MOJISTAN - 22 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 22

મોજીસ્તાન (22)

"બોલો હુકમચંદજી...તમારે શું કહેવાનું છે? પાણીની લાઇન અને ટાંકી બનાવવાનો કોન્ટ્રાકટ તમે તમારા લાગતા- વળગતા લોકોને એમ જ આપી દીધો છે. ધારાધોરણ વગરનું કામ કરી રહ્યા છો.
હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ઊંચી કિંમતના બિલ સરકારમાં મૂકી રહ્યા છો...એવી અમને ફરિયાદ મળી છે." મામલતદારે કહ્યું.

"જુઓ સાહેબ, વિરોધીઓ તો મન ફાવે એવા આક્ષેપ કરે. મારી છાપ એકદમ ચોખ્ખી છે એટલે જ તો હું ભૂતપૂર્વ સરપંચને જંગી બહુમતીથી હરાવી શક્યો છું. આ ગામના લોકોમાં જ નહીં ફરતા... પચાસ ગામમાં મારું નામ ગાજે છે.
આવતી ડેલિગેટની ચૂંટણીમાં પણ હું ઊભો રહેવાનો છું અને જીતી જ જવાનો છું. મારી વધતી જતી લોકપ્રિયતાને કારણે મારા વિરોધીઓને ઈર્ષા થાય એ સ્વાભાવિક છે...એટલે સાહેબ, આપે મારી વિરુદ્ધ જે આક્ષેપો રજૂ કર્યા છે તે તદ્દન પાયા વિહોણા અને એકદમ વાહિયાત છે. આપ સાહેબ ધારાસભ્ય ધંધુકિયા પાસેથી મારી ચોખ્ખી છાપ વિશેનો પ્રતિભાવ મેળવી શકો છો...લો હું ફોન લગાડી આપું. આપ સાહેબ અત્યારે જ મારા વિશે પૂછપરછ કરી શકો છો." એમ કહી હુકમચંદે ધારાસભ્ય ધરમશી ધંધુકિયાને ફોન કર્યો.

"અરે...ભાઈ હુકમચંદજી...તમે અત્યારે અમારા સવાલોના જવાબો આપો. અમારે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. કટ કરો તમારો ફોન પ્લીઝ."

"બસ, તમારા સવાલનો એ જ જવાબ છે મારી પાસે. બાકી તો આપ તપાસ કરી શકો છો. ધ્યાન રાખશો કે હું આજે આ ગામનો સરપંચ છું પરંતુ કાયમ સરપંચ રહેવા હું રાજકારણમાં આવ્યો નથી.
આજ તમે અમારું ધ્યાન રાખશો તો ભવિષ્યમાં અમે પણ તમારું ધ્યાન રાખીશું. આંબો વાવશો તો કેરીયું ખાશો..બાવળ વાવશો તો કાંટા જ વાગશે એટલું તો આપ સાહેબો સમજતા જ હશો...હે હે હે..." હુકમચંદે લુચ્ચું સ્મિત વેરીને કહ્યું.

મામતલદાર અને ટીડીઓ સાહેબ હુકમચંદની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. હુકમચંદ જે બેશર્મીથી વાત કરી રહ્યો હતો એ જોઈ, આ તપાસનો જરાક પણ એને ડર હોય એવું લાગતું નહોતું.
ઉલ્ટાનું હુકમચંદ આડકતરી રીતે ભીનું સંકેલવાનું કહી રહ્યો હતો.

"ઠીક છે હુકમચંદજી. અમે અમારી રીતે તપાસ કરીને અમારી ફરજ બજાવીશું.
આપ જઈ શકો છો."
મામલતદારે ગંભીર થઈને કહ્યું.

"કોઈ વાંધો નહીં સાહેબ..આ તો એમ કે ટાઢા પાણીએ પતી જતું હોય તો ઉનું શુંકામ કરવું..તમે સમજી ગયા હોત તો અમારે આગળ સમજાવવા ન પડત..પણ હશે, તમે તમારું કામ કરો..અમે અમારું કરીશું...જે શી કર્ષણ..."
બે હાથ જોડીને છેક માથા સુધી હાથ ઊંચા કરીને હુકમચંદ ઊભો થઈ ગયો.
જતા જતા કડકાઈથી બંને અધિકારીઓ સામે જોયું.

મામલતદારે ગામમાં શરૂ થઈ રહેલા પાણીની લાઇનના કામની તપાસ કરી.
પાઇપલાઇન માટે મંગાવેલા ભૂંગળા અને અન્ય સામગ્રીની તપાસ કરીને છેક બપોરે તેમની ટીમ રવાના થઈ ગઈ.

તલાટી તિકમલાલ આજ લાલ થઈ ગયો હતો. દરરોજ એની મોડા આવવાની ટેવ આજ પકડાઈ ગઈ હતી. સરપંચ વિરુદ્ધની તપાસમાં એની પણ તપાસ થઈ ગઈ હતી.

તપાસ કમિટી રવાના થઈ પછી
તિકમલાલે હુકમચંદને ફોન કર્યો.
"મું એમ કેવ કે મું આજ જ મુડો આયો ને આજ જ પકડઈ જ્યો..
તપાહ તમારી હતી ન મું કારણ વગરનો કુટઈ જ્યો..અવ મારી બડલી કરી નાખહે તો?"

"તિકમલાલ તું મુંજાતો નહીં. આ બધા તો ચિઠ્ઠીના ચાકર...આપડી પાંહે જૅક મોટો છે. ધંધુકીયા સાહેબના ચારેય હાથ મારી ઉપર છે... શું સમજ્યો..? મામતલદાર ફામલતદારથી બીવાનું નો હોય...ઇ આપણું કંઈ ઉખાડી નો હકે..આ તો આપણા ગામમાંથી કોકના પેટમાં દુખાવો ઉપડ્યો હશે અને અરજી થઈ હશે એટલે એ લોકોને આવવું પડે...આ તો બધા નાટક...એમ આવી તપાસું થતી હોય તો તો આ દેશનું ભલું નો થઈ જાય...પચી પચા લાખના કામમાં વળી તપાસ શેની કરવાની હોય..તો તો કરોડોના કામ હાલતા હોય ન્યા કેટલું ખવાઈ જતું હશે.
ઈ તપાસ કરે છે...? અલ્યા આ તો બધી મિલી ભગત હોય.. તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ..હંધાયને મળીને જ ખાવાનું હોય આમાં...તું તારે મુંજાતો નહીં, હું બેઠો છું ને...!"

હુકમચંદની વાત સાંભળીને તિકમલાલની રહી સહી બીક પણ જતી રહી. હુકમચંદ સરપંચ થયા પછી તલાટીની ઉપરની આવક વધી હતી..કારણ કે હુકમચંદ જ નવા નવા તરકટ કરીને ગામમાં ફેલાવતો.
ચંચા જેવા એના ચમચાઓ ગામના લોકોનો એમની જમીન વિશેના કાયદા વિશે ઉઠા ભણાવતા...!

"જીવલા...ચ્યાં મરી જ્યો..મુ તને પૂછું છું લ્યા ક હું નતો આયો તાર સાયેબે તન કઈ પુસેલું...?''
તિકમલાલે પટ્ટાવાળા જીવલાને બોલાવીને પૂછ્યું.

''હંક..અન.. તમી નતા આયા તે પુસે તો ખરા ક નઈ...પણ તમી જરાય નો મુંજાતા..આ જીવલો સ તાં લગણ તમારો વાળય વાંકો નો થાય..હું હમજયા..હેહેહે
મન સાયબ કે ક ચીમ અલ્યા..આ તલાટી હજુ ચીમ નહિ આયો..તે મેં કયું ક રોજ તો આઠ વાગ્યામ આયીન બેહી જાય સ..પણ આજ જ મુડુ ઠયુંસ સાયબન...
લ્યો હેંડો તાર.. આજ તો ધોળી પાવ લ્યો તાર..."

જીવલો પણ હોશિયાર હતો. તલાટીની હકીકત મામલતદાર આગળ કહી દીધી હોવા છતાં તલાટી પાસે જૂઠું બોલીને એની કૃપા કાયમ કરી લેવાની કળા એ જાણતો હતો. તલાટી ખુશ થાય એવો જવાબ આપીને એણે સિગારેટ પીવડાવવાની માંગણી પણ કરી લીધી.

તિકમલાલે વીસની નોટ આપીને એને સિગારેટ લેવા મોકલ્યો. જીવલાએ ગલ્લે જઈને માવો પણ ઠબકાર્યો...!

*

તખુભા ઘેર આવ્યા ત્યારે બાબો અને તભાભાભા એમના ઘેર આવીને બેઠા હતા.

"કહે છે કે તમારી તપાસ આવી છે..મને સમાચાર મળ્યા એટલે હું તરત જ આવ્યો.ગામમાં કદખળીયા (ખોટી રીતે હેરાન કરે તેવા) લોકો વધી ગયા છે.તમને સરપંચ પદેથી તો તગેડી મેલ્યા. હજી બાકી રહી ગયું હોય એમ તમને જેલમાં નખવવાની વાતું ચાલે છે ગામમાં..તખુભા તમે જરાય મુંજાતા નહીં. જેલમાં જવું પડે તો આપણી ત્યાં ઓળખાણ છે જ..
મારા એક યજમાનનો દીકરો જિલ્લા જેલમાં છે..તમતમારે..." તભાભાભા તમાકુ ચોળતા ચોળતા ખાટલામાં બેઠા હતા. બાબો પણ એમની બાજુમાં સોપારીનો ડૂચો ગલોફામાં ચડાવીને ચાવતો હતો. એનું ધ્યાન ભાભાની તમાકુની ડબ્બી તરફ હતું. ભાભા વાતોમાં રહે ત્યારે એમનું ધ્યાન ચૂકવીને એ ડબલીની તમાકુનો ચપટો ભરીને મોઢામાં ચવાઇ રહેલા સોપારીના ચૂરામાં ઉમેરી દેવાની ઇચ્છા હતી.

તખુભાને આવા સમાચારથી ગુસ્સો આવ્યો.

"કોણ મને જેલમાં નખવવાની વાતું કરે છે..? મેં કંઈ કોઈનું ખૂન કરી નાખ્યું છે?" તખુભાએ બીજો ખાટલો ઢાળીને બેસતાં ઘરની ઓસરીમાં જોઈને ઉમેર્યું.

''આ જાદવો હજી આવ્યો નથી. ચાપાણી..."

"હું શું કહું છું...તખુભા..? તમે જે કૌભાંડ કર્યું છે એ તો ખૂન કરતાંય અઘરું ભલામાણસ..પબ્લિકના પૈસા તમે ખાઈ જ્યા.અટલે આમાં જો સરકાર કેસ દાખલ કરે તો...."

"ગોર મારાજ..મેં કોઈ કૌભાંડ નથી કર્યું હમજ્યા..? હું મામલતદારને ચોખ્ખું કહીને આવ્યો છું કે ગામમાં ગટર નખાવી આપવાની મારી જવાબદારી હું પૂરી કરી દઈશ.. અને આપડે કામ કરવાનું જ હતું...પણ ચૂંટણી આવી ગઈ ને હું જીતી નો શક્યો એટલે રહી ગયું."

"હવે ઈ તો પકડાણા એટલે થૂંક ઉદાવાવની વાતું બધી..બાકી હવે તમારે અઘરું પડવાનું એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી..હું ઈમ કહેવા આવ્યો છું કે આપણે કથા કરાવી છે એટલે તમને જે દસ વર્ષને બદલે બેક વરસની ઓછી સજા પડશે..કારણ કે સત્કર્મ તો આડા ઊભા જ રે..અને મારા યજમાનનો દીકરો અમદાવાદની જેલમાં છે..એટલે એ પણ...''
તભાભાભાએ તમાકુની ડબલી ઝભ્ભાના ખિસ્સામાં સેરવીને કહ્યું..એ જ વખતે બાબાએ હળવેથી બે આંગળી એમના ઝભ્ભામાં નાખીને ડબ્બી કાઢી લીધી...

"હું બહાર એક આંટો મારી આવું." એમ કહી એ ડેલી બહાર નીકળ્યો.

તખુભાને ગુસ્સો આવી રહ્યો હતો.
આ ગોર અત્યારમાં ઘેર આવીને જજ બની બેઠો હતો.

"બોલો હવે..તમારે કામ શું છે, ગોર મારાજ...'' તખુભા કંટાળ્યા હતા.

"બસ, કામમાં તો બીજું કાંઈ નથી..આ ઓલ્યા ભવના કરમ તમને આંબી ગયા લાગે છે. તો હવે બાકીની જિંદગી જેલમાં કાઢવાની થશે..એવા ગ્રહયોગ જણાઈ રહયા છે..તો હું એમ કહું છું કે જતા જતા એકવાર બ્રહ્મભોજનનું પુણ્ય
કમાતા જાવ. બ્રાહ્મણોના આશીર્વાદ જેવું કોઈ અસ્ત્ર કે શસ્ત્ર નથી..દુષ્કર્મોના ભયંકર પરિણામોમાંથી બચવા માટે આ એક છેલ્લો જ ઉપાય બાકી રહે છે...!" કહી તભાભાભાએ પુત્ત પુત્ત કરીને હોઠમાંથી તમાકુના ફોતરાં ઉડાડયા...!

"તારી જાતનો તભલો.. જાણે મને દસ વર્ષની જેલની સજા પડી ગઈ હોય એમ આવ્યો ત્યારનો મંડાણો છે..એના લાડવા હાટુ થઈને મને જેલમાં નખવશે..." તખુભા મનોમન બબડી રહ્યા હતા.

એ જોઈને તભાભાભાને વધુ ચાનક ચડી..પોતાના ગાળીયામાં તખુભા નામનું પ્રાણી ફસાઈ રહ્યું છે એમ માનીને એમણે ગાળીયો વધુ મજબૂત કરતા કહ્યું,

'' એમ વિચાર કર્યે જે થઈ ગયું છે એ ન થયેલું થવાનું નથી..હવે તો એનું
નિવારણ જ કરવું રહ્યું..તો આવતી કાલે જ પાપ નિવારણ કરી નાખીએ..હું બ્રાહ્મણોને નોતરું મોકલી આપું છું..બધા થઈને અમે એકવીસ બ્રાહ્મણો છીએ અને બાવીસમો આ બાબો.. અમે બે ગામના અને વીસ બહારગામથી મોટા પંડિતો આવશે..સામગ્રી તો બધી અમે લેતા આવશું..ખાલી ધી, દૂધ, સૂકોમેવો, ઘઉંનો લોટ, શુદ્ધ દેશી ગોળ અને ચોખ્ખા વાસણની તમે વ્યવસ્થા કરી રાખજો." કહી તભાભાભા ઊભા થયા.

''તમેં જે ગણાવી એ સિવાયની બીજી કઈ સામગ્રી હવે બાકી રહે છે..? લાડવા બનાવવા માટે જરૂરી મોટાભાગનું તો તમે મને ગણાવી દીધું.'' તખુભાના સંયમની પાળ હવે તૂટતી જતી હતી...છતાં એમણે ધીરજ રાખી હતી.

"ખાનાર તો જોશે ને..! મને તો તમારી ઉપર વિશ્વાસ છે એટલે મેં તો આજથી ઉપવાસ રાખ્યો છે. આ બાબાએ પણ સવારનું કંઈ ખાધું નથી..કારણ કે જેમ બને એમ વધુ લાડવા ખાઈ શકાય. જેથી વધુમાં વધુ પ્રમાણમાં તમારું પાપ અમે ધોઈ શકીએ.. પાપીઓનો ઉદ્ધાર કરવાની જવાબદારી અમારા ઉપર જ નાખી છે ઉપરવાળાએ... તો હવે કંઈ છૂટકો છે, કહો જોઉં..." તભાભાભાએ કહ્યું.

"તે હું એમ પૂછું છું કે આપણા ગામમાં તમેં બે બાપદીકરો જ બ્રાહ્મણ છો... આ બીજા બધા વટલાઈ ગયા છે...?" તખુભાએ આંખ કરડી કરી.

''એ બધા અપવિત્ર ખોળિયા છે.
નિત્યકર્મ અને પૂજાપાઠ એ કોઈ કરતા નથી...એવાઓને જમાડવા કરતા તો કૂતરાં ધરવવા સારા."

"વાહ..રે તભાગોર વાહ... શું તમારી આવડત છે..કોને ગાળિયામાં લેવો અને કયારે લેવો ઈ તો ભાઈ તમને જ આવડે હો...તખુભા જેવા તખુભાનું કાટલું કરવા તમે તિયાર થિયા છો..તમને એમ છે કે હું જેલની સજા ઓછી પડે ઈ હાટુ થઈને તમને લાડવા ખવડાવીશ..? મને જેલની સજા પડવાની જ છે એની તમને ખાતરી છે..? હાલી જ નીકળ્યા છો..જાવ તમારે જે શ્રાપ દેવા હોય એ દઈ દેજો..તમારી જેવાવને લાડવા તો શું..રોટલાનું બટકુંય હવે નહીં આપું..કોને ફોસલાવવા નીકળી પડ્યા છો..કાલે ચોખ્ખા ઘીના મણ લડવા બનાવીને કૂતરાંને નાખવા છે પણ તમને નથી ખવડાવવાના..જાવ..ભલે મને ફાંસીએ ચડાવી દે સરકાર..આજ પછી કોઈ દી' મારી ડેલીમાં પગ મૂક્તા નહીં..
નકર ભાંગી નાખીશ.. બેય ટાંગા.. જાવ તમારી તમાકુની ડબલી લઈને તમારો બાબલો બાર બેઠો છે એનું ધ્યાન રાખો.
ઉપડો...અહીંથી." આખરે તખુભાની કમાન છટકી.

ભાભા તો આભા જ બની ગયા.
આ તખુભા આમ વિફરી બેસશે એવી એમને સાતમા પડદે પણ શંકા નહોતી.
જ્યારથી એમને સમાચાર મળ્યા કે તખુભા સામે તપાસ નીકળી છે ત્યારથી એમને ચોખ્ખા ઘીના લાડવા દેખાઈ રહ્યા હતા.પોતાના એક બે સગાઓને એમણે આ ખુશી સમાચારના ફોન પણ કરી દીધા હતા. આજે ઉપવાસ કરવાનું પણ કહી દીધું હતું જેથી વધુ ને વધુ લાડવાનો ઉપાડ કરી શકાય...!

હવે એ સગાઓને કયા મોઢે આ મોકાણના સમાચાર આપીશ એ વિચાર આવતા એમના મોં પર નિરાશા ફરી વળી...!

એ નિરાશા લાગેલો આઘાત તભાભાભા જીરવી શક્યા નહીં.પાછા વળીને તેઓ ખાટલામાં ફસડાઈ પડ્યા. મોટેથી પોક મૂકીને રડવા પણ લાગ્યા. આખરે તભા ગોર એક અભિનય સમ્રાટ જો હતા...!!

એ વખતે બાબાએ વધુ પડતી તમાકુ ખાઈને તખુભાની ડેલી બહાર ઓટલા પર ઉલ્ટી કરી મૂકી હતી.

એ વખતે જાદવો અને એના બે મિત્રો ખીમો અને ભીમો તખુભાના ઘેર આવી રહ્યા હતા...!

(ક્રમશ:)