MOJISTAN - 59 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 59

મોજીસ્તાન - 59

મોજીસ્તાન (59)

"હું તે દિવસે સાંજે દવાખાનાના બધા દર્દીઓને તપાસીને મારા કવાટર પર સાંજે સાત વાગ્યે ગયો હતો.કોણ જાણે મને એ દિવસે બહુ ગમતું નહોતું.અંદરથી જ એવો કોઈ અવાજ આવી રહ્યો હતો કે ડોકટર આજની રાતે કંઈક ન બનવાનું બનવાનું છે. મુળજીભગતને ત્યાંથી મારું ટિફિન આવ્યું એટલે હું જમ્યો. મૂળજીભગતના પત્ની બિચારાં બહુ માયાળુ છે.મારા પર એમનો બહુ સારો ભાવ છે.મને જમાડીને ભગવાનને જમાડ્યા હોય એમ રાજી થાય છે.મને કાયમ કહે છે કે દાગતર સાહેબ તમે તો ભગવાન જ કે'વાવ.તમે અમારા ઘરનું ટિફિન જમીને અમો પર બહુ મોટો ઉપકાર કર્યો છે.અમને પુન્ય કમાવાની તક દીધી છે..હું લોજિંગ આપવાની વાત કરું છું તો મુળજીભગત હાથ જોડીને ના પાડે. આ ગામમાં આવા લાગણીશીલ માણસો હોવાથી જ હું અહીં ટકી ગયો છું.નહિતર છેક અમદાવાદથી અહીં કોણ આવે ?મારું કુટુંબ મૂકીને હું અહીં આ ગામમાં આવીને દવાખાનાની નોકરીમાં રહ્યોં છું કારણ કે આ ગામેં મને ક્યારેય પારકો ગણ્યો જ નથી.."

ડો.લાભુ રામાણીએ પંચાયતમાં એકઠી થયેલી ગ્રામ જનતાને જોઈ તે રાતે બનેલી ઘટનાની રજે રજ વાત કરવાની શરૂઆત કરી. પણ એ ઘટના તરફ જતા પહેલાં ડોક્ટર જે લાંબી પ્રસ્તાવના બાંધી રહ્યાં હતાં એ સાંભળીને હુકમચંદ કંટાળી રહ્યો હતો.તખુભાને તો બોટાદની વાડોદરિયા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એટલે તેઓ આ સભામાં હાજર નહોતા.

"દાગતર..મૂળ વાત પર આવોને ભાઈશાબ.." હુકમચંદે ઉભા થઈને ડોકટરના કાનમાં હળવેથી કહ્યું.

પણ, ડોક્ટરને આજ ઘણા દિવસે માઈક હાથમાં આવ્યું હતું. સાંભળનાર હોય તો વક્તાને માઈક જલ્દી મૂકવું ગમતું હોતું નથી.અહીં તો હજી શરૂઆત જ હતી !

"હા,ભાઈ હા, હું આપ સૌનો વધુ ટાઈમ નહિ લઉં. મને ખબર છે કે આપ સૌ થાક્યા પાક્યા આવ્યા હોવ.આખો દિવસ ખેતી અને બીજા બિઝનેસમાં આપ સૌ ખૂબ મહેનત કરો છો.ખરેખર આ ગામ ખૂબ મહેનતુ અને પ્રામાણિક લોકોનું છે.લોકોએ મને ખુબ માન આપ્યું છે.અને હજી પણ આપ સૌ મને માનથી જ જુઓ છો.હું પણ આપ સૌની અંદર, ચામડીમાં મલમ ઉતરી જાય એમ ઉતરી ગયો છું..!" કહી ડોક્ટરે સ્ટેજ પર બેઠેલા હુકમચંદ, તભાભાભા અને વજુશેઠ તરફ જોઈને થોડું હાસ્ય વેર્યું.

તભાભાભા તો એ રાતે બનેલા બનાવ પછી સાવ સુનમુન થઈ ગયા હતા.એ રાતે લખમણિયાનું ભૂત સાવ ખાટલે આવીને બેસી ગયું હતું.પોતે માંડ જીવ બચાવી શક્યા હતા.ગામલોકો તો 'ભાભા તો ગિયા' એમ સમજીને એમને કાઢી જવા ઉતાવળા થયા હતા.

સ્ટેજ પર બેઠેલા અન્ય મહાનુભાવોમાં રવજી અને સવજી પણ હતાં.એ કોઈએ ડોકટરે વેરેલું હાસ્ય ઝીલ્યું નહિ એટલે ડોક્ટરે નિરાશ થઈ એ આગળ ચલાવ્યું..

" હા તો વ્હાલા ગ્રામજનો,આટલી પૂર્વભૂમિકા પછી હું તે દિવસે રાતે જે બન્યું એની વાત કરું છું.આપ સૌને માનવામાં આવે કે ન આવે પણ હું જે કહેવા જઈ રહ્યો છું એ સંપૂર્ણ અને હન્ડ્રેડ પરસન્ટ સત્ય છે.એક ડોકટર તરીકે મારો, માત્ર આ ગામના અને ફરતાં ગામમાંથી પણ જે પેશન્ટ આવે એમની સારવાર કરવાનો ઉમદા હેતુ છે.મારે કોઈની પાસેથી કશું લેવાનું નથી. સરકાર મને જે પગાર આપે છે એ પગાર કરતા વધારે રૂપિયાની હું દવાઓ દવાખાનામાં લાવું છું.હજી થોડા દિવસ પહેલા જ અરજણ નામનો એક ભરવાડ આવેલો.એને એમ કે હું માણસ સાથે ઘેટાં બકરાની પણ દવા કરતો હઈશ.બિચારા એ લોકો ઘેટાં બકરાં ચરાવતા હોય તો એમની સમજણ પ્રમાણે જ વાત કરે ને ! હું આમાં એ લોકોનો કોઈ દોષ જોતો નથી.હા, તો એ અરજણે મને કહ્યું કે દાગતરશાબ મારી બકરી આખી રાત બેં.. બેં.. કરે છે.ખાતી નથી પીતી નથી અને બસ જ્યારે જોવી ત્યારે બેં..બેં.. બેં... તો એની કાંક દવા હોય તો દયો.." આમ કહી ડોકટર હસ્યાં અને થોડીવાર થંભ્યા.

ડોકટરની વાત સાંભળીને ઓડિયન્સમાં હાસ્યનું હળવું મોજું ઉતપન્ન થઈને તરત શમી ગયું.ડોકટરને એમ હતું કે લોકો તાળીઓ પણ પાડશે પણ કોઈએ આ વાત પર તાળીઓ ન પાડી.

એટલે ડોક્ટરે આગળ ચલાવ્યું..

" શહેરમાં મેં આવી વાત કરી હોત તો લોકોએ તાળીઓનો ગડગડાટ કરી મુક્યો હોત. પણ અહીં ગામની જનતા છે.જનતા બધે સરખી ન પણ હોય.જેમ જમીનમાં ક્યાંક ખાડા હોય તો ક્યાંક ટેકરા હોય, ક્યાંક કાળી માટી હોય તો ક્યાંક ગોરાડું જમીન પણ જોવા મળે છે. અમદાવાદ જેવા વિસ્તારોમાં રેતાળ જમીન પણ હોય છે.પણ જમીન તો જમીન જ કહેવાય..

હા, તો મૂળ વાત એમ હતી કે એ અરજણ મને ઢોર ડોકટર સમજ્યો, છતાં મને એની વાતની જરાય ઓછું આવ્યું નહોતું.કારણ કે એ બિચારો અરજણ છે જ્યારે હું એક ડોકટર છે.તમને કહેતા મને આનંદ થશે કે એ અરજણ નિરાશ ન થાય એટલા સારું એના ઘેર જઈને એની બકરીને તપાસી હતી.બિચારી બકરીને એક હજાર પાંચ તાવ હતો.આપણે માણસોમાં મેક્સિમમ કહેતા વધુમાં વધુ એકસો ચાર કે પાંચ તાવ હોય તો તરત બાટલા ચડાવવા પડે.પણ બકરાંમાં એક હજાર સુધી નોર્મલ હોય છે.પણ અરજણની બકરીને પાંચ અંશ જેટલુ તાપમાન વધુ હોવાથી મેં એને તરત ઠંડા પાણીના પોતા ચાલુ કરાવીને પેરાસીટામોલની વીસ ગોળી અને દસ ઈન્જેકશન આપી દીધા.અને તમે નહિ માનો એ બકરી તરત બેં બેં કરતી બંધ થઈ ગયેલી..!" કહી ડોક્ટરે સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો તરફ જોયું.

ઓડિયન્સમાં ગણગણાટ ચાલુ થઈ ગયો. ગામમાં કોઈ અરજણ ભરવાડ તો હતો નહિ, છતાં આ ડોકટર ભરવાડની બકરીના તાવની વાત હાંકી રહ્યો છે એ કોઈને ગળે ઉતરતું નહોતું.

છેક છેલ્લે બેઠેલા ટોળામાંથી એ જ વખતે એક ભરવાડ ઉભો થઈને બોલ્યો,

" તે તમારી ડોહી બેં બેં કરતી બન જ થઈ જાય ને. તમે ગોળીયું ને અંજીસન દીધા પછી તરત બકરી મરી જઈ'તી.. હાલી હું નીકળ્યા સો.પછી તમને બે ભાંઠા નાખ્યા એટલે બકરીના પાંસ હજાર ઉભા ઉભા ગણી દીધા'તા.અને હજી પાંસ હજાર બાકી સે. ઈ વાત કરવાનું પાસા ભૂલી નો જાતા દાગતર... હું ઈ પાંસ હજાર લેવા જ આયો સુ.પણ તમે ભાષણ કરતા'તા તે કીધું ઘડીક હાંભળું.. પૈસા ચ્યાં ભાગી જાવના સે..લ્યો હવે પૂરું કરો.હું આંય બેઠો સુ."

ઓડિયન્સની બધી જ આંખો એ ભરવાડ તરફ નોંધાઈ. એ ભરવાડ હતો જગાનો ભાઈ ભુરો ભરવાડ ! ડોક્ટરે હાંકેલો ગપગોળો સાંભળી ભૂરાએ ઊભાં થઈને બકરી મારી નાખી.અને પાંચ હજારની ઉઘરાણી ઉભી કરીને એ બેસી ગયો.

ડૉક્ટરે સભામાં મચેલો દેકારો શાંત કરતાં આગળ ચલાવ્યું..

"એટલે મારુ એમ કહેવાનું કે હું તો માણસનો ડોકટર છું છતાં જનાવરોને બચાવવાની કોશિશ કરવામાં મેં ક્યારેય પાછી પાની કરી નથી.જનાવરની જિંદગી પુરી થઈ ગઈ હોય ત્યાં આપણું શું ચાલે ? છતાં એ ભરવાડ નારાજ થઈ ગયો એટલે મેં એને પૈસા આપીને રાજી કરી દીધેલો.."

સ્ટેજ પરથી હુકમચંદ કંટાળીને ફરી ઉભો થયો.ડોકટર પાસે આવીને એણે કહ્યું, " ડોકટર, તમે શું વાત કરવા બધાને ભેગા કર્યા છે અને શું વાત તમે કરો છો..આડી અવળી વાતો કર્યા વગર એ રાતે શુ બન્યું એ જલ્દી કહો તો સારું."

" હા હા સરપંચ સાહેબ, હું એ મુદ્દા પર જ આવી રહ્યો છું.." કહી ડોક્ટરે જનતા સામે મોં ફેરવી ચાલુ કર્યું,

" હા તો દોસ્તો, આ ગામ મને મારા વતન જેટલું જ પ્યારું છે.અને આ ગામના સ્ત્રી પુરુષો અને બાળકોને હું મારો પરિવાર જ ગણું છું.હું રાતે પણ હંમેશા જાગતો જ સુવ છું.કારણ કે દર્દી ગમે ત્યારે આવી ચડે.બીમારી કંઈ કોઈને પૂછીને આવતી નથી, એ તો આપ સૌ જાણો જ છો. એટલે એક ડૉક્ટરનું કર્તવ્ય છે કે હંમેશા જાગતો સુવે.જેમ સરહદ પર સૈનિકો જાગતા રહે છે એમ જ ! કારણ કે સૈનિકોને દેશની સરહદ સાચવવાની હોય છે.કોઈ આતંકવાદી ન ઘુસી આવે કે કોઈ દુશ્મન અચાનક દેશ ઉપર હુમલો ન કરી બેસે એ માટે દરેક દેશને સતર્ક રહેવું પડે છે.એ માટે દરેક દેશ લશ્કર રાખે છે.એવી રીતે આપ સૌના સ્વાસ્થયની સરહદ પર ડોકટર નામના સૈનિકે સતત જાગૃત રહેવું જોઈએ. મારા વર્ષોના અનુભવનો નિચોડ મેં આ ગામમાં નિતાર્યો છે ! કારણ કે અનુભવ એ એક મોટું ભાથું છે. એક કહેવત અમારે ભણવામાં આવતી કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. માટે હે ગામની જનતા જનાર્દન, આપ સૌની સેવામાં આ ડો લાભુ રામણીએ ક્યારેય પોતાનો લાભ જોયો નથી.કારણ કે હું એક સાચો ડોકટર છું.સાચો ડોકટર એ જ છે જે પોતાના કરતા દર્દીને કેમ લાભ થાય એ વિચારે..!

ઘણા ડોક્ટરો પોતાની ફી છોડતા નથી. હું આવા જ એક ડોકટર મેશવાણિયાને ઓળખું છું.એક દર્દીને તાવ આવતો હતો.એટલે એમણે ઈન્જેકશન આપી દીધું.પછી દર્દી પાસે દવા અને ઇન્જેક્શનના પૈસા નહોતા.તમે નહિ માનો, પણ એ ડોક્ટરે દવાઓ તો પાછી લઈ લીધી પણ દર્દીને ફરી સુવડાવીને ઈન્જેકશન પણ પાછું ખેંચી લીધું બોલો !!" કહી ડોક્ટરે સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો તરફ જોઈ હાસ્યની પિચકારી મારતા હોય એમ ખડખડાટ હસી નાખ્યું. ડોકટરનો આ બીજો ગોળો સાંભળીને ગામલોકો પણ હસી પડ્યા..!

હવે વજુશેઠ,તભાભાભા અને રવજી સવજી પણ કંટાળ્યા હતાં. ડોકટર મૂળ વાત પર આવવાને બદલે આડી તેડી વાતો કરીને સમય બગાડી રહ્યો હતો.ગામમાં ફેલાયેલી અફવાઓને કારણે સાચી હકીકત જાણવા માટે જ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેથી ભૂત વિશેની હકીકત બહાર આવે.કારણ કે લખમણનું ભૂત સૌ પ્રથમ તભાભાભાએ અને ત્યારબાદ તખુભાએ પણ જોયું હતું.તખુભા અત્યારે હોસ્પિટલમાં હોવાથી સાચી વાત કરી શકે એવી હાલતમાં નહોતા અને તભાભાભા તો યમસદન જઈને પુન: ગામનો ઉદ્ધાર કરવા પરત ફર્યા હતા પણ ભૂતે એમની વાચા હરી લીધી હતી. એ રાતના બનાવ પછી આજ દિવસ સુધી એમણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહતો..!

"દાગતર તે દી રાતે શુ બન્યું'તું એની વાત કરવી હોય તો કરો નકર વેતીના પડો.. ચયારના મેથી મારો છો..હવે હદ થઈ છે !'' વજુશેઠે ડોકટર પાસે આવીને એમના કાનમાં ફૂંક મારી...

"હા..હા..હું હવે એ મુદ્દા પર જ આવી રહ્યો છું.આ પહેલા પણ હું આ મુદ્દા સુધી આવી જ ગયો હતો પણ એ વખતે હુકમચંદજીએ મને અટકાવીને વાત ભૂલવાડી દીધી.હું માંડ માંડ વાતની પૂર્વભૂમિકા બાંધુ છું ત્યારે જ તમે લોકો ખોટી ઉતાવળ કરીને મને ભૂલવાડી દો છો.જેમ તમારો સમય બગડી રહ્યો છે એમ મારો સમય પણ બગડી રહ્યોં છે.અને એક ડોકટરનો સમય કેટલો કિંમતી હોય છે એ તમને લોકોને ક્યાંથી સમજાશે..એક ચપટી સિંદૂર કી કિંમત આપ કયા જાનો રાજાબાબુ...! હું ક્યારેય નવરો નથી હોતો. જ્યારે હું દવાખાનામાં હોઉં છું ત્યારે તો દર્દીઓની સારવારમાં જ મારી એક એક સેકન્ડ, મિનિટ અને કલાકો જતા રહે છે.અને જ્યારે હું મારા ક્વાટર પર એકલો હોઉં છું ત્યારે દિવસે જેટલા દર્દી આવ્યા હોય એ બધાના રોગ વિશે અને એ બધા રોગોને કેમ જલ્દી મટાડી શકાય એના વિશે સતત વિચારતો રહું છું.મેં કેટલીય એવી દવાઓ પણ વિકસાવી છે જે આપણા આયુર્વેદમાં પહેલા હતી.પણ કાળેક્રમે એ દવાઓ અને એના ઉપયોગ વિસરતા ગયા છે.હજારો વર્ષોથી આપણા મહાન ઋષિઓએ જે સંશોધનો કર્યા છે એ અત્યંત મહત્વના અને સૌથી ઉત્તમ હતા.એ ઔષધો રામબાણ ઈલાજ હતા.પણ આપણે આંધળું અનુકરણ કરીને વિદેશી દવાઓ અપનાવી અને અનેક નવા રોગોને નોતર્યા.યાદ રાખજો મિત્રો, આ વિદેશી તાકાતો નવી નવી દવાઓ જ નથી શોધતા, એ લોકો રોગનું પણ સંશોધન કરે છે.પહેલા વાયરસ અને બેક્ટેરિયાનું ઉત્પાદન કરે છે અને એ વાયરસથી રોગચાળો ફેલાવે છે અને પછી એની દવાઓ વેચે છે.આમ આપણે એ લોકોના ચક્કરમાં ફસાઈ ગયા છીએ.હવે આમાંથી કેમ આપણા દેશને બહાર લાવવો એ માટેનું મનોમંથન હું રાત દિવસ જાગીને કર્યા કરતો હોઉં છું.તમને આ ડોકટર લાભુ રામાણી કદાચ ઘનચક્કર જેવો લાગતો હશે.હા, મને ખબર છે મારી પીઠ પાછળ મને ડોકટર ચકળવકળ કહેવામાં આવે છે.હા, હું ચકળવકળ છું.મને કહેવા દો કે લોકોના આરોગ્ય માટે હું હંમેશા ચકળવકળ જ રહીશ..
ચકળવકળ એટલે ચારે તરફ જોયા કરતો વ્યક્તિ..હા, હું ભલે શહેરમાં રહ્યોં છું પણ મને દેશી શબ્દોની સમજ છે.કારણ કે મારું બચપણ ગામડામાં વીત્યું છે.મારો પરિવાર પણ ખેડૂત પરિવાર હતો.

તો મિત્રો, રાત ઘણી વીતી ગઈ છે. મૂળ મુદ્દો કહેવાનો હતો પણ હુકમચંદજી અને માનનીય વજુશેઠજીની ઉતાવળ આપણને આ પ્રસંગે નડી છે.મેં ફરીવાર પૂર્વ ભૂમિકા બાંધવાની કોશિશ કરી પણ આ વખતે હું બિલકુલ નાકામિયાબ રહેવા પામ્યો છું.અને ભૂમિકા વગર હું કોઈપણ શરૂઆત કરી શકતો નથી. પણ હું એટલું ચોક્કસ કહીશ કે લખમણ
નામની વ્યક્તિ ભૂત થયેલ છે.મેં મારી સગી આંખે એ ભૂતને તખુભાની છાતીમાંથી એમનું હૃદય કાઢવાની તૈયારીમાં જોયું છે.જો હું સમયસર એમની પાસે પહોંચ્યો ન હોત તો આજે તખુભાની શોકસભા આપણે રાખવી પડી હોત.એ લખમણ ભૂત તભાભાભાને લેવા પણ આવેલું હતું.પણ તભાભાભા તો જ્ઞાની પુરુષ છે.બ્રહ્મતેજના એ તણખા આગળ આવા હજારો ભૂત બળીને ખાખ થઈ જાય એવી તાકાત હોય છે.દોસ્તો આપણી વચ્ચે આવા મહાન અને તેજસ્વી તથા ઓજસ્વી મહામાનવ આજે જીવતા જાગતા બેઠા છે એનું એક માત્ર કારણ એ છે કે આપણે સૌ ખૂબ ખૂબ અને ખૂબ જ નસીબદાર, ભાગ્યવાન છીએ.મેં એ લખમણના ભૂતના શરીર પર બેટરીનો પ્રકાશ ફેંક્યો એ સાથે જ એ ભૂત ભયંકર બનીને મારી સામું થયું..પછી જે બન્યું એની વિગતવાર ચર્ચા આપણે પછી કરીશું. કારણ કે હવે હું આગળ વાત કરી શકીશ નહિ..મારે પૂર્વભૂમિકા બાંધવી જરૂરી હોય છે.પણ સ્ટેજ પર બિરાજમાન ગામના સરપંચ અને ગામના આગેવાન લોકો કોઈની વાત સાંભળવાની ધીરજ રાખી શકતા હોત તો એ શક્ય બન્યું હોત. મિત્રો એટલું યાદ રાખજો કે ક્યારેય ઉતાવળે આંબા પાકતા નથી હોતા.અને ધીરજના ફળ હંમેશા મીઠા જ હોય છે.પણ આજકાલ લોકોને ધીરજની કિંમત નથી..એટલે ઉતાવળ કરી બેસે છે.ઉતાવળે લીધેલો નિર્ણય ક્યારેક અત્યંત ભૂલ ભરેલો સાબિત થાય છે.આ પ્રસંગે આવો જ એક કિસ્સો મને યાદ આવે છે..."

ડોકટરના એકધારા બફાટથી કંટાળેલા વજુશેઠ ઉભા થઈ ગયા.ડોકટર પાસે આવીને એમણે ડોકટરના હાથમાંથી માઈક ખેંચવાનો પ્રયત્ન કરતા કહ્યું,

" મહેરબાની કરીને આપનું મોં માથા વગરનું આ ભાષણ બંધ કરો..આપશ્રીએ આપનો કિંમતી સમય ગામના ભલા માટે વાપર્યો છે એ બદલ અમો જન્મોજન્મ આપના ઋણી રહીશું.પણ ભલા થઈને અત્યારે માઈક મૂકીને તમારા નિવસ્થાન તરફ પ્રયાણ કરીને અમારી સૌ ઉપર વધુ એક ઉપકાર કરવા હું આ ગામનો આગેવાન વજુશેઠ આપને વિનવી રહ્યો છું. આપની વાકધારામાં સ્નાન કરીને અમે સૌ પવિત્ર થઈ ગયા છીએ..આપ હવે થાકી પણ ગયા હશો એટલે આપ હવે વિરમો..!"


વજુશેઠે માઈક આંચકવાની કોશિશ કરી પણ ડોક્ટરે માઈક મૂક્યું નહિ.એટલે હુકમચંદ પણ વજુશેઠની વ્હારે આવ્યાં.ડોકટરના હાથમાંથી માઈક છોડાવવા એમણે પણ ડોકટરનો હાથ પકડ્યો.

એ જોઈ ડોકટર દ્વારા તાજા જ જાહેર કરાયેલા મહાજ્ઞાની, તેજસ્વી અને ઓજસ્વી પુરુષ એવા તભાભાભા ડોકટરને મદદ કરવા ઉઠ્યાં.હુકમચંદ અને વજુશેઠ ડોકટરના હાથમાંથી માઈક ખૂંચવી લેવા પ્રયત્ન કરતાં હતાં. તભાભાભાએ આવીને વજુશેઠના પડખામાં આંગળીનો ગોદો માર્યો.અને હુકમચંદના પગના પંજા પર પોતાનો પગ મુકી તેઓ ઊંચા થયા..

"તભાભાભા, મારો પગ કચરો છો તમે.." હુકમચંદે રાડ પાડી. માઈક હજી ચાલુ જ હતું. એટલે ઓડિયન્સને સ્ટેજ પર શરૂ થયેલા નાટકના સંવાદો પણ સંભળાઈ રહયા હતા.

" વજુશેઠ માઈક મૂકી દયો મહેરબાની કરીને..ડોકટરને વાત પૂરી કરી લેવા દયો કહું છું." તભાભાભાએ ઊંચા અવાજે કહી વજુશેઠની બોચી પકડી.

"એ ક્યારનો બફાટ કરે છે..એને હવે બેસાડવો જરૂરી છે.ગોર તમે મને ગોદા ન મારો..આ તમને નથી શોભતું.. કહું છું મારી બોચી મૂકી દો.."

હુકમચંદે ભાભાના પગ નીચે કચડાયેલો પોતાનો પંજો બહાર કાઢીને ભાભાને ધક્કો માર્યો. ભાભાએ વજુશેઠની બોચી પકડી હોવાથી ભાભા વજુશેઠને લઈને ગબડયા. વજુશેઠના હાથમાં ડોક્ટરે પકડેલું માઈક હોવાથી ડોકટર પણ ખેંચાયા.પહેલા ભાભા પડ્યા, એની ઉપર વજુશેઠ અને એની ઉપર ડોકટર પડ્યા.એ જોઈ રવજી અને સવજી ઉભા થઈને દોડ્યા.સ્ટેજ પર ઢગલો થયેલા પેલા ત્રણેય ને ઉભા કરવા સવજીએ પહેલા ડોકટરનો હાથ ખેંચ્યો.

હુકમચંદનો પગ ભાભાએ કચર્યો હોવાથી વજુશેઠ નીચે દબાયેલા ભાભાના પગ પર ચડીને હુકમચંદે બદલો લીધો.એ સાથે જ માઈકમાં ભાભાની રાડ સંભળાઈ,

"નીચ હુકમચંદ, બ્રાહ્મણનો પગ કચરતાં તને શરમ આવવી જોઈએ.. સાલા નાલાયક..!"

ભાભાની રાડ અને સ્ટેજ પર મચેલું દંગલ જોઈએ નીચે બેઠેલા લોકો પણ ઉભા થઈને સ્ટેજ પર ચડ્યાં. ભાભાને તેજસ્વી પુરુષ કહીને ડોક્ટરે પોતાનો પક્ષ મજબૂત કરી લીધો હતો.હજી માઈક ડોકટરના હાથમાં જ હતું.
એનો લાભ લેતા ડોક્ટરે મોં માઈક તરફ લંબાવ્યું,

"ગામલોકો, આજે આ સ્ટેજ પર એક મુરબ્બી બ્રાહ્મણના પગ પર સરપંચ ચડી ગયા છે.ભાભાના બંને પગના હાડકાં ભાંગવાનો અવાજ મેં સાંભળ્યો છે..બચાવો કોઈ બચાવો..."

એ અવાજ સાંભળીને ટોળામાંથી ઘુસેલા ચંચાએ પાછળથી હુકમચંદના માથામાં જોરથી થપાટ ઠોકી.હુકમચંદે ચમકીને પાછળ જોયું તો માનસંગ ઉભો હતો.સરપંચ સમજ્યો કે માનસંગે જ મને ઝાપટ મારી.

"તારી જાત્યના મને સોલાવા મારછ ? તારા ડોહાના પગ નથી ભાંગ્યા.. ડોકટર ખોટું બોલે છે.." કહી હુકમચંદે માનસંગને એક તમાચો મારી દીધો.

માનસંગ અમથોય ફાટેલ મગજનો હતો.કારણ વગર કોઈ એનું નામ પણ લઈ શકતું નહિ એને બદલે આખું ગામ જુએ તેમ સરપંચે એને લાફો માર્યો હતો.

"તારી માનો..@#%& મને લાફો ચીમ માર્યો."ગાળ દઈને એણે હુકમચંદના શર્ટનો કોલર પકડીને પેટમાં ઢીકો ઠોકયો.ચંચો હજી ત્યાં જ હતો. ઝડપથી હુકમચંદની પાછળ જઈ એણે હુકમચંદના ગોઠણ પર લાત મારી.હુકમચંદના પગ એ લાતના પ્રહારથી વળી ગયા અને સ્ટેજ પર ફસડાઈ પડ્યો.

હુકમચંદ પડ્યો ત્યારે સવજીએ ડોકટરનો હાથ પકડીને એને ઉભો કર્યો હતો.અને વજુશેઠ હળવેથી ઉભા થઈ રહ્યાં હતાં.ભાભાના પગ હુકમચંદે એના બુટ નીચે કચર્યા હોવાથી ભાભા કણસી રહ્યાં હતાં.ચંચાએ મારેલી લાતથી ગબડેલો હુકમચંદ ઉભા થઈ રહેલા વજુશેઠ સાથે અથડાઈને ભાભા પાસે પડ્યો. વજુશેઠ હુકમચંદની ટકકરથી ગળોટિયું ખાઈને થોડે જઈ પડ્યાં. આ બધું એટલી ઝડપથી બન્યું કે સ્ટેજ પર ચડેલા બીજા લોકોને કંઈ સમજાયું નહીં.ચંચો લોકોના ટોળા પાછળ સંતાઈને હુકમચંદનો ઘાણ
કાઢી રહ્યો હતો.
સ્ટેજ પર મચેલી ધમાલનો લાભ લઈ લાભુ રામાણી સ્ટેજ પરથી ઉતરીને ઝડપથી પંચાયતમાંથી બહાર નીકળ્યો.પેલું માઈક વાયરલેસ હોવાથી હજી તેના હાથમાં જ હતું.એને જતો જોઈ પંચાયતના દરવાજા પાસે બેઠેલો ભુરો ભરવાડ ઉભો થયો.

"એ દાગતરશાબ..મારી બકરીના પાંસ હજાર લાવો..'' કહી એને ડૉક્ટરનો હાથ પકડ્યો.

પણ એ બિચારો ભુરો ભરવાડ આ ડો.લાભુ રામાણીને હજી ક્યાં ઓળખતો હતો !

"હા, હા, ચાલ મારી જોડે..તને પાંચ હજાર આપી દવ.." કહી ડોકટર ચાલવા લાગ્યા.

મફતના પાંચ હજાર મળી રહેલા જોઈ ભુરો પોરસાયો.પોતાની બુદ્ધિ ચાલી એ બદલ એ ગર્વ અનુભવીને ડોકટરની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

પણ, એ બિચારો ક્યાં જાણતો હતો કે પાંચ હજારની લાલચ એને કેટલી ભારે પડવાની
હતી !!

(ક્રમશ :)

Rate & Review

Balramgar Gusai

Balramgar Gusai 3 months ago

TARABEN Chauhan

TARABEN Chauhan 6 months ago

Balkrishna patel

Balkrishna patel 7 months ago

Parash Dhulia

Parash Dhulia 8 months ago

Anirudhsinh

Anirudhsinh 8 months ago