Jamairaj books and stories free download online pdf in Gujarati

જમાઈરાજ

" મારે આ એડ્રેસ ઉપર જવું છે. મને જરા ગાઈડ કરશો ? "

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રીક્ષા ઉભી રખાવીને વાડીગામ ભજીયા હાઉસની બાજુમાં ઊભેલા એક શિક્ષિત દેખાતા વડીલને ધર્મેશે ચિઠ્ઠી બતાવી.

"અચ્છા તો તમારે પુનિત પોળ માં જવું છે ! જુઓ આ સામે દેખાય ને એ જ પુનિત પોળ ! તમે અંદર જઈને પૂછી લેજો ને. કારણ કે પોળ તો મોટી છે અને હું એ પોળમાં નથી રહેતો. "

ધર્મેશે રીક્ષાવાળાને પૈસા ચૂકવી છૂટો કર્યો અને
જરાક આગળ ચાલીને પુનિત પોળમાં પ્રવેશ કર્યો. થોડુક અંદર ચાલીને ચોક વટાવ્યા પછી એક મકાનની બહાર ચોકડીમાં બેસીને કપડાં ધોતા એક બેનને એણે પૂછ્યું.

" ગૌરીબેન ત્રિવેદીના ઘરે જવું છે. તમે એમને ઓળખતા હો તો જરા ઘર બતાવશો ? "

" તમે ક્યાંથી આવો ભાઈ ?"

" જી માસી હું મુંબઈથી આવું છું."

" અરે મનિયા... આ ભાઈને ગૌરીબેન ના ઘરે લઈ જા ને !! એમના મહેમાન લાગે છે."

એ બહેને એક છોકરાને મોટેથી બૂમ પાડી. મનિયો નજીક આવ્યો એટલે ધર્મેશ એની પાછળ પાછળ આગળ ચાલ્યો. એકસરખી ડિઝાઇન નાં તમામ મકાનો હતાં.

સવિતાબેનની બૂમ સાંભળીને આજુબાજુના ઘરની બે ત્રણ સ્ત્રીઓ પણ દરવાજા પાસે આવીને ધર્મેશને જોવા લાગી.

"તોરલને જોવા જ કોઈ મુરતિયો આવ્યો લાગે છે. નહીં તો છેક મુંબઈથી ગૌરીબેન ના ઘરે કોણ આવે ? એમના સગાવાલામાં તો કોઈ છે જ નહીં !! " મીનાબેન બોલ્યાં.

પોળની પંચાત શરૂ થઈ પણ ધર્મેશ ઘણો આગળ નીકળી ગયો હતો.

મનિયાએ હાથ લાંબો કરીને ગૌરીબેનનું ઘર બતાવી દીધું. સવારના નવ વાગ્યાનો સમય હતો. લગભગ સાત વાગે કાલુપુર સ્ટેશને ઉતરીને પહેલાં તો સ્ટેશનની બરાબર સામે આવેલી એક હોટલમાં ધર્મેશ ગયો હતો. નાહી ધોઈને ફ્રેશ થઈ ચા પાણી પી રીક્ષા કરીને એ દરિયાપુર આવ્યો હતો. અમદાવાદમાં પહેલી જ વાર આવતો હતો એટલે અહીંના કોઈપણ એરિયાની એને કંઈ જ ખબર નહોતી.

ગૌરીબેન ના ઘરના બે પગથિયાં ચઢી એણે જાળી ખખડાવી. ઘર તો ખુલ્લું જ હતું પણ જાળી આડી કરેલી હતી. જાળી ખોલવા માટે તોરલ જ આવી. પગથિયા ઉપર બેગ લઈને એક ખૂબસૂરત યુવાન ઊભો હતો. તોરલ ઓળખી શકી નહીં એટલે એણે મમ્મીને બૂમ પાડી.

" મમ્મી કોઈ મહેમાન આવ્યા લાગે છે."

તોરલની બૂમ સાંભળીને ગૌરીબેન પણ ઝડપથી અંદરના ઓરડામાંથી બહાર આવ્યા.

" તમારે કોનું કામ છે ભાઈ ? " ગૌરીબેન પણ આ યુવાનને ઓળખી શક્યા નહીં.

