Anantoyuddham - 5 books and stories free download online pdf in Gujarati

અનંતોયુધ્ધમ્ - 5

"અરણ્યની મધ્યે શું, પિતાજી?"

"અરણ્યની મધ્યે એક પ્રયોગશાળા બનાવી છે, એમની સીમામાં પ્રવેશ કરનાર ત્યાં ગુલામ બને છે અથવા પ્રયોગનું સાધન."

"પ્રયોગનું સાધન, એટલે?"

"એટલે પકડાયેલાં માણસો પર સંશોધનો થાય છે, નવી ઔષધિઓ કે શસ્ત્રક્રિયાઓનાં પરિક્ષણ. જેમાં કેટલાક આડઅસરો સાથે રિબાઇ રિબાઇને જીવે છે અથવા ખૂબ ખરાબ પરિસ્થિતિમાં મૃત્યુ પામે છે. જે અમાનવીય છે. વળી જો બાળક હોય તો એને ઔષધિઓ, યુદ્ધકલાની તાલિમ આપી ખૂંખાર માનવશસ્ત્ર બનાવી વિલવક નરેશની સેનામાં ભેટ આપવામાં આવે છે."

"બાળકોને પણ એ લોકો... "

"મહાત્વાકાંક્ષા વ્યક્તિને સ્વાર્થી બનાવી દે છે ને સ્વાર્થ ક્રૂર બનાવી દે છે."

"તો આરણ્યકોને અને અંબરીષને કોઇએ રોકવાનો પ્રયત્ન ન કર્યો?"

"કર્યો હતો... એકવાર નહીં, ઘણીવાર... હજી પણ પ્રયત્નો શરૂ જ છે એમને આ કલુષિત કાર્ય કરતાં રોકવા. પહેલીવાર તો હું પોતે ગયો હતો અંબરિષને સમજાવવા. બીજી વખત શ્રીના પિતાજી એટલે કે તારા નાનાજી સેનાનાયક શલ્ય એક ટૂકડી લઈને એ પ્રયોગશાળા નષ્ટ કરવા ગયાં હતાં પરંતુ એ પાછાં ફર્યાં જ નહીં. ગુપ્તચરોનાં હિસાબે એ હજું ત્યાં બંદી હોય શકે અથવા.."

શ્રીની આંખમાંથી આશ્રુ સરી પડ્યાં.

"તો એ ન માન્યાં."

"એનાં સમીકરણો અલગ છે. એનાં હિસાબે એ નવી ઔષધિઓ અને ઉપચાર શોધી પોતાના દેશની સેવા કરી રહ્યો છે."

"પરંતુ, બીજાનાં જીવના ભોગે એ અનુચિત છે ને, પિતાજી!"

"હા... પણ વાત એની મહાત્વાકાંક્ષાની છે. સર્વશ્રેષ્ઠ વૈદ્ય બનવાની આકાંક્ષા... અને અમરત્વની ઘેલછાને પણ નકારી ન શકાય."

"અમરત્વ..."

"આ ઉપરાંત એને સંજીવની મળી ચૂકી છે એવી વાત વહેતી થઇ છે. સાંભળવામાં એમ પણ આવ્યું છે કે એણે કેટલાંય પ્રતિષ્ઠિત વિલવકવાસીઓને રોગમુક્ત કર્યા છે જેથી એને 'વૈદ્યેશ્વર અંબરીષ' એવું નામ અને સમ્માન પણ પ્રાપ્ત થયું છે."

"તો શું એમને સાચે જ સંજીવની પ્રાપ્ત થઇ છે?"

