Apshukan - 3 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 3

“કેમ તારી વાત અલગ છે? તું એનો પિતા છે. તને છ આંગળીઓ છે તો સ્વાભાવિક છે કે તેને છ આંગળીઓ જીન્સમાં આવી છે. તું અપશુકનિયાળ નથી ને? તો એ કેવી રીતે અપશુકનિયાળ થઈ ગઇ? હજુ તો આજે તેણે પૃથ્વી પર જનમ લીધો છે. સતત બાર કલાકના લેબર પેઇન બાદ તે મારા પેટમાંથી બહાર આવી છે. હું ભાનમાં નહોતી, જ્યારે હું ભાનમાં આવી અને સિસ્ટરે મને તેનો ચહેરો દેખાડ્યો તો મારું બધું પેઇન જાણે ગાયબ થઈ ગયું! કેટલી શાંતિથી સૂતી હતી એ. ગુલાબી ચહેરો, નાજુક હોઠ, વાળ ઘુંઘરાળા થઈને કાનની પાછળ વળેલા. સિસ્ટરે તેને સફેદ રૂ જેવા કપડામાં વીંટી હતી. કેટલી સુંદર દેખાતી હતી એ... હજુ તો હું એને મન ભરીને જોઈ રહી હતી, માતૃત્વનો ઘૂંટડો એક એક કરીને પી રહી હતી, ત્યાં જ તારી બહેનો આવી અને ખળભળાટ ચાલુ કરી દીધો.

'હાય હાય! છ આંગળીવાળી છે? મર્યા! અપશુકનિયાળ આવી ઘરમાં... ના, ના, આને ન રખાય.’ તરત જ ગરિમા બહેનનું ફરમાન આવ્યું: ‘અંતરાને ચોખ્ખી ના પાડી દેજે... આને દૂધ પીવડાવવા છાતીએ ન લગાડે... આપણને આ જોઈતી જ નથી.’

“વિનીત, તું મારી મનોદશા તો સમજ. હું એની માં છું. હું પ્રેગનન્ટ રહી ત્યારથી આપણે બંનેએ કેટકેટલાં સપનાં સેવ્યાં હતાં? દીકરી આવે તો આમ કરીશું અને દીકરો આવે તો આમ કરીશું... તું બધું જ ભૂલી ગયો? તું મારી જગ્યા પર રહીને વિચાર કર... તેના જન્મને છ કલાક થઈ ગયા, પણ મેં હજુ સુધી તેને ખોળામાં નથી લીધી! બાળક જ્યારે માંના પેટમાંથી બહાર આવે છે ત્યારે તે માત્ર માંનો સ્પર્શ જ ઓળખે છે, પણ મારી કમનસીબી કે હજુ સુધી મેં તેને મારા ખોળામાં નથી લીધી! નવજાત બાળકને માંનું દૂધ સૌથી પહેલાં પિવડાવવામાં આવે છે, પણ હું તો હજુ સુધી તેને દૂધ પણ પિવડાવી શકી નથી!” એક માંનું હૃદય વલોવાઈ રહ્યું હતું.

“વિનીત, મારી દિકરી ભૂખી હશે. તે દૂધ માટે રડતી હશે. પ્લીઝ, સિસ્ટરને કહીને તેને અહીં લઇ આવ. હવે મને તેને જલ્દી ખોળામાં લેવી છે.”

અંતરા બોલતી રહી, પણ વિનીત તેની વાતોને નજરઅંદાજ કરીને અંતરાને ચીકણી- ચૂપણી વાતોથી ફોસલાવવાની કોશિશ કરતો રહ્યો. અંતે રાત પડી ગઈ. વિનીત ‘કાલે સવારે પાછો આવીશ, ચા લઈને’ કહીને નીકળી ગયો.

અંતરાની આંખો રડી રડીને થાકી ગઇ હતી. ટિફિન એમનું એમ પડ્યું હતું. વિનીત તેને સમ આપીને કહી ગયો હતો કે, ‘ તું જમી લેજે, ભૂખી નહી રહેતી.તારી તબિયત ખરાબ થશે.’

ત્યારે અંતરા મનમાં ને મનમાં જ બબડી હતી: કઈ માં એવી હશે, જેની દીકરી ભૂખી હોય અને તે જમી શકે?

પણ અંતરાની વ્યથા સમજવાવાળું કોઈ જ નહોતું. રાત વધતી જતી હતી. સિસ્ટર એકવાર રૂમમાં ચક્કર મારવા આવી ત્યારે અંતરાની રડી- રડીને સોજેલી આંખો જોઈને તેની સામે ઊભી રહીને બોલી,

“કાયકો રોતી હૈ? હ..? તું ફિકર ન કર... તારી દીકરીને અમે લોકોએ કોટનથી દૂધ પીવડાવી દીધું છે. એ એકદમ ઠીક છે.એક વાત સમજી લે... માં બન્યા પછી તારે છાતી મજબૂત રાખવી પડશે. તેમાંય તું તો એક દીકરીની માં છે!! દુનિયા ગમે તેટલી પ્રગતિ કરી લે... આપણે મંગળ અને ચાંદ પર પણ પહોંચી ગયા, છતાં આજે પણ જ્યારે છોકરીનો જન્મ થાય છે ત્યારે સાસરાપક્ષનાં મોઢાં ફૂલી જ જાય છે. બધાને છોકરો જ જોઈએ છે. છોકરી કોઈને નથી જોઈતી. ક્યા ઉખાડ લેતે હૈ લડકા આને કે બાદ ભી?? માં- બાપકા કૌનસા ખયાલ રખતા હૈ લડકા? મેરે નવરે કો હી દેખ લે... આખો દિવસ દારૂ પીને પડયો રહે છે. માં- બાપ વૃદ્ધ છે, બીમાર રહે છે, હરામ બરાબર જો કોઈ દિવસ એમને પૂછતો હોય કે તમે લોકો જીવતા છો કે મરી ગયા!! ઊલટું, હું બધું ઘરકામ કરીને અહીં હોસ્પિટલમાં ડયુટી પર આવું છું. અહીંની ડ્યુટી ખતમ કરીને પાછી ઘરકામમાં પરોવાઈ જાઉં છું. યહિચ લાઈફ હૈ... ઐસે હિ ચ જીનેકા, ઔર કયા?”

સિસ્ટર પળવાર રોકાઈ પછી બોલી,

“ચાલ, હવે જમી લે અને સૂઇ જા.”

અંતરાને ઈચ્છા તો નહોતી, છતાં ટિફિન ખોલ્યું. મનમાં એક આશ જાગી,જો કાલે ઘરના માની જાય અને એને દૂધ પિવડાવવા કહે તો? એ વિચારે જ અંતરાનું દિલ બાગ- બાગ થઈ ગયું. ‘હું ખાઈશ તો જ તેને દૂધ મળશે’ ના વિચારે બધી જ ખીચડી ફટાફટ ખાઈ ગઇ.

ક્રમશઃ

*** ***