MOJISTAN - 42 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 42


રણછોડથી છુટા પડેલા તખુભા
રાણપુરની બજારે એમનો કોઈ ઓળખીતો મળી જતા સરદાર ચોક પાસે ચા પીવા બેઠા હતા.
અડધા કલાક પછી તખુભાએ બુલેટ ઉપાડ્યું.રાણપુરથી બરવાળા જતી સડક સિંગલપટ્ટી રોડ હતો અને બપોરના સમયે વાહનોની ખાસ અવરજવર ન્હોતી.

રણછોડને ટક્કર મારીને નારસંગે પોતાને સોંપવામાં આવેલું કામ પાર પાડ્યું હતું.બાવળના ઝાડ સાથે ભટકાયેલો રણછોડ બેભાન થઈને પડ્યો હતો.એના માથામાંથી ખાસ્સું લોહી વહી ગયું હતું.એનું રાજદૂત રોડની બાજુના ઊંડા ખાળીયામાં પડ્યું હતું.

ફૂલ સ્પીડમાં જતા તખુભાએ બાવળના થડીએ લોહીલુહાણ હાલતમાં પડેલા આદમીને જોયો કે તરત જ બ્રેક મારી.ઝડપથી બુલેટ પરથી ઉતરીને નજીક આવ્યા એટલે એમણે રણછોડને ઓળખ્યો.

'અરે આ કેમ કરતા ભટકાયો હશે ? આનું ધ્યાન નઈ રીયું હોય ?' એમ વિચારી ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને 108 નંબર ડાયલ કર્યો.

વાંકા વળીને રણછોડના નાક આગળ આંગળી રાખીને એના શ્વાસ તપાસ્યા. રણછોડ જીવતો હતો એની ખાતરી થતા એમણે રાહતનો દમ લઈ બીડી સળગાવી.
એ જ વખતે થોડે દુર ઘાસમાં પડેલો રણછોડનો મોબાઈલ રણક્યો.ઝડપથી ચાલીને તખુભાએ મોબાઈલ લઈને ગ્રીન બટન દબાવ્યું.

"હેલો રણછોડ, મારે હવે આ બધી લપમાં પડવું નથી. મને આવું બધું ગમતું પણ નથી.મને માફ કરજે પણ હવે આપણે બધું બંધ કરી દેવી.મારા ઘરવાળાને મેં બહુ દગો દીધો,તારા કેવાથી હુકમસંદ હાર્યે પ્રેમનું નાટક પણ કર્યું,પણ હવે ઈ હાથ ધોઈન મારી વાંહે પડ્યો સે.અને અમારા ગામનો ઓલ્યો સંસીયો તેદી મને ને સર્પસને ભાળી જ્યો'તો.અટલે ઈ વારે ઘડીએ મારી પાંહે પયસા માગે સે.અટલે હું તો હેરાન હેરાન થય ગય સુ..હેલો તું કિમ કાંય બોલતો નથી હેલો..ઓ.."

તખુભા એ અવાજ સાંભળીને આખી વાત સમજી ગયા.આ રણછોડ હુકમચંદના એક રહસ્યની વાત કરતો હતો એ રહસ્ય આ જ હતું ! પણ બોલનાર બાઈ કોણ હતી એનો એમને ખ્યાલ આવ્યો નહીં. પણ વાતમાં એણે જે વ્યક્તિઓના નામ લીધા એ હુકમચંદ અને ચંચો હતા.ચંચો હુકમચંદનું રહસ્ય જાણે છે અને એ આ બાઈને બ્લેકમેલ કરે છે એ સમજતા તખુભાને વાર લાગી નહીં.

ફોનમાં પેલી 'હેલો..હેલો..' કરતી હતી.તખુભાને જવાબ ન આપ્યો એટલે પેલીએ થોડીવાર પછી ફરી ફોન કર્યો.

તખુભાને રણછોડના અકસ્માતના સમાચાર આ બાઈને આપવાનું યોગ્ય લાગ્યું નહીં. આ બાઈ કોણ હતી એ જાણવા ચંચાને એક અડબોથ મારવાની પણ જરૂર પડવાની નહોતી. એટલે તખુભાએ ફોન કાપી નાખ્યો.રણછોડના ફોનના કોન્ટેકલીસ્ટમાંથી એમણે ચમન ચાંચપરાને કોલ કરીને પોતાનું નામ આપ્યા વગર રણછોડના અકસ્માતના સમાચાર આપ્યા.

એ દરમ્યાન એક છકડો રીક્ષા આવી અને બે ચાર બીજા વાહનો પણ આવ્યા એટલે ઘણા લોકોનું ટોળું ભેગું થઈ ગયું.

ખાળીયામાં પડેલા રણછોડના રાજદૂતને જોઈ તખુભા વિચારમાં પડી ગયા.કઈ રીતે આ એક્સિડન્ટ થયું હશે !

અડધા કલાકમાં 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી એટલે તરત જ એ લોકોએ સ્ટ્રેચરમાં રણછોડને ઉપાડી એમ્બ્યુલન્સમાં લઈ લીધો. માથામાં ગંભીર ઈંજરી જોઈ પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી.

રાણપુરની સરકારી હોસ્પિટલમાં
રણછોડને દાખલ કરવામાં આવ્યો. તખુભાએ રણછોડનો મોબાઈલ 108ના ડોક્ટરને આપી દીધો હતો.ડોક્ટરે એ મોબાઈલના કોલ લોગ્સ પરથી છેલ્લે આવેલા કોલના નંબર પર કોલ કરીને રણછોડના અકસ્માતની માહિતી આપી હતી.

આપણે જાણીએ છીએ કે છેલ્લો કોલ કોનો આવેલો હતો !

*
કાદવથી લથબથ માનસંગ નગીનદાસના ઘરમાં દોડી આવ્યો હતો. એની પાછળ પડેલા કુતરાનો લીડર કાળીયો કૂતરો હતો જે કાબરી સાથે હબાની દુકાનમાં ઘુસ્યો હતો. તે દિવસે જો કે હબાએ એને મળવિસર્જન થઈ ગયું ત્યાં સુધી ઢીબ્યો હોવા છતાં હબાની દાઝ ઉતરતી ન્હોતી.આ બનાવ બન્યા પછી કાળીયો ક્યારેય હબાની હડફેટે ચડ્યો ન્હોતો.એણે કાયમ માટે કાબરીનો મોહ ત્યાગીને નદીના પાળે નવો સંસાર માંડ્યો હતો.પણ આજ કાદવમાંથી ગામમાં ઘુસણખોરી કરનાર ઈસમને અટકાવવાની ફરજ બજાવવા જતા પેલાની પાછળ પાછળ હબાની દુકાન સુધી આવી ગયો હતો.એમાં વળી એ કાદવથી લથબથ થયેલો માણસ નગીનદાસની ખડકીમાં ઘુસી ગયો એટલે એ ખડકીમાં પૂંછડી ટાઈટ રાખીને કાળુ પોતાના લશ્કર સાથે ભસી રહ્યો હતો.

હબાનો સોટો પડ્યો એ સાથે જ કાળુ સહિત બધા કૂતરાંનું ભસવાનું બંધ થયું અને કાંવકારા ચાલુ થયા.હબાએ કાબરીને પણ બે સોટા વાળી લીધા.

ખડકીમાં કુતરાઓની નાસભાગ મચી હતી અને ઓસરીમાં માનસંગ નવા કપડાં પહેરીને બેઠેલા નગીનને બથ ભરી ચુક્યો હતો.નગીને બે લાફા મારી લીધા પછી માનસંગને પોતાની ભૂલ સમજાઈ હતી.

"સોરી હો નગીનદાસ, આ કૂતરાં વાંહે થિયા ઈમાં તારા ઘરમાં હું ધોડીન ગરી જીયો." કહી માનસંગે ફળિયામાં જ કાદવ ખંખેર્યો.

"ભલા માણસ જરાક જોવું તો જોવે ને ! મારા ઘરે અતારે મે'માન
બેઠા છે.સાવ આમ વાંહે કૂતરાં લયન કોકના ઘરમાં ધોડ્યા આવો સો.જાવ હવે આંયથી ટળો.હાલી જ નીકળ્યા સે,આવા ને આવા "
નગીનદાસે ખિજાઈને કહ્યું.

"હા, તે જાવી છી. પણ તું બોલવામાં જરીક ધિયાન રાખજે.
મને ઓળખશ તો ખરો ને ? હું માનસંગ સુ હો ? આ મે'માન બેઠા સે અટલે હું કાંય બોલતો નથી. અટલે તુંય માપમાં રેજે, નકર મેં'માનની હાજરીમાં જ ભીંસા ખેરવી નાખીશ." કહી માનસંગ ચાલતો થયો.

"જા ને ભાઈ,ભીંસા ખેરવવા વાળીનો થયા વગર. પેલા ઘરે જા અને આ ગારો ખેરવ્ય.પછી બીજાના ભીંસા ખેરવજે.'' નગીનદાસે કહ્યું.

બીજો કોઈ સમય હોત તો માનસંગ નગીનદાસ સાથે ઝગડયા વગર રહેત નહીં પણ અત્યારે શરીર પર ચોટલા કાદવની વાસથી એનું માથું ફાટતું હતું.ખડકીથી થોડે દુર હજી કાળુ અને બીજા કૂતરાં ભસતા હતાં.

હબા પાસેથી લાકડી લઈ માનસંગ કૂતરાંઓને મારવા દોડ્યો.ભસતાં કુતરાઓને ભગાડીને એ માંડ પોતાના ઘેર પહોંચ્યો.

નગીનદાસે પણ શર્ટ બદલીને નીનાને જોવા મહેમનોમાં બેઠક લીધી.પણ નગીનદાસનું સંકટ હજી ઓછું થવાનું નામ લેતું ન્હોતું.

પાંચ દિવસ પહેલા બપોરે સરકારી દવાખાનામાં પશવા પાસે બેઠો હતો ત્યારે મીઠાલાલનો ફોન આવેલો.નર્સ સાથે માથાકૂટ કરીને એ મીઠાલાલની દુકાને જતો હતો ત્યારે રસ્તામાં મળેલા ધરમશીએ ધમૂડીના બ્લાઉઝની ઉઘરાણી કરી હતી.એને ઉડાઉ જવાબ આપવા જતા ધરમશીએ નગીનદાસને બરાબર ધોયો હતો.

ત્યારબાદ એ મીઠાલાલની દુકાને ગયો હતો પણ દુકાન જ બંધ હતી.અને મીઠાલાલ પણ ઘેર નહોતો.

માનસંગ ગયો એટલે નીનાએ મહેમાનોને ચા આપી.એ જ વખતે ધરમશી અને ધમુએ એન્ટ્રી મારી.

"કાં ભઈ નગીન,બ્લાઉઝ સીવઈ જયું ? બે દી પે'લા બજાર વસાળે તને ઠમઠોર્યો'તો ઈ ખબર્ય સે ને ? લાવ્ય હાલ્ય અતારે ને અતારે બ્લાઉઝ સીવી દે.અને દર વખતે માપ ખોઈ નાંખસ અટલે ધમુને હું હાર્યે જ લાયો સુ.જો માપ ખોવય જ્યુ હોય તો અતારે ને અતારે ફરીદાણ લય લે અને ઉભા ઉભા સીવી આલ્ય. નકર તારા ટાંટિયા પકડીને આખી બજારે ઢહડવાનો સુ ઈ હમજી લેજે " ધરમશીએ ફળિયામાં આવીને ધડાકો કર્યો.

ચા પી રહેલા મહેમાનો ધરમશીને તાકી રહ્યા.નગીનદાસને પોતાના ઘરમાં આવીને બેઈજ્જતી કરનાર આ ધરમશીનું ગળું દબાવી દેવાની ઈચ્છા થઈ પણ મહેમાન બેઠા હતા અને એ પણ દીકરીને જોવા આવેલા મહેમાન હતા !

"જો ભાઈ, જરીક સભ્યતા રાખ.
મહેમાન બેઠા છે,તમારે તો કાંય આબરૂ જેવું નો હોય પણ કોકની આબરૂ ઉપર પાણી ફેરવવા આમ હાલી નો નીકળાય હમજ્યો ? તું જા આંયથી, હાંજે તારું બ્લાઉઝ લઈ જાજે." નગીને નરમાશથી કહ્યું અને ફિક્કું હસીને છોકરાના બાપને ઉદ્દેશીને કહ્યું, "અમારા ગામના સર્પસ હાર્યે આપણે ઘર જેવો સબંધ છે.એમના કહેવાથી આ ગરીબ માણસની બયરીનું બ્લાઉઝ સિવવાની મેં હા પાડી'તી.
પણ આ હાળી હલકી જાત્ય,નો હમજે. ટાણું કટાણું જોવે નય ને હાલી જ નીકળે બોલો !"

"શું બોલ્યો ? હલકી જાત્ય ઈમ ?
અલ્યા હલકી જાત્યના, આ મારી બયરી આ ગામની સોડી સે.અટલે તારી બોન થાય બોન.તોય તું ઈને બોન માનવાને બડલે વારેઘડીએ માપ ખોવઈ જ્યાનું બાનું કાઢીન ઈનું માપ લેસ.અતાર હુધીમાં દહ વખત માપ લીધું,પુસો આ ઉભી ધમુ આંય.માપ લેતીવેળાએ નો અડવાનું હોય ન્યાંય તું ચેટલીય વાર અડયો'તો. હું કાંય આંધળીનો નથ્થ." કહી ધરમશીએ પણ મહેમાનને ઉદ્દેશીને કહ્યું, "હેં ભાય તમેય દરજીકામ જ કરતા હશોને ? કોઈ બેન દીકરીનું પોલકું સીવતા જ હશોને ? તે તમે સુ દહ દહવાર માપ લ્યો સો ? અને બયરાવની સાતીનું માપ લ્યો તા'રે ન્યાં અડવાની જરૂર પડે સે તમારે ? અમે કાંય બુધી વગરના નથ્થ, અમનેય ભાન પડેસ કે કોકના ઘરે મે'માન બેઠા હોય ઈ ટાણે જયને ડખો નો કરાય, પણ આણે તો અમને ગળે લાવી દીધા સે ગળે.એક પોલકું સો મહિના પે'લા સીવવા દીધું સે,જા'રે પુસ્વી તા'રે ઈમ જ કેય કે માપ ખોવય જયુ સે. પસ માણહ નો બોલતું હોય તોય બોલે ક નય ? હાચુ કેજો ભાય."

"તું જા અલ્યા આંયથી, કીધુને તને ? હાંજે આવીન લય જાજે." નગીને ગુસ્સે થઈને રાડ પાડી.

"હાંજ બાંજ નય, અતારે જ સીવી દે.અમે આજ પોલકું લીધ્યા વગર જાવાના નથ.જો આ બેઠાં આંય." અત્યાર સુધી મૂંગી બેઠેલી ધમુએ ઓસરીની ધારે બેસી જતા કહ્યું.એ જોઈ ધરમશી પણ એની બાજુમાં બેસી ગયો.

નગીનને હવે કશું બોલવા જેવું રહ્યું નહીં. મહેમાનો પણ નગીનની ઈજ્જત ગામમાં કેવી છે એનો ખ્યાલ આવી જતા ચાના કપ નીચે મૂકીને ઉભા થઈ ગયા.

''ચાલો નગીનભાઈ,અમે નીકળીએ
કારણ કે અમારે હવે મોડું થશે'' કહી મહેમાન ઊભા થઈ ગયા.

"અરે પણ જમીને જાવને ? બપોર તો થાવા આવ્યા સે.આવું તો ગામડામાં હાલ્યા જ કરતું હોય,શું ભલા માણહ તમે પણ ? આ તો અમથા બેઠા છે, હમણે હું સર્પસને ફોન કરું છું.બેસો તો ખરા
હજી છોકરાઓ તો મળ્યા પણ નથી." નગીનનું મોં સુકાતું હતું.ધમુનું બ્લાઉઝ સમયસર ન સીવી દેવા બદલ એ પસ્તાતો હતો.

"ના ના, હવે બેસવું નથી.તમારી દીકરી અમે જોઈ લીધી નગીનદાસ.અમારો જવાબ અમે મોકલી દેશું."

"ચમનભય તમે તો કાંક કયો ? આમ જમવાના ટાઈમે જવાય કે ? અને તમે ધારો સો એવું કાંય નથી ભલામાંણસ." નગીને આ વેવીશાળની વાત ચલાવનાર વચેટીયા ચમનલાલને કહ્યું.અને ઉભા થઈ મહેમાનનો હાથ પકડીને ઉમેર્યું, "બેહો બેહો તમે બેહો યાર."

"બેસો શાંતિલાલ.સાવ આમ નીકળી ન જવાય.તમે તો આબરુદાર માણસ છવો." કહી ચમનલાલે નગીનદાસ સામે જોયું.
નગીનદાસે ડોળા કાઢીને એને સમજાવ્યું કે 'ઈ આબરુદર છે તો હું શું આબરૂ વગરનો છું ?'

ચમનલાલ નગીનદાસના ચહેરા પર ઉપસી આવેલો એ ભાવાર્થ સમજી ગયો એટલે તરત ઉમેર્યું,

"એમ તો નગીનદાસ કાંય હલકો માણસ નથી."

ચમનલાલના કહેવાથી મહેમાન કમને બેઠા.એટલે તરત નગીનદાસે ઓસરીની ધારે બેઠેલા ધરમશી અને ધમુ સામે ડોળા કાઢીને હુકમચંદને ફોન લગાડ્યો.

"હેલો સરપંચ સાહેબ,તમે અત્યારે ને અત્યારે મારા ઘેર આવો, ખાસ કામ છે"

હુકમચંદ પંચાયતમાં બેઠો હતો.
નગીનદાસ તાત્કાલિક એને એના ઘેર બોલાવી રહ્યો હતો એટલે એના પેટમાં ફાળ પડી.

'સાલું આ નગીનદાસને ખબર તો નહીં પડી ગઈ હોય ને ? નકર સાવ આવી રીતે પોતાને એ બોલાવી ન શકે ? હું કંઈ એનો નોકર નથી, પણ આ બયરાના લફરામાં પડીએ એટલે આવું જ થાય.' એમ વિચારીને નગીનદાસને પૂછ્યું, "અરે પણ એમ હું કંઈ નવરો હોઉં ભલામાણસ ? એવું શું ખાસ કામ છે તારે ?"

"એ તમે અહીં આવો એટલે ખબર પડી જશે.બને એટલી ઝડપથી તમે મારા ઘેર આવો, મારી ઈજ્જતનો સવાલ છે." નગીનદાસ જરા ઊંચા અવાજે કહીને કરગરી પડ્યો.

'હં..અં..તો તો સો ટકા નયના સાથે મારા લફરાની ખબર્ય આ નગીનદાસને પડી ગઈ લાગે છે.
હરામી ચંચિયાએ જ કહી દીધું હોવું જોઈએ,બેહજાર રૂપિયા તો હાળાને તે દિવસે જ ગુડી દીધા હતા,હવે આનું પણ કાટલું કાઢવું જ પડશે.પણ અત્યારે નગીનના ઘરે જવામાં માલ નથી.'

"હેલો..ઓ..હુકમચંદજી,કેમ કંઈ બોલતા નથી.આવો છો ને ?"

હુકમચંદે જવાબ ન આપ્યો એટલે નગીનને ગુસ્સો આવતો હતો.

"અત્યારે તો નહીં અવાય, પંચાયતમાં બહુ કામ છે,જે કામ હોય એ ફોનમાં જ કહેને !"

"પણ તમે જરાક પાંચ મિલિટ કાઢીન આવી જાવ તો સારું."
નગીનને એમ હતું કે હું ફોન કરું એટલે ગામનો સરપંચ પણ ઘેર હાજર થતો હોય તો મહેમાન સામે આબરૂ વધી જાય.પણ હુકમચંદને બીજી બીક પેસી ગઈ હતી એ નગીન ક્યાં જાણતો હતો !

ઓસરીમાં થયેલી મોકાંણ ક્યારની નયના જોઈ રહી હતી. ખરે ટાણે આ ધમુ અને એના ધણી ધરમશીએ આવીને આબરૂ ધૂળધાણી કરી હતી એમાં નગીનદાસનો જ વાંક હતો એ પણ નયનાને ખ્યાલ આવ્યો હતો.

નગીનદાસ સરપંચને આબરૂ બચાવવા બોલાવતો હતો પણ એ આવવાની ના પાડી રહ્યો હોવા પાછળનું કારણ નયના તરત સમજી ગઈ.

એ ઝડપથી નગીનદાસ પાસે આવી.નગીનદાસના હાથમાંથી એણે ફોન લઈ લીધો.

"હેલો હુકમચંદજી, તમે થોડોક સમય કાઢીને આવી જાવ તો સારું.ક્યારના તમને એ કેય છે તો સમજતા કેમ નથી. પાંચ મિનિટમાં તમે અમારા ઘરે આવો." કહી નયનાએ ફોન કાપીને નગીનદાસને આપ્યો.

મહેમાનો સહિત નગીનદાસ પણ સડક થઈ ગયો.આમાં આબરૂ વધશે કે ઘટશે એનો ખ્યાલ નયનાને પણ રહ્યો નહીં.

નગીનદાસના કરગરવા છતાં આવી નહીં રહેલા સરપંચ નયનનાં એક વડછકાથી આવે એનો શું અર્થ થાય એ ન સમજે એટલા બુદ્ધિ વગરના મહેમાન તો ન જ હોય ને !

"સર્પસ આવ કે ઈનો બાપ આવ,
આજ ધમૂડીનું પોલકું લીધા વન્યાં જો હું તારા ઘરમાંથી બાર્ય નિહરુ તો મારા બાપમાં ફેર હોય, હમજી લેજે હાળા નગીનીયા."ઓસરીની ધારે બેઠેલા ધરમશીએ બીજો ધડાકો કર્યો.આજ એ પોલકાં માટે થઈને મરવા મારવા ઉપર આવી ગયો હતો !

"ઓ હલકટ, તું મનફાવે એમ રાડયું નો પાડતો. ખબર્ય છે ને તેદી દવાખાને ધૂળ સાટતો કરી દિધોતો.મેમાન બેઠા છે અટલે હું લાચાર છું નકર હમણે તને સવાદ
સખાડું.ઘડીક મૂંગીનો મર્ય."નગીન ગુસ્સે ભરાઈ રહ્યો હતો.

"હલકટ કોને કેસ હેં ? હલકટ તો તું સો તું ? ગામની બેન દિકરીયું માથે તારી નજર મેલી સે.તારી પાંહે પોલ્કા સિવડાવવા આવતી બાયું ઉપર તારી નજર મેલી સે.
તું હલકટના પેટનો દરજી સો."
ધરમશી હવે હદ વટાવ્યે જતો હતો. મહેમાન ચમનલાલ સામે જોઈને અણગમો વ્યક્ત કરી રહ્યાં હતા !

"ઈ ભલે જેમ બોલવું હોય એમ બોલે, તમે કાંઈ નો બોલતા. પોદળામાં પગ મુકવી તો પોદળાને કાંય ફેર નો પડે,આપડો જ પગ ગોબરો થાય,હમણે સરપંચ આવે અટલે આની ખબર્ય લઈ નાંખશે."
નયનાએ કહ્યું.

"હવે તું તો ભાઈશાબ કાંય બોલતી જ નય.તારા લખણની તો આખા ગામને ખબર્ય સે.મારા મોઢામાં આંગળા સુંકામ નખાવેસ બઈ, પોદળા જેવી તો તું સો તું.."
ધમૂડીએ મોરચો સાંભળ્યો.

નયના સમસમી ગઈ.હવે આની સાથે જીભાજોડી કરવાથી નકામી પોલ ખુલી પડવાની એને બીક લાગી. સરપંચ ઉપર પણ દાઝ ચડી.પણ આ બધાના મૂળમાં પોતાની જ ભૂલ હોવાની પ્રતીતિ એને થઈ રહી હતી !

નયનાનો અવાજ સાંભળીને હુકમચંદને ખાતરી થઈ ગઈ હતી કે નક્કી ભોપાળું બહાર પડી ગયું છે.હવે આ સમસ્યાનો સામનો કર્યા વગર નહીં ચાલે.નગીનદાસ કરી કરીને, કરી શું લેવાનો છે ? બહુ થાશે તો કહી દેશું કે 'તારી બયરીએ જ સામેથી મને નોતરું દીધું'તું.મેં કાંય પરાણે પ્રેમ નથી કર્યો.અને ઈ તો હંધાય કરે'

મનોમન આમ વિચારતો હુકમચંદ નગીનદાસનાની ખડકીમાં આવ્યો એટલે તરત જ નગીનદાસ ખુશ થઈ ગયો.જોકે નયનાનાં કહેવાથી આવવાને બદલે પોતાના ફોનથી જ આવ્યો હોત તો વટ પડી જાત.

"આવો આવો સરપંચ સાહેબ, તમને તકલીફ દેવી પડી.પણ તમે ગામના કામે અડધી રાત્યે ધોડી આવો એવા સારા સરપંચ છો."
કહી નગીનદાસ ઉભો થઈ ગયો.

હુકમચંદ નગીનદાસના શાબ્દિક સ્વાગતથી ખુશ થયો.એના ઘેર બેઠેલા મહેમાન અને ઓસરીની ધારે બેઠેલા ધરમશી અને ધમુને જોઈ મામલો કંઈક બીજો હોવાનું સમજતા હુકમચંદને ધરપત થઈ. રસોડાના બારણાં પાસે ઉભેલી નયના સામે જોઇને હુકમચંદે સ્મિત વેર્યું. મહેમાનો અને ચમનલાલે વેરાયેલા એ સ્મિતના કેટલાક દાણા વીણી પણ લીધા.
"અરે ભાઈ નગીનદાસ, પંચાયતમાં મિટિંગ ચાલુ હતી.નકર કંઈ ના પાડવાની હોય ? તમે તો મારા ખાસ સબંધી છો.ગામમાં તમારી જોવે કોઈ બીજો દરજી જ નથી."કહી હુકમચંદે ખુરશીમાં બેઠક લીધી.

"તે નથી જ ને ! આની જેવો હલકટ સય કોઈ નો હોય. હવે તમે જ કયો, ચેટલા ટેમ પે'લા તમે
આ નપાવટને ધમુનું પોલકું ને સણીયો સીવી દેવાનું કીધું'તું ?
આણે હલકીનાએ દહ વખત તો માપ લીધું.તોય હજી સીવી નથી દીધું.ધક્કા ખય ખયને મારા સ્યાર જોડ્ય ખાહડા ટુટી જ્યા.આજ તો ઉભા ઉભા સીવી દેવું પડહે''
ધરમશીએ ઉભા થઈને સરપંચ અને નગીન તરફ હાથ લાંબા ટૂંકા કરીને રાડો પાડવા માંડી.

હુકમચંદ નગીનદાસના ઘેર ગયા પછી ત્યાં આ દેકારો થયો એ સાંભળીને બજારે જતા લોકો ખડકીના બારણામાં ભેગા થયા. હબો પણ દુકાન રેઢી મૂકીને એ ટોળામાં સૌથી આગળ ઉભો રહી ગયો હતો.

હુકમચંદને હવે ખ્યાલ આવ્યો કે શા માટે પોતાને અહીં બોલાવવામાં આવ્યો છે ! ધમૂડીના ફાટીને ધુમાડે ગયેલા જોબનથી એની આંખો પણ બળતી હતી !

"હજી નથી સિવ્યું ? " હુકમચંદે ધમૂડીના શરીર પર નજર નાંખતા કહ્યું.

"તે નથી સિવ્યું અટલે તો અમે આયા સવી. પાસો મેમાન બેઠા સે તોય અમને હલકી જાત્યના કેય સે. સાતી માથે પટ્ટી મેલીને સાળા કરતી વખતે હલકી જાત્ય નડતી નથ.ગામની બેન દીકરી સે એટલું તો જોવું જોવે ને !" ધરમશી નગીનદાસની અબરૂના લીરા કરી રહ્યોં હતો.

હુકમચંદે પાછું ફરીને નયના સામે જોયું.એનો ચહેરો વાંચીને એ સમજી ગયો કે અહીં ધરમશીને બદલે નગીનનો પક્ષ લેવા માટે એને બોલાવ્યો છે.

"જો ભાઈ ધરમશી, ક્યારેક વે'લું
મોડું થાય.એમાં આમ કોકના ઘરમાં મેમાન બેઠા હોય તોય જઈને દેકારો કરો ઈ વાજબી નો કેવાય હમજ્યો ? તને ને ધમુને હું ક્યાં નથી ઓળખતો ? મેં જ આ નગીનદાસ જેવા ભલા માણસને ભલામણ કરી'તી ને ? એક તો મફતનું લેવું ને વાઈડાઈ કરો છો ?
બ્લાઉઝ સીવવાનું હોય અટલે પટ્ટી તો જ્યાં મેલવી પડતી હોય ન્યાં મેલવી જ પડે.તેં ચ્યાં છુટા ગણી દીધા છે તે આટલો બધો ઉલળે છે ? જા વેતીનો થા આમ,
નકર સલવાડી દઈશ." હુકમે હુકમ કર્યો.

પણ એ હુકમની તામિલ કરવાને બદલે ધરમશીએ ધમાલ મચાવી.
ધરમશીની આગળની ધમાલ આવતા અંકે રાખીએ !!

(ક્રમશ :)

વાચક મિત્રો, રણછોડનું એક્સિડન્ટ કોણે કરાવ્યું હશે ?