Kahi aag n lag jaaye - 24 - last part books and stories free download online pdf in Gujarati

કહીં આગ ન લગ જાએ - 24 - છેલ્લો ભાગ

અંતિમ પ્રકરણ- ચોવીસમું/૨૪

‘શહેરના નામી ઉદ્યોગપતિ મધુકર વિરાણીની પત્ની મીરાં રાજપૂત મર્ડરના આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ.’
એક નહીં, બે નહીં, પણ ત્રણ વખત ન્યુઝ પેપરની આ હેડલાઈન કબીરે ડોળા ફાડીને વાંચી. ધબકારો ચુકી જવાય એવા આંચકા સાથેના ધક્કાથી કબીરને કમકમાટી છૂટી ગઈ. થોડીવાર માટે તો એવું લાગ્યું જાણે કે બોલવા, સાંભળવા અને વિચારવાની શક્તિ હણાઈ ગઈ. થોડીવાર બન્ને હથેળી લમણાં પર દબાવીને બેસી રહ્યો.

પછી..ઉતાવળે ડીટેઇલ વાંચીને કયા એરિયાનાં પોલીસ સ્ટેશન જવાનું છે, તે જાણ્યું. મોબાઈલ તૂટી ગયો હતો એટલે કોઈનો સંપર્ક કરવો પણ શક્ય નહતો. ઘાંઘાની જેમ દસ જ મિનિટમાં ફ્રેશ થઇ, ચેન્જ કરીને કાર દોડાવી પોલીસ સ્ટેશન.

ત્યાં જઈને જોયું તો પોલીસ સ્ટેશનની અંદર જવું જ મૂશ્કેલ હતું. નેશનલ અને સ્થાનિક બન્નેનાં મળીને સોથી વધુ ટેલીવિઝન અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો, કેમેરામેન, તેમનાં ઓબી વેન સાથેનાં કાફલાઓ લઈને પોલીસ સ્ટેશનની બહાર ખડકાઈ ગયાં હતાં.

માંડ માંડ ભીડમાંથી રસ્તો કરીને બહાર ઊભેલા પી.આઈ.ને તેની ઓળખાણ આપતાં, કબીરને અંદર જવાની મંજૂરી આપી. અંદરનો માહોલ ધમધમાટી ભર્યો હતો. સતત લેન્ડલાઇન ફોન ધણધણી રહ્યા હતાં. ત્યાં થોડે દૂર એક ચેર પર બેઠેલાં મધુકર પર કબીરની નજર પડી.

મધુકરની પાસે જઈને હાંફતા હાંફતા કબીર માત્ર એટલું જ બોલી શક્યો.
‘સર.’
કબીર સામું જોઇને કશું જ બોલ્યા વગર મધુકરે બાજુની ચેર પર બેસવા માટે ઈશારો કર્યો.

‘સર, હજુ પણ માનવામાં નથી આવતું. આઆ..આ કયારે અને કેમ થયું? શું કહે છે પોલીસ ડીપાર્ટમેન્ટ? અને મેડમ?'

ઉકળાટ, અધીરાઈ અને અસમંજસની મિશ્રિત લાગણી સાથે કબીરે પૂછ્યું.

પાંચ સેકંડ ચુપ રહીને કબીરની સામે હારેલા યોદ્ધાની માફક મધુકર બોલ્યો...

‘જે વિરાણી ઇન્ડસ્ટ્રીઝની આબરૂને અંબરની ઊંચાઈ સુધી લઇ જતાં મને બે દાયકા લાગ્યા અને બે જ ઘડીમાં તે કીર્તિ અને ખ્યાતિ ખાખમાં ભળતાં બે કોડીના થઇ ગયાં.
છેક દિલ્હી હોમ મીનીસ્ટ્રી સુધી વાત કરી લીધી છે. પોલીસ સો ટકા આપણી ફેવરમાં છે. મને રાત્રે સાડા અગિયાર પછી કોલ આવ્યો...મીરાં અત્યારે અંદર લોકઅપમાં છે.’

‘પણ સર... હોમ મીનીસ્ટ્રીનો સપોર્ટ છે તો પછી.. આ મેટર અહીં સુધી કેમ..?' કબીરે પૂછ્યું.

‘તેનો જવાબ મીરાં પાસે છે.... પણ એ નથી આપતી.’
એક નિ:સાસા સાથે માથું નીચે ઢાળીને મધુકર બોલ્યો.

‘સર..આપ કહો તો હું મેડમને મળી શકું?' સ્હેજ સ્વસ્થ થતાં કબીરે પૂછ્યું.

એટલે મધુકરે એક પોલીસ કર્મચારીને કબીરને મીરાં સાથે મુલાકાત માટે લઇ જવા કહ્યું. હોમ મીનીસ્ટ્રી દિલ્હી, રાજ્યના ગૃહ મંત્રી, જીલ્લાના પોલિસ કમિશ્નર, એસ.પી. અને અંતે કોન્ટેબલ સુધીનાં સૌ એક્સ્ટ્રા ચાર્જ લઈને મધુકરની સેવામાં ખડે પગે ઊભા હતાં.

રાત્રે કબીરે નશાયુકત દ્રવ્યના દમ પર, હોંશ ગુમાવીને અપશબ્દોમાં તેની અસ્ખલિત કબીરવાણીથી જે રીતે મીરાંના સ્તુતિગાનની પ્રસ્તુતિ કરી હતી, તેનાથી કબીર અજાણ હતો.
લોકઅપ તરફ જતાં કબીરના કદમ કમજોર થઇ ગયા હતાં. કઈ હેસિયતથી તે મીરાંની સામે નજર મેળવશે?

લોક અપ પાસે ઊભા રહીને કબીરે જોયું તો...બે પળ માટે આંખો મીંચી દીધી..

જે ડ્રેસમાં હોટલ સ્કાયલાઈનમાં જોઈ હતી એ જ વસ્ત્રોમાં કસ્ટડીમાં નીચે ભોંય પર કપાળે હાથ મૂકીને, આંખ મીચીને સુતી હતી. અઢળક ઐશ્વર્યમાં આળોટતી મીરાં રાજપૂતને આજે અમાન્ય અંત્યાવસ્થામાં કારાવાસની કોટડીની જમીન પર પડેલી જોઇને કબીરને કુઠારાઘાતની સાથે કંપારી અને પરસેવો છૂટી ગયો.
મીરાંનું નામ લઈને સંબોધન કરવાની કબીરમાં હિંમત નહતી એટલે.. ખોંખારો ખાઈને મીરાંનું ધ્યાન તેની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતાં... મીરાંએ આંખો ઉઘાડીને કબીર તરફ નજર કરી.

બે સેકંડ પછી ઉભાં થઈને કબીર પાસે આવીને ચૂપચાપ જોઈ રહી. નજરો નજર જોયા પછી પણ કાલ્પનિક લાગતી, છતાં હકીકત બની ગયેલી ઘટનાની ઘટમાળના અથાગ થાક અને અનિંદ્રાની અસર મીરાંની લાલચોળ આંખો અને ચહેરા પર સાફ દેખાઈ આવતી હતી. આખી ઘટનાથી કબીર એટલો હતપ્રભ થઇ ગયો કે, સંવાદની શરૂઆત ક્યાંથી કરવી એ ગતાગમ નહતી પડતી. ગહન શ્વાસ ભરીને હિંમત કરીને ગળગળા સ્વરમાં, કબીર માત્ર એટલું પૂછી શક્યો..

