A glimpse of you - 14 books and stories free download online pdf in Gujarati

તારી એક ઝલક - ૧૪

તારી એક ઝલક

ઝલક તેજસની ડાયરી નો બીજો પ્રસંગ વાંચીને વિચારોમાં ખોવાઈ ગઈ હતી. એક જ ડાયરીમાં લખાયેલ બે વિપરિત પ્રસંગોએ ઝલકને વિચાર કરવા મજબૂર કરી હતી.

ભાગ-૧૪

તેજસ હોટેલનાં રૂમમાં સૂતો હતો. અચાનક જ કંઈક અવાજ આવતાં એની ઉંઘ ઉડી ગઈ. બેડ પર બેઠાં બેઠાં એક નજર આખાં રૂમમાં ફેરવ્યાં પછી ફરી એ જ અવાજ સંભળાયો. અવાજ રૂમનાં દરવાજેથી આવતો હતો. તેજસે ઉભાં થઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ તેજસની આંખો ભીની થઈ ગઈ. સામે જાદવ ઉભો હતો.

"તું આવી ગયો!! તને કોઈ તકલીફ તો નથી થઈ ને?? અહીં આવવાનું કારણ જાણવાં મળ્યું??" તેજસે એકીસાથે કેટલાંય સવાલો પૂછી લીધાં.

"હું આ બધું તને પૂછવા માગું છું. એનાં બદલે તું મને જ પૂછે છે!!" જાદવ પોતાનું બેગ મૂકીને બોલ્યો.

તેજસ પાસે પણ કોઈ જવાબ નહોતાં. તો સવાલો પૂછવા સિવાય કાંઈ કરી શકાય એમ નહોતું. તેજસ જાદવ પાસે જઈને બેસી ગયો. બંને મૌન બનીને એકબીજા સામે જોવાં લાગ્યાં. તેજસ નાં મોબાઈલ પર મેસેજ આવતાં તેણે ઊભાં થઈને મોબાઈલ હાથમાં લીધો. પહેલાં તેજસે મેસેજ વાંચ્યો, પછી જાદવને બતાવ્યો. મેસેજ વાંચતા ની સાથે જ બંને તૈયાર થવા લાગ્યાં.

"તું જે કરી રહ્યો છે, એમાં મોટી મુસિબતો નાં અણસાર દેખાય છે મને!!" જગજીવન ભાઈનો અવાજ સાંભળી અનિકેત ભાઈએ ફાઇલમાંથી નજર હટાવીને, જગજીવનભાઈ તરફ નજર કરી.

"કોઈને તો આ કામની શરૂઆત કરવાની જ હતી. કેટલોક સમય આપણે એ લોકોનાં હાથની કઠપૂતળી બનીને રહેત!! હવે એ લોકોને આપણી આંગળીના ઈશારે નચાવવાની તૈયારી કરી લે."

અનિકેત ભાઈનો આત્મવિશ્વાસ જોઈને જગજીવનભાઈ કાંઈ બોલી નાં શક્યાં. થોડાં દિવસથી અનિકેત ભાઈનું વર્તન જોઈને બધાં અચંબિત રહી જતાં. સુલક્ષણા પણ દરવાજે ઉભી ઉભી બધી વાતો સાંભળી રહી હતી.

અનિકેતભાઈએ જે કાર્ય આરંભ્યું હતું. એ હવે પૂરું કર્યા વગર તે શાંતિથી બેસે એમ‌ નહોતાં. તે વાત તેમનાં આત્મવિશ્વાસમાં ચોખ્ખી દેખાતી હતી. થોડીવાર થતાં સુલક્ષણા કોફી લઈને આવી. જગજીવનભાઈ એક જ ઘૂંટમાં કોફીનો કપ ખાલી રૂમની બહાર નીકળી ગયાં.

"મોનુ, તું આટલી સરળતાથી બધાં છોકરાંઓને કેવી રીતે હેન્ડલ કરી લે છે??" શ્વેતા તેનાં મધુર અવાજમાં બોલી. જ્યાં મોનાલીસા તેની ફિટનેસ, હોટનેસ અને સુંદરતા માટે આખી કોલેજમાં જાણીતી હતી. ત્યાં થોડાં ઘણાં છોકરાંઓ શ્વેતાના અવાજનાં પણ‌ દીવાના હતાં.

