The price of a pinch of vermilion key - 15 books and stories free download online pdf in Gujarati

એક ચુટકી સિંદૂર કી કિંમત - 15

પ્રકરણ- પંદરમું/૧૫

કેશવના આટલાં જ શબ્દો સાંભળતાં મિલિન્દ પથારીમાંથી સફાળો ઊભો થઇ ગયો.
એવું તે શું બન્યું હશે કે મોડી રાત્રે કેશવ આવ્યો ? કંઇક ચિત્ર-વિચિત્ર વિચારો સાથે કોઈની ઊંઘમાં ખલેલ ન પહોંચે એમ હળવેકથી બારણું ઉઘાડી બહાર આવતાં ધીમા સ્વરમાં કેશવ બોલ્યો..

‘અહીં આવ આ તરફ ? બન્ને ચાલની પરસાળ પસાર કરી છેડાના એક કોર્નર પાસે આવતાં ધીમા અવાજ અને ચિંતિત ચહેરા સાથે કેશવે પૂછ્યું..

‘કંઈ મેસેજ મળ્યા ?
‘ક્યા મેસેજ ? શું થયું ? કેશવના ચહેરાના હાવભાવ અને અવાજ પરથી મિલિન્દને એટલો અંદાજ તો આવી જ ગયો હતો કે, નક્કી કોઈ બેડ ન્યુઝ છે. વધતાં ધબકારા અને અધીરાઈ સાથે મિલિન્દે પૂછ્યું.

એક ઊંડો શ્વાસ લઈ કેશવ બોલ્યો...
‘મિલિન્દ તું જે ફાઈનાન્સ કંપનીમાં જોબ કરે છે એ કંપની ઉઠી ગઈ.’
‘કંપની ઉઠી ગઈ’... આ શબ્દો સાંભળતાની બીજી જ ક્ષ્રણે મિલિન્દની ઊંઘ અને હોંશ ઉડી ગયા. આંચકાના ઉદ્દગાર સાથે મિલિન્દ બોલ્યો...
‘શું વાત કરે છે, કેશવ ? કયારે ? કોણે કહ્યું ? અ...અરે સાંજે તો હું જોબ કરીને આવ્યો છું યાર...’ આટલું બોલ્યાં પછી અચાનક મિલિન્દને કંઇક યાદ આવતાં બન્ને હથેળી માથાં પર મુકીને ઉભડક પગે બેસતાં બોલ્યો.. ‘ઓ... બાપ રે.’

‘મારો એક ટેક્ષી ડ્રાઈવર મિત્રનો ભાઈ ‘સવેરા ઇન્ડિયા’ ન્યુઝ પેપર પ્રેસમાં જોબ કરે છે અને તેમને થોડીવાર પહેલાં આ મેસેજ મળ્યા અને મારા ડ્રાઈવર મિત્રએ હજુ લાસ્ટ મંથ જ તારી એ ફાઈનાન્સ કંપનીમાં ડીપોઝીટ મૂકેલી છે. જેને જેને પણ મેસેજ મળ્યાં એ સૌ દોડાદોડીમાં છે.’

‘હવે મને સમજાય છે, કે ગઈકાલે આટલું બધું વર્ક લોડ કેમ હતું. હેડ ઓફિસથી આવતાં સતત કોલ્સ અને મેઈલ્સનો મારો કેમ ચાલુ હતો. ઓહ.. માય ગોડ.’
ફાટી ગયેલા ડોળા સાથે મિલિન્દ બોલ્યો..

આગામી દિવસોમાં આવનારા કંઇક અણધારી અંદાજીત આફતના ઓળાના ટોળા મિલિન્દને ઘેરી વળ્યાં. એક પછી એક કંઇક અમંગળ ઘટના ચિત્રો ફાસ્ટ ફોરવર્ડ અને બેકવર્ડ પોઝીશનમાં મિલિન્દની નજર સામે દોડવા લાગ્યાં. ધ્રુજતા હાથે ખિસ્સામાંથી મોબાઈલ કાઢી એક પછી એક સ્ટાફ મેમ્બરને કોલ્સ કરવાં લાગ્યો. કોઈનો ફોન સ્વીચ ઓફ આવ્યો, કોઈનો આઉટ ઓફ કવરેજ, કોઈનો વ્યસ્ત, તો કોઈનો નો રીપ્લાય. અને એકાદ બે જણ સાથે વાત થઇ તો કોઈ આ ઘટનાથી અજાણ હતુ તો કોઈ બેફીકર.’
થોડીવાર બન્ને ચુપચાપ બેસી રહ્યાં. શિયાળાના શરુઆતી દિવસોની સીઝનમાં પણ મિલિન્દને પરસેવો વળી ગયો. કેશવને મિલિન્દના માનસિક આઘાતનો તાગ હતો.
પણ આ ઉપાય વગરની ઉપાધી માટે તેની પાસે ઠાલાં આશ્વાસન સિવાય કોઈ હથિયાર નહતું. હિંમત સાથે હૈયાધારણ આપતાં ગમગીન કેશવ બોલ્યો..

‘જો ભાઈ જે, કંઇપણ બની ગયું તેના માટે તું એકલો જવાબદાર નથી. અને આશા રાખીએ કે, થોડા દિવસોમાં બધું જ સમુંનમું પર ઉતરી જાય. જરા હિંમતથી કામ લે.
બીજા દરવાજાનું ઓપ્શન ઉભું કર્યા પછી જ ઈશ્વર પહેલો દરવાજો બંધ કરે. અને બહુ માઈન્ડ પર ન લઇશ. અત્યારે લાખો લોકો તારી માફક આ કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યાં હશે. કોઈ એક ઘટનાથી જીવન થંભી ન જાય. પ્લીઝ ઊભો થઈ જા અને રીલેક્સ થવાની કોશિષ કર. બાકી કંઈપણ જરૂર હોય તો હું બેઠો છું.’

ઊભા થતાં મિલિન્દ કેશવને ભેટી પડતાં બોલ્યો...
‘કેમ યાર..આઆ..આ કિસ્મત મારી સાથે ક્યા જન્મની કિન્નાખોરી કાઢે છે ? કીડીની માફક કણ કણ જોડીને ટોચ પર પહોંચતા વેત બીજી જ ક્ષ્રણે કોઈ અજાણી અદાવતના કારણે કુદરત મને ઊંડી ખીણમાં ધકેલી દયે છે.’

અત્યંત લાગણીશીલ મિલિન્દ માટે આ ઘટનાનો માનસિક આઘાત જાણે કોઈ તાજી ફૂંટેલી કુંપણ પર થયેલા વજ્રઘાત જેવા હતો.

કેશવે થોડીવાર સાંત્વના આપ્યાં પછી ભારે હૈયે બન્ને છુટા પડ્યા.

પાણી પીને પથારીમાં પડતાં જ ભવિષ્યના અનિશ્ચિત કાળની આંટીઘૂંટીના ભૂતાવળની ભીસ ઘેરી વળી. જોબ ગઈ..મરણમૂડી જેવી થાપણ ગઈ. એક તરફ કનકરાય રાજીનામું આપતાં આવકના સ્ત્રોતમાં ઘટાડો થયો.. દુકાળમાં અધિકમાસ જેવી પરિસ્થિતિ સર્જાઈ. એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત થઈ ગઈ. પપ્પાએ જશવંત અંકલની વાત માન્ય રાખી હોત તો, બે લાખની મરણમૂડી જેવી રકમ માટે આજે રાતે પાણી એ રડવાના દિવસો ન આવત પણ...’

સવારે સૌ ઉઠે એ પહેલાં મિલિન્દને બહારે પરસાળમાં ઊભો જોઇને વાસંતીબેન બોલ્યા..

‘અરે.. મીલુ કેમ આજે જલ્દી ઉઠી ગયો... આજે ઓફિસે વ્હેલું જવાનું છે કે શું ?
‘હા, મમ્મી.’ વાસંતીબેન સામું જોયા વિના મિલિન્દ બોલ્યો
થોડીવાર પછી કનકરાય ફ્રેશ થતાં બોલ્યાં
‘એ છાપુ અને ચા લાવો.’
કિચનમાંથી વાસંતીબેને ટીપોઈ પર કનકરાયના ટેસ્ટની ચા નો કપ મુક્યો અને મિલિન્દ તેના હાથમાં ન્યુઝ પેપર પકડી બાજુમાં બેસતાં બોલ્યો..

‘પપ્પા આપ ચા પૂરી કરો ત્યાં સુધીમાં હું પેપર પર એક નજર ફેરવી લઉં.’
‘જી’ તેની આરામ ખુરશીમાં બેસી ચા ની ચુસ્કી ભરતાં કનકરાય બોલ્યાં.

‘એ મમ્મી અહીં આવજે.’
કિચનમાં વ્યસ્ત વાસંતીબેન બોલવતા મિલિન્દ બોલ્યો.
બે મિનીટ બાદ સાડીના છેડેથી હાથ લુંછતાં લુંછતાં વાસંતીબેન બેઠકરૂમના બેડ પર મિલિન્દની સામે જોઇ બાજુમાં બેસતાં પૂછ્યું,
‘હા, બોલ શું કે છે ? અને આ તારી આંખો કેમ આટલી લાલ છે ? રાત્રે સરખી રીતે ઊંઘ્યો નથી કે શું ?

ઊંડો શ્વાસ સાથે કાળજું કઠણ કરતાં માત્ર એટલું જ બોલ્યો..
‘પપ્પા...’ અને પછી અશુભ સમાચાર કહેવા માટે જીભ ન ઉપડી એટલે એ બેડ ન્યુઝની પેપરમાં આવેલી હેડલાઈન કનકરાયને બતાવતાં ચુપ થઇ ગયો.

કનકરાય હજુ હેડલાઈન પૂરી કરે એ પહેલાં તેના ધ્રુજતાં હાથમાંથી પેપર પડી ગયું અને..ખુરશીના ટેકે માથું ઢાળી દીધું. ગભરાયેલા વાસંતીબેને ન્યુઝ પેપર હાથમાં લેતાં પૂછ્યું, ‘ અરે... પણ શું થયું ?

હેડલાઈન વાંચતા વાસંતીબેનના મોઢાંમાંથી આંચકા સાથેના ઉદ્દગાર સરી પડ્યા..
‘ઓય માડી રે... હાય હાય...’ આઆ....આ કેમ આવું થયું ?

અચાનક ઉડતી આવેલી ઉપાધિના આઘાતની કળ વળે ત્યાં સુધી કનકરાય અને મિલિન્દ બન્ને ચુપકીદી સેવીને નત્ત મસ્તક ગહન વિચારમંથનમાં પડી રહ્યાં.
પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ આવતાં સજળનેત્રે વૈશાલીબેને પણ ચુપ રહેવું બહેતર લાગ્યું.

મિલિન્દને લાગ્યું કે, ‘કદાચ’... શબ્દપ્રયોગ હવે અયોગ્ય સ્થાને રહેશે, એટલે હાલ પુરતા આ સમયે ભૂતકાળની ભૂલોને ભૂલી, કનકરાય અને વાસંતીબેનને શક્ય એટલી ઝડપથી આ દયનીય દશાના દલદલમાંથી બહાર કાઢવાની બાબત પર પ્રાથમિકતા મૂકતાં બોલ્યો..

‘પપ્પા, ધાર્યું ધણીનું થઈને રહ્યું, હવે આગળ આપણા માટે શું સરળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ છીએ એ દિશા તરફ વિચારું છું. હું અને કેશવ સચોટ માહિતી માટે હમણાં જઈએ છીએ.. કંઇકને કંઇક ઉપાય જરૂર નીકળશે. આપ ચિંતા ન કરશો.’
મન મક્કમ કરી, બન્નેને ઠાલા આશ્વાસન આપ્યાં પછી જાતને છેતરી, વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કરતાં મિલિન્દ આગળ બોલ્યો...

‘ચલ, મમ્મી કૈક નાસ્તો તૈયાર કર ત્યાં સુધીમાં હું ફ્રેશ થઇ જાઉં.’ એટલુ બોલી મિલિન્દ ભારે હૈયે ઊભો થઈને ગયો વોશરૂમ તરફ.

કનકરાય અને વૈશાલીબેન ખટકતા હૈયે, ભીની આંખોમાં ખારાશનો દરિયો ઉલેચતાં, મણ એકના મૌન સાથે પરસ્પર એકબીજાને તાકતા અને કિસ્મતને કોસતા રહ્યાં.

કલાક બાદ...

મિલિન્દ જેવો સોસાયટીની બહાર નીકળ્યો ત્યાં જ મોબાઈલ રણક્યો... સ્ક્રીન પર જોતાં મિલિન્દનો અંદાજ સાચો પડ્યો... કોલ વૃંદાનો જ હતો. હજુ વૃંદા કંઇક પૂછે એ પહેલાં જ મિલિન્દે ‘આઈ કોલ યુ લેટર.’
એમ કહી કોલ કટ કર્યો એટલે નારાજગી છતાં વૃંદાએ મન મનાવી લીધુ. ગઈકાલના ન્યુઝ સાંભળતા વૃંદા મિલિન્દ માટે ખુબ જ ચિંતિત, વ્યર્ગ સાથે સાથે લાચાર પણ હતી.

‘પ્લીઝ કોલ મી એઝ સૂન એઝ’ એવો મેસેજ સેન્ડ કરી વૃંદા મિલિન્દ માટે શું કરી શકે છે એ વિચારમાં પડી ગઈ.

ગઈકાલે રાત્રે નક્કી કરેલા સમય અને સ્થળ પર કેશવ અને મિલિન્દ મળ્યાં. કોઈપણ અણધારી આફતની ઘડીએ, દરેક દ્રષ્ટિકોણથી પરફેક્ટ અને પરિપક્વ મિલિન્દની માનસિક વિચલિતતાનો પારો શૂન્યથી પણ ન્યુનતમ સપાટી જતો રહ્યો હતો, તેનું ઠોસ કારણ હતું, ભારોભાર લાગણીશીલ અને સ્વાભિમાની સ્વભાવ. અને તેનો આ પ્લસ કહો, કે માઈનસ પોઈન્ટ, તેનાથી કેશવ ખુબ સારી અવગત હતો. એટલે શક્ય હોય ત્યાં સૂધી આ ષડ્યંત્રની સચોટ અને સત્ય, વાસ્તવિકતાની જાણકારીથી મિલિન્દને માહિતીગાર કરી આઘાતમાંથી બહાર લાવવાના વિચાર સાથે કેશવ બોલ્યો,

‘ચલ આવ..ચા પીતા પીતા વાત કરીએ. આવ બેસ.’
બન્નેના કાયમી સંગમસ્થાન એવાં વસઈ સ્ટેશન સામેના મનોહર ભાઉની રેસ્ટોરન્ટ
બહાર બેન્ચ પર ગોઠવાયા.

વીખરાયેલાં વાળ, ગમગીન ચહેરા પર ગ્લાની ઓઢીને ચુપચાપ નીચી નજર ઢાળીને બેસેલાં મિલિન્દના ખભા પર હાથ મૂકતાં કેશવ બોલ્યો,

‘મિલિન્દ, અજાણ્યાં સફર પર એકધારી ગતિએ જતા કયારેક સ્હેજ નજરચૂકથી એકાદ બમ્પ કે ખાડો આવી જાય તો.. ડ્રાઈવીંગ કે મુસાફરીને તિલાંજલિ ન આપી દેવાય. રસ્તામાં ભૂલા પડી જીઇએ કે, રસ્તાનું સમારકામ ચાલતું હોય તો, ડ્રાયવરઝનનું ઓપ્શન લઈને પણ અંતે મંઝીલના આખરી પડાવ સુધી તો પહોંચવું પડે ને,યાર ?.’
હજુ તો ઘણી મઝલ કાપવાની છે દોસ્ત, આટલી જલ્દી હથિયાર હેઠાં મૂકી દઈશ તો કેમ ચાલશે ?

સ્હેજ ભીની આંખોની કોર સાથે મિલિન્દ બોલ્યો,

‘કેશવ, મારા પરિવાર માટે પ્રમાણિકતા અને નિષ્ઠાથી તનતોડ મહેનત કરી, મારી જાતને હાંસિયામાં મુકી, દરેકની નાનામાં નાની જવાબદારીઓ પૂરી પાડવાની પૂરીપૂરી કોશિષ કરી રહ્યો છું, પણ....મને મારું સોભાગ્ય સાથ કેમ નહીં આપતું ? લોકો કહે છે કે, ‘કર ભલા તો હો ભલા’, પણ હું તો સ્વપ્નમાં પણ કોઈનું બુરું નથી વિચારી શકતો. તો...હંમેશા બળવાન ભાગ્ય મને કમજોર સમજી તેની બળજબરી મને જ કેમ બતાવે છે ? હજુ ગયા મહીને પપ્પા સાથે ઘટેલી જીવલેણ અકસ્માતના ઘટનાના આઘાતની કળ વળી નથી ત્યાં આ નેહલે પે દહેલા જેવો કમ્મર તોડ ફટકો કેમ કરીને જીરવવો ?

વિધિની વક્રતાથી ઉદ્દભવેલી વિષમ પરિસ્થિતિના અસહ્ય વિષાદના ગુંગળામણથી અકળાતાં મિલિન્દની ડામાડોળ મનોસ્થિતિને શાંત પાડવા માટે સાંત્વના આપતાં કેશવ બોલ્યો,

‘દોસ્ત, વિપરીત સંજોગો જ જીવતરની ઉત્તમ પાઠશાળા છે. અને જીવનસંગ્રામમાં તેના આરોહ અવરોહની વિપરીત ગતિના સમીકરણને સમજી, પરિસ્થિતિને માપી
તેની પરિભાષા મુજબના પરિવેશ ધારણ કરી, ક્યારેય બુદ્ધ બનવું, તો ક્યારેક યુદ્ધ પણ કરવું પડે. જેટલી જલ્દી આ કડવી અને વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઈશ એટલો જલ્દી તું તારા મન અને મસ્તિક પર કાબૂ મેળવી શકીશ. આ સમય બુદ્ધ બનવાનો છે, યુદ્ધ કરવાનો નહીં, સમજ્યો.’

ગરમ ચર્ચાના અંતે... ગરમ ચા સાથે મિલિન્દ ચુપકીદીથી તેના ચિત્કાર અને ઉકળાટના ઘૂંટડા ગળે ઉતારતો રહ્યો.

‘બોલ હવે, તારા દિમાગમાં શું ચાલી રહ્યું છે ? ચાનો છેલ્લો ઘૂંટ ભરતાં કેશવે પૂછ્યું.

બે મિનીટ ચુપ રહ્યા પછી ગળું ખંખેરતા મિલિન્દ બોલ્યો,
‘હવે....ક્યારે આ કૌભાંડનો ઉકેલ આવશે ? કયારે લાઈફ ફરી પૂર્વવત થશે એ જાણવું તો પડશે ને ? મેં જે જે લોકોને બાહેંધરી આપીને આ ફાઈનાન્સ કંપનીમાં ઇન્વેસ્ટ કરાવ્યું હતું એ સૌ તો મારી જ ગળચી પકડશેને ? આઆ...આ ચક્કર કેટલું લાંબુ ચાલશે તને ખ્યાલ છે ?

આટલું સાંભળતા સ્હેજ ચિડાઈને કેશવ બોલ્યો,
‘તું યાર નાહક કારણ વગર પ્રોબ્લેમને મેગ્નીફાઈ કરે છે. કંપની તારી છે ? તું ઓનર છે ? તે રાઈટીંગમાં ગેરેંટી આપી છે ? તું માત્ર એક એપ્મ્લોઈ છે, બીજા હજારો ઈમ્પ્લોઈની માફક બસ, તારા ખુદના રૂપિયા ગયા છે. તું તારું વિચારને ? જે કોઇપણ લીગલ એક્શન લેવાશે એ કંપની પર, તારી પર નહીં.’

એટલે જવાબ આપતાં મિલિન્દ બોલ્યો

‘પણ જેમણે મારા પર ટ્રસ્ટ મુકી તેમની મૂડી ગુમાવી તે સૌની કડકડતી આત્માનો નિમિત તો હું જ બન્યો ને ?

મિલિન્દ સ્વાભિમાનનો સૂર આલાપતા... કેશવ ઠપકાના સ્વરમાં બોલ્યો..

‘ઓ..મારા પ્રભુ, આ સત્યવાદી હરિશ્ચન્દ્રના કિરદાર માંથી બહાર નીકળ, નહીં તો, હમણાં કયાંય સાંભળીશ મારા મોઢાની સમજ્યો. આ ઈમાનદારીના એવરેસ્ટ સર કરવાના અભરખા ઉતાર નહીં તો ખોવાઈ જઈશ. આ ને આ ઝેર જેવા આત્મગ્લાનીના ઘૂંટડા ગળીને નીલકંઠ બનવું છે તારે ? ઇટ્સ ઇનફ.’

‘તો હું શું કરું કે ?” લાચારીના લયમાં મિલિન્દે પૂછ્યું.

‘મિલિન્દ, શરીર પર પડેલા સાવ સામાન્ય ઘસરકાની અસર પણ બે-પાંચ દિવસ તો રહે. આપણા પહોંચ બહારની આવડી મોટી ઘટના ઘટી ગઈ, હવે તેની અસરમાંથી બહાર નીકળી યોગ્ય ઉકેલ શોધી પરિણામ સુધી પહોંચતા સમય તો લાગશેને યાર ? અને લાઈફના દરેક લક્ષ્યવેધ માટે કાયમ લાગણી એક જ હથિયાર કારગત ન નીવડે. સમય આવે પ્રેક્ટીકલ પણ બનવું પડે. પ્રતિકૂળતાને પણ પ્રણામ કરવા પડે. અને રાત્રે આપણે છુટા પડ્યા પછી, અત્યારે આપણે મળ્યાં ત્યાં સુધીમાં મેં મારા બધાજ કોન્ટેકટ્સ અને સોર્સિસના માધ્યમથી માહિતી મેળવ્યા પછી એ જાણ્યું કે આ મેટરમાં વર્ષો સુધી કોર્ટ કેશ ચાલશે, અને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મુજબ આ કૌભાંડના મુખ્ય ભેજાબાજ કળાકારો બે દિવસ પહેલાં જ રાતોરાત વિદેશ જતા રહ્યાં છે, બોલ હવે શું કરવું અને કહેવું છે તારે ?

ગઢ જેવી ગંભીર વાતને જેટલી આસાનીથી કેશવે રજૂઆત કરી, મિલિન્દ માટે તે મેન્ટલી ડાયજેસ્ટ કરવી તેટલી જ કઠીન હતી. એ વાતની કેશવ પણ જાણ હતી.

‘જો સાંભળ મિલિન્દ, સૌ પહેલાં આ આખી ઘટનાચક્રથી માંથી તારા દિમાગને ડાયવર્ટ કર. અને તારા માટે સૌથી બર્નિંગ અને મિનીંગફૂલ ઇસ્યુ છે તારું અર્નિંગ.
અને જ્યાં સુધી તું સેટલ નથી થાય ત્યાં સુધીના ઈકોનોમિકલ પ્રોબ્લેમ્સ છે ઓ.કે. તો
તેની જવાબદારી મારી બસ. છ મહિના સુધી કોઈ ફિકર ન કરીશ. હવે તારે બૂરું સપનું સમજી, આ બનાવને ભૂલી કોઈ નવી દિશા તરફ નજર દોડાવવાની છે, ધેટ ઇટ્સ.’

‘પણ....’ હજુ મિલિન્દ આગળ બોલવા જાય ત્યાં કેશવ બોલ્યો..

‘મિલિન્દ.. લાઈફમાં એક વાત હંમેશા યાદ રાખજે... જિંદગીમાં જીવવું હોય અને જીતવું હોય તો.. સૌ પહેલાં તારા શબ્દકોષમાંથી આ ‘પણ’ શબ્દને હંમેશ માટે ડિલીટ કરી નાખજે.

-વધુ આવતાં અંકે..