‘આ શું થયું મીરાં..??'
બીજી જ પળે મીરાં નાક પર આંગળી મૂકતા બોલી....
’શશશશશશ.........................’ મીરાં નહીં.. રાંડ.. કહો.. વૈશ્યા કહો મિ. કબીર’

આ શબ્દો સાંભળતા તો કબીરને એવું લાગ્યું કે.. સણસણ કરતાં રિવોલ્વરમાંથી છૂટતી બુલેટની ગતિએ ચારે દિશામાંથી છૂટેલાં સેંકડો તીર કબીરની કાયાને વીંધીને આરપાર નીકળી ગયા હોય..!

‘આઆઆ...આ શું બોલે છે મીરાં?' ધ્રુજતા સ્વરે કબીરે પૂછ્યું.

‘ઓહ..! તો વાક્ચાતુર્યના વિદ્વાનને તેના ભાષણના ભાનની સાથે ભાષાંતર પણ કરીને આપવું પડશે એમ? એક મિનીટ.’ એમ કહીને મીરાંએ તેના મોબાઈલમાંથી કબીરે મીરાંને અશ્લીલ અપશબ્દોમાં ગાલિપ્રદાન કરીને જે રીતે સન્માનિત કરી હતી તેનું રેકોર્ડીંગ સર્ચ કરીને પ્લે કર્યું..

‘તું.. તું..તો રાંડ છે.... તું,.. તું .. વેશ્યા છે...અઅ...અરે તારા કરતાં તો પેલી બાબા...બાજારૂ ઔરત સારી... તત...તને ફક્ત શરીરની ભૂખ છે. ...કેકે...કેટલાં યયા..યાર રાખ્યા છે હેં..? અરે. મમ..મને કીકી..કીધું હોત તો હું..હું તા..તારાં દિવસ અને રા..રાત બંને રંગીન કરી દેત... તું તો ...’

‘તમને ખબર છે, મિ.કબીર? જે પળે તમારો આ મારી સ્તુતિગાન સંભળાવતો કોલ આવ્યો, તે પળે સિચ્યુએશન એવી હતી કે મને તમારી સખ્ત જરૂર હતી...અને બસ..જો એ એક પળ તમે મને સાંભળી કે સંભાળી લીધી હોત તો... હું આજે જેલમાં ન હોત. બસ એ એક જ પળે મને મારાં અસલી સ્થાનનું ભાન કરાવી દીધું. અને... હું અહીં આવી ગઈ.’

એ પછી મીરાં બોલી..

‘આ અવાજ કબીર કામદારનો છે, એ સાબિતી આપવાની જરૂર ખરી? હવે કહો, કોને મળવું ગમશે, અને શા માટે? રાંડ, વેશ્યા, કે બજારુ ઔરતને? અને માફ કરજો, મીરાં રાજપૂત તો આપને ઓળખતી નથી, અને કોઈને મળવા માંગતી પણ નથી. હવે બોલો?'

ચામડા સાથે માંસને પણ ઉતરડી નાંખે, એવી ચાબખાં જેવી જલદ જબાનની ઝણઝણાટીથી, મીરાંએ કબીરના મુંડી થી લઈને પીંડી સુધીના અધિકાંશ અવયવના તંતુના તાર તોડી નાખ્યા. મનોમન ચીખ નીકળી જાય એ હદે મીરાંએ કબીરની ચતુરાઈનું ચીરહરણ કરી નાખ્યું.

તેના વાક્પ્રભાવ કે મીરાંની અનંત એકલતાની દુઃખતી રગ દબાવીને આડકતરી રીતે મીરાંને હાંસિલ કરી લેવાની મલીન મુરાદની આંધળી દોટમાં કબીર, મીરાં માટે તેના મસ્તિષ્કના હદપારની હલકટાઈ અને નફફટને પણ શરમાવે તેવા અકથ્ય શબ્દપ્રયોગથી, મીરાં પ્રત્યેના તેના આદર અને અહોભાવનું, સાવ નિર્લજ્જ થઈને તેના લજ્જાની લાજ લુંટી શકે, એ વાત તો ખુદ કબીર પણ માનવા તૈયાર નહતો...

પણ... શબાબ અને શરાબની મદહોશીમાં શાતિર દિમાગના શરતંજની બહેકી ગયેલી ચાલ શબ્દદેહ ધારણ કરતાં નિરંકુશ થઇ ગઈ અને....નિરાકાર વિકારનું નગ્ન સત્ય ઉઘાડુ થઇ ગયું.

પરમપાપને પણ શરમ આવે તેવી થાપથી તેના આત્મપરિતાપની ભડકે બળતી અગ્નિમાં બળતાં કબીર મનોમન એવી પ્રાર્થના કરતો હતો કે ધબકારા બંધ થાય અથવા સ્હેજ ધરતી ફાટી જાય તો સારું.

‘મિ.કબીર, એક સ્ત્રીએ તમને તેની શાખ દાવ પર મૂકીને તેનાં સર્વશ્રેષ્ઠ સંબંધના સાક્ષી બનાવ્યા. ભાવનાસૃષ્ટિના ભાગીદાર બનાવ્યા. દર્દની દાસ્તાં સંભળાવવા જાણ નહીં.. જાનભેદુ બનાવ્યા. છાની વેદનાનો છેદ ઉડાડવા સંતાપ સભામાં શરીક કર્યા. એકલતાની અગનદાહના ડામ પર મરહમના મજમુદાર બનાવ્યા....સ્પંદન સબબના સાજીદાર સમજું, એ પહેલાં તો.....’’’ સ્હેજ માર્મિક હાસ્ય કરતાં આગળ બોલી.

‘મિ.કબીર, તેમાં તમારો કોઈ દોષ નથી. કારણ કે તમે સ્ત્રીને પામવામાં, પટાવવામાં કે પાડી દેવામાં માહિર છો. કોઈને પ્રેમ કરવાની લાયકાત તો તમારામાં છે જ નહીં. મને તો ઈચ્છાપૂર્તિના અન્નકૂટમાં, તમારાં ભાગ માટે છપ્પનભોગના થાળની મંછા હતી. પણ.. મને શું ખબર કે તમે બદામનો શીરો ન પચે એ કુળની તાલિમ લીધેલી અસલી ઔલાદ હશો.’

કબીરને એમ થયું કે જેલના સળિયા પર માથું પટકીને જીવ કાઢી નાખું. પશ્ચાતાપનાં પ્રચંડ પ્રવાહ અને ખતાથી ઉતરી આવેલાં ખૂનથી, લાલચોળ આંખો સાથે ચિત્કાર જેવી ચૂપકીદીના સંયમનો બાંધ તોડતાં અંતે કબીર બોલ્યો..

‘એકવાર નહીં હજારવાર કબુલ મારી ભૂલ. પણ શું સજા છે? કઈ રીતે પ્રાયશ્ચિત કરું? એ કહીશ?

આટલું સાંભળીને મીરાં હસતાં હસતાં બોલી...

‘મિ.કબીર....માફી કસુરની હોય, કાવતરાંની નહીં. જે દિવસે મને તમારી આંખમાં પ્રાયશ્ચિતની ભીનાશ દેખાશે, તે દિવસે મીરાં રાજપૂત સરાજાહેર તમારી માફી માંગશે.’

‘પણ આ બધું કઈ રીતે.....?.’ હજુ કબીર તેનું વાક્ય પૂરું કરતાં પહેલાં જ મીરાં ઊંચાં અવાજમાં બોલી.

‘પ્લીઝ, નાઉ સ્ટોપ ધીઝ ઓલ નોનસેન્સ ટોક....એ અધિકારની અગ્રિમતાનું ગઈ રાત્રીએ તમે તમારી કુલીનતાનું અભદ્ર ભાષામાં ભાન કરાવીને કોર્ટ માર્શલ કરી નાખ્યું છે. ગેટ લોસ્ટ.’
એમ કહીને મીરાં ફરી કારાવાસની કોટડીના છેડે જઈને સુઈ ગઈ.

માંડ માંડ ડગ માંડતા કબીર આવ્યો મધુકર પાસે.

ક્રિમીનલ કેસના માસ્ટર માઈન્ડ એવા દેશના ટોચના વકીલોની લાઈન લગાડી દીધી હતી મધુકરે. પોલિસ ડીપાર્ટમેન્ટ પણ શક્ય હોય ત્યાં સુધી ઓન પેપર મીરાં રાજપૂતને મર્ડર કેસમાં ગૃહ મંત્રાલયના અન્ડર ટેબલ આદેશથી કલીનચીટ આપવા સંમત હતી. પણ......અંતે સઘળો આધાર હતો મીરાંના સ્ફોટક નિવેદન પર.

પોલીસ કમિશ્નર સાથેની ગુપ્ત મંત્રણા બાદ એસ.પી.ને આદેશ અપાયા. મામલો અતિથી અતિ નાજુક અને સંગીન હતો.

થોડીવાર બાદની ગંભીર ચર્ચા પછી સમય કાઢીને મધુકર આવ્યો કબીર પાસે.
કબીર હજુ સમગ્ર ઘટનાથી સાવ જ આંધળાની જેમ અજાણ હતો.

‘પણ, સર એક્ચ્યુલી મેટર શું છે એ મને કહશો?' બેહદ અકળાઈને કબીરે પૂછ્યું.
મધુકર કબીરને લઈને એસ.પી.ની ચેમ્બરમાં આવ્યો. બન્ને એક જ સોફા પર બેઠાં. થોડીવાર ચુપ રહ્યા પછી મધુકર બોલ્યા..

‘હું રાત્રે સાડા બાર વાગ્યે જયારે બીઝનેસ મીટ બાદ ડીનર લઈને ઘરે જઈ જ રહ્યો હતો, ત્યાં ઓન ધ વે મને પોલીસ કમિશ્નરનો કોલ આવ્યો કે... તમે ઝડપથી પોલીસ હેડ ક્વાર્ટર પહોંચો. મિસિસ મીરાં રાજપૂત વિરાણીને મર્ડરના ચાર્જમાં એરેસ્ટ કરવામાં આવ્યાં છે. કબીર, બે દાયકામાં મેં મારાં કોર્પોરેટ બીઝનેસમાં કઈંક મેજર અપ્સ એન્ડ ડાઉન જોઈ લીધા, પણ આ એક વાક્યએ મને એવો આંચકો આપ્યો કે, થોડીવાર હું ભાન ભૂલી ગયો..એ પછી કાર દોડાવી સીધી પોલીસ હેડ ક્વાર્ટર.

ઉતાવળેથી દાખલ થયો પી.સી.ની ચેમ્બરમાં.
આખી ઘટનાક્રમથી વાકેફ કરાવતાં બોલ્યા...

આશરે અગિયાર વાગ્યાની આસપાસ હોટલ સ્કાયલાઇનના સત્તરમાં માળના વી.આઈ.પી. સ્યુટમાંથી આપના વાઈફ મીરાં રાજપૂતે સામેથી નામ અને લોકેશનની જાણકારી આપીને કહ્યું કે, તેમણે મર્ડર કર્યું છે. બીજી જ પળે પોલીસ હરકતમાં આવીને પહોંચી ઘટના સ્થળે. હોટલ મેનેજમેન્ટ પણ સ્તબ્ધ થઈને જોતો રહ્યો.
પોલીસ સ્યુટમાં દાખલ થઇ...આશરે પાંત્રીસેક વર્ષની ઉંમરની વ્યક્તિની લોહીથી લથબથ એક લાશ પડી પડી હતી. મીરાં રાજપૂત તેના હાથમાં રિવોલ્વર પકડીને સોફા પર બેઠાં હતા. ફોરન્સીક લેબનો સ્ટાફ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ફોટોગ્રાફર સૌએ તેમની કામગીરી શરુ કરી દીધી. તમામ પુરાવાઓ એકઠા કર્યા. મરનાર પર રિવોલ્વરની છએ છ ગોળી ધરબી દેવામાં આવી હતી. પંચનામું થયું. હોટેલના ફરજ પરના કર્મચારીનાં નિવેદન લેવામાં આવ્યાં. મિહિર ઝવેરીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી. સી.સી.ટી.વી. કવરેજના ફૂટેજ. મીરાં રાજપૂતનું નિવેદન લેતાં, એણે સાવ શાંત અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મર્ડર મેં જ કર્યું છે, અને એ પણ પૂરેપૂરાં હોશોહવાશમાં. મારનારની ઓળખ વિષે પૂછતાં નામ આપ્યું..... મિહિર ઝવેરી. વધુ પૂછપુરછ કરતાં કહ્યું કે હું કોર્ટમાં જજની સમક્ષ મારું બયાન આપીશ. એ પછી તેમને તે એરિયાના પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યાં.’

કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો શું, પણ મધુકર કયારેય ક્રાઈમના ન્યુઝ સુદ્ધાં પણ નહતા વાંચતા. અને આજે તેના ઘરમાં જ ટોક ઓફ ધ ટાઉન નહીં પણ ટોક ઓફ ધ નેશન બનવા જઈ રહેલી ઘટનાનો સાક્ષી બનતા, મધુકર માનસિક રીતે સાવ ભાંગી પડ્યા. ગૃહ મંત્રીના પી.એ. અને દિલ્હી હોમ મીનીસ્ટ્રી સુધી ચકરડાં ઘુમાવી લીધા.
પી.સી. પર સતત ફોનનો મારો ચાલુ થયો.. સવાર સુધીમાં તો તમામ મીડિયામાં વાત વીજળી વેગે પ્રસરી ગઈ. હમણાં પ્રેસ કોન્ફરન્સ છે. હમણાં મીરાંને કોર્ટમાં જજની સમક્ષ હાજર કરવાની છે. અને આ.... મીડિયાવાળાએ, તેની હાટડી ચલાવવા મસાલો ભભરાવીને મામલો ચટાકેદાર કરી નાખ્યો છે.

આટલી વાત સાંભળીને તો..કબીરને કમકમાટી સાથે પરસેવો છૂટી જતા પુછ્યું..

