Apshukan - 16 in Gujarati Novel Episodes by Bina Kapadia books and stories PDF | અપશુકન - ભાગ - 16

અપશુકન - ભાગ - 16

અંતરા પર્લની સ્કૂલના બસસ્ટોપ પર ઊભી હતી. પર્લનો આવવાનો સમય થઈ ગયો હતો. બસ આવી. પર્લ ઉદાસ ચહેરે બસમાંથી ઊતરી. તેના વાળ વિખરાયેલા હતા. અંતરા થોડી ડઘાઇ ગઇ. તેણે તરત જ પર્લને પૂછ્યું...

“શું થયું પર્લ? તારા વાળ આટલા વિખાઇ કેવી રીતે ગયા?”

પર્લ કંઈ જ ન બોલી, પણ તેના ચહેરાના હાવભાવ પરથી અંતરા સમજી ગઇ કે તે ખૂબ જ ગુસ્સામાં છે, એટલે એ સમયે અંતરાને મૌન રહેવાનું જ ઉચિત લાગ્યું.

કપડાં બદલીને પર્લ હોલમાં આવી. તેણે ટીવી ચાલુ કર્યું. અંતરાએ તેના હાથમા જમવાની થાળી આપી.

“મને ભૂખ નથી.” છેલ્લા થોડા દિવસથી સ્કૂલમાંથી આવીને પર્લ આ જ ડાયલોગ બોલતી હતી.. એટલે અંતરાને ખબર હતી કે આજે પણ આ જ ડાયલોગ આવવાના છે.

“આજે મેં તારા માટે દૂધીનો હલવો બનાવ્યો છે. તું ચાખી તો જો. બહુ સરસ બન્યો છે, કહીને અંતરાએ તેના મોઢામાં એક ચમચી હલવો ખવડાવી જ દીધો.

પર્લ ટીવી જોતી રહી. તેની આંખમાંથી દડ દડ આંસુ વહેતા ગયા. અને અંતરા તેને પટાવી પટાવીને રોટલી, શાક દાળ સાથે હલવો ખવડાવતી ગઈ. પર્લને રડતી જોઇને અંતરા પણ ઢીલી પડી ગઇ.અંતરા પર્લનું દર્દ બરાબર સમજી શકતી હતી. મહામહેનતે તેણે પોતાના આંસુઓને ગાલ પર આવતાં રોક્યા. પર્લ માટે પાણી લઈ આવવાના બહાને રસોડામાં જઈને અંતરા પોતાનાં આંસુ લૂછી આવી.

ઈશ્વરે માંને કેવી ઘડી છે ને! સંતાનના સુખે સુખી અને દુઃખે દુઃખી રહે તે માં. સંતાનને પોતાનું દુઃખ કહેવાનીય જરૂર નથી પડતી. માં બધું સમજી જાય છે. એટલે જ પર્લને રડતી જોઈ ત્યારે અંતરા પર્લનું દુઃખ મેહસૂસ કરી શકતી હતી. પોતાની દીકરી તકલીફમાં છે, એ જોઇને અંતરા પોતે દુઃખી થઈ ગઈ...ધન્ય છે ઈશ્વર તું!! તે માં જેવું અનમોલ રતન માણસને આપ્યું.

જમી લીધા પછી પર્લ થોડી મૂડમાં આવી એટલે અંતરાએ કહ્યું, “પર્લ, હવે બોલ...શું થયું બસમાં?”

“મમ્મી, મારા ક્લાસમાં નિરવી છે ને તે મારી જ બસમાં આવે છે. તેનું પાંચ- છ છોકરીઓનું ગ્રુપ છે. ક્લાસમાં એ લોકો મને ' છ આંગળીઓ વાળી', 'છ આંગળીઓ વાળી' કહીને ચીડવે છે. હવે નિરવીએ બસની તેની બીજી ફ્રેન્ડસ સાથે મારો મજાક ઉડાડવાનું શરૂ કરી દીધું. આજે એ મને ક્યારની ચિડવતી હતી... એ છ આંગળીઓ વાળી, એ છ આંગળીઓ વાળી...'

પહેલાં તો મેં તેમને જવાબ જ ન આપ્યો. તો એ બધી મારા પર જોરજોરથી હસવા લાગી. પછી મને બહુ ગુસ્સો આવ્યો એટલે મેં તેની પાસે જઈને તેના વાળ ખેંચ્યા. સામે એણે પણ મારા વાળ ખેંચ્યા. પછી બસમાં જે કેરટેકર આન્ટી આવે છે, એણે ગુસ્સો કરીને અમને બંનેને છૂટા પાડ્યાં."

આટલું બોલીને પર્લ માંને ભેટીને જોરજોરથી રડવા લાગી...

“મમ્મી, તેના વાળ ખેંચવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ એ લોકો મને ક્યારના ચીડવી રહ્યાં હતાં. પછી મારો ગુસ્સો કંટ્રોલમાં ન રહ્યો.”

“તું ચિંતા ન કર. કાલે જ હું તારી સ્કૂલમાં આવું છું. તારી સ્કૂલ છૂટવાના સમયે તારી કલાસ ટીચરને મળું છું, અને નિરવીની કંપ્લેન કરું છુ. ભલે ટીચર તેની મમ્મીને બોલાવે...એટલે એને પણ ખબર પડે. જો ક્લાસ ટિચરની વાત એ લોકો નહિ સાંભળે તો આપણે પ્રિંસીપાલ મેડમને ફરિયાદ કરીશું. તું જરાય ફિકર ન કર. ઓ કે? ચાલ, હવે સૂવું હોય તો સુઈ જા થોડી વાર...પછી ઊઠીને હોમ વર્ક કરવું છે ને!” અંતરાએ થાળી ઉપાડતાં કહ્યુ.

“મમ્મી, તું અહીંયા મારી બાજુમાં સૂઈશ?” પર્લે માં સામે જોયું.

“હા, હા... હું હાથ ધોઈ આવું.” અંતરાએ ખૂબ જ વ્હાલથી જવાબ આપ્યો.

હાથ ધોઈને તરત જ અંતરા સોફા પર આવી. પર્લ અંતરાના ખોળામા માથું રાખીને સૂઈ ગઇ. અંતરા તેના માથા પર હાથ પસરાવતી રહી અને વિચારતી રહી..

’ પર્લે આવો ગુસ્સો તો ક્યારેય નથી કર્યો! હંમેશા શાંત રહેનારી, ભણવામાં હોંશિયાર, બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેનારી ચુલબુલી પર્લને આ શું થઇ ગયું?? છોકરાઓએ તેને ચિડવી ચિડવીને મગજ ખરાબ કરી નાખ્યો છે.. કાલે ટીચરને મળું છું અને કાલ ને કાલ આ વાતનો નિવેડો લાવું છું.

***. *** **. ***

છોકરાઓ છૂટયા... બધી બસો ગઈ એટલે અંતરા ફિફથ સ્ટાન્ડર્ડની એ ડિવિઝનની પર્લની ક્લાસ ટીચર અંજલિ મિસ પાસે ગઇ...

“હેલો મેમ, પર્લ રાયચુરાસ મોમ, અંતરા...” લાઇટ પિંક કલરની કુર્તિમાં સજ્જ અંજલિ મિસ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. સાથે તેણે ઓક્સોડાઈઝની એસેસરીઝ પહેરી હતી, જે તેના કર્લી હેરને વધુ ખીલવી રહી હતી. સ્કૂલની સ્ટાઇલિશ ટીચર્સમાં અંજલિ મિસ નંબર વન પર રહેતી. બોલવામાં સ્વીટ પણ બાળકો સાથે સ્ટ્રિકટ પણ એટલી જ રહે.

“હેલ્લો, પ્લીઝ કમ.” અંજલિ મિસ અંતરાને એક કેબિન તરફ દોરી ગઇ. કેબિનનો દરવાજો બંધ કર્યો અને અંજલિ મિસ અંતરાની સામે ચેર પર ગોઠવાઇ.

“સારું થયું આજે તમે સ્કૂલમાં આવ્યાં. હું તમને ફોન કરીને બોલાવવાની જ હતી. ટેલ મી ફર્સ્ટ, વ્હાય યુ વોન્ટ ટુ મીટ મી?”

