My Better Half - 16 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 16

My Better Half - 16

My Better Half

Part – 16

Story By Mer Mehul

“અનિરુદ્ધ…” તેણે સ્વસ્થ હોવાનું નાટક કર્યું, “તું અહીં શું કરે છે ?”

“હું એ જ પૂછું છું..તું શું કરે છે ?” મેં સામે સવાલ કર્યો, “એકલી રડીશ તો શું દુઃખ હળવું થઈ જશે..”

“મારે મારું દુઃખ હળવું નથી કરવું…” એ બેરુખીથી બોલી, “પ્લીઝ.. તું જા અહીંથી..”

“હું અહીં જવા માટે નથી આવ્યો અંજલી…આજે પૂરો દિવસ આપણી વચ્ચે વાત નથી થઈ. હું તારું દુઃખ સમજી શકું માટે તારાં દુઃખમાં ભાગીદાર બનવા આવ્યો છું”

“મેં તને સવારે પણ કહ્યું હતું કે તું માત્ર વાતો કરી જાણે છે…દુઃખ શું કહેવાય એ જેનાં પર વીતી હોયને એ જ જાણી શકે છે..” તેણે પૂર્વવત અવાજે કહ્યું.

“તને શું લાગે છે…હું તને દિલાસો દેવા તારી સાથે વાતો કરું છું…દુઃખ કોને કહેવાય એ મને ના સમજાવ, કાલે પુરી રાત તું શું કરતી હશે હું એ વિચારમાં નથી સૂતો, સવારે તારી સાથે વાતો કરીને તારું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી પણ તે મારી સાથે વાતો કરવાનું જ બંધ કરી દીધું. બપોરે તું નથી જમીને…હું પણ નથી જમ્યો..આ બધી વાતો કરીને મારે તને કશું જતાવવું નથી પણ દુઃખ શું કહેવાય એ સમજાજવું છે” મેં એક શ્વાસે કહી દીધું. એ પૂતળું બનીને મારી સામે ઉભી રહી.

“અંદર બોલાવીશ કે હું અહીંથી જ ચાલ્યો જાઉં ?” મેં ગુસ્સામાં પૂછ્યું. એ દરવાજા પરથી હટી ગઈ. હું ઘરમાં પ્રવેશ્યો.

“બોલિશ હવે કંઈ ?” તેનો ગુમસુમ ચહેરો જોઈને મેં કહ્યું. એ મારી નજીક આવીને અને મને વળગીને રડવા લાગી.

થોડીવાર મેં એને રડવા દીધી. રડતાં રડતાં એ બોલતી જતી હતી, “મમ્મી સિવાય આ દુનિયામાં મારું કોઈ નહોતું અનિરુદ્ધ…તેઓનાં વિના હું એકલી શું કરીશ”

“પહેલાં તું રડવાનું બંધ કર” મારાથી અળગી કરીને મેં તેનાં ગાલ પરથી આંસુ લૂછ્યાં.

“ચાલ હું તને એક વાત કહું, બેસ અહીં” હું તેને પલંગ પાસે લઈ આવ્યો અને બેસારી દીધી, “એક છોકરી હતી, જે ખૂબ જ સુંદર હતી. બિલકુલ તારા જેવી. એની મમ્મી પણ વર્ષોથી બીમાર હતી. એની મમ્મી સિવાય તેનું આ દુનિયામાં કોઈ નહોતું. એક દિવસ અચાનક તેનાં મમ્મીનું મૃત્યુ થઈ ગયું અને છોકરી અનાથ થઈ ગઈ. એ છોકરી પણ તારા જેમ જ એકલી રડતી રહેતી, કોઈને મળતી નહિ, કોઈની સાથે વાતો ના કરતી. તેણે પોતાને એક દાયરમાં કેદ કરી લીધી હતી. એક રાત્રે તેનાં મમ્મી એ છોકરીનાં સપનામાં આવ્યાં અને કહ્યું, ‘તું મારા કારણે દુઃખી ના થઈશ દીકરી, મેં તો મારી જિંદગી જીવી લીધી છે, તું હજી જિંદગીનાં પહેલાં તબક્કામાં છે. હું તારાથી દૂર નથી, તું મને આંખોમાં નહિ દિલમાં રાખીને આગળ વધી જા. હું તારી સાથે હંમેશા હતી અને રહીશ…’

એ દિવસ એ છોકરી હંમેશા ખુશ રહેવા લાગી. પોતાની વાતો બધા સાથે શેર કરવા લાગી. તેની મમ્મીએ જે તેને વાત કરી હતી એની તેણે ગાંઠ બાંધી લીધી હતી. હું શું કહેવા માગું છું એ તું સમજે છે ને…કોઈ માતા-પિતા પોતાનાં બાળકોને દુઃખી કે રડતાં જોવા નથી ઇચ્છતાં. તારા મમ્મી અત્યારે જ્યાં હશે, જ્યાંથી તને જોતાં હશે..એ તને રડતી જોઈને પોતે પણ દુઃખી થતાં હશે. તું તારાં મમ્મીને દુઃખી જોઈ શકે છે ?, હું તો નથી જોઈ શકતો..”

મેં મારી વાત પૂરી કરી. ગઈ રાતે મેં જેટલી વાતો વિચારી હતી એ બધી મેં જણાવી દીધી હતી.

“તું કંઈ માટીનો બન્યો છે અનિરુદ્ધ…” અંજલી હળવું હસી, “ગીવ અપ કરતાં તે શીખ્યું જ નથી ને…!”

અંજલીનાં ચહેરા પર સ્માઈલ જોઈને મારાં ચહેરા પર ન સમજી શકાય એવા ભાવ હતાં. મને રડવાનું મન થતું હતું, ખુશીનાં આંસુ મારી આંખોમાં આવી જ જાત જો મેં કંટ્રોલ ના કર્યું હોત તો…

“તારી આ સ્માઈલ જોવા માટે હું કેટલો તરસ્યો છું એ તને ખબર છે…” હું હસ્યો, “આવી જ રીતે હસતી રહેજે”

“હવે હું એકવાત સમજી ગઈ છું અનિરુદ્ધ…મારા મમ્મીને હું મારાથી કોઈ દિવસ દૂર નહિ કરું, જ્યારે પણ હું પોતાને એકલી મહેસુસ કરીશ ત્યારે તેઓની સાથે વાત કરી લઈશ”

“હમ્મ…હવે બરોબર સમજી…” મેં તેનાં ગાલ ખેંચ્યા.

“મને એક સવાલનો જવાબ આપીશ..” અંજલીએ કહ્યું, “તું આ બધું શા માટે કરે છે ?”

મેં પોતાનાં દિલ પર હાથ રાખ્યો,

“હું આનો ગુલામ છું, આ જેમ કરવા કહે છે એ હું કરી નાખું છું”

“વાતોમાં તને કોઈ નહિ પહોંચી શકે” તેણે હસીને કહ્યું.

“એમાં તો પી.એચ.ડી. કરેલી છે” મેં પણ હસીને કહ્યું.

“થેંક્યું..” તેણે ગંભીર અવાજે કહ્યું, મેં તેનાં તરફ નજર ફેરવી.

“થેંક્યું મારી લાઈફમાં આવવા માટે.. મને સાથ આપવા માટે, મારાં દુઃખમાં ભાગીદાર બનવા માટે” તેણે કહ્યું. મેં જવાબમાં માત્ર સ્મિત ફરકાવ્યું.

“તું ઓફિસેથી સીધો અહીં આવ્યો છે, તારે ઘરે નથી જવું ?” તેણે પુછ્યું.

“હું આજે અહીં જ રહેવાનું પ્લાનિંગ કરીને આવ્યો છું” મેં કહ્યું, “જો તું ના કહે તો હું પ્લાન પ્લાનિંગ બદલાવી લઈશ”

“ના..મારે જરૂર છે તારી” તેણે કહ્યું, “હવે હું તારાથી કોઈ વાત નહિ છુપાવું”

“તો. ચાલ બહાર જમવા જઈએ…મને કકડીને ભૂખ લાગી છે” મેં કહ્યું. એ હસી પડી. મને પોતાનાં પર વિશ્વાસ નહોતો થતો. જે છોકરીનાં મમ્મી ગઈ કાલે મૃત્યુ પામ્યાં હતાં એને આજે હું હસાવવામાં સફળ થયો હતો. અમે બંને બહાર જમવા માટે ગયાં. જમીને થોડાં ફોન કોલ્સ કર્યા, જેમાં મેં ધરમશીભાઈને ‘આજે ઘરે નહીં આવું’ તેની જાણ કરી હતી, વૈભવીને પુરા દિવસની ઘટના કહી હતી અને કાલે સાંજે અંજલીને મળવા આવવા કહ્યું હતું. એક છોકરી બીજી છોકરીની વ્યથા સમજી શકે અને અંજલી વૈભવી સાથે વાત કરીને પોતાનું મન હળવું કરી શકે તથા મારા વિશે ગલત ના વિચારે એ વાતને ધ્યાનમાં રાખીને મેં વૈભવીને મળવા આવવા કહ્યું હતું.

મેં સચિનને ફોન કરીને પણ કાલે બેસવા આવવા કહ્યું હતું જેથી હું તેને પણ મળી શકું. હું અને અંજલીએ એક રૂમમાં સુતા હતાં પણ અમે બંને પોતાની મર્યાદા સમજી રહ્યાં હતાં. અંજલીએ મને પલંગ પર સુવા કહ્યું પણ મેં તેની વાત ન સ્વીકારી અને નીચે સુઈ ગયો.

‘તું હંમેશા પોતાની વાત પર જ અડગ રહે છે’ એમ કહીને તેણે હાર સ્વીકારી લીધી અને પલંગ પર સુઈ ગઈ.

બીજા દિવસે અમે સાથે ઓફિસે ગયાં. એકસાથે ઘણાં દિવસનું કામ એકઠું થઈ ગયું હતું એટલે અમે પૂરો દિવસમાં કામમાં વ્યસ્ત રહ્યા હતા. સાંજે છૂટીને મેં વૈભવીને તથા મારાં દોસ્તોને મૅસેજ કરીને નવ વાગ્યે રિવરફ્રન્ટ પર આવવા મૅસેજ કરી દીધો.

એ દિવસે મોડી રાત સુધી અમે ત્યાં જ બેસી રહ્યાં. વૈભવીએ અંજલી સાથે વાતો કરી હતી. બંને વચ્ચે સારું બોન્ડિંગ બની ગયું હતું એ જાણીને હું ખુશ હતો. મારા બધા દોસ્તોએ પણ અંજલી સાથે વાતો કરી હતી. સચિનને છોકરી પસંદ આવી ગઈ હતી અને પંદર દિવસ પછી સગાઈ થવાની હતી એ ખુશીમાં તેણે આઈસ્ક્રીમની ટ્રીટ આપી હતી.

અમે બધા છુટા પડ્યા ત્યારે અંજલીએ બધાનો આભાર માન્યો અને બધા સાથે નંબર શેર કરીને કોન્ટેક્ટમાં રહેવા કહ્યું. અંજલી થોડીવાર માટે મને બાજુમાં લઈ ગઈ અને બધાને અહીં ભેગા કર્યા એ માટે મને થેંક્સ કહ્યું. એ એક વાત નહોતી જાણતી, હું એની ખુશી માટે આ બધું નહોતો કરી રહ્યો..મને આ બધું કરવા માટે મારું દિલ ઓર્ડર આપતું હતું. મેં પ્રણવને કહીને અંજલીને તેનાં ઘરે છોડી આવવા કહ્યું. અંજલી જ્યાં રહેતી હતી એ વિસ્તાર મને પસંદ નહોતો પણ જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બીજો કોઈ ઓપ્શન નહોતો. હું પણ થોડીવાર માટે પ્રણવને બાજુમાં લઈ ગયો અને કોઈ હરકત ન કરવા ધમકી આપી.

ત્યારબાદ હું વૈભવીને તેનાં ઘરે છોડવા ગયો. તેનાં એપાર્ટમેન્ટનાં પાર્કિગમાં પિલરની આડશ લઈને અમે બંનેએ દસ મિનીટ સુધી હોઠોનું રસપાન કર્યું. હું ખુશ હતો.

હું ઘરે પહોંચ્યો ત્યારે દોઢ વાગી ગયો હતો. આજે મને મીઠી ઊંઘ આવવાની હતી. કારણ જ એવું હતુંને…!

*

કોઈ પણ ફિલ્મ જોવાની ઇન્ટવરલ પછી જ મજા આવે અને લાઈફમાં પણ કોઈ ટ્વીસ્ટ ના હોય તો લાઈફ રૂખસુખ લાગે છે. વૈભવીનું મળવું, તેની સાથે વાતો થવી, તેનાં તરફનું આકર્ષક મારાં જીવનની શ્રેષ્ઠ પળો હતી. પણ મારી લાઈફમાં એવી કોઈ ઘટનાં નહોતી ઘટી જેને કારણે હું ડિસ્ટર્બ થાઉં, દુવિધામાં મુકાઉ અથવા એવી સિચુએશનમાં ફસાઉ જ્યાં મારુ મગજ કામ કરવાનું બંધ કરી દે. એ સમય નજીક જ આવી ગયો હતો જેની જરા સુધ્ધાં મને જાણ નહોતી.

અંજલીનાં મમ્મીને ગયાને એક અઠવાડિયું થઈ ગયું હતું. આ એક અઠવાડિયામાં ઘણુંબધું બદલાયું હતું. અંજલી ઘણીવાર મોટે મોટેથી હસીને વાતો કરતી તો ક્યારેક પૂરો દિવસ ચૂપ બેસી રહેતી. તેને સામાન્ય અવસ્થામાં લાવવા માટે મેં ઘણાં પ્રયાસો કર્યા હતાં. ચાર દિવસ સુધી રોજ અમે બધા રાત્રે મળતાં. અંજલીને હસાવવાની કોશિશ કરતાં, અલકમલકની વાતો કરતા. વૈભવી આ બાબતમાં વધુ મૅચોર નીકળી હતી. તેણે અંજલી સાથે દોસ્તી કરી લીધી હતી. રવિવારે અમે બધાં મૂવી જોવા ગયાં હતાં, ત્યાંથી શોપિંગ માટે અને છેલ્લે કર્ણાવતીમાં પિત્ઝા આરોગી અમે છુટા પડ્યા હતાં.

બીજે દિવસે સવારે હું જાગ્યો ત્યારે એક સાથે બે સમાચાર મને મળ્યા હતાં. હું નાસ્તો કરવામાં વ્યસ્ત હતો ત્યારે ધરમશીભાઈએ કહ્યું,

“અની.. હવે ધંધામાં આવવાનો શું વિચાર છે…વર્કલોડ વધતું જાય છે અને નવો માણસ રાખવાની મારી ઈચ્છા નથી અને આમ પણ હવે તે ઘણીબધી પ્રેક્ટિસ કરી લીધી છે. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ તું સંભાળી લે હવે”

હું ખુશ થઈ ગયો હતો. ધરમશીભાઈએ બરોબર જ કહ્યું હતું, એક દિવસે મારે પણ તેમાં જોડાવવાનું જ હતું ને, તો અત્યારે કેમ નહિ ?”

“તમે કહો ત્યારે આવી જાઉં બોસ..” મેં હસીને કહ્યું.

“અને હા…એક મહિનો પૂરો થવામાં અઠવાડિયું જ બાકી છે..શું વિચાર્યું છે તે..?” મમ્મીએ કહ્યું.

આ બાબતે છેલ્લાં ત્રણ દિવસમાં મેં ઘણું વિચાર્યુ હતું. વૈભવી સાથે એકવાર મારે ઝઘડો થયો હતો પણ એ બાબત નજીવી હતી. હું મળવા ન જાઉં, કૉલ કે મેસેજનાં જવાબ ન આપું તો એ ક્યારેક ગુસ્સે થઈ જતી પણ આ બધી બાબતો નજીવી હતી. એ સ્વભાવે સારી હતી, તેણે અંજલીને જેવી રીતે ટ્રીટ કરી હતી એ મેં જોયું હતું. તેણે અંજલીનાં કિસ્સામાં મને માનસિક રીતે ઘણી મદદ કરી હતી.

“મને ના પાડવાનું કારણ નથી મળતું પણ જવાબ તો હું અઠવાડિયા પછી જ આપીશ મમ્મી..” મેં કહ્યું.

“જવાબ ભલેને અઠવાડિયા પછી આપજે…પણ તું વિચારે તો છે ને…” મમ્મીએ કહ્યું.

“હા મમ્મી…મને એ ગમે છે…” મેં મુસ્કુરાઈને કહ્યું.

“કોટી કોટી ધન્યવાદ તારો કાના…સમય રહેતાં આને સદબુદ્ધિ આપી તે..” મમ્મીએ મંદિર તરફ હાથ જોડીને કહ્યું.

“ક્યારથી આવવાનું છે તમારી સાથે ?” મેં ધરમશીભાઈ તરફ જોઈને પુછ્યું.

“તારી ઈચ્છા હોય તો કાલથી..” તેઓએ કહ્યું.

“તમારી ફ્રેન્ડને તમે કહી દેશો કે મારે કહેવું પડશે ?”

“હું જ કહી દઈશ..” તેઓએ કહ્યું.

‘હા…એ બહાને તેની સાથે વાતો કરવાનો મોકો મળી જાયને..!’ મનમાં હું બોલ્યો.

“હું દાદુને મળી આવું..” કહેતાં મેં પાણી પીધું અને ઉભો થઇ ગયો. દાદુને મળીને હું ઓફિસે જવા રવાના થઈ ગયો.

આજે ફરી હું વહેલાં પહોંચી ગયો હતો. મેં સિગરેટ સળગાવી અને બાંકડા પર જઈને બેસી ગયો. મેં નજર તીરછી કરી, બાંકડા પર આજનું છાપું પડ્યું હતું.

‘રહેવા દે અની…એ બધું સાચું નથી હોતું..!!’ મેં પોતાને રોકવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં મારો હાથ છાપ સુધી પહોંચી ગયો હતો. છાપું હાથમાં લઈને મેં રાશિફળવાળું પેજ ખોલ્યું.

ડબ્લ્યુ.ટી.એફ…રાશિફળ લખવા કોણ બેસતું હશે…? જે કોઈપણ બેસતું હશે તેને બે તમાચા મારવાની ઈચ્છા મને થઈ આવી. રોજ ત્રણ લાઇન અને એમાં બે લાઇન સરખી..આવું કોણ કરે ભાઈ..!

વાહન ચલાવવામાં સાવચેતી રાખવી, માનસિક તણાવ અનુભવાય અને પારિવારિક ઝઘડા થવાની સંભાવના. આ ત્રણ લાઇન મારાં રાશિફળમાં લખેલી હતી.

આ લોકો એમ કેમ નહિ લખતાં હોય કે ‘મેષ’ રાશિવાળાને આજે પચીસ કારોડની લોટરી લાગશે. એમ કેમ નહિ લખતાં હોય કે આજે રસ્તા પરથી બ્લેન્ક સિગ્નેચર કરેલો ચૅક મળશે. કદાચ તેઓને ભવિષ્યમાં આ દેખાતું હશે જ પણ એ જગ્યાએ જઈને એ લોકો વસ્તુ ઉઠાવી લેતાં હશે.

ખેર..!, મને રાશિફળમાં કંઈ વિચારવા જેવું લાગ્યું નહિ. મેં પેજ પલટાવ્યું અને હું સ્પોર્ટ ન્યુઝનાં પેજ પર આવી ગયો. ભારત સતત બે મેચ હારી ગયું હતું. સ્મિથભાઈએ ભારતનાં બોલરોને પકડી પકડીને બાઉન્ટ્રી બહાર કાઢી મુક્યા હતાં. ત્રણ વનડેની સિરીઝ સિલ થઈ ગઇ હતી. મેં છાપું બંધ કર્યું અને બાજુમાં રાખ્યું.

“સાલા…હઉ રોજ તારી રાહ જોઉં છું અને આજે તું વહેલાં આવી ગયો તો સિગરેટ સળગાવી પણ લીધી…” પ્રણવે મારા હાથમાંથી સિગરેટ છીનવીને કહ્યું.

“તને તો આદત પડી ગઈ છે…મને નથી પડી..”મેં કહ્યું, “એમાં હવે છોકરીની જેમ ઝઘડવા ના મંડતો”

“કંઈ છોકરીની વાત થઈ રહી છે ?” અંજલી પણ આવી ગઈ. મને મસ્તી સુજી.

“આ પ્રણવને જો ને…એ કચરાપોતા કરવાવાળા શાંતિઆંટીને પણ નથી છોડતો…મેં એને કહ્યું કે એ છોકરી નથી આંટી છે તો એ મારી સાથે ઝઘડો કરવા લાગ્યો” મેં હસીને કહ્યું.

મારી વાત સાંભળીને અંજલી હસી પડી.

“શાંતિઆંટી મારા પર નહિ તારા પર લાઇન મારે છે…” પ્રણવે વળતો પ્રહાર કર્યો, “હું તો એનાં દીકરા જેવો છું”

“તારા પપ્પા પણ અહીં જોબ કરતાં..?” કહેતાં હું મોટેથી હસવા લાગ્યો. અંજલી પણ હસી પડી. પ્રણવનું મોઢું જોવા જેવું હતું, એ અંજલી સામે પોતાની ઇમ્પ્રેશન બનાવવા માંગતો હતો અને મેં તેનો કચરો કરી દીધો હતો.

અમે ત્રણેય વાતો કરતા કરતાં ઓફિસમાં ગયાં. પોતાનાં ડેસ્ક પર આવીને કામમાં પરોવાઈ ગયાં.

“કાલનો શું પ્લાન છે ?” પ્રણવે પૂછ્યું.

“હું આજનો દિવસ છું અહીં…કાલથી હું ધરમશીભાઈ સાથે જોડાઈ જાઉં છું” મેં કહ્યું. અંજલીએ કોમ્પ્યુટર પરથી ધ્યાન હટાવીને મારી તરફ જોયું.

“શું…?” મેં પૂછ્યું.

“કંઈ નહીં..” કહેતાં એ કામમાં વ્યસ્ત થઈ ગઈ.

“અરે બોલને…” મેં કહ્યું.

“તું કાલથી નથી આવવાનો એ વાત તું અત્યારે મને કહે છે…” તેણે નારાજગી સાથે કહ્યું.

“તો શું…મારે કાલે કહેવાનું હતું ?” કહેતાં હું હસ્યો.

“અની…” તેણે કહ્યું, “હું મજાકનાં મૂડમાં નથી..”

“સૉરી..” મેં કહ્યું, “મને આજે સવારે જ પપ્પાએ કહ્યું..”

“તને બધી વાત સવારે જ ખબર પડે છે…” તેણે મોઢું બગાડ્યું, “મારે તારી સાથે વાત જ નથી કરવી…”

“અરે પણ હું સાચું કહું છું…” મેં કહ્યું. તેણે કોઈ જવાબ ન આપ્યો.

“આને શું થયું ?” મેં પ્રણવ તરફ જોઈને પુછ્યું.

“તું હવે નહિ આવે તો એને એકલું એકલું લાગશે…” પ્રણવે કહ્યું.

“ઓહ..” મેં કહ્યું અને અંજલી તરફ ફર્યો.

“અંજલી…” મેં તેને ઢંઢોળી, “હું માત્ર જોબ પર નથી આવવાનો, તારાં કોન્ટેક્ટમાં તો હંમેશા રહીશ”

તેણે કોઈ જવાબ ન આપ્યો. એ મારી વાત સાંભળતી ન હોય એવી રીતે વર્તન કરતી હતી.

“તું સાંભળે છે..” મેં કહ્યું.

“હા.. મેં સાંભળી લીધું” તેણે પોતાનાં કામમાં જ ધ્યાન આપીને કહ્યું.

“આવું શું રિએક્શન આપે છે” મેં કહ્યું, “આપણે હંમેશા તો સાથે નથી રહેવાના ને !”

તેણે નજર ફેરવી, મારી આંખોમાં આંખ પરોવી. તેની આંખોમાં ન સમજી શકાય એવા ભાવ હતાં.

“આપણે હંમેશા સાથે ના રહી શકીએ ?” તેણે અર્થપૂર્ણ શબ્દોમાં પૂછ્યું.

(ક્રમશઃ)

Rate & Review

Ashwin Desai

Ashwin Desai 1 month ago

Nilesh Rajgor

Nilesh Rajgor 1 year ago

Rajiv

Rajiv 1 year ago

Sapna Patel

Sapna Patel 1 year ago

Gordhan Ghoniya