Anantoyuddham - 6 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | અનંતોયુધ્ધમ્ - 6

અનંતોયુધ્ધમ્ - 6

વિજયરાજ આગળ વધ્યાં.

"આ ઘણાં વર્ષોથી હિમપુરી અને કિરાતવાસીઓ દ્વારા ચલાવાયેલુ અભિયાન છે. અંબરીષ જે એક પ્રકાશમાન સૂર્યનાં ભ્રમમાં અતિમહાત્વાકાંક્ષી થઈ કૃષ્ણ વિવર બનવા તત્પરતાએ આગળ વધી રહ્યો છે એને રોકવો આવશ્યક છે નહિ તો કેટલીય સંસ્કૃતિઓ, જ્ઞાન અને માનવતા વિકૃત બનશે અને છેવટે વિધ્વંસ પામશે. આજે અંબરીષ મદાંધતામાં એ વિનાશક પરિણામોથી અનઅભિગ્ય છે.

"પરંતુ, એને રોકશુ કેવી રીતે?" ગૌરા એ કુતુહલવશ પૂછ્યું.

"સૌ સાથે મળીને... અત્યાર સુધી જે પ્રયાસો થયાં એ માત્ર ડાળીઓ કાપ્યા બરાબર સાબિત થયાં છે, હવે, વિષમય વૃક્ષને જડમૂળથી નાબૂદ કરવું પડશે." વૈદ્ય જયકર બોલ્યાં.

"કેવી રીતે?"

"યોજનાબદ્ધ અને આકસ્મિક." વિજયરાજે કહ્યું.
______________________________________

કોઈ યોજનાનાં ભાગ રૂપે તો નહીં પણ આકસ્મિક જ ગૌરાએ આ રીતે જવું પડ્યું જે વૈદ્ય જયકર અને શ્રીને વિચલિત કરી ગયું.

પૂર્વનિર્ધારિત યોજનાનુસાર, તાલિમબદ્ધ હિમપુરી અને બચેલા કિરાતવાસી યૌદ્ધાઓ સંયુક્ત હુમલો કરી આરણ્યકોની પ્રયોગશાળાને ઘેરી ધ્વસ્ત કરવાની હતી જેની રૂપરેખા ઘણાં સમય પહેલાથી તૈયાર થઈ રહી હતી. જેમાં વિવિધ માહિતીઓ જેવી કે સુરક્ષા વ્યવસ્થા, ઔષધિઓ, જૈવિક શસ્ત્રો, માનવ શસ્ત્રો, બંધકો વગેરેની જાણકારી મેળવાઈ હતી.

ગૌરા એ શસ્ત્ર, શાસ્ત્ર અને ઔષધીય અભ્યાસ લગભગ એક વર્ષ કર્યો. જેમાં જૈવિક શસ્ત્રોને નિરસ્ત્ર કરવાની વિધિઓ પણ શામેલ હતી, કારણ હતું એ પાછળ....

"આખેઆખી પ્રયોગશાળા ધ્વસ્ત કરવાની છે તો ત્યાં જે નિર્દોષ લોકો પ્રયોગોની પીડા સહન કરી રહ્યાં છે એમનું શું?!" ગૌરાએ પ્રશ્ન કર્યો.

"એમનાં માટે કંઈ પણ ન કરી શકવાનો અફસોસ જીવનપર્યંત રહેશે." વિજયરાજ નિઃશ્વાસ સાથે બોલ્યાં.

"કંઈ પણ ન કરી શકાય ગુરુજી?"

"મને નથી લાગતું કે કંઈ થઇ શકે. પ્રથમ તો એમને બચાવવા કે અલગ તારવવુ આક્રમણનાં ફળીભૂત થવા પર પ્રશ્નાર્થ ઊભો કરશે અને બીજું કે જો એમને બચાવી લઈશું તો પણ એમની સારવાર અને એમને સામાન્ય જીવનધારામાં લાવવા કેમ એ યક્ષ પ્રશ્ન બની રહેશે. એમનાં પર થયેલા પ્રયોગો કે એની આડઅસર વિશે આપણે વધુ જાણતાં નથી તો એનો ઉપાય કે ઉપચાર કંઈ રીતે કરશું? કદાચ એમને જીવંત રાખવાની જવાબદારી નિભાવી આપણે એમનાં જીવનપર્યંત દુઃખ, શારિરીક, માનસિક, સામાજિક બહિષ્કારનું કારણ ન બની જઇએ એવો એક ભય મને સતત રંજાડે છે. એક રીતે કહું તો હું ભયભીત છું એ કારમી હારથી."

