Lost - 12 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 12

પ્રકરણ ૧૨

"રાવિકા જ્યાં પણ હશે એને શોધી લઈશુ." માધવ દવેએ રાવિકાનો ફોન ટ્રેસ કર્યો.
"પણ અનઓફિશ્યિલી, રાવિ ગુમ થઇ ગઈ છે એવી ખબર બા'ર આવી તો કંપનીને ખુબજ નુકસાન જશે." રયાનએ ટકોર કરી.
માધવએ હકારમાં માથું હલાવ્યું અને રાવિકાની શોધખોળ ચાલુ કરી.

"આ બધી આપણી જ ભુલ છે, રાવિને અહીંથી લઇ જવાના ચક્કરમાં આપણે રાવિને કિડનેપ કરવાવાળી ઘટનાને અવોઇડ કરી." જિજ્ઞાસાએ તેના બન્ને હાથથી તેનું માથું પકડી લીધું.
"તું ચિંતા ના કર જિજ્ઞા, આપણી રાવિ ખુબજ સમજદાર અને બહાદુર છોકરી છે. એને કઈ નહિ થાય." રયાનએ જિજ્ઞાસાના ખભા પર હાથ મુક્યો.

"ચિંતા તો હવે એ કરશે જેણે આપણી રાવિને કિડનેપ કરી છે, હવે એ માણસને ખબર પડશે કે જિજ્ઞાસાની દીકરીને હાથ લગાવવાનું પરિણામ શું હોઈ શકે." જિજ્ઞાસાની આંખોમાં ખૂન્નસ દેખાઈ રહ્યું હતું.


"હેલ્લો, જિજ્ઞાદીદી. રાવિકા મળી ગઈ છે, હું તેને લઈને ઘરે આવું છું. તમારા ઘરનો એડ્રેસ મોકલી દો." માધવએ ફોન કાપી નાખ્યો.
જિજ્ઞાસાએ મીરાના ઘરનો એડ્રેસ માધવને મેસેજ કર્યો અને અડધા એક કલાકમાં માધવ રાવિકા સાથે મીરાના ઘરે આવી પહોંચ્યો.
"થૅન્ક્યુ માધવભાઈ." રાવિકાને જોઈને મીરાની ચિંતા ટળી ગઈ હતી.
"ચાલ હું નીકળું છું, ધ્યાન રાખજે મિરું." માધવએ મીરાના માથા પર હાથ મુક્યો અને ત્યાંથી નીકળી ગયો.

"તું ઠીક છે ને રાવિ? ક્યાં હતી તું? અને કોણ તને લઇ ગયું હતું?" જિજ્ઞાસાએ સવાલોનો મારો ચલાવ્યો.
"તમે કોણ છો? હું રાવિ નથી, મારું નામ રાધિકા છે." રાધિકાએ ઘટસ્ફોટ કર્યો.
"રાધિકા?" જિજ્ઞાસાની આંખો ભીંજાઈ ગઈ.
"હા, મારે રાવિકાને મળવું હતું તો હું પોલીસ અંકલ સાથે આવી ગઈ. રાવિકા ક્યાં છે?" રાધિકાની નજર રાવિકાને શોધી રહી હતી.

"હું અહીં છું." રાવિકા હસતા હસતા અંદર આવી.
"તું ક્યાં હતી? કોણ લઇ ગયું હતું તને?" જિજ્ઞાસાનું મન રાવિકાને સલામત જોઈને શાંત થયું હતું.
"હું અહીંજ ગેરેજમાં હતી, સોરી માસી. હું જાણીજોઈને ગાયબ થઇ ગઈ હતી, જેથી તમે મને શોધવા જાઓ અને રાધિકા મળી જાય." રાવિકાએ ખભા ઉછાળ્યા.

સટાક........ રાવિકાના ગાલ પર પડેલા તમાચાનો અવાજ ઘરમાં ગુંજી ઉઠ્યો.
"માસી, તમે મને થપ્પડ....." રાવિકાનો ડાબો કાન સુન્ન પડી ગયો હતો.
"હા, અમારા પ્રેમનો ફાયદો ઉઠાવતા શીખી ગઈ છે તું. કે પછી હું તારી માં નથી એટલે આમ હેરાન કરે છે મને?" જિજ્ઞાસાની આંખો ગુસ્સામાં લાલ થઇ ગઈ હતી.
"તમે મારી માં છો માસી, આજ પછી ક્યારેય એમ નાં કેતાં કે તમે મારી માં નથી." રાવિકા જિજ્ઞાસાને ભેંટી પડી.

