Lost - 35 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 35

પ્રકરણ ૩૫


"તું મને છોડીને કેમ ગઈ? કેમ?" રાહુલ નાના બાળકની જેમ ફરિયાદ કરી રહ્યો હતો.
"મને માફ કરી દે રાહુલ..." આધ્વીકાએ રાહુલનો ચેહરો ચુમ્યો અને ફરીથી બોલી,"હું ગયા ભવ કે આવતા ભવમાં નથી માનતી પણ તું માને છે અને સાચે જ તું મને એવુ હોય તો હું દરેક જન્મની તારી પત્ની બનવા માંગીશ."

"મત જા આધ્વી, પ્લીઝ." રાહુલની આંખો ભીંજાઈ ગઈ હતી.
"આપણો સાથ પૂરો થયો રાહુલ, મને મળવા બદલ તારો ખુબ ખુબ આભાર." આધ્વીકાની આત્મા તેના શરીરમાંથી નીકળી ગઈ અને તેનું શરીર રાહુલ ઉપર ઢળી પડ્યું.
"આધ્વીકાઆઆઆઆઆઆ....." રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.


"પણ અચાનક..." રાવિની વાત વચ્ચેજ કાપીને માયા બોલી,"મને તારા ઉપર વિશ્વાસ છે રાવિકા, પણ હું કોઈજ જાતનું જોખમ ખેડી લેવાના મિજાજમાં નથી."
"ઠીક છે, તું કે'શે એમજ થશે." રાવિએ પરાણે હસતું મોઢું રાખ્યું.
"એવુજ થવું જોઈએ." માયા ગાયબ થઇ ગઈ.
માયાનાં ગયા પછી રાવિએ રાધિને ફોન કર્યો, રાધિએ જેવો ફોન ઉપાડ્યો કે તરત રાવિ બોલી,"હું બાબાજી ને મળવા જઉં છું."

"કેમ? અચાનક શું થયું?" સામે છેડેથી રાધિએ પૂછ્યું.
"મમ્માના અંતિમસંસ્કાર પછી તેમના આત્માને શાંતિ મળે એના માટે અને આ બધી પરેશાનીઓના ઉકેલ માટે."
"હું પણ આવું તારી સાથે..." રાધિની વાત વચ્ચેજ કાપીને રાવિ બોલી, "તું અહીંજ રે, હું મારી શક્તિઓ માયાને આપવાની છું તો બીજા લોકો કંઈક તો કરશે જ. એટલે તારું અહીં રેવું જરૂરી છે."

"ખરેખર માયા તારી શક્તિઓ લઈને આપણો પીછો છોડી દેશે?" રાધિને માયા પર વિશ્વાસ નહોતો બેસતો.
"હા, એવુજ થશે. તું ચિંતા ન કર, હવે બધું ઠીક જ થવાનું છે. હું રાત સુધી આવી જઈશ પણ મારી ગેરહાજરીમાં બધું તારે જ સાંભળવાનું છે, ધ્યાન રાખજે."
"તું કે' છે એટલે માની લઉં છું, જલ્દી આવી જજે. મમ્માના અંતિમ સંસ્કાર તારા વગર નઈ થાય....." રાધિએ ફોન મૂકી દીધો.

"મને માફ કરી દેજે રાધિ, હું અમાસ પેલા પાછી નઈ આવું. મમ્માના અંતિમ સંસ્કાર હાલ નઈ થઇ શકે અને એના માટે મારે બધાથી દૂર રેવું પડશે થોડા દિવસ." રાવિ જાણીજોઈને મોટેથી બોલી કેમકે એ જાણતી હતી કે માયા હજુ તેની આસપાસ જ છે.
રાવિએ એક કાગળ લઈને કેરિન માટે પત્ર લખ્યો અને કેરિનના ફોટો પર છેલ્લી નજર નાખીને નીકળી ગઈ."ક્યાં ગયો છે આ કીધા વગર? આપણે કાલે ન્યૂ યોર્ક પાછુ જવાનું છે અને આજે આ ભાઈ ગાયબ થઇ ગયા છે." રયાન રાહુલના નંબર પર ફોન લગાવી રહ્યો હતો અને ત્યાંજ તેને ગાડીનો અવાજ સંભળાયો.
"રાહુલ ફુઆ આવી ગયા લાગે છે." નિવાસ દરવાજા તરફ દોડ્યો, પણ રાહુલને જોઈને તેના પગ અટકી ગયા.
"શું થયું?" આસ્થા બારણા જોડે આવી અને રાહુલના હાથમાં આધ્વીકાનું શરીર જોઈને ચોંકી ગઈ.

રાહુલએ આધ્વીકાનો પાર્થિવ દેહ હોલ વચ્ચોવચ સુવડાવ્યો અને તેની બાજુમાં બેસી ગયો.
"રાહુલ...." રયાનએ રાહુલના ખભા પર હાથ મુક્યો.
"હું બધાંને ફોન કરીને બોલાવી લઉં." આસ્થાએ જીવનને ફોન લગાવ્યો.
"આપણા પરિવાર સિવાય કોઈને ન બોલાવજે આસ્થા, મારી આધ્વીને વિદાય આપવા કોઈજ સગાસબંધીઓની જરૂર નથી." રાહુલ એકીટશે આધ્વીકાના શરીરને નિહાળી રહ્યો હતો.

અંધારું થતા સુધીમાં, મીરા, રાધિકા અને ચાંદની તેમના પરિવાર સાથે આવી ચુકી હતી. દેશમુખ પરિવાર તો ફોન કરતાજ ત્યાં હાજર થઇ ગયો હતો, કેરિન ઓફિસના કામથી બા'ર ગયો હતો અને તેનો ફોન બંધ હતો અને રાવિ પણ હજુ સુધી નહોતી આવી.
"રાવિએ કહ્યું હતું કે એ રાત સુધી આવી જશે પાછી, હજુ કેમ નથી આવી?" રાધિને હવે પસ્તાવો થઇ રહ્યો હતો કે કેમ તેં રાવિ સાથે ન ગઈ.

"કેરિન અને રાવિ ક્યારે આવશે?" જિજ્ઞાસાએ રીનાબેનને પૂછ્યું.
"બેયના ફોન બંધ આવે છે." રીનાબેનએ છેલ્લીવાર રાવિ અને કેરિનનો ફોન ટ્રાય કર્યો.
"સવાર સુધી રાહ જોઈએ..." રયાનએ કહ્યું અને બધાંએ હકારમાં માથું હલાવ્યું.

કેરિનએ ઘરે આવીને ડોરબેલ વગાડી, થોડીવારમાં દરવાજો ખુલ્યો અને રાવિ તેની સામે આવી,"વેલકમ હોમ..."
કેરિનએ તેનો ફોન ચાર્જમાં લગાવ્યો અને સોફા પર બેઠો, રાવિ તેના માટે પાણી લઇ આવી અને તેની બાજુમાં બેઠી.
"કોઈ નથી ઘરમાં?" કેરિનએ આજુબાજુ નજર કરી.
"ના, માંબાબા અને મિથિલા કોઈ સબંધીને મળવા ગયાં છે. મારી મિટિંગ હતી એટલે હું નથી ગઈ." રાવિ કેરિનની નજીક સરકી.


"અઅમમ.... મારે તારી સાથે કંઈક વાત કરવી છે રાવિ."
"બોલને...." રાવિ સાવ કેરિનની નજીક આવી ગઈ હતી.
"હું... હું... ત... તને..." કેરિન અચાનક ઉભો થઇ ગયો અને ઓરડા તરફ જતાં બોલ્યો,"હું ફ્રેશ થઈને આવું પછી વાત કરીએ."
નહાઈને આવ્યા પછી કેરિનએ કાચમાં જોયું અને મનોમન બોલ્યો,"આજે હું રાવિને મારા મનની વાત કરી જ દઈશ."

"પણ હું કઇશ શું?" કેરિનએ રાવિની ફોટો હાથમાં લીધી અને તેની નીચે દબાયેલું કાગળ તેની નજરે ચડ્યું.
કેરિનએ કાગળ લીધું અને વાંચ્યું,


પ્રિય કેરિન,

હું તને ખુબ પ્રેમ કરું છું એવુ નઈ કઉં, પણ હું તને પ્રેમ તો કરું જ છું. જયારે તને પહેલીવાર મળી ત્યારે જ તારા પર એક અતૂટ વિશ્વાસ આવી ગયો હતો અને તું મારો વિશ્વાસ આખી જિંદગી જાળવી રાખીશ એ પણ જાણું છું.
હું માનું છું કે પુનર્જન્મ હોય છે અને એટલે જ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને દરેક જન્મમાં તું મળે, અલબત તું ઈચ્છતો હોય તો જ. આપણી કહાની આટલી જ હતી પણ તારી સામે આખી જિંદગી પડી છે કેરિન. માત્ર પ્રેમ ખાતર આખી જિંદગી એકલા રે'વું કદાચ ફિલ્મી દુનિયામાં રોમાંચક લાગતું હશે પણ અસલ જિંદગીમાં એ શક્ય નથી.
તારી સાથે મારી આખી જિંદગી વિતાવવાનું સપનું જોયું હતું મેં, પણ કદાચ ભાગ્યને એ મંજુર નહીં હોય. તું તારા જીવનમાં આગળ વધે અને સુખેથી જિંદગી પસાર કરે એજ મારી છેલ્લી ઈચ્છા છે, માંબાબાનું ધ્યાન રાખજે અને મિથિલાને પ્રેમ આપજે.

લિખિતંગ
રાવિકા રાઠોડક્રમશ: