Ek Chutki Sindur ki kimmat - 18 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 18

એક ચુટકી સિંદૂર કી કિંમત - 18

પ્રકરણ- અઢારમું/૧૮

શશાંકના અનપેક્ષિત પ્રશ્નાર્થથી સ્હેજ પણ અચંબિત કે વિચલિત થયાં વગર વૃંદાએ શાંત ચિતે સહજતાથી જવાબ આપ્યો...

‘યસ.. પાપા.’
આટલું સાંભળતા....
નમ આંખો અને ગળગળા સ્વરમાં શશાંક માત્ર એટલું બોલી શકયા,
‘આટલી મોટી થઇ ગઈ મારી દીકરી...? હજુ તો ધરાઈને વ્હાલભરીને જોઉં ત્યાં વિદાયવેળાનો વખત આવી ગયો ? આટલો જલ્દી ?

વૃંદાને શશાંકના શબ્દોના કંપનમાં એક બાપની ભારોભાર ભાવવશતાની વેદના સાથે તેના કર્મોને આધીન થઈને વૃંદાના જ્ન્માધિકાર જેવા વાત્સલ્યથી વંચિત રાખ્યાંના વસવસાના સૂર સંભળાતા હતાં.

છતાં... વૃંદા બોલી.

‘સોરી પપ્પા, તમે અને મમ્મી બન્ને, તમારાં અહંમની આડમાં સમયચક્રના બે પૈડા બની, આંખો બંધ કરી, એકબીજાની વિરુધ્ધ દિશામાં ફરતાં રહ્યાં અને હું, ચુપચાપ પીસાતી રહી એ બે પૈડાની વચ્ચે, બે દાયકાઓ સુધી. આજે બે દાયકા તમને ‘આટલો જલ્દી’ લાગતો હશે, પણ મને પૂછો... તમારા બંનેના પ્રેમના બે શબ્દો અને ચપટીક વ્હાલ માટે મારા પર વીતેલી ક્ષણે ક્ષણ મને સદીઓના કારાવાસ જેવી લાગતી’તી લેટ્સ ફોરગેટ ઓલ. કારણે કે દુનિયાનો કોઈ પણ કાળા માથાનો માનવી તેના ભૂતકાળને ભૂંસી નથી શકતો.’

વૃંદા સાથે થયેલાં અન્યાય માટે શશાંક પાસે જાત પર ઉઠતી ભારોભાર ધૃણા અને ચુપકીદી સાધ્યા સિવાય કોઈ પ્રત્યુતર નહતો. છતાં થોડીવાર પછી ચૂપકીદીને તોડતાં ગ્લાનિના સ્વરમાં શશાંકે પૂછ્યું,

‘દીકરા... પ્ર્યાસ્ચિતનો કોઈ પર્યાય ખરો ?’

ભીની આંખોની કોર સાથે વૃંદા બોલી...

‘બસ પપ્પા, તમે અને મમ્મી રાજીખુશીથી મને વિદાય આપી અને આજીવન સાથે રહો એ મારી અંતિમ અને એકમાત્ર ઈચ્છા છે.’

‘તારી મમ્મી સાથે આ વાત શેર કરી છે ? શશાંકે પૂછ્યું.
‘તમને શું લાગે છે ?’
હસતાં હસતાં સોફા પરથી ઉભાં થતાં શશાંક બોલ્યાં,

‘ન જ કરી હોય, બીકોઝ, આઈ નો વેરી વેલ, કે તું પપ્પાનો દીકરો છે. પણ હવે
એ તો કહે કે, કોણ છે એ મહાન હસ્તી કે જેણે શશાંક સંઘવીની દીકરી પર જીત હાંસિલ કરી છે ?

‘ના ડેડ, એ કોઈ મહાન હસ્તી નથી, પણ મસ્તીથી માલામાલ છે. સીધા, સાદા વ્યક્તિત્વનો ધણી છે, અરે... તેને તો કદાચ, એ પણ ખબર નથી કે, હું તેને પ્રેમ કરું છું.’

વૃંદાના ઉત્તર પરથી શશાંકના વિચારોમાં વિરોધાભાસ અને શંકાની લાગણી ઉદ્દભવતા બોલ્યાં...

‘એએ...એક એક મિનીટ. યુ મીન ટુ સે એ વ્યક્તિનું સ્ટેટ્સ તારી લેવલનું નથી, તું એમ કહેવા માંગે છે વૃંદા ?
આશ્ચર્ય સાથે વૃંદા બોલી, વ્હોટ ? ‘લેવલનું સ્ટેટ્સ મતલબ ?

વૃંદાનો ટોન અને પ્રશ્ન સામે પ્રશ્ન ઊભો થતાં, અંદાજીત ગંભીરતાને હળવી કરવા વાતને વાળતાં શશાંક બોલ્યા,

‘અચ્છા ચલ, આપણે ડીનર કરતાં કરતાં ડિસ્કશન કરીએ...આઈ થીન્ક એ ઠીક રહેશે,’

ડીનર માટે સર્વન્ટને આદેશ આપ્યાં પછી બન્ને ગોઠવાયાં ડાયનીંગ ટેબલ પર.

વૃંદાને થયું કે, શશાંક શંકાના આધારે ક્રોસ આર્ગ્યુમેન્ટ કરી, કોઈ ફાઈનલ જજમેન્ટ પર આવે એ પહેલાં ક્લીઅર સ્ટેટમેન્ટ આપીને પોતાની અપેક્ષા મુજબના ચુકાદાનો સંકેત આપી દઉં એવું વિચારીને વૃંદા બોલી,

‘પપ્પા મેં આપને પહેલાં જ પૂછ્યું કે, મારી અપેક્ષા માટે તમારાં અક્ષયપાત્રના વ્યાપની શું ધારણા કરી શકું ? અને હવે બેધડક હક્ક આપ્યા બાદ... પીછેહઠ કરો એ કેમ ચાલે ?

સલાડની પ્લેટ વૃંદા સામે ધરતા શશાંક બોલ્યાં,

‘વૃંદા હજુ મેં મારા વિચારો રજુ કર્યા જ નથી, ફર્સ્ટ ઓફ ઓલ તું ડીટેઇલમાં તારી વાત પૂરી કરી લે, પછી આપણે તેના પર ચર્ચા કરીશું.’
પાઈનેપલ જ્યુશનો ગ્લાસ ઉઠાવતાં વૃંદા બોલી,

‘મિલિન્દ, મિલિન્દ માધવાણી નામ છે તેનું. સહપરિવાર વસઈમાં રહે છે. સ્ટ્રગલર છે છતાં મને પસંદ છે, એટલાં માટે કે, મારી મુઠ્ઠીભર અનમોલ અપૂર્ણ અપેક્ષાની અધુરપ પરિપૂર્ણ કરવાંનું સામર્થ્ય મિલિન્દમાં છે.’

આટલું સાંભળતા પગ તળેથી જાણે જમીન સરકી ગઈ અને ધબકારો ચુકી ગયો હોય એવા ભાસ સાથે શશાંકને થોડીવાર તો રીતસર એકાદ બે ક્ષ્રણો માટે સ્હેજ ચક્કર સાથે આંખે અંધારા આવી ગયાં.

કોળિયા સાથે વજ્રઘાતને પણ વાગોળ્યા વિના ગળી ગ્યા પછી, કાળજું કઠણ કરતાં શશાંક માત્ર એટલું જ બોલ્યાં,

‘પ્લીઝ કટીન્યુ..’

‘પપ્પા....મને મિલિન્દની શાખ પર સપૂર્ણ શ્રધ્ધા છે કે, તે મને હેતની હેલીથી વંચિત નહીં જ રાખે. અમારા બન્નેના સંતોષ રેખાની સપાટી સમાંતર છે. રુચિની સૂચી એકસમાન છે. શમણાંની સીમા સીમિત છે. અત્યાર સુધીનો સંગાથ ભવિષ્યના સ્વરબદ્ધ સવરાંકનના સંકેત આપે છે. તો પછી...આથી વિશેષ મને શું જોઈએ ?

ચહેરાના પરિવર્તિત ભાવ સાથે ચુપકીદી સેવીને કયાંય સુધી વૃંદાની સામે જોઈ રહેલા શશાંકને અંતે અકળાઈને વૃંદાએ ફરી પૂછ્યું,

‘પપ્પા, હું તમારી ખામોશીમાં નારાજગી સાથેનો સ્પષ્ટ નનૈયો સાંભળી રહી છું.’ એમ આઈ રાઈટ ?’
ડાયનીંગ ટેબલ પરથી ઊભા થતાં શશાંક બોલ્યાં,

‘વૃંદા તું મારી ફિતરતને સારી રીતે પિછાણે છે, હું હંમેશા સ્પસ્ટ વક્તા રહ્યો છું, જિંદગીની કૈક કડવી વાસ્તવિકતાને સ્વીકાર્યા પછી કંઠીની માફક બાંધેલી ગ્રંથિના આધારે એટલું કહીશ કે, તને સંપૂર્ણ સ્વાયત્તતા આપ્યાં પછી, તે કાબિલે તારીફ સફળતાના શિખર સર કર્યા બાદ મને આજે તારી સોચ પર તકલીફ કરતાં તરસ વધુ આવે છે.’
‘કેમ પપ્પા ? તરસ કે તેજોદ્વેષ ? આપને એ વાતની ઈર્ષ્યા થાય છે કે, આપનું નામ, ઈજ્જત, દૌલત, શોહરત જે મને ન આપી શકી એ મને મિલિન્દ પાસેથી મળી રહ્યું છે એટલે ?

રંજ સાથેના માર્મિક સ્મિત સાથે શશાંક બોલ્યાં,

‘શશાંક સંઘવી તેના આત્મસન્માન જેવા એકમાત્ર સંતાનના સુખ પર ઇતરવાના બદલે ઈર્ષ્યા કરશે એમ ? આ તું બોલે છે, વૃંદા ?

‘કેમ કે, પપ્પા તમે મિલિન્દના વ્યક્તિત્વથી અપરિચિત છો, તમને તેનો પરિચય નથી.’

‘ દીકરા મેં પરિસ્થિતિ સામે પુંજી અને પુંજી પતિઓ, તેનો પાવર, પદ. પ્રતિષ્ઠા અને પરમેશ્વરને બદલાતા અને ઘૂંટણીયે પડતાં જોયા છે,’

‘પણ પપ્પા મેં પ્રેમ જોયો છે.’
માર્મિક હાસ્ય સાથે શશાંક બોલ્યાં..
‘સોરી ટુ સે, વૃંદા...તે પ્રેમ નહીં..માત્ર પ્રેમની પરિકલ્પના જોઈ છે.’

‘વૃંદા, મારા અંદાજ મુજબ આપણા દેશમાં દરરોજ હજારો યુગલો લગ્નજીવનમાં બંધાઈ છે, એ હજારોમાં એક તું પણ હોઈશ, પછી.... આગળના ભવિષ્યનું શું ? વન મેન શો ની માફક એકલપંડે અસીમિત સંપતિ હોવા છતાં આત્મનિર્ભરતાનો ભેખ લઇ,
એકમાત્ર સ્વાભિમાન શસ્ત્રના સહારે બુદ્ધને પણ શરમાવે તેવી એકાગ્રતાથી જીવનની રણભૂમિમાં એક નીડર યોદ્ધાની માફક લડીને ફતેફ હાંસિલ કર્યા પછી તારે... માત્ર એક હાઉસ વાઈફ બનવું છે ?

‘તને ખ્યાલ છે, વૃંદા જયારે હું અતિ અપસેટ હોઉં કે, અથવા કોઈ અકારણ નિષ્ફળતા મને ઘેરી વળે ત્યારે, હું તારી તસ્વીર સાથે વાર્તાલાપ કરીને હળવો ફૂલ થઇ જાઉં છું કેમ ? કેમ કે, ઈશ્વરે તારી સામે બિછાવેલી શતરંજના, મુસીબત અને મનોવ્યથાના મોહરાને તે જે તારી અલાયદી સુઝબુઝથી માત આપી છે એ જોઇ, અત્યંત આત્મગૌરવ ઉપજે, એ તો સહજ છે, પણ સાથે સાથે તને આટલી નાની ઉંમરમાં અનન્ય કીર્તિમાન સ્થાપિત કરી સફળતાના શિખર સર કરતાં જોઇ, મને તારા વિદ્યાર્થી બનવાનું મન થઇ જાય છે... અને જયારે આજે તું...’

શશાંક હજુ આગળ બોલે એ પહેલાં..

પ્રેમ આંધળો જ હોય એવી માન્યતા પર મહોર મારવા છતી આંખે ગાંધારી બનવાની વૃંદાની જિદ્દ સામે લાલબત્તી ધરી તેની આંખો ઉઘાડવા શાશાંકે કરેલી તર્કબદ્ધ દલીલનો છેદ ઉડાડતાં વૃંદા બોલી...

‘પણ, પપ્પા, મને કહેશો કે, મિલિન્દ પ્રત્યેના અણગમાનું કારણ શું છે ?
‘તું મિલિન્દને કેટલાં સમયથી ઓળખે છે ?
‘ છેલ્લાં બે મહિનાથી.’
‘અને બે મહિનામાં તને તેનો સૌથી મોટો અવગુણ ન દેખાયો ?” શશાંકે પૂછ્યું
‘અવગુણ ? પણ.. પપ્પા..મિલિન્દમાં કોઈ જ અવગુણ નથી.’
અત્યંત આશ્ચર્ય સાથે વૃંદાએ પૂછ્યું..
ફરી એ જ માર્મિક હાસ્યનું પુનરાવર્તન કરતાં શશાંક બોલ્યાં..

‘દીકરા...આપણા દેશમાં ‘ગરીબી’ જ સૌથી મોટો અવગુણ છે.’
‘સોરી, પપ્પા, પણ... આ કહેવતા અને સગવડિયા ‘ગરીબી’ના અવગુણના જન્મદાતા અને તેને બદનામીનું બિરુદ આપી દાગ લાગવવામાં આપના જેવા અધર્મગુરુઓનો જ સૌથી મોટો ફાળો છે.’

એકતરફી અનુબંધના ઓછાયાના અસરથી વૃંદાએ તેની અક્કલ પર બાંધેલો પાટો છોડવાની મથામણથી અકળાઈ જતાં શશાંક બોલ્યાં....

‘જો વૃંદા હું તારી જોડે દલીલબાજી કરી, કોઈ બાજી નથી જીતવી, કે ના તો સર્વ સામાન્ય સત્ય સાબિત કરવાં નથી માંગતો કે, અથવા ન તો મારા કોઈ સિદ્ધાંત કે વિચારો તારા પર થોપવા માંગતો..પણ...હું તને જાણીજોઇને ખુવાર થઈ ખાઈમાં ધકેલાઈને, આજીવન દુઃખી થતાં નથી જોવા માંગતો, અને મિલિન્દ પણ તને સુખી જ જોવા ઈચ્છતો હશે ને ?
‘પણ, પપ્પા તમને કોણે કહ્યું કે, હું દુઃખી થવા જ જઈ રહી છું ?
‘કારણ કે, દીકરા... મિલિન્દ તારી જિંદગી બનવા જઈ રહી છે, અને....તેની જિંદગીમાં ગરીબીની કોઈ સીમા રેખા નથી. અને તું આગ સાથે રમત રમવાની મમત લઇ બેઠી છો, મારા દીકરા.’ લાચાર થઇ શશાંક બોલ્યાં,

‘તેનો ફેંસલો તો આવનારો સમય કરશે, પપ્પા.’

સ્હેજ ઊંચા અવાજે શશાંક બોલ્યાં,

‘સાવ બાલીશતા જેવી અને તર્કહીન વાતો ન કર વૃંદા....આવનારા સમયના સહારે અંદાજીત નિર્ણય લેવો એ આ ઉંમરે બાળકબુદ્ધિનું પ્રદર્શન કરવાં જેવી હસ્યાસ્પદ વાત છે, અને સાચો સમજદાર તો એ છે, જે સમય પહેલાં આવનારી પ્રતિકુળ સમયધારાને તેની મરજી મુજબના ઢાળ સાથે અનુકુળ વણાંક આપે. જે દિવસે તને વાસ્તવિકતાનું ભાન થશે.. ત્યારે ખુબ મોડું થઈ ચુક્યું હશે અને તે દિવસે સૌથી વધુ અફસોસ મિલિન્દને થશે.’

‘પપ્પા.... જ્યાં સુધી હું તમને ઓળખું છું ત્યાં સુધી તમે તમારી જિંદગી અને સોચનું કાફી હદ સુધી વ્યાપારીકરણ કરી ચૂક્યા છો. એ તમારો જન્મજાત ગુણધર્મ છે કે નહીં.. આઈ ડોન્ટ નો.. પણ..તમારા સંતાનના ભાગમાં ઈશ્વરે ધરેલી છપ્પન ભોગ જેવી તમારી સંપતિના પ્રસાદની પરિભાષા અને મુલ્ય મારા તુલશીપત્ર જેવડા મિલિન્દ વગર અધુરી છે પપ્પા. મિલિન્દના એક નહીં અનેક અવગુણનો સહર્ષ સ્વીકાર કરી, કોઈપણ દશામાં તેની જોડે દીક્ષા લઈશ એ મારો અંતિમ નિર્ણય છે.’

‘જો તમે તમારી દીકરીની ઓળખ અને ઓળખાણ માટે ગર્વ અનુભવતા હો તો... અંતરના ઊંડાણથી આશિર્વાદ આપજો, બસ આટલી આરજૂ લઈ, તમને મળવા આવી છું.’

હવે વૃંદાના દ્રઢ નિર્ણય સામે, શશાંકે મન મારી, શરણાગતિ સ્વીકારવા કર્યા સિવાય કોઈ આરો નહતો. જે વૃંદાની કુશાગ્ર બુદ્ધિ અને કોઈપણ વિપરીત સંજોગોમાં સ્હેજ પણ વિચલિત થયાં વગર શાંત ચિત્તે આસાનીથી મધ્યમ માર્ગ શોધી લેવાની તેની આગવી ઢબ માટે ગૌરવ લઇ કાયમ પોરસાતા શશાંકને આજે વૃંદાના અસંગત અને આકરા નિર્ણયથી ખુબ લાગી આવ્યું. વૃંદા જિંદગીની રેસમાં ઉંધી દિશા તરફ દોડ લગાવશે એવું તો શશાંકે સ્વપ્ને પણ નહતું વિચાર્યું. એક માત્ર વ્હાલીસોયી પુત્રીના મબલખ માયાના મોહમાં મહાલતા શશાંક, અચનાક આજે મણ એકની મોહતાજીનો ભાર વેંઢાંરી ધર્મસંકટની ઘડીમાં બાપડા બની ભીની આંખે બોલ્યાં..

‘ન્યાયમંદિરમાં હારની અણી પર આવેલાં કેસને જીતમાં તબદીલ કરવા માટે લોકો જે શશાંક સંઘવી પર આંખ મીંચીને આંધળો વિશ્વાસ મૂકતાં એ શશાંક સંઘવી આજે તેના જ ઘરમાં, તેની જ પુત્રી સામે, તેની પુત્રીની જ રહેમની ભીખ માંગી રહ્યો છે. પણ જો તે સ્વયં તારી દલીલ સાથે, તારો બચાવ કરી, પૂર્વ આયોજિત એકતરફી ચુકાદો સુણાવી,મજા લાગતી સજા મુકર્રર કરી જ લીધી છે, તો હવે હું કોનો બચાવ કરી કોને દલીલ કરું ? દીકરા....તારો આ કઠીન ચુકાદા જેવો આત્મનિર્ણય કોઈ આપઘાતથી ઉતરતો નથી. તારી નાનામાં નાની ખુશી માટેની મંગલ કામના તો શ્વાસે શ્વાસે હોય પણ.. આજે મારું સઘળું તારી પર ન્યોછાવર કરી આપવાની તમન્ના પછી પણ..કેમ હૈયે હરખ નથી ? તારી ખુશી માટે કશું જ નથી ખૂટતું, છતાં કેમ સતત કંઇક ખૂંચ્યા કરે છે ?’
આટલું બોલતાં તો ભારે હૈયે દીનવૃતિથી પીડાતાં શશાંક સોફા પર રીતસર ફસડાઈ પડ્યા.

શશાંકની સીમા પારની પાવન પીડાની અનુભૂતિ થતાં વૃંદા શશાંકના પગ પાસે બેસતાં બોલી..

‘પપ્પા.. તમને એવું લાગે છે કે, મારા ભાવીના આધારસ્તંભ જેવો નિર્ણય મેં માત્ર પોકળ પરિકલ્પનાના પાયા પર રાખ્યો હશે. ? પપ્પા જો તમે મારા અસંગત લાગતાં અનુમાનને લોઢું સમજતાં હોય તો તમને કહી દઉં કે, મિલિન્દ પારસમણીથી કમ નથી. હાલ, મિલિન્દ પાનખરમાંથી પસાર થઇ રહ્યો છે, જે દિવસે મિલિન્દના મુકદ્દરની મૌસમ મહેંકશે તે પછીની ફૂલબહારની પરિમલના ધમધમાટથી મિલિન્દ પોતાના પરિચયનો મોહતાજ નહીં રહે પપ્પા. અને એક દિવસ તમે જ કહેશો કે, મને પણ મિલિન્દ જેવું ગરીબ બનવું છે.’

‘જિંદગીના તમામ ચડાવ-ઉતાર, રંગ ઢંગ, લાગણીના લેખાં-જોખા, સંબંધોની શતરંજ, વ્હાલનું વ્યાપારીકરણ.... આઆ...આ બધું હું કયાંય જોવા કે શીખવા નહતી ગઈ પપ્પા.. એ તો મને ગળથૂથીમાં જ પરાણે પીવડાવવામાં આવ્યું હતું. ગર્ભનાળ કાપતાં પહેલાં જ માતૃત્વની મર્મનાળ કાપી નાખવામાં આવી હતી. અને... આજે મારા અફાટ અનુબંધથી અજાણ મિલિન્દ મને પોતીકો અને પ્યારો કેમ લાગે છે એ કહું પપ્પા...? કેમ કે, સમગ્ર સંસારના સાગરના ખરાશ જેવી મારી તરસને એ ઝાકળ બિંદુ જેવા મિલિન્દએ છીપાવી છે. પપ્પા.. હું મિલિન્દને નહીં પણ મિલિન્દ મને પ્રેમ કરે તો એ વૃંદા સંઘવી માટે પ્રેમનું પરમ પારિતોષિક છે.’


થોડો વખત, સમય સાથે બન્ને આંસુ સારતા રહ્યાં બાદ..ઉભાં થતાં શશાંક બોલ્યાં...

‘વૃંદા, મારી પાસે લખલૂટ ઐશ્વર્ય, દોમ દોમ સાહ્યબી, નામ, શોહરત હોવાં છતાં આજે મારા કરતાં તારી ખુશીનું પલડું કેમ ભારે છે ?

એટલે હસતાં હસતાં ઊભા થઇ, વૃંદા બોલી..
‘કેમ કે, પપ્પા તમારા પલડામાં પૈસો અને મારા પલડામાં પ્રેમ છે એટલે સમજ્યા ?
સજળનેત્રે વૃંદાને ભેટી, અંતે શશાંક એટલું બોલ્યાં..

‘મને તારી ખુશીમાં ભાગીદાર બનવું છે દીકરા,’

-વધુ આવતાં અંકે..

Rate & Review

Krishvi

Krishvi Matrubharti Verified 10 months ago

👌👌👌👌👌✍🏽

Jalpa Joshi

Jalpa Joshi 1 year ago

Rakesh

Rakesh 1 year ago

Kitu

Kitu 1 year ago

Abhishek Patalia