"આ બધું શું છે દીદી? આ છોકરી કોણ છે?" મીરા રાવિકા જેવીજ બીજી છોકરીને જોઈને શૉક થઇ ગઈ હતી.
"અંદર જઈને બેસીયે, પછી શાંતિથી વાત કરીયે?" રાવિકા હોલમાં જઈને સોફા પર બેઠી, તેની પાછળ બધાં હોલમાં આવ્યાં.
"તારું પૂરું નામ શું છે? અને તારા પરિવારમાં કોણ કોણ છે?" જિજ્ઞાસાએ રાધિકા સામે જોઈને પૂછ્યું.
"મારું નામ રાધિકા છે, અને મારો કોઈ પરિવાર નથી. હું અનાથ છું, મારાં માંબાપ કોણ છે હું નથી જાણતી." રાધિકાએ કહ્યું.

"રાવિએ કહ્યું હતું કે રાવિને જે સ્વપ્ન બાળપણથી હેરાન કરે છે એજ સ્વપ્ન તને પણ બાળપણથી હેરાન કરે છે, આ વાત સાચી છે?" જિજ્ઞાસાની આંખોમાં એક આશા હતી.
"હા, આ વાત સાચી છે." રાધિકાએ ટૂંકમાં જવાબ આપ્યો અને રાવિકા સામે જોઈને બોલી, "મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે."
"આ મારો પરિવાર છે, તું ટેન્શન વગર બોલ." રાવિકાએ કહ્યું.

રાધિકાએ તેં રાઠોડ હાઉસમાં ગઈ હતી ત્યાંથી લઈને મીનાબેનના ઘરેથી નીકળી ત્યાં સુધીની વાત વિગતવાર જણાવી.
રાધિકાની વાત સાંભળીને બધાંને આશ્ચર્ય થયું, જિજ્ઞાસાએ રાધિકાનો હાથ પકડીને તેને ઉભી કરી, ડાબી બાજુ ઈશારો કરીને બોલી, "ત્યાં સામે અમુક ફોટોગ્રાફ છે, એમાંથી જે ફોટો તેં તારા સ્વપ્નમાં જોયો હતો અને જે સ્ત્રીને તેં રાઠોડ હાઉસમાં જોઈ હતી એ બન્નેનો ફોટો તને ત્યાં દેખાય તો લઇ આવ."

થોડીવારમાં રાધિકા એક ફોટોફ્રેમ લઈને આવી અને એ ફ્રેમ જિજ્ઞાસાના હાથમાં મૂકી, જિજ્ઞાસાએ ફ્રેમને પલટીને જોઈ અને તેની આંખો આશ્ચર્ય અને આઘાતથી પહોળી થઇ ગઈ.
"આ ફોટો તેં તારાં સપનામાં જોયો હતો? અને આ જ સ્ત્રી રાઠોડ હાઉસમાં જોઈ હતી તેં?" જિજ્ઞાસાએ ખાતરી કરવા પૂછ્યું.
"૫ વર્ષની હતી ત્યારથી આ ચેહરો સપનામાં જોઉં છું, હવે તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તોય ઓળખી લઉં કે આજ સ્ત્રી છે જે મારા સપનામાં આવે છે." રાધિકાના અવાજમાં તેનાં શબ્દોની સચ્ચાઈનો રણકો હતો.

"મમ્મા, મારી મમ્મા તારા ડ્રિમમાં કેમ આવે છે? મારા ડ્રિમમાં મમ્મા આવે એ સમજાય પણ તારા ડ્રિમમાં?" રાવિકાએ આધ્વીકાનો ફોટો જોઈને પૂછ્યું.
"મને શું ખબર?" રાધિકાએ ખભા ઉછાળ્યા.
"તારું નામ રાધિકા કોણે રાખ્યું?" મીરાએ પૂછ્યું.
"મેં જાતે, વારંવાર સપનાંમાં રાધિકા રાધિકા કહીને મને કોઈ બોલાવતું હતું તો મેં મારું નામ રાધિકા રાખી લીધું."


"રાધિકા, બેટા તને કદાચ બધું અજુગતું લાગશે પણ..... પણ હું..... જો આ ફોટો મારી મોટીબેનનો છે, એની બે દીકરીઓ હતી રાવિકા અને રાધિકા. રાધિકા ત્રણ વર્ષની ઉંમરએજ આધ્વીકા સાથે એક્સિડેન્ટમાં મરી ગઈ હતી પણ આજ સુધી એની લાશ નથી મળી....." જિજ્ઞાસા આગળ કઈ બોલે એના પહેલાંજ રાધિકા બોલી ઉઠી, "અને તમે એને શોધવાનો પ્રયત્ન પણ ન કર્યો? હું અચાનક મળી ગઈ છું તો તમે હવે ડીએનએ ટેસ્ટ કરીને જાણવા માંગો છો કે હું તમારી ખોવાયેલી રાધિકા છું કે નઈ?"

"હું તારું ઘૂંટણ જોઈ શકું?" જિજ્ઞાસાએ રયાન સામે જોયું.
તેનો ઈશારો સમજીને રયાન, કિશન અને રોહન ટેરેસ પર જતા રહ્યા. જિજ્ઞાસાએ રાધિકાના ડાબા પગના પજામાને ઉપર કર્યો.
"દીદી, આ તો એજ નિશાન છે." મીરાએ રાધિકાના ઘૂંટણ પર જે નિશાન હતું એને જોઈને કહ્યું.
"આવું સેમ નિશાન મારા ઘૂંટણ પર છે, પણ જમણા ઘૂંટણ પર છે." રાવિકાએ જમણા પગનો પ્લાજો ઉપર કરીને રાધિકાના પગ પર હતું એવુજ નિશાન બતાવ્યું.

"આ બધું શું છે? એકજેવો ચેહરો, એકજેવા નામ, એકજેવું સપનું અને હવે એકજેવું નિશાન... કોઈ મને કહેશે આ બધું શું છે?" રાધિકાનું મગજ ચકરાઈ ગયું હતું.
"તું મારી રાધિ છે....." મીરાએ રાધિકાને આલિંગન આપ્યું.
જિજ્ઞાસાએ રાધિકાને ગળે લગાવી અને તેનું માથું ચુમ્યું.
"આ બધું શું છે?" રાધિકાને ચીડ ચડી રહી હતી.

"રાવિ અને રાધિ એકસાથે આ દુનિયામાં આવી હતી, બન્નેનો પગ ઘૂંટણથી સહેજ ચોંટેલો હતો એટલે પગ અલગ કરવામાં આવ્યો. અને એનું જ નિશાન બન્નેના ઘૂંટણ પર રહી ગયું, રાવિના જમણા પગ પર અને રાધિના ડાબા પગ પર." જિજ્ઞાસાએ ચોખવટ કરી.
"રાવિ મારી બેન છે...... મતલબ આ મારો પરિવાર છે......" રાધિકાની આંખો ભીંજાઈ ગઈ.
"હા, આ તારો પરિવાર છે બેટા...." જિજ્ઞાસાની આંખોમાં ખુશીના આંસુ હતા.

"બેટા? તમે મને બેટા કહો છો તો તમે મને શોધવાની કોશિશ કેમ ન કરી? આટલો મોટો પરિવાર હોવા છતાંય હું આટલા વર્ષ એકલી જીવી, અનાથની જેમ." રાધિકા રડી પડી.
"મેં તને શોધવાનો પ્રયત્ન કર્યો હતો બેટા. આજ દિવસ સુધી હું પ્રયત્ન કરી રહી છું કે મારી સોનું, રાહુલ અને રાધિનાં મૃત શરીર મળી જાય પણ...." જિજ્ઞાસાનો અવાજ રૂંધાઈ ગયો.

રાધિકા જિજ્ઞાસાને વળગી પડી,"તમે મને પહેલા કેમ ન મળ્યાં? કેમ?"
"રાધિ......" રાવિકાએ રાધિકાના ખભા પર હાથ મુક્યો, રાધિકાએ રાવિકા સામે જોયું અને બન્ને બહેનો એકબીજાને ભેંટી પડી.
મેઘા ત્રણેય પુરુષોને બોલાવી લાવી, રાવિકાએ બધાનો પરિચય આપ્યો અને છેલ્લે હાર લગાવેલ રાહુલના ફોટો સામે આવીને બોલી, "પપ્પા...."

રાધિકાએ રાહુલની તસવીર પર હાથ ફેરવ્યો અને આપોઆપ તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
"હવે તો રાધિ પણ મળી ગઈ છે, તો બન્નેનો જન્મદિવસ એક સાથે મનાવશું." મીરાના મોઢામાંથી ખુશીના માર્યા આ શબ્દો સરી પડ્યા અને એ સાથેજ ઘરમાં સોંપો પડી ગયો.
"અરે હું તો ભૂલી જ ગઈ હતી કે કાલે મારો જન્મદિવસ છે.... સોરી, મારો નઈ આપણો જન્મદિવસ છે." રાવિકા હસી પડી.

મીરાને હવે અહેસાસ થયો કે તેનાથી કેટલી મોટી ભુલ થઇ હતી અને સાચેજ આ મીરાની જિંદગીની સૌથી મોટી અને સૌથી ભયકંર ભુલ હતી.

ક્રમશ: