Ek Chutki Sindur ki kimmat - 34 in Gujarati Novel Episodes by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 34

એક ચુટકી સિંદૂર કી કિંમત - 34

પ્રકરણ- ચોત્રીસમું/૩૪

‘જો બાવન ગજની ધજાનો ધણી, દ્વારિકાનો નાથ રાજી થાય તો સમજી લે, ચાર મહિનાનો ખેલ ચોવીસ કલાકમાં ખતમ થઇ જશે.’
એટલું બોલતાં જગનનું ગળું ભરાઈ આવ્યું.

જીવનના દરેક તડકા-છાયા જોઈ ચૂકેલાં જગને ભરપુર આત્મવિશ્વાસથી કરેલાં નિવેદન પર દેવલને લેશમાત્ર શંશય નહતો છતાં, ઉચાટ મનના સંતોષ ખાતર પૂછ્યું..

‘પપ્પા...આ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકવા જેવી વાત છે, છેલ્લાં કેટલા’યે સમયથી વૃંદાને આ ઘનઘોર વિચારવનમાંથી બહાર લાવવા હું ખુદ, વિચારવૃંદમાં ભટકીને થાકી ગઈ છતાં પણ, મને આ અંધકારમય કોયડાની કોઈ કેડી કે, કડી જડી નથી. અને તમે આટલી મક્કમતા અને સરળતાથી કહો છો કે, આ તકદીરે માંડેલો તમાશો ચોવીસ કલાકમાં ખત્મ થઇ જશે, કઈ રીતે ? અને તમે તો કહો છો કે, તમે એ શશાંક સંઘવીને ઓળખતા પણ નથી તો..આ ગડમથલના ઉકેલનું ગણિત તમે કઈ ગણતરીથી માંડ્યું, એ કહેશો ?’
હળવેકથી સોફા પર બેઠાં પછી બે ઘડીના મૌન બાદ, ગંભીર મુખમુદ્રા ધારણ કરી જગન બોલ્યો..

‘મેં કોઈ ગણિત નથી માંડ્યું... હું તો માત્ર નિયતિએ કરેલા અંગુલીનિર્દેશને અનુસરવાનું અનુમાન લગાવ્યા પછીના પરિણામની રૂપરેખા જોઈ રહ્યો છું.’

‘કેટલાં પ્રતિશત, સકારાત્મક પરિણામની તરફેણમાં છે ?’
ઘટતી ધીરજ અને વધતાં ધબકારા સાથે દેવલે પૂછ્યું.

દેવલની સામું જોઈ..જગન બોલ્યો..

‘એમ સમજી લે દીકરા, કે આજે મુરલીધર માધવે આપણેને આ સમુદ્રમંથન જેવડા તાળાની માસ્ટર કી આપી છે, જો આ કુંચી કારગત નીવડી ગઈ તો..સમજી લે, આજીવન સૌના બંધ ઋણાનુબંધના કમાડ ઉઘડી જશે.’

‘અને, નહીં ઉઘડે તો..? શ્વાસ થંભાવતા દેવલે બોલી..

‘તો..અંતે ધાર્યું ધણીનું જ થશે, અને આમ પણ આ તોડનો અંતિમ જોડ છે. કદાચને આ સંકટમર્મ સુલજાવતા એક નવું ધર્મસંકટ ઊંભું થશે.’
ગમગીની સાથે જગન બોલ્યો..

‘નવું ધર્મસંકટ ? પપ્પા, હવે તમારી વાત પરથી મને એવું લાગે છે કે, ધારણા કરતાં વૃંદાનું કોકડું વધુ ગૂંચવાયેલું અને ગહન છે. શું વાત છે પપ્પા, ખુલીને વાત કરો પ્લીઝ.’
હવે દેવલની અધીરાઈ સપાટી પર આવી જતાં બોલી

‘હવે આગળના સબંધ સમજણના સમીકરણ પર આધારિત છે દીકરા. રજનું ગજ અને ગજનું રજ પણ થઇ શકે છે. હવે વૃંદાના મમત્વના મર્મ પર અંતિમ નિર્ણય આધરિત છે. તું જે ઝડપે દેવલમાંથી માનસી દોશી બની ગઈ તે ઝડપે માનસી દોશી માંથી દેવલ બનવું અઘરું છે. તારા નિસ્વાર્થ, નિસંદેહ સો ટચના સોના જેવા સમર્પણનો સાક્ષી કોણ ? અને માનસીનો મુખવટો પહેરવાની તને શું જરૂર પડી ? એવું વૃંદા પૂછશે ત્યારે ? તારી નિયતમાં ખોટ નહતી અથવા તને જાત પર ભરોસો હતો તો, તું અસલી દેવલના રૂપમાં વૃંદા સમક્ષ કેમ હાજર ન થઇ ? અને મિલિન્દ પાસે વૃંદાના નંબર, સરનામું બધું જ હોવા છતાં ચાર મહિના કોની રાહ જોઈ ? વૃંદાના આ સણસણતા સવાલના સચોટ જવાબ છે તારી પાસે ? આ બંધ બાજી જેવી રમતના પાના જયારે ઉઘાડા કરવાનો સમય આવશે ત્યારે તારી પાસે હુકમનું પાનું હોવા છતાં વૃંદા તારો લેશમાત્ર વિશ્વાસ નહીં કરે કેમ કે, તે સંબંધનો સેતુ બાંધવાનો આરંભ જ અવિશ્વાસથી કર્યો છે. અસત્યના પાયા પર શ્રધ્ધાના શિખર કયારેય ન બંધાય દીકરા.’

સ્વચ્છ કાચ અને કડવા નગ્નસત્ય જેવી જગનની દુરંદેશી અભિધારણાથી દેવલ ધ્રુજી ઉઠી. માનસીની નજરે જોતાં હાથવગુ લાગતું વૃંદાના નિવારણનું ચિત્ર હવે દેવલ માટે મૃગજળ સાબિત થવાં લાગ્યું. ગંભીરતાનો ગ્રાફ ધારેલા ચાર્ટની બહાર જતાં હાર્ટના ધબકારા વધી ગયા.

ટીપોઈ પર પડેલી પાણીની બોટલ ઉઠાવી સુકાયેલા ગળાને તૃપ્ત કર્યા પછી દેવલ બોલી..
‘પણ, પપ્પા વૃંદા તો મારો પડ્યો બોલ ઝીલે છે. સતત મારું સાનિધ્ય ઝંખે છે. પાંચ જ દિવસમાં વૃંદામાં આવેલાં ધરમૂળ પરિવર્તન માટે મને જવાબદાર ગણે છે.’

‘દેવલને નહીં. માનસી દોશીને. દેવલ વૃંદાનો યા વૃંદા, દેવલનો સામનો કરી શકશે ?
નહીં, કારણ ? કારણ કે, બન્નેનું કારણ, મારણ અને તારણ એક જ છે, મિલિન્દ. લગ્નની ઉંમરમાં ડગ માંડતી કોઈપણ સ્ત્રીનું એક જ સપનું હોય ઘર અને વર. અને આ બન્ને બાબતમાં તેનો એકાધિકાર છીનવાઈ જાય એ કોઈ સ્ત્રી બરદાસ્ત ન કરી શકે. તે વૃંદાનો હક્ક ઝૂંટવ્યો નથી પણ નિમિત તો બની છો ને ? પણ કોના કારણે
તું નિમિત બની છો ? નિયતિના નિયમના કારણે. અને આ સઘળાં ઘટનાચક્રનો હું એકમાત્ર સાક્ષી છું.’ ગર્ભિત ભાષામાં જગન થોડામાં ઘણું કહી ગયો.

‘પણ પપ્પા હવે શું ? જે થવાનું હતું એ તો થઇ ગયું, અને જે બાકી છે,એ થઈને જ રહેશે. હવે અહોભાગ્યએ ચાંપેલી આ આગ બુઝાશે કે નહીં ?
અત્યંત નિરાસાની ગર્તામાં ધકેલાઈ ગઈ હોય એમ દેવલ બોલી.

‘ના..નથી થયું એ થશે. અને કોઈના અધિકારના ભોગે દાયકાઓ પહેલાં અહોભાગ્યએ લગાવેલી આગ હવે બુઝાશે.’
વૃંદાના કિસ્સાનું કોકડું ઉકેલવા મનોમન આગળની રણનીતિ ઘડતાં જગન બોલ્યો.

‘પપ્પા, તમારા ગૂઢાર્થ શબ્દો પરથી મને લાગી રહ્યું છે કે, ધાર્યા કરતાં આ રહસ્ય ખૂબ ઊંડું અને ગહન છે. અને હવે તમે જ તકદીરે મચાવેલા તોફાનમાં મધદરિયે ડૂબવાની અણી પર આવેલી સૌની જીવનનૈયા પાર લગાવશો.’
જગનના સકારાત્મક શબ્દોથી આશાની કિરણ દેખાતા દેવલ બોલી.

‘દીકરા, કાળમીંઢ અંધકારને ઓગાળવા માટે એક નાનો અમથો દીવડો કાફી હોય
એમ, હજારો માઈલ ફેલાયેલાં વિશાળ મહાસાગરમાં દિશાહીન થયેલા સાગરખેડુને તટનો સંકેત આવવા એક દીવાદાંડી પર્યાપ્ત હોય, બસ હું એ નાની અમથી દીવાદાંડીથી વિશેષ કંઇક જ નથી. હવે તું મને વૃંદાના કોન્ટેક્ટ નંબર અને તેના ઘરનું સરનામું આપ.’ એક ગહન શ્વાસ લઇ જગન બોલ્યો..

‘પણ.. પપ્પા તમે વૃંદાને કહેશો શું ? અને વૃંદા તમારી કઈ વાત પર ભરોસો કરીને મિલિન્દને માફ કરે ? ઉત્સુકતાથી દેવલે પૂછ્યું..

‘ના.. વૃંદા, મિલિન્દને માફ નહી કરે.’ જાણે કે જગતભરનો થાક લાગ્યો હોય એમ સોફા પરથી ઊભા થતાં જગત બોલ્યો
‘તો... ? ઉતાવળેથી દેવલે પૂછ્યું..

‘પહેલાં વૃંદા, મિલિન્દની અને પછી દેવલની માફી માગશે.’
સ્હેજ સ્મિત સાથે જગન બોલ્યો..

પ્રતિક્રિયાની પળોજણ અને પરવા કર્યા વિના અત્યાનંદમાં આવેલી દેવલ, તરત જ જગનને વળગી પડી.. અને જગનની આંખેથી સતત જલધારા વહી નીકળી.

એ જોઈ દેવલે પૂછ્યું..
‘કેમ આટલું રડો છો, પપ્પા ?

‘આઆ...આ તો હેતની હેલી છે, વ્હાલની વર્ષા છે, અને આ અહોભાગ્ય દીકરીના બાપના ભાગ્યમાં જ હોય. આ તો તને ખુશ જોઇને છલકાયેલું સુખ છે.
‘અચ્છા, મન ભરાઈ ગયું હોય તો હવે પેટ ભરીએ..ચલ, નાસ્તો કરીલે.. નહી તો જશવંત મને ઠપકો આપશે.’
એમ કહી પરિપક્વ અને પીઢ જગને વાત વાળી લીધી અને પાપણે પાળ બાંધી લીધી.

નાસ્તો કરતાં કરતાં દેવલે વૃંદાના કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ જગનને સેન્ડ કર્યા.

એ પછી જગન બોલ્યો..
‘મને માનસી દોશીના કોન્ટેક્ટ નંબર સેન્ડ કરી આપજે.’
‘કેમ ? અચરજ સાથે દેવલે પૂછ્યું..
‘તો હું કોના રેફરન્સથી વૃંદાને મળીશ ? સ્હેજ હસતાં જગને પૂછ્યું.
‘ઓહ્હ.. સમજી ગઈ. માનસી દોશીનો નંબર પણ આપી દઉં છું, બસ.. અને રહી વાત રેફરન્સની તો એ હું કોલ પર તેને આપી દઈશ બસ.’
ઊભા થતાં દેવલ બોલી.
જતાં જતાં દેવલને હૈયાધારણની હુંફ સાથે બધું સમુનમું પર પડી જશે એવી ઠોસ બંધ ખાતરી આપી. ત્યારબાદ દેવલ મહદ્દઅંશે હળવીફૂલ થઈને ઘરે આવી.

