My Better Half - 13 books and stories free download online pdf in Gujarati

My Better Half - 13

My Better Half

Part – 13

Story By Mer Mehul

રાતનાં દસ થયાં હતાં. હું અને સચિન રિવરફ્રન્ટની પાળીએ બેસીને સિગરેટ ફૂંકી રહ્યા હતાં. બપોર પછી હું જોબ પર નહોતો ગયો, પૂરો દિવસ હું અને સચિન અમદાવાદમાં ફર્યા, જુનાં દોસ્તોને મળ્યા અને ઇન્જોય કર્યું.

અમે બંને બધા મિત્રોની રાહ જોઈ રહ્યાં હતાં. પ્રણવને મેં ફોન કર્યો હતો, તેણે પરાણે આવવાની તૈયારી બતાવી હતી. એની સિવાય અમારી કોલેજનાં બીજા મિત્રોમાં વિશાલ, ધાર્મિક, જયેશ અને લાલો આવવાનાં હતાં. લાલાનું પૂરું નામ લાલજી હતું પણ અમે તેને લાલો કહીને જ બોલાવતાં. લાલો કોલજમાં સૌથી વધુ ફની સ્ટુડન્ટ હતો. લાકડીનાં સોટા જેવું તેનું સુખલખડું શરીર, વચ્ચે પેથી પાડેલા તેનાં વાળ અને કમરેથી વારંવાર સરકી જતું એનું પેન્ટ. અમે આવી વાતોથી તેને રોજ ચીડવતા.

અમે દસ વાગ્યે મળવાનું નક્કી કર્યું હતું પણ હજી કોઈ આવ્યાં નહોતાં. મેં વારાફરતી બધાને ફોન કર્યા, જલ્દી આવવા ગાળો આપી. એ લોકો કોઈને કોઈ બહાનું બનાવી લેતાં હતાં. સાડા દસ થયાં ત્યાં સુધીમાં બધા મિત્રો હજાર થઈ ગયાં. અમે ત્રણ લોકો, હું, સચિન અને પ્રણવ લાઈનમાં બાંકડા પર બેઠાં હતાં. અમારી સામે વિશાલ, ધાર્મિક અને જયેશ ઊભા હતાં જ્યારે લાલો પલાંઠી વાળીને નીચે બેઠો હતો.

“શું સાલાઓ…કોલેજ પુરી થઈ પછી તો બધા ભૂલી જ ગયાં” મેં વાતની શરૂઆત કરી, “આ તો સારું સચિન વર્ષે એકવાર આવે છે એટલે આપણું રિયુનિયન થાય છે, નહીંતર તમે લોકો તો કૉલ કે મૅસેજ પણ નથી કરતાં..!”

“જો ભાઈ, મારાં લગ્ન થઈ ગયાં છે એટલે હું મારાં સાંસારિક જીવનમાં વ્યસ્ત હોઉં છું” વિશાલે કહ્યું, “તો પણ રવિવારે મળવાનું નક્કી કરો તો હું આવી શકું, પ્રણવની જેમ ઘરવાળીનાં ડરથી ના નહિ પાડું”

પ્રણવ તેની પત્નીથી ડરતો. તેને પૂછ્યા વિના ક્યાંય બહાર પણ ના નીકળતો. આ વાતને લઈને તેનું દર વખતે મજાક બનતું.

“આપણે તો ઘરવાળીનાં ગુલામ જ છીએ” પ્રણવે કહ્યું, “અને થોડાં મહીનાઓમાં અની. પણ થઈ જશે. પછી આ રિયુનિયનને એ બધું ભૂલી જશે”

“તું ભૂલે છે દોસ્ત..” મેં કહ્યું, “અનિરુદ્ધ તેનાં દોસ્તોને પહેલાં પ્રાયોરિટી આપે છે અને લગ્નની વાત થાય છે તો સચિનને પણ કહો. ભાઈ અહીં છોકરી જોવા જ આવ્યાં છે”

“એવું છે..તો બંને અમારી ભાભીનાં ફોટા બતાવો” ધાર્મિકે કહ્યું, “અમે પણ ભાભીને જોઈ લઈએ”

સચિને મોબાઈલ હાથમાં લીધો, તેનાં પપ્પાએ મોકલેલા ફોટાઓમાંથી એક ફોટો તેણે બતાવ્યો.

