Anantoyuddham - 2 books and stories free download online pdf in Gujarati

અનંતોયુધ્ધમ્ - 2

વૈદ્ય જયકર અને શ્રી, વસ્તીથી ખાસ્સાં દૂર કહી શકાય એવાં સ્થળે, અરણ્યની સીમા પર રહેતાં હતાં. ત્યાં રહેવાનું કારણ અરણ્યમાંથી ઔષધિઓની સરળ ઉપલબ્ધિ અને આવતાં જતાં વટેમાર્ગુઓની સેવા પણ.

વૈદ્ય જયકર આજુબાજુનાં વિસ્તારમાં પ્રખ્યાત. એમની સેવાભાવના અને આવડતથી એમણે સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરેલ. જરૂર પડે ગામેગામ ફરી એ બિમારોની સેવા કરતાં. સાથે સાથે રહેઠાણ આસપાસ થોડી જમીનમાં ખેતી પણ કરતાં.

વૈદ્ય જયકર માત્ર સારાં વૈદ્ય જ નહોતાં એ એક સારા વ્યક્તિની સાથે સાથે સારા વિચારક અને બુદ્ધિજીવી પણ હતાં. એમને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં ઋચિ હતી તેથી, એમનાં આવાસે શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રાર્થ બંને સમયાંતરે થયાં કરતાં. જ્યારે કોઈ ન હોય ત્યારે બંને પતિ-પત્ની વચ્ચે શાસ્ત્રાર્થ થતો. પતિ-પત્ની બંને એકબીજાને સમકક્ષ, એકબીજાનાં પૂરક....જોકે, શ્રી મેઘાવી હોવાં છતાં અતિથીઓ સાથે શાસ્ત્રાર્થ ન કરતાં. એક કુશળ ગૃહિણી તરીકે જ પ્રસ્તુત રહેવું એમને ગમતું.

એમપણ કન્યારત્નના જન્મબાદ તો શ્રીનો ઝુકાવ બીજી વિષયોથી હટી વધુ ગૌરા પર જ કેન્દ્રિત થયો અને એક મા માટે એ સ્વાભાવિક જ હતું.

ગૌરા જેમ જેમ મોટી થવા લાગી તેમતેમ એનાં ગુણો-અવગુણો દ્રશ્યમાન થવા લાગ્યાં અને માતા-પિતા તરીકે જયકર અને શ્રી એક નિષ્ણાત કુંભકારની જેમ એને આકાર આપવા લાગ્યાં. આમ તો, ગૌરા શાંત, સમજું, જીજ્ઞાસુ, દયાળું અને સૌમ્ય પણ ગુસ્સો.... ગુસ્સો જ અવગુણ.

ગૌરાને ગુસ્સો આવે એટલે ભાલપ્રદેશની રેખાઓ વક્ર થઇ સંકોચાય, આંખોમાં રૌદ્રતા છવાય, નસનસમાં રહેલું રુધિર ઉકળી શ્વસન માર્ગે ઉર્ધ્વગતિ કરતાં વાયુઓને ગ્રીષ્મમય બનાવી નાસિકા માર્ગ અધોપતન પામે ખાસ તો જ્યારે એનાં પિતા એને અરણ્યમાં લઈ જવાની મના કરે. ખબર નહીં અરણ્ય સાથે આ નાની બાળાને શું લગાવ હતો!! ગુસ્સામાં એ એક એકાંત સ્થળે બેસી જતી, એ સ્થળ હતું એનાં ઘરથી થોડાં જ અંતરે આવેલું ઘટાટોપ વટવૃક્ષની બખોલ. વૈદ્ય જયકરે ઘણીવાર એને સાંજ સમયે શોધવા નીકળવું પડતું. જોકે, એ કોઈને હાનિ નહોતી પહોંચાડતી છતાં ગુસ્સો હાનિકારક તો ખરો જ એનાં માટે એમ સમજી જયકર અને શ્રીએ દબાઇ રહેતાં ગુસ્સાને બહાર કાઢવા યુદ્ધ કલા શીખવવાનો નિર્ણય કર્યો. એનાં બે લાભ હતાં - એક તો ગૌરા સ્વરક્ષા શીખશે સાથે સાથે એનામા રહેલ ઉર્જાનો યોગ્ય વપરાશ પણ થશે.

આમ સાવ નાની પાંચ વર્ષની ઉંમરે ગૌરા વૈદ્ય જયકરના જ મિત્ર અને યુદ્ધ કલામાં નિપુણ એવાં વિરાજરાજ પાસે શસ્ત્રોનું શિક્ષણ લેવાં લાગી. અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન તો માતા શ્રી એને આપી જ રહી હતી. પિતા સાથે ઔષધો અને ઉપચાર વિશે પણ જાણવાં લાગી.

સવારે ઉઠીને સ્નાન શુદ્ધી બાદ, માતા-પિતા સાથે એ યોગાભ્યાસ કરતી. માતા સાથે ગૃહકાર્ય કરતાં કરતાં કરતાં અક્ષર અને અંક સહિત વિવિધ વિષયોનું જ્ઞાન મેળવતી, ત્યારબાદ યુદ્ધ કલાનો અભ્યાસ, થોડો સમય આંગણે આવતાં પશુ-પંખીઓ સાથે રમવાનું, કોઇ અતિથી આવ્યું હોય તો એમની આગતાસ્વાગતા અને પિતા સાથેનો શાસ્ત્રાર્થ પણ ક્યારેક સાંભળતી, ઢળતી બપોરે પિતા સાથે અરણ્યમાં ઔષધિઓ ચૂંટવા જવું. સાંજે ઘરે આવી પિતા સાથે એ વિધ વિધ પ્રક્રિયાઓથી ઔષધીયો તૈયાર કરવી અને ભોજનાદિ સમાપ્ત કરી માતા પાસે કથાઓ સાંભળતાં સાંભળતાં નિદ્રા દેવીની શરણે જવું લગભગ એ જ એનો નિત્યક્રમ.

એકાકી ઘર હોવાથી ગૌરાને કદી એની ઉંમરના બાળકોનો સાથ ન મળતો. ક્યારેક કોઈ નજીકના ગામમાં એનાં પિતા એને લઈ જતાં પરંતુ, ત્યાંનાં બાળકો એને વિચિત્ર લાગતાં. એને મન તો પશુ-પંખીઓ અને અરણ્ય વધું અનુકૂળ મિત્રો હતાં.

આઠ વર્ષની ઉંમરે તો ગૌરા ભાલો, તલવાર અને ધનુષ વિદ્યામાં ઠીક ઠીક પારંગત થઈ ગઈ છતાં હજું એને અરણ્યમાં એકલાં જવાની પરવાનગી નહોતી મળી એટલે એ ક્યારેક ગુસ્સે થઈ જતી પરંતુ હવે, એ ગુસ્સો નિયંત્રિત કરતાં પણ શીખી હતી. વૈદ્ય જયકર ગૌરાની અરણ્યપ્રેમથી અજાણ નહોતાં, હિંસક પ્રાણીઓનો પ્રતિકાર એ કરી શકે એટલી સક્ષમ હતી પરંતુ, વાત માત્ર હિંસક પ્રાણીઓની જ તો નહોતી....
ગૌરાને વાત વાતમાં ઉપચારો કે ઔષધિઓ માં વ્યસ્ત કરી દેતાં. નાનાં મોટાં ઉપચાર કરતાં પણ આવડી ગયાં હતાં. ઘાયલ પશુ-પંખીઓની જાતે સારવાર કરતી, એમનું ધ્યાન રાખતી.

આમ જ વર્ષો વીત્યાં અને ગૌરા એક દિવસ અરણ્યમાં એકલી ઔષધિઓ ચૂંટવા ગઇ હતી ત્યારે....

(ક્રમશઃ)