Apshukan - 10 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 10

મમતા, ગરિમા અને વિનીત ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યાં. બંને બહેનો અંદરો અંદર વાતો કરતાં કરતાં અંતરાની રૂમમાં આવી. મમતાએ મમ્મીને ફોન લગાડ્યો,

“મમ્મી ડોક્ટર તો બેબીને ન અપનાવીએ તો પોલીસ કમ્પલેઇન કરી નાખશે, એવું કહે છે... ના, ના, ઘરની આબરૂની ફિકર અમને પણ છે... સમાજમાં તમારા ઘરનું નામ થોડી ખરાબ થવા દઈશું? પણ મમ્મી, પાછું વિનીત જન્મ્યો હતો ત્યારે જે થયું હતું એવું રીપિટ થશે તો? તને યાદ છે ને આપણે કેવા દિવસો કાઢ્યા હતા... તો શું કરવું? બેબીને લઇ લેવી? ઠીક છે મમ્મી, હું ગરિમા સાથે વાત કરું છું અને પછી ડોક્ટરને કહી દઇએ. ચાલ જય શ્રીકૃષ્ણ...”

“ ગરિમા , મમ્મી કહે છે કે પોલીસ કમ્પલેઇન થશે તો સમાજમાં આપણા ઘરની બદનામી થશે. હવે આ મામલો શાંતિથી નિપટાવવો પડશે.” મમતા બોલી.

મમતા , વિનીત અને અંતરા પાસે આવી અને વિનીતને કહ્યું, “વિનીત જો ભાઈ, આ બેબીને ઘરે લઈ ગયા બાદ તારા જીવનમાં કોઈ ઊથલપાથલ થાય તો તું અમારા પર આળ નાખતો નહિ. અમે તો તને તકલીફ ન થાય એ માટે બેબીને અપનાવવાની ના પાડતા હતા... પણ ભગવાનને કંઇક બીજું જ મંજૂર છે. ચાલ ગરિમા, ડોક્ટરને કહી દઈએ કે અમે બેબીને અપનાવવા તૈયાર છીએ!”

અંતરા મનોમન મલકાઈ રહી હતી. વિનીત અંતરાને જોઈ રહ્યો હતો. જ્યારે બંનેની આંખો મળી ત્યારે બસ માત્ર છલકાતી લાગણીઓ હતી, બીજું કંઈ જ નહિ...

મમતા અને ગરિમા રૂમમાં પ્રવેશ્યાં. સિસ્ટર પણ આવી. તેના હાથમાં બેબી હતી, સફેદ કોટન કપડામાં વીંટાળેલી. સિસ્ટરે બેબીને સીધી અંતરાના ખોળામાં મૂકી દીધી. અંતરા સાતમા આસમાને વિહરી રહી હતી. છેલ્લા કેટલાક કલાકો જેને પામવા માટે રડી -રડીને કાઢ્યા તે અત્યારે તેના ખોળામાં હતી!

“ ચાલો હું અને બેન નીકળીએ છીએ. મારે હજી મનોજ માટે રોટલી બનાવવાની છે.” ગરિમા એટલું કહીને મમતા સાથે નીકળી ગઈ. ત્યારે જ સિસ્ટરે કહ્યું, “અભી તુમ ઇસકો પેહલે દૂધ પિલાઓ...”

“આપ થોડી દેર બાહર બૈઠો ના...” સિસ્ટરે વિનીતને કહ્યું.

“ હા,હા...” કહીને વિનીત બહાર ગયો એટલે અંતરાએ સિસ્ટરના હાથમાં એક કાગળ આપ્યો અને કહ્યું,

“યે ડોક્ટર સાહબ કો દે દેગી?” સિસ્ટરે હસતાં હસતાં મોઢું હલાવ્યું અને હા પાડી.

એકચ્યુલી, પોલીસ કંપ્લેઈનની ધમકી આપીને ડરાવવાનો પ્લાન અંતરાએ જ ડોક્ટરને કહ્યો હતો! એ જાણતી હતી કે સીધી આંગળીએ ઘી નહિ જ નીકળે... અંતરા દિલથી એવું કંઇ પણ કરવા ઈચ્છતી નહોતી,પણ પોતાની દીકરીને પામવા શામ, દામ, દંડ, ભેદ... બધું જ કરી છૂટવા તે તૈયાર હતી! ફાઇનલી, જ્યારે હવે દીકરી તેના ખોળામા આવી ગઈ છે ત્યારે અંતરા ડૉક્ટરનો દિલથી આભાર માનવા માગતી હતી. એટલે ચિઠ્ઠીમાં “થેંક યુ” લખીને એ ચિઠ્ઠી ડોક્ટરને આપવા માટે તેણે સિસ્ટરને ભલામણ કરી.

અંતરાએ પહેલી વાર પોતાની દીકરીને છાતીએ લગાડી... અને તે ચપ ચપ કરીને દૂધ પીવા લાગી. એ અહેસાસ એક અનેરી તૃપ્તિનો હતો. અંતરાને અત્યારે ખરા અર્થમાં ‘ માતૃત્વ' શબ્દનો અર્થ સમજાઈ રહ્યો હતો... જાણે રગરગમાં વહેતા લોહી સાથે સડસડાટ વ્હાલ પણ વહી રહ્યું હતું... અંતરા બસ ટીકી ટીકીને બેબીને દૂધ પીતી જોઈ જ રહી. દૂધ પીતાં પીતાં જ બેબી પાછી સૂઇ ગઇ. અંતરાએ તેને પોતાના પડખામાં સુવડાવી દીધી.

અંતરા તેના ચહેરાને વધુ ધ્યાનથી જોવા લાગી. તેનું કપાળ વિનીત જેવું હતું અને ગાલ, નાકનો નીચેનો હિસ્સો પોતાના જેવો હતો! એ ખુશી કઈક અલગ જ હોય જયારે તમારા અંશ તમે સંતાનોમાં જુઓ! ઘુંઘરાળા કાળા વાળ કાનની પાછળ વળીને ગોળ થઈ ગયા હતા. હાથના નખ ગુલાબી... જાણે લાઇટ પિંક નેઇલ પોલિશ ઈશ્વરે જ કરીને મોકલી હતી! આંખની પાંપણ કાળી અને લાંબી હતી, જેનાથી તેની આંખો ખુબ જ સુંદર લાગતી હતી. ફૂલગુલાબી ચહેરો... ઈશ્વરની માયા પણ અદભૂત હોય છે! શરીરના એકે એક અંગ કેટલા નાજુક બનાવ્યા છે! જાણે ઈશ્વરે તેને ફુરસદમાં ઘડી છે! આ ચિત્રકારને સો સો સલામ!

અંતરાનું મન ધરાતું જ નહોતું... બેબી પરથી તેની આંખ હટતી જ નહોતી. અંતરા તેની બાજુમાં સૂતી હતી, રાતનો ઉજાગરો અને ડિલિવરીનું દર્દ અકબંધ હતું, છતાં તેની આંખ મટકું મારવા તૈયાર નહોતી...

વિનીત રૂમની બહાર જ આંટા મારી રહ્યો હતો, પણ અંતરા બેબીમાં એટલી રત હતી કે તેને વિનીતને અંદર બોલાવવાનું ધ્યાનમાં જ ન રહ્યું!

“ અંતરા, હું અંદર આવું?” વિનીતે દરવાજાની બહાર ટકોરા મારીને પૂછયું... ત્યારે અંતરાને યાદ આવ્યું કે સિસ્ટરે વિનીતને રૂમની બહાર મોકલ્યો હતો...

“હા, હા, વિનીત આવી જા” અંતરા ઝડપથી ઊભી થવા ગઈ પણ તેને ટાંકા દુખ્યા.

“સોરી વિનીત, મને ધ્યાનમાં જ ન રહ્યું કે તું બહાર ઉભો છે.” અંતરાએ કહ્યું...

વિનીત, મૃદુ હસતાં બોલ્યો, “બેબી આવી એટલે તું મને ભૂલી ગઈ?”

“ના, વિનીત એવું નથી.એકચુલ્લી...”

“ હા..હા હા..હું તો મજાક કરું છું...” કહેતો વિનીત બેડ પર બેસી ગયો. અંતરાએ બેબીને હાથમા લીધી અને ધીરેથી વિનીતના ખોળામાં મૂકી. પોતાના બે હાથ તેને સાચવવા સપોર્ટમાં રાખ્યા.

“ ના, ના, તું પકડ. મને નહિ ફાવે બેબીને ખોળામાં લેવી. મારાથી પડી જશે...” વિનીતે પહેલીવાર નવજાત શિશુને ખોળામાં લીધું હતું એટલે તે ગભરાઈ ગયો.

“ નહિ પડે... મેં તેને બરાબર પકડી છે.” અંતરાના અવાજમાં કાળજી હતી.

વિનીત બેબીને નીરખી જ રહ્યો... તે ભર ઊંઘમાં સૂતી હતી. થોડી વાર રૂમમાં નિરવ શાંતિ છવાયેલી રહી.

“કેટલી સુંદર દેખાય છે ને! આવી સરસ દીકરી ભગવાને આપી અને આપણે તેને અપનાવતાં નહોતા!” વિનીત આગળ બોલવા જતો હતો, પણ તેના મોઢામાં ડૂમો ભરાઈ ગયો...

અંતરાની આંખમાં પણ આંસુ હતા, પણ આજે એ હરખના આંસુ હતા. વિનીત બેબીને સતત નીરખતો જ રહ્યો, પણ તેની આંખોમાં આવેલા આંસુને લીધે તેને એ ધૂંધળી દેખાતી હતી. અંતરા વિનીતની બાજુમાં બેઠી. દીકરીને પોતાના ખોળામાં લીધી અને વિનીતની આંખના આંસુ લૂછ્યા.

માહોલને થોડો હળવો કરવા અંતરા બોલી, “વિનીત, બેબીની કઈ રાશિ આવશે? આપણે તેનું શું નામ પાડીશું?”

વિનીત તરત જ સ્વસ્થ થઈ ગયો અને બોલ્યો, “ હું આજે જ ઘરે જાઉં ત્યારે મમ્મીને કહું છું કે વિષ્ણુ મહારાજને ફોન કરીને પૂછે કે, બેબીની કઈ રાશિ આવી છે?”

ક્રમશઃ