“અરે વાહ..ભાભી તો હિરોઇન જેવા છે” પલાંઠીવાળીને બેસેલા લાલાએ કહ્યું.

“તું પેલાં લાળ ટપકે છે એ લૂછી નાંખ” મેં કહ્યું, “હવસનાં ભિખારી”

“એવું કંઈ નથી, ભાભી વિશે એવું ના વિચારાય”

“તારા વિચારો ક્યાં સુધી ફેલાયેલા છે એ અમને બધાને ખબર છે” મેં કહ્યું, “યાદ છે જયલા, તે એસ.વાય.માં પેલી વનિતાને પટાવી હતી અને ભાઈ બેન બેન કહીને વચ્ચે પડ્યા હતાં”

“બે..એ ટ્રુ લવ હતો મારો..” લાલાએ કહ્યું, “જયલો વચ્ચે આવ્યો હતો અને એને લઈ ગયો હતો”

“હવે તારીવાળીનો ફોટો તો બતાવ” વિશાલે કહ્યું. મેં પણ ફોન હાથમાં લીધો અને વોટ્સએપ ખોલ્યું. મોબાઈલનાં ડેટા ઓન હતાં એટલે વૈભવી અને અંજલી બંનેના મૅસેજ આવી ગયાં હતાં. મેં મૅસેજને ઇગ્નોર કરીને વૈભવીનું ડીપી ઓપન કર્યું. વૈભવીનાં ડીપીમાં હજી એ જ પીળા કુર્તાવાળો ફોટો હતો.

“વાહ..આ ભાભી પણ ક્યૂટ છે” ધાર્મિકે કહ્યું, “તારી તો લોટરી લાગી ગઈ અન્યા..”

“છોકરી ફોટામાં ક્યૂટ જ લાગે..” સચિને કહ્યું, “રિયલમાં જોવો ત્યારે જ ખબર પડે કે કેટલી ક્યૂટ છે”

“તારી વાત સાથે હું સહમત નથી સચિન”મેં કહ્યું, “મારીવાળી તો રિયલમાં ક્યૂટ છે”

“હંહં..ભાઈને જુઓ..કેટલા બ્લશીંગ કરે છે” વિશાલે મારી ખેંચી. મેં બેક બટન દબાવ્યું એટલે બધાં ચેટ ઓપન થયાં.

“આ નીચેવાળી કોણ છે ?” ધાર્મિકે કહ્યું, “એનું ડીપી પણ બતાવી દે જોડે”

“એ ઓફિસમાં મારી સાથે જોબ કરે છે…અંજલી નામ છે એનું” કહેતાં મેં તેનું ડીપી ઓપન કર્યું.

“ઓહો…આ તો ટોટ્ટા છે” જયેશ બોલ્યો.

વિશાલની વાત સાંભળીને મારાં ચહેરાનો રંગ બદલાય ગયો. લગભગ મારો પિત્તો છટકી ગયો હતો.

“ચુતીયા.. એનાં વિશે કંઈ ના બોલતો” મેં બરાડીને કહ્યું, “તમે લગ્ન કરેલાં છોકરા *** હોવ છો. ઘરે એક બેઠી છે તો પણ બીજીની પાછળ *** ઘસો છો”

“હોવ..હોવ…ફૂલ..” સચિને મને રોક્યો, “એણે ખાલી કોમ્પ્લીમેન્ટ જ આપ્યું છે, તું કેમ ગરમ થાય છે”

“અરે કોમ્પ્લીમેન્ટની માનો ***… કોઈ છોકરી વિશે બોલતાં પહેલાં એકવાર વિચાર તો કરવો જોઈએને, કાલે સવારે કોઈ છોકરાએ એની બહેનને આવું કહ્યું હોય તો કેવા *** મરચા લાગી જાય” હું લગભગ બેકાબુ જ થઈ ગયો હતો. જો અત્યારે સચિને મને રોક્યો ના હોત તો હું વિશાલને બે થપ્પડ લાગવી પણ ચુક્યો હોત.

“પેલાં તું શાંત થા..” સચિને કહ્યું, “અને તું વિશાલ…સૉરી બોલ”

“સૉરી..” વિશાલે કહ્યું.

મેં મોઢું ફેરવી લીધું.

“કેમ આટલો બધો ગુસ્સો કરે છે તું…” સચિને કહ્યું, “એણે જે કહ્યું એ એના વિચાર છે, એનાથી અંજલી એવી છે એવું સાબિત થોડું થવાનું છે”

“તું અંજલી વિશે નથી જાણતો…જો તને ખબર હોત તો તું પણ મારી જેમ ગુસ્સે થઈ જાત” મેં કહ્યું.

“એણે સૉરી તો કહ્યુંને” સચિને કહ્યું, “ચાલો બંને શેકડેન્ડ કરી લો અને વાત પૂરી કરો. વિશાલે મારાં તરફ હાથ લંબાવ્યો.

“સૉરી..” મેં હાથ મેળવીને કહ્યું.

“ઇટ્સ ઑકે…ભૂલ મારી જ હતી”

વાત પતી ગઈ. સમાધાન થઈ ગયું. અંજલી વિશે કોઈ ખરાબ બોલે તો મને અચાનક જ ગુસ્સો આવી જતો. હું કોઈ છોકરી વિશે આવા કોમ્પ્લીમેન્ટ ન આપતો પણ મારાં દોસ્તો ઘણીબધીવાર આવાં કોમ્પ્લીમેન્ટ આપતાં. ત્યારે કોઈ દિવસ મને આટલો ગુસ્સો નહોતો આવ્યો. આમ પણ આજે મારાં રાશિફળમાં ઝઘડા જ લખ્યા હતાંને…!

ત્યારબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, બધા વાતો તો કરતાં હતાં પણ શબ્દો વિચારને, મર્યાદામાં બોલતાં હતાં. અમે લોકો એક વાગ્યાં સુધી રીવરફ્રન્ટની પાળીએ બેઠાં. ત્યારબાદ માણેકચોકમાં નાસ્તો કરવા ગયાં. છેક અઢી વાગ્યે છેલ્લી સિગરેટ પીને અમે બધાં છુટા પડ્યા.

સચિનને તેનાં ઘરે છોડવાનો હતો. તેને સાંજે છોકરી જોવા જવાનું હતું એટલે તેની ઊંઘ પુરી થવી જરૂરી હતી. તેણે મને સાથે આવવા આગ્રહ કર્યો પણ ‘છોકરીવાળા મારાં ઘરે આવે છે’ એમ કહીને મેં તેની સાથે જવાની ના પાડી.

ઘરે આવીને હું ફ્રેશ થયો અને કપડાં બદલ્યા ત્યારે સાડા ત્રણ થઈ ગયાં હતાં. બેડ પર લાંબા થઈને મેં મોબાઈલ હાથમાં લીધો અને વોટ્સએપ ઓપન કર્યું. પહેલાં મેં વૈભવીનાં મૅસેજ વાંચ્યા.

આંટી તેનાં માટે સુરતથી ચણિયાચોળી લાવ્યાં હતાં તેનાં ફોટા વૈભવીએ મોકલ્યાં હતાં. મેં મોરની કલગી જેમ હાથનાં ઈશારાબાકૂ ‘નાઇસ’ નું ઇમોજી મોકલ્યું. ત્યારબાદ મેં અંજલીનાં ચેટ વાંચ્યા.