" માસી હું તમારા ઘરે જ આવ્યો છું. મુંબઈથી આવું છું. અંદર તો આવવા દો. "

" હા હા આવો ને " કહી ગૌરીબેન બાજુમાં ખસી ગયા અને ધર્મેશ ને બેસવા માટે ખુરશી આપી.

" ઓળખાણ ના પડી ભાઈ ! "

" માસી હું મુંબઈથી આવું છું. મારું નામ ધર્મેશ મહેતા છે. હું તો તમને પણ નથી ઓળખતો. હું તો તમારી અમાનત આપવા આવ્યો છું. તમે ધરમશીભાઈને ઓળખો છો ? દાદર માં રહેતા હતા ! "

નામ સાંભળીને ગૌરીબેન ભડકી ગયા. એક જબરદસ્ત આંચકો લાગ્યો એમને. વર્ષો પહેલાના સંબંધો ઉપર જામેલી ધૂળ ખંખેરવા આવ્યો હતો આ યુવાન !! ગૌરીબેન નામ સાંભળીને જ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા.

" ભાઈ તમે ઉભા થઈ જાવ તમે જે પણ હો !! મારે કોઈ અમાનત જોઈતી જ નથી. પાછી આપી દો એમને અને ફરી ક્યારે પણ મારા દરવાજે આવતા નહીં."

ધર્મેશ તો આભો જ બની ગયો ! એને તો કલ્પના પણ નહોતી કે ગૌરીબેન આવું રિએક્શન આપશે !

" માસી ધરમશીભાઈ આ દુનિયામાં હયાત નથી. અત્યારે એમનું પોતાનું પણ કોઈ જ સ્વજન નથી. ત્રણ દિવસ પહેલાં જ મારી હોટલમાં તેમનું અવસાન થયું છે. મૃત્યુના આગલા દિવસે આ બેગ એમણે મને આપી છે અને તમારા એડ્રેસની આ ચિઠ્ઠી !!" કહીને ધર્મેશે એડ્રેસ ની ચિઠ્ઠી ગૌરીબેન ના હાથમાં મૂકી.

બરાબર એ જ મરોડદાર અક્ષર ! ગૌરીબેન ચિઠ્ઠીના અક્ષરો ઓળખી ગયા. આ યુવાન ખોટું નહોતો બોલતો. એની વાણીમાં પણ સચ્ચાઈ હતી ! ધરમશીનું અવસાન થઈ ગયું હતું. ભલે એમણે કાયદેસર રીતે એમની સાથે લગ્ન નહોતા કર્યા પણ પોતે તો એમને જ પતિ માનીને આખી જિંદગી ગુજારી હતી.

વર્ષો પહેલાં પોળમાં રહેવા આવ્યા ત્યારે પોતે છૂટાછેડા લીધેલા છે એવી જ વાત જાહેર કરેલી. માત્ર તોરલને એમણે વાત કરેલી અને તે પણ જ્યારે એ અઢાર વર્ષની થઈ ત્યારે !! આજે હવે એ વિધવા થઇ ચુક્યા હતા. ધરમશીના મૃત્યુની વાતથી એમની આંખોમાં પાણી આવી ગયાં.

" આ બેગમાં દસ લાખ રૂપિયા રોકડા છે માસી. આ બેગ વિશે કોઈ જ જાણતું નથી. હું ધારત તો આ દસ લાખ રૂપિયા પોતે જ ઘરે લઈ જાત. આ નાની રકમ નથી. પણ હું પ્રમાણિક છું. અંકલે મારામાં વિશ્વાસ રાખીને આ બેગ મને સોંપી છે. હું એમનો વિશ્વાસઘાત ના કરી શકું. "

ગૌરીબેન ઠંડા પડ્યા. એમને લાગ્યું કે એ ખોટા ગુસ્સે થઈ ગયા. દસ લાખ જેવી મોટી રકમ લઈને આ યુવાન પોતાના દરવાજે આવ્યો હતો. પોતે સિલાઈ અને બે ત્રણ ઘરે રસોઈ કરીને ગુજરાત ચલાવતા. બ્રાહ્મણ હતાં એટલે પાડોશીઓ પણ એમને નાનીમોટી મદદ કરતા રહેતા. આવી સંઘર્ષની જિંદગીમાં દશ લાખ તો ઘણી મોટી રકમ હતી !!

