Kudaratna lekha - jokha - 31 in Gujarati Novel Episodes by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 31

કુદરતના લેખા - જોખા - 31


આગળ જોયું કે કેશુભાઈના સમજાવવાથી મીનાક્ષી હજુ મયુરની વધુ રાહ જોવાની તૈયારી બતાવે છે. મયુર પોતાના બેહાલ શરીરને સાફસુથરું કરી પોતાના વતન જાય છે જ્યાં ભોળાભાઈની સાથે મીટીંગ કરે છે જેમાં કહે છે કે 'હવે આ ખેતી નથી કરવી.'
હવે આગળ.......

* * * * * * * * * *

'અરે પહેલા મારી વાત તો પૂરી સાંભળો ' થોડા અકળાતા મયુરે કીધું.

' મે એવું નથી કહ્યું કે આ જમીનમાં ખેતી નથી કરવી, પણ હું એવું કહેવા માંગુ છું કે અત્યાર સુધી આ જમીનમાં જે પાકોનું વાવેતર કરવામાં આવતું એની ખેતી હવે નથી કરવી.' મયુર થોડું અટક્યો.

ભોળાભાઈ હજુ મયુરની વાતને સમજી નહોતા શક્યા. ભોળાભાઈ મયુરની વાતને સમજવા પ્રત્યુતર આપ્યા વગર આશ્વર્યભરી નજરે જોઈ રહ્યા.

' હવે હું આ બધી જ જમીનમાં ફૂલોની ખેતી કરવા માંગુ છું કારણ કે વિદેશમાં ભારતીય ફૂલોની બહુ ડિમાન્ડ છે અને જો આપણે આ આટલી બધી જમીનમાં ફૂલોનું વાવેતર કરીશું તો આપણે કોઈ પણ હરીફને ટક્કર આપી શકીશું.' મયુરે થોડા અટકીને કહ્યું કે ' અને તમે જેની ચિંતા કરો છો એવા લોકોની રોજગારી પણ છીનવાશે નહિ એ બધા જ લોકોને આપણે કામ આપશું પરંતુ એ લોકો કોઈ કોન્ટ્રાક્ટ નીચે કામ નહિ કરે આપણે જ તેઓને ડાયરેક્ટ પગાર આપીશું.'

પોતાની બેગમાથી એક કાગળ બહાર કાઢી ભોળાભાઇ ને આપતા મયુરે કહ્યું કે ' જુઓ આ આપણી જમીનનો પ્લાન છે જેમાં કેટલા અંતરે ક્યાં ક્યાં ફૂલોનું વાવેતર કરવાનું છે અને કયા ફૂલોમાં ગ્રીન હાઉસની જરૂર પડશે તે પણ દર્શાવ્યું છે.' કાગળ પર એક ખૂણા પર આંગળી મૂકી નિર્દેશ કરતા મયુરે કહ્યું કે ' અહી પર આપણો એક બંગલો બનશે અને એની બાજુમાં જ એક આલીશાન ઓફિસ બનશે'

ભોળાભાઈ ને આ જમીનમાં કોઈ હક્ક હિસ્સો નહોતો એ તો ફક્ત આ જમીનની દેખરેખ રાખતો હતો છતાં મયુરની દરેક વાતને ' આપણું' કહીને દર્શાવતો શબ્દ ભોળાભાઈને ભીંજવી રહ્યો હતો.

ભોળાભાઈ એ પ્લાનને નીરખીને જોયું થોડી જગ્યા પર તેને સમજ પડી તેણે પણ નાના નાના ગ્રીન હાઉસ જોયા જ હતા. પછી કંઇક મુંઝવણ અનુભવતા હોય એમ મયૂરને કહ્યું ' આ પ્રમાણે કરવા જેવું તો ખરું, પણ આવેલ ઉત્પાદનના વેચાણ વિશે મને ખબર નથી. બીજું એ કે જો આ પ્રમાણે કરવું જ હોય તો વરસાદને હજુ ૩ મહિના બાકી છે એ પહેલાં આપણે ફૂલોને ફળદ્રુપ રહે તેવી ખેતી કરી નાખવી જોઈએ અને ગ્રીન હાઉસ પણ ઊભા કરી દેવા જોઈએ. પણ મને નથી લાગતું કે આ બધું ૩ મહિનામાં થઈ જાય!'

' એ બધું મારા પર છોડી દો એનું વેચાણ ક્યાં અને કેવી રીતે થાય એ મને ખબર છે મારે તો ફક્ત તમારી સહમતી જોઈતી હતી.' ભોળાભાઈને નિશ્ચિંત કરાવતા કહ્યું. ' અને હા, તમે અત્યારે જ તમારા કોન્ટ્રાક્ટરો નું પેમેન્ટ ચૂકતે કરી નાખો અને જે મજૂરો આપણી સાથે કામ કરવા ઇચ્છતા હોય તેને આપણામાં લઇ લો.'

ભોળાભાઈ એ ' જી ' કહીને બહાર જતા હતા અને ત્યારે મયુરે પોતાનો ફોન ખરાબ છે તેવું જણાવીને ભોળાભાઈ પાસેથી ફોન લઈ લીધો. ભોળાભાઈ ના જતા જ મયુરે લેપટોપની મદદથી એવા લોકોના સંપર્કો એકઠા કર્યા જે થોડા સમયમાં પોતાનું કામ કરી આપે. મયુરે એ બધાને ફોન કરીને વિગતે પોતાને કેવું કામ કરાવવાનું છે તેની માહિતી આપી અને બની શકે તો આજે જ સાઇડ જોય લેવા જણાવ્યું. બે પાર્ટી એ આજે જ સાઇડ જોય લેવા સંમતિ દર્શાવી.

જે પાર્ટીઓ એ કામ કરવાની તૈયારી બતાવી હતી એ બધી જ પાર્ટી બે દિવસની અંદર સાઇડ પર આવીને પોતાનું કવોટેશન આપી ગયા. જેમાંથી મયુરે સૌથી વધારે કિંમતના કવોટેશન વાળી પાર્ટી ઉપર પસંદગી ઉતારી કારણ કે તેની પાસે સૌથી વધારે મેનપાવર હતો અને બીજી જગ્યાઓ પર તેઓએ જલ્દી કામ પૂર્ણ કરેલું હતું. મયુરે તે પાર્ટીને ફોન કરીને કાલથી જ કામ શરૂ કરી દેવાનું જણાવ્યું.

બીજા દિવસે પાર્ટીએ બધી જ ટીમને કામે લાગડી દીધી. જેમાં ખેતર ફરતે દિવાલનું, ગ્રીન હાઉસનું, ફૂલો રાખવા માટે કોલ્ડ સ્ટોરેજનું, બંગલાનું અને ઓફિસનું કામ એકસાથે શરૂ કરવામાં આવ્યું. જ્યારે કેશુભાઈ ખેતરમાં ઉભા હતા તે પાકોને કાઢીને જમીન ફૂલોને અનુરૂપ થાય એ માટે માણસોને ખેતરમાં કામે લગાડવા લાગ્યા.

જોત જોતામાં બે મહિનાની અંદર બધું જ કામ પૂર્ણ થઈ ગયું. ફૂલોના રોપાને વાવી પણ દીધા. વરસાદ પણ થોડા દિવસોમાં સારો આવી ગયો. રોપા પણ ધીરે ધીરે મોટા થવા લાગ્યા.

મયુરનો આખો દિવસ દોડાદોડીમાં પૂરો થઈ જતો. એ એક એક રોપાની જાળવણી માટે બધા ને સમજાવતો. ક્યાં ફૂલોને કેટલા પાણીની જરૂર પડે એ પણ વિગતે સમજાવતો. પછી તેની ઓફિસમાં આવીને વિદેશમાંથી બાયર શોધતો.

થોડા મહિનાઓની અંદર જ અઢળક ફૂલોનું ઉત્પાદન થવા લાગ્યું અને તે માલનું વિદેશમાં વેચાણ પણ થવા લાગ્યું. મયુરનો હવે આત્મવિશ્વાસ દિવસે દિવસે વધવા લાગ્યો કારણ કે તેના હરીફમાં ટકી શકે એવું કોઈ નહોતું. ફૂલોની નિકાસ વધવા લાગી. એક સમય એવો પણ આવ્યો કે મયુર પાસે ફૂલોનો કોઈ સ્ટોક પડ્યો પણ નહોતો રહેતો. મયુરે થોડા મહિનાઓમાં જ આ કામ પાછળ કરેલો ખર્ચ ઊભો કરી લીધો અને સારો એવો નફો પણ મેળવી લીધો હતો.

મયૂરને હવે એવું લાગવા લાગ્યું કે પોતાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે હવે મીનાક્ષીને વધુ રાહ જોવડાવવી યોગ્ય નથી. મીનાક્ષીએ આમ પણ પોતાના કારણે ઘણું દુઃખ સહન કર્યું છે હવે વધુ દુઃખ આપવું યોગ્ય ના કહેવાય. મયુરે મનોમન જ બીજા દિવસે અમદાવાદ જશે તેવું નક્કી કર્યું અને ઓફિસમાં રાખેલા માણસોને કાલે પોતે હાજર નહિ હોય ત્યારે શું કામ કરવું તેની સલાહ સૂચન કરી. પછી મયુર ભોળાભાઇ ને કાલે પોતે અમદાવાદ જાય છે તેની જાણ કરે છે.

મયુર બીજા દિવસે અમદાવાદ જવા માટે નીકળે છે આજે એનો ઉત્સાહ ફૂલ્યો નહોતો સમાતો. એ આજે બહુ ખુશ હતો. ખુશ હોય પણ કેમ નહિ! આજે ઘણા મહિનાઓ પછી તેની પ્રેમિકાને મળવા જઈ રહ્યો હતો. અરે ખાલી મળવા જ નહિ પરંતુ યોગ્ય સંજોગો હશે તો લગ્ન કરીને સાથે પણ લેતો આવશે એવું પણ મયુરે મનોમન નક્કી કર્યું હતું.

આટલા સમય પછી અચાનક મીનાક્ષી મને જોશે તો એના હાવભાવ કેવા હશે! સફળતા મળ્યા પછી મીનાક્ષી કેવો પ્રતિભાવ આપશે? મીનાક્ષી ગુસ્સામાં તો હશે જ! આટલો સમય વીત્યા છતાં મે એની ખબર સુદ્ધાં પણ નહોતી પૂછી. એ ગુસ્સો ના કરે તો બીજું શું કરે! એવું તો નહિ હોય ને કે મીનાક્ષીએ ગુસ્સામાં મારી રાહ જોવાની જ છોડી દીધી હોય અને બીજા સાથે.......! ના.... ના.... એ આવું ના કરી શકે! જો એવા કંઈ સંજોગો ઊભા થયા હોય તો પણ મીનાક્ષીને કેશુભાઇએ સમજાવી દીધી હોય! પોતે જ એ વિચારને બદલાવવા મથતો હોય એમ એ સાગરને યાદ કરવા લાગે છે. સાગર શું કરતો હશે! એણે પણ મને શોધવા માટે બધી જગ્યા ફેંદી વાળી હશે! વિપુલ.. હેનીશ.... કેશુભાઈ...... બધા ને મયુરે એક પછી એક યાદ કર્યા. વિચારોને વિચારોમાં ક્યારે અમદાવાદ આવી ગયું મયૂરને પણ ના ખબર પડી.

મયુર સીધો જ મીનાક્ષી ના સીવણ ક્લાસ આગળ ગાડીને રોકે છે. ઉત્સાહ, ડર, ક્ષોભ જેવા મિશ્ર ભાવો સાથે મયુર સીવણ ક્લાસ ના પગથીયા ચડવા લાગ્યો.

ક્રમશઃ

પ્રમોદ સોલંકી

શું મયુર મીનાક્ષી નો સામનો કરી શકશે?

શું મીનાક્ષી મયૂરને સ્વીકારી શકશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"


વધુ આવતા અંકે........


આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏

Rate & Review

Prafula Soneji

Prafula Soneji 1 year ago

Trupti Ashara

Trupti Ashara 1 year ago

Kinnari

Kinnari 1 year ago

Kamlesh Vadher

Kamlesh Vadher 1 year ago

Yakshita Patel

Yakshita Patel Matrubharti Verified 1 year ago

મયુરને આવેલો વિચાર ખરેખર જોરદાર રહ્યો. ટુક સમયમાં બધું કામ પણ યોગ્ય રીતે પાર પાડી દીધું. ખૂબ જ સરસ. 👌👌👌👌👌 આવતા ભાગની રાહ રહેશે