MOJISTAN - 50 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 50

મોજીસ્તાન - 50

મોજીસ્તાન (50)

ટ્રેનમાં બેઠા પછી બાબો સાથે હોવાથી વીજળી નિરાંતે ઊંઘી ગઈ.હવે એને કોઈ ચિંતા રહી નહોતી.કારણ કે બાબો બધી રીતે પહોંચી વળે એવો હતો.

સોમનાથ મેલ પૂરઝડપે બોટાદ તરફ જઈ રહ્યો હતો.ધંધુકા પછી વચ્ચેના કોઈપણ લોકલ સ્ટેશન પર આ ટ્રેન થોભતી નહોતી.એટલે હવે પછી બોટાદ જવાનું ફાઇનલ હોવાથી બાબાએ કોના ઘેર જવું એ વિચારી લીધું.

ભોથિયા અને જેમાની ટોળીને પાઠ ભણાવ્યા પછી હવે કોઈ ડર નહોતો.એટલે બાબો પણ નિરાંતે ઊંઘી ગયો.

રાતના બે વાગ્યે સોમનાથ મેલ બોટાદના રેલવે સ્ટેશન પર આવીને ઉભો રહ્યો એટલે બાબાની આંખ ખુલી ગઈ.વીજળીને જગાડીને બંને નીચે ઉતર્યા.

રેલવે સ્ટેશન બહાર નીકળીને બાબાએ રીક્ષા કરીને બ્રાહ્મણ ફળિયાનું એડ્રેસ આપ્યું.

નર્મદાશંકર પંડ્યા તભાભાભાના સગા સાઢુભાઈ હતા.રીક્ષા જ્યારે બ્રાહ્મણ ફળિયામાં પહોંચી ત્યારે રાતના અઢી વાગી ગયા હતા. બોટાદના પાળીયાદ રોડ પર આવેલી બ્રાહ્મણ સોસાયટીમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ હતી.ગેટ આગળ ખુરશીમાં બેઠેલો વોચમેન ઝોકા ખાતો હતો.

બાબાએ રિક્ષામાંથી ઉતરીને ભાડું ચૂકવ્યું અને ઘર નં 233/05
નો લોખંડનો ઝાંપો ખોલીને ફળિયામાં પ્રવેશ કર્યો કે તરત જ ઘરમાં અને ફળિયામાં લાઈટ થઈ ગઈ.બારીમાંથી નર્મદાશંકરે, કોઈ છોકરી સાથે આવેલા બાબાશંકરને ઓળખ્યો. તરત જ ઉભા થઈને એમણે દરવાજો ખોલ્યો.

રાતના અઢીવાગ્યે સાઢુભાઈનો છોકરો કોઈ છોકરીને લઈને આવ્યો એટલે અનેક પ્રશ્નો નર્મદાશંકરના મનમાં ઉઠ્યાં. પણ એ અનેક સવાલોમાંથી એમણે એક પણ સવાલ બાબાને પૂછ્યો નહિ.

''આવ દીકરા, આમ આટલી રાતે છોકરીને લઈને આવ્યો છો તું જરૂર કંઈક વાત હશે.પણ એ બધી વાત આપણે સવારે કરીશું.
તમારે બેઉને જમવાનું છે ?"

બાબાએ નીચા નમીને કાકાને પ્રણામ કર્યા.વીજળીએ પણ એનું અનુસરણ કર્યું.

"દીર્ઘાયુ ભવ..અખંડ સૌભાગ્યવતી ભવ..ખૂબ ખૂબ ખુશ રહો અને સુખી થાવો..!'' કાકા સ્વાભાવિક રીતે જે સમજ્યા હતા એ મુજબ એમણે આશીર્વાદ આપ્યાં એટલે બાબો હસી પડ્યો.

"કાકા, તમે સમજો છો એવું કંઈ નથી. હું સવારે તમને બધું સમજાવીશ.અત્યારે સુવાની વ્યવસ્થા કરો.."

નર્મદાશંકર પણ નવાઈ પામીને બાબાને ઘડીભર જોઈ રહ્યા.તેઓ બાબાના બુદ્ધિચાતુર્ય અને સંસ્કારથી સુપેરે વાકેફ હતા.તભા ગોર પોતાને ત્યાં ખુદ સત્યનારાયણ ભગવાને જ અવતાર ધર્યો હોવાનું કહેતા અને નર્મદાશંકર સહિત મોટાભાગના સગાંવહાલાંઓએ એમનો આ દાવો માન્ય રાખ્યો હતો.

બહારના રૂમમાં થતી વાતો સાંભળીને બાબાના માસી પણ ઉઠીને બહાર આવ્યા.બાબાને અને વીજળીને જોતાવેંત તેમની ઊંઘ ઊડી ગઈ.ભાણિયો કોકની છોકરી ભગાડીને આવ્યો હોવાની શંકાથી માસી ગુસ્સે થઈ રહ્યાં હતાં.

"અરે..બાબાલાલ..તું ? આ કોને ભગાડી લાવ્યો છો ? કઈ નાતની છે ? હલકાકુળની હોય તો અત્યારે ને અત્યારે અહીંથી ચાલતો થા. મારા ઘરમાં હું ભાગેડુને નહિ સંઘરૂ..બાપની આબરૂનો તો વિચાર કરવો'તો ! અતારની પરજા પ્રેમમાં આંધળી થઈ જાય છે.નાત જાત જોયા વગર હાલી જ નીકળે છે..બાબા તારા મા બાપની આબરૂનો'ય વિચાર નો કર્યો ? સતનારણનો અવતાર આવો હોય..? નાલાયક !''

"અરે અરે..મહારાજ તમે રાડો ન પાડો.એની વાત તો સાંભળો.કંઈ જાણ્યા સમજ્યા વગર આમ ભરડવા નો મંડાય..એ કોઈને ભગાડીને નથી લાવ્યો.સવારે બધી વાત કરશે..હવે આ દીકરીને ઘરમાં લઈ જાવ અને સુવાની વ્યવસ્થા કરો..હું અને બાબો આ રૂમમાં જ સુઈ જઈશું.." નર્મદાશંકરે શાંતિથી કહ્યું.

"માસી,તમને હું એવો લાગુ છું ? મારા માટે કુળની આબરૂ કરતા કશું જ વિશેષ નથી.ચાલો હવે હું અત્યારે જ તમને કહી દઉં.આ છોકરી અમારા ગામની છે.એ અમદાવાદ ભણે છે અને આજ એ અમદાવાદથી એ ઘેર આવતી હતી અને હું ધંધુકાથી આવતો હતો. અમે ટ્રેનમાં સાથે થઈ ગયા. અમારા ગામના સ્ટેશને સોમનાથ મેલ ઉભો ન રહ્યો એટલે પછી બોટાદ જ આવવું પડે એમ હતું.આટલી રાતે એ બિચારી એકલી ક્યાં જાય કહો જોવ ? એટલે હું એને મારી સાથે લઈ આવ્યો.ગામની બહેન દીકરીનું રક્ષણ કરવું એ પાપ હોય તો હું અત્યારે જ ચાલ્યો જાઉં..!"

"ઓહો..એમ વાત છે. મને એમ તો તારી ઉપર પૂરો ભરોસો છે.તું કોઈ દિવસ આવું કરે તો નહીં જ ! પણ આતો શું થયું કે..."

"હવે જે થયું તે મહારાજ..તમે આ બિચારી દીકરીને અંદર લઈ જાવ.થાકી ગઈ હશે.પાણી બાણી તો પાવ.અને થોડા લાડું કાઢો ડબ્બામાંથી.મહેમાનને સાવ ભૂખ્યા ન સુવડાવાય.." નર્મદાશંકર એમના પત્નીને મહારાજ કહીને જ બોલાવતા.એ મહારાજ એમનું મોટું વક્તવ્ય આપે એ પહેલાં એમને અટકાવવા જરૂરી હતા.

બાબા અને વીજળીએ લાડુંનો નાસ્તો કર્યો.પોતાના વિશે બાબાએ જે વાત કરી એ જોઈ વીજળીને બાબા પ્રત્યે ખૂબ જ માન થઈ રહ્યું હતું.ગામનો તોફાની અને જેની તેની સળી કરતો આ બાહ્મણનો છોકરો આટલો સમજદાર હશે એનો વીજળીને જરાક પણ અંદાજ નહોતો !

બીજા દિવસે સવારે બાબો અને વીજળી નર્મદાશંકરના ઘેરથી ગામ આવવા ટ્રેનમાં બેઠા.

*

તખુભાએ આખરે હુકમચંદ સાથે મળીને ધરમશી ધંધુકિયાની પાર્ટી
લોકપાલન પક્ષ (LPP)માં જોડાઈ જવાનું નક્કી કર્યું.તખુભાના જમણા હાથ જેવા જાદવે પણ લાંબો વિચાર કરીને લીલી ઝંડી આપી.

તખુભાનો મળવા માટેનો ફોન આવ્યો એટલે હુકમચંદ ખુશ થયો.આખરે એની ગોઠવેલી બાજી મુજબ બધું થઈ રહ્યું હતું.
હુકમચંદ તરત જ તખુભાના ઘેર હાજર થયો.

"આખરે તમે ખરો નિર્ણય લીધો.હું તો કે'દીવસનો તમને કહેતો હતો કે સાવ સાચા થઈને રાજકારણમાં કોઈ રહી શકે નહીં.આપડું પેટ ખાલી હોય તો સેવા કેમ થાય ? ઓલી કહેવત તમે સાંભળી છે ને કે ખાય ઈ કામ કરે..ખાધ્યા વગર કેમ કામ થાય કયો લ્યો ! તમને ખાતા નો આવડ્યું,તમારા નામે બીજા ચરી ગ્યા ને નામ તમારું આવ્યું..તે દી માની જ્યા હોત તો આજ તમારું કોઈ નામ પણ નો લેત હમજયા કે નય..!" હુકમચંદે તખુભાની ડેલીમાં ખુરશી પર ગોઠવતા કહ્યું.

હુકમચંદ આવ્યો ત્યારે તખુભા ડેલીમાં ખાટલો ઢાળીને બેઠા હતા.
જાદવ, ભીમો અને ખીમો પણ નીચે પાથરણું પાથરીને બેઠા હતા.
હુકમચંદ માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

"જો ભાઈ હુકમચંદ, પછી મેં ઘણો વિચાર કર્યો.મને આ ગટરવાળું ઉકેલાઈ જાય પછી કોઈ રસ નથી.હું તમારી પાર્ટીને ટેકો જાહેર કરું છું.બદલામાં આ ગૂંચ તમારે ઉકેલી દેવાની.આવતી ચૂંટણીમાં મારા બધા મત તમારા પક્ષમાં જ પડશે. આ તખુભાનું વચન છે !"

"તમારા બોલ ઉપર મને પાક્કો ભરોસો છે.આપડે કાલે ધંધુકા જઈને તમારું ફોર્મ ભરી દેવી.આ જાદવને ને ભીમા ખીમાને પણ સાથે લય લેજો.આપડી જીપ લઈને જ જાશું.પત્રકારો પણ આવશે.છાપામાં તમારો ફોટો પણ છપાશે કે લાળીજાગામના ભૂતપૂર્વ સરપંચ તખુભા LPP માં જોડાયા.." હુકમચંદે હસીને કહ્યું.

"અમારો ફોટો સ્હોતે આવસે સાપામાં ?" ખીમાએ ખુશ થઈને પૂછ્યું.

"હા હા..તમારે બધાને તખુભાની આજુબાજુ ઉભા રહી જાવાનું. અટલે તમારો ફોટોય આવી જાશે.
બોલો બીજું કંઈ ?" ખીમાને કહીને હુકમચંદે તખુભાને કહ્યું.

"તો કાલે સવારે તિયાર રે'જો.."

"હા તો વાંધો નહીં. પણ પછી ઓલ્યા ખોંગ્રેસવાળા આડા અવળા નહીં થાયને ? ઓલ્યો રણછોડ કરીને છે ઈણે મને ઓફર કરી'તી.પણ મને ઈમ અજાણ્યા ઉપર ભરોસો નો બેઠો." તખુભાએ ચોખવટ કરી.

"ઈ રણછોડ ફણછોડનું આપડી આગળ કાંય નો આવે હું હમજયા ? તમતમારે બેફિકર રે'જો. આ વખતે પણ આપણી જીત પાક્કી છે. પછી ચમન ફમન માર્યા ફરે.અને ઈ રણછોડને તો કોકે ઉલાળીને ખાળીયામાં ઠોકી દીધો'તો.એ પડ્યો અમદાવાદની હોસ્પિટલમાં..ટાંગા તો ભાંગી જીયા છે.છ મહિના સુધી ઉભો થાય ઈમ નથી. ચાંચપરાનો મેઈન માણહ હતો એટલે ઇની વગર ખોંગ્રેસમાં કોઈ આગળ હાલે એવું નથી રિયું..અટલે આ વખતે તો ડિપોઝીટ ડુલ નો થઈ જાય તો કે'જોને.ધરમશીભાઈને જંગી બહુમતીથી જીતડવાના છે.એટલે સરકારમાં એકાદું ખાતું પણ મળવાનું છે.અને ધરમશીભાઈને ખાતું મળ્યું એટલે આપડે ઘી કેળા જ હમજોને ! સરકારી કામના કોન્ટ્રાકટ આપણે જ લેવાના છે.હું હમજયા ? હવે તમેય મારી પડખે હોવ અટલે લાભ બાર્ય થોડો જાશે ? "

તખુભા હુકમચંદની દુરંદેશી જોઈ અચરજ પામી ગયા.
'ખાલી પક્ષમાં જોડાવાથી આવડો ફાયદો થાય ? આ હુકમો ગોળા તો નહીં પાતો હોયને !'

"હું ગોળા નથી ફેંકતો હો તખુભા !
તમને હજી બહુ ખબર નો હોય. પણ જોજો આપડો ઝપાટો. મારે તમારી જેવા માણસનો સાથની જ જરૂર હતી." હુકમચંદ, તખુભાના મનની વાત જાણી ગયો હોય એમ બોલ્યો.

"ના ભઈ ના, તમે ગોળા થોડા ફેંકો..! મને તમારા પર વિશ્વાસ છે. તો કાલે ઉપડવી બીજું શું." તખુભાએ હસીને કહ્યું.

જાદવે ચા પાણીની વ્યવસ્થા કરી. હુકમચંદ ચા પીને રવાના થયો.

બીજા દિવસે સવારમાં હુકમચંદનો ફોન આવ્યો.

"હેલો તખુભા,આપડે ગાંધીનગર જવું પડશે.ધરમશીભાઈ અત્યારે ત્યાં છે.ઇમણે બહુ ખુશ થઈને કીધું છે કે સર્કિટહાઉસમાં આપડી વ્યવસ્થા થઈ જશે.બે દિવસ મહેમાનગતિ કરવાની છે.એટલે બે જોડ્ય કપડાં લઈ લેજો.."

તખુભાને પણ પોતાને મળેલું મહત્વ જોઈને આનંદ થયો. ગાંધીનગર જવાનો આ પહેલો જ પ્રસંગ હતો.જાદવો,ભીમો અને ખીમો પણ રાજીના રેડ થઈ ગયા.
સર્કિટ હાઉસ વળી કઈ બલા છે એ જાદવ આણી મંડળીને જોવું અને જાણવું હતું !

તખુભા થેલામાં બે જોડ કપડાં નાખીને તૈયાર થઈ ગયા. રઘલા વાળંદને બોલાવીને ફર્સ્ટક્લાસ દાઢી બનાવડાવી નાખી.નવા પેન્ટ શર્ટ ચડાવીને, જાદવા પાસે બુટને પોલીશ પણ કરાવી નાખ્યા.

"વાહ બાપુ તમે તો જાનમાં જાવાનું હોય એમ તૈયાર થઈ ગયા.." જાદવાએ તખુભાનો ઠાઠ જોઈને કહ્યું.

"અલ્યા, ગાંધીનગરમાં મોટા મોટા નેતાઓ હોય તો ઈમને લાગવું જોવે કે આપડે કાંઈ જેમતેમ નથી. વજન પડવો જોવે હમજ્યો ?" કહી તખુભાએ મૂછોને વળ ચડાવ્યો.

કલાક પછી હુકમચંદની જીપ આવીને તખુભાની ડેલી આગળ ઉભી રહી.જગો ભરવાડ જીપ હાંકતો હતો અને નારસંગ બાજુમાં બેઠો હતો.પાછળની સીટમાં હુકમચંદ સફેદ સફારી પહેરીને બેઠો હતો.

તખુભા હુકમચંદની બાજુમાં બેઠા.જાદવ,ભીમો અને ખેમો જીપની પાછળની સીટોમાં ગોઠવાયા.

ગામની મોટી બજારેથી જીપ નીકળી.તખુભાને હુકમચંદની જીપમાં બેઠેલા જોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ.જ્યારે જીપ વજુશેઠની દુકાન પાસેથી નીકળી ત્યારે વજુશેઠ ચોંકી ઉઠ્યા.

"મારો હાળો આ હુકમો, બેય બાજુ ઢોલકી વગાડતો લાગે છે.મને કે છે કે તખુભાને મદદ નો કરતા.અને પોતે જીપમાં બેહાડીને ઉપડ્યો, નાલાયક સાલ્લો !"

જીપ ધૂળ ઉડાડતી ચાલી ગઈ.
બસસ્ટેન્ડ પરના પાનના ગલ્લે જગો સિગારેટનું પાકીટ લેવા ઉતર્યો ત્યારે ચંચો ત્યાં ઉભો હતો.
હુકમચંદે એની સામે ડોળા કાઢ્યા એટલે એ આડું જોઈ ગયો.એને પણ તખુભા અને જાદવની મંડળી જોઈને નવાઈ લાગી.બે વિરોધી પાર્ટી આજે પહેલીવાર સાથે જોવા મળી હતી.ખંધા હુકમચંદે એટલે જ ગામની વચ્ચેની મોટી બજારેથી જ જીપ હંકાવી હતી.

રસ્તામાં જ બપોર થઈ ગયા એટલે હુકમચંદે બધાને હોટલમાં જમાડ્યા.છેક સાંજે ચાર વાગ્યે ગાંધીનગરના સર્કિટહાઉસ પર પહોંચ્યા. ધરમશી ધંધુકિયાનું નામ આપ્યું એટલે બે રૂમ ખોલી આપવામાં આવ્યા.

બીજા દિવસે એક જાહેરસભામાં સ્ટેજ પર તખુભાને પાર્ટીનો ખેસ પહેરાવીને વિધિવત રીતે સામેલ કરવાના હતા.એટલે હુકમચંદે તખુભાને બરાબર તૈયાર થવાનું કહી દીધું હતું.

તખુભા બાથરૂમમાંથી નાહીને બહાર નીકળ્યા.સર્કિટહાઉસના હાઉસકીપરને ધરમશીભાઈના પીએએ મહેમાનોનું ખાસ ધ્યાન રાખવાનું કહેલું.એટલે એ તખુભા અને હુકમચંદ માટે શેમ્પુની બોટલ આપી ગયેલો.એ બોટલ રૂમમાં આવેલા ડ્રેસિંગ ટેબલ પર પડી રહેલી.હવે હુકમચંદ અને તખુભા ગામમાં કંઈ શેમ્પુથી માથું ધોતા નહોતા એટલે નહાતી વખતે એકેયનો શેમ્પુની જરૂર જણાયેલી નહીં.પણ માથામાં તેલ નાખવાની બંનેને ટેવ હતી.તખુભા નાહીને નીકળ્યા પછી એમણે ડ્રેસિંગ ટેબલ પર પડેલી શેમ્પુની બોટલને તેલની બોટલ સમજીને એક હાથની હથેળીમાં શેમ્પુ કાઢ્યું.
"કદાચ આંયા તેલ આવું જાડું જ આવતું હશે'' એમ સમજીને તખુભાએ શેમ્પુને તેલની જેમ માથામાં લગાવી દીધું.

થોડીવારે હુકમચંદ પણ નાહીને નીકળ્યો.તખુભાએ તેલ નાખીને ઓળેલું માથું જોઈ એને પણ તેલ નાખવાનું મન થયું.એટલે પેલી બોટલમાંથી એણે પણ શેમ્પુને તેલ સમજીને ઠબકારી દીધું !

નવા કપડાં પહેરીને બંને તૈયાર થઈ ગયા.ધરમશીભાઈના પીએનો ફોન આવ્યો એટલે હુકમચંદ અને તખુભા સર્કિટ હાઉસમાંથી સભા મંડપમાં જવા નીકળ્યા.સભામંડપ સર્કિટ હાઉસથી ખાસ દૂર નહોતો એટલે બેઉને ચાલતા જવાનું ઠીક લાગ્યું.

જાદવ,ભીમો અને ખીમો પણ એમની રૂમમાંથી તૈયાર થઈને આવી ગયા હતાં.બધા સભા મંડપમાં પહોંચ્યા એટલે સ્વયં સેવકોએ તખુભા અને હુકમચંદને આગળનો હરોળમાં રાખેલા સોફામાં બેસાડ્યા. જાદવની ટોળી પાછળ ખુરશીમાં ગોઠવાઈ.

થોડીવારે કાર્યક્રમ શરૂ થયો. પક્ષના મહાનુભાવો અને ધારાસભ્ય ધરમશીભાઈએ સ્ટેજ પર સ્થાન લીધું.એનાઉન્સરે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે સભાનું સંચાલન કરવા માંડ્યું.

ચોમાસાની સવારનો સમય હતો પણ આકાશ એકદમ ચોખ્ખું હોવાથી ખુલ્લા મેદાનમાં જ સભાનું આયોજન કરી નાખવામાં આવેલું.અને કાર્યક્રમ બહુ લાંબો નહોતો.ખાસ કરીને કાર્યકરોને અગત્યની સૂચનાઓ અને આગામી ચૂંટણીમાં પ્રચાર કરવાની વ્યૂહરચના સમજાવવમાં આવી રહી હતી.

અચાનક ઝીણા ફોરે વરસાદ શરૂ થયો.પણ આવા ઝરમર વરસાદની ખાસ અસર સભા પર તો ન થઈ,
પણ હુકમચંદ અને તખુભાએ તેલ સમજીને માથામાં ચોપડેલા શેમ્પુ પર સારી એવી અસર થઈ !

બંનેના માથામાં પડેલા વરસાદના ફોરાંઓએ શેમ્પુ સાથે ભળીને ફીણ ઉત્પન કર્યા.હુકમચંદ તખુભાના માથામાં ફીણ વળેલા જોઈને હસ્યો.

''તખુભા, તમે માથામાં શું નાખ્યું છે.વરસાદનું પાણી તમારા માથામાં પડ્યું એટલે ફીણ વળ્યાં છે. "

તખુભાએ માથા પર હાથ ફેરવ્યો એટલે એમના હાથમાં ફીણ ચોંટયા.પાછળ બેઠેલા કાર્યકરો મહેમાનોના માથે વળેલા ફીણ જોઈ હસી પડ્યા.

"તમારા માથામાં પણ ફીણ વળ્યાં છે હુકમચંદ..! આપડે જે તેલ નાખ્યું ઈમાં કાંઈક વાંધો હોય એમ લાગે છે !'' કહી તખુભા પણ હસ્યાં.

વરસાદ પણ બંને મહાનુભાવોને સત્કારવા માંગતો હોય એમ થોડા વધુ મોટા છાંટા નાખવા લાગ્યો.
હુકમચંદ અને તખુભાના માથામાંથી ફીણના રગેડા ઉતરીને ચહેરા પર આવવા લાગ્યા. સભામાં હસહસ થઈ ગઈ.

આ દ્રશ્ય જોઈ સ્ટેજ પર બેઠેલા મહાનુભાવવો પણ હસ્યાં. થોડીવારે ધરમશીભાઈના પીએએ કોઈને મોકલીને ટુવાલની વ્યવસ્થા કરાવી..!

તખુભા અને હુકમચંદે મોં અને માથું લૂછયું. પણ શેમ્પુ એમ કંઈ જાય એવું લાગતું નહોતું. સદનસીબે વરસાદ બંધ થઈ જતા બંનેએ રાહત અનુભવી.

આખરે એનાઉન્સરે સભાને કંટ્રોલમાં લઈ તખુભા અને હુકમચંદને સ્ટેજ પર બોલાવી સન્માન કરાવ્યું.

ધારાસભ્ય ધરમશીભાઈએ તખુભાને પાર્ટીનો ખેસ પહેરાવ્યો.
અને સૌએ ટાળીઓનો ગગડાટ કર્યો.

સર્કિટહાઉસ પર આવીને બેઉએ પેલી બોટલ તપાસતા એમને ખ્યાલ અવ્યો કે હાઉસકીપરે તેલની બોટલ જેવી જ શેમ્પુની બોટલ મૂકી હોવાથી માથામાં તેલને બદલે શેમ્પુ નખાઈ ગયું હતું..!

હુકમચંદ અને તખુભા પણ હસી પડ્યા..એ જોઈ બહાર ઉભેલા જાદવ,ભીમો અને ખીમો પણ ખખડી પડ્યા !

(ક્રમશ:)


Rate & Review

Jainish Dudhat JD

😄😄😄😄😄

Parash Dhulia

Parash Dhulia 8 months ago

Vijay

Vijay 8 months ago

Nisha

Nisha 8 months ago

Dhaval Thakkar

Dhaval Thakkar 8 months ago