"લગભગ શક્ય નથી. કારણ કે સંજીવનીનું સ્થાન દ્રોણગીરી પર્વત હતું જેને હનુમાનજી લંકા લઈ ગયેલાં અને જો તે સ્થળની આજુબાજુની કોઈ પર્વતશૃંખલા પરથી મળી પણ હોય તો સચોટ માહિતી વગર સંજીવનીની ઓળખ કરવી શક્ય નથી. કોઈ કહે છે કે, સંજીવની રાત્રે ચમકે છે, કેટલાક કહે છે એ સુગંધિત છે, કેટલાક કહે છે એ મૂરઝાઇ ને પાપડી જેવી બની જાય છે અને પાણીનો સ્પર્શ થતાં જીવંત થઈ ઊઠે છે. સંશોધકોએ આવી ઘણી જડીબૂટી શોધ્યાનાં દાવા કર્યા છે પરંતુ કોઈ બૂટી મૃતને જીવીત નથી કરી શકી. સદીઓથી કેટલાંય ઋષિ-મુનિઓ અને વૈદ્યોએ સંજીવનીનું શોધન હાથ ધર્યું છે પરંતુ, સફળતા પ્રાપ્ત નથી થઈ. હા... અંબરીષનાં જ્ઞાન, ધગશ અને એનાં દ્રઢ વિશ્વાસ પર મને જરાપણ શંકા નથી એટલે શક્ય છે કે અંબરીષે કોઈ એવી ઔષધી અથવા ઔષધિઓનું મિશ્રણ શોધ્યું હોય જેનાં સેવનથી મનુષ્યની આયુ, સ્વાસ્થ્ય અને બળ વધારી શકાય. એણે એ ઔષધિનું નામ સંજીવની આપ્યું હોય એવું હું અનુમાન લગાવી શકું."

ત્યાં જ બહાર કોઈ આગંતુકનું આગમન થયું, એ એક દૂત હતો. એણે વૈદ્ય જયકરને સંદેશ કહ્યો અને જતો રહ્યો. વૈદ્ય જયકરે શ્રી સાથે કોઈ વિષય પર ચર્ચા કરી અને પોતાની ઔષધિની ઝોળી લઈ ગૌરાને પોતાની સાથે આવવા જણાવ્યું.

થોડાં સમયબાદ એ લોકો એક ગુપ્ત જગ્યાએ હતાં જે ગૌરાએ કદી ન તો જોઈ કે ન એ વિશે સાંભળ્યું હતું. આ જગ્યાનો ગુપ્ત માર્ગ એ અરણ્યની સીમા પર આવેલા વટવૃક્ષની બખોલ નજીક હતું જ્યાં ગૌરા બાળપણમાં ઘણી વખત બેસી રહેતી. આજે પિતાજીએ જ્યારે ત્યાંની એક શીલા જેને પિતાજી હનુમાનજી કહી હાથ જોડી નમસ્કાર કરતાં, તેલ, સિંદૂરથી પૂજા કરતાં, એને ખસેડી ત્યારે આ ગુપ્ત માર્ગ નજરે ચડ્યો.

કોઈ ગુફા જેવી લાગતી એ જગ્યા એક શસ્ત્રશાળા જેવી દેખાતી હતી. વૈદ્ય જયકર ગૌરાને એક મોટાં ખંડમાં જ્યાં કેટલાક બાળકો, યુવતીઓ અને યુવાનો અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યાં મૂકી બીજાં ખંડમાં જતાં રહ્યાં. યુદ્ધાભ્યાસ જોતાં જોતાં ગૌરાએ પણ એક તલવાર હાથમાં લીધી ત્યાં જ પાછળથી કોઈએ એનાં ખભે તલવાર અડાડી. ચપળતાથી એણે પોતાને પાછળ ધકેલીને ફરી તો સામે એક બુકાનીધારી યોદ્ધા યુદ્ધ માટે તત્પર જણાયો. યોદ્ધાએ પ્રહાર કર્યો અને ગૌરાએ બચાવ. ગૌરાનો વાર અને યોદ્ધાનો બચાવ આવો અભ્યાસ ક્યાંય સુધી ચાલ્યો, બેવ ટક્કરનાં યોદ્ધા હતાં, પરિણામ દૂર દૂર દેખાતું નહોતું ત્યાં જ એક વ્યક્તિએ પ્રવેશ કર્યો અને યોદ્ધાએ યુદ્ધ રોકી પ્રણામ કર્યા. એ વ્યક્તિએ આશીર્વાદ આપ્યા અને બંનેનાં યુદ્ધ કૌશલ્યની પ્રસંશા કરી. ગૌરાએ પણ પ્રણામ કર્યા અને એ વ્યક્તિનાં કહેવા મુજબ વિશ્રામ લેવાં એક જગ્યાએ બેઠી. યોદ્ધાએ બુકાની ખોલી તો,

"અરિધ!!" ગૌરા આશ્ચર્યથી બોલી.

"હા... અરિધ. વૈદ્યરાજના પુત્રી અરણ્યના બદલે અહિયાં!!!"

"મારું નામ ગૌરા છે અને હું અહીં ન આવી શકું?""

"હા દેવી જાણું છું અને અહિયાં તો દરેક હિતેચ્છુને આવકાર છે."

"તો મારા પર પ્રહાર કેમ કર્યો? અહીં આવકારવાની આ રીત છે?"

"ના... પણ આપનાં હાથમાં તલવાર જોઈ તો વિચાર્યુ થોડો વિદ્યાભ્યાસ થઇ જાય."

"ઓહ... પશુચારક પણ શસ્ત્રકળા શીખ્યાં છે!"

"જી... સ્ત્રી, પુરુષ કે બાળક, શસ્ત્ર કળા દરેકે શીખવી જોઈએ, આત્મરક્ષા અને દેશરક્ષા કાજે એવું હું અને ગુરુજી બંને માનીયે છીએ."

"સરસ.. આપનાં ગુરુજીએ સારું શીખવ્યું છે."

"આપનાં ગુરુજીએ પણ... અહીં આવવાનું ખાસ પ્રયોજન?"

"પિતાજી સાથે લાવ્યાં છે, પ્રયોજન વિશે નથી જાણતી. પરંતુ, તમે અહીં!!!"

"હું તો અહીં રોજ આવું છું. શસ્ત્રોની તાલીમ લેવાં."

"આ જગ્યા કઈ છે, અરિધ?"

"આપનાં પિતાશ્રીએ ન જણાવ્યું?"

"ના... મેં પૂછ્યું તો કહ્યું કે એ પછી કહેશે."

"તો પ્રતિક્ષા કરો એમની. આ રહસ્ય એમને જ ઉજાગર કરવા દો. આરણ્યકો વિશે જાણ્યું?"

"હા અને મહોદય અંબરીષ વિશે પણ પિતાજીએ કહ્યું."

"સરસ... એટલે જ તમારા પિતા તમને અહીં લઇ આવ્યાં છે વધુ માહિતી આપવા માટે."

વાર્તાલાપ હજું ચાલું જ હતો ને વૈદ્ય જયકર એક બીજાં યોદ્ધાની વેશભૂષામાં સુસજ્જ વ્યક્તિ સાથે ત્યાં પ્રવેશે છે. ગૌરા તેમને જોઈ આશ્ચર્યચક્તિ થઈ જાય છે અને આગળ વધી ચરણસ્પર્શ કરે છે. એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ વૈદ્ય જયકરનાં મિત્ર યોદ્ધા અને ગૌરાના ગુરુ વિજયરાજ હતાં.

"હિમપુરીની ગુપ્ત શસ્ત્રશાળામાં સ્વાગત છે ગૌરા." વિજયરાજે ગૌરા તરફ જોઈ સસ્મિત વદને કહ્યું.

"ધન્યવાદ ગુરુજી."

"કેવો રહ્યો યુદ્ધાભ્યાસ?" વિજયરાજે ગૌરા અને અરિધ બંનેને જોઈને પૂછયું.

"આપની કૃપાથી સારો ગુરુજી. પિતાજી, આ અરિધ જેના વિશે મેં આપને કહ્યું હતું."

"ઓહ... આ છે અરિધ." એમ કહી વૈદ્ય જયકર હસી પડ્યા.

"મિત્ર..‌..મારા બંને ઉત્તમ શિષ્યો તો એકબીજાને જાણે છે, શું પરિચય આપું!" વિજયરાજ પણ હસી પડ્યા.

"આપનો શિષ્ય!!! પણ આ જગ્યાને આપે હિમપુરીની ગુપ્ત શસ્ત્રશાળા કહી, પિતાજી મને અહીં આજે લઇ લાવ્યા! આ બધું મારા માટે રહસ્ય છે. આપ કૃપા કરી મારા પ્રશ્નોનું સમાધાન કરો ગુરુજી." ગૌરાએ સાશ્ચર્ય પોતાની દુવિધા રજૂ કરી.

"અવશ્ય ગૌરા... અરિધ તું પણ ચાલ અમારી સાથે." એમ કહી ચારેય જણા બીજાં કક્ષમાં જાય છે જ્યાં વિવિધ નક્શાઓ પથ્થરની દિવાલો પર કોતરાયેલા હતાં અને એક ત્રિપરિમાણીય વિશાળ પ્રતિકૃતિ એક બેઠક પર નિર્મિત હતી.

"આ અરણ્ય, હિમપુરી, વિલવકદેશ અને બીજાં પડોશી રાજ્યોનું સીમાંકન દર્શાવતી પ્રતિકૃતિ છે."
વિજયરાજે લાકડીની મદદથી સમજાવતાં કહ્યું.

"સમયાંતરે કેટલાક વિદ્યાર્થીઓ અરણ્યમાં જઈ સીમાંકનનો અભ્યાસ કરે છે. આરણ્યકોની ગતિવિધિઓની માહિતી લાવે છે તથા જરૂર પડ્યે અજાણ્યા મુસાફરોને આરણ્યકો વિશે સાવચેત પણ કરે છે જેથી એ આરણ્યકોનો હાથમાં ન પડે. એવાં જ એક પ્રયાસમાં અરિધે અજાણતાં જ તને સમય પહેલાં આરણ્યકો વિશે જણાવી દીધું, જે અમે તને એકાદ વર્ષ પછી એટલે કે તારાં ઔષધાભ્યાસ પૂર્ણ થયાં પછી જણાવવાનાં હતાં." વિજયરાજે ઉમેર્યું.

"ઔષધાભ્યાસ!!"

"હા... તારા પિતાજી તને રોજ શીખવે છે. એ જ્ઞાન અહીં કોઈ પાસે નથી. આમ તો વૈદ્ય જયકરે શિષ્યોને ઘણાં પ્રાથમિક ઉપચારો શીખવ્યા છે પરંતુ, જેની સામે સંઘર્ષ કરવાનો છે એ ઔષધશાસ્ત્રમાં મહારથ ધરાવે છે તો આપણા પક્ષે પણ વૈદ્ય જયકર સિવાય બીજું કોઈ હોવું જોઈએ જે ખૂબ જરૂરી છે અમારા પ્રયોજન માટે." વિજયરાજે ફોડ પાડ્યો.

"પરંતુ, આ બધાનું પ્રયોજન શું છે? હું પણ આ અજાણ્યા પ્રયોજનનો ભાગ છું!!! અને આ બધું જ માતા પિતા જાણે છે!!! હું પણ બાળપણથી પ્રશિક્ષિત થઈ રહી છું. મારા જ માતા-પિતા મને પ્રશિક્ષિત કરી રહ્યાં છે!!!" ગૌરા અધીરાઈ સાથે બોલી.

"બધું સમજાવું છું ગૌરા... આ એક અત્યંત ગોપનીય પ્રયોજન છે." વિજયરાજે જળપાત્ર એનાં હાથમાં મૂકતાં કહ્યું.

(ક્રમશઃ)
- મૃગતૃષ્ણા
🌼🌼🌼