Baani-Ek Shooter - 49 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 49

બાની- એક શૂટર

ભાગ : ૪૯



બાનીએ પોતાની પિસ્તોલ વ્યવસ્થિત જમણી બાજુ પોતાના પેન્ટના અંદર ખોસી. એને બ્લેક કલરનું લેદરનું લાંબી બાયનું જેકેટ પહેર્યું હતું. નીચે સ્કીન ફિટિંગ કાળા જ રંગનું જીન્સ પહેર્યું હતું. એ સુંદર તેમ જ નાજુક નમણી લાગતી હતી. પરંતુ જુસ્સો તગડો હતો. બ્લ્યુ ટૂથ કાનમાં ભરવી રાખેલું એને બરાબર કર્યું. બાનીએ ફોન જોડ્યો, " હલ્લો....!!મિસ્ટર અમન...!! પહોંચ્યા કે નહીં..!!"ખૂબ જ પ્રેમથી નિર્દોષતાંથી બાનીએ પૂછ્યું.

"માય સ્વીટહાર્ટ પાહી...!! હું તો ક્યારનો પહોંચી ગયો છું એહાનના સ્ટુડિયો પર....!!" અમને કહ્યું.

"ઓકે...!! હું પણ પહોંચું છું."બાનીએ ફોન કટ કર્યો.

એહાનના સ્ટુડિયોના નજદીક જ ટિપેન્દ્રએ એક હોટેલમાં રૂમ બુક કરેલો. પલાનિંગની પૂરી ચર્ચા આ રૂમમાં થઈ. અત્યારે બાની આ જ રૂમથી ઝડપથી બહાર નીકળી. અને સામે એહાનના સ્ટુડિયોમાં પહોંચી. એના પહેલા આ જ હોટેલના રૂમમાંથી એહાન નીકળ્યો હતો. એહાને પોતાના ચહેરા પર માસ્ક પહેર્યું હતું જેથી એનો ચહેરો હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ના શકે..!!

"ઓહહ...!! વેલકમ મિસ પાહી...!!" એન્કર એહાને આવકાર આપ્યો. સફેદ ઝબ્બામાં સજ્જ અમન પણ ઊભો થઈને મિસ પાહીને ગળે લાગ્યો.

"બેસો..!!" બંનેને સોફા ચેર પર બેસવા માટે એહાને કહ્યું.

ત્રણ સોફા ચેર ગોઠવાયેલી હતી. અમન અને પાહી સામસામે બેસે એવી વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે એહાન થોડા અંતરે બંનેની મધ્યમાં સોફા ચેર પર ગોઠવાયો.

"હું કહ્યું હતું ને મિસ્ટર એહાન...!! હું ઝાઝા ઈન્ટરવ્યુઝ નથી આપતી. પણ આપના સતત ફોર્સના કારણે તેમ જ તમારું પ્રચલિત ચેનલ...!! અને તમે, મને નિષ્ઠાવાન પુરુષ લાગ્યા. આ બધા જ કારણોને લઈને આજે હું આપના સ્ટુડિયોમાં બેઠી છું. સાથે જ આ સોનેરી પળમાં હું ચાહતી હતી કે અમન પણ મારી સાથે જોડાય. એટલે હું મિસ્ટર અમન શેઠને પણ સાથે જ શામિલ કરી રહી છું."મિસ પાહીએ ખૂબ જ શાંતિથી સસ્મિત સાથે વાતનો દોર ચાલુ કર્યો.

અમન હંમેશની જેમ લોલુપ નજરે મિસ પાહીની ખૂબસૂરતીને નિહાળતો રહ્યો.

"જી અમારું સદ્દભાગ્ય...!!" બંને હાથ જોડતા નમસ્તે કરતાં એન્કર એહાને કહ્યું.

જરા પણ અજુગતું વગર ત્રણેયમાં મજાકમસ્તીની વાતો થવા લાગી.

"માફ કરશો એમ તો કેમેરામેનને પહેલા જ પહોંચી જવું પડે. આમ તો મારો કેમેરામેન એકદમ પંકચ્યુલ આદમી છે. પણ આજે....!!"એહાને થોડું હસતા કહ્યું.

ત્યાં જ કોફીના ત્રણ મગ મૂકીને એક સ્પોટબોય જતો રહ્યો. એ સ્પોટબોય બીજો કોઈ નહીં પણ જોની હતો. એ જ જોની જેણે બાની સામે પિસ્તોલ ધરીને પંદર દિવસ પહેલા ઈન્સ્પેકટરની ભૂમિકા ભજવી હતી.

"લો આવી ગયા અમારા સ્ટુડિયોના કેમેરામેન...!!" એહાને કહ્યું.

માથા પર એક પણ વાળ નહીં. ચમકદાર ટાલ..!! એકદમ ગોરો ચીટો રૂપાળો ચહેરો...!! આંખ પર ડાર્ક કાળા રંગના ગોગલ્સ સાથે જુસ્સાભેર હાય કરતો કેમેરામેન કાચના મોટા દરવાજામાંથી પ્રવેશ્યો. એ કેમેરામેન બીજો કોઈ નહીં પરંતુ ઈવાન હતો. એની પાછળ એનો એસિસ્ટન્ટ હતો. એ પણ બીજો કોઈ નહીં પણ ક્રિશ હતો.

બધું પ્લાન પ્રમાણે ચાલી રહ્યું હતું. અમનને ભણક સુદ્ધા પણ હજુ સુધી પડી ન હતી કે કશુંક અજુગતું બનવાનું છે.

કેમેરા તો સ્ટેન્ડ પર ગોઠવાયેલા જ હતા. ઈવાને બધું બરાબર છે કે નહીં એ એકવાર ચેક કરી લીધું. એક કેમેરો ઈવાને અને બીજો ક્રિશે સંભાળ્યો.

થોડી જ મિનિટોમાં કેમેરા તેમ જ લાઈટ્સ ઓન થઈ. ઈવાને ડનનો ઈશારો કરી દેખાડ્યો.

"મારા ચાહકો....!! વધુ સમય બગાડવા કરતાં હું જલ્દીથી મુલાકાત કરાવું છું મિસ પાહી "બાની-એક શૂટર" ફિલ્મની મશહૂર શાનદાર અભિનેત્રી જેમની તમે બેતાબીથી ઈન્તેઝારરરર કરી રહ્યાં હતાં...!!" એહાને જુસ્સાભેર અવાજે કેમેરા તરફ જોતાં કહ્યું.

"નમસ્તે...!!"મિસ પાહીએ સસ્મિત ચહેરે બંને હાથ જોડ્યા.

"તેમ જ મિસ પાહીના દોસ્ત અમન શેઠને પણ મળો." એવા જ જુસ્સાભેર સાથે એહાને કહ્યું.

અમને હાથ દેખાડતા હાય કર્યું.

"સો મિસ પાહી...!! અમને તમારા વિશે ઘણું જાણવું છે. તમારી ફિલ્મ "બાની-એક શૂટર" ની જેમ જ તમે પણ કાફી સસ્પેન્સ જ રહ્યાં છો...!! તમે જાહેરમાં વધુ સામે આવતા નથી." એહાને પ્રશ્ન પૂછ્યો.

"આ સવાલ ઈન્ટરવ્યૂઝનાં અંત સુધી રાખી મૂકો." ખડખડાટ હસતાં મિસ પાહીએ કહ્યું. અમન અને એહાન પણ હસી પડ્યાં.

"ઓકે. જરા પણ સમય બગાડ્યા વગર હું બીજા પ્રશ્ન પર આવું છું. મને તેમ જ દર્શકોને 'બાની- એક શૂટર' ફિલ્મ વિષે ટૂંકમાં જણાવશો." એન્કર એહાને કહ્યું.

"જી...!! બાની-એક શૂટર....!!" કહીને મિસ પાહીએ કંઈક ઊંડા વિચારમાં બંને આંખો ઉપર કરી. એની બંને આંખોમાં પાણી આવ્યું અને જતું રહ્યું. એને ઊંડો શ્વાસ લીધો અને વાતની શરૂઆત કરી, " જેમ કે તમે જાણો જ છો. 'બાની-એક શૂટર' ફિલ્મ સુપર હિટ નીકળી. એમના લેખક, ડિરેક્ટર, તેમ જ પ્રોડ્યુસર એક જ હોનહાર પુરૂષ એટલે તમે સૌ જાણો જ છો ટી.પી. પ્રોડક્શન હાઉસના માલિક નહીં કહું કલાકાર જ કહી શકાય જેમનામાં બધી જ પ્રકારની આવડત હોય...!!" પાહી એકધારું બોલી ગઈ.

એહાન શાંતિથી સાંભળતો રહ્યો. પાહીને થોડો સમય આપ્યો. પછી ધીમેથી સવાલ કર્યો, " ટી.પી. જેઓની પહેલી જ ફિલ્મ હતી એઝ અ ડિરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર તરીકે?!"

"હા... નવોદિત રાઈટર ડિરેકટર પ્રોડ્યૂસર તરીકે એમની આ પહેલી ફિલ્મ હતી. તેમ જ નવોદિત અભિનેત્રી તરીકે મારી આ પહેલી અને છેલ્લી ફિલ્મ છે." પાહીએ કહ્યું. તે સાથે જ એની નજર ઈવાન પર ગઈ. ઈવાને ડન નો ઈશારો દેખાડ્યો. એહાને પણ એને આંખના ઈશારાથી ડન કહ્યું.

"છેલ્લી ફિલ્મ?!" એન્કર એહાને પ્રશ્ન પૂછી પાડ્યો.

થોડા સમય માટે એકદમ સન્નાટો છવાઈ ગયો.

"હા છેલ્લી ફિલ્મ...!! આ ફિલ્મ કરવાનો અર્થ પાછળ મોટું ચક્રવ્યું રચાયેલું છે એન્કર એહાન..!!" મિસ પાહીએ સરળતાથી કહ્યું.

અમનને એમ જ લાગ્યું કે મિસ પાહી મજાક કરી રહી છે.

"સિરિયસલી ચક્રવ્યૂ!!" એહાને પણ વળતો જવાબ હસીને પૂછ્યો.

"મિસ્ટર એહાન...!!" મિસ પાહીએ બૂમ મારતાં પૂછ્યું. પછી અમન તરફ નજર કરતાં પૂછ્યું, " મિસ્ટર અમન...!! 'બાની-એક શૂટર' ફિલ્મ તો તમે જોઈ જ હશે ને...!! શું કહેવા માંગે છે કહાની??"

"મિસ પાહી...!! હું સિનેમાગૃહમાં કહાની જોવા ક્યાં આવ્યો હતો.... હું તો મોટી સ્ક્રીન પર તમને જોતાં જ મારું દિલ ખોઈ બેસ્યો. તારી ખૂબસૂરતીથી અંજાઈ ગયો હતો...!!" અમને કહ્યું.

"એટલે જ તો મિસ્ટર અમન તમે મને પિછાણી ના શક્યા ને...!!" મિસ પાહીએ કહ્યું.

"હું સમજ્યો નહીં મિસ પાહી...!!" થોડું અજુગતું લાગતા કતરાતાં મને અમન બોલ્યો.

મિસ પાહીએ તે જ પળે ઈવાન તરફ જોયું. પછી કેમેરા તરફ જોયું. એને ચહેરો ફેરવી નાંખ્યો. ધીમેથી પરંતુ ઝડપથી તેમ જ વ્યવસ્થિત રીતે એને પોતાના ચહેરા પર રહેલું અભિનેત્રી પાહીનું ખૂબસૂરત ખોટી ચામડીવાળું પાતળું માસ્ક ધીરેથી પરંતુ સલુકાઈથી કાઢ્યો. માસ્ક કાઢતાં જ એ હળવું મહેસૂસ કરવા લાગી. એને ઝડપથી કેમેરા તરફ જોયું.

તે જ સમયે અમન પોતાના સ્થાન પરથી અવાચક થઈને ઊઠ્યો, " આ બધું શું છે??" એ બરાડી ઊઠ્યો.

તે જ પળમાં બાનીએ ઝડપથી પોતાનાં પેન્ટમાં ખોસેલી પિસ્તોલ કાઢીને અમન સામે તૈનાત કરી. ક્રિશ તો આ બધું જોતાં જ ગભરાયો. એના ગળામાં દિલ આવીને ધબકતું થઈ ગયું હોય એટલી હદે એને ગભરામણ છૂટી.

એહાને પોતાની સીટ છોડી ન હતી. તેમ જ ઈવાને પણ પોતાનો કેમેરો છોડ્યો ન હતો.

બાની ઝડપથી અમનની નજદીક આવી. એને પિસ્તોલ એવી જ રીતે તાકી રાખી હતી. એની આંખોમાં ગુસ્સાથી લોહી ધસી આવ્યું એ બરાડી ઊઠી, " એ અમન શેઠ....!! ઊભો થવાની જરૂર નથી. ચાલ.... બેસી જા....!!"

અમન નક્કી કરી શકતો ન હતો કે આવું બની જ કેવી રીતે શકે...!! એની બધી જ ઈન્દ્રિયો સુન પડી ગઈ હોય તેવું એ મહેસૂસ કરવા લાગ્યો. પરંતુ એ એવો જ ખડો હતો પોતાની જગ્યા પર..!!

"એ શેઠ...!! બહેરો થઈ ગયો કે....!! આંખ ફાડીને તું જોશે તો પણ તને યાદ ના આવે કે હું કોણ છું....!!" બાની ફરી બરાડી. અમનના વધુ નજદીક આવી. જમણા હાથમાં એને પિસ્તોલ નિશાનો લઈને કસીને પકડી રાખી હતી. બીજા ડાબા હાથેથી જોરથી અમનને ધક્કો માર્યો. એ નરમ સોફા ચેર પર પડ્યો. બાનીએ તરત જ એ પિસ્તોલ અમનના કપાળ પર કસીને મૂકી.

"કોણ છે તું...!! કોણ છે.....!! હું નથી જાણતો તને..!!" પરસેવાથી રેબઝેબ અમન ગભરાહટથી બરાડયો.

"હું કોણ છું...!! એ જાણીને શું કરવાનો અમન શેઠ...!!" દાંત કચકચાવતા બાનીએ કહ્યું.

"કોણ છે તું...!! મારી જાન લેવાનું તાત્પર્ય...!!" અમન થોડો શાંત થયો પણ એ હજુ પણ ગભરાયેલો જ હતો.

"જાસ્મિન યાદ છે જાસ્મિન....!!" જડબા સખ્ત કરતાં બાનીએ પૂછ્યું.

જાસ્મિનનું નામ લેતાં જ અમનને જાસ્મિનનો ચહેરો પોતાની આંખની સામે દેખાવા લાગ્યો.

"મીરા પણ યાદ હશે જ ને??" બાનીએ ફરી એવી રીતે જ પૂછ્યું.

"તું કોણ છે?? શું કહેવા માંગે છે?? એહાન....આ બધું શું છે??" નિઃસહાય અવસ્થાથી અમને પૂછ્યું.

એહાને કશું કહ્યું નહીં.

"એહાનને શું પૂછે છે...!! અમન શેઠ...!! વખત ખરાબ નહીં કરો. જલ્દીથી બકો....જાસ્મિન અને મીરાનું ખૂન તે કેવી રીતે કર્યું?? શું કારણ હતું કે તે એમને બંનેને જાનથી જ મારી નાંખ્યા...!!" બાની ચિલ્લાવી.

"મેં એ બંનેના ખૂન નથી કર્યા....!!" અમને ચીસ પાડી.

"એ વધુ બોલવાની ચાલાકી નહીં દેખાડ....!!" બાનીએ અમનના ગાલ પર એક જોરથી થપ્પડ લગાવી.

"અમન શેઠ....!! હું બધું જ જાણું છું. પણ તારે મોઢેથી એકવાર સાંભળવું છે. તને શું લાગ્યું કે જાસ્મિનનાં આગળપાછળ કોઈ નથી?? હું બાની...જાસ્મિનની બેસ્ટ ફ્રેન્ડ...!! સતત છેલ્લા આઠ વર્ષથી પ્રતિશોધની કામનામાં જીવી છું. બકવા માંડ જલ્દીથી....!!" બાનીનો અવાજ ઊંચો થતો ગયો. એની નજર સતત પિસ્તોલ પર હતી.

"ના તો મેં મીરાનું ખૂન કર્યું છે ના જાસ્મિનનું...!!" અમને શાંતિથી કહ્યું.

"એહહ....!! નીચ....!! તારા સીનામાં છયે છ બૂલેટ ઘૂસાડી દેતાં મને વાર લાગશે નહીં." બાનીએ અમનના છાતી પર પિસ્તોલ મૂકતા આક્રોશમાં કહ્યું.

"મેં જાસ્મિન કે મીરાનું ખૂન કર્યું જ નથી." અમન એની વાત પર અડગ હતો. એ બાનીનો સમય લઈ રહ્યો હતો કે બાઝી એના હાથમાં ક્યારે આવે. એ પણ પાક્કો ખેલાડી હતો.

"અમન શેઠ....!! "બાની-એક શૂટર" ફિલ્મની કહાની તું ઝડપથી યાદ કરી લે...!! બની એવું જ રહ્યું છે ને....!! તારો અંત નિશ્ચિત છે...!!" બાનીએ કહ્યું.

"મેં ખૂન....!!" અમન એટલું જ બોલ્યો ત્યાં જ એના પગમાં ગોળી વાગી. એ ચિત્કારી ઉઠ્યો.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)