Friendship books and stories free download online pdf in Gujarati

મિત્રધર્મ

જે એન્ડ જે સાયન્સ કોલેજ ની કેન્ટીનમાં ચાર મિત્રો ભેગા થઈને ચર્ચા કરી રહ્યા હતા. આજે કોલેજ નો છેલ્લો દિવસ હતો. ગેટ ટુ ગેધર જેવું વાતાવરણ હતું. હવે રીઝલ્ટ આવી જાય પછી સૌ પોતપોતાના માર્ગે આગળ વધવાના હતા. ફરી કોલેજમાં ભેગા થવાનો અવસર હવે મળવાનો નહોતો.

આદિત્ય ભૈરવી માધવી નિસર્ગ અને જયદીપ. આ પાંચ મિત્રોનું ગ્રુપ હતું. નિસર્ગ આજ કોલેજ નહોતો આવ્યો. બાકીના ચાર મિત્રો નાસ્તા નો ઓર્ડર આપીને કેન્ટીનમાં ચર્ચા કરી રહ્યા હતા.

" જયદીપ તારો આગળનો શું પ્લાન છે હવે ? આદિત્ય તો અમેરિકા જતો રહેવાનો." માધવી બોલી.

" રીઝલ્ટ ઉપર બધો આધાર છે માધવી. પાસ તો થઈ જઈશ પણ બી.એસ.સી પછી હવે એમ.એસ.સી કરવું કે બીજી કોઈ લાઈન પકડી લેવી એ હજુ નક્કી નથી કર્યું. "

"મેં તો માઇક્રોબાયોલોજી માં એમ.એસ.સી કરી લેવાનું જ નક્કી કર્યું છે. નો કનફ્યુઝન. " ભૈરવી બોલી.

" અને તું માધવી... તું તો કંઈ બોલી જ નહીં" જયદીપે પૂછ્યું.

" આપણો તો અભ્યાસ પૂરો થઈ ગયો. મનમાં એક વિચાર એમ.બી.એ કરી લેવાનો થાય છે બટ ડીપેન્ડ્સ..."

" અરે આદિત્ય..... તું કેમ આજે ચૂપ છે ? " ભૈરવીએ પૂછ્યું.

" હું થોડો ઈમોશનલ થઈ ગયો છું. આવતી કાલથી આ કોલેજ ભૂતકાળ થઇ જશે. તમે બધા મિત્રો પણ હવે રોજ રોજ નહીં મળવાના. અને છ મહિના પછી હું પણ કાયમ માટે અમેરિકા જતો રહેવાનો. એટલે આ શહેર અને તમારા જેવા મિત્રો પણ ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઈ જવાના. " અને આદિત્યની આંખોમાં પાણી આવી ગયા.

" અરે..કમ ઓન.. આદિત્ય ! આમ રડવા જેવો કેમ થઈ જાય છે ? ભલે છૂટા પડી જવાના પણ આપણા મોબાઈલ તો ચાલુ જ છે ને ? " ભૈરવીએ કહ્યું.

" રોજ બધા સાથે મોબાઇલમાં કેટલી વાતો કરવાના ભૈરવી ? કોલેજના દિવસો ફરી થોડા આવવાના ? સમયની રેત સંબંધો ઉપર પણ ફરી વળતી હોય છે !!" આદિત્ય બોલ્યો.

" તું તો કવિ અને શાયર ની ભાષામાં વાત કરે છે આદિત્ય !! આજે કેમ આટલો બધો ઉદાસ છે ? આપણે બધા એક જ શહેરમાં તો રહીએ છીએ. અવાર નવાર મળતા રહીશું" જયદીપ બોલ્યો.

પરંતુ જયદીપ ની વાત વાસ્તવિકતાથી અલગ હતી. તમામ મિત્રો છૂટા પડી ગયા. શરૂ શરૂમાં તો એકાદ મહિના સુધી દર રવિવારે એ લોકો ભેગા થતા પરંતુ અઠવાડિયામાં થી પંદર દિવસ થયા અને હવે ભેગા થવા માં મહિનો પણ લાગી જતો. આદિત્ય સાચું કહેતો હતો.

જયદીપ અને ભૈરવી નું પરિણામ સારું આવ્યું એટલે વેકેશન પછી એ બંને એમ.એસ.સી માટે એ જ કોલેજમાં ફરી ભેગા થઈ ગયા.

નિસર્ગના પિતા તો બિલ્ડર હતા એટલે એણે ગ્રેજ્યુએટ થયા પછી ભણવાનું માંડી વાળ્યું. માધવીએ એમબીએમાં એડમિશન લઈ લીધું અને આદિત્ય વિદેશ જવાની તૈયારીમાં લાગી ગયો. એના પિતા સિટિઝન થઈ ગયા હતા અને હવે આખા ફેમિલીને વિઝા મળી ગયા હતા એટલે એ લોકો શિકાગો શિફ્ટ થવાના હતા.

આદિત્યના પિતા રમણલાલનો શિકાગોના ડેવોન એવન્યુમાં પોતાનો સ્ટોર હતો. પિતાનો વેલ સેટ બિઝનેસ હતો એટલે આદિત્ય ને તો ત્યાં જઈને પપ્પા નો બિઝનેસ જ સંભાળવાનો હતો.

છેવટે વિદાયનો દિવસ આવી ગયો. વિદાય વખતે તેમના પરિવારના ઘણા સભ્યો એરપોર્ટ સુધી વળાવવા આવ્યા હતા. આદિત્યના મિત્ર વર્તુળમાંથી નિસર્ગ અને ભૈરવી છેક એરપોર્ટ સુધી વિદાય આપવા આવ્યા હતા. ખુબ જ લાગણી શીલ એ પળો હતી. ભૈરવી ની આંખમાં આંસુ આવી ગયા હતા.

" મારો મોબાઇલ નંબર તો ત્યાં જઈને બદલાઈ જશે પણ હું તમને લોકોને મારો નવો નંબર ચોક્કસ આપીશ તમે લોકો પણ મારા સંપર્કમાં રહેજો. " આદિત્યે આત્મીયતાથી કહ્યું.

ફ્લાઇટ ટેક ઓફ થયું ત્યાં સુધી ભૈરવી એરપોર્ટ ઉપર રોકાઈ ગઈ. કોણ જાણે કેમ પણ આજે એનું પોતાનું કોઇ સ્વજન વિદાય લેતું હોય એવી લાગણીઓ ઉભરાઈ આવી. એના તમામ મિત્ર સર્કલમાં આદિત્ય સૌથી વધુ સમજદાર લાગણીશીલ અને ઉદાર હતો.

5 વર્ષ બાદ ....

આદિત્ય અમેરિકામાં બરાબર સેટ થઈ ગયો હતો. શિકાગોમાં ડેવોન એવન્યુમાં એણે પિતાના ધંધાને બરાબર વિકસાવ્યો હતો. ગુજરાતી ભાષામાં કહીએ તો એ હવે ડોલર્સ છાપતો હતો.

આ તરફ જયદીપ, માધવી, નિસર્ગ અને ભૈરવી પોસ્ટ ગ્રેજ્યુએટ થઇ ગયા હતા. માધવીનું વેવિશાળ થઈ ગયું હતું. ભૈરવી એક મોટી પેથોલોજી લેબોરેટરીમાં ઇન્ચાર્જ થઈ ગઈ હતી. જયદીપ ને ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ મળી હતી.

તમામ મિત્રો વચ્ચે મોબાઈલ ઉપર અવાર નવાર પ્રસંગોપાત વાતચીત થતી રહેતી. એક દિવસ અચાનક જયદીપનો આદિત્ય ઉપર ફોન આવ્યો.

" આદિ.. તને સમાચાર મળ્યા ? આપણી ભૈરવીને કેન્સર ડિટેક્ટ થયું છે...પેન્ક્રીયાસ નું.
બહુ જ અપસેટ છે. એક તો એ લોકોની ફાઈનાન્શિયલ કન્ડિશન એટલી સરસ નથી. ભૈરવીના પગાર ઉપર ઘર ચાલે છે. "

" શું વાત કરે છે જયદીપ ? મને તારા સિવાય કોણ સમાચાર આપે ? અને આ બાબતની ભૈરવી પોતે તો મને વાત કરે જ નહીં "

" ટ્રીટમેન્ટ તો ચાલુ કરાવી દીધી ને ? કયું સ્ટેજ છે ? ડોક્ટર શું કહે છે ? " આદિત્ય બેબાકળો બનીને પૂછી રહ્યો હતો.

" થોડું સિરિયસ થતું જાય છે એટલી મને ખબર છે "

" સારુ મારું એક કામ કરીશ ? એના જેટલા પણ રિપોર્ટ હોય એ તમામ રિપોર્ટ સ્કેન કરીને મને મેઇલ કર. તમામ એટલે તમામ ! કંઈ પણ બાકી રહેવું ના જોઈએ. " આદિત્યે આદેશ આપ્યો.

જયદીપ ભૈરવી ને મળ્યો અને આદિત્ય સાથે જે પણ વાત થઈ હતી તે બધી એને કરી. એ પણ કહ્યું કે આદિ એ તમામ રિપોર્ટ્સ મંગાવ્યા છે.

" પણ આદિ ને આ બધું કહેવાની જરૂર નહોતી જયદીપ ! એ ત્યાં બેઠા બેઠા બહુ ચિંતા કરશે. એક તો લાગણીશીલ છે જ. "

" હા ભૈરવી... પણ આટલી ગંભીર બીમારી હોય અને હું એને વાત ના કરું એ તો કેમ ચાલે ? એ આપણો અંગત મિત્ર છે. "

અને જયદીપે તમામ રિપોર્ટ્સ સ્કેન કરીને આદિત્યને મેઈલ કરી દીધો. બે દિવસ પછી આદિત્યનો જયદીપ ઉપર ફોન આવી ગયો.

" જયદીપ તમારા લોકોનો પાસપોર્ટ છે ? આઈ મીન તમારા બંનેનો ? "

" મારો તો છે પણ ભૈરવી નો સો ટકા નહીં હોય. એમના ઘર ની આવી હાલત હોય અને પાસપોર્ટ શું કઢાવે ? પણ પાસપોર્ટ ની શું જરૂર પડી ? "

" એ બધું પછી. સૌથી પહેલાં તો તાત્કાલિક ભૈરવી નો પાસપોર્ટ કઢાવી લે. કાલે ને કાલે જ એપ્લિકેશન આપી દે ."

બીજા જ દિવસે જયદીપ ભૈરવીના ઘરે ગયો. ભૈરવી ને સ્ટુડિયોમાં લઈ જઈને અર્જન્ટ ફોટોગ્રાફ કઢાવ્યા અને બંને સાથે પાસપોર્ટ ઓફિસ પહોંચી ગયા. જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કર્યા અને તત્કાલ પાસપોર્ટ ની ફી પણ ભરી દીધી. એક વીકમાં ઘરે પાસપોર્ટ પણ આવી ગયો.

જયદીપે આદિત્યને ફોન કરીને પાસપોર્ટ અંગેની માહિતી આપી દીધી.

" આદિ... ભૈરવીનો પાસપોર્ટ આવી ગયો છે "

" ઓકે હવે હું જે કહું તે સાંભળ. હું મેડિકલ ગ્રાઉન્ડ ઉપર તમને બંનેને સ્પોન્સર કરું છું. તમે અર્જન્ટ વિઝા માટે એપ્લાય કરી દો. વિઝા મળે એટલે તરત તમારા લોકોની શિકાગોની ટિકિટ ઓનલાઈન મોકલી આપીશ. તમે પ્રિન્ટ આઉટ કઢાવી લેજો. આવી હાલતમાં ભૈરવી એકલી ન આવી શકે એટલે તારે પણ સાથે આવવાનું છે"

" અરે પણ આદિ... આમ શોર્ટ નોટિસમાં હું અમેરિકા કેવી રીતે આવું ? "

" જો જયદીપ મારે તારી કોઈ વાત સાંભળવી નથી. તું અમેરિકા ભૈરવી ને લઈને આવે છે એ ફાઇનલ !! કોઈપણ હિસાબે તારે એને કનવિન્સ કરવાની છે અને એને લઈને મુંબઈ કોન્સ્યુલેટમાં વિઝા માટે જવાનું છે. "

એ જ દિવસે રાત્રે જયદીપ ભૈરવીના ઘરે ગયો. ભૈરવી ની હાજરીમાં જ એના માતાપિતાને વાત કરી કે " આદિત્ય ભૈરવી ની કેન્સરની ટ્રીટમેન્ટ અમેરિકામાં કરાવવા માગે છે અને ટિકિટો પણ એ જ મોકલી રહ્યો છે. મારે પણ ભૈરવીની સાથે જ જવાનું છે. આદિ સ્પોન્સર કરે છે એટલે સૌથી પહેલા વિઝા માટે મુંબઈ જવું પડશે. તમે લોકો તૈયારી કરો એટલું કહેવા જ આવ્યો છું "

ભૈરવીએ દલીલો કરવા પ્રયત્ન કર્યો પણ જયદીપે કહ્યું " આ આદિત્ય નો આદેશ છે. અને એ લાખ દોઢ લાખ ખર્ચીને ટિકિટો પણ મોકલી રહ્યો છે એટલે હવે કોઈ ચર્ચાને અવકાશ નથી. "

જયદીપ અને ભૈરવી શિકાગો પહોંચ્યા ત્યારે ત્યાં સવારના આઠ વાગ્યા હતા. એરપોર્ટ ઉપર ઉતરતાં જ ઠંડીનો ચમકારો બંનેએ અનુભવ્યો.
આદિત્ય એરપોર્ટ ઉપર આવી ગયો હતો. ડેવોન એવન્યુ સ્ટ્રીટ ઉપર જ આદિત્યનું એપાર્ટમેન્ટ હતું.

આદિત્ય એ લોકોને પહેલા તો રેસ્ટોરન્ટમાં લઈ ગયો. કોફી અને બ્રેકફાસ્ટ લીધા પછી બંને આદિત્ય ના ઘરે ગયા.

એપાર્ટમેન્ટ ઘણું મોટું હતું. એક મોટો બેડરૂમ આ બંને મહેમાનો માટે તૈયાર જ હતો.

" મમ્મી-પપ્પાનું હાઉસ ઇલિનોઇસ માં અલગ વિસ્તારમાં છે. હું ક્યારેક અહીં રહું છું તો ક્યારેક મમ્મી પપ્પા સાથે ! તમે લોકો આવી ગયા છો તો હવે હું અહીંયા જ રહીશ."

" ડોક્ટરની એપોઇન્ટમેન્ટ પરમ દિવસની લીધી છે. ભૈરવી ને થોડા દિવસ એડમિટ થવું પડશે. અહીં ટ્રીટમેન્ટ ઘણી સારી થાય છે. લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ ઇક્વિપમેન્ટ એ અહીંનો મોટામાં મોટો ફાયદો છે. "

આદિત્ય બોલતો હતો અને બંને જણા સાંભળતા હતા. ભૈરવી આદિત્યની આટલી બધી કાળજીથી ખુબ જ અભિભૂત થઇ હતી. આ જમાનામાં મિત્રોને પોતાના ખર્ચે અમેરિકા બોલાવવા એ એની કલ્પના ની બહાર હતું.

"જયદીપ તારે અહીંયા જેટલું રોકાવું હોય એટલું રોકાઈ જા. તારું જ ઘર છે. તારે જવાની ઇચ્છા હોય ત્યારે કહેજે હું ટિકિટ કઢાવી આપીશ. ભૈરવી ને તો હમણાં હોસ્પિટલમાં જ રાખવી પડશે. એને સારું થઈ જાય એટલે હું જાતે એને લઈને ઇન્ડિયા આવી જઈશ. "

" હું રોકાઈ ને શું કરું આદિ ? તારા આટલા આગ્રહ ને માન આપી એકાદ વીક રોકાઈ જાઉં છું. એક વીક પછી ની ટિકિટ કઢાવી રાખજે. "

આદિત્યે ભૈરવી ને કેન્સર ની હોસ્પિટલ માં એડમીટ કરી દીધી. આદિત્યની સારી એવી મહેમાનગતિ માણીને જયદીપ એક વીક પછી ઇન્ડિયા પાછો ગયો.

ભૈરવીનું પેનક્રિયાસ દૂર કરવામાં આવ્યું અને પોસ્ટ ઓપરેટીવ ટ્રીટમેન્ટ તથા કીમો થેરપી વગેરે લેવામાં ટોટલ બે મહિના જેટલો સમય વીતી ગયો.

ભૈરવી ને ઘરે લાવવામાં આવી. આદિત્યના મમ્મી પપ્પા પણ ભૈરવી ને જોવા માટે ખાસ આદિત્ય ના ઘરે આવ્યા.

" બેટા હવે કેમ લાગે છે તને ? નાની ઉંમરમાં ઘણું સહન કર્યું તેં !! "

" અંકલ...... આદિત્ય જેવો દીકરો કોઈ પુણ્યશાળી મા-બાપને જ મળતો હોય છે. આજે હું તમારી સામે થોડી ઘણી પણ નોર્મલ લાગું છું તે માત્ર આદિત્ય ના પ્રતાપે. મને હવે સારું લાગે છે. આહાર-વિહારમાં થોડું ધ્યાન રાખવું પડશે. ડૉક્ટરે ડાયટ પ્લાન પણ આપી દીધો છે !!" ભૈરવીએ આદિત્યના પપ્પાને પગે લાગી ને કહ્યું.

" ભૈરવી મેં માત્ર એક મિત્રધર્મ નિભાવ્યો છે. જે હું કરી શકું એમ છું એ જ મેં કર્યું છે. "

" ના આદિ.. કોઈ પણ મિત્ર આવો મિત્રધર્મ બજાવી જ ના શકે. આવા સમયમાં માગો તો પણ કોઈ પાંચ-દસ હજાર પણ નથી આપતું. ત્યારે તેં મારા માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. મને સમજણ નથી પડતી કે હું કયા શબ્દોમાં તમારા લોકોનો આભાર માનું !!" અને ભૈરવી ની આંખો માં આંસુ આવી ગયા.

" ચાલો હવે જમવા નો ટાઈમ થઇ ગયો છે. બધા ડાઈનીંગ ટેબલ ઉપર ચાલો. " વાતાવરણ બદલવા માટે આદિત્યના પપ્પાએ વાત બદલી.

પંદર દિવસ સુધી આદિત્યના મમ્મી પપ્પા આદિત્યના એપાર્ટમેન્ટમાં જ રોકાઈ ગયા કે જેથી ભૈરવી માટેની રસોઈમાં કોઈ તકલીફ ના પડે. આદિત્યના મમ્મી ડાયટ પ્લાન પ્રમાણે રસોઈ બનાવી લેતા અને ભૈરવી ને પ્રેમથી જમાડતા.

હોસ્પિટલથી ઘરે આવ્યા પછી એકાદ મહિનામાં તો ભૈરવી એકદમ નોર્મલ થઈ ગઈ. હવે ઇન્ડિયા જતા રહેવું જોઈએ એવું એને લાગ્યું. આદિત્યએ પોતાના માટે ઘણું કર્યું છે હવે એને ફ્રી કરી દેવો જોઈએ.

" આદિ.... હવે હું ઇન્ડિયા પાછી જવા માંગું છું. મને તુ ટિકિટ કરાવી દે. હું એકલી જતી રહીશ. મમ્મી-પપ્પા પણ મને જોવા આતુર છે હવે " એક સવારે ચા નાસ્તો કરતા કરતા ભૈરવીએ આદિત્યને કહ્યું.

" તને એકલી ને હું નહીં જવા દઉં. હું પણ સાથે આવું છું. આવતા શનિવાર ની ટિકિટ લઈ લઉં છું. તારે જે પણ શોપિંગ કરવું હોય એ આ વીકમાં પતાવી દે. પૈસાની ચિંતા ના કરીશ. મારી ઑફિસની એક છોકરી તને કંપની આપશે "

" ભૈરવી એક વાત કહું.... ઈફ યુ ડોન્ટ માઈન્ડ ! "

" અરે આદિ પૂછવા માટે પણ તારે મારી રજા લેવી પડે છે ? "

" ના વાત થોડી પર્સનલ છે એટલા માટે. મેં સાંભળ્યું છે કે તું અને જયદીપ પ્રેમમાં છો !! "

" અરે.. તને કેવી રીતે ખબર પડી આદિ ?"

" બીજું બધું છૂપું રહે પણ પ્રેમ છૂપો રહી શકતો નથી. મને તો માધવી એ છ મહિના પહેલા કહેલું. તારા કેન્સર ના સમાચાર પણ જયદીપે જ મને આપેલા ને ? અને એટલે તો મેં પણ જયદીપ ને તારી સાથે અહીં બોલાવ્યો. નહીં તો હું પોતે જ તને લેવા ઇન્ડિયા આવી જાત ને !! "

" યુ આર ગ્રેટ આદિ !! અમે કોલેજમાં હતા ત્યારથી જ એકબીજાના પ્રેમમાં પડી ગયેલા. પણ હમણાંથી જયદીપ નો કોઈ ફોન નથી આવતો "

" અરે તો પછી અત્યારે જ વાત કરી લઈએ ને ? એ છુપા રુસ્તમ ને મારે પણ કહેવું પડશે ને કે ભાઈ તારી પ્રેમ કહાની મને ખબર છે. એ જ્યારે અહીં આવ્યો ત્યારે તારી તબિયત નાજુક હતી એટલે એ બાબતની કોઈ ચર્ચા મેં કાઢી નહોતી. "

અને આદિત્ય એ જયદીપ ને ફોન લગાવ્યો.

" હલો જયદીપ... આદિત્ય બોલું ! ભૈરવી ઉપર આજકાલ તારા ફોન નથી આવતા. બહુ બીઝી થઈ ગયો છે કે શું ? હવે તમે બંને લગ્ન ક્યારે કરો છો ? અને હું તમારા બંનેના લવ અફેર્સ જાણું છું જયદીપ એટલે અજાણ ન બનતો ! "

" અત્યારે તું ભૈરવી ની સાથે છે આદિ ? તું એકલો હોય ત્યારે મને ફોન કરજે ને ? "

" ઓકે ઓકે..... તો હું તને પછી ફોન કરું છું " કહીને આદિત્યએ ફોન કટ કર્યો.

" જયદીપ કોઈની સાથે છે એટલે એ પછી વાત કરશે " આદિત્યએ ભૈરવી ને કહ્યું.

તે દિવસે ઓફિસ ગયા પછી આદિત્ય એ જયદીપ ને ફરી ફોન લગાવ્યો.

" હા તો તું શું કહેતો હતો જયદીપ ? ભૈરવી બાજુમાં છે કે નહીં એમ કેમ પૂછ્યું ? "

" તે એકદમ લગ્ન નો સવાલ કર્યો એટલા માટે. આદિ તું તો જાણે છે કે હું ઇન્ડિયામાં રહું છું. અત્યાર સુધી હું ભૈરવી ને ખૂબ જ પ્રેમ કરતો હતો. પણ હવે એને કેન્સર થયા પછી મારા મા-બાપ એનો સ્વીકાર નહીં કરે. "

" અને પેનક્રિયાસ જેવું મહત્વનું અંગ આ ઉંમરે કાઢી નાખ્યા પછી આગળની જિંદગીમાં પણ ખાવા-પીવાની ઘણી મર્યાદાઓ ભૈરવી ને આવી જવાની. મેં આ વિશે બહુ જ વિચાર્યું છે આદિ. પણ હવે કદાચ હું લગ્ન નહીં કરી શકું. ભૈરવી ને આ બધું કહેવાની મારામાં હિંમત નથી આદિ ! એ ત્યાં છે તો તું જ એને સમજાવ. "

" હું સમજી શકું છું તારી વાત ને જયદીપ !! પણ લગ્ન થયા પછી કેન્સર થયું હોત તો ? તમારા બંનેના પ્રેમના કારણે તો મેં તમને સજોડે અમેરિકા બોલાવ્યા. એનીવેઝ.. આ તારો ફાઇનલ નિર્ણય છે એટલે હું એમાં કંઇ ના કહી શકું. ચાલો પછી વાત કરું " કહીને આદિત્યે ફોન કટ કર્યો.

આદિત્યને જયદીપ ની વાત થી ખૂબ જ આઘાત લાગ્યો હતો. ભૈરવી ને આ સમાચાર કઈ રીતે આપવા ? અને કેન્સર થઈ ગયા પછી હવે ભૈરવી નું ભવિષ્ય શું ? શું એને કુંવારા જ રહેવાનું ? સાચો પ્રેમ શું આવો હોય ?

બપોરે ઘરે જમવા ગયો ત્યારે એણે ભૈરવી ને કોઈ વાત કરી નહીં પણ સાંજે જમ્યા પછી એ ભૈરવીના બેડરૂમ માં ગયો.

" ભૈરવી હવે આગળ લગ્નનો શુ પ્લાન છે ? તું જયદીપ સાથે લગ્ન કરવાની છે એટલે મારે પૂછવું પડે છે. હવે તો તું નોર્મલ પણ થઈ ગઈ છે . હું તારા પ્રેમની પરીક્ષા નથી કરતો પણ મારા ધ્યાનમાં એક બીજો છોકરો પણ છે. "

" થેન્ક્સ આદિ.. સ્ત્રી જેને એક વાર ચાહે છે તેને પૂરા મનથી ચાહે છે. પ્રેમને બીજા પાત્રમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. હું જયદીપ સાથે ત્રણ વર્ષથી પ્રેમમાં છું અને જયદીપ પણ મને પાગલની જેમ પ્રેમ કરે છે "

આદિત્ય ભૈરવી નો જવાબ સાંભળીને ચિંતામાં પડી ગયો. આ ભોળી છોકરીને કઈ રીતે મારે સમજાવવી ? જયદીપ કરતા ભૈરવી નો પ્રેમ ઘણી ઊંચાઈ ઉપર હતો. આદિત્યને જયદીપ ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો હતો.

ભૈરવી ને સાચી વાત કઈ રીતે કરવી કે તારો જયદીપ સાવ પાણીમાં બેસી ગયો છે અને એ હવે લગ્ન કરવાની જ ના પાડે છે !!

" ભૈરવી તું મારી સાથે લગ્ન કરી શકે ? મારે હાલ ને હાલ જવાબ નથી જોઈતો. એક વીક પછી આપણે ઇન્ડિયા જવાના છીએ ત્યાં સુધી તું વિચારી લેજે." કહીને આદિત્ય રૂમની બહાર નીકળી ગયો.

એક વીક સુધી ભૈરવીએ કોઈ જવાબ આપ્યો નહીં. બંને ઇન્ડિયા પહોંચી ગયા. ભૈરવીએ જયદીપ ને મોબાઈલમાં મેસેજ કરી દીધો હતો કે અમે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જઈશું.

ભૈરવીના આશ્ચર્ય વચ્ચે એરપોર્ટ ઉપર લેવા માટે કોઈ જ નહોતું આવ્યું. આદિત્યએ નડિયાદ સુધીની ટૅક્સી કરી લીધી. ભૈરવી ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી હતી એટલે ટેક્સી એના ઘર સુધી લીધી.

ભૈરવીના માતા-પિતાએ બન્નેનું ખુબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું. પાડોશીઓ પણ એમના ઘરે ભૈરવી ને જોવા માટે ભેગા થયા.

" ચાલો હવે હું જાઉં. કોલેજ રોડ ઉપર એક બે સારી હોટલો છે. હું ત્યાં જ બે દિવસ રોકાઈ જઈશ."

" એ કોઈપણ સંજોગોમાં ચાલશે નહીં આદિત્યભાઈ. તમે અમારા મહેમાન છો. અમે તમને ક્યાંય પણ નહીં જવા દઈએ. હવે તમે અમને તમારી સેવાનો મોકો આપો " ભૈરવી ના પિતા રસિકલાલે કહ્યું.

" વડીલ... તમારો આટલો આગ્રહ છે તો જમવાનું હું તમારા ત્યાં રાખીશ. પણ રોકાણ તો હું હોટલમાં જ કરીશ. ભૈરવી પ્લીઝ સમજાવને એમને !!"

" પપ્પા રહેવા દો. ભલે આદિત્ય હોટલમાં રોકાતો. એને હોટલમાં જ વધુ અનુકૂળ રહેશે. એવું હશે તો બે ટાઈમ ટિફિન હું હોટલમાં પહોંચાડીશ. "

" પપ્પા જયદેવ તમને લોકોને મળવા આવે છે કે નહીં ? એ એરપોર્ટ ના આવ્યો એટલે મને એની ચિંતા થાય છે. એની તબિયત તો સારી હશે ને ? એ આવ્યા વગર રહે જ નહીં. "

" ના બેટા... એ અમેરિકાથી આવ્યો ત્યારે તમે લોકોએ જે પાર્સલ મોકલ્યુ હતું તે આપવા માટે આવ્યો હતો બસ. એ પછી એ ક્યારે પણ નથી આવ્યો ."

" બહુ કહેવાય... હવે મારે એને ખબર પાડવી પડશે. "

" રહેવા દે ભૈરવી.... તુ આરામ કર... તારી તબિયત હજુ એટલી બધી સારી નથી. તું મને મળવા આવે ત્યારે હું જયદીપ ને હોટલમાં બોલાવી દઈશ. "

અને આદિત્ય ત્યાંથી નીકળી ગયો. ટેક્સી બહાર ઊભી જ રાખી હતી. એણે ગૂગલમાં જોઈને કોલેજ રોડ ઉપરની એક સારી હોટલ શોધી કાઢી અને ટેક્સી ને ત્યાં લેવડાવી. બિલ ચૂકવી એણે એક સારો ડીલક્ષ રૂમ લઇ લીધો.

બીજા દિવસે સવારે ભૈરવી ટિફિન લઈને આવે એ પહેલા આદિત્ય એ થોડુંક વિચારી લીધું હતું. ભૈરવી હજુ ભ્રમ માં જ હતી. જયદીપ ને હોટલમાં બોલાવી સમજાવવાનો કોઈ જ અર્થ નહોતો. આમ જોવા જઈએ તો એણે ભૈરવી સાથે દગો જ કર્યો હતો.

" ભૈરવી એક વાત કહું. દુનિયામાં કેટલાક સંબંધો ઋણાનુબંધ ના કારણે ઊભા થતાં હોય છે. કેટલાક જીવનભર સાથ આપે છે તો કેટલાક અધવચ્ચે સાથ છોડી દેતા હોય છે. બહુ લાગણીશીલ બનવામાં મજા નથી. સમયની સાથે ઘણું બધું બદલાઈ જતું હોય છે. "

ભૈરવી સાંભળી રહી હતી. આદિત્ય શા માટે આવું બધું કહેતો હતો એ હજુ એને સમજાતું નહોતું.

" ભૈરવી તારું સાસરુ શિકાગોમાં છે અને ડેસ્ટીની ડેવોન એવન્યુ માં. તું અમેરિકા આવવાની તૈયારી કર. હું બધા પેપર તૈયાર કરીને તને મોકલું છું. કાલે ને કાલે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ છીએ. મારી પાસે વધુ સમય નથી."

" અત્યારે હાલ જ જમીને આપણે માર્કેટમાં જઈએ. લગ્ન માટેનો સ્પેશિયલ ડ્રેસ અને જરૂરી દાગીના આજે ને આજે જ ખરીદી લઇએ. આ મારો આદેશ છે અને તારે હવે કોઈ દલીલ કરવાની નથી. શોપિંગ કર્યા પછી ઘરે જઈને મમ્મી પપ્પાને વાત કરી લેજે. "

" અરે પણ.. આદિ.. જયદીપ સાથે..."

" એ કાયરે તને છોડી દીધી છે ભૈરવી.... જરા સમજવા પ્રયત્ન કર.... એણે મને ફોન ઉપર જ કહી દીધેલું કે કેન્સર થયા પછી હવે ભૈરવી નો સ્વીકાર હું ના કરી શકું.... એટલે તો ઘણા સમય થી તારી સાથે એ વાત પણ કરતો નથી.... હવે તો આંખો ખોલ. "

આઘાત અને આશ્ચર્યથી ભૈરવી આદિત્ય ની સામે જોઈ રહી. થોડી ક્ષણોમાં જ એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આદિત્ય કઈ ટાઇપનો માણસ છે ? શું મિત્રધર્મ આટલો બધો મહાન હોય !!

બીજા દિવસે જ માતા-પિતા અને બે-ત્રણ પડોશીઓની હાજરીમાં કોર્ટ મેરેજ થઈ ગયા. નવદંપતી સંતરામ મંદિરમાં દર્શન કરીને મહારાજના આશીર્વાદ લઇ આવ્યા. આદિત્યે અમેરિકા કોલ કરીને પોતાના માતા-પિતાના પણ આશીર્વાદ લઈ લીધા.

પરણ્યાની પહેલી રાત્રે હોટલના એ સુગંધીત રૂમમાં આદિત્યએ સામે સોફામાં બેઠેલી ભૈરવી ને માત્ર એટલું જ કહ્યું.

" ભૈરવી ડાર્લિંગ.. કેટલાક સંબંધો તો ઉપર આકાશમાંથી જ નક્કી થઈ જતા હોય છે. તને મેં અમેરિકા બોલાવી એ પણ ઈશ્વરનો જ કોઈ સંકેત હશે !! તને મેં બોલાવી ત્યારે મારા મનમાં કોઈ સ્વાર્થ નહોતો. હું તો એમ જ માનતો હતો કે તું અને જયદીપ લગ્ન કરવાના છો એટલે તો સજોડે બોલાવ્યા."

" ઈશ્વરની લીલા આપણે સમજી શકતા નથી ભૈરવી... ભૂતકાળને ભૂલી જા. તને કેન્સર થયું હતું એ પણ ભૂલી જા. મને કોઈ ફરક પડતો નથી. જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારો સાથ છોડીશ નહીં એટલું વચન આપું છું. "

ભૈરવી કશું જ બોલી નહીં. એ આ દેવપુરુષ ને જોઈ રહી !! થોડીવાર પછી એ સોફા પર થી ઉભી થઇ અને ડબલ બેડ ના એ પલંગ ઉપર પગ લાંબા કરીને બેઠેલા આદિત્ય ના ખોળામાં એણે માથું ઢાળી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી !!

અશ્વિન રાવલ (અમદાવાદ)