"પરંતુ પ્રયત્ન તો કરી શકીયેને ગુરુજી.... મને વિશ્વાસ છે કે પિતાજી જરુર એમનો ઉપચાર કરી શકશે અને આપણે એમને સમાજની મુખ્યધારામાં પણ જોડી શકીશું અથવા એ લોકો આપણી સાથે રહેશે."

"હમમમ્.... વિચારશુ" એમ કહી વિજયરાજ ત્યાંથી વિદાય લે છે.

"આટલાં મોટાં લક્ષ્યમાં ભાવુક હોવું ન પાલવે. ઘણું અણગમતું કરવું પડે, કેટલુંક જતું જોવું પડે મૂક કાષ્ઠના પ્રેક્ષક બનીને." અરિધે ગૌરાને સમજાવવા પ્રયત્ન કર્યો.

"મન કહે છે કે અલિપ્ત રહેવા દો પરંતુ લાગણીઓ ને કેમ કરી સમજાવવું, એ તો બુદ્ધિથી વિચાર નથી કરતી. કેટલાંય નિર્દોષોનો અંત કેવી રીતે...? સહન કરી શકાશે? શું કંઇ ના કરી શકવાની ગ્લાનિ જીવનપર્યંત પીછો નહીં કરે!!! શું એમને બચાવવાનો કોઈ વિકલ્પ નથી?" ગૌરા બોલી.

"વિકલ્પ હોત તો સારું થાત એવું હું પણ માનું છું પણ હાલ પૂરતો તો આ એક જ વિકલ્પ છે એમને એમની યાતનાઓથી મુક્ત કરવાનો."

"ના... હું શોધીશ ઉપાય... જેટલાંને બચાવી શકાય એટલાંને બચાવવાનો પ્રયાસ તો કરીશ જ. કોઈ નિર્દોષને મરવા દેવું, મન નહીં માને ન માનવતા પૂર્ણ ગણાય."

"એવી ઘણી ઘટનાઓ ઘટિત થતી હોય છે જીવનમાં જે અમાન્ય હોય પરંતુ સ્વિકાર કરવો પડે છે."

"સમજું છું પણ... મન નથી માનતું. માનવતા સદંતર છોડી કેમ દેવી?"

"ક્યારેક છોડવી પડે જ્યારે લક્ષ્ય ભાવિ પેઢીનું ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય હોય. યુદ્ધ કોઇપણ હોય હાનિ તો થાય જ, દોષી-નિર્દોષ બંને હણાય.... બસ, ઉપનામ બદલાય મૃત્યુના.... મોત, વીરગતિ કે કુરબાની..."

"......"

"આ પણ ધર્મયુદ્ધ છે એમાં ઘણાંની બલિ ચઢશે જે ન રોકી શકાય. શું રોકી શકીશું!!"

"હમમમ્... સમજું છું. ભાવનાત્મક અલિપ્તતા નથી પામી શકતી. જાણું છું બધાને બચાવવા શક્ય નથી છતાં એક પ્રયાસ કરવા ઈચ્છું છું. બધાં ત્રાહિતો તો નહીં પણ થોડાંને તો બચાવી શકું."

"શક્યતામાં શક્યતાઓ રહેલી હોય છે." એમ કહી અરિધ પણ રવાના થાય છે.

ત્યારબાદનો સમય એટલે ગૌરાનો એ દિશામાં પ્રયાણનો સમય... વિવિધ જીવનલક્ષી ઔષધિઓના અભ્યાસનો સમય... વૈદ્ય જયકરની ઔષધસેનાની તૈયારીનો સમય.... વિજયરાજની યોજનાના અમલીકરણનો સમય, યોદ્ધાઓનો ત્રાટકવાનો સમય અને બને એટલાં પિડિતોને પ્રયોગશાળાએથી જીવિત લાવવાનો સમય.... એક અલગ ઉપચાર કેન્દ્ર ગુપ્ત સ્થળે જ બનાવવાનો સમય...

સમય વહેતો ગયો, એક પછી એક પૂર્વાયોજિત ઘટનાઓ પણ ઘટિત થતી ગઇ.
_________________________________

બીજીતરફ એ જ સમયે, પ્રયોગશાળામાં પણ‌ એક યોજના આકાર લઇ રહી હતી. આરણ્યકો અને અંબરીષ વચ્ચેનાં વિચારવિમર્શમાં એક નિર્ણય લેવાયો.
_________________________________

છેવટે એ દિવસ આવી ગયો. અરિધ, વિજયરાજ અને બીજાં ચારેક યૌદ્ધાના નેતૃત્વમાં એક-એક ટૂકડી એમ છ ટૂકડીઓએ એકસાથે અર્ધ રાત્રિએ અભિયાન શરું કર્યું.

પ્રયોગશાળાનો ઘેરાવો થયો. અચાનક આક્રમણ થયું. પાંચ ટુકડીઓને નિર્ધારિત મોરચે ધાર્યું પરિણામ મળ્યું. આરણ્યકોના વળતાં જોરદાર પ્રહાર સામે પણ પ્રયોગશાળા નિસ્તેનાબૂદ કરાઇ. વિજયરાજે શક્ય એટલાં ત્રાહિત વ્યક્તિઓને બચાવવાનો આદેશ આપ્યો હતો એનું પાલન કરાયું. પ્રભાતે ટુકડીઓ ગુપ્ત સ્થળે પાછી ફરી. વૈદ્ય જયકર અને એમની ઔષધસેનાએ એમની કામગીરી સંભાળી લીધી. ધૃતકુમારી, અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, હરડે, બહેડા, તુલસી, રુદંતી, જીવિકા, અરડૂસી, શેફાલિકા જેવી કેટલીય ઔષધિઓનાં લેપ, તૈલ અને રસ તૈયાર હતાં જે પરત થયેલ સૈનિકો અને બચાવાયેલા ત્રાહિતોને ઉપચાર તરીકે અપાયા, જરૂરી હોય ત્યાં શલ્ય ક્રિયાઓ પણ હાથ ધરાઇ.

વૈદ્ય જયકર, વિજયરાજ અને ગૌરા ત્રાહિતોને જોઈ રહ્યાં હતાં. કેટલાંય એમને બચાવવા માટે આભાર વ્યક્ત કરી રહ્યાં હતાં તો કેટલાક બચી જવા માટે ઇશ્વરને કોશી રહ્યાં હતાં. કહેવાય છે ને કે જ્યારે આસ તૂટે ત્યારે ઇશ્વરને પણ દોષિત ઠેરવાય છે. જીજીવિષાનો અંત અર્ધ મૃત્યુ ગણાય, એવાં વ્યક્તિઓની સંખ્યા વધું હતી હમણાં એમની સામે, સારવાર સાથે જેમનાંમાં જીજીવિષા જગાવવી પણ એટલી જ જરૂરી હતી. એ પ્રયત્નો વૈદ્યો અને પરિચારિકાઓની સાથે સાથે શ્રી પણ કરી રહ્યાં હતાં.

એક તરફ ઉપચાર શરું હતાં અને બીજી તરફ રાહ જોવાઇ રહી હતી છઠ્ઠી ટુકડીની જે હજું પરત નહોતી ફરી.

_________________________________

અરિધના નેતૃત્વ હેઠળની ટુકડી જ્યારે એનાં નિર્ધારિત સ્થળે હુમલો કરવા આગળ વધી રહી હતી ત્યારે અંબરીષ પણ પોતાની યોજનાનાં અમલીકરણ માટે કટિબદ્ધ હતો.

કેટલાંય બિનજરૂરી પરિક્ષણ માનવો જેમને આપણે ત્રાહિત તરીકે સંબોધ્યા હતા એમને ઔષધ નામે વિષપાન કરાવી એક કુશકુટિરમાં ખડકાયા. આજુબાજુ કાષ્ઠ ગોઠવાયાં અને સુગંધિત તેલના છંટકાવ સાથે અગ્નિ સમર્પિત કરાયાં એ જ્વાળાઓ દ્રશ્યમાન થતાં અરિધ એની ટુકડી સાથે એ દિશામાં છૂપી રીતે આગળ વધે છે જ્યાં એનો સામનો અંબરીષ અને દસેક આરણ્યકો સાથે થાય છે.

"વૈધ્યેશ્વર, આ કાર્ય તો પૂર્ણ થયું. પરંતુ હવે આપણને વધું પરિક્ષણ માનવોની જરૂર પડશે." એક આરણ્યક બોલ્યો.

"તો વ્યવસ્થા કરી લેશુ. પરિક્ષણ માનવોની ક્યાં કમી છે?" અંબરીષે ધુર્તતા પૂર્ણ સ્મિત સાથે કહ્યું.

"હવે, અરણ્યમા માનવો બહું ભૂલા નથી પડતાં માન્યવર."

"તો રાત્રિનાં અંધકારમાં લઇ આવીશું. બે દિવસ પછી વિલવકપ્રદેશની એક સૈન્ય ટુકડી આવે છે એ પરિક્ષણ માટે માનવ અપહરણ કરી આવશે."

ત્યાં જ કંઇક અવાજ થતાં અંબરીષ સચેત બને છે.

(ક્રમશઃ)