‘પણ મીરાં શું કે છે? અને કોણ છે આ મિહિર ઝવેરી? અને મીરાં તેનું મર્ડર શા માટે કરે?’
‘મર્ડર મીરાં એ જ કર્યું છે. કબીર, તને શું લાગે છે? કોઈ સામાન્ય મેટરને લઈને મીરાં મર્ડર કરવાનાં કૃત્ય સુધી પહોંચી જાય? અને કોઈપણ જાતના ક્ષોભ કે સંકોચ વિના, બિન્દાસ બેધડક જાણે કે કોઈ ગૌરવ લેવા જેવું ભગીરથ કાર્ય કર્યું હોય, એમ સ્વીકાર કરતાં કહે છે કે, આ મર્ડર મેં મારી મરજીથી કર્યું છે. મિહિર ઝવેરી ગુનાહિત ઈતિહાસ ધરાવતો એક વોન્ટેડ ક્રિમીનલ હતો. ગઈકાલ રાતથી હું આઉટ ઓફ લીમીટ સ્ટ્રેસમાંથી પસાર થઇ રહ્યો છું. રાતનો માથા પછાડીને મરી ગયો પણ.. આ ગડમથલની ગુત્થી નથી ઉકેલાતી. દુનિયાભરના કોન્ટેક્ટસ તરફથી નોનસ્ટોપ કોલ્સ ચાલુ છે.
જેટલું નામ વીસ વર્ષમાં ન કમાયો, એટલું મીરાંની મહેરબાનીથી બાર કલાકમાં કમાઈ ગયો. હું છેલ્લી વાર મીરાંને મળી લઉં છું. નહીં તો.. આઈ લીવ ઓલ....’

એમ બોલીને મધુકર ગયો મીરાંને મળવા..

શક્ય એટલું શિરને શાંત રાખીને મધુકર બોલ્યા...

‘મીરાં....પ્લીઝ..જે કંઈપણ હોય એ કહી દે. એ પછી હું તને એક શબ્દ નહીં પૂછું. મને ખબર છે કે આ સનસનાટી ભરી ઘટના સંજોવશાત છે. મારે વધુ કશું જ નથી જાણવું. તું ચૂપ રહીશ તો.. વાત નહીં બને. આપણે એ ક્રિમીનલ મિહિરને જ નિમિત્ત બનાવી, અને તને નિર્દોષ સાબિત કરીને બંધ મુઠ્ઠીની બાજી જીતી શકીએ એમ છીએ. તું ફક્ત એકવાર તારું સ્ટેટમેન્ટ એડવોકેટ અને પોલીસ કહે, એ મુજબ આપી દે. એટલે બધો જ મામલો રફાદફા કરાવી દઈશ. છેક દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ છે.’

થોડીવાર મધુકર સામે જોઈને મીરાં બોલી..

‘મધુ યાદ છે? ગઈકાલે તેં મને એક પ્રશ્ન પૂછ્યો હતો કે... મીરાં મેં તને શું નથી આપ્યું? તો આજે હું કંઈ માંગું તો આપીશ?'

‘આપ્યું, તું જે માંગે, એ આપ્યું. બોલ શું જોઈએ છે?' અધીરાઈથી મધુકર બોલ્યા.
‘તું મને આ હત્યાના અપરાધ સબબ શક્ય હોય તેટલી વધુમાં વધુ સમયના કૈદની સજા અપાવી શકીશ?' ઠંડે કલેજે મીરાં બોલી...

પાંચથી સાત સેકન્ડના તીવ્ર ભૂકંપના આંચકાથી જે રીતે ગગનચુંબી ઈમારત પણ પત્તાના મહેલની જેમ ફસડાઈને ક્ષણમાં કાટમાળમાં તબદીલ થઇ જાય, એમ મધુકર પણ તેના તૂટી પડેલાં આત્મવિશ્વાસ અને મનોબળ સાથે ભાંગી ગયો. મીરાંના આ વાક્યના તળનો મર્મ મેળવવો અઘરું નહીં પણ અશક્ય છે, એ વાતની હવે મધુકરને ઠોસ ખાતરી થઈ ગઈ. પરાજિત યોદ્ધાની માફક મનોમન હતાશાથી હારનો સ્વીકાર કરતાં સવાલોના શસ્ત્રો હેઠાં મૂકીને, મણ એકના નિસાસા સાથે મધુકર બોલ્યો..

‘ઠીક છે મીરાં. તારાં આ અભૂતપૂર્વ, અનુઠી અભિધારણાનું અનુમાન આંકવા માટે હું અસમર્થ છું. તારાં જે કોઈ પણ વિધાન હોય, એની સાથે હું સમાધાન કરવાં તૈયાર છું. હવે હું તને મળવા નહીં આવું. જે કંઈપણ જરૂર હોય મને કોલ કરી દેજે. પોલીસ શક્ય એટલી તારી હેલ્પ કરશે. કોઈ એક જ ઝાટકાના ઘામાં આપઘાત કરે, તો કદાચ સમયાંતરે તે આઘાતના કળ વળવાની શક્યતા ખરી. પણ... તેં તો સૌની નજર સમક્ષ રોજ આત્મહત્યા કરવાનો નિર્દય નિર્ણય લઈને કંઇકને અધમૂવા કરી નાખ્યાં. મીરાં.’

અંત:કોપ, આવેગ, આવેશ, અપ્રતિકાર, ઓશિયાળાપણાં જેવી કઈંક વિષમ વિસંવાદિતાની ભાવનાની વેદના સામે વિવશ થઈને મધુકર આટલું બોલ્યા.

‘ચાલો ઠીક છે, આટલું તો સમજાયું કે, હું રોજ આત્મહત્યા કરી રહી છું. સબબ સમજવામાં માટે સમય જોઇશે. સૌની સમજણ એક સપાટી પર લાવવાં મેં આ હત્યા કરી છે. પૂર્વરાગ સાથે પૂર્વગ્રહ રાખવાની સજા રૂપે, મેં આ પગલું ભર્યું છે. અકાળે આવેલાં કોઈનાં જીવતરની પાનખરમાં ખરેલા પર્ણ જેવી પીળાશને, વસંતમાં લીલી પરિક્રમા જેવી પરિકલ્પના કરાવવાનાં વિસરાયેલા વાયદાનું ગેરકાયદેસર રીતે ઋણ અદા કરવાની કોશિષ કરું છું. પરિપક્વતાને નજરઅંદાજ કરવાનો દંડ ચૂકવી રહી છું. જેમ કોઈ કોમળ કૂંપળ પણ કઠોર કંકર ચીરીને ફૂટી નીકળે, એમ ધબકારો ચૂકી જવાય એવી એક ક્ષણમાં, જન્મારો જીવી લેવાના કોડ જાગે એવા મમત્વનો મર્મ જાણવાં એક આખો જન્મારો જોઈએ, મધુ. બસ... શક્ય હોય ત્યાં સુધી મને માફ કરજે. જન્મજાત ખોડ છે. લોહીના ઘટકો લઈને આવેલી લાગણીથી કોઈને લૂંટવા કરતાં લૂંટાઈ જવું વધુ ગમે છે.’

મહદ્દઅંશે મર્મસ્પર્શી મીરાં આજે આંસુ સાથે પાષાણને પણ પીગળાવે, તેવી પીડાના ઘૂંટડા પણ હસતાં હસતાં ઉતારી ગઈ હતી.

નિ:શબ્દ મધુકર, ચૂપકીદી સેવી અને આંસુ સારતાં ત્યાંથી ચાલી નીકળ્યો. પોલીસના ઉચ્ચ્ચાધિકારી અને ટોપ મોસ્ટ સિનીયર એડવોકેટ સાથેની મંત્રણા પર પૂર્ણ વિરામ મુકીને મધુકર માંડ માંડ મીડિયાની ભીડથી બચીને બંગલા પર આવ્યો.

કબીરને તો હવે મીરાંને મોઢું બતાવવા કરતાં સંતાડવાની વધુ શરમ આવતી હતી. એટલે એ પણ રવાના થઇ ગયો.

ત્યાં પોલીસ સ્ટેશને અર્જુન ઘાંઘો થઈને અવની અને કેશવમામાને લઈને આવી પહોંચ્યો. એડવોકેટ કેશવમામાના કોન્ટેક્ટથી આવ્યા મીરાંની કોટડી પાસે.

‘એલી... આ તેં શું કર્યું? સમાચાર સાંભળ્યા ત્યારનું માથું ભમે છે.' આશ્ચર્યના આંચકા સાથે અર્જુને પૂછ્યું.
સાવ બેફીકર થઈને હસતાં હસતાં બોલી..

‘અર્જુન તને યાદ છે? તેં મને એક વાર પૂછ્યું હતું કે આ કમરે લટકાવેલી ફટાકડી રોફ જમાવવા માટે છે કે ક્યારેક ફોડી પણ છે? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે, જે દિવસે ફૂટશે તે દિવસે તને ઘરે બેઠાં ખબર પડી જશે.. જો ફૂટી ને?'

‘પણ મીરાં..ઇટ્સ મોર ધેન ટુ મચ. યાર...તું કંઈ માટીની બની છે? શું શું.. સાબિત કરવું છે તારે? એક કામ કર. એકાદ ગોળી મને પણ ધરબી દે. આઆઆ...આ મારાથી નહીં સહન થાય.’ આટલું બોલતા અર્જુન અને અવની બન્નેની આંખોથી અશ્રુધારા વહી નીકળી.

‘જે મિહિર સાબિત ન કરી શક્યો, હું તેનું પ્રયાશ્ચિત કરું છું. બસ. રાજપૂત છું. યાર કોઈનું ઋણ લઈને તો કેમ મરું?’ એકદમ શાંતિથી મીરાંએ જવાબ આપ્યો.

‘મીરાં.. મીરાં... મીરાં...' જેલના સળિયા પર માથું પટકાવતાં અવની બોલી..

‘આઆ...આને બીજું કંઈ નથી.. નામ મીરાં છે ને, એટલે ઝેરના ઘૂંટડા પીવાના અભરખા જગ્યા છે.... પણ યાર મીરાં..હજુ કેટલું ઝેર પીશ?' બે હાથ જોડતાં અર્જુન બોલ્યો.

‘પણ જો અર્જુન, આજે એક વાત તો સાબિત થઇ ગઈ કે.... ઝેર મીરાંના ભાગે જ આવે.’ હસીને મીરાં બોલી..

‘પણ તેં મિહિરનું મર્ડર કર્યું શા માટે? એ જ નથી સમજાતું.' અવનીએ પૂછ્યું
‘એ રહસ્ય એ દિવસે ખુલશે, જે દિવસે આ જેલના દરવાજા હંમેશ માટે ખુલશે. ચલો છોડો હવે... અર્જુન, તારે મારાં પર મોટો ઉપકાર કરીને, મારી મરણમૂડી જેવી જીવથી વ્હાલી જણસને જતનથી તારી પાસે સાચવી રાખવાની છે. તારો ફોન આપ મને.’

અર્જુનના ફોનમાંથી સ્કાયલાઈન હોટેલના ઓનર કુલદીપ શર્માને કોલ લગાવ્યો...

‘હેલ્લો... મીરાં રાજપૂત બોલી રહી છું.’
આટલું સાંભળતાં તો કુલદીપ શર્માને લઘુ અને ગુરુ બન્ને શંકાના સંકેત મળી ગયા.
‘જીજી....જી બોલો.’
‘આજે આ મોબાઈલ નંબરનો મોબાઈલ લઈને અર્જુન નામનો વ્યક્તિ આવશે. તેને
મેં તમને આપેલું બંધ કવર જે હાલતમાં આપેલું તે આપી દેજો બસ.’
‘યયય..યસ મેડમ,’
‘થેન્ક્સ.’ કહીને કોલ કટ કરતાં મીરાં આગળ બોલી,
‘હમણાં જે નંબર ડાયલ કર્યો, એ સ્કાયલાઈન હોટલના ઓનર કુલદીપ શર્માનો છે. ત્યાં જઈને જસ્ટ મારું નામ આપજે. અને જે બંધ કવર એ આપે, એ હું મરી ન જાઉં ત્યાં સુધી તારી પાસે અકબંધ રાખજે.’

‘આઆ..આ બધું શું છે મીરાં?' અવનીએ પૂછ્યું.
‘મને સમજાઈ જશે તો તને કહીશ.’ ભેદનો છેદ ઉડાડી દેતા મીરાંએ જવાબ આપ્યો.

અપાર લાગણી સામે લાચારીની નાદારી નોંધાવીને ભારે પગલે સૌ નીકળી પડ્યાં..

ત્યાંથી અર્જુન મીરાંની સુચના મુજબ લઇ આવેલાં કવરને અતિ સુરક્ષિત જગ્યાએ સાંચવીને સંતાડી દીધું.

આ બધી દોડધામમાં આ અકલ્પિત ઘટનાની જાણ વૈશાલીબેનના કાને પડતાં, તેઓ બેભાન થઇ ગયા. સર્વન્ટે તેની સુઝબુઝથી હોસ્પિટલાઈઝ કર્યા. મધુકરને જાણ કરી. ઈમર્જન્સી માટે સર્વન્ટ પાસે અર્જુન અને અવનીના નંબર હોવાથી તેમને પણ ઇન્ફોર્મ કર્યું. મધુકર અને અર્જુને અવનીને વૈશાલીબેનની દેખરેખ માટે હોસ્પીટલમાં રોકીને મીરાંને જાણ કરી. પણ... મીરાં પહેલે થી જ આ પરિસ્થિતિ માટે માનસિક રૂપે તૈયાર જ હતી. એટલે કાળજું કઠીન કરીને અર્જુન અને અવની જોડે વાત કરીને શક્ય હોય ત્યાં સુધી સ્થિતિને સીમારેખામાં સીમિત રાખવા સૂચના આપી.

સાંજ પહેલાં મિહિરનો પોસ્ટ મોર્ટમ રીપોર્ટસ પણ આવી ગયો. ચાર વાગ્યે મીરાંને મીડિયાના વરઘોડા સાથે કોર્ટમાં નામદાર ન્યાયાધીશ સમક્ષ રજુ કરવામાં આવી.
કોર્ટના પરિસરમાં હૈયું દળાય એવી ભીડ એકઠી થઇ હતી. પોલીસ અધિકારીએ પેપર્સ અને પુરાવાઓ રજુ કરતાં સંગીન આરોપમાં, આરોપી તરફથી કોઈ ડીફેન્સ ન હોવાથી જજને પણ નવાઈ સાથે મીરાંને પૂછતાં મીરાંએ માત્ર એટલું જ કહ્યું કે.. 'આ નિર્મમ હત્યા મેં જ કરી છે.’ કારણ પૂછતાં જવાબ આપ્યો કે, મરનાર સાથે વર્ષો પહેલાં થયેલા મનમોટાવથી બદલો લેવાની ભાવના સાથે મેં હત્યા કરી છે.’

પોસ્ટ મોર્ટમ રીપોર્ટસનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થતું કે.. નજીકના અંતરેથી છ રાઉન્ડ ફાયર કરીને હત્યા કરવામાં આવી છે. ન્યાયાધીશે, એ સંપૂર્ણ તપાસ બાદ, મીરાંને પોલીસ કસ્ટડીમાં લઇ જવાના આદેશ આપતાં ફરી મીરાં ધકેલાઈ જેલમાં..

મીરાંએ વગર હથિયાર ઉપાડ્યે, સૌની હિંમત અને હથિયાર બુઠ્ઠા કરી નાખ્યા હતાં.
ન જીવી શકો, ન મરી શકો, ન મારી શકો કે ન હસી શકો. કે ન રડી શકો. મીરાંએ સૌને એવી દુર્દશાની દિશામાં ધકેલી દીધા હતાં.

જે જગ્યાએથી કબીર ભૂંડી રીતે પછડાયો હતો, ત્યાંથી ઊભા થઈને નવી લાઈફ શરુ કરવી તેના માટે અશક્ય તો નહીં પણ કઠીન હતું. જીવનમાં પહેલીવાર કોઈ સ્ત્રીએ કબીરની આત્માને આટલી ઝણઝણાટીથી જંજોડ્યો હતો. માનવતા અને મમતાનાં મૂલ્યોનું ભાન કરાવ્યું હતું. હાથથી હોંઠ, અને હોંઠથી હૈયાં સુધી આવી રહેલાં પ્રિતી પ્યાલાને ભરી પીવા મંદબુદ્ધિને આંટી મારે તેવી મુર્ખ શિરોમણીની ઉપાધિ લઈને કરેલાં પાવલીભરનાં પ્રદર્શન પર, પારાવાર પ્રકોપ સાથે પસ્તાવો પણ થતો હતો. પણ હવે વગર કમાને તીર છૂટી ગયા જેવી, કબીરની મુઢાવસ્થા જેવી મનોદશા હતી..

પંદર દિવસની પોલીસખાતા સાથે દરેક વિભાગની ઝીણવટ ભરી તપાસ અને સૌનાં નિવેદન અને પુરાવાઓના અંતે ઓન પેપર સ્પષ્ટ થઇ ગયું કે મિહિર ઝવેરીની હત્યા મીરાં રાજપૂતે જ કરી છે. ચુકાદો આપતાં પહેલાં અંતિમ વાર મીરાંની સફાઈ પૂછતાં મીરાંએ ફરી એ જ વાતનું રટણ કર્યું, 'આ જધન્ય અપરાધ મેં જ કયો છે. મિહિર ઝવેરીનું ખૂન કરવા માટે મને કોઈ જ રંજ નથી.’ અફસોસના લેશમાત્ર અંશ વિહીન મીરાંના ચહેરા પરના ભાવ સાથેનાં આ બેધડક નિવેદનથી કોર્ટમાં સ્તબ્ધતાનું એક મોજું ફરી વળ્યું.

ન્યાયાધીશ તેનો ફેંસલો સુણાવતાં મીરાંને બાર વર્ષની કારાવાસની સજા ફટકારવામાં આવી. આ સાંભળતાં મીરાંએ સસ્મિત બે હાથ જોડીને નત મસ્તકે જજનો આભાર માન્યો. અને... ચિક્કાર મેદની વચ્ચેથી મીરાંને લઇ જવાઈ સેન્ટ્રલ જેલ.

બે દિવસ બાદ વૈશાલીબેનનું સ્વાસ્થ્ય સાધારણ થતાં, અવની તેમને તેનાં ઘરે લઇ આવી. મીરાંને મળવાની વૈશાલીબેનની જિદ્દ આગળ ઝૂકીને એક દિવસ અવની તેમને લઈને સેન્ટ્રલ જેલ લઈને આવતાં મીરાંની દેહાવસ્થા જોઇને વૈશાલીબેન ભાંગી પડ્યા. મજબુત અને મક્કમ મનોબળ કરીને વૈશાલીબેનને ખુબ સાંત્વના સાથે સંભાળતા માંડ માંડ પરિસ્થિતિ થાળે પડી. જતાં જતાં વૈશાલીબેન એટલું જ બોલ્યા...’જે ડર વચ્ચે હું આટલા વર્ષો જીવતી હતી, એ મિહિર ઝવેરી નામનો ડર અંતે જીતી ગયો.’

હવે..મધુકરને મીરાંના ભેદભરમ જેવા ભવના ભાવિ પર પૂર્ણવિરામનાં ચિન્હો દેખાઈ રહ્યાં હતાં. મધુકરે નક્કી કર્યું કે જ્યાં સુધી આ ધમાકાના ધબકારા ધીમા અથવા ધૂંધળા ન પડે, ત્યાં સુધી પરદેશ જતું રહેવું......આગળની ભવિષ્યવાણી મીરાંનું
ભવિષ્ય અને સભાનતા નક્કી કરશે...પણ એવી તે કઈ વાત હશે કે, એ ક્રિમીનલ મિહિર ઝવેરીનું કત્લ કરીને, નિર્દોષ થવાનાં બધાં જ રસ્તા ખુલ્લાં હોવા છતાં ના પડે છે? બસ એ વાતનો કોઈ કાળે તાળો નહતો મળતો.

બે દિવસ બાદ.. વિદેશ જવાના આગલાં દિવસે મધુકર મીરાંને મળવા કારાગૃહમાં ગયા. જેનાં દેહ લાલિત્યને જોતા વેત જ ધબકારો ચુકી જવાય, એ કામણગારી કાયાની સ્વામિનીને કૈદીના પરિવેશમાં જોતાં જ, મધુકરની ચિત્તદશા ચકરી ખાઈ ગઈ. માંડ માંડ જાતને સ્વસ્થ કરતાં પોતાનો નિર્ણય જણાવ્યો. અહીં મીરાંની તમામ જવાબદારી તેના અંગત મિત્રને સોંપી હતી. જતાં જતાં ભારે હૈયે મધુકરે એટલું જ પૂછ્યું..

‘કંઈ કહેવું છે, મીરાં?'

બે મિનીટ અવિરત મધુકરના સજળ નેત્રોમાં જોઈને મીરાં બોલી..

‘મધુ, તને આપણી હનીમુન ટ્રીપ યાદ છે? જયારે ન્યુયોર્કના ટાઈમ સ્કેવર કોફી પીતા મેં તને પેલા કમરેથી વાંકા વળી ગયેલા વૃદ્ધ કપલ તરફ ઈશારો કરીને કહ્યું હતું કે...છેક આ ઉંમરે આપણે અહીં સેટલ થઈશું?'
આટલું સાંભળતા મધુકરના અશ્રુપાતની માત્રા વેગ સાથે વધી ગઈ...
‘ના...એટલો સમય નહીં.. પણ તું અહીંથી બહાર નીકળે એટલે આપણે હંમેશ માટે ત્યાં સ્થાયી થઇ જઈશું. બસ.’

આટલાં દિવસો પછી પહેલીવાર આંખમાં આવેલાં સરતાં આંસુ સાથે મધુકરના ભીના ગાલ લુંછતા મીરાં બોલી...

