Corset books and stories free download online pdf in Gujarati

કાંચળી

કિશોરભાઈ છેલ્લા એક મહિનાથી બહુ દોડાદોડી કરતા હતા. સુધાબેન પણ વિચારતા હતા કે એમના પતિને અચાનક શું થ‌ઈ ગયું છે આ? આટલી દોડાદોડ શા માટે કરે છે એ?
રાતોરાત કિશોરભાઈ એ વસીયત બનાવી.બંગલો સુધાબેન નાં નામે અને દુકાન બે દિકરાઓ નાં નામે. બધી જ બેંકોમાં એમનાં ખાતાં બંધ કરી દીધાં. માત્ર સુધાબેન નું ખાતું ₹ ૨૫/- લાખથી છલોછલ રાખ્યું. બંગલા અને દુકાન સિવાય તમામ મિલકતો વેચી દીધી. જીવનવીમા /પીપીએફ/ ફીક્સ ડિપોઝિટ પણ ઉપાડી લીધાં.
બધાં જ સગાંવહાલાં ને એકવાર મળી આવ્યા. સપરિવાર ડાકોર દર્શન પણ કરી આવ્યા.
અને એક રાત્રે કિશોરભાઈ એ ગૃહત્યાગ કરી દીધો. બીજા દિવસે સવારે સુધાબેન અને દિકરાઓ તો આઘાત પામી ગયા. આખાય શહેરમાં, સગાંવહાલાં , દોસ્તારો , વેપારીઓ બંને જ તપાસ કરી પણ ક્યાંય એમનો પત્તો ન લાગ્યો.

સૌને એક જ વિચાર આવે કે અઘટિત બની ગયું છે. અપહરણ , હત્યા , આત્મહત્યા જેવું કંઈક.
પણ ઘરના એ વાત માનવાને તૈયાર નહોતા.
છેવટે પોલીસ ફરિયાદ કરી.પોલીસને તપાસમાં એમની કાર રેલ્વે સ્ટેશન પર પાર્ક થયેલી મળી.પણ બીજા કોઈ પુરાવા કે લાશ જેવું ક‌ઈજ ના મળ્યું.

પછી તો કિશોરભાઈ નાં નાનાં ભાઈએ રાજકીય મદદ લ‌ઈને એમને શોધવા માટે આખાયે દેશમાં ખૂબ જ પ્રયત્નો કર્યા. પણ અફસોસ પોલીસ ને કશુંજ હાથ ના લાગ્યું. સતત આઠ મહિના તપાસ ચાલી . પછી આખોય કેસ માળિયે મુકાઈ ગયો.
દિકરાઓ પણ આઘાત સાથે ધીરે ધીરે ધંધામાં પરોવાઈ ગયા.
પરંતુ સુધાબેન ને કોઈ વાતે જપ નહોતો થાતો. એમને હજીયે આ વાત સ્વીકાર્ય નહોતી કે મગજમાં ઉતરતી નહોતી. આ ઉંમરે ઘર છોડીને જવાનું કોઈ કારણ નહોતું નજર સામે .ના ઝઘડો , ના આર્થિક કારણ , ના સામાજિક સમસ્યા ને છતાંયે શામાટે આ બન્યું.??
મગજ બંધ પડી જાય એ હદે સુધાબેન વિચારતા રહેતા
બીજી તરફ ગામને મોંઢે ગરણું ના બંધાય ને માણસ એટલી વાતો થવા લાગી પણ સુધાબેન તો બિચારા બધાયને કહેતા ફરતા કે નક્કી કિશોરભાઈ સાથે ક‌ંઈક ન બનવાનું બની ગયું છે નહીંતર એ ઘર છોડી ને શા માટે જાય? બહુ સીધા સાદા માણસ હતા મારા ઈ.એમ બધાને કિશોરભાઈ ની તરફેણ માં સફાઈ આપતા ફરતા હતાં.
પછી તો વહેતાં સમય સાથે કિશોરભાઈ એક કોયડો બની ગયા. દિકરાઓ ને પરણાવ્યાં. પણ સુધાબેન કશુંજ નહોતાં ભૂલી શકતાં. વારે તહેવારે આંખ માં છુપાવીને પતિને સતત યાદ કરી લેતાં.
ના સધવા - ના વિધવા જેવું આકરૂં જીવન જીવવું એમનાં માટે અસહ્ય બની ગયું.એ તો હજીયે પતિની સલામતી સાથે પાછાં ફરવાની રાહ જોઈ રહ્યા હતાં.

ધીમે ધીમે વાત વિસરાતી ચાલી.

છ‌એક વર્ષ પછી એક વેપારી સતીશભાઈ ને સિંગાપોરનાં એક મોલમાં કિશોરભાઈ જેવાં દેખાતાં વ્યક્તિ એક અતિ સુંદર સ્ત્રી સાથે જોયાં. એ તો અવાચક જ થઈ ગયા કે તેઓ આ શું જોઈ રહ્યા છે? સપનું તો નથી ને? આ એ જ કિશોરભાઈ તો નહીં હોય ને? ને સાથે પેલી સ્ત્રી કોણ હશે?
. સવાલ ઘણા હતા પણ જવાબ? છેવટે એ વેપારી લાગવગ નાં જોરે બધી તપાસ કરી તો આખીયે હકીકત જાણીને એમનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ..!!
સતીષભાઈ એ અહીં આવીને સીધા જ કિશોરભાઈ નાં ઘરે ગયા ને આખીયે હકીકત સુધાબેન અને દિકરાઓને જણાવી.તો બધાય જાણે મૂઢ બની ગયા. શું આ સાચી વાત છે? આવું કામ કિશોરભાઈ કરી શકે? જો હા, તો શા માટે??

હકીકત એવી હતી કે કિશોરભાઈ ને એમના બિઝનેસ સર્કલમાં એક મમતા નામની ડિવોર્સી સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો ને બંને એકબીજા સાથે જીવનભર સાથે રહેવા માંગતા હતા ને એટલે જ એમણે બંને એ સમાજનાં ડરથી , આબરૂ જવાનાં ડરથી દેશ છોડીને કાયમી વસવાટ સિંગાપોર માં જ‌ઈને કર્યો હતો.

સતીષભાઈ ની વાત સાંભળી ને સુધાબેન તો રીતસરનાં ફસડાઈ પડ્યા ને પછી એમનાં રૂમમાં ચાલ્યા ગયા.ને અડધો કલાક પછી બહાર આવ્યાં તો એમને જોઈને સૌ દંગ રહી ગયા.
સુધાબેન સફેદ સાડી પહેરી , કપાળ કોરૂં કરી ને હાથમાં સોનાની બંગડીઓ નાંખી ને ઉભાં રહ્યાં.

"મમ્મી, તે આ શું કર્યું? દિકરાઓ એ પૂછ્યું.

"કાંઈ નહીં દિકરા, એ જ કર્યું છે જે છ વરસ પહેલાં કરવાનું બાકી રહી ગયું હતું. આજે તો મેં બસ જંગલમાં ખાલી કાંચળી ઉતારી છે." સુધાબેને મક્કમતા સાથે જવાબ આપ્યો.
-ફાલ્ગુની શાહ ©