Kahi aag n lag jaaye - 22 books and stories free download online pdf in Gujarati

કહીં આગ ન લગ જાએ - 22

પ્રકરણ- બાવીસમું/૨૨

અંતે.. ક્યાંય સુધી કબીર તેના રક્તકણમાં વણાયેલી પ્રકૃતિને આધીન થઈને તદ્દન પાયાવિહોણા પરામર્શની સીડીના પગથિયાં ચડતો ગયો અને.. એ બહાને અજાણતાં જ તે પોતાની જાતને પતનની ખાઈ તરફ ધકેલાતો રહ્યો.

એ રાત્રે........

મધુકર તેના શિસ્તપાલનના જડ નિયમને આધીન નિયત સમય અનુસાર નિંદ્રાધીન થઇ ગયા બાદ....મીરાં મોડે સુધી વિમાસણ ભર્યા તર્ક-વિતર્કના વિચારવૃંદમાં ભટકીને થાકી ગયા પછી ફર્સ્ટ ફલોર પર આવેલાં બેડરૂમની બહાર નીકળી, નીચે ડ્રોઈંગરૂમમાં આવી. ત્યારે વોલ ક્લોક સમય બતાવી રહી હતી..રાત્રિના ૧૧:૫૦ નો.

થોડીવાર આંખો મીંચીને સોફા પર પડી રહ્યા પછી વિચાર્યું કે, ફૂલ સાઈઝનો મગ ભરીને ફેવરીટ કોફી બનાવીને પછી નિરાંતે ઉપર બેડરૂમને અડીને આવેલી બાલ્કનીમાં જઈને મિશ્ર લાગણીની ઘુટન સાથે ઘૂંટડા ભરીશ.


બાલ્કનીની લોંગ ચેરની બાજુમાં ટીપોઈ પર ડબલ એક્શ્પ્રેસો કોફીનો મગ મુકીને લંબાવતાં ખુલ્લાં આકાશ તરફ નજર કરી..તો પૂર્ણ સ્વરૂપે ખીલેલાં પૂનમના ચંદ્રમાંની રોશની જોઇને મીરાંના ચીતને સ્હેજ ટાઢક વળી. વર્ષો પહેલાં તરુણાવસ્થામાં નક્ષત્રના નીતિજ્ઞતા પ્રત્યે સ્ફૂરતી સહજ જીજ્ઞાસાપૂર્તિ માટે કયારેક તારામંડળની ભૂલભુલૈયામાં ભૂલા પડતાં ત્યારે અફર માઈલસ્ટોન જેવા સ્વયં ધ્યાન કેન્દ્રિત કરતાં ધ્રુવ તારાંના સંકેતથી મનગમતી મંઝીલે પહોચી જતાં.


અને આજે પણ.......
લગભગ ભટકીને અટકી ગયેલી, ત્રિકોણ જેવા ત્રિભેટે આવીને જીવનવનના માયામૃગ પાછળ ભ્રમિત થઇને ભૂલી પડી જાઉં એ પહેલાં.....વિધિના વિધાન જેવા ધ્રુવ તારાનું પ્રતિનિધિત્વ કરતાં ભોમિયાની ભૂમિકામાં અણીના સમયે મિહીર સાંકેતિક દ્રષ્ટિએ અપ્રત્યક્ષ રીતે દિશાશુન્ય અવસ્થાની મીરાંના અંધકારમય જીવનપથની પગદંડી પર દીવાદાંડની માફક દિશાનિર્દેશ કરતાં એક માર્ગદર્શકના સ્વરૂપમાં મસીહા બનીને આવ્યો હતો.


મિહિર અને કબીર બન્ને પ્રત્યેના મીરાંને તેના આદર, સન્માન, અને
નિસ્વાર્થ સ્નેહ સાથેના હ્રદયસ્થાન વચ્ચેના અનંત અસંતુલિત અંતર વિશે મીરાંના મસ્તિષ્કમાં ચાલતાં મહામંથનના દ્વંદયુદ્ધના અંતે મીરાંને પોતાની જાત પર જ હસવું આવતું હતું.

‘આશા રાખું છું કે, આપને આપના દાગીના સહી સલામત મળી ગયા હશે.’

સાત વર્ષના લાંબા અંતરાલ બાદ મિહિરના આ એક વાક્યથી મીરાંએ સાત વર્ષ દરમિયાન કઠીન તપ જેવી તપસ્યાથી હાંસિલ કરેલી સિદ્ધી,સંપતિ અને સત્તાનો કેફ ક્ષણમાં ઉતરી ગયો.

છેલ્લાં બે વર્ષમાં મીરાંને કબીર પ્રત્યેની પોતાના મૂળભૂત મુલ્યોને ધ્યાનમાં રાખીને ગમવાની પરિભાષાના પરિઘમાં રહીને કેળવેલી સભાનતા સાથે કબીર સાથેની નિકટતાનો આંક કદાચ શૂન્યતા પર આવી ગયો હતો.... જો અંતિમ ઘડીએ ઈશ્વરીય સાંકેતિક પુરાવા રૂપે મિહિરે રવાના કરેલું દાગીનાનું એ પાર્સલ ચમત્કારિક ક્ષણે ન આવ્યું હોત તો.

મીરાંએ તેની સજહ્ભાવ પ્રકૃતિથી પ્રેરાઈને રેખાંકિત કરેલી કબીરની એક ઉજળી છબી આજે કબીરની આંશિક આક્રોશિત વાણીમાં તેના વિકૃત વિચારવૃતિમાં ખદબદતા કીડાનો ચિતાર આપતાં તે છબી મીરાંને ગંદી અને ભદ્દી લાગવાં લાગી.
કબીરની સાવ અનપેક્ષિત ટૂંકી અને વક્રદ્રષ્ટિ મીરાંને ખુબ ખૂંચી. ફરી એ મનોમન જાત પર હસીને વિચારીતી રહી કે, ભોગ આપ્યાં કે ભાગ બન્યાં પહેલાંજ સ્ત્રીને ભોગવી લેવાની વૃતિ જ પુરુષનો ભોગ લ્યે છે. જો સમયસર અપ્રત્યક્ષ રૂપે મિહિરે મીરાંની ઘોડાપુરની માફક બેફામ બનવા જઈ રહેલી જિંદગાનીની લગામ ન ઝાલી હોત તો.....તો ની કલ્પનાથી મીરાંને એક ઝીણી કંપારી છુટી ગઈ.

આજે.. સાત વર્ષ પછી મિહિરનો સ્વર કાને મીરાંએ અડગ ધૈર્ય સાથે તેના હૈયે ધરબી રાખેલાં કંઇક સવાલોએ તેના વજ્ર જેવા મક્કમ મનોબળને ધમરોળીને વિચલિત કરી નાખ્યું.

આજે મિહિરના આવેલાં કોલ પરથી મીરાંને એટલો અંદેશો તો આવી ગયો કે, નજીકના દિવસોમાં મિહિર અચૂક મીરાંનો સંપર્ક કરવાની પેરવી કરશે જ.


હવે સમય થયો.. રાત્રિના ૨:૪૦નો.. મહત્તમ મિહિર તરફ ઢળીને ભારેખમ થયેલાં દિલ અને દિમાગ સાથે આંખો ઘેરાતાં મીરાં આવીને પડી બેડ પર.


એક એક કરતાં બે.. પાંચ.. દસ.. પચ્ચીસ...દિવસો વીતતાં ગયા. કબીરને લાગ્યું કે, હવે મીરાં માત્ર તેની સાથે ઔપચારિક સંબંધ નિભાવવાનું નાટક કરી રહી છે. પણ હવે કબીરનું ધ્યાન મીરાં ક્યાં, કોના કારણે અને કેમ ભટકી છે તેના તરફ હતું. તો આ તરફ મીરાંને કબીર પ્રત્યે કોઈ નફરત નહતી. એ પૂર્વવત તેના સ્વભાવગત સહજ જ રહેતી. મીરાંને હતું કે, સમય આવ્યે તે કબીરને તેના માટેની નિસ્વાર્થ અને નિસંદેહ લાગણીના પારાશીશીનો પરિચય કરાવશે. ત્યારે કબીર નિશબ્દ થઇ જશે એટલી ખાતરી તો મીરાંને હતી જ.


આ પચ્ચીસ દિવસ દરમિયાન.. મિહિરના સંકેતનો કોઈ અંશ નહી. છતાં પણ પચ્ચીસ મિનીટ માટે પણ મીરાંના ચીત માંથી મિહિરનું ચિત્ર ખસતું નહતું. અને મીરાં માટે મિહિરનો સંપર્ક સાધવામાં સૌથી મોટી સંકડામણ એ હતી કે, મિહિરે તેનો ટેલીફોનીક વ્યહવાર એક તરફી જ રાખ્યો હતો.


એક દિવસ.. મધુકરએ વિરાણી હાઉસ રવાના થયાં કલાક પછી મીરાં વિરાણી હાઉસ જવા માટે તૈયાર થઈને નીકળવા માટે ડોર તેના બેડરૂમનું બારણું ઉઘાડે ત્યાં જ અનનોન નંબર પરથી મિહિરનો કોલ આવ્યો..

‘ હેલ્લો..’

‘મિહિર...’
આ એક શબ્દ સંભળાતા જ મીરાં ડોર ક્લોઝ કરી ફરી તેના બેડરૂમમાં આવીને સોફા પર ફસડાઈ પડતાં ચઢી ગયેલા શ્વાસ સાથે માંડ એટલું જ બોલી.

‘જી, જસ્ટ એ મિનીટ.’

એક ગહન શ્વાસ ભરીને સ્વને શાંત અને સ્વસ્થ કર્યા પછી ફરી મીરાં બોલી

‘શક્ય હોય તો કોઈપણ વિષયવસ્તુને લઈને અર્થપૂર્ણ અને સપૂર્ણ વાર્તાલાપ કરશો તો ગમશે.’

‘જી, મારો કોલ કરવાનો ઉદ્દેશ જ એ છે. સીમિત શબ્દોના દાયરામાં સુંદર વણાંક પર વ્હાલ સાથે વણાઈને અવિભાજ્ય પૂર્ણવિરામ સાથે પરિપૂર્ણ થવા જઈ રહેલી આત્મકથાના અસંખ્ય શંકાશીલ અલ્પવિરામ સાથે વિભાજીત કરેલા આરોપોનો ભાર વેંઢારીને હવે મારા સ્વાભિમાન અને ઋણાનુબંધને શ્વાસ ચડી ગયો છે.’

આટલું બોલતા મિહિરનો સ્વર ભારે થઇ ગયો.
થોડીવાર ચુપ રહીને મીરાં બોલી..

‘જી આગળ બોલો.’

‘કેટલા દિવસમાં આપ આપની સલામતીની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને આપણી રૂબરૂ મુલાકાતનો સમય, સ્થળ અને તિથી નક્કી કરી શકો છો ?
એકદમ શાંત ચીતે મિહિરે પૂછ્યું

બીજી જ પળે મીરાંએ ઉત્તર આપ્યો.

‘આપ મને આવતીકાલે આ સમયે ફરી કોલ કરી શકો છો.કેટલો સમય જોઈશે તમને ?

‘એ તમારે નક્કી કરવાનું રહેશે, કેમ કે સમય તમારો કિંમતી છે.’ મિહિર બોલ્યો.
પણ કોઈ ગમતાની ગેરહાજરીથી એ કિંમતી સમય કોડીનો થઇ જાય....
એ કેમ કરીને સમજાવું ? એવું મીરાં મનોમન બોલી.

‘જી, ઠીક છે.’ મીરાંના પ્રત્યુતર સાથે જ મિહિરે કોલ કટ કર્યો.

અને એ સાથે જ મીરાં મોબાઈલનો બાજુના સોફા તરફ ઘા કરતાં જ થોડો સમય આંખો મીંચીને સોફા પર પડી રહી.

પ્રથમ મુલાકાતમાં અપરિચિત ટેક્ષી ચાલક તરીકે કોલેજ મુકવા આવેલો મિહિર,
એ પછી વૈશાલીબેનને ફક્ત માનવતાની દ્રષ્ટિએ હોસ્પિટલ મૂકી ગયેલા ફરી એ માત્ર
નામથી પરિચિત મિહિર સાથેનો પ્રથમ ટેલીફોનીક વાર્તાલાપ. એકવાર સાંભળો એટલે આદી થઇ જાઓ એવો મંત્ર મુગ્ધ ઘુંટાયેલો દમદાર અવાજનો ધણી. એ પછી..
પ્રથમ નાટ્યમંચનમાં મિહિરના હિડન ટેલેન્ટથી આકર્ષિત થયેલી ઘડીથી.. લઈને... છેક ભાંગતી રાત્રે ઘડીના છટ્ઠા ભાગમાં ભાગ્યએ પડાવેલા ભાગલાંથી મિહિરના ભાગી છૂટ્યા પહેલાની એ અંતિમ રાત્રિની અવિસ્મરણીય રમણીય મુલાકાતના એક એક દ્રશ્યના મધુરા અને અધૂરા મિલનની ક્ષ્રણોને ક્યાંય સુધી મીરાં મમળાવતી પડી રહી.

મીરાંને સૌથી મોટો ડર એ વાતનો હતો કે, મિહિર સાથેની તેની મુલાકાત પછી...
તેના જીવનમાં જે અણધાર્યો વણાંક આવશે કે, તે પરીસ્થિતીથી પછીના પરિવર્તનના પરિણામ સ્વરૂપે જે વિનાશના વાવઝોડા જેવો પવન ફૂંકાશે તે પ્રણયપ્રલયના તારાજીનો અંદાજ લાગવવો મીરાં માટે અશક્ય હતો.

એક તરફ વિરાણી ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મિસિસ મધુકર વિરાણીના વજનદાર નામ સાથેનું જોડાયેલું વજનદાર વ્યક્તિત્વ, પદ,પ્રતિષ્ઠા, પાવર અને પારાવાર પૈસો અને એક તરફ હજુ’યે એક અપરિચિત નામ મિહિર ઝવેરી. આ બન્ને એક બીજાથી વિરુદ્ધ અને અસામન્ય અંતિમના ખેંચતાણમાં બન્ને વચ્ચે કઈ રીતે સામાન્ય અને સરખે ભાગે ન્યાય કરીને સ્વને સંતુલિત અને સહજ રાખવું એ હવે મીરાં માટે તલવારની ધાર પર ચાલવા જેવું હતું.



બીજા દિવસે...
આજે ફરી એ ગઈકાલના સમય તરફ ઘડિયાળનો કાંટો ટીક... ટીક... કરતો ફરતો રહ્યો તેમ તેમ મીરાં વધુ ને વધુ નર્વસનેસ ફીલ કરતી રહી.


ગઈકાલના સમય કરતાં એક મિનીટના તફાવત વગર ઠીક એ જ સમયે મીરાંના મોબાઈલની રીંગ રણકી...

‘હેલ્લો...’ પ્રતિક્ષાના ઉત્કંઠાની તરસ છીપાવતા મીરાં બોલી.
‘જી, બોલો.’ મિહિર બોલ્યો.

‘ત્રણ દિવસ પછી સાંજના સાત વાગ્યે હોટેલ સ્કાયલાઈન.
‘જે સેવન સ્ટાર હોટેલ છે એ સ્કાયલાઈન ? મિહિરે પૂછ્યું.
‘યસ. પણ એક રીક્વેસ્ટ છે, જો આપણી મુલાકાત સુધી આપ મોબાઈલ સપર્કથી જોડયેલા રહો તો બન્ને માટે સરળ અને સલામત રહેશે.’
સામાન્ય થતાં મીરાં બોલી

‘હું તમને એક નંબર સેન્ડ કરું છું. પણ જરૂર પડે તો જ સંપર્ક કરશો.’

‘જી ઠીક છે, બીજી એક અગત્યની વાત.. શક્ય હોય તો તમે સાત વાગ્યા પહેલાં હોટેલ પર આવી જજો. હું તમને કોન્ટેક પર્સનનું નામ અને નંબર સેન્ડ કરું છું. તમે ત્યાં જઈને તેને મળશો એટલે એ તમને સમજાવી દેશે. શક્ય એટલો મહત્તમ સમય તમને ફાળવવાની કોશિષ કરીશ.’ મીરાંએ કહ્યું.

‘એ તો તમે નહીં આપો તો પણ આપોઆપ મળી જશે. કારણ કે આ આપણી અફર અંતિમ મુલાકાત છે.’ એકદમ શાંતિ થી મિહિર બોલ્યો.

‘જો બધું નિર્ધારિત કરી જ લીધું હોય તો, શું હું આ મુલાકાતને માત્ર એક ઔપચારીકતા સમજુ ? મિહિરના નિવેદનથી સ્હેજ નારાજ થઈને મીરાં એ પૂછ્યું.

‘ના, એ તો હું સાત વર્ષ પહેલાં પણ કરી ચુક્યો હોત, ક્યારેક કોઈ પરમ પ્ર્યાસ્ચિતના પુરાવા માટે પ્રત્યક્ષ હોવું આવશ્યક હોય છે. અને નારાયણના નિર્ણય સામે આપણા નિર્ધારની શી વિસાત ? આપણે માત્ર નિયતિ નચાવે એમ નટની માફક નાચી બતાવવાનું.’ મીરાંને ઉત્તર આપતાં મિહિર બોલ્યો.


‘હું એક એવા અનુસંધાનની આશા લઈને મળવા ઉત્સુક છું કે, આ ખોળિયા માંથી ભલે જીવડો જતો રહે પણ મારા શ્રદ્ધાનો દીવડો અખંડ જલતો રહે.’

‘માત્ર જલશે નહીં પણ પણ એ શ્રધ્ધા દીવડાની અગનઝાળ તો હવે ઈશ્વરને પણ દઝાડશે. બસ કંઇક એવો પરમેશ્વર સામે પડકાર ફેંક્યો છે મિહિર ઝવેરીએ.’
તૂટી પાડેલા લાગણીના ઘોડાપુરના આવેશમાં તણાતાં મિહિરે કહ્યું.


‘મળીએ છીએ, ત્રણ દિવસ પછી.’
એમ કહીને ભાવનાતિરેકના ભારથી મીરાંએ કોલ કટ કર્યો.

મીરાંને થયું કે, સિંતેર મીનીટમાં, સાત વર્ષના, સિંતેર સવાલોના સચોટ જવાબ આપીને મિહિર સાત જન્મનું સાટું વાળી લેશે.


ત્રણ દિવસ પછી....

મીરાં એ સલામતીના સઘળા પાસાંઓ ને ધ્યાનમાં રાખીને સ્કાયલાઈન હોટેલના ઓનર અને કોર્પોરેટ રીલેટેડ રીલેશનની દ્રષ્ટિએ નજીકથી પરિચિત અને વિશ્વસનીય વ્યક્તિ કુલદીપ શર્માને જ કોલ કર્યો. મીરાં એ માર્યાદિત શબ્દોમાં પરિસ્થિતિના રૂપરેખાની સમજણ આપી દીધી. એટલે કુલદીપ શર્મા તરફથી મીરાંને નિશ્ચિંતતાના સંકેત રૂપે લીલીઝંડી મળી ગઈ. કુલદીપ શર્મા એ તેના અંગત મેનેજર સાથે સંક્ષિપ્તમાં ચર્ચા કરીને ઓફિસિયલ લેન્ગવેજમાં મેટર સમજાવી દીધી.


સમય સવારના ૮:૪૫
વિરાણી હાઉસ જવાની તૈયારી કરતાં મધુકર બોલ્યો
‘મીરાં.. આજે હું વિરાણી હાઉસથી સીધો ફોરેન ડેલીગેશન સાથેની ડીનર પાર્ટીમાં જઈશ. અને કદાચ આવતાં પણ લેઇટ થઇ જશે.’

મીરાં મનોમન બોલી.. આઈ નો

‘જી.. આમાં તે નવું શું કહ્યું, મધુ ? આ તો તારું ઓફિસિયલ શેડ્યુલ ચાર્ટ જોઈને હું પણ કહી શકું. આ વાત તો તારો પી.એ. પણ જાણે છે.’
મધુકરની સામે જોઈને મીરાં બોલી.

‘કમ ઓન મીરાં.. આઈ થીંક કે, તું તારા શેડ્યુલમાં બીઝી હોઈશ તો કદાચ આ વાત તારી ધ્યાન બહાર હશે એવું સમજીને મેં કહ્યું.’ સ્હેજ નારાજ થતાં મધુકર બોલ્યો.

‘આ ‘તારા’ અને ‘મારા’ એ આપણ ને કયારેય ‘આપણા’ ન બનવા દીધા. મધુ.’
દુઃખતી રાગ દબાઈ જતાં મીરાં બોલી
‘શું યાર મીરાં સવાર સવારમાં તું આવી નોનસેન્સ જેવી મિનીંગલેસ ફિલોસોફીનું ભાષણ આપવા લાગી.’ મોઢું અને મૂડ બગાડતાં મધુકર બોલ્યો.

‘કયારેક હૈયાવગી લાગતી માયા પણ મૃગજળ જેવી સાબિત થાય... જેટલી તીવ્રતાથી હૈયા સરસી ચાંપી લેવા દોટ મુકો એટલી જ દુર ખસતી જાય.’ ઉભાં થઈને બ્રેકફાસ્ટ માટે ડાયનીંગ ટેબલ તરફ જતાં મીરાં બોલી.

‘મીરાં...મેં શું નથી આપ્યું તને એ કહીશ. ? મધુકરે તેના છટકેલા મિજાજને કન્ટ્રોલ કરતાં પૂછ્યું.

આ સાંભળીને મધુકરની સામે જોઈ ખંધા હાસ્ય સાથે બોલી..

‘મધુકર ફર્સ્ટ ઓફ ઓલ.. લોટ્સ ઓફ થેન્ક્સ ફોર ધીઝ.... ‘આપ્યું’ શબ્દપ્રયોગ માટે. અને બીજી વાત ફક્ત આપ્યું છે સાથે શેર નથી કર્યું. આ તારી અઢળક સંપતિ... વિદેશી ફર્નીચર, ઈમ્પોર્ટેડ કાર્સ, વિશ્વભરના અત્યાધુનિક એશો આરામથી ખદબદતી લક્ઝુરીયસ લાઈફસ્ટાઈલને અનુરૂમ ઉપકરણોના ખડકલા સાથેનો બંગલો...આ બધા મારી જોડે વાત નથી કરતાં મધુ. આટલાં સમયમાં તે મને એક કલાકનો એવો ક્વોલીટી ટાઈમ નથી આપ્યો કે જે મારા જીવનભરના સંભારણાનું ભાથું બની રહી. અને....’

હજુ મીરાં આગળ બોલે ત્યાં જ.. તેની વાત કાપતાં હસતાં હસતાં મધુકર બોલ્યો.

‘મીરાં.. આજે આટલા સમય પછી પણ મિસિસ મધુકર વિરાણીના મોઢેથી આવી વાહિયાત અને મિડલક્લાસ મેન્ટાલીટીના લેવલની વાતો સાંભળીને મને તારી પર તરસ આવે છે. સોરી ડાર્લિગ.. આઈ ફીલ કે.. આપણી સોચ વચ્ચે કાફી મોટી ખાઈ છે. ફીલ સો ફાર. બાય. સી યુ એટ નાઈટ.’

એમ કહીને મધુકર ઝડપથી નીકળી ગયો.

એ પછી બન્નેની તીખી નોકઝોકની સંવાદના તણખાં જરતા રહ્યા...
‘એ મિડલક્લાસ મેન્ટાલીટી અને વાહિયાત વાતો એ જ મને બોટમ થી ટોપ સુધી પહોંચાડી છે મધુકર. પણ મને આજે ગર્વ એ વાતનો છે કે, તારી સોચ, સંપતિ, સુખ, સત્તા, સ્વાર્થનો ગરુરનો એરુ હજુ મને નથી આભડી ગયો. એ...અલાયદી ઓળખ વાળી મીરાં હજુ અંદરથી અકબંધ છે.

આ.... વાહિયાત વાતો જ મારો પ્રાણવાયુ છે.
પણ મારામાં જે કંઈ પણ છે, સારું, નરસું,મૌન, જિદ્દ, ઝઘડો,અધિકાર, તોફાન,મસ્તી,પાગલપન, આવેગ, ઉન્માદ, ગુસ્સો, અલ્લ્ડપણ, રુદન કે બેફામ હાસ્ય એનો સાજેદાર કોણ ? કોને કહું ? તારા સિવાય ? એ તો મીરાંએ લગ્ન પછી કોઈ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ નથી કર્યું ને ? જન્મજાત લઈને અવતરી છું. અને તે આપ્યું પણ, મેં માંગ્યું શું ? માણસ પૈસો બનાવે પણ, પૈસા એ બનાવેલો માણસ જીવનમાં પહેલી વાર જોઈ રહી છું.

‘મીરાં...મેં શું નથી આપ્યું તને એ કહીશ.’

આજે આ વાક્ય સાંભળતા મીરાંને એવું લાગ્યું જાણે કે પ્રેમાંધ પ્રિયપાત્રએ પ્રેમની ઉત્કટ ઉર્મીઓના આવેગમાં તેના બાહુબલી જેવા બાહુપાશમાં ભીંસીને....તેના ખડખડાટ અટ્ટહાસ્યની આડમાં તેના પ્રેમના પરફેક્ટ પરિભાષાની પરખ કરાવતાં...હળવેકથી તેની પીઠમાં ખંજર ખોંપી દીધું હોય.....

ખિન્ન થઇ ગઈ મીરાં. હજુ પોતાની જાતને સંભાળે ત્યાં જ કબીરનો કોલ આવ્યો..

‘ગૂડ મોર્નિંગ.’
સ્વસ્થ થતાં મીરાં બોલી,
‘ગૂડ મોર્નિંગ,’
‘કેમ..આજે સાવ મોળી ચા જેવું ગૂડ મોર્નિંગ ? કબીરે નવાઈ સાથે પૂછ્યું

‘સુગર કોટેડ ફીલિંગ્સથી ડાયાબીટીસ ન થઇ જાય ને એટલે.’ મીરાં એ સિક્સર મારતાં કહ્યું.
કબીર સમજી ગયો કે, આ ટ્રેક પરથી આને ઓવરટેક કરવી અઘરી છે. એટલે ટોપીક ચેન્જ કરતાં બોલ્યો.

‘અચ્છા ચલો, ઓફીસ તો આવે છે ને ? મીરાં હું ઈચ્છું છું કે,આપણી વચ્ચે અમુક ઓટો ઇન્સ્ટોલ થઇ ગયેલી મીસઅન્ડરસ્ટેનડીંગને પરમેનેન્ટલી રીમુવ કરી નાખીએ તો ?

મીરાંના મૂડનો દાણો દબાવતા કબીર બોલ્યો.

‘સોરી કબીર, આઈ એમ નોટ વેલ. એન્ડ આઈ વોન્ટ ટુ લીવ એલોન ફોર સમડેઈઝ.’
એક જ સેકન્ડમાં કબીરની મનઘડત કથાનો છેદ ઉડાડતા મીરાંના ટૂંકા ને ટચ જવાબથી ક્રોધિત થયેલા કબીરના દિમાગની કમાન તો છટકી પણ, ગુસ્સાને ગળી જવા સિવાય કબીર પાસે કોઈ ઉપાય નહતો.

દાંત કચકચાવતા મગજ પર હિમશીલા મુકતા કબીર બોલ્યો.

‘આપ કા હુકમ સર આંખો પર.’ એમ કહીને ખીજવયેલાં કબીરે કોલ ડીસ્ક્નેકકટ કર્યો.

એટલે મીરાં મનોમન બોલી.. ‘હાઈશ...’
સાંજના ૬: ૨૫ સિક્યુરીટીના તમામ અવરોધને પસાર કરીને મિહિરને એક કાર હોટલ સ્કાયલાઈનના પાર્કિંગમાં ડ્રોપ કરીને નીકળી ગઈ. બેઝમેન્ટના પાર્કિંગમાંથી રીસેપ્શન સુધી પહોંચતા મિહિરે બીજા બે સિક્યુરીટી ઝોન પસાર કરવા પડ્યા.


રીસેપ્શન પર અગાઉથી અપાઈ ગયેલી ફૂલ પ્રોફાઇલ સાથેની સૂચના મુજબની ખાતરી કરીને મિહિરને હોટલના વીઆઈપી ગેસ્ટના કુશળ કર્મચારી મિહિરને હોટેલના સત્તરમાં માળે આવેલાં વી.વી.આઈ.પી. સ્યુટમાં લઈને આવી પહોંચ્યો.


અંદર દાખલ થઈને મિહિરે હોટલ પર સલામત રીતે પોહંચી ગયાનો સંદેશો મીરાંને સેન્ડ કરી દીધો.

તરત જ મીરાંનો વળતો પ્રત્યુતર આવ્યો.
‘હું ઠીક સાત વાગ્યે આવી પહોંચીશ.’


ઠીક ૬:૫૫ એ રીસેપ્શન પર આવી ગયેલી મીરાંના વસ્ત્ર પરિધાન પરથી એવું વિધાન થઇ શકે કે, ખાસ્સા સમય પછી સ્વને શણગારવા માટે મીરાં એ સમયને ખાસ્સો સમય આપ્યો છે.

રીસેપ્શનની ઠીક સામે આવેલાં એક પારદર્શક બંધ ગ્લાસની ચેમ્બરમાં જાણે કે, મીરાં અને મિહિરની નિષ્ઠુર નિયતિનું પ્રતિનિધિત્વ કરતાં જોગાનુજોગ જેવી ઉપસ્થિતી અને અતિ આશ્ચર્યના ઉદ્દગાર સાથે...અચનાક જ સોફા પરથી ઉભાં થતાં કબીર બોલ્યો....

‘ઓહ્હ.. માય ગોડ....મીરાં રાજપૂત...અહીં ? આ સમયે ? એકલી ? અને એ પણ આટલી બની ઠની ને ?

-વધુ આવતાં અંકે.


© વિજય રાવલ

Vijayraval1011@yahoo.com
9825364484