Lost - 24 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 24

પ્રકરણ ૨૪


"કમાલ છે, રાધિકાને મુંબઈમાં બેઠા બેઠા ખબર પડી ગઈ કે મિસ રાઠોડ મુસીબતમાં છે." મેહુલ બોલ્યો.
"હા, બન્ને આઇડેન્ટિકલ ટ્વિન્સ છે એટલે." કેરિન ફિક્કું હસ્યો.
"બન્ને એકબીજાની ઝેરોક્ષ કોપી લાગે છે, નઈ?" મેહુલ રાધિકા અને રાવિકા વચ્ચે રહેલી સમાનતાઓ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

"હા, સાચી વાત છે." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો.
"બન્ને છોકરીઓ ક્યાં ગઈ?" આસ્થા નાસ્તો લઈને આવી ત્યારે હોલમાં કેરિન અને મેહુલ જ હતા.
"બહાર ગઈ હમણાં બન્ને." મેહુલએ જવાબ આપ્યો.
"તમે રાવિ સાથે કામ કરો છો?" આસ્થાએ ચાનો કપ મેહુલને આપ્યો.
"તમે રાવિ સાથે કામ કરો છો?" કેરિન ચોંક્યો.

"હા, એની પ્રોબ્લેમ?" મેહુલએ કેરિન સામે આશ્ચર્યથી જોયું.
"ના, ના. અમને શું પ્રોબ્લેમ હોય?" આસ્થાએ ચાનો એક કપ કેરિનને આપ્યો અને કેરિનના પરિવારના ખબરઅંતર પૂછયા.
"તમે મિસ રાઠોડના મધર છો?" મેહુલએ આસ્થાને પૂછ્યું.

આસ્થાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, "રાવિ અનાથ છે, હું તેની મામી છું."
"ઓહ, આઈ એમ સોરી. અને તમે?" મેહુલએ કેરિન સામે જોયું.
"અમારા જમાઈ છે, રાવિના પતિ." આસ્થાએ જ જવાબ આપ્યો.
"ઓહ, તમારા મેરીજ ક્યારે થયાં? મને તો ખબર જ નતી કે મિસ રાઠોડ મેરિડ છે..." મેહુલની વાત વચ્ચેજ કાપીને કેરિન બોલ્યો, "યુ કેન કોલ હર મિસિસ દેશમુખ ઓર રાવિકા રાઠોડ દેશમુખ ઓર જસ્ટ રાવિકા."

"ઓહ, સ્યોર." મેહુલ વધારે આગળ કંઈ ન બોલ્યો.
"કેરિનકુમાર ઓછાબોલા છે અમારી રાધિના જેમજ જમાઈજીને પણ ઓછું બોલવું પસંદ છે." આસ્થાએ ગંભીર વાતાવરણ હળવું કરવા પ્રયત્ન કર્યો.
"હું બન્ને છોકરીઓને જોઈ આવું, દોડતી ગઈ હતી અને હજુ પાછી નથી આવી." કેરિન ત્યાંથી નીકળી ગયો.


"મમ્મા, આવું કેમ બોલે છે?" રાવિ લગભગ રડવા જેવી થઇ ગઈ હતી.
"મમ્મા, શું થયું? તમે રાવિ સાથે આવું વર્તન કેમ કરો છો?" રાધિએ પૂછ્યું.
"રાવિ મારી નઈ પેલી જિજ્ઞાની દીકરી છે, મારા પેટેથી જન્મ લીધો એટલુંજ બાકી માં તો એની જિજ્ઞા જ છે." આધ્વીકાએ જિજ્ઞાસાનું નામ તિરસ્કારથી લીધું.

"પણ મમ્મા, તેં જ તો જિજ્ઞામાસી પાસેથી વચન લીધું હતુંને કે માસી મને પોતાની દીકરીની જેમ સાચવે."
"જૂઠી છે એ જિજ્ઞા, અને તું એની દીકરી છે એટલે તું પણ જૂઠી." આધ્વીકાએ રાવિ સામે જોયું પણ નહિ અને રાધિને આલિંગન આપીને ગાયબ થઇ ગઈ.

"મમ્મા....." રાવિ રડી પડી.
"રડ નઈ રાવિ, પ્લીઝ." રાધિએ રાવિને ગળે લગાવી.
"મમ્મા આવું કેમ બોલી? જિજ્ઞા માસીએ તો મમ્માની ગેરહાજરીમાં મને માંનો પ્રેમ આપ્યો, તોય મમ્મા જિજ્ઞા માસી માટે આવું કેમ બોલી?" રાવિ હજુયે રડી રહી હતી.
"મમ્માને કંઈક ગેરસમજ થઇ હશે રાવિ, તું ચાલ અંદર." રાધિએ રાવિના આંસુ લૂંછ્યા અને બન્ને અંદર જતી હતી ત્યાં તેમને કેરિન સામે મળ્યો.

"જીજુ, તમે ઓફિસ જાઓ. હું અને રાવિ થોડીવારમાં ઘરે જતા રહીશું." રાધિ બોલી, કેરિનએ હકારમાં માથું હલાવ્યું અને ત્યાંથી નીકળી ગયો.
"હું પણ નીકળું, મારે પાછું મુંબઈ જવાનું છે." મેહુલ પણ નીકળી ગયો.
"મામી હવે અધૂરી વાત પુરી કરો." રાવિ જઈને આસ્થાની બાજુમાં બેસી ગઈ.

"પેલા તું અધૂરી વાત પુરી કર, તું મને હમણાં કંઈક કેતી હતી." રાધિએ રાવિને તેની તરફ ફેરવી.
રાવિએ આસ્થાએ જણાવેલી હકીકત રાધિને જણાવી અને પછી બન્ને આસ્થા તરફ ફરી, આસ્થાએ એક ઊંડો શ્વાસ લીધો.

થોડીવાર ચુપચાપ બેઠા પછી આસ્થા બોલી, "મિત્તલની આત્માને મુક્તિ અપાવ્યા પછી સોનું દીદી અને રાહુલ જીજુના લગ્ન થયાં, તમે બન્ને સોનું દીદીના પેટમાં હતી એટલે ફેરા સિવાયની બીજી બધી વિધિઓ કરવામાં આવી હતી......


"તને શું લાગે છે, છોકરો થશે કે છોકરી?" લગ્નની પહેલી રાત્રે રાહુલએ આધ્વીકાનો હાથ તેના હાથમાં લઈને પૂછ્યું.
"કદાચ તારા જેવો એક સમજદાર અને સ્વીટ દીકરો." આધ્વીકાએ રાહુલનું નાક ખેંચ્યું.
"ના, તારા જેવી માથાભારે દીકરી થશે જોજે તું." રાહુલએ આધ્વીકાને આલિંગન આપ્યું અને આધ્વીકાએ રાહુલને એક જોરદાર ધક્કો માર્યો.

"આ શું કરે છે તું? તારામાં આટલી તાકાત ક્યાંથી આવી?" દીવાલને અથડાઈને નીચે પડેલો રાહુલ ચોંકી ગયો હતો.
"મને અડીશ તું? માયાને? એક માણસની એટલી ઓકાત કે મને હાથ લગાવે." આધ્વીકા ઘેરા અવાજમાં બોલી.
"સોનું, શું બોલે છે તું?" રાહુલ ઉભો થઈને આધ્વીકા પાસે આવી રહ્યો હતો ત્યાં આધ્વીકાએ તેને ફરી ધક્કો માર્યો.

"જયશ્રી ફઈ, જિજ્ઞા ઉપર આવો પ્લીઝ." રાહુલએ બુમ પાડી અને થોડીવારમાં બધાં ઉપર દોડી આવ્યાં.
"શું થયું?" જયશ્રીબેનએ પૂછ્યું.
"સોનુંને કંઈક થઇ ગયું છે, એ ક્યારની વિચિત્ર વ્યવહાર કરી રહી છે." રાહુલએ આધ્વીકાએ તેને મારેલા ધક્કા વિશે જણાવ્યું.

આધ્વીકા ખડખડાટ હસી અને બેભાન થઇ ગઈ, જયશ્રીબેનએ અને આરાધનાબેનએ આધ્વીકાની આસપાસ ગંગાજળ છાંટ્યું અને નાડાછડી બાંધી, જિજ્ઞા ગાડી લઈને ગઈ અને બાબાને બોલાવી લાવી.

બાબાએ આવીને આધ્વીકાનું નિરીક્ષણ કર્યું, તેના માથા ઉપર હાથ મૂકીને બંધ આંખે અમુક મંત્રો બોલ્યા. બાબાનો ચેહરો ધીરે ધીરે તંગ થઇ રહ્યો હતો, બાબાએ આંખો ખોલી અને બોલ્યા, "આધ્વીકાના શરીરમાં એક આત્મા ઘુસી હતી અને એના ગયા પછી એ રસ્તો ખુલ્લો રહી ગયો છે, હવે આધ્વીકાની શરીરમાં ગમે ત્યારે કોઈ પણ આત્મા ઘુસી શકે છે. તેના શરીરમાં ઘૂસેલી આત્મા આધ્વીકાના મન અને શરીરને નિયંત્રિત કરી શકશે અને આધ્વીકા પાસે તેની મરજી મુજબના કામ કરાવી શકશે."

"પણ આધ્વીકા પ્રેગનેંટ છે, તેના બાળક માટે આ જોખમી છે. તેના બાળક પર આની આડ અસર થઇ શકે છે?" જિજ્ઞાસા બોલી.
"હા, આ બાળકના જન્મ પછી તેના શરીરમાં પણ આત્માઓ ઘુસી શકશે અને તેને નિયંત્રિત કરી શકશે."
"આનો કોઈ ઉપાય?" જયશ્રીબેનએ પૂછ્યું.

બાબાએ એક ઊંડો શ્વાસ લીધો અને નકારમાં માથું હલાવ્યું, "આનો કોઈ ઉપાય નથી, આધ્વીકા જીવશે ત્યાં સુધી આત્માઓ તેના શરીરમાં આવશે."

ક્રમશ: