Dhup-Chhanv - 40 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 40

શેમને અંદાજ ન હતો કે ઈશાન તેની ઉપર કેસ કરશે અને તેને આ રીતે જેલના સળિયા ગણવા પડશે. તે ધૂંઆપૂંઆ થઈને પગ પછાડતો પછાડતો જેલમાં જાય છે અને ઈશાનને જીવતો નહીં છોડવાની પોતાના મનમાં ગાંઠ વાળી દે છે.

બપોર થતાં થતાં તો અપેક્ષા હૉસ્પિટલ પહોંચી જાય છે અને ઈશાનના મૉમને ઘરે જઈને આરામ કરવા માટે કહે છે.

ઈશાનના મૉમ પણ ઈશાનને આ હાલતમાં છોડીને ઘરે જવા તૈયાર નથી પણ ઈશાન તેની મૉમને કહે છે કે, " મૉમ તમે ઘરે જઈને આરામ કરો અને આમેય મને અપેક્ષાની કંપની વધારે ફાવશે." એટલે ઈશાનની મૉમ બંનેને એકલા છોડીને ઘર તરફ રવાના થાય છે.

ધૂંઆપૂંઆ થઈને સમસમી રહેલો શેમ પોતાના માટે વકીલ રોકે છે અને જામીન ઉપર છૂટવા માટે કોર્ટમાં અરજી કરે છે.

પરંતુ શેમના જામીન નામંજૂર થાય છે કારણ કે તેણે ઈશાન ઉપર જે જીવલેણ હુમલો કરાવ્યો હતો તે માફીને પાત્ર ન હતો. જેથી શેમ ઈશાનની ઉપર ખૂબજ રોષે ભરાયેલો છે અને મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે, " અહીં કસ્ટડીમાંથી બહાર નીકળું એટલી જ વાર છે ઈશાન ઉપર બીજો હુમલો એવો કરાવું કે તે જીવતો જ ન બચે. "

ઈશાન અપેક્ષાને પોતાની પાસે જોઈને ખૂબજ ખુશ થાય છે અને કહે છે કે, " અપુ, તું આવી એ ખૂબ ગમ્યું. મમ્મી બિચારી થાકી જાય છે બે દિવસથી અહીં ઉભી ને ઉભી છે. અને તેમાં પણ આખી રાતનો ઉજાગરો. અને તું પણ આખી રાત જાગી હતી તે મને ખબર પડી. થેન્ક યુ યાર. તું મારે માટે કેટલું બધું કરે છે? "

અને અપેક્ષા તેને વચ્ચે જ અટકાવતાં તેની નજીક આવીને બેઠી અને એક નિખાલસ સુંદર સ્માઈલ સાથે ઈશાનના ચહેરા ઉપર વ્હાલપૂર્વક હાથ ફેરવવા લાગી અને તેની આંખોમાં આંખો પરોવીને બોલી કે, " એક વાત કહું ઈશાન, તું મને પ્રેમ કરે છે કે નથી કરતો તેની તો મને ખબર નથી પરંતુ હું તને ખૂબજ ચાહવા લાગી છું. કદાચ, એક વખત તારા માટે મારો જીવ પણ આપી દેવો પડે ને તો પણ હું તૈયાર છું. આઈ લવ યુ સો મચ માય ડિયર. "

ઈશાન પણ અપેક્ષાના પ્રેમસભર શબ્દોના એકરારથી અને પ્રેમમાં પોતાનું સંપૂર્ણ ન્યોછાવર કરી દેવાની તેની ભાવનાથી જાણે ગદગદિત થઈ ગયો હતો અને એકીટસે અપેક્ષાની સામે જ જોઈ રહ્યો હતો. અત્યારે તે એ વાત પણ ભૂલી ગયો હતો કે તેને વાગ્યું છે અને તે હોસ્પિટલમાં છે અને તેણે ઓપરેશન કરાવ્યું છે.

બંને એકબીજામાં સંપૂર્ણ ખોવાઈ ગયા હતા અને ઈશાને અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને પોતાની છાતી સરસો ચાંપી દીધો જાણે અપેક્ષા તેની પોતાની જ હોય અને પોતાના પ્રેમનો એકરાર કરતાં તે બોલ્યો, " આઈ લવ યુ ટુ મચ માય ડિયર અને તું મને છોડીને તો ક્યાંય નહીં ચાલી જાય ને ? "

અને અપેક્ષાએ ફક્ત નકારમાં જ માથું ધુણાવ્યું.

ઈશાન: લગ્ન કરીશ મારી સાથે ?

અપેક્ષા: હા પણ, અક્ષતને તો પૂછવું પડશે ને ?

અને ઈશાન જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ, તે ખુશી તેને આજે મળી ગઈ હતી અને અપેક્ષાનું પણ એવું જ હતું તે પણ એક સાચા પ્રેમીની અને સાચા પ્રેમની શોધમાં હતી જે તેને આજે મળી ગયો હતો.

એટલામાં નર્સ દવા અને ઇન્જેક્શન લઈને આવે છે એટલે તેણે ડોર નોક કર્યું અને તે અવાજ સાથે જ ઈશાન તેમજ અપેક્ષા પ્રેમની એક અનોખી દુનિયામાંથી બહાર આવ્યા અને નર્સને ડોર ઓપન કરવા માટે સંમતિ આપી.

હવે અક્ષત અપેક્ષાને તેમજ ઈશાનના લગ્ન માટે સંમતિ આપે છે કે નહિ ?
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/9/2021