Operation Chakravyuh - 1 - 28 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 28

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-28

રાવલપિંડી, પાકિસ્તાન

લશ્કર એ તોયબાનાં આતંકવાદીઓ ક્યારેય ઠાલી ધમકી નથી એ જાણતા પીટીવી ન્યૂઝના ચીફ એડિટર જુનેદ મલિકે મસૂદના કહ્યાં મુજબ નગમા અને માધવને ક્રિસ્ટ ચર્ચ પાછળ બનેલી ઘટના માટે જવાબદાર ઠેરવતા ન્યૂઝ પોતાની ચેનલ પર ટેલિકાસ્ટ કરી દીધા. આ ન્યૂઝ રાવલપિંડી પોલીસના મુખ્ય પોલીસ અધિકારી બિલાલ ખાને જેવા નિહાળ્યા એ સાથે જ એને નગમા અને માધવને જીવતા કે મરેલા પકડવાની સૂચના પોતાના દરેક કર્મચારીને આપી દીધી.

આ ઉપરાંત મસૂદના કહેવાથી પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈ.એસ.આઈનાં સભ્યો પણ માધવ અને નગમાને પકડવાની કોશિશમાં લાગી ગયાં. પોતાની પાછળ હવે લશ્કરના આતંકીઓ, રાવલપિંડી પોલીસ અને આઈ.એસ.આઈના ક્રૂર માણસો પડ્યા છે એ વાતથી અજાણ માધવ, નગમા, દિલાવર, નાથન અત્યારે ક્રિશ્ચિયન કોલોનીમાં આવેલા નાથનના ગુપ્ત સ્થાનકે મોજુદ હતાં.

નાથન એક પ્રોફેશનલ જાસૂસ હતો જેને પાકિસ્તાન આવ્યા પહેલા ઇઝરાયેલ તરફથી સંપૂર્ણ તાલીમ અને પૂરતાં ઉપકરણો તથા અન્ય સામગ્રીથી નવાજવામાં આવ્યો હતો. નાથને એક બે માળનું મકાન પોતાના માટે લીધું હતું, જેના નીચે બેઝમેન્ટમાં એને પોતાની ગુપ્ત જગ્યા તૈયાર કરી હતી.

રાવલપિંડી શહેર અને પાકિસ્તાનનો નકશો દીવાલ પર લટકાવેલા વ્હાઈટ બોર્ડ નજીક લટકાવેલો હતો. આ ઉપરાંત ત્યાં એક લેપટોપ, એક પ્રિન્ટર, વાઈફાઈ મોડેમ, હેંકિંગ ઉપકરણ, બે સેટેલાઇટ અને દસેક મોબાઈલ ફોન, મેકઅપ અને વેશ બદલવાનો સામાન અસ્તિત્વ ધરાવતો હતો.

એક અલમારી હતી જેમાં દરેક જાતના હથિયારો મૂકેલા હતાં. જેમાં સ્નાયપર ગન, રિવોલ્વર, મશીનગન, દૂરબીન, ગ્રેનેડ, પ્લાસ્ટિક એક્સપ્લોઝીવ, સ્મોક બૉમ્બ, રોકેટ લૉન્ચરનો સમાવેશ થતો હતો. એક વ્યક્તિ માટે આટલી બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી એ જોઈ નગમા અને માધવને એ વાત સમજાઈ ગઈ કે ઇઝરાયેલ પોતાના દરેક જાસૂસની જીંદગીને કેટલી અમૂલ્ય આંકે છે.

નાથને એ જગ્યાએ મૂકેલા એક પેઈન્ટીંગને ખસેડી એની પાછળ મોજુદ સેફ બોક્સને પાસવર્ડ વડે અનલોક કર્યું; જેમાંથી એક ખાખી કવર ધરાવતી ડાયરી નીકાળી નાથને નગમાને સોંપતા કહ્યું.

"ઓફિસર, બલવિંદરની આ અમાનત હવે હું આપને સોંપી રહ્યો છું."

"આપનો ખૂબ ખૂબ આભાર!" નાથનનો આભાર માનતા નગમા બોલી.

"નગમા, આપણે ફટાફટ આ ડાયરીમાં બલવિંદરે શું ગુપ્ત સંદેશો લખ્યો છે એ એકવાર ચેક કરી લેવું જોઈએ." માધવે નગમાને ઉદ્દેશીને કહ્યું. "જેથી સત્વરે આ અંગે શેખાવત સરને જણાવી શકાય.

માધવે મૂકેલા પ્રસ્તાવને સ્વીકારી નગમા ત્યાં પડેલા એક રાઉન્ડ ટેબલ તરફ અગ્રેસર થઈ, ત્યાં પહોંચી નગમાએ ડાયરીના પાના ફેરવવાનું ચાલુ કર્યું. નાથન, માધવ અને દિલાવર પણ એની સાથે જ હતાં.

ડાયરીના શરૂઆતના પાના પર અમુક એવી માહિતી હતી જે અંગેની જાણકારી બલવિંદર રૉને આપી ચૂક્યો હતો. આ માહિતીમાં પાકિસ્તાનની પશ્ચિમ બંગાળ કોમી રમખાણોમાં સંડોવણી અંગેની માહિતી પણ સમાવિષ્ટ હતી; બલવિંદરે દાખવેલી સમયસૂચકતાનાં લીધે જ રૉ અને આઈ.બીએ મળીને આ રમખાણો અટકાવીને હજારો નિર્દોષ લોકોનો જીવ બચાવ્યો હતો.

નગમાએ ત્વરાથી ડાયરીના અડધાથી વધુ પન્ના વાંચી લીધા પણ એમાં ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલાનો કોઈ ઉલ્લેખ ક્યાંય દેખાતો નહોતો. આ બધી માહિતી મોટા ભાગે લશ્કર અને હિજબુલની કાશ્મીરમાં થઈને ભારતમાં પ્રવેશવાની યોજનાઓની હતી જેમાં કોઈ અન્ય કોડિંગ કે ગુપ્ત ભાષાનો સમાવેશ નહોતો થતો.

"શું બલવિંદરે આ ડાયરીમાં ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે કંઈ લખ્યું નહીં હોય?" આ પ્રશ્ન અકળાવનારી ચિંતા બનીને ત્યાં હાજર ચારેય લોકોના મનમાં ઘુમરાઈ રહ્યો હતો.

"આગળ બધાં પેજ તો કોરા છે!" આશ્ચર્યાઘાત અનુભવતી નગમાએ કહ્યું. "લાગે છે બલવિંદરે ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે આ ડાયરીમાં કંઈ લખ્યું જ નહીં હોય, પોતાની ઓળખ છતી ના થાય એ હેતુથી બલવિંદરે આ ડાયરી નાથનને સોંપી દીધી હોય."

પોતે જે વસ્તુની શોધમાં પાકિસ્તાન આવ્યા હતાં એ મળવા છતાં એમાંથી કામની કોઈ માહિતી ના મળતા માધવ અને નગમાની હાલત કાપો તો લોહી ના નીકળે એવી બની ગઈ હતી. એમના મનને વિષાદ ઘેરી વળ્યો હતો અને એમનો ચહેરો એ હદે વ્યથિત બની ગયો હતો કે જાણે એમને પોતાનું કોઈ સ્વજન ગુમાવી દીધું હોય.

શોકાતુર ભાવ સાથે માધવે નગમાના હાથમાંથી ડાયરી લઈને એના પન્ના પલટાવવાનું શરૂ કર્યું. પોતાને કંઈક એવું મળી જાય જે નગમાની નજરે ના ચડ્યું હોય એવી આશા સાથે માધવે પોતાનું સઘળું ધ્યાન ડાયરીનાં લખાણ પર કેન્દ્રિત કર્યું.

શરૂઆતમાં તો માધવને પણ આ લખાણમાં કોઈ ચોંકાવનારી વસ્તુ ના મળી પણ અચાનક એના ધ્યાને એક એવું ચિહ્ન આવ્યું જેને એની વિચારવાની દિશા જ બદલી નાંખી. એ ચિહ્ન હતું '@'.

'@' જેને એટ ધ રેટ કહેવામાં આવે છે એનો ઉપયોગ મહદઅંશે ઈમેઈલમાં થતો હતો એ વાત ધ્યાને હોવાથી માધવે પુનઃ ડાયરીનાં પન્ના પલટાવવાનું આરંભ્યું.

માધવ વારાફરતી ડાયરીનાં પન્ના ઉલટાવતો અને અમુક વર્ડ ત્યાં મોજુદ વ્હાઈટ બોર્ડ પર લખતો. માધવે ધ્યાનથી જોયું તો ડાયરીનાં અમુક પન્ના પર બલવિંદર દ્વારા જે માહિતી લખવાનાં આવી હતી એના બધાં શબ્દો અંગ્રેજી મુળાક્ષરની બીજી એબીસીડીમાં હતાં, મતલબ સ્મોલમાં હતાં. પણ, અમુક જગ્યાએ બલવિંદરે અમુક શબ્દોનાં પ્રથમ અક્ષરને સુધારીને કેપિટલ કર્યો હતો. ધ્યાનથી જોવા પર એ સમજવું સરળ હતું કે આ સુધારો પછી થી કરવામાં આવ્યો હતો, કેમકે સુધારા સમયે ઉપયોગમાં લેવાયેલ પેનની ઈન્કનો કલર થોડો જુદો હતો.

માધવે આ સાથે જે શબ્દો ગોઠવ્યા એનાથી એક મેઈલ આઈડી બન્યું જે હતું.

'alaminguj786@hotmail.com'

પોતે કઈ રીતે આ મેઈલ આઈડી શોધી કાઢ્યું એ અંગે જ્યારે માધવે બાકીનાં લોકોને જણાવ્યું ત્યારે એમનાં મોં ખુલ્લા જ રહી ગયાં; સૌથી વધુ આશ્ચર્ય નગમાને થયું. જે માધવને શરૂઆતમાં એ પોતાના મિશનની નબળી કડી માનતી હતી એને પોતાની બુદ્ધિમત્તાથી કંઈક એવું શોધી નિકાળ્યું હતું જેનો સીધો સંબંધ ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા સાથે હોવાની શક્યતાઓ પ્રબળ હતી. જે પાછળ મુખ્ય બે કારણો હતાં, પ્રથમ કારણ હતું બલવિંદર દ્વારા ગુપ્ત રીતે દર્શાવવામાં આવેલું મેઈલ આઈડી અને બીજું હતું મેઈલ આઈડીમાં ગુજરાત(gujrat) નો ટૂંકમાં guj તરીકે ઉલ્લેખ.

"નાથન, શું તમે અમારી મદદ કરી શકશો આ મેઈલ આઈડીને ટ્રેસ કરવામાં?" નગમાએ નાથનને વિનંતીભર્યા સુરમાં પૂછ્યું.

"હા, કેમ નહીં." નાથને સસ્મિત કહ્યું. "મને આનંદ થશે આ કામમાં તમારી મદદ કરીને."

નાથને તુરંત ત્યાં ટેબલ પર જે લેપટોપ હતું એની સામે ગોઠવેલી ખુરશીમાં સ્થાન લીધું; સ્વીચ કરતાં જ લેપટોપની સ્ક્રીન પર વોઈસ પાસવર્ડ નાંખવાનું કહેવામાં આવ્યું. આમ થતાં નાથને લેપટોપ સાથે કનેક્ટ કરવામાં આવેલા હેડફોનને માથે લગાવ્યું અને એના સ્પીકરમાં કહ્યું.

"આઈન્સ્ટાઈન ટુ ઝુકનબર્ગ"

નાથન દ્વારા આ બે મહાન યહૂદીઓના નામ બોલાતા જ લેપટોપની સ્ક્રીન પર password correct! લખેલું આવ્યું અને લેપટોપની હોમ સ્ક્રીન ખૂલી ગઈ.

"માધવ, ટેલ મી ઈમેઈલ આઈડી." પોતાની આંગળીઓને લેપટોપના કીબોર્ડ પર નચાવતા નાથને માધવને ઉદ્દેશીને કહ્યું.

''alaminguj786@hotmail.com'' માધવે જવાબ આપતા કહ્યું.

નાથને લેપટોપમાં ખૂલેલી મોસાદની મેઈલ ટ્રેસ કરવા માટેની એક ખાસ વેબસાઈટમાં જેવો આ મેઈલ આઈડી નાંખ્યો એ સાથે જ એક મેપ સ્ક્રીન પર ઊભરી આવ્યો.

મધરાતનાં આકાશની માફક શ્યામ રંગની સ્ક્રીન પર અલગ-અલગ બિંદુઓ તારાની માફક ચમકી રહ્યાં હતાં..અમુક કોડિંગ લેંગ્વેજ દર્શાવતી વેબસાઈટની સ્ક્રીન અચાનક મેપને એક જગ્યાએ કેન્દ્રિત કરવા લાગી.

ભારત..ગુજરાત..અમદાવાદ.. જુહાપુરા.. છેલ્લે એ પોઇન્ટર અમદાવાદનાં જુહાપુરામાં આવીને ટ્રેસ થયું; જે પરથી સાફ હતું એ આ ઈમેઈલ આઈડી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા સાથે અવશ્ય કંઈક સંબંધ ધરાવતું હતું.

મેઈલ આઈડીની મદદથી હજુ બીજી શું માહિતી પોતે મેળવી શકવામાં સમર્થ હતો એ અંગે નાથન હજુ વિચારતો જ હતો ત્યાં દિલાવરના ફોનની રિંગ વાગી, કોલ કરનાર વ્યક્તિ દિલાવરનો સાગરીત મુસ્તફા હતો. મુસ્તફા એ લોકોને નાથનના ઘરે ઉતારીને ત્યાંથી નીકળી ગયો હતો. એના આવેલા કોલનાં લીધે દિલાવર અચરજમાં મૂકાઈ ચૂક્યો હતો.

"બોલ, શું કામ છે?" કોલ રિસીવ કરતા જ દિલાવરે પૂછ્યું.

"તમારા મહેમાનોને કહો ફટાફટ પાકિસ્તાનમાંથી નીકળી જાય." ખૂબ ઝડપથી મુસ્તફા બોલ્યો.

"શું થયું?"

"ભાઈ, એકવાર પીટીવી ચાલુ કરો." મુસ્તફાએ કહ્યું. "હું દસ મિનિટમાં ત્યાં પાછો આવું છું."

મુસ્તફાએ આટલું કહી જેવો કોલ ડિસ્કનેક્ટ કર્યો એ સાથે જ દિલાવરે નાથનને પીટીવી ન્યૂઝ ચાલુ કરવા કહ્યું.

દિલાવરના કહેવાથી નાથને બીજું કામ પડતું મૂકી લેપટોપમાં પીટીવી ન્યૂઝ લાઈવ કર્યાં.

ન્યૂઝમાં માધવ અને નગમાના ફોટો બતાવવામાં આવી રહ્યાં હતાં જેની નીચે ઉર્દુમાં લખ્યું હતું.

આ બંને ખૂંખાર આતંકવાદીઓની ઓળખ આપનારને આઈ.એસ.આઈ દ્વારા પાંચ લાખ આપવામાં આવશે..સાથે રાવલપિંડી પોલીસના મુખ્ય અધિકારી બિલાલ ખાન પણ યાસીર અને નૂરજહાં સિદ્દીકી નામનાં બે આતંકવાદીને પકડવા પોતે કટિબદ્ધ હોવાનું પીટીવીના રિપોર્ટરને જણાવી રહ્યાં હતાં.

પોતાની પાછળ હવે લશ્કર એ તોયબાનાં આતંકવાદીઓની સાથે આઈ.એસ.આઈ અને રાવલપિંડી પોલીસ પણ પડી હોવાનું જાણી ગયા બાદ માધવ અને નગમા જોડે હવે એક જ રસ્તો વધ્યો હતો.

"વહેલી તકે પાકિસ્તાનમાંથી નીકળી જવું."

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)