Apshukan - 11 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 11

કાંદિવલી, મહાવીર નગરના ‘બ્લોસમ’ બિલ્ડિંગના બીજા માળે અંતરા દરવાજાની બહાર દીકરીને હાથમા લઇને ઊભી છે. સામે માલિનીબેન આરતીની થાળી લઇને ઊભાં છે. પાછળ માધવદાસ ખુશખુશાલ દેખાઇ રહ્યા હતા. આરતી ઉતારીને માલિનીબેને અંતરાને કહ્યું, “હવે અંદર આવ.”

હોલમાં મમતાબેન અને ગરિમાબેન પોતાની વાતોમાં મશગુલ હતાં. અંતરા કે નવી દીકરીના ગૃહ આગમનની કોઇ ખુશી બંનેના ચહેરા પર દેખાતી નહોતી.

વિનીત અંતરાને પોતાના રૂમ તરફ લઇ ગયો. રૂમ બંધ હતો. વિનીતે દરવાજો ખોલીને કહ્યું, “સરપ્રાઇઝ..”

અંતરાએ જોયું તો આખો રૂમ બલૂનથી સજાવેલો હતો. કોર્નરના ટેબલ પર ગુલાબનો બુકે ગોઠવેલો હતો. પિંક કલરની સુંદર બેડશીટ પાથરેલી હતી. બેડની બાજુમાં બેબી માટે ઝૂલો તૈયાર હતો. તેના પર પણ બલૂન સજાવેલા હતા. આખો રૂમ દીકરીને દિલથી વેલકમ કરી રહ્યો હોય તેવું લાગતું હતું. આ સજાવટ પાછળ વિનીતનો પ્રેમ છલકાઇ રહ્યો હતો. અંતરા આ બધું જોઇને ખુશ ખુશ થઈ ગઈ. અત્યાર સુધી સહન કરેલી બધી જ પીડા, તકલીફો પળવારમાં જાણે અદ્રશ્ય થઈ ગઈ!

થોડી વારમાં મમ્મી- પપ્પા બંને રૂમમાં આવ્યાં. માધવદાસ પોતાની પૌત્રી ને જોવા માટે અધીરા થઈ રહ્યા હતા. “અંતરા, લાવ, બેબીને મારા ખોળામાં આપ તો...” અંતરાએ હસીને પપ્પાના ખોળામાં બેબીને હળવેકથી સુવડાવી.

“મજાની છે” માધવદાસના મુખ પર ચમક આવી ગઇ.

માલિનીબેને માધવદાસના ખોળામાંથી બેબીને પોતાના હાથમાં લીધી. બે પળ તેને નિરખ્યા કરી. પછી તેના માથે હાથ ફેરવ્યો. કંઈ બોલ્યા નહિ.

***. ***. ***. ***

માધવદાસનું ઘર આજે મહેમાનોથી ખીચોખીચ ભરેલું હતું. આજે બેબીની નામકરણ વિધિ હતી. અંતરાની મમ્મી, ભાભી અને મોસાળપક્ષના અન્ય મહેમાનો આવ્યા હતા. તો સાસરા પક્ષમાં મમતા, ગરિમાનો આખો પરિવાર તથા માલિની બેનની માસીની દીકરીઓ આવી હતી. માધવદાસના નાના ભાઈ ભગવાન દાસના ઘરે આમંત્રણ આપવામાં જ આવ્યું નહોતું.

બંને બહેનોની માલિનીબેનને કડક સૂચના હતી: કાકા ગયા, હવે આપણે એ લોકો સાથે કોઇ સંબંધ નથી! ખતમ! બંને બહેનોના હુકમ પર માલિનીબેનનો સ્વિકૃતિનો થપ્પો લાગે એટલે ખતમ! મજાલ છે કોઈની કે એમાં ફેરફાર થાય!

