Apshukan - 2 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 2

મુંબઈના કાંદિવલી પરાસ્થીત મહાવીર નગરના વિસ્તારમાં આવેલા મધરકેર મેટરનિટી હોમના સેકન્ડ ક્લાસના રૂમમાં અંતરા બેડ પર સૂતી હતી. આખી નંખાઈ ગયેલી. બાર કલાક તો એ લેબર પેઇનમાં કણસી રહી હતી. જોર કરી-કરીને તે લોથપોથ થઈ ગઈ હતી. ત્યાર બાદ ચાર કલાક એ ભાનમાં ન હતી. જ્યારે ભાનમાં આવી ત્યારે સિસ્ટર દીકરીનું મોઢું દેખાડી ગઈ. ત્યાં જ મમતા- ગરિમા હૉસ્પિટલમાં આવી અને ખળભળાટ શરૂ કરી દીધો. વિનીત અને તેની બંને બહેનો મમતા અને ગરિમા બેડને ઘેરીને અંદરોઅંદર ચર્ચા કરી રહી હતી:
“ના,ના... આવી છોકરીને રખાય જ નહિ. અપશુકન ગણાય. વિનીત ક્યાંયનો નહિ રહે.” સ્થૂળ કાયા, થોડો શ્યામ વર્ણ, લાંબો ચહેરો, વાળની પોની બાંધેલી, પણ બધા વાળ અસ્ત- વ્યસ્ત ઊડતા હતા. જાણે ઊંઘમાંથી ઊઠીને સીધી હૉસ્પિટલમાં જ આવી ગઈ હોય, તેવા લઘર -વઘર વેશે બેઠેલી મમતાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. તે લોકોના ગણગણાટથી જ અંતરા અકળાઈ ગઈ. તેના શરીરનું એક એક અંગ દર્દથી કણસતું હતું.
“ ના, ના... સવાલ જ નથી આવતો, એને ઘરે લઈ જવાનો. આપણને જોઈએ જ નહિ એ ઘરમાં.” અંતરાને જોઇને ગરિમા વળી પાછી બોલી, “અંતરા, સિસ્ટર ‘એને’ લઈને આવે તો તું હાથમાં લેતી જ નહિ... ચોખ્ખી ના પાડી દેજે. કહેજે કે મને એ જોઈતી જ નથી.” ઈસ્ત્રી ટાઇટ બ્લૂ કલરનો ડ્રેસ પહેરેલી, ગુલાબી ચહેરો, ગોરા ગાલ, હોઠની ઉપર જરાક ડાબે કાળું તલ, લાઈટ પિંક કલરની લિપસ્ટિક કરેલા ગુલાબી હોઠ, લાંબી ગરદન, થોડા બ્રાઉન લાંબા વાળની ફ્લિક્સ આંખ પરથી હટાવીને વારંવાર કાનની પાછળ સ્ટાઈલથી ગોઠવનારી ગરિમાએ મોઢાના ભાવ આકરા રાખીને જ અંતરા સાથે વાત કરી.
સતત દોઢ કલાકથી અંતરાની બેઉ નણંદો ‘એ આપણને જોઈતી જ નથી, અપશુકનિયાળ કહેવાય’નું જ રટણ કરતી રહી, અને અંતરા મૂઢ બનીને બંને નણંદોને સાંભળતી જ રહી.
“ ચલો, વિઝિટિંગ કા ટાઇમ ખતમ હો ગયા. ચલો, ઘર પે જાઓ સબ... કિતના કીટકીટ ચાલુ હૈ તુમ લોગોકા કબ સે. હોસ્પિટલ મેં ઇતના આવાઝ કરના અલાઉડ નહી હૈ. ચલો, નિકલો અબ... માઉશી, ઓ માઉશી... ચલા, ઝાડુ મારવા ( ઝાડુ માર)” સિસ્ટર તાડૂકી.
બંને બહેનો ગઈ. માઉશી પણ ઝાડુ પોતાં મારીને ગઈ એટલે અંતરા અને વિનીતને એકાંતમાં વાત કરવાનો સમય મળ્યો. માતા- પિતા બન્યાનો હરખ મમતા- ગરિમાની વાતો સાંભળ્યા બાદ હવામાં છૂ થઈ ગયો હતો. અંતરા એકદમ જ ઢીલી પડી ગઈ હતી. તેને ખૂબ જ રડવું હતું, પણ રડી શકતી નહોતી. વિનીત તેના મોઢાના ભાવ જોઈને સમજી ગયો. તેણે અંતરાનો હાથ પોતાના હાથમાં લીધો. તેની બાજુમાં બેઠો. અંતરાને પોતાની બાંહોમાં લઈને તેનો હાથ પંપાળતાં તે બોલ્યો,
“જો અંતરા, મમતાબેન અને ગરિમાબેને જે કહ્યું, તેની પાછળ આપણી જ ભલાઈ છે. તેઓ બેબીને ઘરે લઇ જવાની ના પાડે છે, તેની પાછળનું કારણ સમજ... એ બધા તેમના અનુભવોથી કહે છે કે, છ આંગળીઓવાળા અપશુકનિયાળ હોય. બેબીને છ આંગળીઓ છે.જો તેને ઘરે લઇ જઇશું તો આપણું ઘર પણ બરબાદ થઈ જશે... તુ સમજે છે, હું શું કહું છું? પ્લીઝ, મારી વાતને સમજવાની કોશિશ કર.” ભૂખરું ટીશર્ટ અને ગ્રે પેન્ટ, લાંબો ચહેરો, આંખ પર રિમ લેસ ફ્રેમ, ચિંતાથી ભ્રુકુટી એકદમ તંગ રાખીને બેઠેલા વિનીતે રીતસર અંતરાને કરગરતાં કહ્યું.
અંતરા વિનીતને વેધક નજરે જોઈ રહી. નણંદો સામે તો બોલી ન શકી, પણ હવે તે ચૂપ રહી શકે તેમ નહોતી. તરત જ તેણે વિનીતને તેના જ હાથની આંગળીઓ દેખાડતાં કહ્યું,
“ વિનીત, તને પણ છ આંગળીઓ છે... તું અપશુકનિયાળ છે?”
વિનીતે તરત જ આંખ આડા કાન કરતાં કહ્યું, “અંતરા, મારી વાત અલગ છે.”
ક્રમશઃ
*** ** ***