MOJISTAN - 29 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 29

મોજીસ્તાન - 29

મોજીસ્તાન (29)

"મારમારીનો કેસ છે. હું સારવાર તો કરી આપું પણ પોલીસ કેસ કરવો પડશે. બરવાળા પોલીસસ્ટેશનમાં હું ફોન કરીને આ ઘટનાની જાણ કરીશ." ડો. લાભુ રામાણીએ નાક પર લસરી પડેલા જાડા કાચના ચશ્માંને ઉપર ચડાવીને એમના ડોળા ચકળવકળ કરીને તખુભા પર સ્થિર કર્યા.

વાત એમ હતી કે જાદવની વાડીએ આવેલા બાબાએ જાદવ, ભીમા, ખીમા અને ચંચાને મારી મારીને ખોખરા કરી નાખ્યા હતા.
તખુભા એમનું બુલેટ લઈને જાદવની વાડીએ પહોંચ્યાં ત્યારે એ ચારેય ચાલી શકે એવી સ્થિતિમાં નહોતા અને બાબો ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.

"હવે, ડોકટર તમે આ બધી લપમાં પડવાનું રહેવા દો. ગામનો મામલો છે, કોઈ કેસબેસ કરવો નથી. નકામું લાબું થશે. તમે આ લોકોને રીપેર કરી નાખો એટલે હાંઉ..."

ડો. લાભુ રામાણી તખુભા સામે કંઈ બોલી શકે એમ નહોતા. તેમણે પેલા ચારેય જણને દવાખાનામાં દાખલ કર્યા.
દરેકને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

"આ કેમ કરતાં થયું? તારા મોઢા ઉપર કોઈએ બહુ મુક્કા માર્યા હોય એમ લાગે છે. અંદરથી બેચાર દાંત પણ પડી ગયા છે."
ડોક્ટરે જાદવના છોલાયેલું જડબું ખોલીને અંદર ટોર્ચનો પ્રકાશ ફેંકતા કહ્યું.

"ઓહોય ઓહોય.. બાપલીયા.. બવ દુઃખે સે...અમને ઈમ હતું કે...ઓ..ય..ઓ..ય..." જાદવ આગળ બોલી ન શક્યો.

તખુભા દવાખાનામાં આવ્યાં. ચંચો એક બાજુના ખૂણામાં પેટ દબાવીને બેઠો હતો.

"અલ્યા, તમે ચાર હતા તોય ઈ બાબો તમને પહોંચી વળ્યો?" તખુભાએ ખીમા અને ભીમા પાસે આવીને પૂછ્યું.

પેલા ચારેયમાંથી એક પણ જવાબ આપી શકે એવી સ્થિતિમાં નહોતા.

*

બન્યું એવું હતું કે બાબો અને ચંચો જાદવની ઓરડી પાસે પહોંચ્યાં એટલે બાબાએ પેલા ત્રણેય સામે જોયું. પછી માવાની પિચકારી મારીને જાદવને પૂછ્યું,

"કેમ આંય ભજીયાનો પ્રોગ્રામ નથી? આ ચંચો તો મને આંય ભજીયાનું કહીને લાવ્યો છે."

"ભજીયા ખાવા સે તારે ઈમ? તું ગામ આખાને હેરાન કરવામાં કાંય બાકી રાખતો નથી. આજ તારા જ ભજીયા કરી નાખવાના સે. તું તારા પગે હાલીને આયો તો સો
પણ જઈ નઈ હકે..." કહી જાદવે ઊભા થઈને બાબાને મારવા હાથ ઉગામ્યો.

બાબો તરત જ ચમક્યો... જાદવો એને તમાચો મારે એ પહેલાં તો એનો હાથ બાબાએ પકડીને મરડ્યો.

"તારી જાત્યના જાદવા..તું હમજશ શું મને..." કહી વાંકા વળી ગયેલા જાદવાના બરડામાં જોરથી એક હાથની મુઠ્ઠી વાળીને ઢીકો ઠોક્યો.

એ ઢીકાના પ્રહારથી જાદવો વધુ વાંકો વળી ગયો. ખીમો અને ભીમો એ જોઈને તરત જ ઉઠ્યા. એ વખતે બાબાએ વાંકા વળેલા જાદવને પાટુ મારીને પાડી દીધો
અને ભીમા તરફ ફર્યો. ભીમો બાબા પર હુમલો કરે એ પહેલાં જ બાબાએ વાંકા વળીને ધૂળનો ખોબો ભરીને એ બંનેની આંખોમાં નાંખી.
ભીમો અને ખીમો આંખો ચોળવા લાગ્યા.એ તકનો લાભ લઈને બાબાએ ઉલળી ઉલળીને એ બંનેના પેટમાં કચકચાવીને લાતો મારી.પેટમાં થયેલા પાટુ પ્રહારથી ભીમો અને ખીમો બેવડ વળીને પડ્યા.

એ વખતે જાદવને કળ વળી ત્યાં જ બાબો એને ચત્તો પાડીને એની છાતી પર ચડી બેઠો. મહાભારતના યુદ્ધમાં લડતા ગટોરગચ્છની જેમ એક હાથે જાદવના ગાલ દબાવીને એનું મોં ખોલાવ્યું. જેવું જાદવનું મોં ખૂલ્યું એટલે બાબાએ બીજા હાથે મુઠ્ઠી ભરીને ધૂળ એના મોઢામાં ભરી દીધી અને બંને ગાલ પર જોરથી મુક્કા મારવા લાગ્યો.

એ વખતે ખીમો અને ભીમો હજી આંખો ચોળતા હતા. બાબાનું ધ્યાન એ બંને પર હતું જ.

જાદવ પરથી એ ઉઠ્યો અને એના પડખામાં જોરથી પાટુ માર્યું. એ સાથે જ જાદવો ચિત્કારી ઉઠ્યો.

બાબો હવે મગજ પરથી સાવ કંટ્રોલ ગુમાવી ચૂક્યો હતો. ભીમો અને ખીમો કણસતા હતા. બાબાએ એ બંનેના જડબાં પર મુઠ્ઠી વાળીને પ્રહાર કર્યા.

પીપરના ઝાડ પાસે એક મોટી ડાળ તૂટીને પડી હતી. બાબાએ આખી ડાળ ઉપાડીને ખીમા અને ભીમા ઉપર વીંજી.

ભીમા અને ખીમાએ હાથ જોડ્યા.

"બાબાકાકા...મૂકી દ્યો... અમને મૂકી દ્યો..અમારો કંઈ વાંક નથી.. ઈ તો આ જાદવાએ અમને આંય બોલાવ્યા હતા."

બાબો વળી જાદવ તરફ ફર્યો. એના એક પગ પર બાબાએ એનો પગ મૂકીને બીજો પગ ઊંચો કરીને ખેંચ્યો. જાણે જરાસંધનો વધ કરવાનો હોય એમ...

ચંચો આ દ્રશ્ય જોઈને જડની જેમ ઊભો રહી ગયો. લાલઘૂમ આંખો કરીને ભૂતની જેમ માર મારતા બાબાને જોઈને એ ઊભો ઊભો જ મરી ગયો હોય એમ એની આંખો ફાટી રહી અને ટાઢ ચડી હોય એમ એ ધ્રૂજતો હતો.

બાબાએ અટ્ટહાસ્ય કરીને એને બોચીમાંથી પકડીને ઊંચો કર્યો. પછી નીચે પટકીને એના પેટમાં પાટુ માર્યું. ચંચાનું પેન્ટ પલળી ગયું...અને એ દર્દથી બરાડી ઉઠ્યો.બાબાએ એના મોં પર એક પાટુ મારીને એના આગળના દાંત પાડી દીધા.

"સાલ્લા નાલાયક રાક્ષસો..હું કોણ છું એનું તમને ભાન નથી.. હું હું સાક્ષાત ભગવાન છું. યુગપુરુષ તભાભાભાનું એક માત્ર સંતાન... તમે ભૂંડની ઓલાદો મારા ભજીયા કરશો એમ? સાલ્લાઓ આજ એકેયને જીવતા નહીં છોડું." કહી બાબો ભીમા અને ખીમાને મારવા ધસ્યો.

જાદવાએ પડ્યા પડ્યા બાબાના પગ પકડ્યા. એના મોંમાંથી લોહી અને ધૂળનો કાદવ બહાર નીકળી રહ્યો હતો.

"માફ કરો...માફ કરો..મા'રાજ. અમારી ભૂલ થઈ.. બાપા કોય દી' તમારી હામું નય જોવી."

બાબાએ એની કાકલૂદી ગણકાર્યા વગર ફરી એક મુક્કો ઠોકયો. પેલું લાકડું લઈને જાદવના ડેબામાં ત્રણ ઘા કર્યા.

હજી એની દાઝ ઉતરતી નહોતી. એકલે હાથે ચાર જણનું ઢીમ ઢાળીને એ ખાટલા પર બેઠો.

"જાદવા..આ...આ....તને તો હું કૂવામાં જ નાખી દેવાનો છું." પછી ચંચાને જોઈને "તારી જાતના ચંચિયા..." કહી એ ચંચા ઉપર તૂટી પડ્યો.

ચંચાનો એક પગ પકડીને બાબાએ એને ઢસડવા માંડ્યો. છેક વાડ પાસે લઈ જઈ બંને પગ પકડીને એ ગોળ ગોળ ફરવા લાગ્યો. ચંચો જમીન સાથેથી અથડાતો કૂટાતો ઊંચકાયો એટલે બાબાએ એને થોરિયાની વાડમાં ફેંકી દીધો.
બરાબર એ જ વખતે બુલેટનો અવાજ સાંભળીને બાબાએ ચમકીને પેલા ત્રણેય સામે જોયું તો એ ત્રણેયે પડ્યા પડ્યા હાથ જોડ્યા.

બાબાએ એ લોકો પાસે જઈ ત્રણેયને ફરીવાર એક એક તમાચો ઠોકયો. એ વખતે તખુભાનું બુલેટ ઝાંપામાં પ્રવેશ્યું. એ જોઈ બાબો વાડીમાં ઊભેલા કપાસમાં અલોપ થઈ ગયો.

"મરો હાળ્યો.. ભામણ ભારે પડ્યો ઈમને." કહી તખુભા હસ્યાં અને ગામમાં કોઈને ફોન કર્યો.

અડધા કલાકે એક જણ ટ્રેક્ટર લઈને આવ્યો એટલે તખુભાએ જાદવ, ભીમા અને ખીમાને ટેકો કરીને ટ્રેક્ટરની ટ્રોલીમાં ચડાવ્યા. એ વખતે વાડમાં પડેલો ચંચો ભાનમાં આવ્યો. એણે ટ્રેક્ટર જોયું એટલે જોરથી રડવા લાગ્યો.

એની દશા જોઈને તખુભાથી હસી પડાયું.વાડમાંથી બહાર કાઢીને એને પણ ટ્રોલીમાં ચડાવ્યો.

"અલ્યા તું તો મૂતરી ગ્યો લાગસ..જા..હાળા કપાતર.. કોય દી' હવે ઈ બાબલા આડો ઉતરતો નહીં. મારો બેટો ભારે લોંઠકો નીકળ્યો. શાબાશ...શાબાશ...
લાડવા ખાઈ પણ જાણ્યા અને પચાવી પણ જાણ્યા.. ભૂદેવનો જય હો...જય હો ભૂદેવનો...હે હે હે..." કહી તખુભાએ ટ્રેક્ટર રવાના કર્યું.

દવાખાના આગળ ગામના માણસો ભેગાં થઈ ગયાં.

"જાદવાની વાડીએ ધીંગાણું થ્યુ સે અને કોકે જાદવાને, ભીમાને, ખીમાને અને ચંદુ ચારમીનારને મારી મારીને સાવ ભાંગી નાખ્યા સે...અને કેય સે કે જાદવો મરી જ્યો સે.. ચંદુ ચારમીનાર પણ સેલ્લા ડસકા ખાય સે.ભીમાના..ને ખીમાના હાથપગ ભાંગી નાયખા સે. કદાસ ઈ બેય હોતે નઈ બસે."

*

ગામમાં આવી અફવા ઊડી હોવાથી ટોળેટોળાં દવાખાને ઉમટી પડ્યાં. એ વખતે જાદવની ઘરવાળી એની સામે જ રહેતા એના પ્રિય પડોશી ધુડિયાના ઘરમાં
ઘૂસી હતી.

ધુડો બરવાળેથી એના માટે ખાસ વણેલા ગાંઠિયા લાવ્યો હતો. બંને પ્રેમથી એકબીજાના મોંમાં ગાંઠિયા મૂકીને એક જ મરચું વારાફરતી ખાતાં હતાં.

"અલી જડી, તારું એઠું મરચુંય મારું હાળું ગળ્યું થઈ જીયું હો...તું તો ભાઈ ભારે મીઠી.. હીહીહી..." કહીને ધુડો હસી પડતો હતો.

"ધુડિયા..હાલ્યને આપડે ભાગી જાવી..તું મને બવ વાલો લાગસ."
જડી ધુડાનો હાથ પકડીને કહેતી હતી.

"પણ ઈમ ભાગીને ચ્યાં જાવું...? અને પછી શું ખાવું? ઈની કરતા તું જાદવા હારે રે'ને બાપા..આપડે આ બરોબર છે." ધુડો વાસ્તવિકતા સમજતો હતો. જડી ગળે પડી જાય એવું એ ઇચ્છતો નહોતો. એક ગાંઠિયો જડીના મોંમાં આપ્યો. જડીએ અડધો ગાંઠિયો હોઠમાં દબાવી રાખ્યો. ધુડાએ લાંબા થઈને બાકીનો ગાંઠીયો ધુડીના હોઠ સાથે હોઠ અડાડીને કાપી લીધો...!

એ જ વખતે ધુડાની ખડકીની સાંકળ જોરથી ખખડી...

"એલા..ધુડિયા..હાલ્ય ઝટ, જાદવાને કોકે મારી નાખ્યો સે...સરકારી દવાખાનામાં લાશ પડી સે..ભીમલો અને ખીમલો પણ મરવા પડ્યા સે..તખુભા ટ્રેક્ટરમાં નાખીને બધાને લાયા."

એ સાદ સાંભળીને ધુડો અને જડી એકદમ ચમક્યાં. ધુડો ઝટ લઈને ઊભો થયો એટલે ગાંઠિયા વેરાઈ ગયા.

"ધુડિયા.. તેં હાંભળ્યું..? જાદવો મરી જ્યો..હવે આપડો મારગ સોખ્ખો..." કહીને એ હસી.

"હું જાવ પસી તું કોઈ નો ભાળે ઈમ તારા ઘરે વઈ જાજે અને મોકાણ માંડજે. પડતી આખડતી દવાખાને આવજે." કહી ધુડો ખડકી તરફ ભાગ્યો.

"આ મારી હાળી ઈના હગ્ગા ધણીની નો થઈ ઈ તારી હું થાહે. જાદવો મરી જ્યો ઈમ જાણીને કપાતરના પેટની દાંત કાઢે સે." એમ બબડતા ધુડાએ ખડકી ખોલી.

ધુડાનો પડોશી રઘલો બે પગ વચ્ચે હાથ નાખીને ખંજવાળતો હતો.

"જાદવાનું ઘર તો બન સે. જડીભાભી તારી ઘરે તો નથી આવી ને..? મેં ગામમાં વાત તો હાંભળી સે..તું ઇની હાર્યે હાલેસ ઈ હાચું..? જાદવો તો જ્યો અલ્યા..તારે હવે બખ્ખા.. આંકડે મધ ને ઈય પાસું માખ્યું વગરનું.. અને હામાહામી ખડકી..વા ધુડા વા...તારા નસીબ આડેથી જાદવ નામનું પાંદડું હટી જયું લ્યા..!"
ખડકીમાંથી બહાર નીકળેલા ધુડાને ધાધર ખંજવાળતા રઘલાએ કહ્યું.

"તારી જાતના..@#%ના..કોકના મોતનો તો મલાજો રાખ્ય..હાલ્ય આમ સાનીમાનીનો." ખડકી બંધ કરીને ધુડો દવાખાના તરફ ચાલવા લાગ્યો.

"તે ઈમાં ગાળ્યું શીનો દેસ..હું કાંય ભાગ નઈ માગું. સળગ્યા વગર કાંય ધુમાડો નો નીકળે. ગંધાણું હોય તો જ બાશ આવે." રઘલાએ ધુડા પાછળ ચાલતા ચાલતા હાથ બદલાવ્યો.

"તારે ખાવો નો હોય તો મૂંગીનો મર્ય." કહી ધુડો ઉતાવળે પગે ચાલવા લાગ્યો.

એ જ વખતે ધુડાની ખડકી ખોલીને જડી બહાર નીકળી. બજારમાં બેઉ તરફ જોઈને એ દોડીને પોતાની ખડકીમાં જતી રહી પણ ખડકી ખૂલવાનો અવાજ સાંભળીને રઘલાએ પાછળ જોયું..અને જડી પર એની નજર પડી.

ધુડો ઉતાવળો જઈ રહ્યો હતો. રઘલો અચાનક ખંજવાળતો બંધ થઈને ઊભો રહી ગયો.

"આંકડે મધ અને ઈય માખ્યું વગરનું...એક માખ્ય મરી જઈ સે અને બીજી ઊડતી ઊડતી દવાખાને જાય સે..મધપૂડો હાવ રેઢો સે..રઘલા પાસો વળ્ય. જાદવાના ઘરે અતારે કોય નઈ હોય..આપડે ઇની સોરી (ચોરી) પકડી પાડી સે..અટલે ચ્યાં જાસે...ભગવાન દે સે તારે અસાનક દે સે..તારાય ભાગ્ય ખુયલા. લે ઝટ હવે ઝાઝો વસાર કર્યમાં." બે પગ વચ્ચે થયેલી ધાધર ખંજવાળવાનું ભૂલીને રઘલો આ પ્રમાણે વિચારીને પાછો વળ્યો.

જડીએ ઉતાવળમાં ખડકી બંધ કરી નહોતી. હળવેથી રઘલો એ ખડકીના બારણાં ધકેલીને જાદવના ઘરમાં ઘુસ્યો અને અંદરથી ખડકી બંધ કરી દીધી..!

એ જ વખતે ઉતાવળી ચાલે દવાખાને જઈ રહેલા ધુડાએ પાછળ જોયું. પાછળ આવતો રઘલો અલોપ થઈ ગયો હતો.

"મારો બેટો આ ચ્યાં જ્યો..? ચ્યાંક મારા ઘરમાં તો નઈ ગર્યો હોય ને..હાળો હલકીનો સે. જડીને ભાળી જાહે તો ફજેતો કરસે." એમ બબડીને ગુસ્સે થઈ એ પણ પાછો વળ્યો.

(ક્રમશ :)


Rate & Review

Nipa

Nipa 3 weeks ago

Jainish Dudhat JD

🤣🤣🤣🤣🤣🤣 Jova jevi thavani

Vijay

Vijay 8 months ago

Parash Dhulia

Parash Dhulia 10 months ago

Viral

Viral 10 months ago