સિમ્પલ કપડાં, બિલકુલ દેખાવ નહીં... આંખે ચશ્માં ને સાવ સાદી ને સરળ ભાષા બોલતી શ્વેતા સિંગર બનવા માંગતી હતી. ગાવામાં સારી એવી રુચિ હતી. તેનું બધું ધ્યાન ગાવામાં અને ભણવામાં જ રહેતું. જ્યારે મોનાલીસા માત્ર રૂપિયાનો દેખાવ કરવાં, ને નવાં નવાં છોકરાંઓને પોતાની અદાઓ પાછળ ફીદા કરવા જ કોલેજે આવતી.

"છોકરાંઓને આપણી પાછળ પાછળ ફેરવવા દિમાગ લગાવવો પડે. કાંઈ તારી જેમ ભણ્યાં કરવાથી જ કોઈ છોકરાં પાછળ નાં આવે." પોતાનાં વાંકળીયા વાળમાં આંગળીઓ પરોવી તેને આગળ ફરતે વીંટાળતા વીંટાળતા મોનાલીસા પોતાનાં જ વખાણ કરી રહી હતી.

"આજકાલ કેયુર કેમ નથી દેખાતો?? કોલેજ બદલી નાંખી, કે ક્યાંય બહાર ગયો છે??" રોહનના અચાનક જ કેયુર વિશે પૂછતાં, મોનાલીસા નાં ચહેરાની રેખાઓ બદલાઈ. તેનાં હાથ ધ્રુજતા હાથમાં રહેલો કોલ્ડ કોફી નો મગ પણ ડોલવા લાગ્યો.

"તમારે લોકોને અહીં જ બેસવું છે, કે ક્લાસ પણ અટેન્ડ કરવાં છે!!" પરિસ્થિતિ વણસે, ને મોનાલીસા તરફ કોઈનું ધ્યાન જાય. એ પહેલાં જ મીરાં ત્યાં આવી પહોંચી. એ સાથે જ બધાં ક્લાસ તરફ ગયાં.

આજે છગનકાકા ની ચાની લારી પર ચાની સાથે તન્વી નાં મનમાં કેટલાંય વિચારો ઉકાળતા હતાં. થોડાં દિવસોમાં ઘણું બધું બની ગયું હતું. પણ એ શાં માટે બનતું હતું, એ વાતની તન્વી ને જરાં પણ ખબર નહોતી.

"બેટા, ક્યાં સુધી ચા ને એમ જ હલાવ્યા કરીશ." વિચારોમાં ખોવાયેલી તન્વી ચા બની ગઈ હતી. છતાંય તેને ગળણી વડે ઉપર-નીચે કરીને હલાવ્યે જતી હતી. ચા માં આવતાં ઉભરા ની સાથે સાથે તન્વી નાં વિચારો પણ ક્યારેક હોઠ સુધી ઉભરાઈ આવીને ફરી મગજમાં કેદ થઈ જતાં હતાં.

"કાકા, આજે કોઈ કારણ વગર કે સજા વગર જ ચા બની રહી છે. તો આજ ચા મળે એવું લાગતું નથી. આજની ચા કદાચ ચુલા પર જ બળીને ભસ્મીભૂત થઈ જાશે." કૃણાલે તન્વી ને મારેલો ટોન્ટ તન્વી ની સમજમાં આવી ગયો. ચા ને નીચે ઉતારી, કીટલી માં ગાળીને બે કપ સાથે તન્વી કૃણાલ અને છગનકાકા પાસે આવી પહોંચી.

"વધું ટોન્ટ મારવાની જરૂર નથી. આ લે ચા...તને ચા સિવાય કશું દેખાતું જ નથી ને!!" તન્વી ચાનો કપ કૃણાલ નાં હાથમાં પકડાવી ને બોલવાં લાગી. જેટલી ચા ગરમ હતી. એટલો જ અત્યારે તન્વી નો મગજ ગરમ હતો. મજાકમાં થયેલી વાતનાં જવાબ નાં શબ્દોમાં આગ જેવાં તણખાં ઝરતાં હતાં.

"શાંત થાઓ બાલિકા.....આમ આ રીતે ગુસ્સે નાં થવાય." તન્વી ગુસ્સામાં છે, એ વાત જાણી કૃણાલે વાતનો ટ્રેક જ બદલી નાંખ્યો.

કૃણાલ મજાક ના મૂડમાં આવી ગયો હતો. એ વાતનો ખ્યાલ આવતાં જ તન્વી બાંકડા પર બેસી ગઈ. પોતાનાં એ રીતે બોલવાં પર તેને અફસોસ થઈ આવ્યો, ને આંખો ડેમનાં પાણીની જેમ છલકાઈ ગઈ.

"રિલેક્સ યાર, ચાલ આપણે ઉપરકોટ કિલ્લો જોતાં આવીએ. તને મજા આવશે, ને તારો મૂડ પણ થોડો સારો થાશે." ઉપરકોટ નામ સાંભળતા જ તન્વી નાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ. ગિરનાર પર્વતની જેમ બીજી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ને રમણીય જગ્યા એટલે ઉપરકોટ કિલ્લો!!

કૃણાલ અને તન્વી બંને‌ કાર લઈને ઉપરકોટ જવાં માટે નીકળી પડ્યાં. જૂનાગઢ જિલ્લો એટલે કુદરતનો આહલાદક અનુભવ!! કુદરતનાં ખોળે રમવાનો અનેરો અવસર!!વરસાદી ઋતુમાં તો જૂનાગઢની બધી જગ્યાને જાણે ભગવાન પોતાનાં હાથે જ સજાવતા હોય, એવી રીતે દરેક વસ્તુ અલગ જ રીતે ખીલી આવે છે. ગિરનાર પર્વત પછી આવી જ એક સુંદર અને રમણીય જગ્યા એટલે ઉપરકોટ કિલ્લો!!

"મને ક્યારે કંઈ જગ્યાએ ગમશે, એ વાત તને સારી રીતે ખબર હોય નઈ!!" તન્વી હલકાં સ્મિત સાથે કૃણાલ સામે જોવાં લાગી.

"તારો મિત્ર છું. કેટલાં સમયથી તારી સાથે રહું છું. તને હું નહીં જાણું, તો કોણ જાણશે!!"

"માત્ર મિત્ર જ ને!!" તન્વી નાં શબ્દોથી કૃણાલ નો ચહેરો ગંભીર બની ગયો. ગમે ત્યારે એક શબ્દ પર જ કેટકેટલું ભાષણ આપી શકનાર વ્યક્તિ માત્ર એક વાક્ય પર નિઃશબ્દ બની ગયો. કૃણાલ નાં એવાં વર્તનથી તન્વી ખડખડાટ હસવા લાગી. હસવાથી તેનાં ગાલે પડતાં ખંજન જોઈને કૃણાલ તો મંત્રમુગ્ધ જ બની ગયો.

"અરે અરે, આટલું ગંભીર બનવાની પણ જરૂર નથી. શું હંમેશા માત્ર તું જ મજાક કરી શકે?? ક્યારેય હું મજાક નાં કરી શકું??"

"કરી શકે ને... હું તો બસ એમ જ નાટક કરતો હતો." કોઈ વાતનો જવાબ નાં આપવો હોય, કે કોઈને પોતાની વાતનું ખોટું લાગે. એવાં સંજોગોમાં વાતને સાવ બીજી દિશા આપવામાં કૃણાલ માહેર હતો.

કૃણાલે વાતને દબાવી દીધી છે. એ વાત જાણતાં જ તન્વી ચૂપ થઈ ગઈ. કૃણાલ બસ તેની સામે જ જોઈ રહ્યો. તન્વી તેને એક પછી એક ઈશારા આપી રહી હતી. પણ કૃણાલ તેને સમજવાં છતાં અવગણી કાઢતો હતો. પ્રેમ બંને તરફ હતો. પણ કદાચ બંને વચ્ચે એવું કંઈક હતું.‌ જે તેમને આગળ વધતાં રોકી રહ્યું હતું.

બંનેની સફર ચાલું હતી. બંને એકબીજા સાથે ખુશ હતાં. હાલ પુરતું તો બસ એટલું જ જરૂરી દેખાતું હતું.


(ક્રમશઃ)