Baani-Ek Shooter - 57 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 57

બાની- એક શૂટર

ભાગ : ૫૭



"બાની દીદી....!!"કેદારે ઝડપથી બૂમ મારી. તે સાથે જ એને પોતાનું બૂલેટ બંધ કરી ચાવી એમાં જ રાખી એ ત્વરાથી ઉતર્યો. જેકેટમાંથી પલકવારમાં જ એને પિસ્તોલ કાઢી બાની તરફ ફેંકી. બાની તૈયાર જ હતી. બાનીએ પલકવારમાં જ કેચ પકડી પિસ્તોલ ઝડપથી આરાધના તરફ તૈનાત કરી વધુ નજદીક ગઈ. મિસીસ આરાધના તેમ જ બાનીનું અંતર એક ફૂટ જેટલું જ હશે. કેમ કે બંને આમનેસામને જ તો સોફા પર વાર્તાલાપ કરવા માટે બેઠા હતાં. તે સાથે જ આરાધનાના બે સાગીરતો પોતાની બંદૂકનો નિશાનો લઈને આગળ આવ્યાં. તે બંને સામે કેદારે પોતાની પિસ્તોલ તૈનાત કરી.

બાનીએ મિસીસ આરાધનાના નજદીક જ જઈને પિસ્તોલ તાકી હતી. જ્યારે કેદારે મિસીસ આરાધનાના બંને સાગીરતો સામે પિસ્તોલ તૈનાત કરી હતી જે સામેથી આવી રહ્યાં હતાં. કેદાર અને બાની બંને એકમેકને જોઈ શકતા ન હતાં. બંનેની પીઠ એકમેકને લાગી રહી હતી. બાનીને તો જાણ પણ ન હતી કે મિસીસ આરાધનાના સાગીરતો બેખૌફ થઈને આગળ વધી રહ્યાં હતાં. કેમ કે બાનીએ પોતાનું સર્વસ્વ ધ્યાન પિસ્તોલ તૈનાત કરી ફક્ત મિસીસ આરાધનાના મસ્તિષ્ક પર કેન્દ્ર કર્યું હતું. તે જ સમયે મિસીસ આરાધના જોરથી ચિલ્લાવી, "મારી નાંખશે મને આ.....ઉભા રહો....!!"

બાનીની આંગળી ક્લચ પર હતી. મિસીસ આરાધનાએ બાનીના આંખમાં નરી નિર્દયતા જોઈ લીધી હતી....!! એ સમજી ચુકી હતી કે બાની એને પિસ્તોલથી મારી જ નાંખશે. બાનીના આંખોની એક એક નસ લાલ રંગની થઈ ચૂકી હતી. એનો આક્રોશ આંખોમાંથી ફૂટી રહ્યો હતો. મિસીસ આરાધનાએ પણ જીવનમાં ઘણા લોકો સાથે ખેલ ખેલ્યો હતો. પરંતુ પહેલી વાર એને બાની જેવી વ્યક્તિથી ડર લાગવા લાગ્યો.

બાનીની આંખોમાં રહેલું પ્રતિશોધનું જૂનૂન મિસીસ આરાધના અત્યારે વાંચી શકતી હતી જે એના માથા પર મૌત બનીને ઊભી હતી.

"કોઈ ગોળીબાર નહીં કરશે.... ઊભા રહો....!!" મિસીસ આરાધના ફરીથી ચીખી ઉઠી. એની ચીખમાં કંપન હતું.

બાનીએ તો હજુ મિસીસ આરાધના સામે પિસ્તોલ તૈનાત સિવાય મોઢામાંથી કશા પણ પ્રકારના શબ્દો ઉચ્ચાર્યા ન હતા. પરંતુ મિસીસ આરાધના બાનીની આંખોને વાંચી ગઈ. પહેલીવાર એ મૌતના ડરથી કાપી ઉઠી. બાનીના ખૌફથી એ ડરવા લાગી.

આટલો ડરાવનો માહોલ હોવા છતાં પણ એહાન પોતાના મોબાઈલમાં કશુંક ટાઈપ કરી રહ્યો હતો.

"મિસીસ આરાધના....તારા ભાડાના સાગીરતોને કહી દો...હથિયાર નીચે રાખી દે....જલ્દી....!!" બાનીએ દાંત કચકચાવતાં કહ્યું.

"એ...હથિયાર નીચે ફેંકો....!!" મિસીસ આરાધનાએ ડરતા કહ્યું.

"કે......દાર.....!!" બાનીએ હુકમ આપ્યો.

કેદારે ઝડપથી હુકમ સમજ્યો. એ ખૂબ જ સાવચેતીથી સાગીરતોના નજદીક ગયો. નીચે ખૂબ જ ધ્યાનથી પરંતુ ઝડપથી વળી એને બંને બંદૂક ઊંચકી પાછળથી પગલાં ચાલતો એ બાનીના પીઠ સાથે સહેજ ટકરાયો અને ઉભો રહ્યો.

"એહાન બૂલેટ સંભાળ...!!" બાનીએ હુકમ કર્યો.

હુકમ સાંભળતાની સાથે એહાને બૂલેટ સંભાળ્યું. ગજબની શાંતિમાં ફક્ત બુલેટનો ઘુરઘુર કરતો સ્વર સંભળાવા લાગ્યો. પરંતુ બૂલેટ હજુ એના સ્થાને જ ઉભું હતું.

"કેદાર....!!" બાનીએ ફરી હુકમ કર્યો.

કેદાર ઝડપથી એહાનના પાછળ બેસ્યો. પરંતુ એ ઉલટો બેસ્યો. એને બંને લાંબી બંદૂકને એવી રીતે પોતાના પગની નીચે ગોઠવી કે બંને પડી ન જાય. તેમ જ ખૂબ જ આસાનીથી એને પિસ્તોલ પણ મિસીસ આરાધનાના સાગીરતો સામે તૈનાત કરી રાખી.

"ચાલો મૈડમ....!! હવે આપણે રમીએ રમત....!!" બાનીએ મિસીસ આરાધનાના મસ્તિષ્ક પર પિસ્તોલ ટેકવી, ચાલવાનો હુકમ આપ્યો. મિસીસ આરાધના ડરતા ધીમેથી ચાલવા લાગ્યાં. બાનીએ પણ ધીમેથી ચાલતા ચારેતરફ બાજ નજર ફેરવતી તેમ જ આરાધના પર નજર રાખી સાવચેતીથી પગલાં ભરતી આગળ વધવા લાગી.

બંગલાના મુખ્ય મોટા દ્વારને પાર કરવાના જ હતાં ત્યાં જ લિવિંગ રૂમમાં ઉભેલો આરાધનાના એક સાગીરતમાં હિલચાલ દેખાવા લાગી. એ જોઈ બાની બરાડી," ચાલાકી નહીં....!! એ પીલ્લાઓ તમારી જાન લેવામાં મને જરા પણ રસ નથી."

બાનીની ચીખ સાંભળી મિસીસ આરાધનાનો સાગીરત ત્યાં જ સાવધાનમાં ઊભો રહ્યો.

બાની અને મિસીસ આરાધના મુખ્ય દ્વાર વટાવી ચુક્યા હતાં. બંને બહારની તરફ આવ્યા. ત્યાં જ મિસીસ આરાધનાના બે દ્વારપાલ બેહોશી હાલતમાં પડ્યા હતાં. મુખ્ય દ્વારના દાદરાની નીચે ઉતરતાં જ બાનીનો સાગીરત જોની પિસ્તોલ લઈને ખડો હતો.

બાની અને મિસીસ આરાધના બંગલાની લોન વટાવી બહાર જવાના ગેટ પર આવ્યાં ત્યાં પણ મિસીસ આરાધનાનાં બે સાગીરતો બેહોશીની હાલતમાં પડ્યા હતાં. એ ગેટ પર બાનીનો સાગીરત એટલે કે ટિપેન્દ્રનો ખાસ આદમી રૂસ્તમ પણ પિસ્તોલ લઈને ખડો હતો.

ગેટની ત્રણ ફૂટ દૂર એક બ્લેક મસડીઝ કાર ઊભી હતી. જેનો દરવાજો પહેલાથી જ ખુલ્લો હતો. કાર દેખાતાં જ બાનીએ ઝડપથી મિસીસ આરાધનાને પિસ્તોલનાં ખૌફથી કારમાં બેસાડી. કારમાં બેસતાની સાથે જ બાજુમાં બેઠેલો ઈવાને મિસીસ આરાધનાના મોઢે ઝડપથી પટ્ટી લગાવી દીધી તેમ જ બંને હાથ દોરડાથી બાંધી લીધા. બાનીએ કારનો દરવાજો બંધ કરી લીધો. તેમ જ પોતે ભાગતી આવી ડ્રાઈવર સીટ પર જઈ ગોઠવાઈ. બાનીએ રફતારમાં મસડીઝ ભગાવી.

"એહાન બૂલેટ ભગાવ..!!" કેદારે એહાનને સ્થિતીથી અવગત કરાવતાં કહ્યું. એહાને બૂલેટ લિવિંગરૂમમાંથી સંભાળીને મુખ્ય દ્વારમાંથી બહાર કાઢ્યું. મુખ્ય દ્વારની દાદરા નીચે ઉભેલો જોની ભાગતો ઉપર આવ્યો અને બૂલેટ નીકળતાની સાથે દ્રારને ઝડપથી બંધ કરી નાંખ્યો. સામે દાદરા હોવાથી એહાને બૂલેટ બંધ કર્યું. કેદાર પાસેથી ઝડપથી જોનીએ બંને બંદૂકો લઈ લીધી. કેદાર બૂલેટ પરથી ઉતરી ગયો. ત્યારબાદ એહાન ઉતર્યો.

એહાન અને જોની ઝડપથી દાદરા ઉતર્યા. કેદારે બૂલેટ સંભાળ્યું અને ઘણી જ સલુકાઈથી બેલેન્સ જાળવી બુલેટને છએક જેટલા દાદરા પરથી ઉતાર્યું. બૂલેટ ફરી ઉભું રહ્યું. એહાન ઝડપથી કેદારના પાછળ ગોઠવાયો. બૂલેટ પણ મસડીઝનાં માર્ગે સ્પીડમાં ભાગવા લાગ્યું.

જોનીએ કેદાર પાસેથી લીધેલી બંદૂકોને ત્યાં જ છોડી એ પણ ભાગતો બહારની ગેટની તરફ આવ્યો. જ્યાં રૂસ્તમ પહેલાથી જ બાઈક લઈને જોનીની રાહ જોતો ઉભો હતો. જોની રૂસ્તમનાં પાછળ ગોઠવાયો. બૂલેટનાં પાછળ રૂસ્તમનું બાઈક પૂર ઝડપે ભાગવા લાગ્યું.

મિસીસ આરાધનાના સાગીરતો, કેદાર જે બૂલેટ લઈને કાચની બારી તોડીને આવ્યો હતો એમાંથી સાવચેતીથી બહાર નીકળવાની મંથામણ કરી રહ્યાં હતાં.

****

"મિસીસ આરાધના મારા અડ્ડા પર તમારું સ્વાગત છે." બાનીએ કહ્યું." આપની ખાતીરદારી તો જરૂર થશે." બાનીએ મિસીસ આરાધનાની મોઢા પરથી પટ્ટી હટાવી દીધી. મિસીસ આરાધના ખાસવા લાગી.

"પાણી આપી દો મેડમને...!!" બાનીએ કહ્યું.

મિસીસ આરાધનાનું હાથનું દોરડું છોડવામાં આવ્યું અને એને પાણી આપવામાં આવ્યું.

"મિસીસ આરાધના આને ઓળખો છો??" ટિપેન્દ્ર તરફ ઈશારો કરતાં કહ્યું.

ટિપેન્દ્રને ધ્યાનથી મિસીસ આરાધના જોવા લાગ્યાં.

"મિસીસ આરાધના મગજ પર ભાર નહીં આપો. ટિપેન્દ્ર પડદા પાછળનો આદમી રહ્યો છે. એકદમ સસ્પેન્સ...!!" બાનીએ કહ્યું.

મિસીસ આરાધના ટિપેન્દ્રનાં ચહેરાને ધ્યાનથી ઓળખવાં લાગી પરંતુ એને કશું પણ યાદ આવ્યું નહીં.

"મિસીસ આરાધના...!! આ છે ટિપેન્દ્ર...!! 'બાની-એક શૂટર' ફિલ્મના રચેતા...!! અભિનેત્રી પાહીને ઉંચાઈના માર્ગે પહોંચાડનાર તેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તમારા પ્રોડક્શન હાઉસને ટક્કર આપનાર...!! નથી ઓળખતા મિસીસ આરાધના તમે નથી ઓળખતા...!! ખૈર આ વાત આપણે પછી કરીશું. તમે જે અધૂરી વાત તમારા બંગલે છોડી હતી એ અહીં ચાલુ રાખો." બાનીએ કહ્યું અને ઈવાન તરફ ડનનો ઈશારો કર્યો. ઈવાને કેમેરા ઓન કર્યો.

તે જ સમયે એહાન ફરી કશું મોબાઈલમાં ટાઈપ કરી રહ્યો હતો.

મિસીસ આરાધનાએ અસહાય થઈને ફરી વાતની શુરુઆત કરી.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)