“મે’મ, ગઇ કાલે બસમાં નિરવી અને પર્લ વચ્ચે મારામારી થઈ ગઈ હતી.vબંનેએ એકબીજાના વાળ ખેંચ્યા હતા.”

“સ્ટ્રેંજ! આઇ ડોન્ટ નો અબાઉટ ધીસ!! પર્લ કે નિરવી બેમાંથી કોઈએ મને આ બાબત કંઈ જ કહ્યું નથી! એકઝેક્ટલી ઝઘડાનું કારણ શું હતું?” અંજલિ મિસે પૂરી વાત જાણવાની કોશિશ કરી.

“એકચુલ્લી, થોડા દિવસથી તમારા ક્લાસનાં બાળકો રીસેસમાં પર્લને છ આંગળીઓ વાળી’ કહીને ચિડવી રહ્યાં છે. ગઇ કાલે નિરવીએ બીજા બાળકો સાથે મળીને બસમાં પણ પર્લને ખૂબ જ ચિડવી. પર્લને ખૂબ જ ગુસ્સો આવ્યો. બંને વચ્ચે ઝઘડો થયો અને બંનેએ એકબીજાના વાળ ખેચ્યા.”

“ઓહ! આઇ સી...હું કાલે જ ક્લાસમાં બાળકોને વોર્નીગ આપી દઉં છું. પછી જોઉં છુ કે કોણ પર્લને ચિડાવે છે!!

ઈનફેકટ, મને પર્લ બાબત જ તમારી સાથે વાત કરવી હતી. તે હોંશિયાર છે, ફોકસ્ડ છે, પણ છેલ્લા થોડા દિવસથી હું નોટિસ કરી રહી છું કે તેનું લેક્ચરમાં ધ્યાન જ નથી હોતું!! ક્યાંક ખોવાયેલી જ રહે છે એ... પહેલાં તો એ બધી એક્ટીવિટીઝમાં ભાગ લઈ રહી હતી, પણ થોડા સમયથી એ રસ ઓછો દેખાડી રહી છે. આજકાલ એ વધુ ઉદાસ જ દેખાય છે. નહિ તો મેં પર્લના મોઢા પર હંમેશા મોટી સ્માઈલ જ જોઇ છે.”

આ સાંભળીને અંતરા એકદમ ટેન્શનમાં આવી ગઈ...પર્લ પર વધુ માનસિક દબાણ ન આવે તે માટે તેણે અંજલિ મિસને પૂછ્યું, “કેન વી ચેન્જ અવર ડિવિઝન?”

“નો,નો...ધેટ'સ્ નોટ ધ સોલ્યુશન. લેટ મી હેન્ડલ ધિસ સિચ્યુએશન, ઓ કે?” બોલીને અંજલિ મિસ ઊભી થઇ ગઇ. ”આઇ હેવ ટુ અટેન્ડ અ મિટિંગ...”

“ઓ. કે. મે’મ, પ્લીઝ ડુ ધ નીડફુલ... હવે મને પર્લની ખૂબ જ ચિંતા થઈ રહી છે.”

“ડોન્ટ વરી, એવરીથીંગ વિલ બી ઓ. કે.” બોલીને અંજલિ મિસ પ્રિન્સિપાલની કેબિનમાં જતી રહી.

અંતરાએ સ્કૂલ ગેટની બહાર નીકળીને ઓટો રિક્ષા પકડી. હવે તેનું મન વધારે ભારે થઇ ગયું. પર્લની ચિંતાથી તેનું મન આકુળ- વ્યાકુળ થઇ ગયું. રિક્ષા દોડતી હતી, પણ તેના કરતાં વધુ સ્પીડમાં તેના મગજમાં વિચારો દોડી રહ્યા હતા.

ક્રમશઃ

Rate & Review

Bijal Patel

Bijal Patel 5 months ago

Yogesh Raval

Yogesh Raval 7 months ago

Harsha

Harsha 8 months ago

Vijay

Vijay 9 months ago

Dhimant

Dhimant 10 months ago