અને જગન મણ એકના નિસાસા અને ભાંગેલા મન સાથે ભીતરથી તૂટી પડતાં રીતસર સોફા પર ફસડાઈ પડ્યો. નિરંતર અશ્રુઓ નીતરતાં રહ્યાં. એ પછી મનોમન હસતાં બોલ્યો..

‘હે, ઈશ્વર જિંદગીભર મેં પારકાને પોતીકાથી વિશેષ માનીને રાખ્યાં... પણ મને કોઈએ પોતીકો કેમ ન બનાવ્યો ? હું બધાનો, મારું કોઈ નહીં ? આખરે તો હું પણ છું તો, હાડમાંસનો એક સામાન્ય વ્યક્તિ જ ને ? શું મને લાગણીની ભૂખ ન લાગે ? જન્મ્યો ત્યારથી દર વખતે પ્રેમનો કોળીયો છેક મોઢાં સૂધી લાવીને ઝુંટવી લીધો, કેમ ? સમજણો થયો ત્યારથી જયારે જયારે પ્રેમ કે હૂંફની ભૂખ યા તરસ લાગી તે છપ્પન ભોગ જેવો મિલકતનો થાળ આગળ કર્યો. શું કરું આ દમ ઘૂંટતી દૌલતને ? આજે પહેલીવાર જગન ઘુંટણીયે પડી અંતિમ આખરી અરજ કરે કે, મારા, વ્હાલા...હવે કોઈ’દી કોઈના કાળજાના કટકાના ભાગ્યમાં આવા ભાગલાં ન લખતો, મારા બાપ.’

આટલું બોલી...બે હાથ જોડી ચોધાર આંસુએ જગન રડતો રહ્યો...

થોડીવાર બાદ જયારે જશવંત આવ્યો.. ત્યારે જગનનો ચહેરો જોઈ તરત જ બોલ્યાં..
‘કેમ ભાઈ, ક્યાં વહાણ ડૂબી ગયાં તારા, તે આટલો ઉદાસ થઈને બેઠો છે ?

‘અરે ના, ભાઈ આ તો વ્હાલના દરિયામાં ભરતી આવી એટલે વહાણ તરી ગયાં.
બોલ શું થયું, તારું કામ પત્યું કે નહીં ?
વાત વાળી લેતાં જગન બોલ્યો.

સોફા પર જગનની બાજુમાં બેસતાં જગનની સામું જોઈ જશવંતલાલ બોલ્યાં
‘સાચું, કહું ? મારે કોઈને મળવા જવાનું હતું જ નહીં, તમે બન્ને બાપ-દીકરી પેટ છુટ્ટી વાત કરી હળવા થઇ જાઓ એટલે હું કામનું બહાનું કરીને જતો રહ્યો હતો. અને
‘દોસ્ત.. આ માથાના વાળ અમથા તડકામાં સફેદ નથી થયાં. હવે જે સાચે સાચું હોય એ કહી દે.’

જગન ચુપ થઇ ગયો..એટલે જશવંતલાલ બોલ્યાં..
‘મને કહેવાં જેવું નથી, એમ છે ?
‘તારા સિવાય કોઈ છે, મારું ? સ્હેજ ગળગળા સ્વરમાં જગન બોલ્યો
‘તો કેમ ગોળ ગોળ વાત કરે છે ? જશવંતલાલ બોલ્યાં
બે મિનીટ મૌન રહી.... દબાયેલાં સ્વરમાં દેવલે કહેલી દર્દીલી દાસ્તાન જગને જશવંતલાલને કહી સંભળાવ્યા પછી... તેની બંને હથેળીમાં મોં રાખી છાનું રુદન કરવાં લાગ્યો.. જશવંતલાલની આંખો પણ ભીની થઇ ગઈ.

જગનની પીઠ પસરાવતાં જશવંતલાલ બોલ્યાં..
‘યાર.. ઈશ્વર સાથ ન આપે તો બાથ ન ભીડાય. તકદીર સામે તલવાર ન કઢાય. આ તો મહાદેવે હસ્તરેખાની મર્યાદા અને હથેળીની ક્ષ્રમતા જોઇ, ગજા મુજબનું આપેલું ગંગાજળ છે, આશીર્વાદ માની તેનું આચમન કરાય..અવલોકન નહીં.’
‘પણ, જશવંત તે હજુ જે અર્ધ સત્ય નથી સાંભળ્યું તેનો મને ડર છે. અને એ સત્ય ઉજાગર કર્યા સિવાય આ મડાગાંઠનો કોઈ ઉકેલ નથી.
જગન બોલ્યો.

‘તો કોને સંભળાવીશ ? કોની રાહ જુએ છે ? પ્રારબ્ધના ગર્ભિત મર્મ સાથે, પળે પળે પ્રશ્નાર્થના પોષણ સાથે પાંગરેલા ગર્ભના પ્રસુતિની પીડાનું શમન, શૂળ જેવું દર્દ સહન કર્યા વગર તો શક્ય જ નથી.’

જગનની મનોવ્યથાનું સચોટ વર્ણન કરતાં જશવંતલાલ બોલ્યાં..
એ પછી જગને જીવનસંગ્રામના જદ્દોજહ્દ માટે આગળની રણનીતિની રૂપરેખા જશવંતલાલને સમજાવી. અને તે આંશિક રીતે સહમત પણ થઇ ગયાં.

જાણે ખટારો ભરીને ખુશી લાવી હોય એવાં ખુશખુશાલ ખીલી ઊઠેલા ચહેરા સાથે બેડરૂમમાં દાખલ થતાં દેવલને જોઈ મિલિન્દ બોલ્યો..
‘અરે.. દેવલ, પપ્પા એવી કઈ ખુશખબર લાવ્યાં કે, તું સાતમાં આસમાનમાં ઉડવા લાગી ? મને તો કહે.’

મિલિન્દની નજીક આવી દેવલ બોલી..
‘કહીશ, પણ હમણાં નહીં.’
‘તો કયારે, કોઈ શુભ મુહુર્ત જોવડાવવાનું છે કે શું ? સ્હેજ હસતાં મિલિન્દે પૂછ્યું.
‘ના, પણ હું યોગ્ય સમય અને સ્થળના સંગમસંધિની પ્રતીક્ષા કરી રહી છું.’
સ્મિત સાથે દેવલ બોલી..
‘હું કોઈ દિશાનિર્દેશ કરી સુંદર સમય અને સ્થળના સંકલનનો સંકેત આપું ?’
‘અરે.. તો તો અતિ ઉત્તમ.’ આનંદિત થતાં દેવલ બોલી..
‘દેવલ, મારી એક સાંજ તારા પર ઉધાર છે. યાદ છે, કે યાદ અપાવું ?
દેવલનો હાથ ઝાલતા મિલિન્દ બોલ્યો..
‘એક જ સાંજ..? મારી તો બધી જ સાંજ ઉધાર છે તેનું શું ?
એવું મનોમન બોલ્યાં પછી દેવલ બોલી..

‘હમ્મ્મ્મ... આઈ થીંક ગઈકાલે તમે ડીનર પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.. એમ આઈ રાઈટ ? એ જ ને ?’ ચપટી વગળતા દેવલ બોલી.

‘તારી મેમરી ખૂબ શાર્પ છે, એ તારો બીગ પ્લસ પોઈન્ટ છે.’ મિલિન્દ બોલ્યો.

‘હા, પણ કયારેક એ મારા માટે માઈનસ પોઈન્ટ સાબિત થાય છે. બીકોઝ,
સમ ટાઈમ્સ ગૂડ મેમરી, બીકમ્સ બેડ મેમરી.’ આગળ બોલતાં દેવલ અટકી ગઈ અને મિલિન્દ પણ મોર્નિંગના મસ્ત મૂડને સળંગ રાખવા માગતો હતો એટલે વાતનો ટોપીક ચેન્જ કરતાં બોલ્યો..

‘તો આજે તું સાંજની ઉધારી ચુકવે છે, તે ફાઈનલ સમજી લઉંને ?
હળવેકથી દેવલના ખભા પર તેની બન્ને હથેળી મૂકતાં મિલિન્દ બોલ્યો..

આજે કોઈ કાળે દેવલ મિલિન્દને નારાજ કરવાં નહતી ઇચ્છતી.. અને છેલ્લાં એક અઠવાડિયાથી ચાલી આવતી વૃંદાના વાર્તાલાપથી થોડો સમય માટે મિલિન્દને માનસિક છુટકારો અપાવવા માટે દેવલ બોલી.
‘હન્ડ્રેડ એન્ડ તેન પર્સન્ટ ફાઈનલ, સર.’

‘અચ્છા, હું ફ્રેશ થઇ, પછી પપ્પાને મળી લઉં.’
એમ કહી મિલિન્દ ગયો વોશરૂમ તરફ.
અને દેવલે કોલ જોડ્યો.. જગનને..
‘હા, બોલ દીકરા.’
‘પપ્પા, મારી ઈચ્છા એવી હતી કે, આજે સાંજે આપણે સૌ સાથે ડીનર લઈએ પણ, મિલિન્દે બહાર ડીનર લેવાનું ગઈકાલથી નક્કી કરી રાખ્યું છે, તો...’

દેવલની વાતને અધ્ધવચ્ચે રોકતાં જગન બોલ્યો..

‘અરે..પણ દીકરા આપણે દી’ના ક્યાં દુકાળ છે. અને આમ પણ આજે સાંજે હું અને જશવંત બહાર જવાના છીએ, તો આવતીકાલે કંઇક ગોઠવીશું.’

‘અચ્છા ઠીક છે. પપ્પા.’ એમ કહી દેવલે તેની વાત પૂરી કરી.

પછી કંઇક યાદ આવતાં કોલ જોડ્યો.. વૃંદાને.
‘ગૂડ મોર્નિંગ.’
‘આજે ગૂડ મોર્નિંગ કેમ આટલું લેઈટ ? સવારથી તારો એક મેસેજ નથી. મને તો ધ્રાસકો પડ્યો, કે મને ભૂલી ગઈ કે, શું ? હસતાં હસતાં વૃંદા બોલી.

‘જેના બેડલક હોય એ તને ભૂલે. સવારથી જરા સોશિયલ કામમાં વ્યસ્ત હતી. અને સાંભળ, એક વ્યક્તિ તને મળવાની પ્રતીક્ષામાં છે. એટલે ખાસ તો તેમના માટે જ કોલ કર્યો છે, તને, મારું નામ આપશે. અને તેમના નંબર પણ તને સેન્ડ કરું છું. શક્ય હોય ત્યારનો સમય આપજે.’

‘પણ, કોણ છે એ વ્યક્તિ ? નવાઈ સાથે વૃંદાએ પૂછ્યું.
‘મારા પપ્પા.’ દેવલ બોલી..
‘ઓહ્હ માય ગોડ... શું કહેવું તને હવે ? આર યુ મેડ ? તારા પપ્પાને મળવા માટે મારે તેમને રાહ જોવડાવાની ? એની ટાઈમ મોસ્ટ વેલકમ. ઇટ્સ માય ગ્રેટ પ્લેઝર.’
ખુશ થતાં વૃંદા બોલી

‘અચ્છા, ઠીક છે, હું તેમના કોન્ટેક્ટ નંબર સેન્ડ કરું છું. કોલ આવે તો વાત કરી લે જે.
અત્યારે જરા ઉતાવળમાં છું. પછી નિરાંતે વાત કરીએ.. ચલ બાય.’

‘બાય.’

કહેતાની સાથે ફોન મૂકતાં વૃંદા ચડી ગઈ ચિંતનના ચકડોળે. માનસીના પપ્પા, મને મળવા માગે છે ? બટ, વ્હાય ? કોઈ લીંક મળતી નથી. ક્યા સંદર્ભના અર્થમાં મળવાનું પ્રયોજન હશે ? ખૂબ મનમંથનના અંતે હતી ત્યાંની ત્યાં, અંતે થાકીને માનસીએ સેન્ડ કરેલાં જગનના નંબર વૃંદાએ મોબાઈલના કોન્ટેકટ લીસ્ટમાં એડ કર્યા.

સાંજના આશરે પાંચ અને પિસ્તાળીસ વાગ્યાની આસપાસ... બેડરૂમના સોફા પર આડી પડી ‘સરસ્વતીચંદ્ર’ નોવેલ વાંચી રહેલી વૃંદાનો મોબાઈલ રણક્યો... સોફાની નજીક પડેલી ટીપોઈ પર મોબાઈલ ઉઠાવી સ્ક્રીન પર નામ વાચ્યું... ‘ચિત્રા’

‘હા, બોલ.’
‘મસ્ત મજાની સાંજને ઔર રંગીન કરવાના મૂડમાં છું, છે, બસ એક તારી કમી છે.’
‘અલ્યા.. માખણ આટલું સસ્તુ થઇ ગયું ? ખડખડાટ હસતાં વૃંદા બોલી..
સ્હેજ ગુસ્સામાં ચિત્રા બોલી..
‘શું યાર તે તો અચ્છા ખાસા મૂડની મા પૈણી નાખી. સાવ આવું ? ક્યારેક તો અમારા પ્રેમની કદર કર.’

‘આ પ્રેમની કદર કરવામાં તો કંગાળ થઇ ગઈ છું યાર.’
રુજયેલા જખ્મો યાદ કરતાં વૃંદા બોલી.

જરામાં ચિત્રાને એવો ગુસ્સો ચડ્યો કે, હમણાં ત્યાં જઈને એક તમાચો ચોડી દઉં, પણ મનોમન સમસમી ગઈ.

‘આ તો માલ ખાય મદારી અને માર ખાય વાંદરો તેના જેવી વાત થઇ વૃંદા. સોરી ટુ ડીસ્ટર્બ યુ.’ અત્યંત અકળાઈ જતાં ચિત્રા બોલી.

‘અરે..આટલી ઉકળી ન જા યાર. સાંભળ, આજે સાંજે એક ગેસ્ટ આવવાના છે, તેથી નહીં આવી શકું. ફરી નેક્સ્ટ ટાઈમ. આજની સાંજ મારા પર ઉધાર રહી બસ. સોરી ડીયર.’

‘ઓ.કે.’ સ્હેજ સ્વાભિમાની ચિત્રાએ પણ વાત ટૂંકાવી કોલ કટ કર્યો..

આશરે સાડા છ વાગ્યે જગને કોલ જોડ્યો, વૃંદાને.
‘જી, નમસ્કાર. હું માનસીના પપ્પા બોલું છું, જગન.’
‘પ્રણામ, અંકલ.’ આતુરતાથી પ્રતિક્ષા કરતી વૃંદા બોલી..
‘જી, મારે તમને મળવું હતું. તો.. તમને કયારે અનુકુળ આવશે ?
‘હા, માનસીનો કોલ આવ્યો હતો. અરે..અંકલ આ તમારું જ ઘર છે, આપના માટે દ્વાર હમેશાં ખુલ્લાં છે, તમારે વિનંતી ન કરવાની હોય.. બસ ઈચ્છા થાય ત્યારે આદેશ કરીને આવી જવાનું. તમને જયારે પણ અનુકુળતા હોય ત્યારે. અને હું પણ માનસીની માફક તમારી દીકરી જ છું, તું કહીને સંબોધન કરશો તો આનંદ થશે,’

વૃંદાની સરળ શબ્દો અને વિનમ્રતા સાથેની વિવેકપૂર્ણ વાણીથી પ્રભાવિત થતાં જગને પૂછ્યું..

‘આજે અનુકુળ આવશે ?
‘જી, જરૂર.. વેલકમ, અંકલ, હું આપની રાહ જોઉં છું.’ વૃંદા બોલી..
‘તો આઠેક વાગ્યા સૂધીમાં હું આવી જઈશું.’ જગન બોલ્યો.
‘આવો આવો અંકલ.’ વૃંદા બોલી..
‘નમસ્કાર.’ બોલતાની સાથે જગને વાત પૂરી કરી.
‘કેટલો સમય લાગશે દાદરથી મલાડ પહોંચતા ?
જગને બાજુમાં બેસેલાં જશવંતલાલને પૂછ્યું.
‘સામાન્ય રીતે કલાક થાય પણ સાંજનો સમય છે, એટલે આશરે દોઢેક કલાકની ગણતરી રાખીને નીકળીશું.’ જશવંતલાલ..

‘પણ, એક વાત મને નથી સમજાતી જગન કે, આ ત્રીજા વિશ્વ યુદ્ધ કરતાં પણ જટિલ સમસ્યા વિશે તું, દેવલ અને મિલિન્દથી વિશેષ કશું જાણતો નથી, અને આ વૃંદા સંઘવી કે તેના ફાધર શશાંક સંઘવીને પણ તું ઓળખતો નથી, કે, કયારેય તે તેમને જોયાં સુદ્ધાં પણ નથી તો, તારી પાસે એવી કઈ વાતનો મુદ્દો અથવા પૂરાવા છે, કે જેના કારણે તને એવું લાગી રહ્યું છે કે, આ તું આ કારણ વિનાના રાજકારણનું કાયમી નિરાકરણ લાવી શકીશ ?

જશવંતલાલના ખભે હાથ મૂકતાં જગન બોલ્યો..

‘જશવંત મને આટલી ઉંમરમાં એટલી ખબર પડે કે, શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. અરસા પહેલાં શ્રધ્ધાના ભરોસે તૂટલી સ્નેહસાંકળની કડીને ફરી એકવાર એ ખૂટતી અને ખોવાયેલી શ્રધ્ધાથી જોડવાની કોશિષ કરી રહ્યો છું,બસ.’

જશવંતને ભાસ થયો કે, આજે જગનની કહાની કૈકની કહાનીના અંત લાવી દેશે.’
‘અચ્છા ઠીક છે, પણ આજે તો મારા પણ ધબકારા વધી ગયાં છે, યાર.’
જશવંતલાલ બોલ્યાં..
‘પણ, મને તો ડર છે કે, કોઈના ધબકારા બંધ ન થઇ જાય. પણ હવે આ નારાયણના નાટકનો અંત લાવવા સત્યનો પડદો પાડવા સિવાય મારી પાસે બીજો કોઈ આરો નથી.’ જગન બોલ્યો.

‘અચ્છા ચલ, તું તૈયાર થઇ જા એટલે આપણે ધીમી ગતિએ રવાના થઇએ.’
જશવંત લાલ બોલ્યાં
‘જી’ એમ કહી જગન ઊભો થયો.

ઠીક આઠ વાગ્યાની આસપાસ દેવલ અને મિલિન્દ રવાના થયાં એક મધુર સાંજની રંગત માણવા..બન્ને આવ્યાં, દાદર વેસ્ટમાં સ્થિત વેલ નોન ‘ધ બાઉલ બોક્સ ’
રેસ્ટોરન્ટમાં.

અને ઠીક એ સમયે જગને પણ વૃંદાના ઘરની ડોરબેલ દાબવી.

રેસ્ટોરેન્ટમાં એન્ટર થતાં બે બેઠકના ટેબલની સામસામે મિલિન્દ અને દેવલ ગોઠવાયાં.

બ્લેક કલરના સ્લીવલેસ બ્લાઉઝ પર મલ્ટીકલર પ્રિન્ટેડ સીફોનની સાડીમાં દેવલનો લૂક કાબિલ-એ- તારીફ હતો. અને ડેનીમ બ્લ્યુ જીન્સ પર લીનનના વ્હાઈટ ઝબ્ભામાં મિલિન્દ એકદમ કૂલ લાગતો હતો. આજે દેવલના ચહેરાની રોનક અને આંખોની ચમક તેના પ્રસન્ન મનના પ્રસન્નતાની ગવાહી આપી રહ્યાં હતાં.

તે જોઈ ખુશહાલ મિલિન્દે પૂછ્યું ..
‘આજના રાજીપાનું રાઝ જાણી શકું ?’

‘મને મુંબઈ આવ્યાં તેને આજકાલમાં આશરે પાંચ મહિના થવાં આવશે, લગ્ન બાદ આજે પહેલીવાર આપણે આ રીતે બન્નેની સમરસ મરજીથી હળવાંફૂલ થઈને બહાર નીકળ્યાં છીએ. અને બીજું ખાસ કારણ અહીંથી ઘરે જવા નીકળીશું ત્યારે કહીશ.’

‘આ મને ગમ્યું.. અત્યારે આ સમયે, આ પળમાં તારા અને મારા વચ્ચે કોઈ ન આવવું જોઈએ. ન વાતમાં કે વિચારોમાં. રાઈટ ?
મેન્યુ હાથમાં લેતાં મિલિન્દ બોલ્યો.

‘જી, મેરે સરકાર, યુ આર ઓલ્વેઝ રાઈટ.’ પાણીનો ગ્લાસ ઉઠાવતાં દેવલ બોલી.
‘આજે તારી ચોઈસનું ટેસ્ટ કરીશ.’ દેવલના હાથમાં મેન્યુ આપતાં મિલિન્દ બોલ્યો.
‘ચોઈસ મારી હશે પણ પસંદગી તમારા ટેસ્ટ મુજબની હશે.’
બોલતાં દેવલે ઓર્ડર આપ્યો.

થોડીવાર બાદ ડીનર સ્ટાર્ટ કરતાં.. મિલિન્દે પૂછ્યું..
‘દેવલ, તું હજુ’એ મને ‘તમે, કહીને કેમ સંબોધે છે ? ‘તું’ કહીને કેમ નહીં ?

સ્હેજ સ્મિત સાથે મિલિન્દ સામું જોઈ દેવલે પૂછ્યું..
‘આ વાતની તમે કયારે નોંધ લીધી ?
‘જ્યારથી આપણે સંબંધમાં જોડાયા ત્યારથી.’ મિલિન્દ બોલ્યો..
‘તો છેક આજે કેમ પૂછો છો ? જ્યુસનો ગ્લાસ ઉઠાવતાં દેવલે પૂછ્યું..
‘મને એમ કે, તું કોઈ સંકોચના કારણે ‘તમે’ પરથી ‘તું’ પર નથી આવતી, અથવા તો આપણી વચ્ચે કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેની પ્રતીક્ષામાં હોઈશ.’
સલાડની ડીશ ઉઠાવતાં મિલિન્દ બોલ્યો..

‘ના, મિલિન્દ એવું કશું નથી. મારી અંગત માન્યતા મુજબ સન્માનીય સંબોધનથી સંબંધની એક ગરિમા જળવાઈ છે. મારા મનમંદિરમાં તમને મેં જે સ્થાન આપ્યું છે. તેના માટે ‘તું’ નું સંબોધન મારા માટે આજીવન અસ્વીકાર્ય છે. દુનિયાની નજરમાં મિલિન્દ કોણ છે ? શું છે ? તેનાથી મને લગીરે ફર્ક નથી પડતો. મારા અનુબંધનો આરાધ્ય દેવ મારા માટે પૂજનીય છે, એટલું પર્યાપ્ત છે. અને પૂજનીય, વંદનીય યા સન્માનીય હોય તેને કયારેય ‘તું’ કારો ન કરાય, બસ એટલી મને ખબર પડે.’

દેવલના મુખેથી દિવ્યવાણી જેવી પાવન પ્રેમની પરમ પરાકાષ્ઠા સાંભળીને મિલિન્દ મનોમન ગદ્દગદ થઇ ગયો.
‘દેવલ..મારી પાસે શબ્દો નથી. હજુ પણ મને આપણા આ પૂર્વજન્મના ઋણાનુબંધ જેવા અનુબંધના અનુસંધાનની કડી નથી જડતી કે સમજાતી. તારા જેવી જીવનસંગીનીનો સંગાથ મેળવી હું ધન્ય થઇ ગયો.’
આટલું બોલતાં મિલિન્દના આંખોની કોરે ભીનાશ ઉતરી આવી. એ જોઈ દેવલે મિલિન્દને પાણીનો ગ્લાસ ધર્યો.

રેસ્ટોરેન્ટના એક કોર્નર તરફથી લાઇવ મ્યુઝીકના રેલાતાં સુમધુર સંગીતના સૂરો સાથે બંન્ને વચ્ચે બંધાઈ રહેલો એક અવિસ્મરણીય સાંજના મસ્ત માહોલની સાથે સાથે મનપસંદ સ્વાદિષ્ટ વ્યંજનના દરેક બાઈટની લિજ્જતની બમણી થઈ રહી હતી.

અચનાક ઊભા થતાં મિલિન્દ બોલ્યો..
‘જસ્ટ એ મિનીટ.’
એમ બોલી મિલિન્દ લાઇવ મ્યુઝીક બેન્ડ પાસે જઈ, કંઇક વાત કરી, બે મીનીટમાં આવી ફરી ટેબલ પર બેસતાં દેવલે પૂછ્યું..
‘શું થયું ?
‘સાંભળ.’ મિલિન્દ બોલ્યો..

મ્યુઝીક બેન્ડના એક સિંગરે મિલિન્દની ફરમાઇશનું મુજબનું ગીત ગાવાનું શરુ કર્યું.

‘યે આસમાન યે બાદલ યે રાસ્તે યે હવાં
હર એક ચીજ હૈ અપની જગહ ઠીકાને પે
કઈ દિનો સે શિકાયત નહીં જમાને સે
યે જિંદગી હૈ સફર તું, સફર કી મંજીલ હૈ..
જહાં ભી જાઉં યે લગતા હૈ તેરી મહેફિલ હૈ.’

હર્ષના આંસુ સાથે દેવલ બોલી..
‘આજે પહેલીવાર સંગીતકાર મિલિન્દને મળી અને માણી રહી છું. જવાબમાં બસ એટલું જ કહીશ કે..’
‘ફિર ખો ન જાએ હમ કહીં દુનિયા કી ભીડ મેં,
મિલતી હૈ પાસ આને કી, મુહલત કભી કભી.’

દેવલની બંને હથેળી તેની બન્ને હથેળી વચ્ચે ગર્મજોશી સાથે હળવેકથી દબાવી..
કયાંય સુધી મિલિન્દ, દેવલની આંખોમાં જોયા કર્યો.

‘શું જુવો છો ? રોમાંચિત તથા દેવલે પૂછ્યું..

‘મિલિન્દની માયાનો પડછાયો.’ મિલિન્દ બોલ્યો..

એ પછી આશરે દોઢેક કલાક સૂધી બન્ને પહેલીવાર પ્રેમની પગદંડી પર ચાલતાં ચાલતાં સમયનું ભાન ભૂલી ગયાં. મૌસમની પહેલી બારીશ જેવા પ્રથમ સ્નેહ સ્પંદનની અનન્ય અનુભૂતિથી દેવલ બેહદ અભિભૂત હતી.

હવે સમય થવાં આવ્યો હશે આશરે સાડા દસ વાગ્યાનો

અંતે બીલ પે કરી જેવાં ઊભા થઈ, બન્ને રેસ્ટોરન્ટની બહાર નીકળવા જાય ત્યાં જ

‘હેલ્લો..’ મધુર સ્મિત સાથે અભિવાદન કરતી ચિત્રા સામે ઊભી હતી.
ચિત્રાની ઓફિસમાં પહેલી વાર કેશવ મારફતે થયેલા પરિચય પછી ચિત્રા સાથે મિલિન્દની આ બીજી આકસ્મિક મુલાકાત હતી.

અચાનક ચિત્રાને જોઈ, મિલિન્દ એકદમ જ ઝંખવાઈ ગયો. ચહેરાનો રંગ ઉડી ગયો..
એ જોઈ દેવલને નવાઈ લાગી કે, કોણ હશે આ સ્ત્રી ?

તરત જ બાજી અને જાત સાંભળતા અને સ્હેજ થોથવાતા મિલિન્દ બોલ્યો..
‘હા...હાહાઈ.

‘કોન્ગ્રેચ્યુલેશન મિલિન્દ.’ તમે તો અમને મેરેજમાં બોલવવાની વાત તો દૂર
જાણ સુદ્ધાં પણ ન કરી ? શાયદ અમે તમારા વી.આઈ.પી. અથવા અંગતના લીસ્ટની કેટેગરીમાં નહીં આવતાં હોઈએ એવું બને.’
દાઢમાંથી અવળીવાણી બોલતાં ચિત્રાએ તેનો અરસાથી દબાવેલો ગુસ્સો જાહેર કર્યો..

‘થેન્ક્સ.. અરે...ના.. ના, એવું નથી પણ, બધું એટલું ઉતાવળમાં થઇ ગયું કે, કોઈ અંગતને પણ જાણ કરવાની તક ન મળી.’
‘તમારી વાઈફ સાથે પરિચય નહીં કરવો ? ચિત્રા બોલી..
દેવલ તરફ જોઈ મિલિન્દ આગળ બોલ્યો..
‘આઆ..આ છે. ચિત્રા દિવાન. ‘ગ્લેમર વર્લ્ડ ‘ મેગેજીનના ચીફ એડિટર. અને ‘આઆ..આ મારી વાઈફ નથી. મારી કઝીન છે.’

સમસમી ગયલી દેવલ તરફ હાથ લંબાવી ચિત્રા બોલી.

‘હેલ્લો.’
‘હાઈ.’ ચિત્રાની આંખોમાં જોઈ દેવલ બોલી

‘સોરી, હું જરા ઉતાવળમાં છું, આપણે પછી નિરાંતે મળીશું. બાય.’
એમ કહી ઉતાવળે મિલિન્દ અને દેવલ રેસ્ટોરેન્ટની બહાર નીકળીને કારમાં ગોઠવાયાં.

સ્ટીયરીંગ પર હથેળી પછાડતાં સ્હેજ ગુસ્સામાં મિલિન્દ બોલ્યો..
‘છપ્પન ભોગ જેવી જિયાફતના અંતે છેલ્લે કોળીયે કાંકરો આવ્યો ખરો.’

‘મિલિન્દના ખભે હાથ મૂકતાં અંદરથી અશાંત હોવાં છતાં શાંતિથી દેવલે પૂછ્યું.
‘અરે.. એવું તે શું થઇ ગયું મિલિન્દ, કેમ ઘડીકમાં આટલાં અકળાઈ જાઓ છો ?
અને કઝીન તરીકે મારો ગલત પરિચય આપવાનું કારણ મને ન સમજાયું.’

એક મિનીટ બાદ તેની ઉકળાટ ભરી અકળામણને અંકુશમાં લેતા મિલિન્દ બોલ્યો.
‘એ એટલાં માટે કે, આ વૃંદાની ખાસ ફ્રેન્ડ છે, અને જો હું તારો પરિચય મારી પત્ની દેવલ તરીકે આપું અને કયારેક તારે ચિત્રાની હાજરીમાં વૃંદાનો સામનો કરવાનો વખત આવ્યો તો શું કહીશ ?

એક જ પળમાં પરીસ્થિતનો તાગ મેળવતાં દેવલ બોલી..
‘અને આમ પણ હવે કોઈ છટકબારીનો અવકાશ નથી. ચિત્રાએ માનસી દોશીને મિલિન્દ સાથે જોઈ, એ તો ફાઈનલ થઇ ગયુંને ? આપણી આ મુલાકાતનો ઉલ્લેખ તો થઈને જ રહેશે મિલિન્દ, ત્યારે ? ચિત્રાને મિલિન્દની કઝીનનું નામ નથી ખબર પણ, ચહેરો તો યાદ રહેશેને. ?

‘હવે.. શું થશે. ?’ ચિંતિત મિલિન્દે પૂછ્યું..
‘ઘરે ચાલો પછી વાત કરીએ.’ દેવલ બોલી એટલે મિલિન્દે ઓફ મૂડમાં કારનું ઈન્જીન ઓન કરી કાર ઘર તરફ હંકારી.


હવે સમય થયો રાત્રીના અગિયાર વાગ્યાનો..
રેસ્ટોરન્ટની બહાર નીકળી કારમાં બેસતાં અચાનક જ ચિત્રાને કંઇક યાદ આવતાં ફટાફટ તેણે પર્સમાંથી તેનો મોબાઈલ કાઢી, ગેલેરીમાં સર્ચ કરતાં કરતાં... વૃંદાએ સેન્ડ કરેલાં માનસી દોશીનું પીક જોઇને ચોંકી ઉઠતાં... બોલી..

‘ઓહ્હ માય ગોડ.’ માનસી દોશી... મિલિન્દ જોડે.. ? એક જ સેકન્ડમાં તો એક સાથે અનેક ચિત્ર વિચિત્ર વિચારવંટોળ ચિત્રાને ઘેરી વળ્યાં. કોણ, કોની સાથે ગેમ રમી રહ્યું છે ? મિલિન્દ માનસીને મોહરુ બનાવી અને વૃંદા સાથે કોઈ...? કે પછી માનસી વૃંદાની ભોળપણનો ફાયદો ઉઠાવી, બન્નેને ડબલ ક્રોસ કરી છે ? તો પછી વૃંદાએ મને માનસી સાથે નાટક કરવાનું છે એમ કેમ કહ્યું ? શું રહસ્ય હશે આ ગેમ પ્લાન રમવાનો ? થોડીવારમાં તો ચિત્રાનું ચિત્ત ભમી ગયું. પઝલ જેવી ગડમથલની ગૂંચમાં ગુંચવાય એ પહેલાં ચિત્રાએ કોલ લગાવ્યો વૃંદાને. કોલ રીસીવ ન થયો..
ફરી ટ્રાય કરી.. એક.. બે.. ત્રણ.. ચાર.. ચિત્રાએ લગાતાર પ્રત્યન કર્યા પણ નિષ્ફળ.
પછી વિચાર્યું કે, સ્લીપિંગ પીલ લઈને વહેલી ઊંઘી ગઈ હશે.. સવારે વૃંદાના ઘરે જઈ રૂબરૂ મળીને આ ષડ્યંત્રના સસ્પેન્સનો પર્દાફાશ કરવો જ પડશે.આ તરફ...

વૃંદાના ઘરે જશવંતલાલ સાથે આવેલાં જગને સળંગ ત્રણ કલાક ચાલેલા અતિ ગહન વાર્તાલાપ દરમિયાન..
વૃંદાને એક તસ્વીર બતાવતાં પૂછ્યું,
‘આને ઓળખો છો, કોણ છે ?
તસ્વીર જોઇ આશ્ચય સાથે વૃંદાએ જવાબ આપ્યો..
‘હાસ્તો... આ તો માનસીની તસ્વીર છે.’

જગન બોલ્યો..
‘ના.. આ માનસીની તસ્વીર નથી.’
એટલે સોફા પરથી ઊભા થઇ.. જગનની સામું જોયાં કર્યા પછી, સ્હેજ તેની આંખો ઝીણી કરી હસતાં હસતાં વૃંદા બોલી..
‘અંકલ, જો આ તસ્વીર માનસીની નથી તો.. તો આપ માનસીના પપ્પા પણ નથી.’

-વધુ આવતાં અંકે..Rate & Review

Urvi Jani

Urvi Jani 12 months ago

Viral

Viral 1 year ago

Rakesh

Rakesh 1 year ago

sandip dudani

sandip dudani 1 year ago

લાલજી