Apshukan - 4 in Gujarati Fiction Stories by Bina Kapadia books and stories PDF | અપશુકન - ભાગ - 4

Featured Books
Share

અપશુકન - ભાગ - 4

બધું સમેટીને ફરી પાછી લાંબી થઈ ત્યારે નીચે આવેલા પાંચ ટાંકા દુખ્યા. અંતરાને ત્યારે ભાન થયું કે એને તો ટાંકા આવ્યા છે. ડિલિવરી નોર્મલ થઈ હતી, પણ બેબીનું માથું બહાર નહોતું આવતું એટલે વેક્યુમથી ખેંચવામાં વજાઈનાનો ભાગ થોડો ખૂલી ગયો હતો. હા, બેસવા- ઊઠવામાં દુખાવો થયો હશે, પણ અંતરા દીકરીને ન મેળવી શકવાના ગમમાં એટલી ડૂબેલી હતી કે ટાંકાનો દુઃખાવો તેને ધ્યાનમાં જ ન રહ્યો!

અંતરા બેડ પર સૂતી એવી વિચારોમાં ખોવાઈ ગઈ.

અંતરા અંધેરીની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. દરરોજ સ્ટેશન જવા માટે ૮.૩૦ની બસ પકડતી. સ્વાભાવિક રીતે એ સમયે ગિરદી બહુ જ રહેતી. અંતરા દેખાવમાં ખૂબ જ સુંદર હતી. નાજુક ચહેરો, આંખની લાંબી પાંપણ તેની આંખોને વધુ ખૂબસૂરત બનાવતી હતી. વાળ એકદમ સિલ્કી, તેના પર હાથ રાખો તો હાથ પણ સરી પડે. પાતળી કમર, વધારે ડ્રેસ જ પહેરતી. તેને ટ્રેડિશનલ વેર વધુ શોભતા, વેસ્ટર્ન વેરમાં તે ક્યારેક જ દેખાય. કાનમાં નાજુક બાલી પહેરી હોય. ન લિપસ્ટિક કે ન આય લાઇનર, છતાં ખૂબ જ સુંદર દેખાતી.

એક દિવસ રોજના રૂટિન પ્રમાણે તે બસમાં સ્ટેશન જઇ રહી હતી. જુલાઈ મહિનો હતો. વરસાદ ધોધમાર પડી રહ્યો હતો. તે દિવસે બસ બહુ જ મોડી હતી, એટલે ગિરદી વધી ગઈ હતી. બેસવાની જગ્યા મળવી મુશ્કેલ હતી. એકવાર અંતરાએ વિચાર્યું કે આ બસ છોડી દે, પણ બીજી બસ આવે ત્યાં સુધી રાહ જોવામાં તે વધુ પલળી જાત, એટલે વધારે વિચાર્યા વગર તે બસમાં ચડી ગઈ. સ્ટેન્ડિંગમાં પણ બે લાઈન હતી. એક હાથમાં છત્રી અને ટિફિન બેગ, ખભે પર્સ લટકેલું હતું અને દુપટ્ટો અડધો પલળી ગયો હતો. આમ તો પર્સના આગળના નાના ખિસ્સામાં એ બસ માટે પરચુરણ રાખતી, પણ આજે એમાં છુટ્ટા પૈસા નહોતા. એટલે અંતરા પર્સ ખોલીને પૈસા કાઢવાની મથામણ કરી રહી હતી, ત્યારે જ તેની પાછળ ઊભેલા માણસનો હાથ તેની કમર પર અડકવા લાગ્યો. અંતરાએ પાછળ વળીને એકદમ ગુસ્સામાં તેની સામે જોયું. વીસેક વર્ષનો યુવક જ હતો, તેની આંખોમાં જ શૈતાનિયત દેખાઇ રહી હતી. અંતરાની આંખોમાં ગુસ્સો જોઇને તે નીચું જોઈ ગયો. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવા નમૂનાઓનો સુંદર યુવતીઓએ હાલતાં સામનો કરવો પડતો હોય છે, પણ અંતરા આવા લોકોને બરાબર પાઠ ભણાવતી. થોડી વારમાં ફરી તેણે છેડછાડ શરૂ કરી એટલે અંતરાએ તેના હાથમાં છત્રી હતી, તેનો દાંડો જોરથી તેના હાથ પર માર્યો અને બરાડી,

‘સીધે ખડે રહો, નહિ તો માર ખાઓગે...’ ફરી તે માણસ જાણે સાંભળ્યું જ ન હોય તેમ બીજી બાજુ જોવા લાગ્યો.

એ દરમિયાન બાજુની સીટ પર બેઠેલો એક યુવાન અંતરા અને તે લબરમૂછીયાની હરકતો ક્યારનો જોઈ રહ્યો હતો. તરત જ એ પોતાની સીટ પરથી ઊભો થયો અને અંતરાને એ સીટ પર બેસી જવા કહ્યું. પહેલાં તો અંતરાએ આનાકાની કરી, પણ પછી બેસી ગઇ. ત્યારે જ કંડક્ટર ટિકિટ માટે આવ્યો. તે સજજને ‘ દો સ્ટેશન’ કહીને અંતરાની ટિકિટ પણ લઈ લીધી. અંતરા હજુ તો કંઇ બોલે એ પહેલાં તેના હાથમાં ટિકિટ આપી દીધી. અંતરા તેમને હાથમાં પૈસા આપે એ પહેલાં એ આગળ નીકળી ગયો. સ્ટેશન આવ્યું એટલે બધા ઊતરવાની જલદીમાં હતા, અંતરાને પણ મોડું થતું હતું. તેને પેલા સજ્જનને બસની ટિકિટના પૈસા આપવા હતા. અંતરા નીચે ઊતરી આજુબાજુ પેલા સજ્જનને શોધવા લાગી. તેમનું મોઢું બરાબર જોયું નહોતું, પણ તેમણે બ્લૂ શર્ટ પહેર્યું હતું અને રિમ લેસ ચશ્માં પહેર્યાં હતા, એટલું અંતરાને બરાબર યાદ હતું. થોડી વાર આમ તેમ ફાંફાં માર્યાં પછી કંટાળીને અંતરા સ્ટેશન તરફ ચાલવા લાગી. કાલે બસમાં મળશે તો પૈસા આપી દઈશ, વિચારીને અંતરાએ અંધેરીની ટ્રેન પકડી લીધી.

ત્રણ મહિના પછી અંતરાને ત્યાં કામ કરતા નિરંજન કાકાની ઓળખાણમાં અંતરા માટે માગું આવ્યું. છોકરા સાથે મીટીંગ હતી. અંતરાના ઘરે જ બંને પરિવારો મળવાના હતા. જ્યારે તે લોકો ઘરે આવ્યા તો છોકરાને જોઇને અંતરાના મોઢા પર મોટી સ્માઇલ આવી ગઈ! આ તો એ જ સજ્જન, જેમણે અંતરાને બસમાં બેસવા માટે સીટ આપી હતી અને તેની ટિકિટ પણ કઢાવી આપી હતી! દુનિયા ગોળ છે, એ વાતનો પુરાવો અંતરાને આજે જ મળી ગયો.

બંનેને એકાંતમાં વાત કરવાનો મોકો મળ્યો ત્યારે બંને મનોમન મલકાતાં હતાં. “સોરી, એ દિવસે મારા લીધે તમને તકલીફ થઈ.” અંતરાએ જ વાતની શરૂઆત કરતાં તેની સાથે હાથ મિલાવીને કહ્યું, “અંતરા...”

“વિનીત...અરે! તમે શા માટે સોરી કહી રહ્યાં છો? મેં સીટ પર બેઠાં બેઠાં બધું જ જોયું હતું. તે દિવસે તમે ખરી બહાદુરી બતાવી.”

વિનીત વાતો કરી રહ્યો હતો અને અંતરા વિનીતને ધારીને જોઈ રહી હતી. લાંબો ચહેરો, રિમ લેસ ફ્રેમ, પ્રમાણમાં ઘણો પાતળો, આજે પણ બ્લુ શર્ટ જ પહેર્યું હતું. સીધો સાદો દેખાવ, આકર્ષણ જન્મે તેવું કંઇ ખાસ હતું નહિ વિનીતમાં, છતાં અંતરાને તે ગમી ગયો. બંનેએ પોતાના વિચારો શેર કર્યા. તે દેખાવમાં આકર્ષક નહોતો, પણ કેરિંગ નેચરનો હતો. અંતરા તો વિનીતની સરખામણીએ ઘણી સુંદર દેખાતી હતી. સ્વાભાવિક છે કે વિનીતની હા જ હતી.

ક્રમશઃ

*** ***