Apshukan - 7 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 7

“અંતરા, અંતરા, ઊઠ... ચા નાસ્તો લઇ આવ્યો છું.” વિનીતે અંતરાને ઝંઝોળી ત્યારે અંતરા ઊઠી. શરીર અને મનથી થાકેલી અંતરા બેડ પર જેવી બેઠી કે તરત જ વિનીત તેની બાજુમાં બેસી ગયો.
“લે, તારા માટે ચા અને ગરમ ગરમ બટાટા પૌંઆ લઇ આવ્યો છું.”
અંતરાએ થોડી ગુસ્સાવાળી આંખોથી વિનીત સામે જોયું, પણ વિનીતની આંખોના કોઇ ભાવ એ વાંચી શકી નહી. વિનીતે અંતરાથી આંખો હટાવીને ડિશમાં બટાટા પૌંઆ કાઢ્યા. ગ્લાસમાં ચા કાઢીને ટેબલ અંતરા તરફ કરતાં બોલ્યો, “લે, ગરમ ગરમ છે, હમણાં જ ખાઈ લે.”
અંતરાએ એકદમ ગુસ્સામાં આવીને કહ્યું, “મને ભૂખ નથી લાગી.”
વિનીતે તરત જ અંતરાનો હાથ પોતાના હાથમાં લીધો. તેના હાથને મમળવતાં બોલ્યો, “પ્લીઝ અંતરા, ખાઈ લે. તારી તબિયત બગડશે.”
“તે ઘરમાં વાત કરી આપણી દીકરીને અપનાવી લેવા માટે? મમ્મી – પપ્પા સાથે વાત કરી તે?” અંતરા જાણે વિનીત પર તૂટી પડી. તેને ખૂબ જ ગુસ્સો આવતો હતો અત્યારે વિનીત પર.
વિનીતે થોડું અચકાતાં કહ્યું, “મેં વાત તો કરી, પણ મારા પહેલાં મમતાબેન અને ગરિમાબેન મમ્મી સાથે વાત કરી ચૂક્યાં હતાં. ગઇ કાલે મમતાબેન આપણા ઘરે જ રોકાઇ ગયાં હતાં.” એટલું બોલતાં જ વિનીત ભાંગી પડયો. તેની આંખોમાં આંસુ હતાં; “અંતરા, તને ખબર છે એ બધા બેબીને અપનાવવાની શા માટે ના પાડે છે?”
“ બીજું શું? અંધશ્રદ્ધા.” અંતરાએ ભડકીને જ જવાબ આપ્યો.
“ના, અંધશ્રદ્ધા નથી. મારા જન્મ બાદ તેમને થયેલા અનુભવને કારણે એ લોકો બેબીને અપનાવવાની ના પાડે છે.”
“અંતરા, મારો જન્મ થયો ત્યારે મને પણ છ આંગળીઓ હતી. બે દીકરીઓ પછી દસ વર્ષે દીકરો આવ્યો એટલે મમ્મી – પપ્પા અને બંને બહેનોની ખુશીનો પાર ન રહ્યો. બધાએ મને ખૂબ પ્રેમથી વધાવી લીધો હતો, પણ મારા જન્મ બાદ પપ્પા અને કાકાની ભાગીદારીમાં જે કપડાંની દુકાન હતી, તે ખોટમાં ચાલતી હોવાને કારણે બંધ કરવી પડી. એટલું જ નહિ, દુકાન વેચીને અડધો ભાગ કરતી વખતે કાકા અને તેના પરિવારે જબરાઈ કરીને તેમના ભાગ કરતાં વધુ પૈસા હડપી લીધા. પપ્પાના ભાગે ખાસ કશું બચ્યું નહિ. પૈસા એટલા નહોતા કે બીજી દુકાન લઇ શકાય. ધંધો ઠપ્પ થઈ જતાં ઘરના ઝાલીમ ખર્ચા કાઢવા પપ્પા માટે મુશ્કેલ થઇ ગયા. બંને બહેનો ઈંગ્લીશ મીડિયમમાં સારી સ્કૂલમાં ભણતી હતી, ત્યાંથી તેમને ઉઠાડીને સરકારી ગર્લ્સ સ્કૂલમાં બેસાડવી પડી. ઘરમાં નોકર-ચાકર હતા, એ બધી જ સાહ્યબી જતી કરવી પડી. પપ્પા આટલાં વર્ષથી ધંધામાં હતા એટલે માર્કેટમાં તેમની શાખ હતી. એ શાખને આધારે એક પાસેથી કપડાંની ગાંસડી લઈને બીજાને વેચવામાં વચ્ચે કમિશન મળતું હતું તેમાંથી માંડ ઘરનો ગુજારો થતો હતો. બહુ ખરાબ દિવસો જોયા છે એ લોકોએ. મારું નાનપણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં વીત્યું. એ સમયે મમ્મીની ઓળખાણમાં એક જ્યોતિષી આવ્યા હતા. તેમને દેખાડતાં તેમણે એવું કહ્યું હતું કે, 'તમારો દીકરો છ આંગળીઓવાળો જન્મ્યો છે, જે તમારા માટે અપશુકન સાબિત થયો છે. છ આંગળીઓવાળા ઘરની બરકત લઇ લે છે!!'
આ સાંભળીને મમ્મી પર તો જાણે આભ તૂટી પડ્યું. જ્યોતિષની વાત ઘરે આવીને મમ્મીએ પપ્પાને કરી, ત્યારે પપ્પા મમ્મી પર ભડકી ગયા હતા;
“ શુ આવી ઢંગધડા વગરની વાતો કરે છે? છ આંગળીઓવાળા અપશુકન હોય? તે જ્યોતિષે કહ્યુ અને તે માની લીધું? એવું કંઈ ન હોય...આ બધું થવા કાળ થયું. આપણો વિનીત છ આંગળીઓ વાળો જન્મ્યો તે વાતને હાલના આપણા સંજોગો સાથે કોઇ નિસ્બત નથી. એટલે જ ના પાડું છું કે આવા હમ્બગ જ્યોતિષીઓની વાતો પર ક્યારેય ભરોસો કરવો નહિ.
પણ મમ્મીના મનમાં આ વાત ઘર કરી ગઈ. એટલુ જ નહિ, મમ્મી જ્યારે આ વાત પપ્પાને કરતાં હતાં ત્યારે બીજા રૂમમાં મમતા અને ગરિમાએ પણ આ વાત સાંભળી લીધી હતી એટલે તેઓ પણ મને અપશુકન માનવા લાગી હતી. સમય ખરાબ ચાલતો હતો. મમતાબેન અને ગરિમાબેનને નાના- મોટા ઘણા મોજશોખ કરવા નહોતા મળતા એટલે મનમાં ગુસ્સો અને ઘૃણા બંને સંચિત થઈ રહ્યાં હતાં, પણ સાથોસાથ આટલાં વર્ષે ભગવાને ભાઈ આપ્યો છે, એમ માનીને મનોમન સેહમીને બેસી રહ્યાં હતાં.
ધીરે ધીરે ગાડી પાછી પાટે ચડવા માંડી. પપ્પાએ પાછો ધંધો જમાવવા માંડ્યો હતો. એક નાનકડી દુકાન પણ લઇ લીધી હતી. ધીરે ધીરે અમારા ઘર પર આવેલા દુઃખના ડુંગર દૂર થવા લાગ્યા. ત્યારબાદ બંને બહેનોનાં લગ્ન થઈ ગયાં અને બંને સુખી ઘરમાં ગઇ એટલે પાછી અમારા જીવનની ગાડી પાટે ચડવા માંડી. પણ આપણી દીકરીને છ આંગળીઓ વાળી જોઈ ત્યારે મમતાબેન અને ગરિમાબેનને મારા જન્મ અને ત્યાર બાદ પડેલી બધી મુશ્કેલીઓ એક પછી એક નજર સામે આવવા માંડી. તેઓ બંનેને મનમાં ડર લાગ્યો કે, રખે ને, આ છ આંગળીવાળી દીકરીના ઘરે આવ્યા બાદ ફરી આપણા ઘર પર આફતોનાં વાદળ ઘેરાશે તો? તો હવે મમ્મી પપ્પા તેને નહિ જીરવી શકે, એટલે એ લોકોએ દીકરીને અપનાવવાની ના પાડી દીધી.”
વિનીત સતત બોલતો રહ્યો અને અંતરા તેને સાંભળતાં સંભાળતાં એક પછી એક દ્ર્શ્યોને પોતાની સામે તાદૃશ અનુભવતી રહી.
“જ્યારે આપણાં લગ્ન નકકી થયાં ત્યારે બધાએ ઘરમાં નક્કી કરી લીધું હતું કે, 'હું અપશુકનિયાળ નીવડ્યો હતો કે મારા જન્મ બાદ ઘરમાં આવી બધી તકલીફો આવી હતી...' આ બધી વાતો કોઈએ તારી સામે કરવી નહિ, એટલે તને આ બધી વાતોથી અજાણ રાખી.”
વિનીતે દયામણા ચેહરે અંતરા સામે જોયું. તેની આંખોમાં અંતરાને માત્ર લાચારી જ દેખાઇ. કંઈ ન કરી શકવાની, બહેનોની ઉપરવટ ન જઈ શકવાની, અને મારી પડખે ઊભા ન રહી શકવાની...
અંતરાએ તરત જ વિનીતનો હાથ પોતાના હાથમાં લીધો. ધીરે ધીરે વિનીતના હાથને પંપાળતાં બોલી,
“એવું કંઈ જ ન હોય કે છ આંગળીઓ સાથે જન્મેલા અપશુકન હોય. ફિલ્મ સ્ટાર હ્રિતિક રોશનનો જ દાખલો લઈ લે, એને પણ એક વધારાનો અંગૂઠો છે, એ અપશુકન છે? લોકો તેને 'ગ્રીક ગોડ' કહે છે. સ્ટાર છે એ. આટલો સરસ ચેહરો અને વારસામાં પિતા તરફથી અભિનય મળ્યો છે તેને.
એને છોડ, એ તો સેલિબ્રિટી છે. અમારા પાડોશમાં નયનાબેન રહેતાં હતાં. એની દીકરી વિધિને પણ છ આંગળીઓ હતી. કેટલી લાડકોડમાં ઉછેરી હતી નયના બેને વિધિને! ઊલટું વિધિના આવ્યા બાદ નયનાબેનનું ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું. આજે વિધિ ટોપની વકીલ બની ચૂકી છે.”
અંતરાએ ઊંડો શ્વાસ લીધો. વિનીતની સામે જોયું તો તેના આંખના ખૂણા ભીના હતા. મહા પ્રયત્ને વિનીતે પોતાના આંસુઓને રોકી રાખ્યા હતા. અંતરા વિનીતને ગળે ઉતારવા માગતી હતી કે, “અપશુકનિયાળ જેવું કંઇ જ ન હોય. એ તો 'કાગનું બેસવું અને ડાળનું પડવું’ જેવું થયું હોય. તારો જન્મ એક નિમિત્ત બની ગયો. બાકી મુશ્કેલીઓ જયારે આવવાની હોય ત્યારે આવે જ છે. કોઈના જન્મ કે મરણથી ટળતી કે અટકતી નથી. તું માત્ર નિમિત્ત બની ગયો.”
અંતરા બોલતી રહી અને વિનીત મુક ચિત્તે સાંભળતો રહ્યો. તેની પાસે કોઇ જવાબ નહોતો કે ન કોઇ દલીલ હતી અંતરા સામે કરવા માટે.
રૂમનું વાતાવરણ વધુ ભારે થઇ ગયું હતું. વિનીત પોતાના ભૂતકાળમાં ખોવાયેલો હતો અને અંતરા પોતાના ભવિષ્યમાં...પોતાની દીકરીને કોઇ પણ સંજોગોમાં મેળવવા માટે તે હવાતિયાં મારી રહી હતી. થોડી વાર રૂમમાં નીરવ શાંતિ છવાયેલી રહી. બેમાંથી કોઇ કંઇ બોલ્યું નહિ. અંતરા હવે વિનીતનું દર્દ સમજી શકતી હતી. તેણે મનમાં જ વિચાર કરી લીધો કે પોતાની દીકરીને મેળવવામાં વિનીત તેને કોઇ મદદ નહિ કરી શકે! એટલે જે પણ કરવું પડશે એ અંતરાએ પોતાના બલબુતા પર જ કરવું પડશે!
ક્રમશઃ
*** ***