પિંક અને પરપલ બલૂનથી આખો હોલ સજાવાયો હતો. બેબીનાં ઝૂલા પર પણ પિંક પરપલ બલૂન લગાવાયા હતા. કોટન ચાદરના ચાર છેડામાંથી બે છેડા મમતા અને ગરિમાએ પકડ્યા અને બે બીજી કુંવારિકાઓને પકડવા આપ્યા.

“ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યું પર્લ નામ...” ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યું પર્લ નામ...”

બેબીનું નામ પર્લ પડ્યું. કન્યા રાશિ આવી. ફઈઓને કહેવામાં આવ્યું હતું, નામ શોધવાનું..પણ તેમણે કોઇ ખાસ રસ બતાવ્યો નહિ એટલે અંતરા અને વિનીત જ પોતાની દીકરીનું નામ શોધવા માંડ્યા હતા. તેમાંથી અંતરાને પર્લ નામ ખૂબ જ ગમી ગયું. પર્લ એટલે મોતી.. છીપમાંથી ખૂબ જ તકલીફ બાદ મોતી બહાર આવે છે, જે અનમોલ હોય છે. પર્લ પણ ઘણી તકલીફો બાદ ઘરે આવી હતી. એટલે વિનીત- અંતરા માટે એ અનમોલ હતી. હવે આ મોતી ગળામાં ચમકતા હારની જેમ અંતરા- વિનીતના જીવનને ઝગમગાવશે, તેવો અંતરાને પૂરો ભરોસો હતો.


પર્લ ખૂબ જ ડાહી હતી. હસમુખી પણ એટલી જ. તેને ટહુકાથી કોઇ 'પર્લ' કહીને બોલાવે એટલે તે ખિલખિલાટ હસે.. કારણ વગર રડવું, જીદ કરવી, મમ્મી- પપ્પાને રાત જગાડવા...આવું કાંઇ જ પર્લ નહોતી કરતી.. દાદા માધવદાસની તો પર્લ એકદમ લાડકી બની ગઈ હતી.. જેવી માલીશ કરીને સુમનતાઈ તેને નવડાવે, પાઉડર લગાડીને ચોખ્ખી- ચણાક કરીને બહાર લઇ આવે એટલે તરત જ માધવદાસ બોલે: લાવ અંતરા, પર્લને અહીં આપ. માધવદાસ પર્લને પોતાના પેટ પર બેસાડે. પહેલાં તો માલિનીબેન પર્લથી બહુ જ અતડા અતડા રહેતાં પણ પર્લના નખરા, તેનું ખિલખિલાટ હાસ્ય- આ બધાએ માલિનીબેન માટે લોહચુંબકનું કામ કર્યું.

ધીરે ધીરે પર્લ દાદા- દાદીની એકદમ લાડકી બની ગઈ. બંને પૌત્રી પાછળ ઘેલા ઘેલા થતાં. તેની કાલી કાલી ભાષા સાંભળવા તેની સાથે પોતે પણ કાલી કાલી વાતો કરતા. તેમને જાણે રમકડું મળી ગયું હતું રમવા માટે...

સમય બહુ બળવાન છે. એક સમય એવો હતો જયારે મમતા અને ગરિમા દીકરીને ઘરે લઇ આવવા તૈયાર નહોતાં, જેમાં માલિનીબેને તેમની હા માં હા ભણીને આડકતરી રીતે તેમનો સાથ આપ્યો હતો.. જયારે આજે દાદા- દાદી બંને પર્લના બધા જ લાડકોડ પૂરા કરી રહ્યા હતા.. 'મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય' તે આને જ કહેવાતું હશે ને!!

** ***. ***

ચબ્બી ચિક્સ પ્લેસ્કૂલમાં પર્લનું એડમિશન થયું હતું. આજે સ્કૂલમાં જવાનો પહેલો દિવસ હતો. સ્કૂલમાં જવાનું હતું પર્લે..પણ તેનો ઉત્સાહ આખા ઘરમા દેખાતો હતો. સ્કૂલનો નવો યુનિફોર્મ પહેરીને પર્લ અંતરાના ખોળામાં બેઠી હતી. અંતરા તેના વાળ ઓળી રહી હતી. તેની સામે દાદા- દાદી બંને ગોઠવાઈ ગયાં હતાં. વિનીત તેની વોટર બોટલ ભરી રહ્યો હતો.

“ પર્લ, તારી ટીચરને તું મળીશ ત્યારે શું કહીશ?” માધવદાસે પર્લને પૂછયું.

પર્લ બે સેકન્ડ વિચારીને પછી બોલી, “ગુડ મોર્નિંગ ટીચર...”

“ વેરી ગુડ” માધવદાસ ફૂલ્યા નહોતા સમાતા.

“ પર્લ, તારા આ નવા ટિફિનમાં તારા ભાવતાં લિટલ હાર્ટ્સ બિસ્કીટ ભર્યા છે. તને રીસેસ પડે ને ત્યારે ખાઈ લેજે. ફ્રેન્ડ માગે તો એકાદું તેને પણ આપજે... આખો ડબો નહિ આપી દેતી, નહિ તો તું ભૂખી રહીશ.” માલિનીબેને પ્રેમથી કહ્યું.પર્લે માથું હલાવીને હા પાડી.

અંતરા પર્લની બીજી પોની ફિટ કરતાં બોલી, “મમ્મી, સ્કૂલમાં જ નાસ્તો આપવાના છે.. આ તો આજે પહેલો દિવસ છે એટલે ટીચર કાઈ નહિ બોલે... કાલથી તો ટિફિન આપવાનું નથી. સ્કૂલમાંથી જ આપશે.”

“ એવું કાઈ હોતું હશે? એ લોકો શું આપવાના છે? પર્લને ભાવે એવું ન હોય તો? એને ભૂખ ન લાગે? ના, ના, તું ટીચર સાથે એકલામાં મળીને વાત કરજે, કે પર્લને ટિફિન લઇ આવવાની છૂટ આપે..” માલિનીબેન અકળાઇને બોલ્યાં...

“ મમ્મી, એવુ કાઇ થોડી હોય?જો પર્લને ટિફિન લઇ આવવાની છૂટ આપે તો બીજા છોકરાઓએ શું ગુનો કર્યો છે?” અંતરાએ સફાઈ આપી.

“મમ્મી, તું ચિંતા ન કર. અમે જયારે એડમિશન લેવા ગયા હતા ત્યારે જ તેની કેંટીનમાં બધુ ચેક કરી આવ્યા હતા. ત્યાં ઉપમા, પૌંઆ, ઈડલી, રવાનો શીરો..આ બધું જ ખૂબ જ ચોખ્ખાઈથી બનાવવામાં આવે છે.” વિનીતે મમ્મીને ધરપત થાય તે માટે ચોખવટ કરી.

“ હા, ઠીક છે... ચાલ, તું જલ્દી કપડાં બદલી લે. પર્લને સ્કૂલમાં જવાનુ મોડું થશે.” માલિનીબેને વાત પૂરી સાંભળી નહિ એ પહેલાં જ પોતાની વાત રાખી.

અંતરાએ પર્લની બેગમાં ટિફિન અને પાણીની બોટલ મૂકી દીધી. પર્લને સોફા પર બેસાડીને અંતરા તેને શૂઝ પહેરાવવા લાગી. માલિનીબેન પર્લની બાજુમાં બેસી ગયાં. “પર્લ, આજે તને કયું શાક ખાવું છે? મને કહી દે...”

પર્લે તરત જ જવાબ આપ્યો, “દાદી, વટાણાનું...”

“વટાણાનું? અંતરા, વટાણા છે ને ઘરમાં? જો ન હોય તો પર્લને છોડવા જાવ ત્યારે લેતા આવજો... આજે મારી દીકરીને ભાવે એ જ શાક બનશે.” માલિનીબેને રીતસરનો હુકમ જ છોડ્યો.

ક્રમશઃ

***. *** ***