Lost - 18 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 18

પ્રકરણ ૧૮

"મમ્મા..." રાવિ અને રાધિ એકસાથે બોલી.
"૨૧ વર્ષથી હું તમારી રાહ જોઈ રહી છું બેટા, મારી આશા મરે એ પહેલાં તમે બન્ને આવી ગઈ." આધ્વીકાએ રાવિ અને રાધિના માથા પર હાથ મુક્યો અને બન્ને છોકરીઓ આધ્વીકાને વળગી પડી.
"માસીએ કહ્યું હતું કે તમે.... તમે આ દુનિયામાં નથી." રાવિએ આધ્વીકાનો હાથ પકડ્યો.

"જિજ્ઞાએ સાચું કહ્યું હતું, હું તમારી દુનિયામાં નથી. હું તો એક ભટકતી આત્મા છું, કોઈની લાલચને કારણે વર્ષોથી આ ઘરમાં કેદ છું અને...... જાઓ અહીંથી હાલજ.... જાઓ...." આધ્વીકા તેની વાત પુરી કર્યાં વગરજ ગાયબ થઇ ગઈ.
"મમ્મા.... મમ્મા...." રાવિ અને રાધિએ એકીસાથે બુમ પાડી.

"રાવિ ચાલ.... રાવિ..." રાધિએ આ જગ્યામાં એક વિચિત્ર ભય અનુભવ્યો, તેણીએ રાવિનું બાવડું પકડ્યું અને તેને ખેંચીને ઘરની બા'ર લઇ આવી.
"મને જવા દે, મમ્મા આટલા વર્ષથી કેદ છે? કેમ? મારે જાણવું છે, મને જવા દે."રાવિ ઘરમાં જવા ધમપછાડા કરી રહી હતી.
"હું તને નઈ જવા દઉં, આ ઘરમાં જઉ સલામત નથી." રાધિએ મહામહેનતે રાવિને રોકી રાખી હતી.

રાવિએ એક ઝટકે રાધિની પકડ છોડાવી અને બોલી, "મારી માં છે આ ઘરમાં, હું જઈશ અંદર સમજી તું."
"એ મારી પણ માં છે." રાધિનો અવાજ તરડાઈ ગયો, રાવિએ રાધિ સામે જોયું અને તેને ગળે લગાવી લીધી.

"મમ્માએ આપણને જવાનું કેમ કહ્યું હશે?" રાવિ એક પથ્થર પર બેસી ગઈ.
"મમ્માએ કહ્યું હતું કે કોઈની લાલચને કારણે મમ્મા વર્ષોથી આ ઘરમાં કેદ છે, પણ કોની લાલચ? કોણ છે એ?" રાધીએ આ ઘરમાં પગ મુક્યા પછી બનેલી ઘટનાઓને ફરીથી યાદ કરી.

અચાનક જ રાવિના મગજમાં ઝબકારો થયો અને તેં ઉભી થઇ ગઈ, "તારો એક્સિડેન્ટ થયો ત્યારે મારી પાછળ ઉભેલી સ્ત્રીને તેં જોઈ હતી?"
"હા, આપણા રૂમમાં હતી એજ ને?" રાધિએ જવાબ આપ્યો અને ફરી તેના વિચારોમા ખોવાઈ ગઈ.

"મમ્માએ તારા માથા પર હાથ મુક્યો, તેં મમ્માને હગ કર્યું. મતલબ સમજે છે તું?" રાવિએ એક પછી એક ઘટનાઓને જોડવાનુ ચાલુ કર્યું હતું.
"મમ્મા તો શરીર વગરની આત્મા છે, તો આપણે એમને કઈ રીતે અડી શક્યાં?" રાધિ ચોંકી ગઈ હતી.

રાવિએ તેનું પર્સ ખોલી એમાંથી એક ચાકુ કાઢ્યું.
"આ શું કરે છે?" રાધિ ચાકુ જોઈને મુજવાઈ ગઈ.
"ટેસ્ટ લઉં છું." રાવિએ તેના હાથ પર ચાકુ માર્યું અને ઘામાંથી લોહી વહેવા લાગ્યું.
"ગાંડી થઇ ગઈ છે? આ શું કર્યું?" રાધિએ તેનો રૂમાલ રાવિના ઘા પર મુક્યો.

રાવિએ રાધિકાનો હાથ તેના ઘા પર મુક્યો અને બન્નેના આશ્ચર્ય વચ્ચે રાવિના ઘામાંથી લોહી વહેતું બંધ થઇ ગયું.
"આ શું થયું?" રાધિનો હાથ હજુયે રાવિના ઘા પર જ હતો.
"તું પણ સુપરવુમન બની ગઈ છે, આ જો." રાવિએ તેનો હાથ બતાવ્યો, રાવિના હાથ પર ઇજા થઇ હોય એવુ કોઈજ નિશાન ન્હોતું.

"આ બધું કેવી રીતે અને કેમ થયું આ પ્રશ્નનો જવાબ કદાચ એકજ માણસ પાસે છે." રાવિએ જિજ્ઞાસાએ આપેલા અડ્રેસને ફરીથી જોયો.
"ચાલ, મળી આવીએ આમને પણ." રાધિએ રીક્ષા કરી અને બન્ને છોકરીઓ ચાલી નીકળી આ ભયાનક રહસ્યનું એક વધું પડ ખોલવા.

"બન્ને છોકરીઓ જરૂરત કરતાં વધારે સમજદાર અને ચાલાક છે. જો એ બન્નેને એમની શક્તિઓ વિશે પુરેપુરી માહિતી મળી ગઈ તો મારા મનસુબા પર પાણી ફરી વળશે." એક સ્ત્રી એક અંધારી ગુફામાં બેઠી હતી અને પોતાની જાત સાથે વાતો કરી રહી હતી.

"તો હવે શું કરીશું?" હમણાંજ ગુફામાં પ્રવેશેલી એક છોકરીએ આ સ્ત્રીની વાતો સાંભળી હતી.
"ત્રિસ્તા, આવી ગઈ. શું સમાચાર છે?" તેં સ્ત્રીએ ત્રિસ્તા સામે જોયું.
"રાધિકા અદલ તેની માં આધ્વીકા જેવી ચાલાક અને અડિયલ છોકરી છે, એની સામે પડવું આપણા ફાયદામાં નથી. રાવિકા ચાલાક તો છે પણ લાગણીશીલ છે, બઉજ સરળતાથી તેં આપણા જાળમાં ફસાઈ જશે." ત્રિસ્તાએ કહ્યું.

એ સ્ત્રી ઉભી થઇ અને ત્રિસ્તા પાસે આવી, ત્રિસ્તાના ગાલ અને કપાળમાં ઘા જોઈને તેંણીએ પૂછ્યું, "આ કેવી રીતે થયું? કોઈ માણસ તને હાથ લગાવી શકે એ શક્ય નથી, અને કોઈ શક્તિ વગર તારા શરીર પર ઘા પડે એ પણ શક્ય નથી."
"આ ઘા મને રાવિકાએ આપ્યા છે માનસા, હું સુશીલા બનીને તેની પાસે ગઈ હતી. જેથી હું એ રાવિકાને તેની શક્તિઓ વિશે જાગૃત કરી શકું અને પછી તેની શક્તિઓ આપણે છીનવી શકીએ. પણ....." ત્રિસ્તાએ તેના ઘા પર હાથ ફેરવ્યો.


"પણ એ છોકરીએ તને મારી એમજ ને?" માનસા ખડખડાટ હસી પડી.
"એ છોકરી પાસે આપણે ધારી હતી એના કરતાં વધારે શક્તિઓ છે...." ત્રિસ્તાની આંખોમાં ચમક હતી, લાલચ હતી.
"એ બન્ને તો જોડિયા બેનો છે, તો એક પાસે શક્તિઓ છે અને એક પાસે કઈ નથી?" માનસાએ ત્રિસ્તાની આંખોમાં જોયું.

"બન્ને પાસે શક્તિઓ છે, પણ આપણું લક્ષ્ય રાવિકા છે. રાધિકા સામે બાથ ભીડવી આપણને નઈ પોસાય..." ત્રિસ્તાએ દાંત પિસ્યા.
"એ રાધિકા કોઈ મોટી તોપ છે? મને બન્નેની શક્તિઓ જોઈએ છે." માનસાની આંખોમાં પીશાચી ચમક હતી.

"ભૂતકાળ ભૂલી ગઈ છે માનસા, આધ્વીકા રાઠોડને ભૂલી ગઈ છે તું? તેંની સામે લડવું આપણને કેટલું ભારે પડ્યું હતું યાદ નથી તને? એ આધ્વીકા કોઈ જાતની શક્તિઓ વગરની સામાન્ય માણસ હતી છતાંય આપણા જેવી શક્તિશાળી આત્માઓ સામે જીતી ગઈ હતી, તને યાદ તો છે ને?" ત્રિસ્તાને ભૂતકાળમાં કરેલી એકમાત્ર ભુલ યાદ આવી ગઈ.
આધ્વીકાનું નામ સાંભળતાંજ માનસાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. આધ્વીકા સામે આદરેલી લડાઈનું પરિણામ યાદ આવ્યું અને તેનો ઉત્સાહ ઓસરી ગયો.

"તો પછી આપણે રાવિકા ઉપર જ નિશાન સાધીયે, રાધિકાનું શું કરવું એ પછી વિચારી લઈશું." માનસા કમને બોલી.
"હા, રાવિકાને કઈ થશે એટલે રાધિકા આપોઆપ કમજોર પડી જશે અને એ કમજોર પડશે ત્યારે જ એને દબોચી લઈશુ. આપણી યોજનાનું પહેલું પાસું કાલે જ ફેંકવું પડશે, એ બન્ને બધું જાણી લે અને સતર્ક થઇ જાય એ પહેલાજ જાળ ગોઠવી નાખીએ." ત્રિસ્તા અને માનસાએ અટ્ટહાસ્ય કર્યું.

બન્નેનું અટ્ટહાસ્ય જુના રાઠોડહાઉસની દીવાલ પર ગુંજી રહ્યું હતું, દીવાલ પર બનેલા ગોળની અંદર પ્રોજેક્ટર ગોઠવ્યુ હોય એમ ત્રિસ્તા અને માનસાનો આખો સંવાદ જીવંત ચિતરાયો હતો.
"કઈ રીતે બચાવીશ તારી દીકરીઓને આધ્વીકા?" આધ્વીકાના શરીરમાં ઘુસી હતી એ સ્ત્રી હાલ આધ્વીકાની સામે ઉભી હતી.

"તારા પ્રશ્નમાં જ તારો જવાબ છે માયા, મારી દીકરીઓ. અને આધ્વીકાની દીકરીઓને કોઈની મદદની જરૂર નથી, એ બન્ને પોતાનું રક્ષણ કરી શકે એટલી સક્ષમ છે." આધ્વીકાએ ગર્વથી જવાબ આપ્યો.
"તું નઈ સુધરે ને? મારી કેદમાં છે છતાંય અકડ એવી છે જાણે હું તારી કેદમાં હોઉં." માયા થોડી ગુસ્સે ભરાઈ હતી.

"હું તારી કેદમાં છું, પણ તારી ગુલામ નથી અને મને ગુલામ બનાવવાની તારી ત્રેવડ નથી." આધ્વીકાએ તિરસ્કારથી કહ્યું.
"આટલા વર્ષમાં જરાય બદલાઈ નથી પણ કોઈ વાંધો નથી. હવે મારે તારી જરૂર નથી, હવે તો મારું કામ તારી દીકરીઓ જ કરશે." માયાએ આધ્વીકાનું રૂપ લીધું, શેતાની સ્મિત કર્યું અને બોલી, "રાવિ બેટા; રાધિ બેટા, તમારી માંને તમારી મદદની જરૂર છે..."

ક્રમશ: