Ek Chutki Sindur ki kimmat - 32 books and stories free download online pdf in Gujarati

એક ચુટકી સિંદૂર કી કિંમત - 32

પ્રકરણ- બત્રીસમું/૩૨

‘અરે.. યાર, કેવી દોસ્ત છે, તું ? લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલા ઉમંગ અને ભરોસા સાથે તારી પાસે કશું માંગ્યું અને તું સાવ આ રીતે મારી ડીમાંડ ફગાવી દઈશ ?
સ્હેજ નારાજ થતાં વૃંદા બોલી..

‘વૃંદા... બી સીરીયસ આ મજાકનો સમય નથી. તું કેમ સમજતી નથી ? તું અંધારામાં તીર મારવા જઈ રહી છે. આ જે કંઇક થયું તે ઓછુ છે, તે તારે નાહકનું એક નવું પ્રકરણ ઉભું કરવું છે ? અને આવા નાટક કરીને તું શું સાબિત કરવાં માંગે છે ? તારે મહાન બનવું છે ? આઈ હેટ ધીઝ ઓલ નોનસેન્સ, સોરી.’
સદંતર નારાજગી સાથે પ્રેક્ટીકલ ચિત્રા તેની પ્રકૃતિને અનુરૂપ ઉત્તર આપતાં બોલી.

બે પળ માટે ચૂપ રહી વૃંદા બોલી..
‘ચિત્રા... યાર એમ સમજી લે કે, મરણ પથારીએ પડેલી તારી દોસ્તની આ અંતિમ ઈચ્છા છે, તો પણ પૂરી નહીં કરે ?
ધબકારો ચૂકી જવાય એવા એક વાક્યના વાગ્બાણથી ચિત્રાને અત્યંત લાગી આવ્યું.
એટલે તરત જ બોલી..

‘આજ પછી આવો શબ્દપ્રયોગ કર્યો છે તો, જ્યાં હોઈશ ત્યાં આવીને બે તમાચા ચોડી દઈશ યાદ રાખજે.’ આટલું બોલતા ચિત્રાનું ધીમું રુદન શરુ થઇ ગયું.

‘એ ચિત્રા... આ નાટક, ભવાઈ કે પ્રકરણમાં તારી વૃંદા ખુશ છે, તેનો તને આનંદ નથી ? અને હું અભાગી લાચાર શું સાબિત કરી શકવાની હતી ? કશું સાબિત જ કરવું હોત તો આજે ખુદના ઘરમાં કૈદ ન હોત યાર. આ માનસી મારી જિંદગીમાં લાઈફ સપોર્ટ સીસ્ટમ બનીને આવી છે. તું આ વિનોદવૃતિ પાછળની ગંભીરતાને નહીં સમજી શકે. કારણ કે, માનસીમાં મેં જે કંઈ જોયું છે, એ તું તો શું, કોઈ નહીં જોઈ શકે. એટલે પ્લીઝ..બસ ઇતની છોટી સી ગુઝારીશ હૈ, માન જાના મેરે યાર.’

‘વૃંદા.. તને યાદ છે એક સમયે આપણે એટલું હસતાં કે, હસતાં હસતાં રડી પડતાં અને આજે આટલું રડીએ છીએ તો સ્હેજ હસવું કેમ નથી આવતું.’
આટલું બોલતાં ફરી ચિત્રા રડવાં લાગી.

એટલે હસતાં હસતાં વૃંદા બોલી..
‘કારણ કે, એ દિલ્લગી હતી અને આ દિલ કી લગી છે, એટલે સમજી.’
‘અચ્છા, ચલ તું જે કહીશ એ હું કરીશ બસ. હવે ખુશ ? આંસુ લૂંછતાં ચિત્રા બોલી
‘હું તો હરદમ ખુશ જ રહેવા માંગું છું, તને રાખતાં ક્યાં આવડે છે.’
મજાક કરતાં વૃંદા બોલી..
‘હવેથી રાખીશ બસ. અને સાંભળ માનસીનું કોઈ પીક હોય તો મોકલ, હું પણ જોઉં તો ખરા કેટલી ખુબસુરત છે તારી કિસ્મત.’
વૃંદાનું મન રાખવા ચિત્રા બોલી

‘હમણાં જ મોકલું છું, જોઈ લે જે. અચ્છા ચલ, તું સૂઈ જા હું નીકળું ભૂરા આકાશના તારામંડળમાં ગૂમ થયેલા મારા તારાની શોધમાં. ગૂડ નાઈટ એન્ડ થેંક યુ સો મચ.’ આંશિક હદે ખુશહાલ વૃંદા બોલી

‘ગૂડ નાઈટ એન્ડ ટેક કેર માય ડીયર.’
એમ કહી મણ એકના નિસાસા અને નિરાસા સાથે ચિત્રાએ કોલ કટ કર્યા બાદ બે મિનીટ સૂધી છલકાતી આંખો મીંચી ચુપચાપ બેડ પર પડી રહી.

પછી મનોમન મનોમંથનની માળા ફેરવતી બોલી..
‘કોણ છે, આ માનસી દોશી ? અને એવો તે વૃંદા પર શું જાદુ કર્યો કે, છેલ્લાં ચાર મહિનામાં વૃંદામાં જે પરિવર્તન ન આવ્યું એ, અચાનક ત્રણ દિવસમાં આવી ગયું ? પણ ઊંડે ઊંડે એક વાતની ખુશી એ છે કે, આ માનસી જે કોઈપણ છે, વૃંદાની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.’

આજે ચાર મહિના પછી પહેલી વાર વૃંદાને આટલું બોલતાં સાંભળીને ચિત્રા ખરેખર ખુશ હતી, અને તેની ઉટપટાંગ અને હૈરતઅંગેજ હરકતોથી સ્હેજ નારાજ પણ હતી. છતાં અંતે ફ્રેશ થઇ, વૃંદાની ખુશી ખાતર મન મનાવી નિંદ્રાધીન થવાનો પ્રયાસ કરતાં બેડ પર પડતાં આંખો મીંચે એ પહેલાં વૃંદાએ સેન્ડ કરેલા ફોટોગ્રાફ્સ કયાંય સૂધી જોયા કર્યા પછી પોઢી ગઈ.

ખૂબ મોડી રાત્રે ઊંઘ આવી છતાં દેવલ તેના નિત્યક્રમ મુજબ સવારે સાડા છ વાગ્યાની આસપાસ ઉઠ્યા બાદ, સાડા આઠ વાગ્યાં સૂધીમાં પૂજાપાઠ પરિપૂર્ણ કર્યા પછી કનકરાય અને વાસંતીબેન માટે ચા- નાસ્તાની વ્યવસ્થા કરી, તેના બેડરૂમમાં દાખલ થઈને જોયું તો, મિલિન્દ હજુ ઊંઘતો હતો. એટલે રોજિંદા સમયાનુસાર તેને ઉઠાડવા માટે દેવલે બેડ સામેના વિન્ડોની કર્ટન હટાવાતાં સ્હેજ આકરો સૂર્યપ્રકાશ સીધો મિલિન્દ પર પડતાં તકિયાથી તેનો ચહેરો ઢાંકતા ઊંઘમાં જ મિલિન્દ બોલ્યો..
‘પ્લીઝ.. દેવલ વિન્ડોને પડદાથી ઢાંકી દે.’

‘મિલિન્દ, થોડા ટાઈમમાં નવ વાગશે, પછી તમને ઓફીસ પર જવાનું મોડું થશે તો તો, દોડાદોડી કરી મૂકશો.’ શાંત સ્વરમાં દેવલ બોલી.

‘આજે ઓફીસે જવાનો મૂડ નથી, અને માથું પણ સ્હેજ ભારે લાગે છે, એટલે થોડો મોડો ઉઠીશ.’ પડખું ફેરવતા મિલિન્દ બોલ્યો ..

એટલે સૌ પહેલાં વિન્ડોને કર્ટનથી કવર કર્યા પછી, બેડ પર મિલિન્દની નજદીક બેસી ધીમે ધીમે તેના કેશમાં દેવલ તેની કોમળ આંગળીઓ ફેરવતી તેનો ચહેરો મિલિન્દના કાન પાસે લઇ જઈ ધીમા સ્વરમાં દેવલ બોલી..
‘આઈ એમ સોરી, મિલિન્દ બાબૂ,’

લગ્ન પછી ચાર મહિનામાં પહેલીવાર આજે બન્ને આટલાં કરીબ આવ્યાં હતાં. રોમાંચ અને આશ્ચર્ય જેવી મિશ્રિત લાગણીથી રોમાંચિત થઈ, આંખો ઉઘાડી દેવલ સામું જોઈ મિલિન્દ બોલ્યો..
‘સોરી ? પણ શેના માટે ?