અંજલીએ લખ્યું હતું,

“કંટાળો આવે છે..” ગઈ સાંજે 5.10નો મૅસેજ.

“કાલે આવીશ કે નહિ આવે ?” 5.53pm નો મૅસેજ.

“ફ્રી થઈને કૉલ કરજે” રાત્રે 9.10 નો મૅસેજ.

“ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ” 10.34pm નો મૅસેજ.

મેં રીપ્લાય આપ્યો,

‘સૉરી…દોસ્ત સાથે હતો એટલે મૅસેજ નહોતાં વાંચ્યા, હું કાલે બપોર સુધી આવીશ. બપોર પછી વૈભવીનું ફેમેલી મારાં ઘરે આવવાનું છે એટલે મારે ઘરે જવું પડશે. તારી ઈચ્છા હોય તો તું આવી શકે છે મારાં ઘરે..’

આટલો મૅસેજ ટાઈપ કરીને મેં સેન્ડ કર્યો. મારાં આશ્ચર્ય વચ્ચે મૅસેજ ડિલિવર થઈ ગયો અને ત્રીજી જ સેકેન્ડમાં સીન પણ.

‘ઇટ્સ ઑકે…’

‘નૉ પ્રોબ્લેમ..કાલે મળ્યા’

‘ના..હું નહિ આવી શકું..તું જ જતો રહેજે..’

તેનાં રીપ્લાય આવ્યાં.

‘હજી જાગે છે ?’ મેં પુછ્યું.

‘હા.. ઊંઘ નહોતી આવતી’ તેણીનો જવાબ આવ્યો.

‘ઇઝ એવરીથિંગ ઓલરાઇટ ?’ મેં પૂછ્યું, ‘કોઈ પ્રોબ્લેમ નથી ને ?’

‘બધું બરાબર છે’ તેનો રીપ્લાય આવ્યો, ‘અમસ્તા જ વિચારે ચડી ગઈ હતી એટલે…’

‘બોઉં વિચાર ના કર…સુઈ જા..બીમાર પડી જઈશ’ મેં મૅસેજ કર્યો.

‘હા..ગુડ નાઈટ’ સ્માઇલીવાળા ઇમોજી સાથે તેનો મૅસેજ આવ્યો. મેં પણ એ જવાબ કૉપી કરીને મોકલ્યો.

ત્યારબાદ ડેટા બંધ કરીને હું સુઈ ગયો.

*

અમે બંને એકબીજાને જોઈને હસતાં હતાં. અંજલી મારી બાજુમાં બેઠી હતી. તેની આંખોમાં.પણ ઊંઘ દેખાઈ આવતી હતી અને મારી આંખોમાં પણ.

“કાલે તું ગયો પછી ભયંકર કંટાળો આવ્યો છે” અંજલીએ કહ્યું, “ઓફિસમાં મારો પહેલો દિવસ હોય એવું ફિલ થતું હતું”

“પ્રણવ હતોને..!” મેં કહ્યું, “એની સાથે વાત કરાય ને..”

“શરૂઆતમાં વાત થઈ હતી પણ એણે ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું એટલે મેં વાત કરવાનું બંધ કરી દીધું” અંજલીએ કહ્યું.

“મને ઊંઘ આવે છે” મેં બગાસું ખાઈને કહ્યું.

“એક કામ કરીએ. પહેલાં થોડીવાર તું સુઈ જા. કોઈ આવશે તો હું તને જગાવી દઈશ” અંજલીએ કહ્યું, “બ્રેક પછી હું સુઈ જઈશ”

“હા... એ આઈડિયા સરસ છે” મેં કહ્યું, “બોસ આ બાજુ આવે તો મને જગાવી દેજે” મેં કહ્યું. તેણે હકારમાં માથું ધુણાવ્યું. કી-બોર્ડને ધક્કો મારીને મેં ડેસ્ક પર મારું માથું ઢાળી દીધું. થોડીવારમાં જ મને ઊંઘ આવી ગઈ.

“ઉઠ…અનિરુદ્ધ…બ્રેક ટાઈમ છે” અંજલીનો અવાજ મારાં કાને પડ્યો. મેં આંખો ખોલી. એ મારી સામે નારાજગી ભર્યા ભાવે જોઈ રહી હતી. મેં માથું ઊંચું કરીને આંખો ચોળી.

“તું તો કુંભકર્ણમાંથી પણ ગયેલો છે..કેટલી વાર ઢંઢોળ્યો ત્યારે આંખો ખોલી” અંજલીએ કહ્યું.

“સૉરી…જબરી ઊંઘ આવી ગઈ હતી” મેં આળસ મરડીને કહ્યું. મેં ઘડિયાળમાં નજર કરી. સાડા અગિયાર થવામાં બે મિનિટની વાર હતી. અમે ત્રણેય બહાર ગયાં. બ્રેક ટાઈમ પુરો થયો એટલે અમે ફરી ડેસ્ક પર આવી ગયાં. હવે અંજલીને સુવાનો સમય હતો.

“એક કામ કર, તું મારાં ડેસ્ક પર આવી જા.. અહીં કોઈ નહિ જોઈ શકે”મેં કહ્યું. અમે બંનેએ જગ્યા બદલી. અંજલી ડેસ્ક પર માથું ઢાળીને સુઈ ગઈ અને હું મારાં કામમાં વ્યસ્ત થઈ ગયો.

અડધી કલાક થઈ હશે ત્યાં મારું ધ્યાન અંજલીનાં ચહેરા પર ગયું. એ ડેસ્ક પર બંને હાથ રાખી, તેનાં પર ચહેરો રાખીને સૂતી હતી. તેનો ચહેરો મારાં તરફ હતો. તેનાં ચહેરા પર બે વાળની લટ આવીને રમતી હતી. હું તેને એકીટશે જોઈ રહ્યો. એ નિરાંતે સૂતી હતી.

એક વાગ્યો ત્યાં સુધીમાં મેં થોડીવાર કામ કર્યું અને વધુ સમય અંજલીને જોવામાં પસાર કર્યો હતો. લંચબ્રેક પડ્યો એટલે મેં અંજલીનાં ખભે હાથ રાખીને તેને ઢંઢોળી. મેં કોઈ અવાજ પણ નહોતો કર્યો એ પહેલાં તેણે આંખો ખોલી.

“ગુડ મોર્નિંગ” મેં કહ્યું, “જાગી જા.. સવાર થઈ ગઈ”

તેણે ઊંઘમાં જ સ્માઈલ કરી. ત્યારબાદ આંખો ચોળીને એ મોઢું ધોવા ચાલી ગઈ.

“પાક્કું તારે નથી આવવુંને ?” ઘરે નીકળતાં સમયે મેં પૂછ્યું, “પછી કંટાળી ગઈ એવી ફરિયાદ ના કરતી..”

‘મારું ત્યાં શું કામ છે..!” અંજલીએ કહ્યું, “એ લોકો જાય પછી સાંજે મૅસેજ કરજે…”

“ચોક્કસ..” કહીને હું ત્યાંથી નીકળી ગયો.

બે વાગ્યાં આસપાસ હું ઘરે પહોંચ્યો. હું ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો માહોલ પ્રસંગ જેવો હતો. ધરમશીભાઈ અને મોટાભાઈ હજી નહોતા આવ્યા. મમ્મી અને ભાભી રસોડામાં હતાં, દેવું અને દાદી સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યાં હતાં. વંશ દાદીનાં ખોળામાં બેઠો હતો.

“આવી ગયો તું…” હું રસોડામાં પ્રવેશ્યો ત્યારે મમ્મીએ કહ્યું. રસોડામાં પ્રવેશતાં સાથે જ મિષ્ટાનની સુંગંધથી મન પ્રફુલ્લિત થઈ ગયું.

“ના મમ્મી…હું તો ઓફિસે છું..અહીં મારું ભૂત આવ્યું છે” મેં કહ્યું.

“છાનોમાનો હાથ મોં ધોઈને ખુરશી પર બેસી જા” મમ્મીએ મીઠું વડકું કર્યું, “આયો મોટો ભૂત વાળો..!”

“શું બનાવો છો ?” મેં પુછ્યું.

“ગુલાબજાંબુ, ઘૂઘરાં, ઘારી અને બરફી…” ભાભીએ જવાબ આપ્યો.

“એ લોકોને નાસ્તામાં આટલું આપશો તો પેટમાં જમવાની જગ્યા ક્યાંથી રહેશે ?” મેં પૂછ્યું.

“તારાં પપ્પાનો ફોન આવ્યો હતો, એ લોકો જમવા નથી રોકાવવાનાં” મમ્મીએ કહ્યું, “તું જલ્દી ફ્રેશ થઈ આવ, હું રોટલી બનાવું છું”

હું મારાં રૂમમાં ચાલ્યો ગયો. ફ્રેશ થઈને હું નીચે જમવા માટે આવ્યો. સહસા મારાં મોબાઇલમાં મેસેજની નોટિફિકેશન આવી. મેં મોબાઈલ હાથમાં લીધો. વૈભવીનો મૅસેજ હતો.

‘શું કરે છે, મી. સ્ટર્ડ’

‘ઓફિસેથી ઘરે પહોંચ્યો, મમ્મી રોટલી બનાવે છે તો રાહ જોઇને ખુરશી પર બેઠો છું’ મેં લખ્યું.

‘હું આવું પીરસવા ?’ તેણે મૅસેજ કર્યો. મારાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

‘અત્યારે તો નાની બહેન છે પણ ભવિષ્યમાં એક કામવાળીની જરૂર પડશે. એપ્લિકેશન આપી દે, તારે ફોન આવશે’ આંખ મારતાં ઇમોજી સાથે મેં મૅસેજ મોકલ્યો.

‘આ કામવાળીનો પગાર તમને નહિ પોસાય, મલ્ટી-ટેલેન્ટેડ કામવાળી છે આ..’ તેનો જવાબ આવ્યો. સાથે આંખો નીચી કરેલાં ત્રણ ઇમોજી પણ.

‘તો તો મારા માટે પરફેક્ટ રહેશે’ મેં ટાઈપ કર્યું. હું સેન્ડ બટન પર અંગૂઠો રાખું એ પહેલાં મમ્મીએ મારાં હાથમાંથી મોબાઈલ છીનવી લીધો.

“અરે મમ્મી…વૈભવી સાથે વાત કરતો હતો” મેં અકળાઈને કહ્યું.

“જમીને વાત કરી લેજે, પહેલા જમવાનું પતાવ” મમ્મીએ ઓર્ડર કર્યો. મેં ખભા ઝુકાવી દીધાં. એકવાર મમ્મીનાં ઓર્ડરનું કાગળ ફાટી જાય પછી એ કામ કોઈ સંજોગોમાં કરવું જ પડે. મેં જમવામાં ધ્યાન આપ્યું.

“દેવું.. ભાઈને જરૂર હોય એ આપજે” મમ્મીએ દેવાંશીને ઉદ્દેશીને કહ્યું.

“એનાં હાથ ક્યાં ભાંગી ગયાં છે ?” દેવાંશીએ કહ્યું, “એની મેળે લઈ લેશે”

“જરૂર પણ નથી” મેં મોટા અવાજે કહ્યું, “થોડાં સમયમાં કામવાળી આવી જ જશે”

મમ્મીએ મારાં માથે ટાપલી મારી,

“પત્ની છે તારી, કામવાળી નથી” મમ્મીએ કહ્યું.

મમ્મીને કોણ સમજાવે કે એ મલ્ટી-ટેલેન્ટેડ કામવાળી છે. બરોબર ને..!

જમવાનું પતાવીને હું મારાં રૂમમાં ગયો. અલમારી ખોલીને આજે ક્યો શર્ટ પહેરવો એનો મેં વિચાર કર્યો. ટી-શર્ટ કેમ રહે ?

‘ના’ હું સ્વગત બોલ્યો. ટી-શર્ટ મને સ્યુટ નથી કરતાં. મેં સામે લટકતાં શર્ટની હારમાળા પર નજર ફેરવી. મારી નજર પ્રિન્ટેડ વાઈટ શર્ટ પર અટકી. ડેનિમનું સ્કાય બ્લ્યૂ પેન્ટ અને પ્રિન્ટેડ વાઈટ શર્ટ, પરફેક્ટ કોમ્બિનેશન.

મેં ઘડિયાળ પર નજર કરી. હજી અઢી વાગ્યાં હતાં. મારી પાસે ઘણોબધો સમય હતો. ગઈ રાતનો ઉજાગરો પણ હતો. મેં થોડીવાર સુઈ જવાનો વિચાર કર્યો અને બેડમાં આડો પડ્યો.

“ઉઠો ભાઈ…” દેવાંશીનો અવાજ મારાં કાને પડ્યો.

“શું છે..?” મેં ઊંઘમાં જ કહ્યું.

“પાંચ વાગી ગયાં..મમ્મી નીચે બોલાવે છે” તેણે કહ્યું. હું ઊંઘમાં જ ઉઠ્યો અને મોઢું ધોયા વિના નીચે ગયો. મારી સામે ધરમશીભાઈ અને મોટા ભાઈ સોફા પર બેઠાં હતાં.

“એ લોકો છ વાગ્યે આવી જશે” મમ્મીએ કહ્યું, “જલ્દી નાહીને તૈયાર થઈ જા”

હું પોતાનાં રૂમમાં ગયો. મેં મોબાઈલ હાથમાં લઈને વોટ્સએપ ચેક કર્યું. વૈભવીનો મૅસેજનો હતો,

‘રેડી ફોર સરપ્રાઈઝ’

એ મને શું સરપ્રાઈઝ આપવાની હતી ?, અમારી વચ્ચે એવી કોઈ વાત પણ નહોતી થઈ. મોબાઈલ બેડ પર રાખી મેં મારો રૂમ વ્યવસ્થિત કર્યો. આજુબાજુ વિખરાયેલી વસ્તુ પોતાની જગ્યાએ રાખી અને હું નાહવા ચાલ્યો ગયો. નાહીને મેં પસંદ કરેલા કપડાં પહેર્યા અને તૈયાર થઈને નીચે આવી ગયો.

“શું દર વખતે સફેદ શર્ટ પહેરે છે..એ લોકોને એમ લાગશે કે તારી પાસે એક જ શર્ટ છે..” મમ્મીએ મને ટોક્યો, “પેલો પિંક શર્ટ છે પહેરી લે”

“પહેરવા દો ને વસુધા” ધરમશીભાઈએ કહ્યું, “એને જે પસંદ હોય એ પહેરે એમાં શું પ્રોબ્લેમ છે”

“રહેવા દો ધરમશીભાઈ…હું શર્ટ નહિ બદલું તો મમ્મીનાં જીવને શાંતિ નહિ મળે” મેં કહ્યું અને શર્ટ બદલાવીને નીચે આવી ગયો. પોણા છ વાગી ગયાં હતાં. તેઓને આવકારવાની પુરી તૈયારી થઈ ગઈ હતી. છનાં ટકોરે ડોરબેલ વાગી એટલે ધરમશીભાઈએ ઊભાં થઈને બારણું ખોલ્યું.

(ક્રમશઃ)