MOJISTAN - 53 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 53

મોજીસ્તાન - 53

ભૂત સાથેની વાત પરથી બાબો સમજી ગયો હતો કે ફોન કરનાર ગામનો જ કોઈ માણસ હોવો જોઈએ. ભાભાની ઉલટતપાસને અંતે હબા પર એને શક ગયો હતો. કદાચ હબાએ જ ભૂત બનીને ભાભાને હેરાન કર્યા હોય.

બાબાએ રાત્રે સૂતા સુતા જ હબાની હવા કાઢી નાખવાનો કારસો વિચારી લીધો. બીજે દિવસે સોપારીનો ડૂચો ગલોફામાં ભરીને એ હબાની દુકાને ગયો.
હબો એક બે ઘરાકને જોઈતી ચીજો આપવામાં વ્યસ્ત હતો.એટલે બાબો થોડીવાર નગીનદાસના ઓટલે બેઠો.બાબાને જોઈને હબાના મનમાં ભય પ્રસર્યો. જ્યારે જ્યારે એણે બાબા સાથે પંગો લીધો હતો ત્યારે ત્યારે એને માર જ ખાવો પડેલો.આજ એ સવાર સવારમાં નગીનદાસના ઓટલે આવીને બેઠો એટલે એને નવાઈ તો લાગી જ હતી.

હબો કોઈ ગ્રાહકને દાળિયા આપી રહ્યો હતો.એ જ વખતે બાબાએ કોઈને ફોન લગાડ્યો...

"હેલો..શાસ્ત્રિકાકા,આપણે પેલી ભૂતમોક્ષની વિધિ કરવી પડશે.બે રાતથી પિતાજીને કોઈ વ્યક્તિ ભૂતના નામે ફોન કરે છે...હેં..?
અરે...ના રે ના..ભૂત બૂત ફોન ન કરે.અમારા ગામનો જ કોઈ માણસ ભૂતના નામે ભાભાને ભડકાવે છે.હા હા મેં જ કાલે ફોન ઉપાડેલો..ફોનમાં મને એ માણસના અવાજ સાથે કૂતરાં ભસવાનો અને કોઈ ગાડીનો હોર્ન પણ સાંભળ્યો હતો.એટલે કોક માણસ જ ફોન કરે છે ઈ પાક્કું છે. આપણે પીશાચ-પ્રસન્ન-યજ્ઞ કરવો છે.તમે આઠ બ્રાહ્મણો લઈને આવી જજો.આજ રાતે પિશાચને પ્રસન્ન કરીને આ ભૂત બનવાના શોખીન માણસની પાછળ વળગાડી દઈએ એટલે સાચોસાચ એ ભૂત જ થઈ જાય..કેમ બરોબરને ?" કહી બાબાએ હબા સામે જોયું.

બાબાની વાત સાંભળીને હબો નવાઈ પામ્યો.એના ચહેરા પર ભયની કોઈ લકીર બાબાને દેખાઈ નહીં.

"ધતિંગ છે ધતિંગ,આખા ગામને બાપદીકરો ઉલ્લુ બનાવે સે..આ જમાનામાં આવું કોણ માને ? હાલી જ નીકળ્યા સે હાલી" હબાએ બાબાને સંભળાય એમ બબડાટ કર્યો.

"એક પાન બનાવને ભાઈ હબા,
જે વાતમાં આપણને સમજણ ન પડતી હોય એમાં બહુ માથું નો મરાય સમજ્યો ? અમારા શાસ્ત્રી કાકાએ કર્ણપીચાશીની સિદ્ધ કરી છે.મેલી વિદ્યા વિશે તો તને ખબર જ હશે..ભાભાને રાતે કોઈ ભૂત બનીને ફોન કરે છે એને સચોસાચ ભૂત બનાવી દેવાનો છે.." બાબો ઓટલા પરથી ઉભો થઈ હબાની દુકાના બારણામાં આવીને બોલ્યો.

"હા તે બાકી રિયું છે તે હવે મેલી વિદ્યા વાપરી જોવો.ચોખ્ખી વિદ્યામાં તો તમે એકેય બાપદીકરો હાલો એમ છો નહીં..! ગામને ઉઠાં ભણાવવાનું બંધ કરો તો સારું. પરમદિવસ રાતે ક્યાંક ભૂત ભાળી જ્યા હશે, તે ઓલ્યા મીઠાલાલના ઘરે ભાભા મુઠીયુંવાળીને ભાગતા ભાગતા આવ્યા.અને પાસા કે'ય કે હું જમપુરીમાં લખમણિયાના ભૂતનો મોક્ષ કરવા જિયો'તો..! અલ્યા સાવ આમ ચોરસ ગોળા તો નો ગબડાવતા હો.ગોળ ગોળા રાખો તોય કાંક ગબડે, પાન પાંત્રીસનું બનાવવાનું સે કે એકસો વિહનું..? ભાભાને તો એમ જ છે કે મારો દીકરો ભગવાનનો અવતાર સે, પણ ઉભા ગળે તમાકું ગળસે સે ઈ બસાડાને કે'વી તોય ગળે ઉતરતું નથી." આમ કહી હબો પાન પર ચુનો નાખીને કાથો ચોપડવા લાગ્યો.

હબાનું આવડું મોટું ભાષણ સાંભળીને બાબો ગુસ્સે થઈ ગયો.

"રહેવા દે હબલા, મારે પાન નથી ખાવું.તારી જેવા હલકટના હાથનું પાન પણ મારે ન ખાવું જોઈએ.તું અમને સમજે છે શું સાલ્લા ? અમે શુદ્ધ બ્રાહ્મણ છીએ અને લોકોના કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરી આપીએ છીએ.તું એક નીચ અને અધમ પાપીયો છો એ આખું ગામ જાણે છે.છતાં હું તારું પણ કલ્યાણ કરવાનો ઉદ્દેશ રાખું છું.તારી રોજીરોટી ચાલે એટલે હું તારી દુકાને પાન માવો ખાઈને તને બે પૈસા રળવાની તક આપું છું જેથી તારા બૈરી છોકરા ભૂખ્યાં ન રહે.પણ તને ગ્રાહકની કદર નથી.દુકાનદાર માટે ગ્રાહક એક ભગવાન હોય છે પણ તું તો ભગવાનને પણ જેમતેમ બોલી રહ્યો છો..ભાભાએ ભૂત જોયું હોય તો એ ભૂત હોય જ.અને જો કોઈ માણસ ભૂત તરીકે ભાભાને ફોન કરતો હશે તો હું એને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી નાંખીશ. મને તો તારી ઉપર પણ શંકા છે."

હબાએ ચુનો અને કાથો ચોપડેલું પાન પાછું પાનની ટ્રેમાં મૂકી દીધું.
અને ડોળા કાઢીને બાબાને તાકી રહ્યો.આગળ બે વખત આ બાબા પાછળ દોડવાનું પરિણામ એ ભોગવી ચુક્યો હતો એટલે દુકાન રેઢી મૂકીને બાબા પાછળ દોડવાની એની કોઈ ઈચ્છા નહોતી.પણ એને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો.

''ઓ ભઈ, તું મે'રબાની કરીન મારી દુકાનેથી હાલતીનો થઈ જા.
અને હવે પસી કોય દી' તારું મોઢું મને દેખાડતો નય. ભલે મારા બયરી સોકરા ભૂખ્યા રે. તારે મારુ કલ્યાણ કરવાની કોય જરૂર નથી.
ઉપડ આંયથી નકર હમણે હું તારું કલ્યાણ કરી નાખીશ." કહી હબો ઉભો થયો.

બાબો, હબા સાથે બથોબથ આવવા માંગતો નહોતો. એટલે બે ડગલાં પાછળ ખસીને એ બોલ્યો,
"શાસ્ત્રીજી યજ્ઞ કરશે એટલે પિચાશ હાજર થશે.અને એ પિચાશને તારી પાછળ જ મુકવાનો છે.જોઈ લેજે,ભાભાને ભૂત બનીને ફોન કરવાનું પરિણામ
સાલ્લા નીચ હબલા..!"

હબાએ કૂતરાં મારવાની લાકડી બારણાં પાછળથી કાઢીને રાડ પાડી, "જાને ભાઈ જાતો હોય નિયાં.હું કોઈ ભૂત પલીતથી બીતો નથી.તું હવે જો મને નીસ ક'શ તો હું તને નિસે પાડી દ'શ.."

હબાનો મિજાજ જોઈ બાબો ત્યાંથી ચાલવા લાગ્યો.પણ એણે નોંધ્યું કે પીચાશની વાત સાંભળીને હબાના ચહેરા પર કોઈ ફેરફાર થયો નહોતો.એટલે હબો ભાભાને ફોન કરતો ન હોય.કદાચ કોઈ બીજો વ્યક્તિ હોવો જોઈએ.
'તો પછી કોણ હોઈ શકે ? હબલો તો લાગતો નથી, હવે ટેમુ આવે ત્યારે આ વાતનો ફેંસલો આવશે.'
બાબો આમ વિચારતો વિચારતો જઈ રહ્યો હતો ત્યાં નગીનદાસે એને જોયો.

"અરે.. આવો આવો બાબકાકા..
આવો ચા પાણી કરીએ.." નગીન દાસને ભાભા સાથે સબંધ સારા હતા.

બાબાએ નગીનદાસ સામે જોયું.
એ ખુશીથી બોલાવી રહ્યોં હતો. બાબો પાછો વળીને નગીનદાસની ખડકીમાં પ્રવેશ્યો.

નીનાની સગાઈવાળો બનાવ બન્યા પછી હબા સાથે નગીનદાસના સબંધો સુધરી ગયા હતા એટલે નગીનદાસે હબાને પણ ચા પીવા બોલાવ્યો.પણ હબો દુકાન રેઢી મુકવા માંગતો નહોતો.

"આ હબલો તમને કેવો માણસ લાગે છે ? તમારે તો એની સાથે કૂતરાં બિલાડા જેવો સબંધ હતો ને ! હવે એને ચા પીવા ઘરે બોલાવો છો ?" બાબાએ બેઠક લેતા કહ્યું.

"હા, તમારી વાત સાચી છે.પણ હવે મેં સબંધ સુધારી નાખ્યો છે.
હબો દિલનો સાફ વ્યક્તિ છે.." આમ કહી નગીનદાસે નીનાની સગાઈ વખતે બનેલી ઘટના બાબાને કહી સંભળાવી.અને છેલ્લે ઉમેર્યું કે "જો તે દી હબાએ મહેમાનને રોક્યા ન હોત તો મારી દીકરીને આવુ સરસ સાસરું મળ્યું ન હોત..હબો ભલે તમને ગમે એવો લાગતો હોય પણ એનામાં માણસાઈ ભારોભાર ભરેલી છે.."

બાબો વિચારમાં પડી ગયો.હવે હબાને વારંવાર નીચ અને હલકટ હબલો કહીને એને સતાવવા બદલ, એની દુકાને મફતમાં તમાકુ ખાઈને એને ખીજવીને ભાગી જવા બદલ પસ્તાવો થયો.

નગીનદાસ સાથે સાવ ખરાબ સબંધ હોવા છતાં એની દીકરીનું ભવિષ્ય બગડતું જોઈ ન શકનાર હબા પ્રત્યે બાબાને માન થઈ આવ્યું.

એ તરત ઉભો થયો.નગીનદાસે પ્રશ્નસૂચક નજરે એની સામે જોયું એટલે 'હું આવું બે મિનિટમાં..' કહી એ બહાર નીકળ્યો.

હબો શાંતિથી ન્યૂઝપેપર વાંચતો હતો.અચાનક બાબાને આવેલો જોઈ એના ભવાં તંગ થયા.પણ બાબાએ એની સામે સ્મિત કરીને કહ્યું,

"હબાભાઈ, તમને આજદિન સુધી સતાવવા બદલ મને માફ કરો.હવે પછી હું ક્યારેય તમને નીચ હબલો
નહીં કહું..અને ક્યારેય તમને પરેશાન પણ નહીં કરું.તમે ખૂબ સારા માણસ છો એ મને ખબર નહોતી.અને હા, અત્યાર સુધી મેં જેટલી તમાકું તમારી દુકાનમાંથી મફતમાં ખાધી છે એના પૈસા પણ હું આપી દઈશ.ચાલો, આપણે નગીનદાસના ઘેર સાથે ચા પીને સમાધાન કરી નાખીએ..!''

બાબાનું બદલાયેલું રૂપ જોઈ હબાની નવાઈનો પાર ન રહ્યો. બાબો એને હબાભાઈ કહી રહ્યો છે એ સાંભળવા છતાં એને પોતાના કાન પર વિશ્વાસ આવી રહ્યો નહોતો. હજી પણ બાબો કોઈ ચાલ રમી રહ્યો હોવાનું એને લાગી રહ્યું હતું.એ આંખો ફાડીને બાબાને તાકી રહ્યો હતો અને એનું મોં પણ ખુલ્લું રહી ગયું હતું !

એ જોઈ બાબો હસ્યો.હબાની દાઢી પર હાથ દબાવીને હબાનું ખુલ્લું રહી ગયેલું મોં બંધ કરતા એ બોલ્યો,

"હબાલાલ..હું સાચું જ કહું છું.
યાર તમારી પત્તર ઠોકવા બદલ હું દિલથી દિલગીર છું..ચાલો ઉઠો હબાશેઠ, નગીનદાસને ત્યાં સાથે ચા પીને બાબા-હબાની દોસ્તીનો નવો અધ્યાય લખીએ..હેહેહે !"

"મારે તારી સાથે કોઈ દોસ્તી બોસ્તી કરવી નથી.તું એક નંબરનું નંગ છો. તેં મને હેરાન કરવામાં કોઈ જાતની ખામી રહેવા દીધી નથી.મારી દુકાનના તાળામાં તે પોદળો ભરાવી દીધો હતો, તારી વાંહે ધોડવામાં મારા આગળના ત્રણ દાંત પડી જ્યા, કૂતરાં મારી દુકાનમાં ગરી જ્યા અને મારી દુકાનની પથારી ફેરવી નાખી. ઓલ્યા પશવા પાંહે તેં મને માર ખવડાવ્યો, તારા કરતુતોથી હું ગળે આવી જ્યો છું, હજી બાકી છે તે તું મેલી વિદ્યા વાપરીને મારી વાંહે ભૂત મેકવાની વાત કરછ..જા ભાઈ જા..મારે તારી જેવા વાંદરાની ભાઈબંધી કરવાનો કોઈ વિચાર નથી..તું મારી દુકાને કોઈ દિવસ નો આવતો, બસ આટલી મે'રબાની કરજે."કહી હબાએ બે હાથ જોડ્યા.

બાબો ઉભો થઈને હબાની દુકાને ગયો એ નગીનદાસે બારીમાંથી જોયું હતું.નકામી લડાઈ થવાની જાણીને એ તરત બાબા પાછળ આવ્યો હતો.પણ બાબો તો હબાની માફી માંગતો હતો અને હબાને એ સાચું લાગતું નહોતું.
હબાએ બાબા સામે હાથ જોડ્યા એટલે એ બોલ્યો,

"હબાભાઈ, બાબકાકા સાચું કેય છે. મેં, તે દી તમે મે'માનને રોકીન મારી આબરૂ બચાવી'તી ઈ વાત કરી અટલે બાબકાકા તારી માફી માંગવા આવ્યા છે."

"આજ હબાશેઠ તમારી અંદર જે સાચો માણસ છે એને મેં ઓળખ્યો છે. છતાં તમારે મારી સાથે દોસ્તી ન કરવી હોય તો કોઈ વાંધો નહીં પણ હવે પછી હું ક્યારેય તમારી દુકાને નહીં આવું, અને ક્યારેય તમને હેરાન પણ નહીં કરું, આ મારું વચન છે.''કહી બાબો દૂર ખસીને ઉભો રહી ગયો.

એ જોઈ હબો ઉઠ્યો.

"જો તું સાવ સાચું કહેતો હોય તો ભલે, અને આ નગીનદાસ કહે છે એટલે માની લવ છું.ચાલો ચા પીએ.." કહી હબાએ બાબાનો હાથ પકડ્યો.

ત્રણેય નગીનદાસના ઘેર આવ્યા.
બાબાએ ભાભા પર આવતા ભૂતના ફોનની વાત કરી અને હબા ઉપર શંકા હોવાનું પણ કહ્યું. હબાએ પણ પોતે એવુ ન કરતો હોવાની ખાત્રી આપીને ફોન કરનારને શોધવામાં મદદ કરવાનું કહ્યું.

નગીનદાસના ઘેર ચા પીને હબો અને બાબો દોસ્ત બની ગયા.પણ ફોન કરનાર ભૂત શોધવાનું કામ હવે બાબાને કરવાનું બાકી રહ્યું..!

*

ટેમુ ખબર કાઢીને ગયો પછી ત્રીજા દિવસે રણછોડને હોશ આવ્યા હતા.કોમામાં સરી પડેલો રણછોડ જાગ્યો હતો.તખુભા સાથે વાત કરીને એ પોતાના બુલેટ પર રાણપુરથી બરવાળા જઈ રહ્યો હતો ત્યારે પાછળથી કોઈ જીપ જેવા વાહને એને ટક્કર મારીને ખાળીયામાં નાખી દીધો હોવાનું રણછોડને યાદ આવી રહ્યું હતું.

ડોક્ટરે બે દિવસ પછી જરૂરી દવાઓ અને સૂચનાઓ આપીને રણછોડને રજા આપી.રણછોડની પત્ની ખૂબ ખુશ થઈ ગઈ હતી. એણે રાખેલી અનેક બાધાઓ ફળી હતી અને રણછોડ મોતના બિછાનેથી ઉઠ્યો હતો !

ઘેર આવ્યા પછી એના સગાવહાલની વણઝાર ખબર કાઢવા ઉમટી પડી હતી.એ બધામાંથી નવરો થયા પછી ચમન ચાંચપરા રણછોડને મળવા આવી પહોંચ્યા હતા.

"આ કરનાર કોણ હોય ?" રણછોડને હવે પોતાની આ દશા કરનારને શોધવાનો હતો.એટલે એણે ચમન ચાંચપરાને પૂછ્યું.

"મેં મારી રીતે તપાસ કરાવી છે.તું જે રીતે આપણી પાર્ટી માટે કામ કરી રહ્યો હતો એ LPPવાળાને ભારે પડે એમ હતું એટલે તારો કાંટો કાઢવા તને ઉડાવી દીધો.પણ તું તો રણછોડ છો.એમ રણ છોડીને ભાગ એવો નથી. તું જીવતો રહી ગયો..હવે એ લોકોની ખેર નથી. મેં મારી રીતે બધી જ તપાસ કરાવી છે.હુકમચંદે એના બે પાગિયાઓ જગો ભરવાડ અને નારસંગને તારી પાછળ મુક્યા હતા. એ બેઉને ફિટ કરવાના જ છે,પણ તું સાજો થઈ જા એની રાહ હતી "

''જગો ભરવાડ..અને નારસંગ.." રણછોડે યાદ કરવાની કોશિશ કરી.

"એ લોકો તો ચિઠ્ઠીના ચાકર કહેવાય. આપણો અસલી દુશ્મન તો હુકમો છે..લાળીજાનો સરપંચ.
તેં એનો વિડીયો ઉતારી લીધો એટલે એણે તને ઉતારી લેવા આ બે જણને કામ આપેલું હતું"
ચમન ચાંચપરાએ પોતાના માણસો લગાડીને બધી જ તપાસ કરી હતી.ખોંગ્રેસપક્ષનો ઉમેદવાર ચમન પણ જેમતેમ નહોતો.

"હુકમચંદ... તું તો ગયો હવે.. તેં મને ટક્કર મારીને ખાળીયામાં નાખી દીધો પણ હવે મારી ટક્કર તને ક્યાં નાખી દે છે એ તું જોઈ લેજે.." રણછોડ દાંત કચકચાવીને
બોલ્યો.

"તું હવે સાવ સાજો થઈ ગયો હો તો બોલ, આખી યોજના તૈયાર છે. જો તને કંઈ થઈ ગયું હોત તો હુકમચંદ ક્યારનો હતો નો'તો થઈ ગયો હોત.પણ તું બચી ગયો, અને ડોક્ટરે મને કહ્યું હતું કે તું સો ટકા કોમામાંથી બહાર આવી જ જઈશ એટલે તારા હાથે જ આ યોજના પાર પાડવાનું મેં નક્કી કર્યું છે.પેલો તખુભા એલપીપીમાં જોડાયો છે પણ કોઈ વાંધો નથી..
આપણે હુકમચંદને ઠેકાણે પાડવાનો છે.."

"કઈ રીતે તમે ગોઠવ્યું છે ?''

રણછોડના આ સવાલના જવાબમાં ચમન ચાંચપરાએ એની યોજના જણાવી.એ સાંભળીને રણછોડ ખડખડ હસી પડ્યો !

(ક્રમશ :)

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 7 months ago

Parash Dhulia

Parash Dhulia 8 months ago

Nisha

Nisha 8 months ago

Yogesh Raval

Yogesh Raval 8 months ago

MHP

MHP 8 months ago