Destiny connection books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેક્શન

ગાંધીનગરના સ્વામિનારાયણ મંદિરથી ઇન્દ્રોડા સર્કલ સુધીનો રસ્તો રાતના સમયે જરા વધુ પડતો સૂમસામ હોય છે એમાં પણ શિયાળાની રાત્રે તો ત્યાં માણસોની કોઈ અવરજવર જ હોતી નથી. એકલદોકલ ગાડીઓના અવાજ સિવાય નીરવ શાંતિ આ રોડ ઉપર પથરાયેલી હોય છે.

આવા સૂમસામ રસ્તા ઉપર શિયાળાની રાત ના લગભગ 10:30 વાગે સરિતા ઉદ્યાન થી સહેજ આગળ એક યુવતી પોતાના અચાનક બંધ પડી ગયેલા એક્ટિવાની કિકો ઉપર કીકો મારતી હતી. યુવતી આવા નિર્જન રસ્તા ઉપર ખૂબ જ ગભરાયેલી હાલતમાં એકટીવા ચાલુ કરવાની કોશિશ કરતી હતી.

15 મિનિટ કોશિશ કર્યા પછી કોઈ ગાડી વાળા ની મદદ લેવા માટે એ હાથ લંબાવવાનો વિચાર કરતી હતી પણ મનમાં અનેક પ્રશ્નો ઊભા થતા હતા. આટલી મોડી રાત્રે એક ભર યુવાન ખૂબસુરત યુવતીને લિફ્ટ આપવા કોઈ પણ ગાડીવાળો તૈયાર થઈ જાય પણ એ કારમાં બેઠેલી વ્યક્તિ કોણ હશે એ કેવી રીતે ખબર પડે ?

ફરી એણે કીકો મારવાની ચાલુ કરી ત્યાં જ એકટીવા ઉપર એક યુવાન ત્યાંથી પસાર થયો. એણે આ યુવતીને કીકો મારતી જોઈ. એ સો મીટર જેટલું આગળ જઈને ઉભો રહ્યો. થોડું વિચારી લીધું અને યુ ટર્ન લઈને યુવતી પાસે આવ્યો.

" એકટીવા બગડ્યું છે ? લાવો હું કોશિશ કરી જોઉં"

એ યુવાને પણ એક્ટિવાને ઘણી કીકો મારી. કોઈપણ હિસાબે એકટીવા ચાલુ ન થયું.

" એની બેટરી ડાઉન થઈ ગઈ લાગે છે. હવે આટલી મોડી રાત્રે અહીં ઊભા રહેવાનું જોખમ તમારે લેવા જેવું નથી. તમે એક કામ કરો. એકટીવા ને આપણે સાઈડ માં મૂકી દઈએ. તમારે ક્યાં જવું છે ? "

" મારે તો અમદાવાદ જવું છે. મારી ફ્રેન્ડ ની બર્થડે પાર્ટીમાં રોકાઈ ગઈ અને ખુબ મોડું થઇ ગયું. અડધા કલાકથી હું હેરાન થાઉં છું. તમે તો અહીં ગાંધીનગર રહેતા હશો ને ? "

" ના ના હું પણ અમદાવાદ જ રહુ છું. તમે ચિંતા નહીં કરો. બેસી જાવ. તમે જ્યાં કહેશો ત્યાં ઉતારી દઈશ. "

યુવતી થોડી ક્ષણો માટે ખચકાઈ ગઈ પણ પછી એણે નિર્ણય લીધો. એકટીવા ને એકદમ સાઈડમાં લઈ લીધું અને લોક કરીને યુવાનની પાછળ બેસી ગઈ.

" તમારું નામ જાણી શકું ? " યુવકે હેલ્મેટ પોતાના માથા ઉપર પહેરતાં પહેલા પૂછ્યું.

" નિરાલી મારું નામ. નિરાલી દેસાઈ. "

" હું કાર્તિક મહેતા... આંબાવાડી માં રહું છું " અને કાર્તિકે એકટીવા ચાલુ કર્યું.

લગભગ રાતના સવા અગિયાર વાગે કાર્તિકે નિરાલીને સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઉતારી.

" થેન્ક્યુ વેરી મચ કાર્તિક.. લિફ્ટ આપવા બદલ "

" માય પ્લેઝર " કાર્તિકે જવાબ વાળ્યો.

" તમે એકટીવાનું શું કરશો હવે? તમારો પોતાનો કોઈ મિકેનિક છે ? ના હોય તો મારા મિકેનિકને કહું. એ ત્યાંથી લઈ આવશે અને સર્વિસ કરીને તમે જે એડ્રેસ આપો ત્યાં પહોંચાડી દેશે કાલે. " કાર્તિકે કહ્યું.

" હા એમ જ કરો. મારો કોઈ જાણીતો મિકેનિક તો નથી. તમે સર્વિસ કરાવી ને ગાંધીનગરમાં જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મૂકી જવાનું કહેજો ને ? હું ત્યાં જ જોબ કરું છું. મારો મોબાઇલ નંબર એને આપી દેજો. જે પણ બિલ થશે હું એને ચૂકવી દઈશ " કહીને નિરાલીએ કાર્તિકને પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને એકટીવાની ચાવી પણ આપી.

" હવે એક કામ કરો. તમે ગાંધીનગર જવા માટે કેટલા વાગે નીકળો છો ? " .

" હું સવારે 9.30 વાગે નીકળી જાઉં છું. કેમ ? "

" કારણકે તમારું એકટીવા તો બીમાર પડ્યું છે. એટલે કાલે જવાનો પ્રોબ્લેમ થશે ને ? હું તમને તમારી ઓફિસ ડ્રોપ કરી દઈશ. હું પણ ગાંધીનગર માં જ જોબ કરું છું. બેંકમાં છું "

" ના.. ના... હું તો મારી રીતે જતી રહીશ બસમાં. તમે આજે આટલી લિફ્ટ આપી એ જ ઘણું છે. "

" મારો ડર લાગે છે તમને ? હું રોજ રોજ મૂકવા નહીં આવું. રિલેક્સ. હું તો માત્ર કાલના દિવસ ની વાત કરું છું. બાકી તમારી ઈચ્છા. "

" ઓકે બાબા.. ચાલો આવીશ હું !! કાલે તમે અહીંથી જ મને પીકઅપ કરી લેજો "

" ઓકે.. ડન " અને કાર્તિક પોતાના ઘરે જવા રવાના થયો.

બીજા દિવસે સવારે કાર્તિક આપેલા સમય પ્રમાણે એકટીવા લઈને આવી ગયો. આજે દિવસના પ્રકાશમાં એણે ધારી ધારી ને નિરાલીને જોઈ અને એનું રૂપ જોઈને ચક્કર ખાઈ ગયો. શું આ નિરાલીને પોતે લિફ્ટ આપી હતી ? કોઈપણ જાતના મેકઅપ વગર પણ અત્યારે કેટલી અદ્ભુત લાગતી હતી એ !!

" મેં મારા મેકેનિક ને ચાવી આપી દીધી છે. એ આજે લઈ જશે અને સર્વિસ કરીને તમારા ત્યાં મૂકી જશે. હવે તમે બેસી જાઓ "

હેલ્મેટ પહેર્યા પછી ચાલુ વાહને વાતચીત કરવાની મજા નથી આવતી અને સવારે ટ્રાફિક પણ ઘણો હોય છે એટલે કાર્તિકે રસ્તામાં વાત કરવાનું ટાળ્યું. ફોરેન્સિક લેબોરેટરી પહોંચ્યા પછી એણે એકટીવા ઊભું રાખ્યું અને નિરાલી નીચે ઉતરી.

" ચાલો... આજે હવે તમારી પાસે એક્ટિવા આવી જશે એટલે હવે તમને ફરી લિફ્ટ આપવાનું કોઈ બહાનું મારી પાસે નથી... અને હું એવું પણ નથી ઇચ્છતો કે ફરી પાછું તમારું એકટીવા ખોટકાઈ જાય અને હું ત્યાંથી પસાર થાઉં !! "

અને નિરાલી ખડખડાટ હસી પડી. " તમે ખૂબ જ નોટી અને ઇન્ટરેસ્ટિંગ છો. ચલો બાય !!"

ટાઈમ થઈ ગયો હતો એટલે કાર્તિક પણ ઇન્ફોસિટી માં આવેલી એની બેંકમાં પહોંચી ગયો. હજુ પણ નિરાલીના વિચારોમાંથી એ બહાર નહોતો આવ્યો.

આમને આમ એકાદ અઠવાડિયું પસાર થઈ ગયું. કોણ જાણે કેમ પણ નિરાલી ની છબી આંખો આગળથી ખસતી નહોતી. ફરી ફરીને એને મળવાની ઈચ્છા જોર કરતી હતી પણ કેવી રીતે મળવું ? ફોન નંબર તો હતો પણ ફોન ઉપર શું કહેવું ?

દિલમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને મળવાની તીવ્ર ઈચ્છા વારંવાર પેદા થાય ત્યારે સંજોગો ક્યારેક મિલન કરાવી લેતા હોય છે ! બન્યું પણ એમ જ. દસેક દીવસ પછીના રવિવારે એ ક્રોસ વર્ડ્સ માં બેન્કિંગ એક્ઝામ ની એક બુક ખરીદવા ગયો અને તેણે એક કોર્નરમાં નિરાલીને બેઠેલી જોઈ. એ કોઈ મેગેઝિનના પાના ઉથલાવતી હતી ! જિન્સ અને ગુલાબી ટીશર્ટ માં એ ખૂબ આકર્ષક લાગતી હતી.

" વૉટ આ પ્લેઝંટ સરપ્રાઈઝ !! " કાર્તિક એકદમ નિરાલી ની પાસે આવીને બોલ્યો.

" અરે કાર્તિક તમે ? તમે અહીંયા ક્યાંથી ? " નિરાલીને પણ આશ્ચર્ય થયું હતું.

" બસ... બેન્કિંગ એક્ઝામ ની તૈયારી કરું છું એટલે એક બુક ખરીદવા આવ્યો હતો..... એક્ઝામ પાસ કરી દઉં તો ઓફિસર થઈ જાઉં ! "

" વિશ યુ ગુડ લક કાર્તિક ... ચાલો આપણે બહાર કેન્ટીનમાં બેસીએ "

અને બંને જણા ક્રોસ વર્ડસ ની કેન્ટીનમાં આવીને બેઠા. કાર્તિકે બે સેન્ડવીચ નો ઓર્ડર આપ્યો.

" બોલો નોટી બોય હવે શું કહો છો ? " હસતા હસતા નિરાલીએ કહ્યું.

" નિરાલી તમારી ઉંમર કેટલી ? સોરી આમ તો કોઈ છોકરીની ઉંમર ના પુછાય અને કદાચ પુછાય તો સાચો જવાબ ન મળે એ પણ મને ખબર છે તેમ છતાં મનમાં પેદા થતી ઇચ્છા રોકી શકતો નથી "

" ઉંમર પૂછવાની કેમ ઇચ્છા પેદા થાય છે કાર્તિક ? મનમાં કોઈ બીજા વિચારો તો નથી આવતા ને ? " નિરાલીએ આંખો નચાવતાં પૂછ્યું.

" ના...ના.. બસ એમ જ " અને કાર્તિક શરમાઈને નીચું જોઈ ગયો.

" મારી ઉંમર 32 વર્ષની છે. હું અનાવિલ બ્રાહ્મણ છું. સ્વસ્તિક સોસાયટી માં રહું છું. પપ્પા રિટાયર્ડ પ્રોફેસર છે. હું એમની એકની એક દીકરી છું. માઇક્રોબાયોલોજીમાં એમ.એસ.સી કરેલું છે. ઊંચાઈ પાંચ ફૂટ સાત ઇંચ. હું ક્યાં જોબ કરું છું એ તો તમને ખબર જ છે. આ મારો બાયોડેટા. હવે બોલો !! "

" આર યુ સિરિયસ ? તમારી ઉંમર 32 વર્ષ છે ? તમને જોઈને કોઈપણ ના માની શકે !! તમારી ઉંમર માંડ 26 27 ની લાગે છે નિરાલી. "

" થેન્ક્સ કાર્તિક પણ આ સત્ય છે. હું નિયમિત યોગાસનો કરું છું અને ડાયટ મેન્ટેન કરું છું. અને તમે ? "

" શું કહું તમને ? હું તો હજુ માંડ 25 વર્ષનો છું. કસરતના કારણે મારુ ફિઝિકલ સ્ટ્રક્ચર સારું છે પણ ઉંમર તમારાથી ઘણી નાની કહેવાય !! "

" તો હવે શું કરીશું કાર્તિક ? એકટીવાની ઘટનાને મગજમાંથી ડિલીટ કરી દઈશું ? " નિરાલીએ કાર્તિક ની આંખોમાં આંખો પરોવીને કહ્યું.

" ના એ શક્ય નથી નિરાલી...... હવે એ શક્ય નથી.... ખબર નહીં કેમ પણ હું તમને ભૂલી શકું એમ નથી.... છેલ્લા દસ દિવસથી તમે મારા સુખચેન છીનવી લીધા છે. રાત દિવસ તમારા વિચારો મગજમાંથી ખસતાં નથી . મને પોતાને પણ સમજાતું નથી કે આવું કેમ થાય છે ? "

" કાર્તિક મારી હાલત પણ તમારા જેવી જ છે. આપણે આગળ વધીએ કે ના વધીએ પણ આ એક કિસ્મત કનેક્શન છે. મારી ઉંમરના કારણે હું કોઈ દબાણ કરી શકું એમ નથી પણ મને કદાચ તમારાથી પ્રેમ થઇ ગયો છે " અને નિરાલી શરમાઈને નીચું જોઈ ગઈ.

" નિરાલી ઉંમરનો મને પોતાને કોઈ પ્રોબ્લેમ નથી. એમ તો અભિષેક બચ્ચન કરતા એશ્વર્યા રાય ચાર વર્ષ મોટી જ છે ને ? નરગીસ પણ સુનીલ દત્ત કરતા ઘણા મોટા હતા. સવાલ સાત વર્ષના ડીફરેન્સ ને લઈને મારા પેરેન્ટ્સ કદાચ તૈયાર નહીં થાય એનો છે. આપણે કંઇક વિચારવું પડશે "

" આઈ અન્ડરસ્ટેન્ડ કાર્તિક ! માબાપનો દ્રષ્ટિકોણ અલગ જ હોય છે. એ કદાચ સ્વીકાર ના કરે ! " નિરાલીએ સેન્ડવિચ ની બાઇટ્સ લેતા લેતા કહ્યું.

" ગમે તે થાય નિરાલી. હું હવે પાછો વળવાનો નથી આઇ લવ યુ અને હું જીવનભર સાથ નિભાવીશ. મને ઉંમરનો કોઇ ફરક પડતો નથી. તું મને ગમે છે અને મારા માટે એ જ મહત્વનું છે " કાર્તિક પ્રેમના આવેશમાં નિરાલીને તમે માંથી તું સંબોધન કરી બેઠો.

" આઈ ટુ લવ યુ કાર્તિક ! આપણો પ્યાર સાચો છે તો ઈશ્વર કોઈ ને કોઈ રસ્તો જરૂર કાઢશે. અત્યારથી આપણે નિરાશ થવાની કોઈ જરૂર નથી. "

" નિરાલી... હું ભલે 25 નો હોઉં પણ દેખાવમાં તો હું 27 નો જ લાગુ છું..... અને તું 32 ની હોવા છતાં માંડ 27 28 ની લાગે છે.... એટલે બહારની વ્યક્તિ ને તો આટલા મોટા એજ ડીફરેન્સ ની કોઈ ખબર પડવાની જ નથી. અને આપણે પેરેન્ટ્સ ને બર્થ સર્ટિફિકેટ બતાવવાની ક્યાં જરૂર છે ? "

" ભલે મારા સાહેબ તમારો મોબાઈલ નંબર તો મને આપો !!" નિરાલીએ લાડથી કહ્યું.

અને તે દિવસ પછી નિરાલી અને કાર્તિક પ્રેમના ગાઢ બંધનમાં બંધાઈ ગયા ! રાત્રે મોડે સુધી બંને વચ્ચે ચેટિંગ ચાલ્યા કરતું ! ક્યારેક ફોન ઉપર લાંબી લાંબી વાતો પણ થતી રહેતી. બંને એકબીજા માટે પાગલ બનતા ગયા .

રવિવારની રજામાં બંને સાથે જમવાનો પ્રોગ્રામ બનાવી જ દેતા . નિરાલીના અદ્ભુત રૂપની પાછળ કાર્તિક ખરેખર પાગલ થઇ ગયો હતો. એને જ્યારે પણ મળતો ત્યારે એ નિરાલીની કામણગારી આંખોમાંખોવાઈ જતો. પોતાની જાતને વશમાં રાખવી હવે મુશ્કેલ હતી. જલ્દી લગ્ન કરી લેવાના વિચારો સળવળતા હતા.

ઘણા સમયથી કાર્તિક માં આવેલું આ પરિવર્તન એના મા-બાપ થી છાનું નહોતું. ઘરમાં ગમે એટલું સારું બનાવ્યું હોવા છતાં દરેક રવિવારે કાર્તિક બહાર હોટલમાં જ જમવા જતો !

" બેટા તું કોઈના પ્રેમમાં તો નથી પડ્યો ને ? " એક દિવસ સાંજે જમતા જમતા રસીલાબેને કાર્તિક ને પૂછ્યું.

" છેલ્લા ત્રણેક મહિનાથી તારું વર્તન બદલાઈ ગયું છે. તું દર રવિવારે બહાર જમવા જાય છે. રાત્રે મોડે સુધી જાગતો હોય છે. તારું આ પરિવર્તન મારાથી થોડું અજાણ્યું રહે ? હું તારી મા છું દીકરા. કોણ છે એ ? "

" નિરાલી નામ છે એનું મમ્મી..... એ લોકો પણ બ્રાહ્મણ છે.... નવરંગપુરામાં રહે છે. ગાંધીનગરમાં જોબ કરે છે ."

" તું અત્યાર સુધી કહેતો કેમ નથી ? તારી પસંદગીને હું કંઈ ના પાડવાની હતી ? તું એને ઘરે તો લઈ આવ !! "

" ભલે મમ્મી આવતા રવિવારે હું નિરાલીને ઘરે લઈ આવીશ " કાર્તિક મમ્મીની વાતચીતથી ઘણો ખુશ થયો.

રવિવારે સ્વસ્તિક ચાર રસ્તા જઈ કાર્તિક નિરાલીને આંબાવાડી ના પોતાના ઘરે લઈ આવ્યો. નિરાલીએ આવીને કાર્તિક ના મમ્મી પપ્પા ને પ્રણામ કર્યા. નિરાલી ખરેખર ખૂબ જ સુંદર અને સંસ્કારી લાગી. કાર્તિક ની પસંદગી માટે એમને કોઈ ફરિયાદ નહોતી.

જમી લીધા પછી કાર્તિક અને નિરાલી મમ્મી-પપ્પા સાથે ડ્રોઈંગ રૂમમાં બેઠા. કાર્તિકના પિતા નાગેન્દ્ર ભાઈને પણ નિરાલી ખૂબ જ ગમી ગઈ. ખૂબ જ સંસ્કારી સુશીલ અને દેખાવડી હતી. ઘરમાં શોભે એવી વહુ હતી અને ખાસ તો કાર્તિકની એ પસંદગી હતી.

" તારા પપ્પા નું નામ શું બેટા અને ક્યાં રહો છો ? " નાગેન્દ્રભાઈ એ નિરાલી ને પૂછ્યું.

" જી અંકલ ... મારા પપ્પાનું નામ સુમંતરાય દેસાઈ.... અમે લોકો સ્વસ્તિક સોસાયટીમાં રહીએ છીએ નવરંગપુરા " નિરાલી એ હસીને જવાબ આપ્યો.

" સુમંતરાય દેસાઈ ? પેલા પ્રોફેસર તો નહીં ?"

" હા અંકલ પપ્પા પ્રોફેસર જ હતા. તમે ઓળખો છો એમને ? " નિરાલી એ આશ્ચર્ય થી પૂછ્યું.

" બહુ સારી રીતે બેટા..... તું એમને કહેજે કે આંબાવાડી આઝાદ સોસાયટી વાળા નાગેન્દ્ર મહેતાના દીકરા સાથે હું પ્રેમમાં છું "

" ચોક્કસ કહીશ અંકલ.... જો કે મેં હજુ મારા ઘરે કાર્તિક ની વાત કરી નથી પણ મારા મમ્મી પપ્પા ચોક્કસ માની જશે. "

" નહીં માને તો અમે મનાવી લઈશું બેટા... તું હવે આ ઘરની લક્ષ્મી જ બનવાની છે "

નિરાલી આજે ખૂબ જ ખુશ હતી કાર્તિક તો એને પતિ તરીકે ખૂબ જ ગમી ગયો હતો પણ એનો પરિવાર પણ આટલો સરસ હશે એવી એને કલ્પના પણ નહોતી !!

લગભગ એકાદ વીક પછી એક સાંજે જમતા જમતા નિરાલીએ ઘરમાં મમ્મી પપ્પાને બધી વાત કરી. પોતે રવિવારે કાર્તિક ના ઘરે જઈ આવી એ પણ કહ્યું.

" પપ્પા કાર્તિક ના પપ્પા એમ કહેતા હતા કે એ તમને સારી રીતે ઓળખે છે " નિરાલી એ કહ્યું.

" મને ઓળખે છે ? શું નામ એમનું ? "

" નાગેન્દ્ર મહેતા.... આઝાદ સોસાયટી માં આંબાવાડી રહે છે "

" તું એમના ઘરે ગઈ હતી ?..... મારું નામ સાંભળીને એમણે તને કંઈ કહ્યું નહીં ? " સુમંતરાયે દીકરી ને પૂછ્યું.

" કહ્યું ને પપ્પા !! એમણે કહ્યું કે તું સુમંતરાય ને કહેજે કે આઝાદ સોસાયટી વાળા નગેન્દ્રભાઇ મહેતા ના દિકરા સાથે હું પ્રેમમાં છું. "

" હમ્.. ઓળખું છું એમને ! નિરાલી આ લગ્ન શક્ય નથી બેટા !! તું હવે આગળ ના વધતી. આપણી જ્ઞાતિમાં મારા ધ્યાનમાં બે-ત્રણ છોકરા છે. એક છોકરો તો અમેરિકા સ્થાયી થયો છે અને બે મહિના પછી અહીં આવવાનો છે કન્યાઓ જોવા માટે. "

" ના પપ્પા.. હું પ્રેમમાં ઘણી આગળ નીકળી ગઈ છું અને હવે પાછા ફરવું કે ના પાડવી મારા માટે શક્ય નથી. આમને આમ મને 32 વર્ષ થઈ ગયા. અત્યાર સુધીમાં ચાર છોકરા જોઈ ચુકી છું. " પપ્પાની વાત થી નિરાલીને ખૂબ જ આઘાત લાગ્યો.

" નિરાલીને ગમતું હોય તો કરવા દો ને ? તમને શું વાંધો છે ? આટઆટલા છોકરાઓ જોયા. ક્યાં સુધી કુંવારી રાખશો ? " કીર્તિ બહેને પોતાના પતિને ટોક્યા.

" તું સમજતી નથી... આ નાગેન્દ્ર મહેતા એ જ કે જેમણે 5 લાખ માટે મારા ઉપર કોર્ટ કેસ કર્યો છે . 2 વર્ષ થી ચેક રિટર્ન નો કેસ ચાલે છે કોર્ટ માં "

" તમે પાંચ લાખ જેવી રકમ એમની પાસેથી લીધી અને પાછી ના આપો, તમારો ચેક રિટર્ન થઈ જાય તો માણસ કોર્ટમાં જાય જ ને !! એમાં એમનો વાંક ના ગણાય. " કીર્તિ બહેને કહ્યું.

" પપ્પા.... તમે ક્યારે લોન લીધેલી એમની પાસેથી ? અને શા માટે આટલી મોટી રકમની જરૂર પડેલી ? "

" બેટા પાંચ વર્ષ પહેલા સ્વસ્તિક સોસાયટી નો આ ફ્લેટ ખરીદ કર્યો ત્યારે જુના ફ્લેટ ઉપર બેંક લોન વધારે મળતી નહોતી. 5 લાખ ખૂટતા હતા. નાગેન્દ્રભાઇ વર્ષોથી ફાઇનાન્સનો ધંધો કરે છે. હું એમને સારી રીતે ઓળખતો હતો. અમે જૂના મિત્રો છીએ એમ કહું તો પણ ખોટું નથી. મેં એમને વાત કરી તો એમણે વગર વ્યાજે એક વરસ ની મુદત માટે પાંચ લાખનો તારીખ વગરનો ચેક લઈને મને પૈસા આપ્યા. "

" બે વર્ષ સુધી એમણે રાહ જોઈ. પછી 3 ટકા વ્યાજ ની વાત થઈ. મેં છ મહિના તો વ્યાજ આપ્યું પણ પછી ઘરમાં તકલીફ પડવા માંડી એટલે વ્યાજ બંધ કર્યું તો બે વર્ષ પહેલાં તેમણે કોર્ટમાં કેસ કર્યો. "

" તો એમાં એમનો શુ વાંક પપ્પા ? વગર વ્યાજે તમને પાંચ લાખ જેવી રકમ આપી. બે વર્ષ સુધી વ્યાજ કે મૂડી યાદ પણ ના કર્યા. 5 લાખ કોઈ નાની રકમ થોડી છે પપ્પા ? એ કોર્ટમાં જાય એમાં તમે એમને દોષ કઈ રીતે દઈ શકો ? "

" હું તારી વાતની ના નથી પાડતો દીકરી. પૈસા પાછા ના આપીને મારું ખૂબ નીચાજોણું થયું છે. મારો હાથ નીચે છે. એ મને કોર્ટમાં ખેંચી ગયા છે તો હવે એમની સાથે તારા લગ્નની વાત હું કયા મોઢે કરું ? "

" પપ્પા હું એક બે કલાક એમના ઘરે રોકાઈ છું અને મેં જે નિરીક્ષણ કર્યું છે એ પ્રમાણે તો અંકલ ખૂબ ખાનદાન માણસ છે..... તમે એકવાર વાત તો કરી જુઓ. પૈસાની વાત વચ્ચે નહીં આવે "

મા દીકરી ની વાત સાચી લાગી સુમંત ભાઈને. જે માણસે વગર વ્યાજે પાંચ લાખ જેવી રકમ બે મિનિટમાં આપી દીધી હોય તેને ખરાબ કઈ રીતે કહી શકાય ? અને દુશ્મન પણ કેમ માની લેવાય ? દીકરી ના સુખ માટે વાત તો કરવી જ પડશે.