બેડ પરથી ઊભા થતાં સ્હેજ અપરાધીન ભાવ અનુભવતી દેવલ બોલી..
‘ગઈકાલે રાત્રે વૃંદાના હાલતથી આહત થઈ, મર્યાદા ચૂકીને મારાથી જે કાંઇપણ અયોગ્ય બોલાઈ ગયું તેના માટે.’
‘અરે.. પાગલ. તેમાં શું મર્યાદા અને શું અયોગ્ય. જે તારા ભાગનું નથી છતાં તેના માટે તું કર્તવ્ય નિભાવે છે. અચ્છા ચલ, હવે સવાર સવારમાં હાલ પૂરતા એ ટોપિકને થોડો સમય મ્યુટ કરી, મસ્ત મોર્નિંગમાં એક બેડ ટી મળી જાય તો મજા બમણી થઇ જાય.’
સ્માઈલ કરતાં મિલિન્દ બોલ્યો..

ચહેરા પર એક અનેરી ખુશી સાથે બેડરૂમની બહાર જતાં જતાં ખુશહાલ દેવલ બોલી.
‘જો હુકમ મેરે સરકાર.’

‘અરે.. એક મિનીટ દેવલ.. સાંભળ, કેશવ ઘરે છે કે, નીકળી ગયો ?
‘કેશવભાઈ તો આજે રૂટીન ટાઈમ કરતાં પણ વ્હેલા નીકળી ગયાં. કેમ કંઈ ખાસ કામ હતું ?

‘ના.. અમસ્તું જ પૂછ્યું.’ મિલિન્દ બોલ્યો અને દેવલ જતી રહી.

દેવલ સામે વાત વાળી લીધી પણ ભીતરથી મિલિન્દનો ઉકળાટ હજુ સપાટી પર જ હતો. ગઈકાલે દેવલે છુપા આક્રોશ સાથે વૃંદાની વિકટ વિડંબણાની વાસ્તવિકતાનું જે વરવું રૂપ સચોટ શાબ્દિક પ્રહારરૂપે કર્યું તેનાથી હવે મિલિન્દનું સમગ્ર અસ્તિત્વ ખરેખર ગુનાહિત ભાવ સાથે ગ્લાની અનુભવી રહ્યું હતું. હવે મિલિન્દે મનોમન નક્કી કરી લીધું કે, કોઈપણ કાળે શક્ય હોય ત્યાં સૂધી વૃંદાને મારી મહા ભયંકર ભૂલનો અહેસાસ કરાવી પૂર્વવત વૃંદા સાથે વૃંદાનો સાક્ષાત્કાર કરાવવાની સંપૂર્ણ કવાયત કરશે.

કલાક બાદ ફ્રેશ થઇ ખાદીના વ્હાઈટ કુર્તા પાયજામાના વસ્ત્ર પરિધાનમાં તદ્દન તાજગીથી તરવરતો મિલિન્દ બેઠકરૂમમાં આવ્યો ત્યારે કનકરાય તેની આદત મુજબ અખબાર વાંચવામાં મશગુલ હતાં અને વાસંતીબેન તેની મસ્તીમાં મટર- ગોબીનું શાક સમારી રહ્યા હતાં.

મિલિન્દને જોતાં જ વાસંતીબેન બોલ્યાં...
‘શું વાત છે, આજે તો ટાઈમટેબલની સાથે સાથે ડ્રેસકોડ પણ બદલી ગયો. કંઈ ખાસ છે આજે કે શું ?
‘ના.. મમ્મી ખાસ તો કંઈ નથી પણ આજે રજા માણવાનો મૂડ છે એટલે.’ સોફા અપર બેસતાં મિલિન્દ બોલ્યો.

ત્યાં, દેવલ કિચનમાંથી મિલિન્દ માટે ચા- નાસ્તો લઈને બેઠકરૂમમાં આવી.
ટીપોઈ પર ટ્રે મૂકતાં જયારે દેવલે અંગૂઠાની ટોચ પર પહેલી આંગળી મૂકી, બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખી મિલિન્દ તરફ જોઈ ઇશારાથી કહ્યું..

‘મસ્ત લાગો છો.’ ત્યારે મિલિન્દ શરમાઈ ગયો.

‘અરે.. વાહ. સારું લ્યો, તો તો આજે વહુરાણીનો દિવસ ઉઘડી ગયો.. હું તને કહેવાનો જ હતો કે, ઘરની સાથે ઘરવાળી પણ છે, હો, ભૂલી ગયો હોય તો યાદ કરાવું.’
આટલું બોલી કનકરાય હસવાં લાગ્યાં.. અને દેવલ શરમાઈને કિચનમાં જતી રહી..

એટલે વાસંતીબેન બોલ્યાં..
‘હવે એ તો સમજ્યા પણ હું આટલા વર્ષોથી ઘરમાં છું, એ તમને યાદ છે ?
એટલે મિલિન્દ અને વાસંતીબેન હસ્યાં, અને કનકરાય ચુપચાપ ફરી ન્યુઝ પેપરમાં માથું ઘાલીને મનોમન કંઇક બબડવા લાગ્યાં

ચાનો કપ ઉઠાવતાં મિલિન્દે કેશવને કોલ લગાવીને ઘરે આવવાંનું કહ્યું.
બ્રેકફાસ્ટ ખત્મ કરે ત્યાં સુધીમાં કેશવ આવી જતાં, દેવલને સંબોધતા મિલિન્દ બોલ્યો.

‘હું કલાકમાં આવું છું.’
એમ કહેતા કેશવ અને મિલિન્દ કારમાં રવાના થયાં.

કિચનના કામમાંથી પરવારી તેના બેડરૂમ તરફ જતી દેવલ વાસંતીબેન સંબોધતા બોલી..
‘મમ્મી, હું થોડીવાર માટે મારા રૂમમાં જાઉં છું, કંઈ જરૂર હોય તો બૂમ પડજો.’
‘જી બેટા.’ વાસંતીબેન બોલ્યાં..

બે-પાંચ મિનીટ આંખો બંધ કરી ચુપચાપ બેડ પર પડી રહ્યાં બાદ દેવલે કોલ જોડ્યો વૃંદાને.

‘હેય.. ગૂડ મોર્નિંગ.. થીંક ઓફ ડેવિલ એન્ડ ડેવિલ ઈઝ હિયર. અરે.. યાર તારી જ ફિલ્મ ચાલતી હતી અને તારા કોલ આવ્યો. બોલ...શું કહે છે ?
વૃંદા આજે કંઇક વધુ ઉત્સાહમાં હોય એવું તેના ટોન પરથી લાગ્યું..એટલે પ્રશ્ન પૂછતાં દેવલ બોલી...

‘મારી ફિલ્મ, મતલબ ? દેવલે પૂછ્યું.

‘અરે,.. હું એક શોર્ટ સ્ટોરી બનાવાનું વિચારી રહી છું. આપણી દોસ્તીની દિલધડક ડોક્યુમેન્ટ્રી. અને ડીરેક્ટ કરશે મારી બોસ કમ સહેલી ચિત્રા... ઢેણટેણનનન... બોલ કેવો યુનિક આઈડિયા છે ને ? તું કોઈ ધાંસુ ટાઈટલ શોધી કાઢ. એવી ધમાલ કરવી છે કે, ઓસ્કાર એવોર્ડ તો લઈને જ રહીશું.’

સાવ અચાનક જ વૃંદાની ઉત્સાહક અને સકારાત્મક વાતોથી દેવલને આશ્ચર્ય થયું કે, થોડી થોડી વારે ડૂસકે ચડી જતી આ ગઈકાલની જ વૃંદા છે કે બીજું કોઈ ?
‘ગ્રેટ આઈડિયા યાર. ડન. હવે સાંભળ મેં તને કોલ એટલા માટે કર્યો કે, તું ક્યા હેલ્થ ઇસ્યુ માટે મેડીકલ ટ્રીટમેન્ટ કરાવી રહી છે, અને ક્યા ?’ વૃંદાએ પૂછ્યું.

એટલે રમૂજમાં વૃંદા બોલી..
‘અરે મારે તો ઓલા ઊંટ જેવું છે, અઢારે અંગ વાંકા છે, લીલાવતી હોસ્પિટલના ડો, પવન બંસલ આ હાડપિંજરની સારવાર કરે છે. પણ તને શું કામ છે ?
અચરજ સાથે વૃંદાએ પૂછ્યું.

‘અરે મારા સસરાને કાર્ડિયાક પ્રોબ્લેમ છે, તો થયું તને જ પૂછી લેવું બહેતર રહેશે. તેમની આજની એપોઇન્ટમેન્ટ મળે ખરી ? દેવલે પૂછ્યું..

‘અચ્છા, મને દસ મિનીટ આપ હું તને ફરી કોલ બેક કરું છું ઓ.કે.’
એમ કહી વૃંદાએ કોલ કટ કર્યો.

બે મિનીટ પછી દેવલે કોલ જોડ્યો જગનને.

સ્ક્રીન પર દેવલનું નામ વાંચતા ઝટ ફોન રીસીવ કરતાં બોલ્યાં..
‘આ તારો કોલ આવે એટલે જાણે મોં માં મોતીચુરનો લડ્ડુ આવી ગયો હોય એવો મજો પડી જાય.. બોલ કેમ છે, મારો સાવજ, શું કરે બધાં ?
‘શું કરતાં હતાં પપ્પા ? મીઠા સ્વરમાં દેવલે પૂછ્યું.
‘બસ જો દીકરા બગીચામાં ફૂલછોડની માવજત કરતો’તો બેઠો બેઠો.’
‘બધાં જ મજામાં છે, અને હું પણ. તમે કેમ છો એ કહો ? દેવલ બોલી.
‘દેવની દીધેલ દેવલના બાપને શું દુવિધા હોય ? જેની દીકરીને સાસરીયે લીલા લ્હેર હોય એના બાપને તો ધરતી પર પણ સ્વર્ગનું સુખ પણ વામણું લાગે.’
‘પપ્પા.. મારે તમને જોવા છે, કયારે મુંબઈ આવશો ?
‘અરે... મારો દીકરો બસ આટલી જ વાત ? તો કાલ સવારનો નાસ્તો આપણે સાથે કરીએ લે, એમાં વળી કઈ મોટી વાત છે. આઘડીએ નીકળું છું, બોલ બીજું કંઈ ?
‘ના બસ... સાંચવીને આવજો.. હું રાહ જોઉં છું, તમારી.’ આટલું બોલતાં દેવલનો સ્વર સ્હેજ ઢીલો પડી ગયો.
‘તું ફિકર કરમાં, કાલે મળીએ છીએ બસ, અને જશવંતને ન કે’તી કે હું આવું છું.’
‘જી પપ્પા. ફોન મૂકું.’ એમ કહી કોલ કટ કર્યા પછી દેવલે ડૂસકું ભર્યું.
દેવલના સ્વરની ઝીણી કંપારીથી અનુભવી બાપના દિલના તાર ઝણઝણી ઉઠતાં કંઇક અજુગતું બનવાના એંધાણ જગનને આવી ગયાં.. અને અડધો કલાકમાં જગને ડ્રાઈવર સાથે મુંબઈની વાટ પકડી.

પંદર મિનીટ બાદ વૃંદાનો આવેલો કોલ રીસીવ કરતાં બોલી,
‘નામ,એડ્રેસ અને સમય સાથે તને મેસેજ કર્યો છે, આમ તો ડો. પવન બંસલની એક વીક સુધી એપોઇન્ટમેન્ટ મળવી અશક્ય છે પણ, મેં ગબ્બરસિંગના ટોનમાં ધમકી આપી તો, ડરી ગયા, એટલે આજે સાંજની પાંચ વાગ્યાની મુલાકાત ફિક્સ છે.’ તું મળી લેજે.’ બોલતા વૃંદા ખડખડાટ હસવાં લાગી..

વૃંદાનું નિર્દોષ હાસ્ય દેવલને ખૂંચતું હતું, એટલે કે, કેટલી જીવંત છે આ વ્યક્તિ, અને ભીતર કેટલો ભરેલોઅગ્નિ લઈને ફરે છે ?


‘થેંક યુ ડીયર.’ દેવલ બોલી..
‘વેલકમ માય ડાર્લિંગ.’ વૃંદા બોલી
‘અચ્છા હું તને રાત્રે કોલ કરું છું, બાય.’ દેવલ બોલી.
‘બાય સ્વીટહાર્ટ,’ કહી વૃંદાએ કોલ કટ કર્યો

અડધો એક કલાક બાદ, સાવ નહીંવત ભીડ હતી એવી એક કોફી શોપના કોર્નરના ટેબલ ફરતે કેશવ અને મિલિન્દ ગોઠવાયાં.
ચુપચાપ અને ચિંતાગ્રસ્ત મિલિન્દનો ચહેરો જોઈ કેશવ બોલ્યો..
‘ફરી વૃંદાનું ભૂત ધુણ્યું છે કે શું ?
કેશવનો સવાલ સાંભળી મિલિન્દ સ્તબ્ધતાથી કેશવ તરફ જોઈ રહ્યાં પછી બોલ્યો..
‘તારું નામ કેશવ કોણે પડ્યું... તું ખરેખર અંતર્યામી છે યાર.’ કઈ રીતે જાણ્યું ?

સાવ સહજ અને એક સમાંતર સૂરની ધ્વનિમાં ઉત્તર આપતાં કેશવ બોલ્યો..

‘પ્રિતીપાત્રની સૂચિમાં પર્યાયનો છેદ ઉડી જાય તો બધું જ શક્ય છે, દોસ્ત. મુંબઈ આવ્યે આટલાં વર્ષો થયાં, ગમ હોય કે ખુશી, કોઈપણ લાગણીની સ્થિતમાં હોઠ પર એક જ નામ રાખ્યું છે, મિલિન્દ. હવે બોલ શું થયું ?

કોફીનો ઓર્ડર આપ્યાં બાદ મિલિન્દે દેવલે માનસી દોશીનું કિરદાર ધારણ કર્યું ત્યારથી લઈને ગઈકાલ રાત સુધીની વાતના અંશો કેશવને કહી સંભળાવ્યા.

કેશવ, માનસી દોશીના કિરદારથી અજાણ છે, એ રહસ્ય અકબંધ રાખવું તેને યોગ્ય લાગ્યું. એટલે વિસ્મયની સંજ્ઞા સાથે પ્રતિભાવ આપતાં કેશવે પૂછ્યું..
‘આ પરિસ્થિતિનું નિર્માણ તો તે દિવસે જ થઈ ચુક્યું હતું જે દિવસે વૃંદાને તારા લગ્નની જાણ થઇ હતી. તને મારા શબ્દો યાદ છે.. મિલિન્દ?

જવાબમાં મિલિન્દ બોલ્યો...
‘શું કર્યું... આઆ..આ તે શું કર્યું મિલિન્દ ? આવું બોલતાં મિલિન્દ આગળ બોલ્યો..
કેશવ શબ્દશ: અદ્દલ આજ શબ્દોનું ગઈકાલે રાત્રે દેવલે પુરાવર્તન કર્યું.’

એટલે કેશવ બોલ્યો...
‘મિલિન્દ, તે દિવસે મેં કહેલા નગ્ન સત્ય જેવા કડવા વેણ તને યાદ છે ? મેં કહ્યું હતું કે, મિલિન્દ ચપટીમાં મેળવેલી તારી ચિક્કાર મિલ્કત પણ હવે વૃંદાની મનોવેદના માટે મરહમ નહીં ખરીદી શકે. યાદ આવે છે આ શબ્દો ? આજની વિકટ અને ઉકેલ વિનાની વિષમસ્થિતિ માટે ચાર મહિના પહેલાં ગુસ્સામાં કરેલું મારું વિધાન કેટલું સાચું પડ્યું ? દોસ્ત, પ્રેમ કરવો આસાન છે, પ્રેમમાં જીતવું આસાન છે, પણ પ્રેમ ખાતર પ્રેમમાં હારી જવું ખુબ જ કઠીન છે. આ પ્રણયત્રિકોણનો તોડ કદાચ કાનુડા પાસે હોય તો જ સૌ સારાવાના થઈને રહેશે...બાકી અત્યારે તો ઈશ્વરની ઈબાદત કર્યા સિવાય કોઈ ઉકેલ નથી. કેમ કે, એક સ્ત્રી થઈને જો દેવલે હાર માની હથિયાર હેઠાં મૂકી દીધા હોય તો સમજી લે, આ ઝેરના પારખાં કરવાનું આપણી મરદ જાત માટે ગજા બહારની વાત છે મિલિન્દ. કેમ કે, પુરુષ પ્રેમ કરી જાણે, અને સ્ત્રી પ્રેમ ન હોય તો પણ નિભાવી જાણે બસ આટલો જ તફાવત છે.’

પ્રેમમાં પંડિતાઈને વરેલા કોઈ જ્ઞાનીની વાણી જેવી કેશવની વાત સંભાળીને મિલિન્દને કોફી પણ બેસ્વાદ લાગી.

કેશવ પાસે પણ કોઈ નક્કર ઉકેલ ન મળતાં માયૂસ થઈને ઉભાં થતાં મિલિન્દ બોલ્યો..
‘ચલ, કાર ઘર તરફ લઇ લે.. અને હમણાં બે દિવસ હું ઓફીસ પર નહીં આવું, તો તું જરા બધું ધ્યાનથી સંભાળી લે જે.’

‘તારી તબિયત તો ઠીક છે ને ? કેશવે પૂછ્યું.
‘હાલ તો ઠીક છું, પણ જેમ જેમ વૃંદાના વલયો વિસ્તરતા જશે તેમ તેમ દલદલમાં ધસતો જઈશ. એવું લાગે છે, અને વૃંદાની સાથે સાથે દેવલ પણ આ ચક્રવ્યૂહના ચક્કરમાં પીસાતી જાય છે.’

કારમાં બેસતાં અચાનક મિલિન્દને સ્મરણ થતાં તરત જ બોલ્યો..
‘હા, જો હજુ એક એવી વાત જેની સાથે તારી, દેવલ અને વૃંદા ત્રણેવની સમાંતર સામ્યતા જોડયેલી છે.’

કાર સ્ટાર્ટ કરતાં કેશવે કુતુહલ સાથે પૂછ્યું..
‘કઈ વાત ?’

‘કેશવ તારા શબ્દો હતો કે... તારી પીઠ પાછળ કોઈ ભેદી રમત રમાઈ રહી હોય તેવી આશંકાના અણસાર મને આવી રહ્યાં છે. ચોપાટની રમત મંડાઈ ચુકી છે, કોણ. ક્યારે, કેમ પાસા ફેંકશે, હવે એ જોવાનું છે. શતરંજના શાતિર ખિલાડીના મોહરા પાછળનો ચહેરો કોનો છે ? ઇન્સાન કે ઈશ્વરનો એ તો સમય કહેશે. બસ... આવું જ કંઇક આંધળું અનુમાન દેવલ અને વૃંદાનું છે.’

‘મતલબ.’ કાર હંકારતા અતિ આશ્ચર્ય સાથે ફરી કેશવે પૂછ્યું.

‘દેવલ અને વૃંદાને પણ લાગી રહ્યું છે કે, ષડ્યંત્ર લાગતી આ વિષમવસ્તુની સ્થિતિ પાછળ કોઈ ઈશ્વરીય સંકેત સાંપડી રહ્યો છે. સળંગ ગુત્થીને ઉકેલતી કોઈ એક કડી ગૂમ છે. શું હશે ? કોણ હશે ? મને કંઇ જ સમજાતું નથી.’ એવું મિલિન્દ બોલ્યો..

બંગલાની અંદર કાર દાખલ કરી સ્ટોપ કરતાં મિલિન્દ બોલ્યો..
‘મને હજુએ આ વૃંદાનું એક જ વાક્ય કાનમાં ખીલ્લાની માફક ખુંચે છે.’
‘ક્યુ વાકય ? કેશવે પૂછ્યું..

‘જિંદગીમાં કોનું મહત્વ વધુ.. પ્રેમ કે પૈસોનું ? કેશવ સામે જોઈ મિલિન્દ બોલ્યો

સ્હેજ હસતાં કેશવ બોલ્યો..

‘આજે તારી પાસે બન્ને અઢળક છે, પણ કુદરતે તને એ સ્થિતિમાં લાવીને મૂકી દીધો છે કે, તું પ્રેમ કે પૈસોના અહેસાસથી વંચિત છે. કોઈ શ્રાપિત અછૂતની માફક.. સોરી મિલિન્દ.’

એ પછી બન્ને સ્વસ્થ થઇ ઘરમાં દાખલ થયાં.

-વધુ આવતાં અંકે.