The Next Chapter Of Joker - 15 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 15

Written By Mer Mehul

જુવાનસિંહ સેલમાંથી બહાર નીકળ્યા એટલે કંટ્રોલરૂમમાં રહેલો હિંમત પણ બહાર આવ્યો.

“મેં કહ્યું હતુંને સર…છોકરો જવાબ નહિ આપે.” હિંમતે કહ્યું.

“મેં તમને થોડીવાર પહેલા એક સવાલ કર્યો હતો, તમને શું લાગે છે, આ છોકરો જ મર્ડરર છે ?” જુવાનસિંહે કહ્યું.

“સબુતનાં આધારે તો છોકરો જ લાગે છે પણ એ જે કોન્ફિડન્સથી ના પાડે છે તેનાં પરથી ફરી એકવાર વિચારવું પડશે.” હિંમતે કહ્યું.

“આ છોકરાએ મર્ડર નથી કર્યું.” જુવાનસિંહે કહ્યું, “કદાચ આપણી જ ગેરસમજ થઈ છે.”

“તમે ક્યાં આધારે કહી શકો છો સર ?”

“મેં ઘણાં બધાં તર્ક અજમાવ્યા હતાં, જ્યારે એ છોકરાંએ મારી સામે જોયું ત્યારે એ મને ઓળખતો હોય એવું તેની આંખો પરથી નહોતું લાગી રહ્યું. બીજી વાત, એવિડન્સ બોક્સમાં બે સિગરેટનાં ટિપિંગ પેપર મળી આવ્યાં હતાં. તેમાંથી એક મોંઘી સિગરેટ હતી જે રમણિક શેઠ નામનાં વ્યક્તિની હતી અને બીજી ‘માઇલ્સ’ કંપનીની સિગરેટ હતી, એ સિગરેટ હત્યારાની હશે એવું અનુમાન લગાવી શકાય. હવે આ છોકરાને આપણે એક દિવસથી કેદ કરેલો છે. જો એ સિગરેટ પીતો હોય તો જ્યારે મેં તેને સિગરેટ ઓફર કરી ત્યારે એ સિગરેટ લઈ લેત. પણ એણે ના પાડી એટલે એ સિગરેટ નથી પીતો.” જુવાનસિંહે કહ્યું.

“તર્ક ખોટા પણ હોય શકે સર…જો એણે જ તમને બોલાવ્યાં છે તો એ તમને ન ઓળખવાનું નાટક કરી શકે અને સિગરેટનાં તર્કથી તમે એને પકડી પાડશો એ વાતની તેણે જાણ હશે એટલે જ કદાચ તમને સિગરેટ ઓફર કરી ત્યારે તેણે ના પાડી હશે.” હિંમતે પોતાનો તર્ક રજૂ કર્યો.

“શક્ય છે..હાલ એકપણ તર્કને ઇન્કાર ન કરી શકાય.” જુવાનસિંહે પોકેટમાં હાથ રાખીને સિગરેટનું પેકેટ અને લાઈટર કાઢીને હિંમતનાં હાથમાં આપ્યું, “આ પાછું આપી દો.”

“જી સર….” હિંમતે કહ્યું.

“અવિનાશનાં કોઈ સંબંધી મળવા આવેલા ?” જુવાનસિંહે પૂછ્યું.

“કાલે તો તેનાં દોસ્તોનો જમાવડો થઈ ગયો હતો.” હિંમતે હસીને કહ્યું, “એક સાથે તેનાં દસ જેટલાં ફ્રેન્ડ્સ ચોકીમાં ઘુસી આવ્યા હતાં. બધા રાડો પાડતાં હતાં. મહામહેનતે બધાને બહાર કાઢ્યાં. ત્યારબાદ છોકરાનાં પપ્પા પણ આવ્યાં હતાં. તેણે થોડીવાર છોકરાં સાથે વાત કરી અને પછી જતાં રહ્યાં.”

“ઠીક છે...” જુવાનસિંહે ઘડિયાળમાં ઊડતી નજરે ફેરવીને કહ્યું, “થોડીવારમાં અવિનાશને કોર્ટમાં હાજર કરવાનો છે. જો એ ગુન્હો કબૂલનાં કરે તો બની શકે એટલા વધુ દિવસની રિમાન્ડમાં દરખાસ્ત કરજો. છોકરાનો બાપ છોકરાને મળીને ગયો હતો એટલે તેણે પણ વકીલ રાખ્યો જ હશે. એ બેલ લેવાની કોશિશ કરશે પણ તમે ધ્યાન રાખજો, હું રમણિક શેઠનાં ઘરે તપાસ માટે જાઉં છું. જોઈએ શું હાથમાં આવે છે.”

“યસ સર….” હિંમતે છાતી ફુલાવીને કહ્યું.

*

“રમણિક શેઠનો સ્વભાવ કેવો હતો ?” જુવાનસિંહે પૂછ્યું. જુવાનસિંહ રમણિક શેઠનાં બંગલાની બાજુનાં બંગલામાં પહોંચ્યા હતા. બાજુનો બંગલો મી. બલરનો હતો. મી. બલર સાઉઠ વર્ષનાં નિવૃત પ્રોફેસર હતાં.

“રમણિક મારો પરમ મિત્ર હતો. એ સ્વભાવે એકદમ શાંત સ્વભાવનો હતો. અમે બંને છેલ્લા ત્રીસ વર્ષથી પાડોશી છીએ. આટલાં વર્ષોમાં મેં કોઈ દિવસ તેને ઊંચા અવાજે વાત કરતાં નથી સાંભળ્યો.” મી. બલરે સહેજ ભાવુક અવાજે કહ્યું.

“શેઠની ફેમેલી વિશે માહિતી આપશો...” જુવાનસિંહે કહ્યું.

“રમણિકને કોઈ સંતાન નહોતું, એ મારાં દીકરાને પોતાનાં દીકરાની જેમ જ સાચવતો. બે વર્ષ પહેલાં રામણિકની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેનામાં નિર્જનતા આવી ગઈ હતી. એ જૂજ લોકોને જ મળતો. જ્વેલરીનો કારોબાર પણ તેણે પોતાનાં ભત્રીજાને સોંપી દીધો હતો. રમણિક પૂરો દિવસ રૂમમાં બેસી રહેતો. હા, પંદર દિવસે એકવાર એ મારી પાસે બેસવા આવતો. ત્યારે પણ એ પોતાનો ભૂતકાળ જ વાગોળતો.”

“શેઠની દિનચર્યા કેવી હતી ?”

“રમણિક વહેલી સવારે ઠાકરજીનાં મંદિરે દર્શન કરવા જતો, ત્યારબાદ આવીને બહાર હિંડોળે એક કલાક સુધી છાપું વાંચતો. પછીની બે કલાક એ પાછળનાં બગીચામાં પસાર કરતો. બગીચા સાથે તેની પત્નીની યાદો જોડાયેલી છે. અગિયાર વાગ્યે એ જ્વેલરી શોપે બેસવા જતો. બપોરે આવીને જમી પરવારી ચાર વાગ્યા સુધીએ પોતાનાં રૂમમાં જ પુરાઈને રહેતો. ચાર વાગ્યે એ પોતાનાં બીજા બંગલે જતો અને સાત વાગ્યે પાછો ફરતો. રાતનો સમય પણ એ પોતાનાં રૂમમાં જ પસાર કરતો.”

“રમણિક શેઠનાં ભત્રીજાનું નામ-એડ્રેસ, શોપનું એડ્રેસ અને બીજા બંગલાનું એડ્રેસ જણાવશો….” જુવાનસિંહે પેન અને ગજવામાં રહેલી નાની ડાયરી બહાર કાઢીને કહ્યું.