" માફ કરજો ભાઈ...હું એ માણસને ભૂલી ચૂકી છું. પણ કંઈ નહીં.... મને તમે માંડીને વાત કરો હવે..... અને તોરલ તું આ ભાઈ માટે ચા મુક "

" ના માસી ચા તો હું હોટલમાં પીને આવ્યો છું"

" ભલે પીને આવ્યા. ચા પીધા વગર એમ થોડું ચાલે ! તમારે આજે જમવાનું પણ અહીં જ છે. તમે છેક મુંબઈથી સ્પેશિયલ મારા ઘરે આવ્યા છો. હવે તમે મને બધી વાત કરો " ગૌરીબેન બોલ્યાં. .

અને ધર્મેશે ચાર દિવસ પહેલાની એ ઘટના યાદ કરી. અથ થી ઇતિ સુધી સમગ્ર ઘટના વિગતવાર એણે ગૌરીબેનને કહી.....

મુંબઈમાં મલાડની એક હોટલમાં એ મેનેજર હતો. રવિવાર સવારના દસ વાગ્યાનો સમય હતો. ધરમશી ગોટેચા હોટલ ઉપર આવ્યા. ધર્મેશ એમને ઓળખતો હતો. ધર્મેશના પપ્પાના એ જુના મિત્ર હતા. આ હોટલ પણ ધરમશી અંકલના એક મિત્રની હતી અને ધર્મેશ ને આ હોટલમાં જોબ પણ ધરમશી અંકલે જ અપાવી હતી. આજે રવિવાર હોવાથી રિસેપ્શનિસ્ટ રજા ઉપર હતો એટલે ધર્મેશ પોતે જ રિસેપ્શન કાઉન્ટર સંભાળતો હતો !

" અરે અંકલ તમે !! "

" હા ધર્મેશ એક-બે પાર્ટીને હોટલમાં જ મારે મળવાનું છે એટલે બે દિવસ માટે મને એક રૂમ આપી દે. "

ધર્મેશે રાબેતા મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને મશીનમાં એની ઝેરોક્ષ કોપી કાઢી લાયસન્સ પાછું આપ્યું. રજીસ્ટરમાં એન્ટ્રી કરી ધરમશીભાઈની સાઈન કરાવી દીધી. રૂમ નંબર 213 ની ચાવી આપી. સામાનમાં એક બેગ અને એક બ્રિફકેસ હતી. ધરમશીભાઈએ બ્રિફકેસ પોતાની સાથે રાખી. રૂમ એટેન્ડન્ટ બેગ લઈને એમની સાથે ગયો.

બપોરે લગભગ સાડા બાર વાગે ધરમશીભાઈ નીચે કાઉન્ટર ઉપર આવ્યા. ધર્મેશ ત્યારે કાઉન્ટર ઉપર એકલો જ હતો.

" ધર્મેશ થોડીક અંગત વાત કરવી હતી. સાંજે ડ્યુટી પૂરી થાય એટલે શિવ સાગર રેસ્ટોરન્ટ ઉપર આવી જજે ને !! "

" છ વાગે મારી ડ્યુટી પૂરી થાય છે. લગભગ સવા છ વાગે હું પહોંચી જઈશ. "

" ઠીક છે આપણે ત્યાં મળીએ છીએ. જય જલારામ. "

" જય જલારામ " ધર્મેશે પણ હાથ જોડીને કહ્યું.

સાંજે બરાબર છ અને પંદર મિનિટે ધર્મેશ શિવસાગર પહોંચી ગયો. ખૂણાના એક ટેબલ ઉપર ધરમશીભાઈ બેઠા હતા. ધર્મેશ એમની પાસે પહોંચી ગયો. ધરમશીભાઈ એ કોલ્ડ્રિંક્સ મંગાવ્યું.

" જો ધર્મેશ, મારી જિંદગી નું કંઈ ઠેકાણું નથી. ક્યારે શું થઈ જાય એ હું પોતે પણ જાણતો નથી. કાલે હું હોટલ છોડી દેવાનો છું. તારે પ્લીઝ કોઈ પણ હિસાબે મારું એક કામ કરવાનું છે. તારા પપ્પા હયાત હોત તો હું સીધો તારા ઘરે જ આવત. મને તારા ઉપર પૂરો ભરોસો છે. "

" હું તને આ બ્રિફકેસ સોંપી રહ્યો છું. તેમાં રોકડા દસ લાખ રૂપિયા છે. ગઈ કાલે મારી બેંકમાંથી જ ઉપાડેલા આ પૈસા છે. બોરીવલીના મારી પ્રોપર્ટીના પેપર પણ છે અને મારું વિલ પણ છે. તારી અનુકૂળતાએ આ એડ્રેસ ઉપર આ બ્રિફકેસ પહોંચાડવાની છે " કહીને ધરમશીભાઈએ ધર્મેશને બ્રિફકેસ અને એક ચબરખી આપી.

" અંકલ હું સમજી શકતો નથી કે આટલી મોટી રકમ તમે મને કેમ સોંપી રહ્યા છો ? "

" કારણકે તું મારા પરમ મિત્ર જુગલકિશોર નો દીકરો છે !! આજે પહેલીવાર તારી સામે એક સત્ય રજૂ કરી રહ્યો છું. તારા પપ્પા આ વાત જાણતા હતા. હવે તારે પણ જાણવી જરૂરી છે. શાંતિથી મારી વાત સાંભળ."

" ત્રેવીસ વર્ષ પહેલાં મેં ગૌરી નામની એક બ્રાહ્મણ કન્યા સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. જોગેશ્વરીમાં મારી કેમિકલની એક નાનકડી ફેક્ટરી હતી. ગૌરી મારી ફેક્ટરીમાં જોબ કરતી હતી. એની માતાનું મૃત્યુ થયું હતું અને એના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. ઓરમાન માના ત્રાસથી ગૌરી ઘરેથી ખૂબ જ દુઃખી હતી. મને એના માટે લાગણીઓ જન્મેલી અને છેવટે એ પ્રેમમાં પરિણમી. ગૌરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. એ મારાથી દસ વર્ષ નાની હતી."

" હું પરણેલો હતો એ ગૌરી જાણતી હતી. એ મને પણ ખૂબ પ્રેમ કરતી હતી પણ હું પરિણીત હોવાથી એ બહુ આગળ વધતી નહોતી. મેં એને એવી વાત કરી કે મારો ડિવોર્સનો કેસ ચાલે છે. છ-બાર મહિનામાં મને છૂટા-છેડા મળી જાય પછી આપણે કાયદેસર લગ્ન કરી લઈશું. ત્યાં સુધી તને અત્યારે એક અલગ રુમ લઇ આપું છું. એ મારી વાતોમાં આવી ગઈ. "

" એણે પિતાના નામે એક ચિઠ્ઠી લખીને ઘર કાયમ માટે છોડી દીધું. ચિઠ્ઠીમાં એવું લખ્યું કે એ કોઈ યુવાનના પ્રેમમાં છે અને એની સાથે લગ્ન કરીને કાયમ માટે ઘર છોડી રહી છે. એ ખૂબ સમજદાર હતી. એણે મારું નામ ના દીધું. "

" ભૂલેશ્વરના એક માળામાં રૂમ રાખીને હું એને ત્યાં લઈ ગયો. એના પિતા તપાસ કરવા માટે મારી ફેક્ટરીએ પણ આવેલા પણ મેં કહ્યું કે કેટલાક દિવસથી ગૌરી આવતી નથી અને એણે નોકરી છોડી દીધી છે. બે વર્ષ સુધી ગૌરીને અંધારામાં રાખીને હું સંસાર ભોગવતો રહ્યો. "

" મારુ પોતાનું ઘર દાદરમાં હતું. ધંધાના કામે બહારગામ જવાના બહાના હેઠળ હું અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ગૌરી સાથે જ રહેતો. લગભગ બે વર્ષ સુધી આ પ્રમાણે ચાલ્યું. મારે પોતાને કોઈ સંતાન નહોતું. બે વર્ષ પછી ગૌરીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. "

" અચાનક એક દિવસ મારી પત્નીને ગૌરી વિશેની જાણ થઈ. મારા સાળાઓ બહુ જ માથાભારે હતા. ભૂલેશ્વર જઈને ગૌરીને એમણે ખૂબ જ ટોર્ચર કરી અને ધમકી પણ આપી. ગૌરીને પણ બધી સત્ય હકીકતની તે દિવસે જાણ થઈ ગઈ. ગૌરી રાતોરાત મુંબઈ છોડીને અમદાવાદ જતી રહી."

" ગૌરી અમદાવાદમાં રહે છે એની મને તો હમણાં છ મહિના પહેલા જ જાણ થઈ. દસ વરસથી હું એને શોધતો હતો. ગૌરીની મેં બહુ જ તપાસ કરી પણ મને ક્યાંયથી એનો પત્તો ન મળ્યો ! ગૌરી ગયા પછી મારું દાંપત્યજીવન એકદમ કડવું થઇ ગયું. મેં કોઈ બીજી સ્ત્રી ને રુમ લઇ આપ્યો હતો અને એણે મારી દિકરીને જન્મ પણ આપ્યો હતો એ જાણ્યા પછી મારા ઘરમાં ઝઘડા વધી ગયા અને મારી પત્નીએ મારાથી ડિવોર્સ લઈ લીધા. બહુ મોટી રકમ ચૂકવવી પડી. "

" હું જિંદગીથી ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. ગૌરી ને ગુમાવી દીધી હતી એનું બહુ દુઃખ હતું. આત્મહત્યાના પણ વિચારો આવતા હતા. ફેક્ટરી પણ વેચી નાખવી પડી હતી. પૈસે ટકે ખુવાર થઈ ગયો હતો. એક દિવસ અચાનક તારા પપ્પા જુગલકિશોર મને મળી ગયા. અમે બંને કોલેજમાં સાથે જ હતા. મારી હાલત જોઇને એમને દયા આવી. "

" એ મને દલાલ સ્ટ્રીટ લઇ ગયા અને એક મોટા શેરબ્રોકર ના ત્યાં નોકરી અપાવી. એક વર્ષ નોકરી કર્યા પછી મને પોતાને પણ શેર બજાર ની આંટીઘૂંટીઓ માં ખબર પડવા લાગી. જે પણ પૈસા મને મળતા એ હું શેર બજારમાં રોકતો ગયો. કિસ્મતે સાથ આપ્યો. પાંચેક વર્ષમાં તો હું પચાસ લાખ રૂપિયા કમાયો."

" બરાબર એ જ સમયે તારા પપ્પાનો ખરાબ સમય ચાલુ થયો અને એ કર્જા માં આવી ગયા. શેર બજાર ની ઓફિસમાં આવીને એ મને મળ્યા. પોતાની બધી આપવીતી મને કહી. જે લોકો એમને રોજ ધમકી આપતા હતા એવા લોકોના પાંચ લાખ રૂપિયા મેં ચૂકવી દીધા. તું ગ્રેજ્યુએટ થઈ ગયો હતો અને જોબ શોધતો હતો એવું એમણે કહ્યું એટલે મેં મારા મિત્રની આ હોટલમાં તને જોબ અપાવી દીધી. મારી ભલામણથી તને મેનેજર પણ બનાવી દીધો."

ધર્મેશ ધરમશીભાઈ ની વાત સાંભળી રહ્યો. એ પપ્પાના મિત્ર હતા પણ એમણે પાંચ લાખ જેટલી મદદ પણ પપ્પાને કરેલી એ આજે પહેલીવાર જાણવા મળ્યું. ધરમશીભાઈ ના પોતાના ઉપર ઘણા ઉપકાર હતા.

" બેટા આજે મારી ઉપર ત્રણ કરોડનું દેવું છે. હું હવે અહીં રહી શકું તેમ નથી. બહુ મોટો સટ્ટો મારાથી થઈ ગયો અને એ જ દિવસે શેરબજાર તૂટી પડ્યું. આમાંથી બેઠા થવું શક્ય જ નથી.

" બહુ વિચારીને મેં મારું વિલ બનાવ્યું છે. મારી પ્રોપર્ટી ઉપર કોઈ ટાંચ આવે તે પહેલા બોરીવલીની મારી પ્રોપર્ટી હું ગૌરીને આપી રહ્યો છું. મારા સહી કરેલા તમામ ડોક્યુમેન્ટ આ બ્રિફકેસમાં છે. ગૌરી એમાં સહી કરીને રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને પ્રોપર્ટી પોતાના નામે કરાવી શકશે. જરૂર પડે તો તું એને મદદ કરજે. "

" અને બીજી એક વાત. મેં મારી દીકરીને જોઈ નથી. આજે તો એ એકવીસ વર્ષની થઈ ગઈ છે. એવું સાંભળ્યું છે એની મમ્મીની જેમ એ પણ ખૂબ રૂપાળી છે. હું ઈચ્છું છું કે તને જો એ પસંદ આવે તો તું એની સાથે લગ્ન કરી લે. તારા લાઇફમાં બીજું કોઈ પાત્ર હોય તો મારું કોઈ દબાણ નથી. મારી દીકરીને જોયા પછી જે તે નિર્ણય લેજે. તારા ઘરે એ સુખી થશે. મારા તમને બંનેને આશીર્વાદ છે. તું જુગલકિશોર નો દીકરો છે. તારી સાથે લગ્ન થશે તો મને આનંદ થશે. લગ્ન પછી તું મારા બોરીવલીના ફ્લેટમાં પણ શિફ્ટ થઇ શકે છે. મેં આ બ્રિફકેસમાં એક પત્ર પણ બંધ કવરમાં મૂકેલો છે. ગૌરી ને કહેજે કે એ વાંચી લે. "

" ભલે અંકલ. . એકાદ વીકમાં હું અમદાવાદ ચોક્કસ જઇ આવું છું અને ગૌરીમાસીને આ દસ લાખ પણ આપી આવું છું. પણ તમે હવે ક્યાં જશો ? મારા ઘરે પણ થોડા દિવસ રોકાઇ શકો છો. "

" ના બેટા.... મુંબઈમાં હું રહી શકું એમ નથી. રકમ ધાર્યા કરતાં ઘણી મોટી છે. જે લોકોના પૈસા લઈને મેં આ સટ્ટો કર્યો છે એ બહુ મોટાં માથાં છે. મારા ઉપર જીવનું જોખમ છે. રાત્રે ઉંઘી પણ શકતો નથી. "

" ઠીક છે અંકલ. તમારું કામ થઈ જશે. તમારી દીકરી પણ જો સંમત થશે તો લગ્ન માટે ચોક્કસ વિચારીશ. "

વાત પૂરી કરીને બંને જણાએ કોલ્ડ્રિંક્સ પણ પૂરું કર્યું અને ઉભા થયા. ધર્મેશ બ્રિફકેસ લઈને પોતાના ઘરે ગયો.

બીજા દિવસે સવારે સાત વાગે ધર્મેશ ઉપર હોટલમાંથી ફોન આવ્યો કે 213 નંબર વાળા અંકલે રાત્રે પંખે લટકીને સુસાઇડ કરી લીધો છે.

ધર્મેશ રીક્ષા કરીને તરત હોટલ આવી ગયો. પોલીસને ફોન કર્યો. પંચનામું કર્યું. અંકલ વિશે કોઈને કંઈ જ ખબર નહોતી. અંકલે માત્ર ચાર લાઈનની સુસાઇડ નોટ લખી હતી.

' મારા મૃત્યુ માટે કોઇ જ જવાબદાર નથી. કરોડોનું દેવું થઈ જતાં આત્મહત્યા નો નિર્ણય મેં લીધો છે.....ધરમશી ગોટેચા '

ધર્મેશે પણ ચૂપ રહેવાનું પસંદ કર્યું. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી અને પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડીને લઈ ગઈ......

ધર્મેશે આ બધી વાત ગૌરીબેનને વિગતવાર કરી. માત્ર ગૌરીબેનની દીકરી સાથે લગ્ન કરી લેવાની ધરમશીભાઈ એ જે વાત કરેલી તે હાલ પૂરતી છુપાવી.

" બસ માસી... માત્ર તમારી આ અમાનત આપવા માટે જ અમદાવાદ આવ્યો છું. તમે પૈસા ગણી લો અને સાથે એક કવર છે એ પણ વાંચી લો. " ધર્મેશે ગૌરીબેનને કહ્યું અને તોરલે બનાવેલી ચા એણે પી લીધી.

" પૈસા ગણવાની તો કોઈ જરૂર નથી ભાઈ. તમારી આ બધી વાત સાંભળ્યા પછી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. એ મને સાચા હૃદયથી પ્રેમ કરતા હતા તે મને આજે ખબર પડી. આજ સુધી તો હું એમ જ માનતી હતી કે મારી સાથે એમણે દગો કર્યો છે. મેં એમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. આજે હું ખરા અર્થમાં વિધવા થઈ ગઈ છું. "

" માસી તમે દુઃખી ન થશો. અંકલે તમારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. દસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ અને બોરીવલી નો પચાસ લાખનો ફ્લેટ એમણે તમારા નામે કરી દીધો છે. તમે હવે મુંબઈ આવી જાવ. "

ગૌરીબેને બ્રિફકેસ ખોલીને અંદરથી કવર બહાર કાઢ્યું અને એ ખોલીને પત્ર વાંચવાનું ચાલુ કર્યું. તોરલ પણ મમ્મીની પાસે બેસી ગઈ અને એ પણ પત્ર વાંચવા લાગી. ધર્મેશ તોરલના અદભુત સૌંદર્યને એકીટશે જોઈ રહ્યો.

" ગૌરી...
આપણા સંબંધો ઉપર દસ-દસ વર્ષની ધૂળ ચડી ગઈ છે એટલે ભૂતકાળને હું યાદ નથી કરાવતો. 6 મહિના પહેલા તારા સમાચાર મને મળ્યા કે તું અમદાવાદમાં છે ત્યારે સૌથી વધુ આનંદ મને થયેલો કે મારી ગૌરી સલામત છે. બે મહિના ની દીકરી આજે એકવીસ વર્ષની થઈ ગઈ પણ હું એને મળી શકયો નથી એનું મને દુઃખ છે. એનું નામ શું છે એ પણ મને તો ખબર નથી અને એ તો મને ક્યાંથી ઓળખતી હોય ?

દસ વર્ષમાં તમે લોકોએ ખૂબ જ દુઃખ વેઠ્યા હશે એ હું જાણું છું અને એટલે જ મારી પાસે જે પણ બચત છે એ તમામ બચત ઉપાડીને તમને લોકોને મોકલી રહ્યો છું. બોરીવલીનો મારો ફ્લેટ પણ તારા નામે કરી દીધો છે. તમે લોકો મુંબઈ આવી જશો તો મારા આત્માને આનંદ થશે કારણકે આત્મહત્યાનો નિર્ણય તો મેં ક્યારનોય લઈ લીધો છે. મને માફ કરી દેજો. નવા જનમમાં આપણે જરૂર મળીશું.

ધર્મેશ મારા મિત્રનો દીકરો છે. એ હોટલમાં મેનેજર છે. સંસ્કારી છોકરો છે. આપણી દીકરી સુખી થશે. મારી વહાલી દીકરી માટે ધર્મેશ ના નહીં પાડે એની મને પૂરી ખાતરી છે. તારી દીકરી મારું પોતાનું જ લોહી છે એટલે જમાઈ પસંદ કરવાનો મારો પણ અધિકાર છે. મારી પસંદગીને માન આપીને ધર્મેશકુમાર ને જમાઈરાજ તરીકે તમે પણ સ્વીકારી લેશો તો મને ખૂબ જ આનંદ થશે. ...ધરમશી '

પત્ર વાંચીને ગૌરીબેન રડી પડ્યાં. તોરલ ઊભી થઇને પાણીનો ગ્લાસ લઇ આવી અને મમ્મીને આપ્યો. પાણી પીને ગૌરીબેન થોડાં સ્વસ્થ થયાં. સાડીના છેડાથી આંખો લૂછી નાખી.

" ધર્મેશકુમાર.... ખબર નહીં પણ આજે સુરજ કઈ બાજુ ઉગ્યો છે !! હૈયું લાગણીઓથી ભરાઈ આવ્યું છે. મારી દીકરીનો હાથ આજથી તમારા હાથમાં સોંપું છું. આજે સગાઇના ગોળધાણા પણ વહેંચું છું. તોરલને તમે હવે જીવનભર સંભાળી લેજો. એમની પસંદગી એ જ મારી પસંદગી !! એમણે તમને જમાઈરાજ તરીકે જ મારા ઘરે મોકલ્યા છે. " ગૌરીબેન બોલ્યાં.

" માસી તમે તોરલને તો પૂછી જુઓ કે એ આ સંબંધથી ખુશ છે ? "

" તોરલ બેટા.. તું ધર્મેશકુમાર ને મેડી ઉપર લઈ જા. હું લાપસીનું આધણ મૂકી દઉં. "

તોરલ દાદર ચડીને મેડી ઉપર ગઈ. ધર્મેશ પણ પાછળ પાછળ ગયો. પલંગ ઉપર પાથરેલી ચાદર સરખી કરીને એક ખૂણા ઉપર તોરલ બેઠી. ધર્મેશે પણ પલંગના બીજા છેડે બેઠક લીધી.

" હવે બોલો જમાઈરાજ... શુ પૂછતા હતા ?" તોરલે આંખો નચાવીને ધર્મેશને પૂછ્યું.

ધર્મેશ તો તોરલના રૂપથી એટલો બધો અંજાઈ હતો કે એની તો જીભ જ સિવાઈ ગઈ હતી.

" કંઈ નહીં.... બસ એ તો એમ જ પૂછ્યું કે તમારી ઈચ્છા પણ મારે જાણવી જોઈએ ને !! "

" અને હું એમ કહું કે મારી જરા પણ ઈચ્છા નથી તો ? "

" તો..તો એ આઘાત મારાથી સહન નહીં થાય તોરલ.. . હા તોરલ... જ્યારથી અંકલે તમારી સાથે મારા લગ્નની વાત કરી ત્યારથી તમને એક નજર જોવા માટે કેટલો બેચેન થયો છું એ હું જ જાણું છું. અને તમને જોયા પછી મારું હૈયું હવે મારા કાબૂમાં નથી. "

તોરલ આ પ્રેમઘેલા યુવાનને જોઈ રહી. પોતાને પણ આ હેન્ડસમ યુવાન ગમી ગયો હતો. અને પત્રમાં પપ્પાની ઈચ્છા જાણીને તો ધર્મેશને એ મનોમન સમર્પિત થઈ ચૂકી હતી !!

" જનમો જનમ હવે તોરલ તમારી જ છે" કહેતી તોરલ ઊભી થઈ. ધર્મેશની સામે આવીને ઊભી રહી. ધર્મેશ પણ ઊભો થયો.

યુવાની અને પ્રેમની એક જબરજસ્ત લાગણીમાં બંને એકબીજાને ભેટી પડ્યાં અને એવાં તો ખોવાઈ ગયાં કે ગૌરીબેનની પહેલી બુમ તો એમને સંભળાઈ જ નહીં. બીજી બુમે બંને અનંગના આવેશમાંથી બહાર આવ્યાં.

બંને જણા ધીમા પગલે દાદર ઉતરીને નીચે આવ્યા ત્યારે ઘરમાં જમાઈરાજ ને જોવા માટે પડોશીઓની ભીડ જામી હતી.

ગૌરીબેને જ હરખપદૂડા થઈને અડોશપડોશમાં સૌને સગાઈની વધામણી આપી હતી.

" મેં નહોતું કહ્યું કે તોરલ ને જોવા જ કોઈ મુરતિયો આવ્યો લાગે છે ! " મીનાબેને કહ્યું.

" હા પણ સૌથી પહેલાં તો એ મારી પાસે જ આવ્યા હતા. મેં જ ઘર બતાવેલું મનિયા ને મોકલીને !!!" સવિતાબેન બોલ્યાં.

" હા માસી... તમે ના મળ્યાં હોત તો હું મુંબઈ પાછો જ જતો રહેવાનો હતો ." ધર્મેશ બોલ્યો અને તોરલ સહિત સૌ ખડખડાટ હસી પડ્યાં.

અશ્વિન રાવલ (અમદાવાદ)