પર્યાય બનવા જઈ રહ્યો હોવાં છતાં પણ....મીરાંએ હજુ એક પણ વખત તેના પદ, પ્રર્તિષ્ઠા અને પત્નીધર્મને સ્હેજ પણ આંચ આવે તેવી કોઈ બોટમ લાઈન ક્રોસ નહતી કરી.

વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં એક સેઈફ ઝોનમાં આવી ગયા પછી મીરાં પ્રત્યે કબીરના દ્રષ્ટિકોણની રેખા વિરુદ્ધ દિશામાં વક્રિત થવા જઈ રહી હતી.

આજે રવિવાર હતો... રાત્રે એક અંગત મિત્રની મેરેજ એનીવર્સરીની પાર્ટી એટેન્ડ કરવા જવાનું હતું પણ મધુકરને નેક્સ્ટડે અર્લી મોર્નિંગ પંદર દિવસ માટે વિદેશ જવાનું હોવાથી પાર્ટીમાં જવાનો કોઈ મૂડ નહતો. તેણે મીરાંને વાત જણાવતાં પૂછ્યું,

‘મીરાં, શું કરીશું ?’
મધુકરની પીઠ તરફથી આવીને મીરાં તેના બંને હાથને મધુકરની કમર ફરતે વીંટાળી તેનું માથું મધુકરની પીઠ પર ઢાળતાં રોમાન્ટિક મૂડમાં મીરાંએ જવાબ આપ્યો.
‘જો આપ બોલો મેરે સરકાર.’
‘મીરાં તારે એકલાં પાર્ટી એટેન્ડ કરવાં જવું પડશે, મારા વિષે પૂછે તો કહી દેજે કે તબિયત થોડી નરમ છે એટલે આરામમાં છે.’ મધુકરે મીરાંને સમજાવતાં કહ્યું,

મીરાં મનોમન બોલી, આમ પણ તારી તબિયત ક્યારે ગરમ હોય છે ? અને અંગત પળોની એકલતાનો એકડો ઘૂંટતા તો મને સારી રીતે આવડી ગયું છે.

‘જો હુકમ મેરે સરકાર.. હું તારી અર્લી મોર્નીગની પ્રીપેરેશન કરીને નીકળું છું’
આટલું બોલીને મીરાં બેડરૂમ તરફ જતી રહી.

આજે મીરાં તેના એક અલગ જ મૂડમાં હતી. બ્લેક કલરની સાડીમાં મીરાંના માદક અંગોપાંગના ઉભારો પાર્ટીમાં ચકચાર જગાવવા માટે પર્યાપ્ત હતા.

અને મલ્ટી મીલીઓનર્સની પાર્ટીમાં મીરાંને ચકરાવે ચડાવવા માટે એક માત્ર કબીરની ઉપસ્થિતિ જ કાફી હતી. અનાયસે કબીર ગેલેક્સી ગ્રુપના એમ.ડી. અતુલ અગરવાલ સાથે આવ્યો હતો.

ઓલમોસ્ટ બેક્લેસ મીરાંની પીઠ પાછળ હળવેકથી ઉભાં રહીને કબીર તેની આગવી અદા અને માદક સ્વરમાં બોલ્યો,

‘મોહતરમા, અગર આપકી ઇલ્ત્ઝા હો તો ઇસ નાચીઝ કો ભી હુસ્ન-એ મલ્લિકા કી તારીફ મેં કુછ કસીદે પઢને કા ઇક નાયાબ મૌકા મિલે.’

ચિત-પરિચિત અવાજ સાંભળીને બીજી જ પળે મીરાંએ પીઠ ફેરવીને જોયું તો... કબીર. કલીનશેવ સાથે લેટેસ્ટ ફેશનના બ્લેક શૂટમાં કબીર એક નજર માટે કોઈ પણ સ્ત્રીને ક્ષણભર મોહિત કરવા માટે સજ્જ હતો.

‘હેય... વ્હોટ એન અમેઝિંગ પ્લેઝન્ટ સરપ્રાઈઝ.’ મીરાં બોલી
કબીરને જોઇને મીરાંની આંખમાં સેંકડો સિતારાની ચમક ઉતરી આવી.