“આરવ શેઠ, મેઘાણીનગર એમ.એચ હોસ્પિટલ પાસે ‘શેઠ બંગલોઝ’ માં રહે છે. રમણિક શેઠની શોપ ઈન્ડીયા કોલોનીમાં છે. શેઠનો બીજો બંગલો નિકલોથી આગળ એસ.પી. રિંગ રોડ નજીક ‘રસરાજ પાર્ટી પ્લોટ’ની એકદમ સામે છે.” મી. બલરે જુવાનસિંહ દ્વારા પુછવામાં આવેલ સવાલનો જવાબ આપ્યા. જુવાનસિંહે બધી માહિતી ડાયરીમાં ઉતારી લીધી.

“જે રાત્રે રમણિક શેઠની હત્યા થઈ, એનાં વિશે જણાવો.” જુવાનસિંહે પૂછ્યું, “ત્યારે તમે ક્યાં હતાં અને એ દિવસે કોઈ એવી ઘટનાં બની હતી જે તમને અજુગતી લાગી હોય.”

“એ દિવસે હું અને મારી પત્ની મારાં સાસરિયામાં મારાં સાળાનાં દીકરાએ નવી બેકરી શરૂ કર્યું એનું ઉદઘાટન ત્યાં ગયાં હતાં, અમે લગભગ સાંજે સાત વાગ્યે પરત ફર્યા હતાં. મેં કહ્યું એ મુજબ રમણિક પણ સાત વાગ્યે પોતાનાં બીજા બંગલે ચક્કર લગાવીને પરત ફરે છે. અમે બંને એક સાથે જ સોસાયટીમાં પ્રવેશ્યાં હતાં. કાર પાર્ક કરીને અમે થોડીવાર વાતો કરવા ઉભા રહ્યા. ત્યારબાદ હું રૂમમાં આવીને ટી.વી. જોતો હતો. હું એ દિવસે વધુ થાકી ગયો હતો એટલે સાડા નવ આસપાસ હું સુઈ ગયો હતો.” મી. બલરે ઘટનાંનાં દિવસની પુરી દિનચર્યા કહી સંભળાવી.

“તમારી અને શેઠ વચ્ચે ક્યાં મુદ્દા પર વાત થઈ હતી ?”

“કંઈ ખાસ નહિ…હું મારાં સાસરિયામાં જાઉં છું એ વાતની જાણ રામણિકને હતી તો એ સિલસિલામાં જ વાતો થઈ હતી.”

“શેઠ જ્યારે વાતો કરતાં હતાં ત્યારે તેઓનો મૂડ કેવો હતો ?, તેઓની વાતો કરવાની અદા પરથી પોતે ચિંતામાં કે તણાવમાં હોય એવું લાગતું હતું ?”

“બિલકુલ નહિ…રમણિક તો ત્યારે ખુશ હતો. મારી સાથે હસીને વાતો કરી રહ્યો હતો. પણ હા, કોઈ વાતને લઈને એ બેચેન લાગતો હતો...” મી. બલરે કહ્યું.

“એ વાત કઈ હશે એનું તમે અનુમાન લગાવી શકો છો ?”

“માફ કરશો ઓફિસર…એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.”

“કોઈ વાંધો નહીં…તમારાં ઘરમાં કોણ કોણ છે ?” જુવાનસિંહે વાત બદલી.

“હું અને મારી પત્ની…મારો દીકરો છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈમાં છે.”

“હું તમારી પત્ની સાથે વાત કરી શકું ?” જુવાનસિંહે પૂછ્યું.

“જી બિલકુલ.” કહેતાં મી. બલરે ઊંચા અવાજે પોતાની પત્નીને અવાજ આપ્યો. થોડીવાર પછી મિસિસ બલર બહાર આવ્યાં.

“આ પોલીસ ઓફિસર જુવાનસિંહ છે.” મી. બલરે જુવાનસિંહ તરફ હાથ રાખીને કહ્યું, “રમણિકની હત્યાનાં સિલસિલામાં તમારી સાથે વાતો કરવા ઈચ્છે છે.”

“જી ઑફિસર…પૂછો...” મિસિસ બલરે બાજુમાં સોફા પર બેઠક લેતાં કહ્યું.

“જે દિવસે આ ઘટનાં બની ત્યારે તમે મોડે સુધી જાગતાં હશો… તમને કોઈ અજુગતી ઘટનાં બની હોય એવું લાગ્યું હતું ?” જુવાનસિંહે પૂછ્યું.

“ના…એ રાત્રે હું મારાં પતિ સાથે મારા પિયરમાં ગઈ હતી એટલે હું થાકી ગઈ હતી. હું વહેલાં સુઈ ગઈ હતી.” મિસિસ બલરે કહ્યું. થોડીવાર તેઓએ ચૂપ રહ્યાં અને પછી કંઈક યાદ આવ્યું હોય એવી રીતે તેણે ચમક સાથે કહ્યું, “એક ઘટનાં બની હતી પણ તમને તેનાથી કંઈ મદદ મળશે કે નહીં એ મને નથી ખબર.”

“તમે શું બન્યું હતું એ જણાવો…ઓફિસરને કામનું હશે તો નોંધી લેશે.” મી. બલરે કહ્યું.

“એ રાત્રે હું વહેલાં સુઈ ગઈ હતી એટલે સાડા અગિયાર આજુબાજુ મારી આંખો ખુલ્લી ગઈ હતી. મેં જોયું તો પરસાળની લાઈટો શરૂ હતી. હું લાઈટો બંધ કરવા બહાર આવી ત્યારે રમણિકભાઈનાં ઘર બહાર એક ઓટો રીક્ષા ઊભેલી મેં જોઈ હતી.” મિસિસ બલરે કહ્યું.

“રાત્રે…ઓટો રીક્ષા…!” જુવાનસિંહનાં ચહેરા પર ચમક આવી ગઈ, “રિક્ષાનો નંબર જોયો હતો ?”

“ના.. મેં એટલું ધ્યાન નહોતું આપ્યું પણ એ રીક્ષા ચાલકને હું ઓળખું છું. ઘણીવાર એ મને સવારે મંદિર સુધી લઈ જાય છે.” મિસિસ બલરે કહ્યું.

“એનું નામ જાણો છો તમે ?”

“બધા તેને રાજુ કહીને બોલાવે છે…પાતળા બાંધાનો પચીસેક વર્ષનો છોકરો છે…તેણે દાઢી વધારેલી છે, છાતી સુધીની અને વાળ પણ.” મિસિસ બલરે રીક્ષાચાલકનું વર્ણન કહી સંભળાવ્યું.

“આભાર મિસિસ બલર…તમે આપેલી માહિતિ અગત્યની છે….” કહેતાં જુવાનસિંહ ઊભા થયા.

“આવો તમને બહાર સુધી છોડી આવું.” મી. બલરે પણ ઊભા થતાં કહ્યું. મિસિસ બલર ઉભા થઈને પોતાનાં રૂમ તરફ ચાલ્યાં. મી. બલર અને જુવાનસિંહ બહાર આવ્યાં.

“ઑફિસર.. હું તમને એક વાત જણાવવા માંગુ છું.” મિમ બલરે કહ્યું, “મારી પત્નીને ઊંઘમાં ચાલવાની ટેવ છે. ઘણીવાર એ સવારે જાગીને ઘરમાં ચોરી થયાની રાડો પાડવા લાગે છે, ઘણીવાર તેને રાત્રે કોઈ લાંબી દાઢીવાળો વ્યક્તિ રીક્ષા પાસે ઉભેલો દેખાય છે. હકીકતમાં રાજુ નામનો કોઈ વ્યક્તિ છે જ નહીં…મારી પત્નીનો વહેમ છે. હું મારી પત્ની સામે તમને આ વાત નહોતો કહેવા માંગતો એટલે તમને બહાર લઈ આવ્યો.” મી. બલરે કહ્યું.

“અમે તપાસ કરીશું….” જુવાનસિંહ જવાબમાં માત્ર આટલું જ બોલ્યાં, “તમારો ટાઈમ આપવા માટે આભાર.”

મી. બલરે બે હાથ જોડીને જુવાનસિંહનું અભિવાદન કર્યું. જુવાનસિંહ પોતાની જીપ તરફ આગળ વધ્યાં.

(ક્રમશઃ)

Share

NEW REALESED