MOJISTAN - 36 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 36

મોજીસ્તાન (36)

"આવ બાબા આવ, યાર તેં તો એકલે હાથે ઓલ્યા જાદવાની ટોળકીને ઝુડી નાખી અને ઉપરથી પાછો કેસ પણ ઠોકી દીધો.." ટેમુએ એની દુકાને આવેલા બાબાને આવકારતા કહ્યું.
"મારા દીકરાના મને મારવા ભેગા થયા'તા.ઓલ્યું ચંચીયું મને ભોળવીને જાદવાની વાડીએ લઈ ગ્યું.પણ ઈમને ખબર નો હોયને કે આ બાબોકાકો બળુકો છે.." કહી બાબો હસ્યો.
ટેમુએ ચેવડો અને પેંડા કાઢ્યા.
બાબો કાઉન્ટર કૂદીને દુકાનમાં પેઠો. અને મોટો ફાકડો ભરીને ચેવડો મોમાં ઓરીને આખો પેંડો ચડાવી દીધો.
ટેમુ ભચડ ભચડ ચાવતા બાબા સામે જોઇને હસ્યો.
"ખાવામાંય તને કોઈ પોગે ઈમ નથી. ખા તું તારે..મારા બાપા ઘરે જ પેંડા બનાવે છે, તું મારો ભાઈબંધ છો અને પાછો ભામણ. છો.. મારે તો બેય હાથમાં લાડવા જ છે.."
"આ ગામમાં તું એક જ મારો પાક્કો દોસ્ત છો.તારે કંઈ કામ હોય તો કેજે..અડધી રાત્યે તારું કામ થઈ જશે.." કહી બાબાએ બીજો ફાકડો માર્યો.
"કામમાં તો એવુ છે દોસ્ત, ઓલી નિનાડી હાથમાં આવતી નથી ને વીજળી સંજયા ઉપર ફિદા થઈ છે...હવે આમાં આપડે સાવ કોરા રઈ જાશું.નગીનદાસ બહુ કડક થઇ જ્યા છે.." ટેમુએ નિરાશ થઈને કહ્યું.
''અરે ભલા માણસ, વાત કર્ય તો ખબર પડે ને ! આ તો મારા ડાબા હાથનો ખેલ છે..અત્યારે જ નીનાને આંય બોલાવવી છે ? બોલ્ય..અવાજ કર્ય એકવાર.."
"યાર ઇનો ફોન તો ઇના બાપા પાંહે જ હોય છે.."
"તું બોલ્ય ને ! બોલવું ? દસ મિનિટમાં તારી સામે ઉભી હોય તો જ બકે..!'' બાબાએ ચેવડાનો મુઠો ભરતા કહ્યું.
"તો તો મેળ જ પડી જાય ને યાર.." ટેમુએ પેંડાની બરણી ખોલીને બીજા પેંડા ઠલવ્યા.
"તો નાસ્તો પતાવીને તારું આ કામ પણ પતાવી દવ..આપણને માને છે ઇવડો ઈ નગીન.." કહી બાબો હસ્યો.
નાસ્તો પતે એ પહેલાં મીઠાલાલ આવી ચડ્યા.લીલા રજકાના ક્યારમાં નિરાંતે ચરતા આખલા જેવા બાબાને પોતાની દુકાનમાં ચેવડો દાબતો જોઈને એનો મગજ છટક્યો.
"બસ, બાપનું આમને આમ ગામને ખવડાવી દે..હું આખી રાત્ય તવામાં તવેથો ઘંહી ઘંહીને દૂધ બાળુ છું ને તું દુકાનને દીવાસળી ચાંપવા ઉભો થ્યો છો..સાલ્લા આ ચેવડો ને પેંડા મફતમાં નથી થાતા..'' મીઠાલાલે રાડ પાડી.
''મારો ભાઈબંધ છે...અને પાછો ભામણ છે.ભલે ને ખાય, શુ તમે આવી વાતમાં રાડયું પાડો છો.." ટેમુ પોતાનો ખેલ બગડતો જોઈ બગડ્યો..
