Lost - 15 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 15

લોસ્ટ - 15

પ્રકરણ ૧૫

"આ કોણ છે રાવિ? શું થયું બેટા?" જિજ્ઞાસા અને બાકી બધાં પણ બુમાબુમ સાંભળીને બહાર દોડી આવ્યાં હતાં.
"માસી, કેરિન.....એ લોહી...." રાવિકાની જીભ અટકાઈ ગઈ હતી.
"હું ગાડી લઈને આવું છું." મીરા દોડતી અંદર ગઈ અને ગાડી લઇ આવી.
રયાનએ બેત્રણ જણની મદદથી કેરિનની ગાડીમાં નાખ્યો, જિજ્ઞાસા અને રાવિકા ગાડીમાં બેઠાં અને ગાડી હોસ્પિટલ તરફ ભાગી.

"મારા કારણે કેરિન....મારા કારણે આ હાલતમાં..." રાવિકા આઈસીયુની બહાર બેસીને હિબકા ભરી રહી હતી.
"રડ નઈ દીકરા, ડૉક્ટર કેરિનને જોઈ રહ્યા છે અને કેરિન ઠીક થઇ જશે." જિજ્ઞાસા મીરાને રાવિકા પાસે રે'વાનું કહી હોસ્પિટલ ની બહાર આવી અને કેરિનના સામાનમાંથી તેના ઘરનો નંબર શોધી તેના ઘરે ફોન કર્યો.

"કેરિન ક્યાં છે? શું થયું એને?" રીનાબેન, કેશવરામ અને મિથિલા હોસ્પિટલમાં દોડી આવ્યાં.
"અંદર છે." જિજ્ઞાસાએ આઈસીયુ તરફ ઈશારો કર્યો.
ત્રણેય જણ આઈસીયુમાં ગયાં, કેરિનના માથા, હાથ અને પગ પર પાટા બાંધેલા હતા.
"કેરિન, આ બધું કેવી રીતે થયું?" રીનાબેનએ કેરિનના માથા પર હાથ ફેરવ્યો.

"નાનકડો એક્સિડેન્ટ માં." કેરિન હસ્યો.
"આ નાનકડો એક્સિડેન્ટ છે? કેટલું વાગ્યું છે, કેટલું બધું લોહી વહી ગયું હશે." રીનાબેન રડવા લાગ્યાં.
"અરે હું ઠીક છું માં, રાવિ મને સમયસર હોસ્પિટલ લઇ આવી એટલે ફટાફટ મારો ઈલાજ થઇ ગયો અને હું ઠીક થઇ ગયો."

"બા'ર ઊભાં હતાં એ?" રીનાબેનએ પૂછ્યું.
કેરિનએ હકારમાં માથું હલાવ્યું, રીનાબેનએ મનોમન રાવિનો આભાર માન્યો અને કેરિન સામે જોઈને બોલ્યાં, "હું એમને મળીને ધન્યવાદ કહી આવું."
"હું પણ આવું છું, મિથિલા તું દાદા પાસે રહેજે." કેશવરામ પણ રીનાબેન સાથે બહાર ગયા.

આઈસીયુની બહાર કોઈને ન જોતા કેશવરામએ રિસેપ્શન પર પૂછ્યું, "કેરિન દેશમુખ કો હોસ્પિટલ લાયે થે વો લોગ કહા ગયે?"
"એક્સિડેન્ટ કેસ આયા થા વો? વો લોગ તો અભી થોડી દેર પહેલે હી ગયે." રિસેપ્સનીષ્ટએ જવાબ આપ્યો.
"હું ડિસ્ચાર્જ વિશે પૂછી આવું છું તું કેરિન પાસે જા." કેશવરામના ચેહરા પર ચિંતા હતી.

"આટલા મોટા હોસ્પિટલનું બિલ કેવી રીતે ભરાશે એજ ચિંતા છે ને?" રીનાબેન કેશવરામના મનની ચિંતા સમજી ગયાં હતાં.
કેશવરામએ આંખોના ખૂણામાં ધસી આવેલા આંસુ લૂંછ્યા અને ડિસ્ચાર્જ માટે રિસેપ્શન પર ગયા.
"યે રહે ડિસ્ચાર્જ પેપર, સાઈન કર દીજિયે." રિસેપ્સનીષ્ટએ અમુક કાગળ અને પેન કેશવરામ તરફ આગળ કર્યા.

"બિલ... કિતના?" કેશવરામ આગળ ન બોલી શક્યા.
"બિલ ક્લીઅર હૈ, વો મેડમ ભરકે ગઈ." રિસેપ્સનીષ્ટએ ફાઈલોમાંથી માથું ઊંચકીને જવાબ આપ્યો.
કેશવરામએ પેપર સાઈન કર્યાં અને કેરિનને લઈને બધાં ઘરે આવ્યાં.
"કેરિનને વધારે વાગ્યું નઈ એટલે આજેજ રજા મળી ગઈ દવાખાનેથી નહિ તો કેટલાયે દિવસ ત્યાં રોકી રાખત." રીનાબેનએ કેરિનને પલંગ પર સુવડાવ્યો.

"૫ આંકડાનું બિલ એ લોકો એક અજાણ્યા છોકરા માટે ભરીને જતાં રહ્યાં અને આપણે એમનો આભાર પણ ન માન્યો." કેશવરામએ બિલવાળી વાત રીનાબેનને કરી.
"હા, મને તો હાલથીજ અહેસાનનું ભાર લાગી રહ્યું છે. આપણે કઈ ને કરી શકીયે પણ એક ધન્યવાદ તો કહી જ શકીયે." રીનાબેન ખુબજ સ્વાભિમાની હતાં.


ઘરે આવ્યા પછી પણ રાવિકા ઉદાસ હતી, જિજ્ઞાસાએ રાવિકાના માથા ઉપર હાથ મુક્યો અને બોલી, "ડૉક્ટરએ કહ્યું હતું ને કે કેરિન બિલકુલ ઠીક છે હવે અને આપણે એનું હોસ્પિટલનું બિલ પણ ભરી દીધું, તો હવે કેમ ઉદાસ છે બેટા?"
"માસી...... માસી પેલી સ્ત્રીએ કેરિનનો એક્સિડેન્ટ કર્યો." રાવિકાએ આખી ઘટના વિગતવાર જિજ્ઞાસાને જણાવી.

"આપણે આનો રસ્તો શોધી લઈશું." જિજ્ઞાસાએ જલ્દી થી જલ્દી બાબાને મળવાનો નિર્ણય લઇ લીધો હતો.
"તમે મારી વાત સાંભળીને ચોંક્યા નઈ માસી, તમેં કંઈક તો જાણો છો. આ બધું કેમ થઇ રહ્યું છે એ વિશે તમે કંઈક તો જાણો જ છો."
"રાવિ, તું માસીને કેમ હેરાન કરે છે?આ બધી વાતો તો આપણે પછી પણ કરી શકીશું, ચાલ જમી લે પેલા નહિ તો હુંયે નઈ ખાઉ." રાધિકાએ રાવિકાને ઉભી કરી અને તેને ખેંચીને ડાઇનિંગ ટેબલ પર લઇ ગઈ.

જમ્યા પછી રાવિકાને એક કામ આવી પડ્યું તેથી એ લેપટોપ લઈને કામે વળગી, કામ પૂરું કરી તેણીએ સમય જોયો.રાતના સાડા અગ્યાર થયા હતા, હવે સવારે વાત કરીશ એવુ વિચારી રાવિકા ઊંઘી ગઈ.
બીજા દિવસે સવારે ઉઠતાજ રાવિકાએ જિજ્ઞાસાને આખા ઘરમાં શોધી, છેલ્લે જઈને તેણે મીરાને પૂછ્યું.
"દીદી અને જીજુ તો સવારની ફ્લાઇટથી ન્યૂ યોર્ક ગયાં, કંપનીમાં કંઈક અરજન્ટ કામ આવી પડ્યું હતું. તારા માટે એક ચીઠી આપી ગયાં છે, આ લે." મીરાએ એક ચીઠી રાવિકાને આપી.

પ્રિય રાવિ,
જાણું છું કે આ સમયે તને સૌથી વધારે મારા સાથની જરૂર છે, પણ સંજોગ એવા થયા છે કે મારે ન્યૂ યોર્ક આવવું પડે એમ હતું. આ કંપનીમાં કામ કરતો દરેક કર્મચારી આપણો પરિવાર છે અને એમના હિતમાં કામ કરવું એ આપણી ફરજ છે એ તું જાણે જ છે એટલે મારા અચાનક જવાથી તું રિસાઈ નઈ જાય એવી મને ખાતરી છે.
કદાચ ભગવાન પણ ઇચ્છતા હશે કે મારી દીકરીઓ એમની જિંદગીની મુસીબતોનો સામનો બહાદુરીથી કરે અને મને વિશ્વાસ છે કે તું અને રાધિકા આ કસોટી પાર કરશો અને જીતશો.
નીચે એક એડ્રેસ લખેલો છે, ત્યાં જઈને બાબાને મળજે. એમની પાસેથી તને તારી સમસ્યાનો ઉકેલ મળે કે ન મળે પણ એમાંથી બાર નીકળવાની રાહ જરૂર મળશે.
હું હંમેશા તારી સાથે છું બેટા.
જિજ્ઞાસા.
રાવિકાએ પત્ર વાળીને ખિસ્સામાં મુક્યો અને તૈયાર થવા ગઈ.
"તું નવરી હોય તો મારું એક કામ કરીશ?" રાવિકાએ એક ફાઈલ કાઢી અને ફાઈલ તપાસવા લાગી.
"નવરી જ છું, બોલ શું કામ છે?" રાધિકાએ કહ્યું.
"આ લે, આ એડ્રેસ ઉપર જઈને મેહુલ મેહરાના હાથમાં આ ફાઈલ આપજે." રાવિકાએ હમણાં તપાસેલી ફાઈલ રાધિકાને પકડાવી અને એડ્રેસ મેસેજ કર્યો.

"પણ તું ક્યાં જાય છે?" રાધિકાએ એડ્રેસ ચેક કર્યો.
"એક જરૂરી કામથી જઉં છું, તું આ ફાઈલ આજેજ પહોંચાડી દેજે." રાવિકાએ સમય જોયો અને ફોન લઈને રૂમની બા'ર નીકળી ગઈ.
"અને એ લોકો મને આ ફાઈલ વિશે કઈ પૂછશે તો?" રાધિકા તેની પાછળ પાછળ આવી.
"તો કઈ દેજે કે હાલ હું બઉજ જલ્દીમાં છું, હું શાંતિથી ફોન કરીશ.." રાવિકાએ ખભા ઉછાળ્યા અને ઘરની બા'ર ઉભેલી ટેક્ષીમાં બેસીને નીકળી ગઈ.


રાવિકા કેરિનના એડ્રેસ પર પહોંચી અને દરવાજા આગળ ઉભી રહી, અંદર જવુ કે ને જવુની મૂંઝવણમાં તેનો હાથ ડોરબેલ સુધી પહોંચી ગયો.
"તું કોણ આહેસ?" એક ૧૬ વર્ષીય છોકરીએ દરવાજો ખોલ્યો અને રાવિકાને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી.
"કેરિનનું ઘર છે આ?" રાવિકાએ ખાતરી કરવા પૂછ્યું.
"હા, આવોને."મિથિલાએ દરવાજા વચ્ચેથી ખસીને રાવિકાને અંદર આવવાનું કહ્યું.

"તમે દાદાને મળવા આવ્યાં છો?" મિથિલાએ રાવિકાને સોફા ઉપર બેસાડી.
"દાદા? નઈ હું કેરિનને મળવા, મતલબ હાલચાલ પૂછવા. હું એક્ચ્યુઅલી હોસ્પિટલ ગઈ હતી પણ ત્યાંથી જાણવા મળ્યું કે કેરિનને ડિસ્ચાર્જ, તો એમ્બયુલન્સવાળા ભાઈ પાસેથી એડ્રેસ લઈને...." રાવિકાને પોતાને ન્હોતું સમજાતું કે તેં આ બધું કેમ બોલી રહી છે.

"કોણ છે મિથિલા?" રીનાબેન રસોડામાંથી બહાર આવ્યા અને રાવિકાને જોઈને ત્યાંજ અટકી ગયાં.
"નમસ્તે! હું રાવિકા...." રાવિકાએ ઉભી થઈને નમસ્તે કર્યું.
"દાદાને મળવા આવ્યાં છે..." મિથિલાએ કહ્યું.
"કેરિન પાસે લઇજા આમને, જા બેટા." રીનાબેન પાછાં રસોડામાં જતાં રહ્યાં.

મિથિલા રાવિકાને રૂમમાં લઇ ગઈ, અને કેરિનને ઉઠાડ્યો.
"કાય હે મિથિલા? સુબહ સુબહ..." કેરિન ઉઠ્યો અને તેની નજર સામે ઉભેલી રાવિકા પર પડી.
"મેડમ, મતલબ રાવિ. હાય રાવિ....." કેરિન અચાનક ઉભો થઇ ગયો.
"હું તને જોવા આવી હતી, તારી તબિયત તો ઠીક છે ને?" રાવિકાએ નાનકડું સ્મિત આપ્યું.
"હવે ઠીક છે." કેરિન અપલક રાવિકાને નિહાળી રહ્યો હતો.

મિથિલાએ ખોંખારો ખાધો અને બોલી, "મી જાઉ કા?"
"ગપ્પ બસા."કેરિનએ મિથિલા સામે જોઈને ડોળા કાઢ્યા.
"કેરિન આ તારી દોસ્ત છે?" રીનાબેન પાણીનો ગ્લાસ લઈને આવ્યાં.
"હા, રાવિ નામ છે. રાવિ આ મારી મમ્મી અને આ મારી નાની બેન મિથિલા." કેરિનએ તેની ભાવનાઓને ચેહરા પરથી ભેગી કરી ફરી દિલમાં ભરી દીધી કેમકે તેં રાવિકા તેને ગમે છે એ વાત હાલ રીનાબેનને જણાવવા ન્હોતો માંગતો. તેણે એક નજર રાવિકા પર નાખી અને રીનાબેનને ઉદેશીને બોલ્યો, "બા'ર બેસીએ?"

બધાં હોલમાં આવ્યાં અને સોફા પર ગોઠવાયાં, રીનાબેનએ વારાફરતી રાવિકાને તેના વિશે સવાલો પૂછવાનું ચાલુ કરી દીધું.
જયારે તેમણે જાણ્યું કે રાવિકા ગુજરાતી છે ત્યારે તો તેમના મનમાં સ્વજન મળ્યા જેટલી ખુશી થઇ, યાદ આવી ગયેલ પીયરીયાની યાદમાં આંખ સુધી ધસી આવેલા આંસુ કોઈ જોવે નઈ એમ લૂંછીને રીનાબેનએ પૂછ્યું, "તું નોકરી કરે છે?"

"ના, મારી પોતાની કંપની છે." રાવિકા બોલી.
"અરે વાહ, તમારી કંપની છે? ક્યાં આગળ?" મિથિલા કોમર્સ કરતી હોવાથી તેંને બિઝનેસ વિશે જાણવું બહુ ગમતું.
"ન્યૂ યોર્કમાં, રાધ્વી ગ્રુપની સીઈઓ છું હું." રાવિકાએ ટૂંકમાં જવાબ આપ્યો.
"રાધ્વી ગ્રુપ તમારી કંપની છે? હમણાં ન્યૂઝમાં આવે છે જે મિલીઓનેર કંપનીએ ભારતમાં રોકાણ કર્યું છે એ રાધ્વી ગ્રુપ?" મિથિલાની આંખો પહોળી થઇ ગઈ.

રાવિકાએ હકારમાં માથું હલાવ્યું અને કેરિનના ચેહરાનું નૂર ઉડી ગયું, તેં મનોમન બોલ્યો, "આપણો કોઈ મેળ નથી, મારે તારાથી દૂર રહેવું જોઈએ."

ક્રમશ: