Ek bhool - 15 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 15

મીરા, મિહિર, આરવ, મીત અને આશી પાંચેય મિહિરની ઘરે અમિત સુધી પહોંચવાનો રસ્તો શોધવા ભેગાં થાય છે.

" તો શું કોઈએ કંઈ વિચાર્યું? આગળ શું કરવું તેમ.. " મીત વારાફરતી બધાંની સામું જુએ છે.

" આગળ શું કરવું તે તો નથી વિચાર્યું પણ મને એક વસ્તુ ખબર છે જે શાયદ આપણને ઉપયોગી થઈ શકે છે. " આરવ બોલ્યો.

" શું? જલ્દી બોલ. " મીરા સાથે સાથે બીજા બધાં પણ આરવની વાત સાંભળવા કાન દઈને બેસી ગયાં.

" અમિત દર વીકેંન્ડે.. એટલે કે દર શનિવારે એક પબમાં જાય છે. તે ત્યાં જઈને આખી રાત દારૂ અને છોકરીઓની મજા માણે છે. ત્યાં બધાને જવાની પરમિશન તો મળતી નથી પણ ખાલી અમુક ખાસ લોકો જ જઈ શકે છે. અંદર પ્રવેશ મેળવવાં માટે એક ખાસ નિશાન હાથમાં હોવું જરૂરી છે. તે જોઈને અને પૂરી ચેકીંગ કર્યા પછી ય જો તે લોકોને વિશ્વાસ આવે પછી જ અંદર જવાની મંજૂરી મળે છે. " આરવે કહ્યું.

" તો જો ગમે તેમ કરીને આપણને અંદર જવાં મળી જાય તો અમિત વિશે વધુ કાંઈક તો માહિતી મળી જ જશે. બની શકે કે રાધિકા વિશે પણ થોડી ઘણી ખબર પડી જાય. " મીત બોલ્યો.

" ઓકે, ગ્રેટ. તો આપણે પણ ત્યાં જશું. શનિવાર કાલે જ છે. " આરવે પોતાની વાત પૂરી કરી એ ભેગી મીરા બોલી પડી.

" ના ના.. કાંઈ જરૂર નથી હો આપણે. " મિહિરે તેને ના પાડી.

" જરૂર છે.. ખાસ જરૂર છે. " મીરા હવે જિદ્દે ચડી ગઈ.

" એ તારામાં બુધ્ધિ છે કે નહીં.. તે સાંભળ્યું નહીં આરવે શું કીધું તે.. ત્યાં એ લોકો કાંઈ તારાં સ્વાગત માટે ઉભા નહીં હોય. હાથમાં તેનું નિશાન જોશે અને પછીય જો એને ઓકે લાગશે તો અંદર જવા દેશે. એમાં પણ અમિતની નજર આપણી ઉપર છે જ. એટલે તું વગર વિચાર્યે કાંઈ બોલમાં મારી મા.. " મિહિર મીરાને ખીજાય ને બોલ્યો.

" અને જો તે નિશાન આપણને મળી જાય તો.... " આશી બોલી.

" રાઈટ, એ તો હું કાલે જ ગમે તેમ કરીને મેળવી લઈશ. એની ચિંતા નહીં કરો. " મીત બોલ્યો.

" હા તો પણ તે લોકો જોઈને જ ઓળખી જશે. આપણે કોઈ એંગલથી દારૂ પીવાવાળા કે તેની જેમ રંગરેલીયા મનાવવા વાળા નથી લાગતાં. " આરવે કહ્યું.

" હા, ને મીરા અને આરવ.. બંનેને તે ઓળખે છે. જો તેને જોઈ જશે તો કામ તમામ. " મિહિર બોલ્યો.

" અરે પણ, અંદર ખાલી હું અને મીત જ જશું. તે અમને તો ઓળખતો નથી. એમપણ બધાનું એકસાથે જવું સેફ પણ નથી. તમે લોકો થોડાં દુર ઊભા રહેજો કે જેથી કોઈ તમને જોઈ ન શકે. અમે તમારાં કોન્ટેક્ટમાં રહેશું અને જો કાંઈ પ્રોબ્લેમ થશે તો તરત તમને જાણ કરી દઈશું. " આશીએ બધાંને સમજાવ્યું.

" નોટ બેડ. માની ગ્યાં હો બાકી મીત તને. છોકરી પણ મગજવાળી ગોતી છે હોં. " મિહિરે મીતને કહ્યું અને પછી આશી તરફ જોઈને બોલ્યો, " ડન આશી. એમ જ કરશું. "

" પણ આરવ, તે પબ ક્યાં આવેલું છે તેની તને ખબર છે? " મીરાએ આરવને પૂછ્યું.

" હું તો ત્યાં ક્યારેય ગયો નથી એટલે મેં જોયું તો નથી પણ ક્યાં આવેલું છે તે ખબર છે. અહીંથી લગભગ દોઢેક કલાકનો રસ્તો છે. આપણે શનિવારે રાત્રે આઠેક વાગે અહીંથી નીકળી જશું. ત્યાં પહોંચી હું, મીરા અને મિહિર થોડે દુર એવી રીતે ઊભા રહીશું કે જેથી એ લોકોનું ધ્યાન ન પડે. લોકોની અવરજવર શરૂ થાય પછી મીત અને આશી બંને જશે. જ્યારે અમિત આવશે ત્યારે અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું. તે અંદર આવશે પછી બને ત્યાં સુધી તેનાથી દુર રહીને જ જાણવાની કોશિશ કરજો અને જો તેમ કામ ન બને તો આશી.. તારે સાંભળવું પડશે. જો તને કંઈ પ્રોબ્લેમ ન હોય તો.. " આરવે કહ્યું.

" અરે ડોન્ટ વરી. એ હું સંભાળી લઈશ. " આશીએ કહ્યું.

" હા, એવું તો એને બવ આવડે. મીત એમાં તો ફસાય ગયો. સાચી વાત ને? " મિહિર મીતની સામે આંખ મારતાં બોલ્યો.

" હા હો.. આ તું સાવ સાચું બોલ્યો. " મીત બોલ્યો.

" તો હવે સહન કર. " આશી હસતાં હસતાં બોલી.

" અને હા હજી એક વાત, મીત અને આશી.. જો ત્યાં કોઈપણ જાતનો ખતરો ઉભો થાય તો તમે બંને તરત ત્યાંથી નીકળી જજો અને તરત જ અમને જાણ કરી દેજો. ત્યાંથી થોડે દુર આપણે ભેગાં થઈશું અને સાથે જ નીકળી જશું. " આરવ બોલ્યો.

" ઓકે તો હવે શનિવારે એટલે કે કાલે જ રાતે 8 વાગ્યાથી આપણું મિશન સ્ટાર્ટ થશે. " મીરાએ કહ્યું.

" ઓકે. " બધાં એકસાથે બોલ્યાં.

" આરવ, તને અમિત વિશેની માહિતી કઈ રીતે મળી? " મીતે પૂછ્યું.

" દુશ્મન કો હરાને સે પેહલે ઉસકે બારે મે જાન લેના ચાહીએ. આધા ખેલ ઉધર હી ખતમ હો જાતા હે. ઈસલીયે મેને ભી ઉસકી થોડી બહુત જાસુસી કર રખી હે. " આરવ જાણે ફિલ્મમાં કોઈ હિરો બોલી રહ્યો હોઈ એવાં અંદાજમાં બોલ્યો.

" વાહ વાહ.. મૂવી તો અહીં જ ચાલું થઈ ગયું. ચાલો બધાં જોઈએ. " મિહિર મસ્તી કરતાં કરતાં બોલ્યો.

" એ થીએટરને અત્યારે બંધ કરો. અને અમને જવાં દો. હજી મારે કાલ બપોર સુધીમાં એન્ટ્રી માટેની ટિકિટનો બંદોબસ્ત કરવાનો છે. " મીત બોલ્યો.

" હેં !! પહેલાં મૂવી ને હવે આ ટિકિટ ક્યાંથી આવી? " મીરા બોલી.

" હાથનું પેલું નિશાન હવે. " મિહિર મીરાની માથે ટપલી મારતાં બોલ્યો.

" હા તો એમ સીધું બોલ ને. " મીરા મિહિરને ખીજાયને બોલી.

" પણ લે, મને શું ખીજાય છે. હું કાંઈ નો'તો બોલ્યો. " મિહિરે સામે દલીલ કરી.

મીત અને આશી તેમને ઝગડો કરતાં જોઈ હસી રહ્યાં હતાં.

" આશી સાચે હોં, મિહિરનો મીરા માટેનો પ્રેમ પહેલાં જેવો જ છે. ભલે તે અત્યારે ઘણાં સમય પછી મળ્યાં પણ હજું મિહિરનો પ્રેમ સ્હેજ પણ ઘટયો નથી. મિહિર અહીં આવ્યો ત્યારથી તેને ઓળખું છું. તેની આટલી નજીક મીરા સિવાય કોઈ પણ છોકરી આવી નથી. અને મિહિર પણ તે બધાંથી દુર જ રહ્યો છે. " મીતે ધીમેથી આશીને કહ્યું.

" હા પણ મીત, મિહિર તો મીરાને પ્રેમ કરે જ છે. પણ મીરા મિહિરને કરે છે? તેણે હજું સુધીમાં કંઈ કહ્યું? " આશીએ પૂછ્યું.

" આમાં હવે કહેવાની ક્યાં જરૂર લાગે જ છે. બધું સાફ સાફ દેખાય જ છે. તેનાં ઝગડામાં પણ તેમનો એકબીજા માટેનો પ્રેમ દેખાય છે. અને સમય આવશે ત્યારે કહી પણ દેશે. થોડો સમય જશે ત્યાં મીરાને પણ મિહિર માટે રહેલી પોતાની લાગણીનો અનુભવ થઈ જશે. " મીત બોલ્યો.

મીત અને આશી ધીમે ધીમે વાતું કરી રહ્યાં હતાં ત્યાં આરવ મિહિર અને મીરાને ઝઘડતાં જોઈને બોલ્યો,

" એ એ.. તમે હવે ફરીથી ઝગડો શરૂ કરો એ પેલાં અમે જઈએ હવે. "

" લે, મીત અને આશીનું તો સમજ્યાં.. પણ તારે ક્યાં જવું છે? " મિહિરે પૂછ્યું.

" હા આરવ, તારે તો અહીં જ રહેવાનું છે. " મીરાએ કહ્યું.

" નહીં, અત્યાર સુધીમાં તો અમિતને પણ ખબર પડી ગઈ હશે કે હું ભાગી ગયો છું. જો તેનાં માણસો મને શોધતાં શોધતાં અહીં પહોંચી જશે તો તમે પણ મુશ્કેલીમાં મુકાઈ જશો. પછી રાધિકાને શોધવામાં વધુ પ્રોબ્લેમ આવશે. અને પાછું અમિતની તો ખબર જ છે. એ ગમે ત્યારે ગમે તે કરી શકે છે.. એટલાં માટે મારું અહીંયા રહેવું આપણાં કોઈ માટે સેફ નથી. " આરવ બોલ્યો.

" હા, આરવની વાત તો સાચી છે. " આશી બોલી.

" હમમ.. પણ તો તું ક્યાં રહીશ? " મીરાએ પૂછ્યું.

***
વધુ આવતાં ભાગમાં..
જાણવા માટે બન્યા રહો..
જય શ્રી ક્રિષ્ના....