‘થેન્ક્સ મધુ, બસ તારા આ એક વાક્યના સહારા સાથે હું બાર વર્ષનો વનવાસ વિતાવી લઈશ. તારું ધ્યાન રાખજે. અને...સાંભળ.. બોર્નવિટા પીતો રહેજે.’

જેની જાહોજલાલીની પરિભાષા માટે શબ્દકોશ ટૂંકો પડતો એ વ્યક્તિ બાર વર્ષના કૈદની સજા ભોગવી રહી. છતાં તેનું મનોબળ આટલી હદ સુધીનું મક્કમ અને મજબુત રાખી શકે એ જાણીને જતાં જતાં મધુકરને એમ થયું કે હજુ પણ મોડું નથી થયું...

મીરાંના કારાવાસના સમય દરમિયાન....
અર્જુન અને અવની.. સમયાન્તરે મીરાંને મળવા આવતાં. સૌ પોતપોતાના વિનોદ સાથે વ્યથા ઠાલવીને હળવાં થઇ જતાં. પણ... વૈશાલીબેન માટે અંતે આ આઘાત જીવલેણ જ નીવડ્યો. છ મહિના પછી આવેલાં એક સિવિયર હ્રદયરોગનાં હુમલામાં તેણે અંતિમ શ્વાસ લીધાં. અંત્યેષ્ઠી માટે પરમીશન મળતાં હાજર રહીને કઠોર કાળજે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં વૈશાલીબેનને અશ્રુભીની અંજલિ આપી.

સમય ભૂત, વર્તમાન અને ભાવિના પરિવેશ બદલતો રહ્યો. પાંચ વર્ષ પસાર થઇ ગયા...એક જ વર્ષમાં મધુકર, વિરાણી હાઉસમાં એ જ તેની જૂની ઘરેડ સાથે સેટ થઇ ગયો હતો.. મીરાંની ઘટનાના બીજા જ મહીને કબીરે વિરાણી હાઉસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પાંચ વર્ષ દરમિયાન કબીરે ઘણી વાર મીરાંનો સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા. પણ વ્યર્થ.. મીરાંએ કહ્યું, કે,...

‘જે દિવસે તે સજા પૂરીને બહાર આવશે તે દિવસે પહેલો કોલ તેને કરશે.’

મધુકરના સરકાર સાથેના સતત કોન્ટેક્ટ અને અનુભવી એડવોકેટે કાયદાના આધારે અંતે મીરાંની છેલ્લાં બે વર્ષની સજા માફ કરી દેવામાં આવી અને... દસ વર્ષ પછી, મીરાંએ તપસ્યા જેવા પ્રાયશ્ચિતના પારણાં કર્યા. મીરાં હવે મહદ્દઅંશે ધીર ગંભીર થઇ ગઈ હતી.
અગાઉથી નક્કી કર્યા મુજબ મીરાંની શર્ત હતી કે, જેલમાંથી છૂટ્યા પછીના અડતાળીસ કલાકમાં જ તે ઇન્ડિયા છોડી દેશે..હંમેશ માટે. અને આજે મીરાં અને મધુકર ન્યુયોર્ક જવા એરપોર્ટ પર આવી ગયા હતાં.. મીરાંના શરીર પર મંગળસૂત્ર સિવાય એક પણ ઘરેણું નહતું..અને સાવ સાદગીના લિબાસમાં.. પ્યોર ખાદીની સફેદ સાડી અને બ્લેક બ્લાઉઝ. મધુકરને કહ્યું કે, તમે ચેક ઇન કરો ત્યાં સુધીમાં હું આવી. અગાઉથી જાણ કર્યા પ્રમાણે અર્જુન, અવની અને કબીર સૌ એરપોર્ટ પર આવી ગયા હતા. અવની મીરાંને ભેટીને ખુબ રડી. અર્જુન બસ આંખોના ઝળઝળિયાં સાથે મીરાંને ચુપચાપ જોતો જ રહ્યો...અંતે મીરાંએ તેની બહુપાશમાં લઈને શાંત પાડતાં પૂછ્યું...

‘અર્જુન પેલું કવર લાવ્યો છે?’
‘હા.’ અર્જુન બોલ્યો.
‘ઠીક છે’ એ પછી બાજુમાં ઊભેલા કબીરને સંબોધતા બોલી.
‘મિ.કબીર, અર્જુન તમને એક લેટર આપશે, એ વાંચજો. એટલે કદાચ તમને, પામ્યા વગરના પ્રેમની પરિભાષા સમજાઈ જાય. થેન્ક ગોડ કે... તે રાત્રે તમે દારૂના દમ પર પણ, તમે તમારી અસલી ઔકાત ઓકી નાંખી. અને અર્જુન પહેલાં આ લેટર તું વાંચી લે અને પછી મિ.કબીરને આપજે. પણ હું કોલ કરું પછી જ કવર ઓપન કરજે,’

આટલું બોલ્યા પછી એક સેકન્ડ પણ મીરાં ત્યાં ઊભા રહ્યા વગર જતી રહી.

લગેજ, ઈમિગ્રેશન, સિક્યોરીટી ચેક અને કસ્ટમ્સ, તમામ કાર્યવાહીમાંથી પસાર થઈને ફ્લાઈટની સીટ પર બેઠાં પછી અર્જુનને આદેશ આપ્યો કે... એ લેટર વાંચે...

જેમ કોઈ કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહેલી મિસાઈલને અંતરીક્ષમાં છોડવાની અંતિમ ક્ષણો ગણાઇ રહી હોય, એમ રાહ જોતાં અર્જુને ધ્રુજતા હાથે કવર ખોલીને વાંચવાનું શરુ કરતાં સુધીમાં તો અર્જુનનું સમગ્ર શરીર ધ્રુજવા લાગ્યું.... અંતે એક તીણી ચીસ સાથે રાડ ફાટી ગઈ....

‘ઓહહ.... માય ગોડ.... મીરાં આ તે શું કર્યું ..? હે ભગવાન..!'

અર્જુનની હાલત જોઇને કબીરે લેટર તેના હાથમાં લઈને વાંચતા.... એમ થયું કે.. તેની જાત ઉઘાડી કરીને ફિટકાર સાથે ચાબખાં ફટકારવાનું મન થયું...માત્ર પ્રેમનાં નામ પર આ હદનું સમર્પણ? અને હવે તો... કદાચને કબીર, મીરાં માટે જીવ કાઢી આપી દે તો પણ... તેની કિંમત શૂન્ય હતી.

તે રાત્રે સ્કાયલાઈન હોટલમાં.....

‘મેં કોઈપણ સમય, સંજોગને માત આપી છે. પણ.. મારા જેવા એક અપરિચિત પર તમે અસીમિત શ્રધ્ધા સાથે મને મનોમન અપ્રતિમ આત્મપ્રિયતાને કાબિલ સમજ્યા પછી, મારા કલંકિત ભૂતકાળની સ્યાહીના છાંટા ઉડવાથી, જે હદે તમારો દિવ્યાઆત્મા દુભાવવાનો હું નિમિત્ત બન્યો છું, અને જ્યાં સુધી તમારી નજર સમક્ષ તેનું પ્રાયશ્ચિત નહી કરું, ત્યાં સુધી ઘવાયેલાં મારા સ્વાભિમાનને મોક્ષ નહીં મળે.’
મિહિર ઝવેરીના આ સંવાદ પછી ગળગળી થઈને મીરાં બોલી...

