Anantoyuddham - 4 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | અનંતોયુધ્ધમ્ - 4

અનંતોયુધ્ધમ્ - 4

"આરણ્યકો"
આ શબ્દ ગૌરાના મગજમાં ઘૂમરાવા લાગ્યો.

એણે પિતા પાસે જઈ સીધો જ પ્રશ્ન કર્યો, "આરણ્યકો કોણ છે?"

આવાં અચાનક પ્રશ્નથી હતપ્રત વૈદ્ય જયકર ગૌરાને સાશ્ચર્ય જોઇ રહ્યાં. ગૌરાએ ફરી પૂછ્યું,
"પિતાજી, આ આરણ્યકો કોણ છે?"

"આરણ્યકો... હમમમ્... જણાવીશ પરંતુ હમણાં ઘરે ચાલ, તારી માતા રાહ જૂએ છે. મોડું થશે તો એમનાં ક્રોધથી હું નહીં બચાવુ."

"પિતાજી..."

"કહીશ બેટા... તને મેં ક્યારેય ના કહ્યું છે! પરંતુ આવતીકાલે."

"હમમમ્..."

બંને પિતાપુત્રી ઘરે ગયાં. દૈનિક કાર્ય પતાવી રાત્રે વૈદ્ય જયકરે ગૌરાના પ્રશ્ન વિશે શ્રીને જણાવ્યું.

"એને કોણે કહ્યું?"

"ખબર નહીં... આવતીકાલે પૂછીશ. પણ અસમંજસમાં છું કે શું જણાવું?"

"શું એટલે? જે સત્ય છે એ. ગૌરાને સંપૂર્ણ જાણકારી આપવી જ યોગ્ય છે. તરુણાવસ્થામાં અવિશ્વાસ માતા-પિતા અને સંતાન વચ્ચે એક વણદીઠેલી દિવાલ ઉભી કરે છે જે આગળ જતાં વધુને વધુ મજબૂત બનતી જાય છે એને બનતી જ અટકાવવી ઉચિત છે. સંતાનની સુરક્ષા માતા-પિતાની જવાબદારી છે એમ સત્યથી અવગત કરવું પણ માતા-પિતાની ફરજ છે. બાદમાં કોઈ બીજાં પાસે અધૂરી માહિતી મળે એ તો ઉચિત નથી. માત્ર એક ભય છે."

"શું?"

"સત્ય જાણી ગૌરા કેવું વર્તશે?"

"મને પણ એ જ નથી સમજાતું. એનાં કોઈ પણ પ્રકારના પ્રત્યાઘાત માટે આપણે તૈયાર રહેવું પડશે. તમે સાથે રહેજો. એને સમજાવવું સરળ નહીં રહે મારા એકલાં માટે."

"હા... મને પણ એ જ ડર લાગે છે."

"ચાલો, જે થશે તે કાલે જોયું જશે."

____________________

(બીજાં દિવસે)

"પિતાજી. આરણ્યકો કોણ છે?"

"ગૌરા, એ પહેલાં તું મને જણાવ તને આરણ્યકો વિશે કોણે કહ્યું?"

"અરિધે"

"અરિધ... હાં, ગઈ કાલે અરણ્યમાં તમે આવ્યાં એ પહેલાં હું એની સાથે જ હતી એણે જ કહ્યું."

"બીજું શું કહ્યું?"

"માત્ર નામ જ જણાવ્યું ત્યાં તમે મને લેવાં આવી ગયાં એટલે... "

"હમમમ્... આ અરિધ કોણ છે? ક્યાં રહે છે? શું કરે છે? કંઈક જણાવ્યું એણે?"

"એ મારાં જેટલો જ મોટો છે. પશુ ચારે છે. અહીંથી બે-ત્રણ ગાંવ દૂર રહે છે. બસ, આટલું જ જણાવ્યું એણે અને એ આપને પણ ઓળખે છે."

"ફરી ક્યારેક મળે તો મને પણ મળાવજે."

"ઠીક છે મળાવીશ જો ફરી મળ્યો તો ! પરંતુ, તમે કહોને કોણ છે આરણ્યકો?"

"મનુષ્યો જ છે પરંતુ તેઓ ગાઢ વનની મધ્યે રહે છે."

"વનવાસીઓ છે."

"હા... એક રીતે વનવાસીઓ જ કહી શકાય પરંતુ, સામાન્ય વનવાસીઓ ભોળાં હોય છે. આરણ્યકો એમનાથી અલગ છે. એમણે પોતાના સ્વાર્થ માટે વનવાસીઓને એમની જ જમીન પર ગુલામ બનાવી દીધાં છે. કેટલાંકને હાંકી કાઢયા, કેટલાંયની હત્યા કરી."

"પરંતુ શાં માટે?"

"માહિતી અને રહસ્યો માટે."

"માહિતી, રહસ્યો. કેવાં રહસ્યો?"

"ઘણાં પ્રકારની માહિતી. ઔષધિયોની, જંગલની, જંગલમાં મળતી અલભ્ય વસ્તુઓની, જંગલનાં રહસ્યોની, પ્રાણીઓની જે વનવાસીઓમાં પેઢી દર પેઢી પસાર થતી આવી. ટૂંકમાં, આરણ્યકો સંશોધનો કરે છે અને...."

"સંશોધન કરવું તો સારું કાર્ય ગણાય ને પિતાજી!"

"સંશોધન કરવું નિશ્ચિતપણે સારું કાર્ય છે પરંતુ એનાં પ્રયોગો જીવંત મનુષ્યો પર કરવા ધર્મ અને માનવતા વિરુદ્ધ છે. માનવશસ્ત્રો બનાવવાં અનુચિત છે. હિંસક બની વર્ચસ્વ સ્થાપવું ન્યાય સંગત નથી. પોતાની મહાત્વાકાંક્ષાઓને માનવસેવા કહેવું યોગ્ય નથી. પ્રકૃતિને પડકારવુ યોગ્ય નથી."

પ્રયોગો, માવનશસ્ત્રો, મહાત્વાકાંક્ષાઓ. આ બધું નથી સમજાતું. સ્પષ્ટ કહોને."

"વર્ષો પહેલાં, આરણ્યકોને હસ્તક પ્રદેશ "કિરાત પ્રદેશ" તરીકે જાણીતો હતો. જે પૂર્વોત્તર હિમાલયની તળેટીમાં ઘનઘોર વનોમાં વિસ્તરેલો હતો. ત્યાંના રહેવાસીઓનું ઔષધિયજ્ઞાન બીજાં વિસ્તારો કરતાં ખૂબ જ અલગ અને અસરકારક હતું. તેથી ત્યાંનાં લોકો દિર્ઘાયુષી, ખડતલ અને ચપળ હતાં. ત્યાં સુધી કે એ લોકો શસ્ત્રક્રિયાઓ પણ કરી જાણતાં. આ પ્રદેશની પશ્ચિમે એક રાજ્ય આવેલું છે જેનું નામ વિલવકદેશ. જ્યારે હું તારી જેવડો જ હતો ત્યારે મારા પિતાજી એટલે કે તારા દાદા પાસે ઓષધિયોનુ અધ્યયન કરવા વિલવકદેશથી એક કિશોર આવ્યો. એનું નામ હતું અંબરચર. એનાં મેઘાવીપણા, જિજ્ઞાસુ પ્રતિભાથી પ્રભાવિત થઈ પિતાજી એ એને જ્ઞાન આપવું શરૂ કર્યું. અમે બંને સાથે શિક્ષા ગ્રહણ કરતાં તેથી અમારી વચ્ચે મિત્રતા વિકસી. અંબરચર મારાં કરતાં વધુ તેજસ્વી અને જ્ઞાની હતો, એનું જ્ઞાન સવિશેષ હતું જેનો લાભ મને પણ મળતો. પરંતુ, એકદિવસ એ કોઈને પણ કહ્યાં વગર ક્યાંક જતો રહ્યો. અમે કંઈક અનુચિત બન્યું ન હોય એ આશંકા એ એને શોધ્યો પણ. થોડાં મહિનાઓ બાદ એક દૂત આવ્યો કિરાત પ્રદેશથી. અંબરચરના સંદેશ સાથે. એણે મને આમંત્રિત કર્યો હતો. પિતાની આજ્ઞા લઈ હું એને મળવા ગયો તો એ અલગ જ જણાયો. જ્ઞાન અતિમાનમાં અને મેઘાવીપણુ મહાત્વાકાંક્ષામાં પરિવર્તન પામ્યું હતું. એટલે એનાં પ્રયોજનમાં સહકાર ન આપી શકીશ એમ કહી હું પાછો ફર્યો."

"પછી શું થયું પિતાજી?"

"કેટલાંક વર્ષો બાદ જાણવા મળ્યું કે, વિલવક પ્રદેશનાં રાજાની મદદથી એણે કિરાત પ્રદેશનો ઘણોખરો ભાગ પોતાને આધીન કરી લીધો અને અંબરચર તરીકે ત્યાંનો કર્તા-ધર્તા બની બેઠો. આ અરણ્ય કિરાત પ્રદેશનો જ ભાગ હતો પણ રાજા ચંદ્રવીરે એને વિલવકદેશની સેનાને ઘણી હાનિ પહોંચાડી, વિલવકદેશનાં રાજાને બંદી બનાવ્યો તેથી રાજાને બચાવવા અંબરચરે સંધિ કરી કે એ આ પ્રદેશમાં ક્યારેય પ્રવેશ નહીં કરે કે ના તો આક્રમણ. પરંતુ, અરણ્ય મધ્યે.....

(ક્રમશઃ)


Rate & Review

Janak  Patel

Janak Patel 2 years ago

Sumitra parmar

Sumitra parmar 2 years ago

Harshada Patni

Harshada Patni 2 years ago

Umesh Donga

Umesh Donga 2 years ago

Bhayani Alkesh

Bhayani Alkesh Matrubharti Verified 2 years ago