અને એમણે રાત્રે જમી કરીને નાગેન્દ્ર ભાઈને મોબાઈલ કર્યો.- " નાગેન્દ્ર ભાઈ સુમંત બોલું. મને મારી દીકરી નિરાલીએ આજે જ સમાચાર આપ્યા કે એ તમારા ઘરે આવી હતી. એ તમારા દીકરાને પસંદ કરે છે એટલે મને થયું કે હું તમને ફોન કરું "

" સુમંત ભાઈ તમે મને ફોન કર્યો એ સારું લાગ્યું. બોલો હવે ઘરે મળવા ક્યારે આવો છો ? દીકરીના બાપ છો તો માગુ લઈને તમારે મારા ઘરે આવવું પડે ."

" જી જરૂર.... સારો દિવસ જોઈને હું અને કીર્તિ આવી જઈશું " સુમંતરાયે જવાબ આપ્યો અને ફોન કટ કર્યો.

" નાગેન્દ્ર ભાઈએ વાતચીત તો આજે ખૂબ સારી રીતે કરી. પૈસા નો ભાર ક્યાંય વચ્ચે આવવા દીધો નહીં કીર્તિ !!" સુમંતરાયે પત્નીને સંબોધીને કહ્યું.
*********************************
" મનમાં કોઈપણ જાતનો ક્ષોભ અને સંકોચ રાખશો નહીં. તમે મારા વેવાઈ થયા છો હવે. બાળકોના સુખને ખાતર ઘણી બધી બાબતો ભૂલી જવી પડે છે સુમંત ભાઈ. કેસ હું પાછો ખેંચી લઉં છું " પહેલી જ મિટિંગ માં નાગેન્દ્ર ભાઈએ સુમંત ભાઈને હળવાફૂલ કરી દીધા.

અને એક સારા મુહૂર્તમાં કાર્તિક અને નિરાલી લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયા. લગ્નની સાંજે જ (નાગેન્દ્રભાઈએ દીકરાને લગ્ન માં ગિફ્ટ આપેલી) નવી કાર માં નવદંપતી ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયા અને ભગવાનના આશીર્વાદ લીધા.

પાછા વળતાં એકટીવા જ્યાં ખોટકાઈ ગયું હતું ત્યાં ગાડી ઉભી રાખી. બંને એ નીચે ઉતરીને એ ભૂમિ ને પ્રણામ કર્યા જ્યાં એમનું પ્રથમ મિલન થયું હતું.

" કેટલા સમયથી તને પ્રાપ્ત કરવા ઝાંખી રહ્યો હતો નિરાલી !!....... સાચે જ આપણું આ કિસ્મત કનેક્શન જ છે.... નહીં તો આવી રૂપસુંદરી મારા નસીબમાં ક્યાંથી !! .... આજે તું અદ્ભુત લાગે છે ડાર્લિંગ !! " લગ્નની સુહાગરાતે કાર્તિક નિરાલીને પલંગ માં બેઠેલી જોઇને બોલી ઉઠ્યો.

આજે નવવધૂના ડ્રેસમાં અને લગ્ન ના સ્પેશિયલ મેકઅપમાં નિરાલી નું સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઉઠ્યું હતું !!

સુહાગરાતના પ્રથમ સંવનન ની એ માદક પળો માં એ બંને એકબીજામાં એટલા બધા ખોવાઈ ગયા કે ઉંમરનો કોઇ તફાવત એમની તોફાન મસ્તી ની વચ્ચે ના નડ્યો !!!

અશ્વિન રાવલ ( અમદાવાદ )