MOJISTAN - 46 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 46

નયનાએ પાછું ફરીને જોયું તો નીના કંઈક વિચિત્ર નજરે એને જોઈ રહી હતી.નયનાએ ઝડપથી આંસુ લૂછી નાખ્યા.રણછોડના મિત્ર તરીકે અવાજ બદલીને એ ફોનમાં વાત કરી રહી હતી એ પોતાની દીકરી જાણી ગઈ એનો ક્ષોભ એના મોં પર સ્પષ્ટ દેખાઈ આવતો હતો.

"શું વાત છે મા ? તું આવી રીતે કોઈ જોડે શું વાત કરતી હતી ?"
નીનાએ પૂછ્યું.

"કાંઈ નથી બેટા, એ તો હું મારી બહેનપણીને ચીડવતી હતી.."

"હું નાની કિકલી નથી હો..? મમ્મી તું કંઈ છુપાવી રહી છો.તું રડી રહી હતી.કંઈક તો વાત છે.."

"એ તારે જાણવાની જરૂર નથી.તું ભલી થઈને મને આ બાબતમાં કંઈ પૂછતી નહીં." કહી નયના નીચે જતી રહી.નીના એને જતી જોઈ રહી.

નીના, એની માનું નાટક સમજી ગઈ હતી.એ અમદાવાદમાં રહીને ગ્રેજ્યુએટ થઈ હતી.એ સમજી ગઈ કે માનું ચક્કર કોઈ જોડે ચાલી રહ્યું છે.માબાપના ચારિત્ર્ય અંગે બાળકો જાણે ત્યારે ગુસ્સે થઈ જતા હોય છે.પોતાના પિતાનો કોઈ અન્ય સ્ત્રી સાથે કે માતાનો કોઈ અન્ય પુરુષ સાથેનો સબંધ કોઈ પુત્ર કે પુત્રીને માન્ય નથી જ હોતો !
આપણા પુરુષ પ્રધાન સમાજમાં હજી પિતાના આડા સબંધ પ્રત્યે આંખ આડા કાન થઈ શકે છે પણ માતાનો આવો સબંધ કોઈ પુત્ર કે પુત્રી સહી શકે નહીં.

નીનાને પણ પોતાની મા વિશે કાનોકાન અને નજરોનજર જે જાણવા મળ્યું એ અસહ્ય હતું.

"શું મારી મા, મારા પપ્પાને વફાદાર રહી શકી નથી ? મારી મા શું બદચલન છે ? હું એક બદચલન સ્ત્રીની દીકરી છું ?" આવા વિચારો એના મનમાં ઉઠ્યાં. પોતાને જોવા મહેમાનો આવીને બેઠા હતા ત્યારે ધમુ અને ધરમશીએ મચાવેલો હોબાળો શાંત કરવા પપ્પાએ સરપંચને ફોન કર્યો હતો.પણ એ વખતે વારંવાર કહેવા છતાં સરપંચ આવવાની આનાકાની કરતો હતો. મમ્મીએ,એ વખતે પપ્પાના હાથમાંથી ફોન લઈને જે રીતે સરપંચ સાથે વાત કરી એવી રીતે કોણ કરી શકે ? તો શું મમ્મી, આ હુકમચંદ સરપંચ સાથે....?"

નયનાને એકાએક એની મમ્મી પર નફરત આવી ગઈ.બાળકોની ગમે તેવી ભૂલો માફ કરી દેતા મા બાપને કોઈ ભૂલ કરવાનો હક કદાચ નથી હોતો !

નીના એના સ્ટડી રૂમમાં જતી રહી.મનમાં ઘુસી ગયેલી વાતો તરત જ નજર સામે અણગમતા દ્રશ્યો ખડા કરી દેતા હોય છે.નીનાના મનમાં એની મા અને હુકમચંદનો વ્યભિચાર દેખાવા લાગ્યો.જોરથી માથું ઝાટકીને એણે એ વિચારો ખંખેરવા કોશિશ કરી.

"હું દીકરી ઉઠીને માને શુ શિખામણ આપવાની ? મને સવાલ કરવાનો અધિકાર છે ખરો ? જે માએ મને ઉછેરીને મોટી કરી,મારા સુખ માટે હંમેશા દોડતી રહી એ માને હું કયા મોએ બદચલન કહી શકું ? શું એને હક્ક નથી એની રીતે જીવવાનો ? શું સમાજની બધી જ સ્ત્રીઓ સતી સાવિત્રી છે ? જેનું પ્રકરણ જાહેર થાય એ બદચલન, બાકી બધી ચારિત્ર્યવાન હોય છે ! પણ તો પછી સમાજનું શું ? વ્યવસ્થાનું શું ? બધાને જ પોતાની રીતે જીવવું હોય તો ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિમાં શું ફરક છે ? મને તો કોઈ ફરક લાગતો નથી. અહીં બધા છુપાવે છે અને ત્યાં બધુ ખુલ્લેઆમ છે ! એ લોકો દંભ નથી કરતા, કોઈ ગમી ગયું હોય તો કહી દેવાની એ લોકોને છૂટ છે જ્યારે અહીં કહેવાતું નથી. કોઈ પ્રપોઝ કરે એ પસંદ ન હોય તો ત્યાં પ્રેમથી જ ઈન્કાર કરી દેવામાં આવે છે જ્યારે અહીં તો આવું તારાથી પુછાય જ કેમ ? કહીને મારામારી પણ કરી નાખવામાં આવે છે.કોઈ આપણને પ્રેમ કરતું હોય એ આપણને કહી પણ ન શકે કે હું તને પ્રેમ કરું છું !
ગાળ દઈ શકાય છે પણ પ્રેમનો એકરાર કરવાની અહીં છૂટ નથી..
એટલે જ છાનુંછપનું કરવું પડતું હશે કદાચ ! મારી મા માત્ર મારી મા જ નથી, મારી ફ્રેન્ડ પણ છે.
મારે એને મદદ કરવી જોઈએ.
એ રડતી હતી..કોઈ રણછોડની વાત હતી.એ રણછોડ અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં છે.." નયનાના ફોનમાં સામેથી કોઈ કહી રહ્યું હતું એ નીનાને પણ સંભળાયુ હતું. ઘણીવાર મોબાઈલ ફોનનું વોલ્યુમ ફૂલ હોય તો આજુબાજુવાળાને પણ સામેની વ્યક્તિનો અવાજ સંભળાતો હોય છે.!

"ત્યારપછી મમ્મી રડવા લાગી હતી. એ ગુમસુમ થઈ ગઈ હતી.એને આઘાત લાગ્યો હતો અને એકાએક મને પાછળ ઉભેલી જોઈને એ ચોંકી હતી.કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એવા ભાવ એના મોં પર ઉપસી આવ્યા હતા.
મારે આ રીતે મમ્મીની પાછળ ઉભા રહી એની પર્સનલ વાત સાંભળવી ન જોઈએ..મેં બહુ મોટી ભૂલ કરી..દરેકની અંગત બાબત અંગત જ રહેવી જોઈએ ! મા કે બાપ, બધી વાતો બાળકો જોડે શેર ન જ કરે, કરી જ ન શકે અને કરવી પણ ન જોઈએ ! "

નીના ક્યાંય સુધી વિચારતી રહી.
હવે માને ક્ષોભ થાય એવું મારે કંઈ કરવું ન જોઈએ.મારે એવી રીતે જ વર્તવું જોઈએ કે મેં કશું જ સાંભળ્યું નથી,મને કશો જ ખ્યાલ આવ્યો નથી..તો જ મમ્મીને હાશકારો થશે..મારે મમ્મીની આ વાતનો ભાર મારા મન પર આવવા દેવો જોઈએ નહીં..!"

નીનાને આ વિચાર આવતા એ હળવી ફૂલ થઈ ગઈ.પણ એકાએક એના મનમાં બીજો વિચાર આવ્યો.ટેમુએ બે દિવસ પહેલા અમદાવાદ જવાનો છું એવો મેસેજ કર્યો હતો.કંઈ ગિફ્ટ કુમાર માટે મોકલવી હોય તો....
એવું પણ એ ટેમુડાનો બચ્ચો કહેતો હતો..એ સાચે જ, જો અમદાવાદ ગયો હોય તો હું એને જ આ રણછોડ વિશે માહિતી લાવી આપવાનું કહું ! સાલ્લો ટેમુ રણછોડના આગલા જનમની માહિતી પણ લાવી આપે એવો છે !" એમ વિચારીને એ હસી પડી.

નયનાએ વોટ્સએપમાં ટેમુને મેસેજ ટાઈપ કરવા માંડ્યો.ટેમુ થોડીવારે ઓનલાઈન થયો એ નીનાએ જોયું.

"ડિયર ફ્રેન્ડ ટેમુ, મારુ એક કામ કરવાનું છે.વી.એસ.હોસ્પિટલમાં રણછોડ નામનો એક વ્યક્તિ દાખલ થયેલો છે, એની તબિયત એકદમ ખરાબ છે.એ કોણ છે, કયા ગામનો છે વગેરે જાણવાનું છે.તું કોઈને કહેતો નહીં, આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ "

"ઓ હાઈ..ડિયર નીનું.🤗ડિટેકટિવનું કામકાજ શરૂ કર્યું કે શું ? વિરલ કુમારની CID 😎કરવાની છે ? એ રણછોડ એની એક્સ ગર્લફ્રેન્ડનો 😍 લાઈવ બોયફ્રેન્ડ છે ? 😜" ટેમુએ રીપ્લાય આપ્યો.

"ચંપલાઈ નહિ જોઈએ ટેમુડા.😠
કામ કરવાનો હોય તો હા પાડ. નહિતર હું મારી રીતે કરી લઈશ."

"🤐"

"હા, બસ. તું અમદાવાદ જ છો ને ? તો મારું આટલું કામ કરી આપજે હોને બકા..🙂"

"તને કોઈ દિવસ ના પાડી છે.કાલે એ રણછોડીયાને તારી સમક્ષ હાજર કરી દઈશ બસ.યે ટેમુ કા વાદા હૈ..😍😚"

"હાજર નથી કરવાનો અલ્યા ટેમુડા..તું ખાલી તપાસ કરને.."

"જેસા આપ મોહતરમાં ચાહે.એ નાચીઝ આપકી ખીદમતમેં હાજીર હય..🤗"

"વાયડો..😏" કહી નીનાએ ઓફ લાઈન થઈને જાણે કંઈ બન્યું જ નથી એવા હાવભાવ સાથે નીચે ગઈ.

*

ટ્રેન આગળના સ્ટેશને ઉભી રહી એટલે બાબો અને ટેમુ આગળ પાછળના ડબામાં પેલી છોકરીની તપાસ કરવા છુટા પડી ગયા.મોઢા પર ચૂંદડી બાંધેલી એ છોકરી કોણ છે એ જાણવા બંને અધીરા થયા હતા.

બાબો આગળના ડબ્બામાં ચડતો હતો ત્યારે જ એણે એ છોકરીને એ ડબ્બાની આગળની બાજુએથી ઉતરતી જોઈ.એને કદાચ ખ્યાલ આવી ગયો હતો કે બાબો અને ટેમુ એની પાછળ પડ્યા છે.એટલે એ નાસી રહી હતી.બાબો એને જોઈને ટ્રેનમાં ચડવાને બદલે પ્લેટફોર્મ પર આગળ વધ્યો.સ્ટેશનની બહાર ચારેકોર અંધારું ઉતરી રહ્યું હતું.
એ સ્ટેશન પણ આગળના ગામનું નાનું સ્ટેશન હતું. પ્લેટફોર્મ પર લાઈટો ઝળહળી રહી હતી.

બાબાએ ઉતાવળે ચાલતા ચાલતા ખિસ્સામાંથી ફોન કાઢ્યો.પણ એનો ફોન કમનસીબે ફરીવાર બંધ થઈ ગયો હતો.
"ઓહ..આ ડબ્લાએ ખરે વખતે દગો દીધો.." એમ બબડતા એણે ઝડપ વધારી.

પેલી છોકરીએ પાછળ ફરીને જોયું.બાબાને આવતો જોઈએ એ તરત જ ડબામાં ચડી ગઈ.

"મારી બેટી સંતાકુકડીની રમતે ચડી છે.પણ હું બાબો આ રમતમાં બહુ હુંશિયાર છું ઈ તને ખબર્ય નય હોય..ઉભી રેજે તારી જાતની.." કહી બાબો પણ એ ડબામાં ચડ્યો.એ જ વખતે ટ્રેન ઉપડી.

બાબાએ કંપાર્ટમેન્ટ વચ્ચેના પેસેજમાં નજર દોડાવી.એ છોકરી આગળના દરવાજા તરફ જઈ રહી હતી.એને છેલ્લા કંપાર્ટમેન્ટની પાછળના પ્લેટફોર્મ તરફના દરવાજા બાજુ જતી જોઈને બાબાએ લગભગ દોટ જ મૂકી..

ટ્રેન હવે સ્પીડ પકડી ચુકી હતી એટલે એ છોકરી ઉતરી શકવાની નહોતી એ બાબો જાણતો હતો.
અને એ ડબામાંથી આગળના ડબામાં જઈ શકાય તેમ નહોતું..

બાબો છેલ્લા કંપાર્ટમેન્ટ પાસે પહોંચ્યો.એ છોકરી દરવાજાથી થોડી અંદર ઉભી હતી.કારણ કે દરવાજામાં બે જણા ડબાના પગથિયામાં પગ મૂકીને બેઠા હતા.
ડબાની સિલિંગમાં લોખંડની જાળીમાંથી બલ્બનો પ્રકાશ એ ભાગને અજવાળી રહ્યો હતો.પેલા બંને બીડીઓ પીતા પીતા વાતો કરતા હતા.

બાબો છેલ્લા કંપાર્ટમેન્ટની સીટો પાસે જમણી તરફના દરવાજા પાસે આવીને ઉભો રહ્યો.ડાબી તરફના કંપાર્ટમેન્ટમાં ચાર દેહાતીઓ બેઠા હતા.ઉપરના પાટિયા પર બે જણા માથે ઓઢીને સુતેલા હતા.જમણી તરફ વિન્ડો પાસે સામસામે બે સીટો હતી જે ખાલી હતી.

"બહુ સંતાકુકડી રમ્યા.હું તને હેરાન નથી કરવા માંગતો પણ તું કોણ છો એ મારે જાણવું છે.અને આવી અંધારી રાતે તું એકલી ક્યાં જાય છે ? ઘેરથી ભાગી છો ?"
પેલીને હળવેથી કહી, બાબો દરવાજા પાસેની સીટ છોડીને અંદરની સીટ પર બેઠો.જ્યાંથી પેલી છોકરી પર નજર રાખી શકાય તેમ હતું. પેલી કંઈ પણ બોલ્યા વગર બાબાને તાકી રહી હતી.બાબો એની સામે જોઈને હસ્યો.

દરવાજામાં બેઠેલા પેલા બે જણે પેસેજમાં ઉભેલી એકલી છોકરીને જોઈ.ટ્રેનના પૈડાંના અવાજ અને બહારથી આવતા પવનને કારણે બાબાએ પેલી છોકરીને જે કહ્યું એ પેલાઓએ સાંભળ્યું નહોતું.

બંનેની દાઢી વધેલી હતી. પહેરણના ઉપરના ત્રણ બટન ખુલ્લા હતા.પહેરણ નીચે મેલા ઘેલા પેન્ટ એ બંનેએ પહેર્યા હતા.
છોકરીને જોઈ એ લોકો એકબીજા સામે જોઈ હસ્યાં.

"જંતરડા જેવો માલ સ.અન પાસું આંકડે મધ..ઈય પાસું માયખું વગરનું...સાટી લેવા જેવું સ.ખેંહી લેવી સ જેમા ?" એકજણે હોઠ ઉપર જીભ ફેરવીને બીજાને કહ્યું.

"ભોથિયા,લાગસ તો એવું જ..કોક ઉજળિયાતની સોડી લાગસ.પણ એકલી તો નો હોય..ડબામાં કોક ઈની હાર્યે હસે.." જેમાએ પેલીને પગથી માથા સુધી જોઈને કહ્યું.

"લે હું ડબામાં સક્કર મારતો આવું.આપડે સડ્યા તારે તો આ સોડી ડબામાં નો'તી,મનસેક (મને લાગે છે કે..) વાંહ્યલા ટેસણેથી સડી લાગે સે.કોક હાર્યે હોય તો આવડી આ આંય સુ લેવા ઉભી રે ? સંડાસ તો ઓલીકોર્ય સે.નકરેય ઈમ થાય કે હળવી થાવા આવી હોય..લે હું આંટો મારી આવું.પસી હું ડબા પધોર્ય (બાજુ) ઉભો રવ એટલે તું ખેંહી લેજે..ઘડીક સોળવી.. સે હાળી માખણ જેવી.." કહીને ભોથિયો ઉઠ્યો.

પેલી છોકરીએ આ બંનેની વાતો સાંભળી.એના મનમાં ભય પેઠો.
ભોથિયો દરવાજામાંથી ઉઠ્યો એટલે તરત જ એ બાબાની સામેની ખાલી સીટમાં આવીને બેસી ગઈ.

એની પાછળ આવેલો ભોથિયો બાબાને જોઈને ત્યાંથી જ પાછો વળી ગયો. જેમો પણ ઉઠીને અંદરની તરફ આવ્યો હતો..

"કાં..? હવે ભાન થઈને ? કંઈ ભાન પડે છે ? આમ એકલા નીકળી પડાય ? "બાબાએ પેલીને કહ્યું.

પેલી નીચું જોઈને રડવા લાગી. બાબાએ ખીસ્સામાંથી રૂમાલ કાઢીને એને આપ્યો.પેલીએ રડતી આંખે બાબા સામે જોયું અને એની ચૂંદડીના છેડેથી આંખો લૂછી કાઢી.

"આપણા ગામની છો ? મને ઓળખે છ ?" બાબાએ કહ્યું.
પેલીએ માથું ધુણાવીને હા પાડી.
એટલે બાબાને નિરાંત થઈ.ગામની એક દીકરીને બચાવવા બદલ એને સંતોષ થઈ રહ્યો હતો. બાબાએ એને વધુ કંઈ પૂછ્યું નહીં, પણ બારણાં પાસેના પેસેજમાં ઉભેલા જેમા અને ભોથિયાએ બાબાનો આ સંવાદ સાંભળ્યો.

"સોડી જીની હાર્યે બેઠી સે ઇવડો ઈ હાર્યે આવેલો નથી લાગતો. સોડી ઘરેથી ભાગી હોય ઈમ લાગસ.ઘડીક વાટ જોવી, રાત્ય થોડીક જાવા દે.ઈ જાડિયો હુઈ જાય પસી આને ખેંહી લેહુ..'' કહી જેમો ભોથિયાને ફરીવાર દરવાજામાં લઈ ગયો.

"હું કોણ છું એ તમારે જાણવું નથી ?" પેલીએ થોડીવારે બાબાને કહ્યું.

"ના, મારે હવે નથી જાણવું.તું બસ ઘેર સહી સલામત પાછી જતી રહે એ જ મારે મન બસ છે.તું કોની દીકરી છો એ હું જાણીશ તો ગામમાં તારા પિતાને જોઈને મને ગુસ્સો આવશે,અથવા દયા આવશે...હું કોઈની આબરૂ જાય એવું નથી ઈચ્છતો.ભલે ગામમાં મેં બહુ તોફાન કર્યા છે, જેને જે તેને માર માર્યો છે પણ આખરે હું તભાભાભાનો દીકરો છું.મને એમણે સંસ્કાર આપ્યા છે.તારી પાસે ફોન હોય તો તું અત્યારે જ તારા પિતાજીને ફોન કરીને કહી દે કે કાલે તું ઘેર પાછી જઈશ.તારી મમ્મીનો વિચાર કર..એ બિચારીએ મોઢામાં અન્ન નહી નાખ્યું હોય.જેની જુવાન દીકરી ઘરેથી ભાગી ગઈ હોય ઈ માબાપની વેદના શું હોય ઈ તને ખબર નથી.તારે તારા મા બાપની આબરૂનો વિચાર કરવો જોવે. તને શું એટલા માટે જનમ આપીને, લાડ કોડથી ઉછેરીને મોટી કરીતી ? માબાપનું મો ઊંચું કરી નો શકો તો કંઈ નહીં પણ તમારે કારણે સમાજમાં એને નીચું જોવું પડે એવું કરવાનો તમને કોઈ અધિકાર નથી.. તું કદાચ કોકના પ્રેમમાં આંધળી થઈને તારા માબાપના પ્રેમને પાટું મારવા ઉભી થઈ છો, પણ યાદ રાખજે આ દુનિયામાં જો કોઈ સાચો અને સૌથી વધુ પ્રેમ આપી શકે એવું હોય તો ઈ બે જ વ્યક્તિ હોય છે,એક મા અને બીજો બાપ. આ સિવાયના દરેક પ્રેમ કંઈને કંઈ સ્વાર્થને કારણે જ હોય છે સમજી ? "

પેલી છોકરી હીબકાં ભરીને રડવા લાગી.એણે બંને હાથ મોં પર મૂકી દીધા.ટ્રેન વહીસલ વગાડતી સ્પીડથી ચાલી રહી હતી.

છોકરીએ હળવેથી પર્સમાંથી ફોન કાઢ્યો.એના હાથ ધ્રુઝતા હતા. ઊંચી કંપનીનો મોંઘો ફોન જોઈ બાબો સમજી ગયો કે આ છોકરી કોઈ પૈસાદાર માણસની છે.ગામમાં આવા પૈસાદાર કેટલા છે ? બાબાએ મગજ કસવાનું માંડી વાળ્યું.જો કે એ ધારત તો એ જ વખતે છોકરી કોણ છે એ જાણી શકતો હતો.પણ બાબાને જાણવું નહોતું.

"બાપુ...હું કાલે ઘેર આવતી રહીશ.હું ઘેરથી ભાગી જ ગઈ છું.પણ હવે મને પસ્તાવો થાય છે.
હું કાલે ઘરે આવતી રહીશ.હું સલામત છું મારી ચિંતા ન કરતા.
આપણા ગામના એકભાઈ મારી સાથે છે.એમણે મને ન સમજાવી હોત તો હું ક્યારેય ઘરે આવવાની નહોતી.પણ હવે મારો વિચાર બદલાઈ ગયો છે..હેં..? એ બધું જ હું ઘરે આવીને કહીશ.મને મારી નાખવી હોય તો મારી નાખજો..મેં તમે માફ કરી શકો એવો ગુન્હો નથી કર્યો..!" કહીને એ છોકરીએ ફોન કટ કરીને બાબાને તાકી રહી.

"હવે ચિંતા ન કરતી.અમદાવાદ પહોંચીને તને વળતી ટ્રેનમાં જ બેસાડી દઈશ.જરૂર પડશે તો હું પણ સાથે જ આવીશ.નિરાંતે બેસી જા હવે " કહી બાબો ઉભો થયો.
ભોથિયો અને જેમો ડાબી બાજુના દરવાજામાં પહેલાની જેમ જ બેસી ગયા હતા.આ છોકરી એનાથી ડરીને જ પોતાની સામે આવીને બેસી ગઈ હતી એ બાબો જાણતો હતો.કારણ કે એ આવીને બેઠી ત્યારે એની પાછળ આ ભોથિયો પણ ડોકાઈને પાછો વળી ગયો હતો.

બાબો એ બંનેની બરાબર પાછળ જઈને ઉભો રહ્યો.દરવાજાના બંને તરફના સળિયા પકડીને પેલા ઉપર ઝુકીને માવાની પિચકારી મારી.ગાડીના વેગને કારણે ધસી આવતા પવનમાં એ પિચકારી ફુવારો બનીને ભોથા અને જેમાના મો પર છંટાઈ.

"અલ્યા ચયાંથી આયો સો ? અને કઈ જાત્યનો સો..તારા બાપ અમી આંય બેઠા સવી તોય થુક્યો ?"

ભોથિયો અને જેમો ઉઠવા ગયા એવો જ ભોથિયાના ડેબામાં બાબાએ ઢીંચણ મુક્યો.અને એક સળિયો મૂકીને જેમાની બોચી પકડી.

"આંય વાંહ્યલા ડબામાંથી આયો છું અને ભામણ છું.પગે લાગો નકર હમણે બેયને બહાર નાખી દઈશ.કોક એકલી છોકરી જોઈને શૂરાતન ચડે છે ને ? આ એક બહુ મોટો રોગ કેવાય, અને ઈ રોગની દવા મારી કને છે દીકરાઓ..!''
બાબાએ બહાર તરફ સહેજ ધક્કો દઈને કહ્યું.

પેલા બંનેએ તરત જ હાથ જોડ્યા, "મૂકી દ્યો મા'રાજ..ભૂલ થેઈ જઈ.. હવે આવું નય કરવી બાપા.સાલું ગાડીએ હેઠે નાખી દેહો તો અમે મરી જાશું..બયરા સોકરા રખડી પડશે."

"તો આવા કાળા કામ કરતા પેલા કેમ બયરા સોકરાવનો વિચાર આવતો નથી.." કહી બાબાએ જેમાની બોચી મૂકીને એના ડેબામાં કોણીપ્રહાર કર્યો. સુકલકડી કાયાનો જેમાના ગળામાંથી રાડ નીકળી ગઈ. બાબાએ ભોથિયા પરથી ઢીંચણ હટાવી બીજો કોણીપ્રહાર એના ડેબામાં કર્યો.જેમાં કરતા પણ મોટો બરાડો ભોથિયાના ગળામાંથી નીકળ્યો.એ બંનેના બોકાસા સાંભળીને પેલી છોકરી અને પહેલા કંપાર્ટમેન્ટમાંથી પેલા ચારેય દેહાતીઓ દરવાજાના પેસેજમાં ધસી આવ્યા.

બાબાએ બંનેને છોડી દીધા.એ બેઉ વળ ખાતા હતા.બાબાએ બંનેના માથા પકડીને જોરથી ભટકાડયા.

"એકલી છોકરીને જોઈને ચાળા કરતા'તા.એટલે જરાક રીપેર કરવા પડ્યા.મગજમાં અમુક સ્પેરપાર્ટ્સ ક્યારેક હલી જાય ત્યારે માણસને મોળા કામ કરવાનું સુઝે છે.જરાક ધોલથપાટ કરીએ એટલે ઢીલા પડી ગયેલા બોલ્ટ ટાઈટ થઈ જાય છે.માણસ સીધો થઈ જાય છે હમજયા.." બાબો પેલા દેહાતીને આમ કહી હસ્યો.

"બરોબર સે ભાઈ.ઈ અમારા ગામના જ સે.મુવાવને મેથીપાક દેવાની જરૂર જ હતી."

એ વખતે આગળનું સ્ટેશન આવતા ગાડી ધીમી પડી.બાબાએ પેલી છોકરીને કહ્યું, ''ટેમુ આપણને શોધતો હશે..એ પાછળ તરફ ગયો છે.મારે એને ફોન કરવો છે પણ મારો ફોન બગડી ગયો છે."

"લો મારા ફોનમાંથી એને ફોન કરી દો.."

બાબાએ એના હાથમાંથી ફોન લઈને ટેમુને ફોન લગાડીને 'પંખીને પકડી લીધું છે.તું ક્યાં છો અમેં ડબા નંબર 4માં છીએ."

"હું જેની સાથે ભાગવાની હતી એ આવ્યો નહિ..હું એને શોધવા પાછળના ડબામાં ગઈ હતી.એ નલાયકે મને કીધું'તું કે સાંજની ગાડીમાં હું આવીશ.."પેલી છોકરીએ બાબાને કહ્યું

"એટલે તું કોઈ છોકરા જોડે ભાગી જવાની હતી ? પ્રેમ પ્રકરણ છે ? એવા કાયરને તેં પ્રેમ કર્યો ?
જેને તારી હાલત શું થશે એ પણ ન વિચાર્યું ?" બાબાના આશ્ચર્યનો પાર ન રહ્યો.

પેલી કાંઈ બોલી નહીં. બાબાએ પણ વધુ લેક્ચર આપવાનું માંડી વાળ્યું.ટ્રેન ઉપડી એ પહેલાં જ ટેમુ દોડતો આવીને એ ડબામાં ચડ્યો.
બારણામાં જ ભોથિયો એને જેમો બાબાના હાથનો માર ખાઈને બેવડ વળી ગયા હતા.એ લોકોને ટપીને ટેમુ અંદર આવ્યો કે તરત જ પહેલી જ સીટમાં એણે બાબાને જોયો.અને એની સામે હજીપણ પોતાનું મોં ઢાંકીને પેલું પંખી બેઠું હતું.

ટેમુ અંદરના કંપાર્ટમેન્ટની સીટના ખુણા પર પેલી સામે મોઢું રહે તેમ બેઠો.ટેમુ હજી પણ હાંફી રહ્યો હતો.

"માંડ પોગ્યો યાર..''

"પણ એટલી બધી ઉતાવળ શું હતી.ટ્રેન તો બધા સ્ટેશને ઉભી રે છે.આગળના સ્ટેશનથી આવ્યો હોત તોય હાલત.આ કંઈ હવે ભાગી જવાની નથી."

"કોણ છે એ મેડમજી..." ટેમુએ પૂછ્યું.બાબાની ના હોવા છતાં એ છોકરીએ મોં પરથી ચૂંદડી કાઢી નાખી.ડબાના પેસેજની સિલિંગ લાઈટના પ્રકાશમાં એ છોકરીનો સુંદર ચહેરો જોઈને બાબા અને ટેમુની આંખો પહોળી થઈ ગઈ..!

(ક્રમશ :)