‘અને આ ઉર્દુ રેડીયો સર્વિસ ક્યારથી જોઈન કરી ? હસતાં હસતાં મીરાંએ પૂછ્યું.

‘તમારી આજની આ અપ્રતિમ આભાના આત્મપ્રસંસા માટે અનાયસે જે શ્રેણીબધ્ધ શબ્દો સ્ફૂર્યા, બસ એ મારા હોઠમાંથી સહજતાથી સરી ગયા.’

વશીકરણના વ્યાકરણ મિશ્રિત વાક્ચાતુર્યથી બહુરંગી પ્રતિભાના ધણી, ચિતવેધક કબીર, મીરાં પર તેના હિપ્નોટિઝમની હથોટી અજમાવતાં બોલ્યો.

‘હેય.. કબીર આઈ નો યુ વેરી વેલ. ડોન્ટ બી ઓવરસ્માર્ટ. મને લાગે છે તમને બચપણમાં હાલરડાંની જગ્યાએ ફલર્ટના ફોક સોંગ્સ સાંભળ્યા પછી જ ઊંઘ આવતી હશે. કે પછી કોઈએ ગળથુથીમાં સૌના પ્રિતીપાત્ર બનવા કે બનાવવાના માટે મોહિની મિશ્રિત કોઈ જાદુગરીની જડીબુટ્ટી ઘોળીને પીવડાવી દીધી હશે.’

‘વ્હેર ઈઝ બોસ ? આમ તમને પાર્ટીમાં એકલા મુકીને ક્યાં જતાં રહ્યા એ ?
કબીરે પૂછ્યું

એકલા ? એ હજુ એકલાંની વ્યાખ્યાથી ક્યાં પરિચિત છે ? અને હું...અર્ધજાગૃત અવસ્થામાં તેના એ અનંત એકલતાના સફરની આદિ સાથે સાથી બનીને ખુદ મારી એક આગવી ઓળખથી અજાણ થઇ જાઉં એ પહેલાં એ એકલતાને મનગમતાં એકાંતમાં તબદીલ કરવાની કોશિષ કરી રહી છું.

કબીરના પ્રત્યુતરના પ્રયાસમાં સ્વ સાથે સંવાદ સાંધતા આવું કંઇક મીરાં મનોમન બોલી.

‘એ આવવાંના જ હતા પણ..સ્હેજ હેલ્થ ઠીક ન લાગતાં મને કે તું પાર્ટી એટેન્ડ કરી આવ.’ મીરાં બોલી

‘એનીથિંગ સીરીયસ ?’ સ્હેજ ચિંતા સાથે કબીરે પૂછ્યું
‘અરે..નહીં, હી વોઝ જસ્ટ ફિલિંગ લાઈફ એ મૂડ ઓફ.’ મીરાંએ કહ્યું.
‘આપની ઉપસ્થિતિમાં મૂડ ઓફ ? આશ્ચર્યના ઉદ્દગાર સાથે કબીરે પૂછ્યું.
‘એક સવાલ પૂછું કબીર, કોઈપણ રોમાંચની અવધિ કેટલી ?
મીરાંના પીડાનું પ્રતિનિધિત્વ કરતાં પ્રશ્નની ગહનતાનું તળ માપ્યાં પછી થોડીવાર
ચુપ રહ્યા બાદ કબીર બોલ્યો,

‘તમારાં નક્કર અને નાજુક સવાલનો જવાબ આપતાં કહું તો... એ નિયમ દ્રવ્યના ધોરણ અને તૃષ્ટિગુણના તળ પર આધારિત છે.’

‘એટલે ? હું સમજી નહીં, કબીર.’ કબીરની સામે જોતાં મીરાં એ પૂછ્યું.

‘જે સમયે દસ રૂપિયાના કિંમતની વોટર બોટલ તમને જે સંતુષ્ટિનો સાક્ષાત્કાર કરાવે એ સમયે તેની સામે સો રૂપિયાની કિંમતના સોફ્ટ ડ્રીંક્સના મુલ્ય અને ગુણધર્મનો આંક શૂન્ય થઇ જાય છે. પ્રાઈઝટેગ કદાચ સુખ આપી શકે સંતોષ નહીં.’

સચોટ ચુનીંદા શબ્દબાણથી કબીરે મીરાંની મનોસ્થિતિને ડામાડોળ કરી દીધી. હજુ મીરાં કબીરને કઈ પૂછવા જાય તે પહેલાં એક વીસ થી બાવીસ વર્ષની કમનીય કાયાના કામણ પાથરતી, તેના માધુર્ય અને મુગ્ધતાસભર મધુર સ્વર સાથે કબીરનો હાથ પકડતાં એક યુવતી બોલી,

‘કબીર પ્લીઝ.. મને તારી દસ મિનીટ આપ.’
આટલું બોલીને તે યુવતી રીતસર કબીરનો હાથ ખેંચતા પાર્ટી પ્લોટના એક કોર્નર તરફ ઢસડી જતાં.. કબીર મીરાંને માત્ર એટલું જ બોલી શક્યો...

‘એક્સક્યુઝ મી’

આકરી પ્રતિક્ષા પછી મનપસંદ વાનગીનો પહેલો કોળીયો મોં માં મુકવા જતાં જ કોળીયામાં માખી આવે ત્યારે... અતિક્રમણ જેવા અણગમાના આરોપનો દોષનો ટોપલો કોના સિરે ઢોળવો ?

હાલાત ને હસવામાં હાંકી કાઢ્યા સિવાય મીરાં પાસે કોઈ વિકલ્પ નહતો. મીરાંએ માન્યું કે... મસ્ત મજાના જામેલા મહેફિલના માહોલમાં ભળીને મન બહેલાવવું મુનાસીબ રહેશે.

ચીત-પરિચિત કોર્પોરેટ વર્લ્ડના ફેમીલી અને ફ્રેન્ડસ જોડે પ્લાસ્ટિક સ્માઈલ સાથે ઔપચારિકતાના ઓળા ઓઢીને ફરતાં ફરતાં મીરાંની નજરો કબીરના ખુંચતા ખાલીપાને ખૂણે ખૂણે ખોજતી હતી ત્યાં જ....

‘હેય.. આઈ એમ સો સોરી.’ પાછળથી આવીને કબીર બોલ્યો
‘બસ.. દસ જ મીનીટનું કામ હતું ?’
દોઢ મણની દાઢ કચકચાવતાં મીરાં લડી લેવાના મૂડમાં બોલી.

‘પણ..પેલી મોનિકા મને જે રીતે...’ કબીર સફાઈ આપતાં તેનું વાક્ય પૂરું કરે એ પહેલાં ઘવાયેલા સ્વાભિમાન સાથે સાહજિક ગુસ્સાના ગેટઅપમાં આવતાં મીરાં બોલી.

‘પણ.. એવી કઈ ગુપ્ત ગપસપ હતી કે જેના માટે કોઈ કોર્નરમાં જવાની જરૂર પડે ?

આકસ્મિક રીતે કબીર દ્વારા મીરાંની નબળી અને દુઃખતી રગ દબાઈ જતાં મીરાંના અવય્ક્ત સંવાદોનું ભાષાંતર અને અર્થઘટન કબીરને સ્પષ્ટ સમજાવવા લાગ્યું.

‘કમ વિથ મી.’ એમ કહીને મીરાં કબીરને કોઈની સાવ નહીંવત હાજરી હતી એ દિશા તરફ લઇ ગયા પછી કબીરની સામે જોઈને ગંભીર મુખમુદ્રા સાથે મીરાં બોલી,

‘કબીર, લીસન કેરફુલી, છેલ્લાં બે વર્ષ દરમિયાન આપણા વચ્ચે પ્રમાણ મર્યાદામાં સંયમ અને સન્માન સાથે પાંગરેલા પૂર્વાપરસંબંધના પરિણામના અંતે મારા દિલ, દ્રષ્ટિ અને દિમાગમાં મેં તમને એક સન્માન જનક અને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. એન્ડ યુ નો વેરી વેલ કે..જયારે કોઈ પરણિત સ્ત્રી પરપુરુષને મિત્રથી વિશેષ ગણીને શ્રધ્ધા સાથે એ સ્થાન ત્યારે જ આપે કે જયારે તે તેનો એકમાત્ર એકાધિકારી હોય. ભીતરની ભાવનાના ભાગીદાર ન હોય. અને રક્તવાહીની સાથે વણાઈ ગયેલાં વ્હાલના વારસદાર પણ ન હોય કબીર, ધેટ્સ ઈટ.’

આટલું બોલતાં વર્ષો પછી ઉર્મીતત્વના ઉભરાથી મીરાંની આંખ ભીની થઇ ગયા પછી આગળ બોલી,

‘જસ્ટ થીન્ક... આ દુનિયામાં તમે જ એક એવાં વ્યક્તિ છો જેને કોર્પોરેટ વર્લ્ડના ટોપ મોસ્ટ મધુકર વિરાણીની ધર્મપત્ની મીરાં રાજપૂત એ તેની અંગત એકલતાના સહભાગીનો દરજ્જો આપ્યો છે. આપ વિચારી શકો છો આ વિરાણી ઇન્ડસ્ટ્રીઝના પાયા હલબલાવી નાખનાર જેવી ઘટના ક્યારે બને ?’

સાવ સાદા, સ્પષ્ટ અને સહજ શબ્દોમાં મીરાંએ અંતરંગ અનુબંધની અભિવ્યક્તિના આત્મવૃતાંતની અવઘોષણા કરી દિધી.

હવે કબીરને લાગ્યું કે...મીરાં એ હિંમતભેર આટલાં કદમ ભર્યા તો તેણે તેનાથી એક કદમ આગળ ડગલું ભરવાં માટે અતિ ઉત્તમ યોગનુયોગ છે. એટલું વિચારતાં કબીર બોલ્યો.

‘પૂછી શકું કે, ક્યા અધિકારના આધારથી તમે મને આ વાત જાણવી રહ્યા છો ?’

કબીરે જાણી જોઇને એવો સવાલ પૂછ્યો હતો કે...હવે મીરાં પાસે ફાઈનલ ઉત્તર આપ્યા સિવાય કોઈ ચારો નહતો.

કબીરનો સવાલ સાંભળીને માર્મિક હાસ્ય સાથે મીરાં બોલી,

‘કબીર, મારી રગોમાં રાજપુત ખાનદાનનું રક્ત વહે છે, હું સ્ટેટ લેવલની રાઈફલ શુટર પણ રહી ચુકી છું. અને રાજપૂત મનગમતો અધિકાર માંગતા નથી છીનવી લે છે. અને તેનું સર્ટીફાઇડ પ્રમાણ જોઈએ તો આવતીકાલે મારા બંગલે તમે ડીનર ટેબલ પર આવી જજો. અને ફર્સ્ટ એન્ડ લાસ્ટ વોર્નિંગ આપું છું, નેક્સ્ટ ટાઈમ આવી સસ્તી શાહરૂખબાજી મારી નજર સામે ન થવી જોઈએ. એન્ડ પાર્ટીનો મૂડ બગાડવા માટે થેન્ક્સ ટુ મધુકર એન્ડ યુ ઓલ્સો. બાય.’

રહ્યો સહ્યો ગુસ્સો ગળીને મીરાં પાર્ટી છોડીને જતી રહી.
જઈ રહી મીરાંને કયાંય સુધી જોયા પછી તેના હાથમાં રહેલાં ગ્લાસને પટકીને તોડતાં મનોમન અટ્ટ હાસ્ય કરતાં બોલ્યો..

‘મને કાચથી કંકર તોડતાં આવડે છે મીરાં રાજપૂત.’
અને સામે દીવાલની આડશમાં ઉભેલી મોનિકાને આંખ મારતાં કબીર બોલ્યો,

‘થેન્ક યુ મોનિકા ડાર્લિંગ,’

-વધુ આવતાં અંકે.

© વિજય રાવલ

'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484