‘મિહિર..., તમે તમારી અસીમિત વહેતી ગ્લાનીની જલધારા, ગંગાથી પણ પાવન છે..
પ્લીઝ.., હવે એકવાર મારી સામેં જુઓ તો ખરા...!’

એ પછી મિહિર બોલ્યો.....
‘હવે મારી વાત સાંભળો.. મારા કોટનાં ખિસ્સામાં રાખેલા કવરમાં એક પત્ર છે. મારા ગયા પછી, એ કોટમાંથી કાઢી લેજો . હું તમને મારો ચહેરો એટલે નથી બતાવી શકતો, કે જે રાત્રે હું તમને એ શ્રધ્ધા અને સ્નેહની ચરમસીમા પર છોડીને ભાગી છૂટ્યો હતો, એ શ્રધ્ધા અને સ્નેહને પામવા છેલ્લાં સાત વરસથી હું ભટકતો હતો અને.... હું તમારી માફી પણ ન માંગી શક્યો, એ ડંખના શરમથી આજે પણ મારું માથું ઝુકી જાય છે.... આજે મિહિર ઝવેરી એક પ્રમાણિક ખાનદાનનું લોહી છે. એ સાબિત કરવા તમારી સમક્ષ પ્રયશ્ચિતનાં પ્રમાણમાં પોતાનાં પ્રાણ અપર્ણ કરે છે...’

મિહિરના શબ્દો પુરા થાય એ પહેલાં તો .......ધાધાધા....ધાડ કરતાં એક ધડકા સાથે મિહિર ઢળી પડ્યો.. અને કાનના પડદા ચીરી નાખે એવી ગળું ફાડતી મીરાંની ચીસ નીકળી ગઈ.... અને ત્યાં મીરાંનો મોબાઈલ રણક્યો.....એ કોલ કબીર નો હતો ...

‘તું..તું તું.. તો રા...’

મિહિરે તેની જ રિવોલ્વર તેના લમણે ધરીને...ટ્રીગર દબાવતા..હવે ત્યાં લોહીથી લથબથ મિહિરની લાશ પડી હતી... એક તરફ બે મિનીટ પહેલાં હસતાં હસતાં વાતો કરતા મિહિરની લાશ અને એક તરફ એ કબીર કે જે.... કરીબ થવા જઈ રહ્યો હતો, તેનો નીચ કક્ષાની ગાળોનો વરસાદ વરસાવતો કોલ...!

સાવ બાઘાની જેમ પુતળું બનીને મિહિરની રિવોલ્વર તેના હાથમાં લઈને, તેની લાશ પાસે ખુદ લાશ જેવી બનીને ડોળા ફાડીને ટગર ટગર લાશને જોતી રહી.
પછી ચોધાર આંસુ સારતાં બોલી......

‘એ મિહિર..સાલા આટલો પ્રેમ કોઈ કરતું હશે? હું રાજપૂત હોવા છતાં મારું ગજું નથી તારા પ્રેમને પહોંચી વળવાનું. હરામી..સાત ... સાત... વર્ષમાં એએએ..એક કોલ... એક એક કોલ ન કરી શક્યો? અરે.... મારા વ્હાલીડા તારા આટલા સમર્પણ માટે તો આ મીરાં રાજપૂત, મારા મિહિર પર એક નહીં સાત સાત જન્મ કુરબાન કરી આપત......હવે રાજપૂત એકલી આ ઋણનો ભાર કેટલા જન્મ ઢસરડશે? બોલ, ઊભો થા, જવાબ દે મને..'

થોડીવાર તો મીરાંને એમ થયું કે... રિવોલ્વરની બાકીની ગોળીઓ જાત પર ધરબીને અહીં મિહિરની બાજુમાં ઢળી જાઉં.... પણ બીજી પળે વિચાયું કે, બસ.. મારાં મિહિરના મહાન પ્રેમ માટે આટલું જ બલિદાન? જીવ આપીને છૂટી જવાનું? ના... એ સાત વર્ષ મને જીવ્યો, તો હું તેના પ્રેમને આજીવન જીવતો રાખીશ... મિહિર મર્યો નથી... મિહિર મરશે નહીં...મિહિરે એક વખત મરીને પ્રેમ સાબિત કર્યો. હું રોજ મરીને તેના પ્રેમને પળ પળ જીવાડીશ...’

તરત જ મિહિરના કોટના ખિસ્સામાંનું કવર કાઢીને તેમનો લેટર વાંચતા મીરાં હસતાં હસતાં બોલી ....’અરે... ઇતના પ્યાર કૌન કરતાં હૈ યારા? ... મર્યા પછી પણ મને પ્રેમ કરે છે. એમ? મિહિરના કપાળ પર ચુંબન કરીને....બન્ને હથેળીઓ વચ્ચે રિવોલ્વર દબાવીને...એક..બે ..ત્રણ.. ચાર.. પાંચ... ગોળીઓ ધરબી દીધી... મિહિરની લાશ પર...અને કોલ કર્યો પોલીસને.....

એરપોર્ટ પર...
એક નહીં... દસ વાર વાંચ્યો એ લેટર કબીરે....

હું મિહિર મનહરલાલ ઝવેરી... આ સ્યુસાઇડ નોટ મારી સ્વ લિખિત છે. હું હોટલ સ્કાયલાઈનમાં મીરાં રાજપૂતની સમક્ષ મારી જ રિવોલ્વરથી આત્મહત્યા કરી રહ્યો છું.
જેના માટે કોઈ દોષી નથી. આત્મહત્યાનું એકમાત્ર કારણ મારી ભૂલથી મીરાં રાજપૂતને મારા પ્રત્યે ઊભા થયેલા શંકા અને અવિશ્વાસનાં નિવારણનો નિવેડો લાવવાં, આ અંતિમ નિર્ણયને અમલમાં મૂકી માફી સાથે પ્રાણ ત્યાગ કરું છું.

હસ્તાક્ષર.... મિહિર મનહરલાલ ઝવેરી.. તારીખ..... સરનામું.... મોબાઈલ નંબર....

ફ્લાઈટ ટેક ઓફ થતાં....

આ જ લેટરનું એક પિક મીરાંએ તેના મોબાઈલના હિડન ફોલ્ડરમાં પાસવર્ડ સાથે સેવ કરીને રાખેલું.... તે ઓપન કરીને મધુકરને વાંચવા આપીને પોતે... કાનમાં લગાવેલા બ્લ્યુટુથ હેડફોન પર...આજે વર્ષો પછી પહેલીવાર એ ગીત પ્લે કર્યું જે તેના બેડરૂમમાં મિહિરની સાથેની મુલાકાતના સમયે અંતિમ વાર સાંભળ્યુ હતું........

‘બેતાબ દિલ કી... તમન્ના યહી હૈ..
‘તુમ્હે ચાહેંગે... તુમ્હે પૂજેન્ગે... તુમ્હે અપના ખુદા બનાયેંગે......’

‘બેતાબ દિલ કી.........................

સમાપ્ત.....

© વિજય રાવલ
vijayraval1011@yahoo.com
૯૮૨૫૩૬૪૪૮૪