મીઠાલાલે ટેમુને બોચીમાંથી જાલ્યો.એ જોઈ બાબાએ ચેવડાનો મુઠો ભરી લીધો,એક સાથે ત્રણ પેંડા મોમાં ગોઠવી દીધા અને બાકીના ઝભ્ભાના ખિસ્સામાં સરકાવ્યા.અને કાઉન્ટર કૂદીને નાસી પણ ગયો..
એ જોઈ મીઠાલાલે ટેમુને એક અડબોથ ચડાવી દીધી.
"આવા ને આવા મફતીયા ભાઈબંધને બોલાવીને દુકાનમાં ઉભા ગળે ખવડાવવા સાટુ તને દુકાને બેહાડયો છે ? કપાતર હાળા..આમને આમ તો ભૂખ ભેગા કરીશ તું. ભણવામાં સક્કરવાર વળ્યો નહીં, દુકાને બેહાડયો તો ગામને મફતમાં ગળસાવવા મંડયો.. હે ભગવાન એક દીધો એ પણ સાવ આવો..!"
ટેમુ જેમ તેમ કરીને મીઠાલાલના હાથમાંથી છૂટ્યો.ઘરમાં જઈ એણે એની મમ્મી કડવીબેનને ફરિયાદ કરી..
"જોવો તો ખરા..મારા બાપા વાત વાતમાં વઢે છે.મારા ભાઈબંધને હું નાસ્તોય નો કરાવી શકું ? અમારી પણ ગામના કંઇક ઈજ્જત હોય.
હું હવે આ ઘરમાં રહેવાનો જ નથી.. હું તો ક્યાંક ભાગી જઈશ..
કોઈ દી પ્રેમથી મને બોલાવ્યો જ નથી. જ્યારે હોય ત્યારે વડછકા જ કરે છે.અને હાથ ઉપાડે છે.
મારી જેવડા કોઈ છોકરાને ઇના બાપા મારતા નથી.બા..હું જાઉં છું..મારા નામનું નાહી નાખજો..
મારો ફોટો મોટો કરાવીને તુલસીની માળા પેરાવીને ભીંતે ટીંગાડજો.."
એમ મોટેથી બોલીને ટેમુએ ડેલી તરફ હળવે હળવે પગ ઉપાડ્યા.
જ્યારે જ્યારે ટેમુતાત એને મારતા ત્યારે ઘેરથી ભાગી જવાની અને મરી જવાની ધમકી આપીને એ એની બાને ઉશ્કેરી મુકતો. કડવીબેનને હરેક માની જેમ ટેમુ અત્યંત વ્હાલો હતો.
"ચ્યાં જ્યા.. એ ટેમુના બાપા..આ.
જરીક નાસ્તો કરાયો ઈમાં હરાયા ઢોર ઘોડ્યે મારવા માંડો સો..ઓ..
આમ ઘરમાં ગુડાવ.." કડવીબેનને કડવો સુર કાઢ્યો.
મીઠાલાલના મોતીયા મરી ગયા.
કડવીની કારેલાથીય વધુ કડવી જીભ સામે એ કાયમ કાયર બની જતા.એકવાર બોલવાનું શરૂ કરે પછી કડવીને કંટ્રોલ કરવી અઘરી હતી.ટેમુએ ખોલેલી ચેવડો અને પેંડાની બરણીઓ બંધ કરીને એ સુનમુન થઈને દુકાનના થડા પર બેસી ગયા.
"કવ સુ, હાંભળતા ચીમ નથી. આ બધું ભેગું કરીને ગળે બાંધી જાવાના સો...? જુવાન સોકરાને બે પૈસા વપરવાનીય સુટ નઈ ઈમ ? બચાડો ઇના ભાઈબંધને બે પેંડાય નો ખવડાવી હકે ઈમ ? જોવો ઈ રીંહાઈને વ્યો જ્યો..કવ સુ દુકાનમાંથી આમ ઘરમાં ગુડાવ નકર હમણે હું ન્યા આવીશ તો નકામું થઈ જાહે..પસી કેતા નઈ.."
કડવીએ ફરી રાડ પાડી.
"શુ પણ તુંય હમજયા વગર રાડયું પાડછ..મનફાવે ઈમ કરવા દેવી તો સોકરું બગડે..થોડુંક માપમાં રાખવું જોવે..મનેય વાલો સે.. કાંય હું ઇનો દશમન નથી.."
મીઠાલાલે રખાય એટલો કાબુ રાખીને દુકાનમાં બેઠા બેઠા કહ્યું..
"ભાળ્યો હવે તમારો કાબુ..જાવ ઈને હમજાવીને પાસો લય આવો નકર બપોરે રોટલા નઈ મળે કવસુ..મારા સોકરાને આજ પસી જો હાથ અડાડયો સે ને તો મારી જેવી ભૂંડી બીજી કોઈ નથી ઈમ હમજી લેજો.. આ કય દવ સુ.."
કડવીબેન કમર પર બંને હાથ ટેકવી દુકાનના બારણામાં આવી ઉભા.આજ એ મીઠાલાલનું મીઠું કાઢી નાખવાના મૂડમાં હતા.
મીઠાલાલ કંઈ જવાબ આપે એ પહેલાં પોચા પસાહેબ પાન લેવા આવી ચડ્યા. ટેમુની દુકાન જેવી મજા એમને બીજી દુકાનના પાનમાં આવતી ન્હોતી.પણ તે દિવસે ટેમુએ એના મિત્ર બાબા સાથે મળીને પોતાની જે મશ્કરી કરેલી એને કારણે પોચા પસાહેબ ટેમુ દુકાને બેઠો હોય તો પાન લેવા આવતા નહીં. આજ સ્કૂલે જતી વખતે મીઠાલાલને જોઈ તેઓ દુકાનનો ઓટલો ચડ્યા. એ વખતે કડવીબેનના મુખમાંથી નીકળી રહેલા કટુ વચન સાંભળીને તેઓ બબડયા, "તો ઈ ચિભડું આ કડવા વેલા પર પાકયું છે ઈમ કહોને..!" પછી મોટેથી મીઠાલાલને કહ્યું,
"એક પાન બનાવી દ્યો અને પાંચ બાંધી દ્યો પાર્સલ..કેમ બેન બરાડા પાડે છે..?"
"ઈ તો અમારા ઘરનો મામલો સે શાબ્ય, હાલ્યા કરે..!'' કહી મીઠાલાલ પાન બનાવવા લાગ્યા.
"જુઓ બેન..દરેક સ્ત્રી માટે પતિ પરમેશ્વર કહેવાય..આમ એની ઉપર બરાડા પાડવાથી આવતો અવતાર કાગડીનો આવશે.પછી આખો જન્મારો કા કા કરવામાં જતો રેશે.. પતિ સાથે નમ્રતાથી અને પ્રેમથી વાત કરવી જોવે.. વાણીમાં વિવેક રાખીએ.મૃદુભાષી અને મીતભાષી બનીએ..પતિના ચરણોમાં સ્વર્ગ રહેલું હોય છે એટલે બને તેટલી વધુ પતિની સેવા કરવાથી મહા પુણ્ય પ્રાપ્ત થાય છે.." પોચા પસાહેબનો દિવસ આજે ફર્યો હતો.ક્યાં ઉપદેશ અપાય અને ક્યાં ન અપાય એની ભાન હોવા છતાં તેઓ આજ ભાન ભૂલીને ભેંસ આગળ ભાગવત વાંચવાની ભૂલ કરી બેઠા..!
"હવે તમે સાનામુના કરતા હોવ ઈ કરોને ભાયસાબ.. ભણાવીને તો તમે ભારે ઊંધા વળી જ્યા સવો ઈ અમને ખબર્ય જ સે.આજ હુંધીનમાં ઊંધો એકડોય કોઈને સિખવાડયો હોય તો તમારી મા મરે.. આયા મોટા પતિ પરમેસર વાળા.. તે હું ઈમ પુસુ સુ કે પતિના સરણમાં સરગ હોય તો પતનીના પગમાં સુ નરક હોય ? સેવા નકરી અમારે જ કરવાની..તમારે પાડા ઘોડ્યે પડ્યું રેવાનું..? સોકરાને જારે હોય તારે ઘસકાવવાના ?
મન ફાવે તારે મારી લેવાના..? નાનો હોય તો ઠીક હવે તો સાંઢીયાને મીઠું દે એવડો થિયો..
બાપ સે કે પાપ..જરીક માપમાં રેજો નકર ટાંગા તોડી નાખીશ..
માસ્તર સવો તો સોકરા ભણાવો..
અમને ભણાવવાની જરૂર નથ હમજયા..પાન લયને વેતીના પડો.." કડવીએ કુહાડા જેવી જીભ વડે પોચા પસાહેબને સાવ પોચા પાડીને ઉતરડી નાખ્યા.. અને હજી પણ દાઝ ન ઉતરતી હોય એમ મીઠાલાલને ઉપાડ્યા,
"માસ્તરને પાન દઈન પસી ટેમુ વાંહે જાવ..પાસો આવવવાની ના પાડીન જ્યો સે..મારા સોકરાનો વાળય વાંકો થાસે તો વાંકા વાળી દસ.." કહી એ ઘરમાં જતી રહી.
"મીઠાલાલ, રેવા દ્યો..મારે પાન નથી ખાવું..અને પાર્સલય નથી જોતા..આજ નિશાળેય નથી જાવું.. આજ પસી તમારી દુકાનનો ઓટલો સડું તો મારો બાપ બીજો હોય..માઈ ગ્યા તમારા પાન.. માઈ ગયો તમારો સોકરો અને તમે પણ માઈ જાવ.." એક હાથની મુઠી વાળીને છાતી આગળથી મીઠાલાલ તરફ મુઠી બેચાર વખત ધકાવીને પોચા પસાહેબ દુકાનનો ઓટલો ઉતરવા નીચે ઠેકયા..ગુસ્સાથી એમનું મો લાલ થઈ ગયું હતું. ચશ્માં નાક પર લસરી પડ્યા હતા.આખા શરીરે પરસેવો વળી ગયો હતો.ઓટલો ઠેકવા જતા ઓટલાની ઊંચાઈનો એમને ખ્યાલ ન રહ્યો.ઓછી ધારેલી ઊંચાઈ વધુ નીકળી અને પાન ખાવા પધારેલા પોચા પસાહેબ બજારમાં ગળોટીયું ખાઈ ગયા..!
"ઓય.. ઓય..બાપલીયા..મરી ગ્યો..." પોચા સાહેબના ગળામાંથી રાડ નીકળી ગઈ. મીઠાલાલનો પણ મગજ પણ છટકેલો હતો.સાહેબે પોતાના આખા ખાનદાનને ''માઇ'' જવાની ગાળ અને હાથની મુઠી વડે ખરાબ ઈશારા કર્યા હતા. પાન પર ચુનો અને કાથો ચોપડાઈ ગયા હોવા છતાં ઓર્ડર કેન્સલ કરીને પોચો પલાયન કરી જવા માંગતો હતો.ઉપરથી કડવીએ એના કડવા વેણની કરવતથી કોતરી નાખ્યો
હોવાથી મીઠો આજ ખારો થઈ ગયો હતો..
"ઉભો રેજે તારી હમણે કવ ઈ..
તું ઈ જ લાગનો સો..હાળા માસ્તર.. પાન સોપડાવીને હવે નથી લેવા ઈમ..? મેં કીધુતું મારી બયરીને ઉપદેશ દેવાનું..? સનોમાનો મૂંગો મર્યો હોત તો આ કંઈ થાત..? અને હું શુકામ માઈ જાવ..તું જ હાળા આ ધરતીમાં સમાઈ જા ને..અમથોય સરકારનો મફતનો પગાર ખાસ.. તું ભાર છો ભાર આ ધરતી ઉપર્ય.."એમ જોર જોરથી બોલતા બોલતા મીઠાલાલ કાઉન્ટર કૂદીને બહાર આવ્યો..
પોતાની માને ઉશ્કેરીને બાપ સામે બદલો લેવા બહાર નીકળેલો ટેમુ પણ બગડ્યો હતો.નીના સાથે જે મુલાકત બાબો ગોઠવી આપવાનો હતો એ ખેલ બાપાએ બગાડીને બાબાને ભગાડી મુક્યો હતો..!
નારાજ થઈને ડેલી બહાર બેઠા બેઠા ફેસબુકમાં નીનાની પ્રોફાઇલમાં ફોટા જોઈ રહેલા ટેમુએ પોચા પસાહેબને ગળોટીયું
ખાઈને બજારમાં દડી પડતા જોયા. એટલે એ તરત ઉભો થયો.પડી ગયેલા પોચા પસાહેબને ઉભા કરવાની પોતાની ફરજ સમજી ટેમુ દોડ્યો.પણ એ પહેલાં કાઉન્ટર કૂદીને આવેલા મીઠાલાલે પસાહેબનું બાવડું પકડીને એમને બેઠા કરી દીધા હતા..
"આમ આંખ્યું મીંચીને, દેડકું પાણીમાં ઠેકે ઈમ ઠેકડા મારો સો તે ટાંટિયા ભાંગી જાશે..પાનનો ઓડર આપીને મુઠીયું વાળો ઈમ નો હાલે.. પચ્ચી રૂપિયા રોકડા કાઢો..તમારા પાન ઉપર સુનોને કાથો સોપડી દીધા સે. જોતા હોય કે નો જોતા હોય હવે લેવા તો પડશે જ હમજયા..?"
બરાબર એ જ વખતે મીઠાલાલે ટેમુને પણ ધસી આવતો જોયો.
"તું આમ ઘર ભેગીનો થા.આ બધું તારા લીધે જ થિયું. આ માસ્તરનું ઢીઢું ભાંગી જયું લાગે સે.." દર્દથી કણસતા સાહેબ ઉભા થઇ શકતા નહોતા એટલે મીઠાલાલે માસ્તરને બજારમાંથી ઓટલા તરફ ઢસરડ્યા..
"ઓય.. ઓય... મારી નાખ્યો.." માસ્તરે ફરી દર્દથી બરાડો પાડ્યો.
"સુ થ્યુ.. સુ..થ્યુ... એલા ધોડો..
માસ્તરે ભોં માપી લાગે સે.."કહેતા બજારે જતા આવતા આઠ દસ જણ માસ્તર ફરતા ફરી વળ્યાં.
બધાએ ઉંચકીને ઓટલા પર બેસાડ્યા.પણ પોચા પ સાહેબના પોચા પ્રદેશમાં ઘુસી ગયેલા બજારના અણીદાર પથ્થર એમને બરાબર બેસવા દેતા ન્હોતા..
ટેમુ દોડીને ઘરમાં જઈ ઠંડા પાણીની બોટલ લઈ આવ્યો. સાહેબની આંખે અંધારા આવી રહ્યા હતા. માંડ માંડ પાણી પીને પોચા પ ઓટલા પર લાંબા થઈ ગયા.
મીઠાલાલના ચોપડેલા પાન એમ ને એમ પડી રહ્યા.સાહેબને તાત્કાલિક દવાખાને લઈ જવાની જરૂર જણાઈ હતી.
"સાહેબ મીઠાલાલના ઓટલેથી પડી જીયા.."
"પાન લેવાની ના પાડી એટલે મીઠાલાલે ધક્કો માર્યો.."
"ટેમુ હાર્યે શાબ્ય બાજ્યાતા અટલે મીઠાલાલે માર્યા.."
"ના ના કડવી કાકીનો સાળો શાબ્યે કાર્યોતો અટલે કડવીકાકી ગાળ્યું દેતાતા.."
"અલ્યા ભઈ ઈમ ન્હોતું..એવું સે કે મીઠાલાલ અને કડવીકાકી બાજતા'તા ઈમાં આ માસ્તર દોઢ ડાયો થીયો..હું ઇ વખતે ન્યાકણે જ ઉભોતો.."
ટોળું આ પ્રમાણે મનમાં આવે તેવા સમીકરણ ઘડવા લાગ્યું. મીઠાલાલ દુકાન બંધ કરીને એનું બજાજ 80 લઈ આવ્યો.લોકોએ ઉંચકીને માસ્તરને પાછળ બેસાડ્યા. માસ્તર સુધ બુધ ખોઈ રહ્યા હતા એટલે એમને પકડીને ટેમુ પાછળ બેઠો.
જે નવરા હતા એ બધા મીઠાલાલના બજાજ 80 પાછળ દોડ્યા.આખો જમેલો સરકારી દવાખાને પહોંચ્યો ત્યારે ડો.લાભુ રામાણી નર્સ ચંપાને નજીક બેસાડી કેટલીક દવાઓ કેવી રીતે આપવી જોઈએ એ શીખવી રહ્યા હતા..!
કોલાહલ થતા એમના એ અભ્યાસમાં ખલેલ પડી.ચંપાએ મો બગાડીને બહાર જોયું..
પોચા પસાહેબની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. કોઈએ વળી સાહેબ સીરીયસ હોવાની પણ અફવા ઉડાડી.એટલે સાહેબના ધર્મપત્ની અને બે દીકરાઓ આડોશી પાડોશીના લાવ લશ્કર સાથે દવાખાને દોડી આવ્યા..
ટેબલ પર ઊંધા પડેલા પિયુને જોઈને સાહેબપત્નીની આંખો ચોધાર વહેવા લાગી.અને નાના છોકરાએ અનેક સવાલો કરી મુક્યા..
કોઈએ વળી મોટા છોકરાને એકબાજુ લઈ જઈ મીઠાલાલ પર કેસ ઠોકી દેવાની પણ સલાહ આપી..
હાથમાં ઇન્જેક્શન લઈ નીકળેલી ચંપાને જોઈ આ વખતે ટોળું તરત ખસી ગયું. કારણ કે હજી થોડા દિવસ પહેલા જ ચંપાએ ભીડનો લાભ લઈ એક જણને ઇન્જેક્શન ઘોંચી દીધું હોવાનું કહેવાતું હતું..!

* * *

તખુભાની ડેલીમાં આજ તભાભાભા સલવાયા હતા. પોતાની શ્રાપ આપવાની શક્તિ માત્ર થુંક ઉડાડવાથી વિશેષ નથી એ તખુભાને ખબર હતી.
જાદવો એના દોસ્તો ભીમા અને ખીમા સાથે મળીને પોતાની હાંસી ઉડાવી રહ્યો હતો, જો તખુભા એ લોકોને સાથ ન આપી રહ્યા હોત તો ત્રીજું નેત્ર ખોલવાની એમની ઈચ્છા હતી.પણ ખુદ શંકર જેવા તખુભા આગળ એ નેત્ર કશા કામમાં આવવાનું ન્હોતું. ચેવડો, પેંડા અને લાહા લાડવા જોઈને એમના મોમાં પણ લાળ રસ જરી રહ્યો હતો.જેને રોકવાના ઘણા પ્રયાસોને અંતે પણ હોઠના ખૂણેથી બહાર ઝરી રહ્યો હતો..
"બાપુ, આ લાડવા ચયાંથી લાયા સો..સુ મીઠાશ સે.. આહાહા.કોક મોળા મનનો ભામણ ભાળે તો મોઢામાં રહના કોગળા વસુટે હો.." જાદવાએ તભાભાભાના હોઠના ખૂણે લીક થઈ રહેલું થુંક જોઈને કહ્યું..
તખુભા પણ કમ ન્હોતા.ભાભાને લાડવા સામે ચાતક નજરે તાકી રહેલા જોઈ એમણે કહ્યું..
"અલ્યા તેં તભાભાભાને મોળા મનના જાણ્યા ? આવા લાડવા સામુય નો જોવે..સાક્ષાત દુર્વાસાના ઋષિના ફઇના દીકરા સે.."
તભાભાભાએ તરત નજર વાળી લઈને ડેલા બહાર જોવા માંડ્યું.
લાલ ગમછાથી હોઠના ખૂણા લૂછી નાખ્યા.અને મોંમાં જમા થયેલા લાળરસનો ઘુંટડો ગળી ગયા. એ વખતે એમના ગળાનો હડીયો ઊંચો નીચો થયેલો જોઈ પેલા ત્રણેય ફરી ખખડયા..
હવે તભાભાભાની સહન શક્તિની હદ આવી ગઈ હતી.એમની ચોટલી ખીંતો થઈ રહી હતી..
"આ પાપીયાઓ તખુભા નામના ખીલાના જોરે કુદી રહેલા વાછડા જણાય છે.જો તું આમ જ મૌન ધારણ કરીને બેસી રહીશ તો હે બ્રહ્મશ્રેષ્ઠ,સમગ્ર બ્રાહ્મણકુળનું ઘોર અપમાન કરાવવવાનું તું નિમિત્ત બનીશ.આ નીચ અને પાપીયા તુચ્છ જંતુઓ જે અટ્ટહાસ્ય કરી રહ્યા છે એને રુદનમાં ફેરવી નાખવા માટે તારા તપના તેજનો પ્રયોગ કર.આ પૃથ્વી પર અનેક ઋષિઓએ બ્રહ્મત્વનો પ્રભાવ જાળવી રાખવા એમનો પરમ પ્રભાવ પાથર્યો છે.
રાજા અને મહારાજાઓ જેમના ચરણોમાં એમના મુગટ મૂકીને ચરણરજ માથે ચડાવતા હતા એવા મહાન અને તપસ્વી ઋષિઓના કુળનો તું અંશ છો..માટે ચમત્કાર બતાવી દે તભા, ચમત્કાર બતાવ. ચમત્કાર વગર નમસ્કાર નથી..!" લાલઘુમ નેત્રોથી તખુભાને એકધારું તાકી રહેલા તભાભાભાને એમનો અંતરાત્મા આદેશ આપી રહ્યો હતો..!
"એમ આંખ્યું લાલ કરીને અમને બાળી મુકવાના મનસૂબા કરો છો ગોર ? તો ભલે આજ તમારો પરચો જોઈ લેવી..ભલે થઈ જાય આજ..બરોબરને જાદવા.." તખુભાએ તભાભાભાની લાલ આંખોમાં થોડીવાર તાકીને પહેલા ભાભાને અને પછી જાદવાને કહ્યું.
"હા, હા, બાપુ..આજ તો ભામણ દેવતાનું હાચ જોઈ જ લેવું સે..ચીમ નો બોલ્યા અલ્યા ભીમલા અને ખીમલા.." જાદવાએ ચેવડો બુકડાવતા દાંત કાઢ્યા.
ભીમલા અને ખીમલાએ પણ એક બીજાને તાળીઓ આપીને ખીખીયાટા કર્યા..
ભાભાની હાલત શિયાળીયાના ટોળામાં ફસાયેલા સસલા જેવી થઈ રહી હતી.અને સિંહ જેવા તખુભા પણ કરડી નજરે એમને કરડી જવા તત્પર થયા હતા..!
એકાએક તભાભાભાએ ખાટલા પરથી ઉભા થઈને તખુભાની ઓસરી તરફ દોટ મૂકી. તખુભા સહિત જાદવ અને ભીમાં- ખીમાના મોં ખુલ્લા રહી ગયા.
તભાભાભા ઠેકડો મારીને તખુભાની ઓસરીના પગથીયાં ચડ્યા.દોડીને પાણીયારામાંથી પાણી ભરેલુ માટલું એમણે ઉપાડ્યું. ડેલીમાં બેઠેલો ડાયરો કંઈ સમજે એ પહેલાં તભાભાભાએ પોતાની ઉપર ઊંધું વાળીને, માટલાનો ફળીયામાં ઘા કર્યો.ફુટેલા માટલાના ઠીકરા ડેલી સુધી ઉડયા. એક અણીદાર ઠીકરું જાદવાના કપાળમાં ટીચાયું. ઠીકરાની અણી કપાળમાં ખૂંચી જવાથી લોહીની ધાર થઈ..
"હે નીચ અને અધમ પાપીયાઓ..
એક પરમ તપસ્વી બ્રાહ્મણનો માત્ર અનાદર જ નહીં પણ તમે લોકોએ ઘોર અપમાન કર્યું છે.મને આવકાર તો ન આપ્યો પણ એક મહાન પુણ્યશાળી આત્માનો પરાભવ કર્યો છે.માટે મારો આત્મા કકળી ઉઠ્યો છે.મહાપાપીયાઓ
તમારું નખ્ખોદ જજો..હું આ ગામનો ગોર કકળતી આંતરડીએ
અહીંથી જઈ રહ્યો છું એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો.." એમ કહી તભાભાભા હળવેથી પગથીયાં ઉતર્યા. ફળીયામાં ઢોળાયેલા પાણીથી ભીની થયેલી માટી હાથમાં લઈ કપાળ પર ચોપડી. અને તખુભા પાસે આવીને વદયા,
"હે ક્ષત્રિયકુળ શિરોમણી તારી છત્રછાયામાં આજ કાણું પડી ગયું છે. તારે આંગણે મદદ માંગવા આવેલા બ્રાહ્મણને તેં કકળાવ્યો છે.તું તારો ક્ષત્રિયધર્મ ભૂલીને આ નીચ લોકોની સંગતમાં અધર્મી બની ગયો છે..માટે હે તખુભા તું પણ આ કૃત્યનો સરખો જ ભાગીદાર છો..બ્રાહ્મણની આંતરડી ક્ષત્રિયના ફળીયામાં આર્તનાદ કરે એનાથી અઘોર પાપ બીજું કોઈ નથી.. તખુભા તારા પાણી હવે વળતા થયા.મેં તારા નામનું તારા ઘરે જ નાહી નાખ્યું છે. મારે મન તું જીવતી લાશ છો..મારે તારી કોઈ આશ નથી. તારે પસ્તાવાનો પાર નહીં રહે. રૌ રૌ નરકમાં તારા આ હજૂરીયાઓ સાથે તારે પણ જવાનું નક્કી થઈ ગયું. આજ તું ભાન ભુલ્યો..તારો ધર્મ ભુલ્યો..પુણ્યનો માર્ગ ભુલ્યો.. સત્ય ભુલ્યો..પ્રમાણ ભુલ્યો..રામ ભુલ્યો..નામ ભુલ્યો..હે તખુભા તું તારો મારગ ભુલ્યો..પાપીયા તારું હિત હવે નહીં થાય.." કહી તભાભાભા ભીના ધોતિયાનો એક છેડો પકડીને ક્રોધ વરસાવતા ત્યાંથી ચાલી ગયા..!
ડેલીમાં સોપો પડી ગયો.જાદવો કપાળ પર હાથ દઈને વહેતુ લોહી અટકાવવા મથી રહ્યો. તખુભાના મોં પર કાળુ ડિબાંગ વાદળ છવાઈ ગયું.હાથમાં રહેલો હોકો ઠરી ગયો.ભીમો અને ખીમો જાણે નિર્જીવ પૂતળા થઈ ગયા.મોઢામાં ભરેલો ચેવડો અને લાડવા ચાવવાનું પણ એ બંને ભૂલી ગયા..!
તભાભાભાની હદ ઉપરાંતની મશ્કરી તખુભાને ભારે પડી હતી.

(ક્રમશ :)