Lost - 30 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 30

પ્રકરણ ૩૦

આજે રાધિકા અને રાવિકાના લગ્ન હતાં, બન્નેના લગ્ન દેશવિદેશની મીડિયા માટે એક મહત્વનો વિષય હતો. એક અઠવાડિયાથી સોશિઅલ મીડિયા અને મીડિયામાં રાઠોડ સિસ્ટર્સ વેડિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, રાવિ અને રાધિ તૈયાર થઈને એક ઓરડામાં બેઠી હતી.

જિજ્ઞાસા અને રયાન પણ બન્નેના લગ્ન માટે આવી ચુક્યાં હતાં, આખો પરિવાર લગ્નોત્સવ માણી રહ્યો હતો ત્યારે રાધિ અને રાવિ આધ્વીકા-રાહુલને યાદ કરી રહી હતી, "મમ્મા.... પપ્પા... આજે તમારી બહુ યાદ આવે છે."
"યાદ તો આવશે જ ને, માબાપ કોને યાદ ન આવે?" જિજ્ઞા ઓરડામાં આવી અને બન્ને છોકરીઓના માથા પર હાથ મુક્યો.

"માસી...." બન્ને છોકરીઓ જિજ્ઞાસાને વળગીને રડી પડી.
"બસ બસ, મેકઅપ ખરાબ થઇ જશે." જિજ્ઞાસા હસી પડી.
"મેકઅપ તો ખરાબ નથી થયો પણ આ જુઓ." રાવિએ તેના પલ્લું તરફ આંગળી કરી જે સેફટીપિન ખુલી જવાને કારણે અસ્ત વ્યસ્ત થઇ ગયો હતો.

"આ પિન તો બઉ નાની છે, ફરી નીકળી જશે. હું તને બીજી પિન લાવી આપું...." જિજ્ઞાસા હજુ ઓરડાની બહાર જાય એ પહેલાંજ જીયા દોડતી અંદર આવી અને બોલી, "માં, જાન આવી ગઈ છે અને બધાં તને શોધે છે."
"તમે જાઓ માસી, હું તમારા સામાનમાંથી પિન શોધી લઈશ." રાવિ જિજ્ઞાસાના ઓરડા તરફ ગઈ, જીયા રાધિ સાથે રોકાઈ અને જિજ્ઞાસા નીચે ગઈ.

"માબાપના આશિર્વાદ વગર જ લગ્ન કરી લઈશ રાવિ?" રાવિની પાછળ ઉભેલી સ્ત્રી બોલી.
રાવિએ પાછળ ફરીને જોયું તો એક ત્રીસેક વર્ષની સુંદર સ્ત્રી તેની સામે ઉભી હતી, રાવિએ તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો, "તમે?"
"હું કોણ છું એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે આજે તારા લગ્ન છે અને તારા માંબાપ હાજર નથી." તેં સ્ત્રીએ કહ્યું.

"મારાં માંબાપ તો આ દુનિયામાં જ નથી...." રાવિ રડવા જેવી થઇ ગઈ હતી.
"તારાં માંબાપ આ દુનિયામાં છે રાવિ, મળવું છે એમને? તારા લગ્નમાં તું તારા માતાપિતાનો આશિર્વાદ ઈચ્છે છે?"
"તમે કોણ છો? અને ક્યાં છે મમ્મા પપ્પા?" રાવિની આંખો ભીંજાઈ ગઈ હતી.

"ચાલ, હું કહું ત્યાં લઇ જા મને. હું તને તારાં માબાપને મળાવીશ....." તેં સ્ત્રીએ રાવિનો હાથ પકડ્યો.
"હા, હા." રાવિ ભાવુક થઇ ગઈ હતી અને તેથીજ એ ભુલ કરી બેઠી.


"રાવિ ક્યાં છે?" કન્યાને માંડવામાં લઇ જવા આવેલી મીરા અને આસ્થાએ એકલી રાધિને જોઈને પૂછ્યું.
"જિજ્ઞામાસીના ઓરડામાં ગઈ હતી, હજુ આવી કેમ નઈ?" રાધિએ બારણે જઈને જિજ્ઞાસાના ઓરડા પર નજર નાખી.
"હું જોઈ આવું..." જીયા ત્યાંથી નીકળીને જિજ્ઞાસાના ઓરડામાં ગઈ અને એકલી પાછી આવી, "રાવિ ત્યાં નથી."

"ક્યાં ગઈ હશે? તેં સરખી રીતે જોયું હતું?" મીરાને ફાળ પડી.
"હા, રૂમ અને બાથરૂમ સારી રીતે ચેક કર્યું પણ રાવિ ત્યાં નથી." જીયાને પણ ચિંતા થઇ રહી હતી.
મીરા, આસ્થા, જીયા અને રાધિએ ઉપરના માળના બધાજ ઓરડા અને ધાબુ પણ તપાસી જોયું પણ રાવિ ક્યાંય ન દેખાઈ.

"હવે? જાન માંડવે ઉભી છે અને આ છોકરીનો કોઈ અતોપતો નથી." મીરાએ જીયાને નીચે મોકલીને જિજ્ઞાસાને ઉપર બોલાવી.
જિજ્ઞાસા માથું પકડીને બેસી ગઈ, શું વાત કરવી અને કેમ કરીને વાત કરવી કોઈને કાંઈજ નહોતું સમજાઈ રહ્યું.

"રાવિ..... રાવિ..... તું મને સાંભળી શકે છે?" રાધિએ આંખો બંધ કરીને રાવિ સાથે મનથી જોડાવાનો પ્રયત્ન કર્યો, તેણીએ આંખો બંધ કરીને રાવિ પાસે જવાનો પ્રયત્ન કર્યો પણ આજે તેની શક્તિઓ જાણે બેકાર બની ગઈ હતી.

મીરાએ રીનાબેન અને કેશવરામને એકાંતમાં બોલાવીને જણાવ્યું કે રાવિ ગાયબ છે, મીરાના આશ્ચર્ય વચ્ચે રીનાબેનએ લગ્નવિધિ થોડા સમયપૂરતી ટાળી દીધી અને પરિસ્થિતિ સંભાળી લીધી.
પણ રાવિ ગાયબ છે એ ખબર કેરિન સુધી પહોંચી ગઈ હતી, કેરિન બધાની નજર બચાવીને ઉપર આવ્યો અને બોલ્યો, "રાવિ ક્યાં છે?"

"શું થયું રાધિકા? તે મને આમ મેસેજ કરીને એકલાને ઉપર કેમ બોલાવ્યો?" મેહુલ પણ ઉપર આવ્યો.
"મેહુલ, રાવિ ક્યાંક ફસાઈ છે. એ નક્કી જોખમમાં છે." રાધિએ રાવિ અહીં નથી એ વાત મેહુલને જણાવી.
"તું ચિંતા ન કર, આપણે રાવિને શોધી લઈશુ." મેહુલને રાધિકા અને રવિકાના શ્રાપ વિશે ખબર હતી.

"હું ક્યારની રાવિ સાથે વાત કરવાની કોશિષ કરી રાય છું પણ...." રાધિનું હૃદય ગબરાઈ રહ્યું હતું, તેને એક વિચિત્ર પ્રકારની બેચેની થઇ રહી હતી.
"તું શાંત થઇ જા અને ફરી ટ્રાય કર." મેહુલએ રાધિના ખભા પર હાથ મુક્યો.
"જો હું અચાનક ગાયબ થઇ જઉ તો અહીં બધું સંભાળી લેજે." રાધિએ કહ્યું.

"હું તારી સાથે આવીશ...." મેહુલએ રાધિનો હાથ પકડ્યો.
"આ બધું શું છે?" કેરિન આ બાબતે કાંઈજ નહોતો જાણતો તેથી તે મૂંઝવાઈ ગયો હતો.
"એ સમજાવવાનો સમય નથી, બસ અમે રાવિ પાસે જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એટલું સમજ." મેહુલએ કહ્યું.
"હું પણ આવીશ, તમારી સાથે." કેરિનને એટલું તો સમજાઈ જ ગયું કે આ બાબત લાગે છે તેના કરતા ઘણી વધારે ગંભીર છે.

રાધિએ જિજ્ઞાસા સામે જોયું, જિજ્ઞાસાએ હકારમાં માથું હલાવ્યું કે તરત રાધિએ કેરિન અને મેહુલનો હાથ પકડ્યો, ત્રણેયએ પોતાની આંખો બંધ કરી અને રાધિએ મનોમન રાવિ પાસે જવાનું વિચાર્યું.
ત્રણેયની આંખો ખુલી ત્યારે તેમની સામે બરફથી ઢંકાયેલા વિશાલ પર્વત ઉભા હતા.

"વ્હોટ ધી? આપણે અહીં કેમ કરીને આવ્યા?" કેરિનએ આંખો ચોળીને ખાત્રી કરી કે તે એકજ પળમાં ઘરેથી અહીં આવી ગયો હતો.
"રાવિ મળી જાય પછી વિગતવાર જણાવીશ તમને જીજુ." રાધિએ કહ્યું અને ત્રણેય જણ રાવિને શોધવા લાગ્યાં.

"રાવિઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇ.........." કેરિન, મેહુલ અને રાધિની બૂમો પહાડોમાં ગુંજી રહી હતી પણ રાવિનો હજુ સુધી કોઈજ જવાબ નહોતો આવ્યો.
"રાધિ, આ બાજુ જો...." મેહુલએ બરફમાંથી નજરે ચડી રહેલા નાનકડા કપડાના ટુકડા તરફ ઈશારો કર્યો.

ત્રણેય જણ એ બાજુ ધસ્યા અને બરફ હટાવીને જોયું તો એક આદમી ઊંધેકાંધ બરફ નીચે દબાયેલો પડ્યો હતો.
મેહુલ અને કેરિનએ તેને બહાર કાઢ્યો અને એક પથ્થરને સહારે બેસાડ્યો.
"હેલ્લો.... હેલ્લો.... તમે મને સાંભળી શકો છો?" રાધિએ બરફ અને દાઢીથી ઢંકાયેલા ચેહરા તરફ જોયું.

તેણે ધીમે રહીને તેની આંખો ખોલી, રાધિ સામે જોયું અને ફરીથી તેની આંખો બંધ થઇ ગઈ.
"આમનું શરીર બઉ ઠંડુ નથી અને બરફવર્ષા પણ નથી થઇ અહીં હાલ." મેહુલએ તે પુરુષના કપાળ અને ગળા પર હાથ મૂકીને તેમનું ટેમ્પરેચર તપાસ્યુ.
"મતલબ કોઈએ થોડીવાર પહેલા આમને બરફમાં દાટી દીધા હશે?" કેરિન ચોંકી ગયો હતો.

"હે મહાદેવ! હું એક સારા કામ માટે મારી શક્તિનો ઉપયોગ કરવા માંગુ છું, મારી મદદ કરજો." રાધિએ મનોમન પ્રાર્થના કરી અને આંખો બંધ કરીને તે પુરુષના કપાળ પર હાથ મુક્યો.
"તારા હાથમાં જાદુ છે?" તે પુરુષએ ધીમે રહીને આંખો ખોલી.

"તમે મારા જેવી જ એક છોકરીને થોડીવાર પહેલા અહીં ક્યાય જોઈ હતી?" રાધિનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું, કંઈક અજુગતું બનવાનો આભાસ તેના મગજ પર હાવી થઇ ગયો હતો.
"રાવિ?" તે પુરુષએ સંપૂર્ણ આંખો ખોલીને રાધિને જોઈ.
"હા, રાવિ.... તમે ઓળખો છો રાવિને?" રાધિએ પૂછ્યું.

"તું બચી ગઈ, બેટા.... માયા તને લઇ ગઈ તો મેં તારા બચવાની આશા જ છોડી દીધી હતી.... ભગવાનનો ખુબ ખુબ આભાર કે તું બચી ગઈ...." તે પુરુષએ અચાનક જ રાધિને ગળે લગાવી લીધી.
"હું રાવિ નથી, હું તેની બેન છું રાધિકા.... રાવિને કોણ લઇ ગયું છે? માયા કોણ છે? ક્યાં લઇ ગઈ એ રાવિને? જલ્દી બોલો...." રાધિએ એકીસાથે કેટલાયે પ્રશ્ન પૂછી લીધા.

"રાધિકા..... તું જીવે છે? મારી દીકરી, મને ન ઓળખ્યો? હું રા...." તે પુરુષ અચાનક ખાંસવા લાગ્યો.
રાધિએ ધ્યાનથી તે પુરુષનો ચેહરો જોયો અને તે ચોંકી ગઈ, "પપ્પા....."

ક્રમશ: